વેણીનાં ફૂલ/સૂરજ ધીમા તપો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ગામડાંના વીસામા(૨) વેણીનાં ફૂલ
સૂરજ ધીમા તપો
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
દરિયો →


સૂરજ ! ધીમા તપો !


મારી મેંદીનો રંગ ઊડી જાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારો કંકુનો ચાંદલો ચોળાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારી વેણી લાખેણી કરમાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારાં કાજળ નેણેથી ઝરી જાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારી ચૂડી અણમોલી તરડાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારે સેંથેથી હીંગળો રેળાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારી પાની સુંવાળી બળી જાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

મારા કેમે નો પંથ પુરા થાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

જેને શોધું તે દૂર સરી જાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !