વેણીનાં ફૂલ/ગામડાંના વીસામા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સાગરમાં વસનાર વેણીનાં ફૂલ
ગામડાંના વીસામા
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
ગામડાંના વીસામા(૨) →


ગામડાંના વિસામા


[બાર બાર વરસે નાવણી ગળાવી – ઢાળ]


નાનાં શાં ગામડાંના નાના વિસામા
ચોરો ને બીજો ચબૂતરો જી રે

ચોરે પૂછાય મારા બાપુનાં બેસણાં
ચબૂતરે પોપટડા જી રે !

ચોરે ડોલે છે રાજદરબારી ડાયરા
ચબૂતરે પંખીડલાં જી રે !

ચોરે પરભૂનાં ગીત ગાતા પટેલીયા
ચબૂતરે પારેવડાં જી રે !

ચોરે સાધૂડલાંને દેતાં સદાવ્રત
ચબૂતરે ચણ્ય નીરતાં જી રે !

ચોરે બેસીને ધ્યાન રાખે છે ચોકીયાત
ચબૂતરે ધ્યાન વાણીયા જી રે !

ચોરામાં દેવ રામસીતાનાં જોડલાં
ચબૂતરે દેવ મોરલા જી રે !

ચોરે ઠાકોરજીની ઝાલર ઝણંકે
ચબૂતરે ઘૂઘવાટા જી રે !

નાનાં શાં ગામડાંના નાના વિસામા
ચોરો ને બીજો ચબૂતરો જી રે !

🙖