વેણીનાં ફૂલ/કાળુડો રંગ
Appearance
← દરિયો | વેણીનાં ફૂલ કાળુડો રંગ ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ |
લીલો રંગ → |
હાં રે મને વાલો છે
આભમાં ઉભેલી કો વાદળીનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
હીરલે મઢેલી મધરાતડીનો કાળૂડો રંગ.
હાં રે મને વાલો છે
ભાભી તણા ઘાટા અંબોડલાનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
માવડીનાં નેણાંની કીકીઓનો કાળૂડો રંગ.
હાં રે મને વાલો
ગોવાળણીની જાડેરી કામળીનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો
ગોવાળ તારી મૂછોને દાઢી તણો કાળૂડો રંગ.
હાં રે મને વાલો છે
કાગડા ને કોયલની પાંખ તણો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
સીદી ! તારાં બાલૂડાં સીદકાંનો કાળૂડો રંગ.
હાં રે મને વાલો છે
ઈશ્વરે રચેલો રૂડો રૂપાળો કાળૂડો રંગ,
હાં રે એક દવલો છે
માનવીનાં મેલાં કો કાળજાંનો કાળૂડો રંગ !
🙖