લખાણ પર જાઓ

સત્યવીર શ્રદ્ધાનંદ/પાપનું પરિબળ

વિકિસ્રોતમાંથી
← યૌવનના ફાંસલા બે દેશ દીપક
પાપનું પરિબળ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
લગ્નજીવન →


પાપનું પરિબળ

પ્રત્યેક પાપ કેમ જાણે મારી યુવાવસ્થામાં જ મારી સાથેની લેણદેણ પતાવી દેવા માગતું હોય ને ! એટલે મદ્ય અને માંસની સાથે જુગારનો પણ હું ભોગ થયો. જુગાર ન રમીએ તો ગધેડાનો અવતાર આવે, એવો વહેમ હોવાથી હું પ્રથમ તો મારા પરિવારની અંદરજ કોડીઓ તથા રેવડીઓથી રમ્યો, પરંતુ બીજી જ રાતે લોભ લાગી ગયો. દોઢસો દોઢસો ને બસો આના સુધીનો દાવ ખેલવા લાગ્યો. કોઈ વાર પચાસ રૂપિયા સુધી જીત્યો તો કોઈ સાઠ સુધી હારી ગયો. એક વાર ચારસો રૂપિયા જીતીને ઊભો થઈ ગયો. કેમકે મને મારા દુરાચારી જુગારી ભેરૂઓની ગંદી ભાષા પર તિરસ્કાર વછૂટ્યો. પછી આવ્યું મદ્યપાન. એફ.એ. [કોલેજનું પહેલું વર્ષ]ની પરીક્ષામાં નાપાસ થયાની વેદનાને મેં શરાબના શીશામાં ડુબાવી. પિતાજી રાતે ભોજન લઈ નવ બજે પોઢી જતા, એટલે રાત્રીનું રાજ મારા હાથમાં આવતું. મેજ પર 'ઍક્ષો નંબર વન'ની બ્રાંડીનો શીશો અને પ્યાલી: અને હાથમાં []*Locke on Human understanding અથવા Bacon's Advancement of Learning and Essays ! એક તરફથી ફિલસુફીના સિદ્ધાંત પર સિદ્ધાંતનું વાચન અને બીજી તરફ પ્યાલીનું સુરાપાન ! સાત દિવસમાં તો સુતા પહેલાં રોજીંદી આખી બાટલી ખલાસ થવા લાગી. પિતાજી તો મેજ પર પુસ્તકો પડેલાં ભાળીને સમજે કે દીકરો તનતોડ તૈયારી કરે છે પરીક્ષાની ! સાત માસ આમ ચાલ્યું. અલીગઢ ટર્મ ભરવા ગયો. ગણિતના પ્રોફેસરને ઘેર અતિથિ બન્યો. એ પણ પીતા હતા. એટલે અમે બન્નેએ પીવાની હદ ન રાખી.

એમ કરતાં એક વાર હુતાશની આવી. ધૂળેટીની સાંજે અમને સહુ મિત્રોને ગુંડા બનવાનો તરંગ ઉપડ્યો. અમે ચાર જણ હતા, બે એક ભાડે કર્યા, જાંગ સુધી ઊંચી ધોતી પહેરી. બે ખભા પર બે દુપટ્ટા લગાવ્યા, માથાની ચોટલી ઊભી બાંધી. ઉઘાડાં માથાં : કમરમાં છૂરી : ને હાથમાં લીધા ડંડા. અક્કેક એકા પર બબ્બે જણા બેસી ચાલી નીકળ્યા. ઠણણ ! ઠણણ ! એકા ચાલ્યા જાય છે. ઊતરીને અમે એક જાનના જાનૈયાની ગિર્દીમાં ઘૂસી ગયા. ધક્કામુક્કી લાગતાં જ એક ગુંડાની ટોળી અપશબ્દો બોલતી અમને ધક્કા દેવા લાગી. અમારામાંથી બે જણા સરસ લાઠી ચલાવી જાણતા હતા. એટલે મારામારી મંડાઈ ગઈ. અમે એ લોકોને વધારે ટીપ્યા, પોલિસ આવે ત્યાં તો અમે એકા પર કૂદી પવનની માફક ઊડી ગયા. ઘેર પહોંચી સભ્ય વિદ્યાર્થીએાનો વેશ પહેરી લીધો. અમારો પત્તો તો કોઈને ન લાગ્યો પણ દસ પંદર બીજા ગુંડા પકડાયા. નિશ્ચય કર્યો કે હવે વેશ નહિ કાઢીએ, ત્યાં તો ત્રીજે જ દિવસે નવો તરંગ ઊઠ્યો.

કાશીમાં હોળી પછીના પહેલા મંગળવારની સાંજથી શરુ કરી ગુરૂવારની આખી રાત સુધી ગંગામાં નૌકાઓ તરે છે, અને એમાં નાચ-તમાશા થાય છે, સાત સાત હોડીઓ એક સાથે બાંધી મોટા ઓરડા રચાય છે, ને એમાં વારાંગનાના નાચ ચાલે છે. અમે પણ એ નાચનો તરતો જલસો નિરખવા હોડી ભાડે કરીને શણગારી લીધી, ગાલીચા બિછાવ્યા, સિતાર-તબલાંનો પણ રંગ જમાવ્યો, અને વાવટા પર લખ્યું કે “knowledge is power !” બીજી બાજુ લખ્યું “ગાઢી કંપની.” બસ, પછી તો કોની મગદૂર કે અમારી હોડીને રોકી શકે? જ્યાં જઈએ ત્યાં બીજી હોડીઓ હઠીને અમને રસ્તો આપે. પોલીસોની નૌકાઓને પણ ચીરતી અમારી હોડી તમામ નાચતમાશાને ઠેકાણે પહોંચી જતી. શુક્રવાર સવાર સુધી અમે સેલ કરી. ઘેર આવતાં જ મારા અંતરમાં ગમગીની છવાઈ ગઈ. આ વિલાસોની વિરૂદ્ધ મારા અંતરાત્માની અંદરથી અવાજ ઊઠ્યો, પરંતુ હું તો એ કાદવમાં ઉતરતો જ જતો હતો. ભાંગ પીવાનો અભ્યાસ પણ મિત્રમંડળમાં થઈ ચૂક્યો.

મથુરાના ચોબા

પિતાજી મથુરામાં આસી. પોલીસ ઉપરી નીમાયા. અને તે તીર્થધામમાં મને બે દૃશ્યો જોવા મળ્યાં, કે જે હું કદી નહિ ભૂલું. એક તે ચેાબાઓનું બ્રહ્મભોજન અને બીજી ગેાકળિયા ગોંસાઈજી લીલા.

હું ગયો એટલે પિતાજીએ ચેાબાને જમાડવાનો વિચાર કર્યો. અમારા ચોબાજીએ પૂછ્યું “કહો યજમાનજી, મણના દસ નોતરૂં, કે મણના ચાર?” હું ચકિત થયો. શું દસ દસ શેરના અથવા ચાર ચાર શેરના વજનવાળા ચોબા પણ થાય છે? ના, અર્થ એ હતો કે એક મણ મિષ્ટાન્નને ચટ કરી જાય તેવા દસ અથવા ચાર ચોબા ! એમ ઠર્યું કે “મણના ચાર” વાળા નોતરવા. ચારની જોડી તૈયાર જ હતી, અને એનાં નામ હતાં, સોટો, મોટો, છોટો ને લંગોટો ! નોતરાની સાથેસાથ જ અક્કેક દાતણ અને નવટાંક નવટાંક ભાંગ મોકલવામાં આવ્યાં. નહાવા જતી વેળાએ જ ચેાબાજી છીપર પર ભાંગ વાટી એની ગોળી કરી ગળા નીચે ઉતારી ગયા. આઠ બજે કૃષ્ણગોપલીલા ગાતા ગાતા ને નાચતા કૂદતા એ અમારે ઘેર પહોંચ્યા. એના ચરણો ધોવામાં આવ્યા. આસન પથરાયું. આજ્ઞા થઇ કે “લાવો યજમાનજી ભોગવિલાસી!” પોણો રતલ ભાંગ ભીંજાવી રાખેલી, એ ચોબાજીએ વાટી, અંદર બદામ એલચી ભેળવી દૂધ નાખ્યું, થોડી થોડી પ્રસાદી એણે અમને વહેંચી, બાકીની ચેાબાજી ચડાવી ગયા. અગીઆર બજે ભેાજન તૈયાર થયું. કહ્યું કે “ચોબાજી, પધારો ! ” પણ ચોબાજી ક્યાંથી ચાલે? આંખો બંધ છે. બોલ્યા કે “યજમાનજી, આસન પર દોરીને લઈ જાઓ.” હાથ પકડીને ઊભા કર્યા, ચરણ પખાળ્યા ને પાટલે બેસાડ્યા. પ્રથમ ત્રણ ત્રણ રતલ મલાઈ પેટમાં પડી, એટલે આંખો ઊઘડી, ને માગવું શરૂ થયું. ચાર ચાર રતલ પેડાઃ તે ઉપર શાકભાજી સહિત ત્રીસ ત્રીસ પુરીએાનો થર: પછી હલવો ને અંતમાં મલાઈની પૂર્ણાહુતિ. અમે એના હાથ ધોઈને હથેળીએામાં અક્કેક રૂપિયો દક્ષિણા ધરીને પછી પ્રણામ કર્યા, પણ તો યે ચોબાજી ઊભા રહ્યા. કહે કે “ યજમાનજી, હવે સત્યાનાશી પણ મળવી જોઈએ.” નવટાંક નવટાંક ભાંગ ફરીવાર દીધી ત્યારે ચેાબાજી ચાલ્યા. પિતાજીને ભય હતો કે આ બિચારાનાં પેટ ફાટશે તો પોતાને બ્રહ્મહત્યા લાગશે ! પણ સાંજે હું જ્યારે એ લોકોના સ્થાન પર ગયો યારે પેલી 'સત્યાનાશી'ના રગડા વડે તમામ આહારને ભસ્મ કરીને એ ચારે જણ તો કુસ્તી લડી રહ્યા હતા ! અને રાહ જોતા હતા કે કોઈ હરિનો લાલ લાડુ ખવરાવનારો મળી જાય !

ગોંસાઇ-લીલા

હવે ગોંસાઈજીની લીલા કહું : દક્ષિણના એક ડેપ્યુટી કલેક્ટર વ્રજયાત્રા માટે આવેલા હતા. સાથે પોતાની પત્ની દીકરો ને દીકરી હતાં. પુત્રી પંદર વર્ષની હતી. અંગ્રેજી પણ ભણેલી હતી. મને આ કુટુંબનો પરિચય કાશીથી થઈ ગયેલો. એક દિવસ ગોપાલ મંદિરમાં ઉત્સવ હતો, સાંજના પાંચનો સમય હતો. મારી સાથે એક પોલીસ અમલદાર હતો. એ કહે કે “ચાલો ભાઈ, ગોસાંઈજીના અંદરના મહેલની સેલ કરાવું.” અમે તો ચાલ્યા. અમને કોણ રોકે ? “સંન્યાસી, ગુરૂ ને ચપરાસી” એ ત્રણને કોઈ ન અટકાવી શકે. કેટલાયે ઓરડા ! અને કેટકેટલી ભૂલભૂલામણીવાળા રસ્તા ! પાંચ મીનીટ ફર્યા ત્યાં વેદનાની ચીસ સંભળાઈ. ધક્કો દઈને પાસેના ઓરડાનું કમાડ ખોલી અમે અંદર પહોંચ્યા. જોઈએ તો એક અબળા કુમારીને ગોસાંઇજી પોતાની પાસે ખેંચી રહ્યા છે, ને અબળા નાસી છૂટવા મથે છે; પાસે એક આધેડ સ્ત્રી ઊભી છે. અમને જોતાં જ ગોસાંઈએએ કુમારિકાને છોડી સામેની કૃષ્ણની પ્રતિમા પ્રતિ આંગળી કરીને કહ્યું 'આ મૂર્તિ ભાળીને એ બિચારી ગભરાઈ ગઈ હતી એટલે હું એને શાન્ત પાડતો હતો.' તુરત કુમારી બોલી ઊઠી કે 'Don't believe him sir ! He cought hold of me while I was touching his feet, Then I cried. O ! take me to my father.” [એની વાત ન માનશો હો મહાશય ! હું એનો ચરણસ્પર્શ કરતી હતી ત્યાં જ એણે મને પકડી એટલે જ મેં ચીસ નાખી, ઓહ ! ભલા થઈને મને મારા પિતા પાસે લઈ જાઓ !]

હું એ અબળાને એના પિતા પાસે લઈ ગયો. એ પણ પુત્રીને જ શોધતા હતા. પેલી આધેડ સ્ત્રી જ એને પૂજાને નિમિત્તે અંદર લઈ ગઈ હતી, અને પોતે ચરણસ્પર્શ કરીને એ કુમારિકાને આગળ કરી દીધી હતી. આ પોતે જ દક્ષિણના ડેપ્યુટી કલેક્ટર હતા. પેલી પણ એની જ પુત્રી હતી. મૂર્તિપૂજા પરથી શ્રદ્ધા ગુમાવીને એ પોતાના દેશમાં ચાલ્યાં ગયાં અને તીર્થક્ષેત્રોનાં પાપો મને પ્રત્યક્ષ થઈ ચુક્યાં.

  1. *ફિલ્સુફીનાં અંગ્રેજી પુસ્તકો