રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/બાંકા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← લાલદેડ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
બાંકા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ટોડાનરેશ રાવરત્નસિંહની
કન્યા તારાબાઈ
 →


१५५—बांका

એક ગુજરાતી કુંભારની પત્ની હતી. એના પતિનું નામ રાંકા હતું. બન્ને જણાં પ્રભુભક્ત હતાં; પંઢરપુરના વિઠોબા ઉપર ભક્તિ હોવાથી ત્યાંજ નિવાસ કરતાં હતાં.

એક દિવસે રાંકાએ કેટલાક ઘડા ઘડીને ઘરમાં તૈયાર રાખ્યા. એવામાં એક બિલાડી વિયાઇ અને એક ઘડામાં તેણે પોતાનાં બચ્ચાં મળ્યાં. કુંભારને તેની ખબર નહોતી, એટલે એણે તો બધા ઘડાને નિભાડામાં ચઢાવ્યા. એટલામાં બિલાડી આવી અને ઘરમાં ચારે તરફ બચ્ચાંઓને ખોળવા લાગી. પછી તે રોતી રોતી, નિભાડા તરફ ગઈ. હવે રાંકાને જણાયું કે, એમાં બિચારી બિલાડીનાં બચ્ચાં રહી ગયાં હતાં; પણ તાપ એટલા જોરથી સળગતો હતો કે, એમાંથી બચ્ચાંને ઉગારવાં એ અસંભવિત હતું. એના શોકનો પાર રહ્યો નહિ; માથું કૂટવા લાગ્યો અને પત્ની બાંકાને બોલાવીને તેની સલાહ પૂછવા લાગ્યો. બાંકાને પ્રભુ ઉપર અથાગ શ્રદ્ધા હતી. તેણે કહ્યું: “બધાંને બચાવનાર પ્રભુ શ્રીકૃષ્ણ છે; આપણે એમનીજ પ્રાર્થના કરવી જોઈએ, લાક્ષાગૃહમાંથી પાંડવોને એમણે જ બચાવ્યા હતા. પ્રહ્‌લાદને સળગતી આગમાંથી ઉગારનાર પણ એજ હતા, માટે ચાલો આપણે પણ ભગવાનની એકચિત્ત પ્રાર્થના કરીએ કે, એ આપણાં બિલાડીનાં બચ્ચાંને બચાવે.”

બે દિવસ અને બે રાત એમણે ભગવાનનું કીર્તન સાથે મળીને કર્યું. ત્રીજે દિવસે નિભાડો પાડ્યો અને આગ શાંત થઈ, ત્યારે બન્ને જણાં બિચારાં નિર્દોષ બચ્ચાંઓની શી દશા થઈ છે, તે જોવા આતુરતાથી ગયાં. ભગવાનની લીલા વિચિત્ર છે. એમણે જોયું કે, બધા ઘડા પાકી ગયા છે, પણ જે ઘડામાં બચ્ચાં હતાં, તે ઘડો એવો ને એવો કાચો છે, આગે જાણે એને સ્પર્શ જ નથી કર્યો. બિલાડી હરખભેર દોડતી આવી અને બચ્ચાંને મોંમાં ઘાલીને ચાલી ગઈ.

ધાર્મિક દંપતીને એ દિવસથી કુંભારના ધંધા ઉપર તિરસ્કાર છૂટ્યો; કેમકે એમાં જીવહિંસા થવાનો સંભવ હતો. હવે એમણે કઠિયારાનો ધંધો શરૂ કર્યો. બન્ને જણાં જંગલમાંથી લાકડાં લાવી, ભારો માથે ઉંચકીને શહેરમાં લાવે અને વેચે. એ પ્રમાણે એમનો વ્યવસાય ચાલવા લાગ્યો. એમાં પણ બન્ને સુકાઈ ગયેલાં લાકડાં લઇ આવતાં અને જે કાંઈ મળે તેથી નિર્વાહ ચલાવતાં. નિર્ધન સ્થિતિ હોવા છતાં બન્ને શુદ્ધ દાનતનાં હતાં. એક દિવસ બન્ને જણાં ભારો લઈને આવતાં હતાં, એવામાં માર્ગમાં એક સોનાની ઇંટ પડેલી જોઈ. રાંકો ભારો લઈને આગળ જતો હતો, એણે સુવર્ણની ઈંટ જોઈ, પણ તેથી એનું મન લલચાયું નહિ, એના મનમાં વિચાર આવ્યો કે, મારી સ્ત્રી પાછળ આવે છે, રખે એનું મન લલચાય અને એ આ વગર પરિશ્રમનું ધન ઉપાડી પાપમાં પડે. એમ વિચારી એણે એ ઇંટ ઉપર પગવડે ધૂળ નાખીને આગળ ચાલવા માંડ્યું. ઘેર આવ્યા પછી પત્નીએ પતિને પૂછ્યું: “તમે પગ વડે ધૂળ કેમ ખસેડતા હતા ?” રાંકાએ ખરૂં કારણ જણાવી દીધું કે, “મેં તે ઈંટ લીધી નહિ, પણ તમે સ્ત્રીની જાત છો અને રખે લલચાઈને ઉપાડી લો એ શંકાથી મેં ધૂળ ઢાંકી દીધી.” બાંકા ખરેખરી જ્ઞાની હતી. તેણે કહ્યું: “વાહ રે! તમે આટલી બધી ભક્તિ કરી તો પણ તમને ખરૂં આત્મજ્ઞાન થયું નહિ ! તમે એને સુવર્ણરૂપ ગણી એજ ભૂલ ! એને લીધેજ તમારે એના ઉપર ધૂળ પાથરવાની જરૂર પડી. ખરું જોતાં ધૂળ અને રસનું બન્ને બરાબર છે, એ દૃષ્ટિએ તમે જોયું તહોત, તો તમે કદાપિ એના ઉપર ધૂળ પાથરતજ નહિ; કેમકે ધૂળ ઉપર ધૂળ પાથરવાની મૂર્ખતા કોઈ કરતું જ નથી.” પત્નીનું ખરું તત્વજ્ઞાન જોઈને રાંકો પ્રસન્ન થયો અને ઘણો ધન્યવાદ આપીને કહેવા લાગ્યો કે, “મારી ભક્તિ તારા કરતાં રંક અને ઊતરતા પ્રકારની છે, માટે મારું નામ રાંકા છે તે ઠીક છે. તારી ભક્તિ તો ખરેખર બાંકી છે અને તેથી તારું નામ પણ યથાર્થ છે.” ધન્ય છે કુંભારપત્ની બાંકાને !

 !