લખાણ પર જાઓ

લીલુડી ધરતી - ૨/જીવતરનાં થીગડાં

વિકિસ્રોતમાંથી
← ઝમકુનો કોયડો લીલુડી ધરતી - ૨
જીવતરનાં થીગડાં
ચુનીલાલ મડિયા
સગડ →



પ્રકરણ એકવીસમુ

જીવતરનાં થીગડાં

બીજે દિવસે જ ઊજમને જાણવા મળ્યું કે આંગળીનો કરડો સમો કરાવવાને બહાને ઝમકુ નથુ સોનીને હાટે ગઈ હોવાનો, સંતુના સંભવિત નાતરા અંગેની વાત સાંભળી આવી હોવાનો એણે જે દાવો કરેલો, એ વસ્તુતાએ સાચો હતો, માત્ર એની વિગતમાં ફેર હતો. ઝમકુ આંગળીનો કરડો સમો કરાવવા નહોતી ગઈ, પણ સતીમાને ચડાવવા માટેનું છત્તર ઘડાવવા નાખેલું, એ લેવા ગઈ હતી.

ઊજમ બીજે દિવસે વાડીએ ગઈ ત્યારે સતીમાના ફળા ઉપર નવું નકોર છત્તર ઝૂલતું જોઈને એને નવાઈ લાગેલી. ‘આવા માઠા વરહમાં કોણે આ દહ તોલા રૂપાનું ખરચ કરી નાખ્યું ?’ એમ મનમાં વિચારી રહી.

ગોબરના મૃત્યુ પછી વાડીપડાના પરચૂરણ કામ માટે હાદા પટેલે રાકેલા નવા સાથી ગીગાને ઊજમે પૂછગાછ કરી ત્યારે શરૂઆતમાં તો ગીગાએ સોઈઝાટકીને કહી દીધું કે મને ખબર જ નથી. પણ જે વાત મન પર લે એને છેડા સુધી પહોંચવાના સ્વભાવવાળી ઊજમને સાથીના આ નકારથી સંતોષ થયો નહિ. એણે તો ફેરવી ફેરવીને એ પ્રશ્ન પૂછ્યા જ કર્યો. આરંભમાં તો ગીગો મક્કમ રહ્યો. પણ આખરે એ ગેંગેં–ફેફેં થઈ ગયો એટલે ઊજમે એને દબાવ્યો : ‘તને આંયાંકણે સાથી મેલ્યો છે, તી વાડીનું ધ્યાન રાખવા મેલ્યો છ, ગડાકુ પીવા નહિ. વાડીમાં કોણ આવ્યું, કોણ ગયું, એનો વે’મ ન રાખ્ય તો કાલ સવારે સારે વરહે કો’ક ઊભા મોલ ભેળવી જશે તો ?’ ત્યારે ગીગાએ મભમ કહ્યું : ‘ગામમાંથી જ એક બાઈ છત્તર ચડાવી ગઈ છે—’

‘કોણ ?’

‘એણે નામ દેવાની ના પાડી છે.’

‘શું બોલ્યો ?’ ઊજમે આંખ કાઢી.

‘એણે કહ્યું છે કે કોઈને વાત કરીશ મા—’

‘પણ ઈ છત્તર ચડાવનારી હતી કોણ ?’

‘ઝમકુકાકી... ગિધા લુવાણાની વવ.’

‘હવે હમજી !’

‘પણ કોઈને કાને વાત ન જાય, એમ એણે કીધું છે.’ ગીગાએ સમજાવ્યું. ‘બચાડીની કાંઈક માનતા ફળી હશે એટલે છાનું છત્તર ચડાવી ગઈ—’

ઊજમ માટે આ બાતમી બહુ રસિક હતી. ઘરે આવીને એણે સંતુને વાત કરી.

સાંભળીને સંતુ ખિન્ન હાસ્ય વેરી રહી.

ઊજમની જિજ્ઞાસા વધી. ઝમકુની એવી તે કઈ મને કામના ફળી હશે કે પતિ વિયોગના આ શોકના દિવસોમાં ય એણે છત્તર ચડાવવું પડ્યું ?’

આનું સૂક્ષ્મ કારણ સંતુ જાણતી હતી. ગિધાની હયાતી દરમિયાન એના ત્રાસથી કંટાળેલી ઝમકુએ સતીમાની એક માનતા માનેલી, પણ સંતુએ એ વેળા તો ઝમકુની અગંભીર લાગતી એ વાતને ટોળ ગણીને હસી કાઢેલી. ઝમકુ પોતાની માનતાને આટલી ચુસ્તપણે વળગી રહેશે, અને ભક્તિભાવે એનું પાલન પણ કરશે, એવી સંતુને કલ્પના નહોતી. પતિ વિયોગની વેદના વેઠી રહેલી આ યુવતીને એવી જ એક પતિવિયોગિનીનું આ વર્તન વિચિત્ર જ નહિ, બેહૂદું લાગ્યું. છત્તર ચડાવવાની ક્રિયા ગુપ્ત રાખવા પાછળનો ઝમકુનો આશય પણ એને સમજાયો. એક સ્ત્રી આવું વર્તન આચરી શકે એ કલ્પના જ સંતુને માટે અસહ્ય હતી, ત્યાં એવા આચરણની વાસ્તવિક પ્રતીતિ એને વધારે વિષાદ પ્રેરે એમાં શી નવાઈ ?

ઝમકુ ‘રોયા દામલા’ સામે જે ફરિયાદો કરી ગયેલી એનાં વિવિધ સંસ્કરણો ગામમાંથી વિવિધ સ્થળોએથી સંભળાવા લાગ્યાં, ત્યારે ઊજમને ખાતરી થઈ કે ઝમકુ ભોળી નથી પણ કપટી છે. ભૂધર મેરાઈને હાટે કડિયાની તૂટેલી કસ ટૂંકાવવા ગયેલા હાદા પટેલ બે સમાચાર સાંભળતા આવ્યા : ઝમકુને એનો ભાઈ પરાણે નાતરે મોકલે છે અને સંતુને શાપરવાળા પટેલના ઘરમાં બેસવું છે પણ સસરો ૨જા નથી આપતો.

ઝમકુનું વિચિત્ર વર્તન જાણી લીધા પછી ઊજમને કે હાદા પટેલને આવા ગામગપાટાથી બહુ આઘાત થાય એવું રહ્યું નહોતું. એમને તો જાણવા મળ્યું કે ઝમકુ ઘેરઘેર જઈને પોતાની વીતકકથા અને સંતુની વગોવણીનું પારાયણ કરી આવે છે. ઊજમ પાણીશેરડે ગઈ ત્યારે એકબે સ્ત્રીઓએ તો આ સમાચારની સત્યાસત્યતા અંગે ખાતરી કરી જોવા એને મભમ પૂછગાછ પણ કરી જોઈ.

ઝમકુ પોતાની વીતકકથા ગામનાં ખસૂડિયાં કૂતરાને પણ સંભળાવે એ તો સમજી શકાય; પણ સાથે સાથે સંતુના સંભવિત પુનર્લગ્ન વિશે પણ, શા માટે ટમકો મૂકતી ફરતી હશે એ જ ઊજમને મન એક કોયડો બની રહ્યો.

પોતાની નાનમ ઢાંકવા માટે સંતુને ઢાલ તરીકે વાપરતી ઝમકુએ થોડા જ દિવસમાં વાત એટલી હદે વધારી મૂકી કે ગામમાં છડેચોક બોલાવા માંડ્યું :

‘સંતુ નાતરે જાય છે, ને એને માંડણિયાના ઘરમાં જ બેસવું છે.’

‘માંડણિયો છૂટે એટલી જ વાર. એના આવવાની જ વાટ જોવાય છે—’ ‘હંધું ય આગોતરું જ ગોઠવી રાખ્યું’તું’, એટલે તો આખો કેસ લૂલો કરી નાખ્યો. પોતે દારૂના નશામાં ટેટો સળગાવી નાખ્યો’તો એમ કહી માંડણિયો છુટી જાશે—’

માંડણના સંભવિત છુટકારાનો આ અવળો અર્થઘટાવ થઈ રહ્યો. આખી ય ઘટનાને સહાનુભૂતિથી જોનારાં માણસો પણ ગામમાં હતાં.

‘ભગવાન કરે ઈ હંધું ય જોઈ વિચારીને જ કરે. માંડિણિયો ઘરભંગ છે, ને સંતુ હજી નાની બાળ છે. ગમે એવી અજવાળી તો એ રાત્ય ગણાય. લીલા સાંઠાને વળતાં શી વાર ? એના કરતાં બેય જણાં સાંઢેવાંઢે ઘરસંસાર હલવે એના જેવું રૂડું શું ?’

‘ને આપણે તો રિયાં લોકવરણ... ખેડ્યનો ધંધો કરનારે તે ભેઠ્ય વાળીને ભૂતની ઘોડ્યે કાળી મજૂરી કરવાની. આપણને કાંઈ વાણિયાભામણ જેવા લાડકા રંડાપા માણવા પોહાય ?’

હિતૈષીઓ માંડણ અને સંતુનાં ભાવીને આમ અધ્ધરોઅદ્ધર જોડી રહ્યાં હતાં ત્યારે એમાં વિસંવાદી સુર પુરાવનાર પણ કોઈ કોઈ નીકળી આવતાં હતાં :

એલાવ તમે આંયાંકણે બેઠાં લાકડેમાંકડાં જોડી રિયાં છો, પણ માંડણિયો તો જેલમાં બેઠો વેરાગી થઈ ગ્યો છ, ઈ વાત જાણો છો ? પોતાને હાશે સગા પિતરાઈની હત્યા થઈ ગઈ એનું પ્રાછત કરે છે... રોજ રાત્ય પડે ને ચોધાર આંસુડે રૂવે છે. કિયે છ, કે મને મારા કરમે જ કમત્ય સુઝાડી, ને મૂળગરિયાના હાથનો દારૂ પીને મેં ગોબરિયાને ગૂડી નાખ્યો. મારો આ ભવ તો બગડ્યો, પણ હવે આવતે ભવ બળધ થઈને ન અવતરવું પડે, એટલે પ્રાછત કરું છું.... સાંભળ્યું છે કે માંડણિયે તે જેલમાં જ અતીતને હાથે ડોકમાં માળા પે’રીને ભભૂત ચોળી લીધી છે—’

હવે રાખો, રાખો ! માંડણિયા જેવો કલાંઠ માણહ ભભૂત ચોળશે તંયે સાચા ભભૂતિયાવે ભેખ ઉતારી નાખવા પડશે. ઈ તો પારકાને જતિ કરે ઈ માંયલો છે—’

આવી આવી અટકળો થતી રહી અને દરમિયાન વાત આગળ વધતી રહી, અને છેક મુખીના ઘર સુધી પહોંચી ગઈ. રોતી રગડતી ઝમકુ, છેક ભવાનદાને આંગણે જઈ ઊભીને ‘રોયા દામલા’ સામેની પોતાની ફરિયાદ કહી સંભળાવી :

‘પીટડિયો મને પરાણે નાતરે મેલે છે—’

પોતાને આંગણે ધા નાખવા આવેલી ઝમકુની કથા સાંભળીને ભવાનદા પીગળી ગયા. અલબત્ત, એમને કશી દરમિયાનગીરી કરવાનો અધિકાર નહોતો, છતાં ગામના એક મોવડી તરીકે એમણે દામજીને તેડાવ્યો, ને ઝમકુની ફરિયાદ કહી સંભળાવી ત્યારે એમને વળી જુદી જ પરિસ્થિતિ જાણવા મળી.

‘ઝમકુડીને પંડ્યને જ નાતરે જાવું છે. હું ના કહું છું એટલે ગામ આખામાં મને વગોવી રહી છે.’

‘પણ આ છ છોકરાંની માવડીને સંઘરશે કોણ ?’

‘ઈ તો આઈને આતો જડી રે’શે કો’ક. પણ ઈ ગ્યા કેડ્ય, આ છ છોકરાંની ભૂંજાર્યને સાચવશે કોણ, એની મને ફકર્ય થાય છે. ને એટલા સારુ જ હું ના કવ છું. એટલે મને ગામ આખામાં ઉતારી પાડે છે.’

દામજીએ કરેલો આ ઘટસ્ફોટ મુખી માટે એક નવો જ અનુભવ બની રહ્યો. છ છ સંતાનોની જનેતાને પોતાનાં પ્રાણપુદ્‌ગળનો ત્યાગ કરતાં જરા ય વિચાર નહિ થતો હોય ? જરા ય અરેરાટી નહિ ઊપજતી હોય ? પણ હમણાં હમણાં ગામલોકો તરફથી આવા એકેકથી ચડિયાતા આઘાતો અનુભવી ચૂકેલા ભવાનદાને આ સમાચાર બહુ આઘાતજનક ન લાગ્યા : ‘આ કળગજમાં તો કોઈનો ભરોંહો કરવા જેવું નથી.’ એમ વિચારીને એમણે આશ્વાસન લીધું.

ઝમકુ તે દિવસે સંતુ અંગે અંગે ઘસાતું બોલી ગઈ એ પછી ઠુમરની ખડકીએ છાશ લેવા ફરી વાર આવી જ નહોતી. પણ ગામમાં ઘેરઘેર ફરીને એ જે વગોવણી કરી હતી એ સાંભળ્યા પછી ઊજમ તો એ પડોશણની રાહ જોઈને જ બેઠી હતી. ક્યારે ઝમકુ છાશનો કળશો ભરવા આવે અને ક્યારે એને ઘઘલાવી કાઢું ! પણ ઝમકુ તે દિવસે છેલ્લી છાશ ભરી ગઈ એ ભરી ગઈ ! ફરી વાર આ ડેલીએ ડોકાવાની એની હામ નહોતી.

દરમિયાન, ઝમકુના રાંધણિયામાં શેકાતાં વિવિધ પકવાનો અને મિષ્ટાન્નની સોડમ નવેળામાં થઈને ઠુમરની ખડકીમાં આવતી રહી. આજે શીરો તો કાલે સેવ; ત્રીજે દહાડે તરધારી તો ચોથે દિવસે ચૂરમું. ઝમકુને ઘેર મહેમાનોનો તો રોગો રાફડો જ ફાટ્યો છે. રોજ રોટલાટાણું થાય છે ને નવેળામાંથી દાઝતા ઘીની સુગંધ ફોરે છે : અને ઊજમ–સંતુ કૌતુકપૂર્વક બબ્બે પછીતોની પેલી પારની જીવનલીલા વિશે કલ્પનાઓ કરી રહે છે.

એવામાં એક વહેલી પરોઢે આવી કલ્પનાઓનો કાયમને માટે અંત આવી ગયો. ઊજમ પરેવાશમાં દળણું દળવા ઊઠી ત્યાં જ ડેલીની સાંકળ ખખડી. ગભરાતાં ગભરાતાં એણે ડેલીનું બારણું અરધુંક ઉઘાડ્યું તો સામે દયામણે ચહેરે ઊભેલો દામજી પૂછતો હતો :

‘આંયાંકણે ઝમકુ આવી છે ?’

‘’ના, ભૈ ! અટાણના પો’રમાં—’

પણ ઊજમ વાક્ય પૂરું કરે એ પહેલાં તો દામજી બીજી ડેલીએ સાંકળ ખખડાવવા પહોંચી ગયો હતો.

બહાવરા બનેલા દામજીએ ગામને ઘેરઘેર સાંકળ ખખડાવીને ઝમકુની તલાશ કરી જોઈ. અને આખરે સવાર પડતાં એણે જાહેર કર્યું :

‘ઝમકુ ભાગી ગઈ છે—’

વાયુવેગે વાત ફેલાઈ ગઈ.

‘ઝમકુડી કાંઈ જોરુકી, કાંઈ જોરુકી ! માથે રાત્ય લીધી !’ દામજી અરધો ગાંડા જેવો થઈને બહેનની તલાશમાં ઘૂમતા રહ્યો. લોકોએ એને પૂછ્યું : ‘ઝમકુડી કાંઈ લેતી ગઈ છે ખરી ?’

દામજીએ કહ્યું :

‘’લેવા જેવું મેલતી ગઈ છે, ને મેલવા જેવું હંધું ય ભેગું બાંધતી ગઈ છે—’

ગુંદાસરમાં કાળો કકળાટ થઈ ગયો. આધેડ ઉમ્મરની બાઈ, પેટનાં જણ્યાં છ છોકરાંને મેલતી ગઈ હતી અને ઘરમાંથી સામટાં સોનાં ને રોકડા રૂપિયાનો ઊસરડો કરતી ગઈ હતી.

*