વેણીનાં ફૂલ/આભનાં ફુલો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આભનાં મોતી વેણીનાં ફૂલ
આભનાં ફુલો
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
આભનાં ચંદરવા →
આભનાં ફુલો


આભમાં આવડી શી ફુલવાડી
કે ફુલડાં કેણે વાવ્યાં રે લોલ !

ફુલડાં એક એકને જોઇ ભૂલું
કે રંગની ભભક ભરી રે લોલ.

આભમાં બાલૂડો એક માળી
કે ફૂલનો ભારે ભોગી રે લોલ.

માળીએ દીઠલ ભોં આસમાની
કે પડતર જૂની પાની રે લોલ.

માળીએ દસ દિગપાળ તેડાવી
કે જોતર્યાં હળ ઝાઝાં રે લોલ.

માળીએ ખેતરડાં ખેડાવ્યાં
કે મેરૂની કોશ કીધી રે લોલ.

માળીએ ખાતરડાં પૂરાવ્યાં
કે માણેક હીરા મોતી રે લોલ.


માળીએ ઓરણાંમાં ઓરાવ્યાં
કે હાસ હસમુખાં તણાં રે લોલ.

માળીએ ક્યારીઓમાં સીંચાવ્યાં
કે માનાં ધાવણ મીઠાં રે લોલ.

માળીએ લાખ લાખ ટોયા રોક્યા
કે મોરલા પોપટ મેના રે લોલ.

ઉગીયાં નખતર મોટાં ઝાડ
કે ફુલના ફાલ ફાલ્યા રે લોલ.

ચડી ચડી આભગંગાની વેલ્યું
કે ફુલડે લચી પચી રે લોલ.

ફુલડાં નવરંગી સહુ ભાળે
કે કોઇને ફોરમ નાવે રે લોલ !

આભમાં બાલૂડો એક માળી
કે ફોરમ માણી રહ્યો રે લોલ.

આભમાં આવડી શી ફુલવાડી
કે ફુલડાં કેણે વાવ્યાંરે લોલ !


🙖