શ્રી આનંદધન ચોવીશી/શ્રી સંભવનાથ સ્વામી

વિકિસ્રોતમાંથી
← શ્રી અજિતનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી સંભવનાથ સ્વામી
આનંદધન
શ્રી અભિનંદનનાથ સ્વામી →
(રાગ:- સામગ્રી - રાતડી રમીને કિહાંથી આવિયા રે...)



(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન

(રાગ: સામગ્રી - રાતડી રમીને કિહાંથી આવિયા રે...)


સંભવદેવ તે ધુર સેવો સેવે રે,
લહી પ્રભુ સેવન ભેદ;
સેવન કારણ પહેલી ભૂમિકા રે,
અભય અદ્વેષ અખેદ સંભવ૦ ૧

ભય ચંચલતા હો જે પરિનામની રે,
દ્વેષ અરોચક ભાવ;
ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકોયે રે,
દોષ અબોધ લખાવ. સંભવ૦ ૨

ચરમાવર્ત[૧] હો ચરમકરણ[૨] તથા રે,
ભવપરિણતિ પરિપાક;
દોષ ટળે વળી દ્રષ્ટિ ખૂલે રે,
પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ૦ ૩

પરિચય પાતિક-[૩] ઘાતિક સાધશું રે,
અકિશળ અપચય ચેત;
ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે,
પરિશીલન નય હેત. સંભવ૦ ૪

કારણ જોગે હો કારજ નીપજે રે,
એમાં કોઈ ન વાદ;
પણ કારણ વિણ કારજ સાધિયે રે,
એ નિજ મત ઉન્માદ. સંભવ૦ ૫
  
મુગ્ઘ સુગમ કરી સેવન આદરે રે,
સેવન અગમ અનુપ;
દેજો કદાચિત્ સેવક યાચના રે,
'આનંદધન' રસ રૂપ. સંભવ૦ ૬


  1. છેલ્લું પુદ્ગલ પરિવર્તન
  2. અનિવૃત્તિકરણ
  3. પાપ સંહારક