રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ટોડાનરેશ રાવરત્નસિંહની કન્યા તારાબાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બાંકા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
ટોડાનરેશ રાવરત્નસિંહની કન્યા તારાબાઈ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
માહ–માલિક →


१५६–टोडानरेश राव रत्नसिंहनी
कन्या ताराबाई

રાણા હમીરના મૃત્યુને સો વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હતો. એ વખતે રાણા રાયમલ મેવાડમાં રાજ્ય કરતો હતો. ઇ. સ. ૧૪૭૪ સાલમાં એ મેવાડની ગાદી ઉ૫૨ અભિષિક્ત થયો હતો. અસાધારણ વીરતા અને ચરિત્રની પવિત્રતા માટે રાણા રાયમલ રજપૂતોના ઇતિહાસમાં વિશેષ પ્રસિદ્ધ છે. એ રાણા રાયમલને ત્રણ પુત્ર હતા. સંગ્રામસિંહ, પૃથ્વીરાજ અને જયમલ. એમાં પૃથ્વીરાજ ઘણો સાહસિક અને બળવાન હતો; પરંતુ એ ઘણો ઉદ્ધત સ્વભાવનો હોવાથી, પિતાએ તેને દેશપાર કર્યો હતો. બીજા બે પુત્રો પિતાની પાસે રહેતા હતા. થોડા સમય પછી સૌથી નાના પુત્રનું આયુષ્ય પૂરૂં થયું. ક્ષત્રિયોને ન છાજતું કાર્ય કરવા જતાં કુમાર જયમલ રાવ સુલતાન સોલંકીના સાળા સાંખલા રત્નસિંહને હાથે માર્યો ગયો હતો. સૌથી મોટા પુત્રે મેગલ બાદશાહ બાબર સાથે બહાદુરીથી યુદ્ધ કરીને ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. આપણે આ આખ્યાનમાં પૃથ્વીરાજનો પરિચય મેળવીશું.

ભારતવર્ષના પશ્ચિમ પ્રાંતમાં ટોડા નામનું એક નાનું સરખું રજપૂતોનું રાજ્ય હતું. રાવ રત્નસિંહ×[૧] એ સમયે ટોડાનો રાજા હતો. લલ્લા નામના એક જબરજસ્ત પઠાણે રાવ રતનસિંહને હરાવીને ટોડા ઉપર અધિકાર મેળવ્યો હતો. રાવ રત્નસિંહે સપરિવાર મેવાડ રાજ્યમાં આશ્રય લીધો હતો. તારાબાઈ એ રાવ રત્નસિંહની એકની એક ઘણીજ રૂપવતી કન્યા હતી.

એ પરમ સુંદરીના ચિત્તમાં ચિંતાની મોટી જ્વાળા સળગતી હતી. પિતા દેશવટો ભોગવે છે, પોતાનું રાજ્ય પરધર્મી પઠાણોના હાથમાં છે, એ વિચાર બહાદુર રજપૂતાણીને અસહ્ય થઈ પડ્યો હતો. પિતાને કોઈ પુત્ર નહોતો. પોતેજ તેનું એકમાત્ર સંતાન હતી. અબળા હોવા છતાં પણ સંતાન તરીકેનું કર્તવ્ય પૂર્ણ કરવાની જવાબદારી તેને માથે હતી. તારાબાઈએ મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે, “બીજું કોઈ મને મદદ નહિ કરે, તો હું જાતે યુદ્ધ કરીને પિતાના રાજ્યનો ઉદ્ધાર કરીશ.”

પહેલાંના સમયમાં રજપૂત કન્યાઓ કેવળ જનાનામાં બેસી રહેતી નહોતી; ઘણી વખત તેઓ યુદ્ધમાં ઉતરી પડતી અને તેટલા સારૂ તેમના પિતાએ બચપણથીજ તેમને કસરત કરાવતા તથા ઘોડેસવાર થવાનું અને હથિયાર ચલાવવાનું શિક્ષણ આપતા, તારાબાઈએ એ બધી વિદ્યાઓનો અભ્યાસ ઘણી કાળજીપૂર્વક કર્યો હતો અને અશ્વારોહણ તથા અસ્ત્રચાલનમાં એ ઘણી પ્રવીણ થઈ ગઈ હતી; પરંતુ હજાર તોયે તે એક અબળા હતી; રાવ રત્ન નિરાધાર હતો. કોઇ યોગ્ય રજપૂત વીરની મદદ વગર ટોડાનો ઉદ્ધાર થવાનો સંભવ નહોતો, બીજી તરફ તારાબાઈના રૂપ, ગુણ અને શૌર્યની વાત રાજસ્થાનમાં એટલી બધી પ્રસરી ગઈ હતી કે, તેની સાથે વિવાહ કરવાને અનેક રજપૂત યુવકો ઉત્સુક હતા. રાવ રત્નસિંહે ખબર ફેલાવી કે, “જે વીરપુરુષ ટોડા રાજ્યનો ઉદ્ધાર કરશે, તેને મારી એકની એક કન્યા તારાબાઈ વરશે.”

એક દિવસ તારાબાઈ અસ્ત્રશસ્ત્રથી સુસજ્જિત થઈને ઘોડા ઉપર બેસીને કંઈ જઈ રહી હતી, એવામાં રાણા રાયમલના કનિષ્ઠ પુત્ર જયમલની તેના ઉપર દૃષ્ટિ પડી. તેના સૌંદર્યથી જયમલ મુગ્ધ થઈ ગયો; પરંતુ રાવ રત્નસિંહનું પણ એ સારી પેઠે જાણતો હતો. એ પણનું રક્ષણ કર્યા વગર રૂપવતી વીરાંગના તારાબાઈને વરવાનો બીજો કોઈ ઉપાય નહતો. રાવ રત્નસિંહને પોતાની ઇચ્છા જણાવીને જયમલ સૈન્ય સાથે ટોડાનો ઉદ્ધાર કરવા ગયો; પણ એનું કાંઈ વળ્યું નહિ. પઠાણોને હાથે હારીને એ પાછો આવ્યો. હવે નિર્લજ્જ જયમલે બળાત્કારે વીરાંગના તારાબાઈનું હરણ કરવાનો યત્ન કર્યો, એ રાણાનો પુત્ર હતો; રાવ રત્નસિંહ રાણાજીનો આશ્રિત હતો; એટલે એક આશ્રિતની કન્યાનું હરણ કરવાનું સાહસ એ કરી બેસે, તો કાંઈ આશ્ચર્ય નહિ; પણ રજપૂતોનું આત્મગૌરવ એ સમયે નષ્ટ થયું નહોતું; રાવ રત્નસિંહ રાણાને શરણે હતો એ વાત ખરી, પણ પોતાના કુળનું ગૌરવ સાચવવા ખાત૨ એ રાણાની રતિભાર પણ પરવા રાખે એવો નહોતો; કન્યાનું હરણ કરવા આવેલા રાજકુમાર જયમલને તેણે ઠાર કરી નાખ્યો.

એ સમાચાર રાણા રાયમલ પાસે પહોંચ્યા, રાણાએ કહ્યું: “જયમલે મેવાડના રાજવંશને કલંક લગાડ્યું છે; એ કુલાંગારને રાવ રત્ને બરોબર સજા કરી છે, એને લીધે હું રત્નસિંહ ઉપર ખુશ થયો છું; મને તેના ઉપર જરા પણ રોષ ઉપજ્યો નથી. રાવ રત્નની આ વીરતા અને સાહસના બદલામાં તેને હું બેદનોરની જાગીર બક્ષિસ આપું છું.”

મેવાડના રાણાવંશમાં ઉત્પન્ન થયેલા મહાન પુરુષો વગર આવી ઉદારતા ક્યાં દીઠામાં આવશે ?

જયમલની વર્તણુંકથી નિષ્કલંક સિસોદિયાએાના કુળને કલંક લાગ્યું હતું. હવે બહારનો કોઈ વીર આવીને ટોડાનો ઉદ્ધાર કરે, તો ચિત્તોડના રજપૂતોને એથી પણ વધારે શરમાવું પડે; એટલા માટે રાજા રાયમલનો વચલો પુત્ર પૃથ્વીરાજ, ટોડાનો ઉદ્ધાર કરીને તારાબાઈને પરણવી અથવા એમ ન થાય તો ત્યાંજ યુદ્ધ કરતાં કરતાં મરવું એવો દૃઢ સંકપ કરીને બદનોર ગયો.

પૃથ્વીરાજની વીરતા અને તેજસ્વિતાની ખ્યાતિ તારાબાઈ અગાઉથી જ સાંભળી ચૂકી હતી. આજ ક્ષાત્રતેજની મૂર્તિસ્વરૂપ એ સુંદર યુવકને સાક્ષાત્ જોવાથી એ તેના ઉપર મોહિત થઈ ગઈ. એના મનમાં ખાતરી થઈ કે, આ વીર યુવક જરૂર ટોડા રાજ્યનો ઉદ્ધાર કરી શકશે. મુગ્ધ થયેલી વીરાંગના તારાબાઈ મનમાં ને મનમાં પૃથ્વીરાજને વરી ચૂકી. તારાબાઈએ આ યુદ્ધમાં પણ પૃથ્વીરાજની સાથે જવાની પિતા પાસે રજા માગી. રાવ રત્નસિંહે કેટલીક ઉપયોગી સૂચના સાથે તેને યુદ્ધક્ષેત્રમાં જવાની આજ્ઞા આપી. પૃથ્વીરાજ ત્યાંથી રવાના થઈને એટલો જલ્દી ટોડા રાજ્યમાં પહોંચ્યો કે, એ દિવસથી એ ચિતોડના ઇતિહાસમાં “ઉડ્ડન પૃથ્વીરાજ”ના નામથી પ્રસિદ્ધ થયો.

એટલા થોડા સૈન્ય સાથે બહાદુર પઠાણોના હાથમાંથી ટોડાનો ઉદ્ધાર કરવો એ કાંઈ સહેલું નહોતું. પૃથ્વીરાજ અને તારાબાઈએ પરસ્પર સલાહ લઈને નક્કી કર્યું કે, કોઈ પણ યુક્તિ રચીને પઠાણોના સરદાર લલ્લાને પહેલાં ઠાર કરવો જોઈએ.

મહોરમનો દિવસ હતો. ટોડા શહેરમાં બધા મુસલમાનો એ તહેવારમાં મસ્ત હતા. તાજિયા લઈને મુસલમાનોના ઝુંડનાં ઝુંડ ગામમાં પ્રવેશ કરી રહ્યાં હતાં. પૃથ્વીરાજને માટે ગામમાં પ્રવેશ કરવાનો એ ઘણો સરસ લાગ હતો. પોતાના સૈન્યને બહાર રાખીને એમાંથી એક વિશ્વાસુ સેવકને લઈને પૃથ્વીરાજ તથા તારાબાઈ ગુપ્ત વેશે તાજિયાવાળાઓની સાથે ગામમાં પેસી ગયાં, તાજિયાની સાથે જવા માટે પઠાણ રાજા લલ્લા પણ પોતાના મહેલ આગળ સફેદ પોશાક પહેરીને ઊભો હતો, પૃથ્વીરાજ અને તારાબાઈએ તેને જોતાંવારજ તીક્ષ્ણ બાણ ફેંક્યા. એ બાણ વાગવાથી લલ્લા જમીન ઉપર પડી ગયો. બધાએ ભયભીત થઈને કોલાહલ મચાવ્યો. એ ગડબડનો લાભ લઈને પૃથ્વીરાજ, તારાબાઈ અને તેનો અનુચર પૂરપાટ ઘોડા દોડાવીને ગામની બહાર જવા લાગ્યાં. ઘણા લોકોએ તેમના ઉપર શક જવાથી તેમને રોકવાનો યત્ન કર્યો, પરંતુ એ બધાને હઠાવીને તેઓ આગળ વધતાં ગયાં. શત્રુઓએ ફેંકેલાં બાણ તેમના બખ્તરને અથડાઈને જમીન ઉપર પડવા લાગ્યાં. નગરના દ્વા૨ આગળ જઈને તેમણે જોયું કે, એક મદોન્મત્ત હાથી રસ્તો રોકીને ઊભો છે. તેની આગળ થઈને જવું જોખમભરેલું હતુ. તારાબાઈએ પોતાની તલવારથી એ હાથીની સૂંઢ કાપી નાખી. હાથી દૂર નાઠો એટલે રસ્તો ખુલ્લો થયો અને તેઓ સહીસલામત બહાર નીકળી ગયાં.

તેમનું ઘોડેસવાર લશ્કર પાસેજ હતું. પૃથ્વીરાજ અને તારાબાઈએ સૈન્ય લઇને પ્રબળ વેગથી ટોડા નગર ઉપર ચડાઈ કરી. નગરવાસીઓ યુદ્ધને માટે બિલકુલ તૈયાર નહોતા. અધૂરામાં પૂરૂં તેમનો પઠાણ સરદાર મરી જવાથી બધે ગભરાટ ફેલાયો હતો. આવી સ્થિતિમાં ઓચિંતો હુમલો થવાથી પઠાણોની હાર થઈ. રાવ રત્નસિંહના નામથી પૃથ્વીરાજ અને તારાબાઈએ ટોડા નગ૨ ઉપર વિજયવાવટો ચડાવ્યો. રત્નસિંહે વગર વિલંબે પોતાની કન્યા તારાબાઈનો વિવાહ ઘણી ધામધૂમપૂર્વક પૃવીરાજ સાથે કરી દીધો.

કમલનેરના કિલ્લામાં રાણા રાયમલે પુત્ર અને પુત્રવધૂનો ઉતારો નક્કી કરી આપ્યો. પૃથ્વીરાજ ઘણોજ રણપ્રિય હતો. દરરોજ એ કોઈ ને કોઈ શત્રુની સાથે યુદ્ધ કરવામાં નિમગ્ન રહેતો. દરેક યુદ્ધમાં તારાબાઈ તેની સાથે રહેતી. એ નવદંપતીનું પ્રથમ વિવાહિત જીવન પણ ચુદ્ધક્ષેત્રમાંજ વ્યતીત થયું; પણ અફસોસ ! કે તેઓ અપૂર્વ પ્રણયસુખ ઘણા સમય સુધી ભોગવ્યા વગરજ, અતિ યુવાન વયમાં મરણ પામ્યાં.

રજપૂતાનામાં આબુ પહાડની પાસે શિરોહી નામનું એક નાનું રાજ્ય છે. એ રાજ્યના રાજાની સાથે પૃથ્વીરાજની એક બહેનનો વિવાહ થયો હતો. શિરોહીનો રાજા ઘણો અફીણી હતો. અફીણના નશામાં સ્ત્રીના ઉપર ઘણો જુલમ કરતો. સ્વામીનો જુલમ વધારે સહન નહિ થવાથી પૃથ્વીરાજની બહેને પૃથ્વીરાજના ઉપર એક પત્ર લખીને પોતાની બધી હકીકત જણાવી તથા પોતાને પિયેર બોલાવી લેવાની વિનંતિ કરી. પૃથ્વીરાજ તરતજ બહેનને સાસરે પહોંચ્યો. શિરોહીરાજ પૃથ્વીરાજના સ્વભાવ તથા તેનું પરાક્રમ જાણતો હતો. પૃથ્વીરાજે એને ઘણો ધમકાવ્યો, એટલે તેણે વિનયપૂર્વક ક્ષમા માગી; પણ પૃથ્વીરાજ એમ ઝટ મનાઈ જાય એવો નહોતો. એણે લાલપીળા થઈ જઈને કહ્યું “તમે રાણા રાયમલની પુત્રીનું અપમાન કર્યું છે, માટે એનાં ખાસડાં તમારા માથા ઉપર મુકાવીને માફી મંગાવીશ ને ત્યાર પછીજ તમને છોડવામાં આવશે.

આખરે શિરોહીરાજને એજ પ્રમાણે કરવું પડ્યું; પણ આ અપમાન તેની રગેરગમાં પેસી ગયું. તેનો બદલો લેવાની પ્રબળ વૃત્તિ તેના હૃદયમાં ઉત્પન્ન થઈ. ઘણી ઘાતકી રીતે તેણે એ બદલો લેવાનો નિશ્ચય કર્યો. પોતાની બહેનને મળીને પૃથ્વીરાજ ચિતોડ પાછો જવા નીકળ્યો. તે વખતે શિરોહીના રાજાએ ભાતામાં ઝેરના લાડુ બાંધી આપ્યા. રસ્તામાં ભૂખ લાગી એટલે પૃથ્વીરાજે એજ લાડુ ખાધા, હડહડતા વિષને લીધે તેનું શરીર એકદમ ઢીલું થઈ ગયું. એ સમજી ગયો કે, બનેવીએ દગો કર્યો છે અને હવે મૃત્યકાળ આવી પહોંચ્યો છે. એક દેવમંદિરમાં તેણે આશ્રય લીધો. તારાબાઈને એ સમાચાર પહોંચાડવામાં આવ્યા. એ તરતજ મંદિરમાં આવી પહોંચી; પણ એ વખતે પૃથ્વીરાજનો આત્મા સ્વર્ગલોકમાં પહોંચી ગયો હતો.

ધીમેથી સ્વામીના મસ્તકને પોતાના ખોળામાં મૂકીને તારાબાઈ મૃત સ્વામીને બોલાવવા લાગી: “પ્રભુ ! સ્વામિ ! તમે વીર હતા. યુદ્ધ એ તમારા જીવનનું પવિત્ર વ્રત હતું, યુદ્ધમાં મૃત્યુ થાય એ વીરોની શ્રેષ્ઠ ગતિ છે. યુદ્ધમાં આપની સાથે શત્રુઓને મારતાં મારતાં મરી જવાની મારી ઇચ્છા હતી અને એમ નથી બન્યું, તો ચિતામાં તમારી સાથે બળી મરીને સતી થવા પણ તૈયાર છું, પણ મને આજ ઘણી દિલગીરી એટલા માટે થાય છે કે, સ્વપ્ને પણ ન ધારેલી એવી હલકી રીતે તમારૂં મોત થયું છે. શત્રુઓના લોહીથી રંગાયલા તમારા દેહની સાથે ચિતામાં પ્રવેશ કરવાનો લાભ મને નથી મળ્યો, એજ મને દુઃખ છે; પણ વિધાતાની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈથી થાય એમ નથી. આજ આ દેવમંદિરની સામે જ તમારી આ દાસીનો દેહ પણ તમારા પવિત્ર દેહની સાથેજ ચિતામાં ભસ્મીભૂત થઈ જશે. પ્રાણ નાથ ! દેવલોકમાં આપણો મેળાપ થશે.”

તરતજ ચિતા સળગાવવામાં આવી. સ્વામીના દેહને છાતી ઉપર ધારણ કરીને હસતે મોંએ વીરાંગના તારાબાઇ ચિતામાં સૂઈ ગઈ, જોતજોતામાં તેનો સુંદર દેહ બળીને રાખ થઈ ગયો.

  1. × તારાબાઈના પિતાનું નામ ટોડ સાહેબે રાત સુરતાન લખ્યું છે; પણ અમે પ્રસિદ્ધ ઐતિહાસિક, મેવાડના રાજકવિ કવિરાજ શામળદાસજીને અનુસરીને તેનું નામ રત્નસિંહ લખ્યું છે. —પ્રયોજક