રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/લાલદેડ
← ગંગાદેવી | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો લાલદેડ શિવપ્રસાદ દલપતરામ પંડિત |
બાંકા → |
१५४–लालदेड
એ શૈવ સંપ્રદાયની યોગિની હતી. ઈ. સ. ના ૧૪મા સૈકામાં એ થઈ ગઈ છે. કાશ્મીરમાં ઇસ્લામ ધર્મનો પ્રચાર કરનાર સૈયદ અલી હમદન પણ તેના ઉપર બહુ અસર થઈ લાગે છે. એણે ભક્તિમાર્ગનાં કાવ્ય રચ્યાં છે, પણ એમાં કોઈ ખાસ દેવ કે મૂર્તિની પ્રશંસા નથી. પ્રભુને મિત્રરૂપે વર્ણવી પ્રભુની સાથે એકતા સાધવાનો પ્રયાસ તેનાં કાવ્યોમાં જણાઈ આવે છે. કાશ્મીરી ભાષામાં એણે કાવ્યો રચ્યાં છે.
ખરી મુક્તિ કોણ પ્રાપ્ત કરે છે, તે સંબંધમાં એ લખે છે :–
“કેટલાક મનુષ્યો ઘોર નિદ્રામાં હોવા છતાં જાગૃત હોય છે, તેથી વિપરીત કેટલાક પવિત્ર સરોવરમાં સ્નાન કરતા હોવા છતાં, અપવિત્ર છે; ત્યારે એથી ઊલટું કેટલાક એવા પણ છે કે, જે ગૃહસંસારની જ જંજાળમાં રાતદિવસ ગ્રસાયલા હોવા છતાં, કર્મબંધનથી મુક્ત રહે છે, એવાજ મનુષ્યો જીવમુક્ત છે.”
બીજા એક કાવ્યમાં એ સૂચવે છે કે, મનુષ્યદેહ દુર્લભ છે, “હું ઠીક રસ્તે આવી,( અર્થાત્ મોક્ષ મેળવવાના એકમાત્ર સાધનરૂપ માનવદેહને પામી) પણ ઠીક રસ્તે ગઇ નહિ. વાંકા ચૂંકા પૂલની વચમાં આવી પહોંચી એટલામાં સાંજ પડી ગઈ. હવે મારે કેવી રીતે પેલી પાર જવું? (વૈતરણિ પાર ઊતરવા માટે નાવિકને આપવા પૈસા જોઈએ.) મેં મારા પાલવમાં જોયું, પણ પાસે એક કોડી પણ રહી નહોતી. (અર્થાત્ પુણ્યસંચય કર્યું નહોતું, પ્રભુજીને ઓળખ્યા નહોતા.) હવે હું હોડીવાળાને ઉતરામણ કેેવી રીતે આપીશ ?”
એનાં બીજા કાવ્યો પણ ઉચ્ચ પ્રભુભક્તિથી પ્રેરાયેલાં છે.