લખાણ પર જાઓ

સરસ્વતીચંદ્ર ભાગ ૨/ગુણસુંદરી

વિકિસ્રોતમાંથી
← ઘાસના બીડમાં પડેલો સરસ્વતીચંદ્ર ભાગ ૨
ગુણસુંદરી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણસુંદરી - (અનુસંધાન) →


પ્રકરણ ૪.
ગુણસુંદરી.

જે દિવસે બ્હારવટિયાઓયે મનહરપુરીની પાડોશમાંનાં ત્રિભેટામાં આટલી ધામધુમ મચાવી મુકી તે દિવસે એ ગામડામાં પણ કેટલીક ધામધુમ મચી રહી, થોડીક સરખી વસ્તીમાં ઉમેરો થયો અને તેને લીધે ગામના લોકને એક નવો ધંધો જાગ્યો.

બ્હારવટિયાઓયે ત્રિભેટામાં સંકેતસ્થાન રાખ્યું હતું તેનાં કેટલાંક કારણ હતાં. ત્રણ રાજ્યની સીમ આગળ એ લોકોને પકડવા, એ કામ કઠણ પડતું હતું, કારણ આ રાજ્યનાં માણસ પકડવા આવે તો આ રાજ્યની સીમમાં જવાતું. એ ઠેકાણે ઘણાક રસ્તાઓનો સંગમ હતો એટલે એ લોકને પોતાને પણ વેરાઈ જઈ એકઠા થવામાં ઘણી સવડ પડતી હતી. મનહરપુરીના ગામડામાં વસ્તી પણ આછી અને નિર્દોષ હતી અને બ્હારવટિયાઓ તેને કનડતા ન હતા. પાસે સમુદ્ર, પર્વત, આંબાવાડિયું, તાડનાં વન, ઉંચા ઘાસનાં બીડ, નદી, વગેરે હોવાથી નાસવામાં, એકઠાં થવામાં, સંતાઈ જવામાં, ભરાઈ ર્‌હેવામાં, હુમલા કરવામાં, અને બચી જવામાં બહુ સવડ પડતી હતી.

જે સાયંકાળે લુટાયલા સરસ્વતીચંદ્રે લુટાતાં આખર બાકી રહેલી મણિમુદ્રા અર્થદાસને પ્હેરાવી દીધી અને અર્થદાસ પોતાના મનમાં ચોરી કરી નાસી ગયો, તે જ સાયંકાળે બ્હારવટિયાઓયે ચંદ્રકાંતને લુટ્યો હતો તે આપણને ખબર છે, રત્નનગરીથી સુવર્ણપુર આવવા ચંદ્રકાંત નીકળ્યો ત્યાર પછી તેને રસ્તામાં અચિંત્યો વિદ્યાચતુરભણીથી સંદેશો મળ્યો કે સુવર્ણપુરના કેટલાક બ્‍હારવટિયા સર્વ રસ્તાઓ રોકી તોફાન કરે છે માટે હું તમારી જોડે બીજા સ્વાર મોકલું ત્યાંસુધી આગળ ન જશો. ગુણસુંદરીને ભદ્રેશ્વર જવું હતું અને તે રસ્તે બ્‍હીક ન હતી માટે એ પણ ત્યાં જવા પોતાના કુટુંબને સાથે લેઈ નીકળી હતી અને કુમુદસુંદરીની વાટ જોવાના વિચારથી મનહરપુરીમાં પોતાના બાકીના કુટુંબ સાથે રોકાવાની ધારણાથી આજ જ બપ્પોરે આવી પ્‍હોંચી હતી.

રત્નનગરીના સ્વાર આવી પ્‍હોંચતાં ચંદ્રકાંતને બીજા સમાચાર મળ્યા કે બ્‍હારવટિયાલોક ઘણા પાસે ભમે છે તે છતાં સરસ્વતીચંદ્રને મળવાની આતુરતાથી ભયને ન ગણી તે નીકળ્યો, લુટાયો, અને સારે ભાગ્યે સ્વારોની મદદથી બચવા પામ્યો. સ્વારોની શીખામણથી એને પણ મનહરપુરી જવું પડયું અને સાયંકાળે પાછે ગુણસુંદરીનો અતિથિ થયો.

મનહરપુરીમાં ગુણસુંદરી અને ચંદ્રકાંત બેના તથા એ ગામના થાણાના સઉ મળી ચાળીશેક હથિયારબંધ સ્વાર ભેગા થયા.

કુમુદસુંદરીએ મોકલેલા ત્રણ સ્વાર સરસ્વતીચંદ્રને ખોવાથી ખેદ પામી મનહરપુરી ભણી વળ્યા. ત્રિભેટાના વડનીચે બ્હારવટિયો મળવાના છે એવા કંઈક સ્વર માર્ગમાં કાને પડવાથી હરભમજી આખી રાત વડપર ગાળવાનું માથે લઈ વડની ડાળેમાં ચ્હડી સંતાઈ રહ્યો અને બીજા બે જણ મનહરપુરી ગયા.

વિદ્યાચતુર અને તેનું કુટુંબ આ ગામની વસ્તી ઉપર બહુ મમતા રાખતું અને વસ્તી પણ તેમના ઉપર મમતા રાખતી હતી. ગામની ગરીબ વસ્તી પોતાના પ્રિયપ્રધાનની ગુણિયલ પત્નીની ખાતર કરવા ઉપરનીચે થઈ રહી હતી. તેને પોતાની વચ્ચે જોઈ ઉત્સાહમાં આવી હતી. વિદ્યાચતુરને એવો સખ્ત નિયમ હતો કે ગામના લોક પાસેથી વેઠ વૈતરું કે કાંઈ ચીજ ગમે તે થાય તે પણ અમસ્તી લેવી નહી. હાથનીચેના અધિકારીઓને પોતાના કુટુંબની જ વર્તણુકથી દૃષ્ટાંત આપતો. આથી આ કુટુંબ વસ્તીને ઘણું પ્રિય થઈ પડ્યું હતું. ગુણસુંદરીની પાસે પોતાનાં સુખ-દુઃખની વાત કરી જવી, ગુણસુંદરીના પોતના ઘરની ન્હાની ન્હાની વીગત જાણી આશ્ચર્ય પામવું, પોતાની ન્હાની મ્હોટી ઈચ્છાઓ ખુલ્લાદીલથી જણવવી, આવાં આવાં અનેક કાર્યથી ગુણસુંદરીનો વખત ગામની સ્ત્રિયો રોકતી. ગરીબ અને ધર્મિષ્ઠ બ્રાહ્મણિયો, ઉદાર ગરાસિયણો, કરકસરથી ઘર ચલાવવાની આવડત્રેવડવાળી વાણિયણો, અને ઉદ્યોગી કણબણો ગુણસુંદરી આવ્યાની ખબર પડતાં જ નિત્ય પઠે તેના ઉતારા ભણી ચોમાસાની નદીના પૂર પેઠે વળવા લાગી. બીચારી ભંગિયણો પણ એના ઉતારાની પછીતની બારી પાછળ છેટે ઉભી ઉભી કંઈ કંઈ આનંદનો કોલાહલ કરવા લાગી. ગામમાં વસ્તી ત્રણચાર હજાર માણસની હતી. વધારે ભાગ કણબી વર્ગનો હતો. તે લોક ઉદ્યમી અને હીમ્મતવાન હતા. થાણદારો તથા વહીવટદારો તેમની સાથે હેતભાવથી વર્તતા અને પ્રમાણિક રહી મનહરપુરના જમીનદારો તથા ખેડુઓનો ઘણે ઠેકાણે દાખલો લેવાતો. અધિકારીયોના સહવાસથી આત્મપ્રતિષ્ઠા તેમની બુદ્ધિમાં દાખલ થઇ હતી, અને તેથી તેમની નીતિ ૫ણ ઉંચા પ્રકારની બની હતી. ગામમાં એક ન્હાની સરખી નિશાળ સારી રીતે ચાલતી હતી અને એક બે છોકરા તો છેક મુંબાઈની પાઠશાળા સુધી અભ્યાસ કરવા ગયા હતા. આ સર્વ લોકને વિદ્યાચતુર ઉપર કુટુંબપ્રીતિ હતી અને ગુણસુંદરી સાથેના ચાળીશે સ્વારો સાથે કણબી લોક રસભેર આનંદમાં પડી વાતો કરતા હતા. પઈસા મળતા તે તો લેતા પણ ઉંચામાં ઉંચી ચંદી સ્વારોના ઘોડાઓ સારુ આપી, ધોડાને થાબડી, ઘોડાઓના ઇતિહાસ પુછી, કોઇ કોઇ સ્વારના ઘરનાં સુખદુ:ખની વાતે ક્‌હાડી, વિદ્યાચતુરન રત્નનગરીમાંના ચાકરોની ખબર પુછી, સાદા અને ભલા કણબીઓ ગાતા, ગવરાવતા, અને ચૈત્રી બીજની રમણીય સંધ્યાકાળે ગામને પાધરે ગો-રજની ઉડતી ધુળમાં ભળી જઈ ગરબડાટ મચાવી મુકતા; તે ગામને છેવાડે આવેલા પોતાના ઉતારામાં ઉંચી ઓસરિયે ઉભી ઉભી ગુણસુંદરી લાંબી નજર નાંખી જોતી હતી અને ઓસરી નીચે આવતી સ્ત્રિયોની ઠઠને આવકાર દેતી હતી.*[]

વાણિયા બ્રાહ્મણની પણ થોડીક વસ્તી હતી. ખેતીની પેદાશ પાસેના બંદરમાર્ગે અથવા જમીનમાર્ગે થઈને પરદેશ જતી હતી અને તેથી કેટલાક વાણિયા વ્યાપારીયો ગામમાં આવી વસ્યા હતા. આ ગામમાં પ્રથમ તો આસપાસના ગામોના વાણિયા સાહુકારો ખેડુઓને દ્રવ્ય ધીરતા. અને માત્ર ઉઘરાણી સારુ જ જતા આવતા ર્‌હેતા. ખેડુઓમાં વિદ્યા કાંઈક દાખલ થવાથી, અધિકારીયોની શીખામણથી, પ્રધાનના ઉત્તેજનથી, અને ઉંચી નાતોની દેખાદેખીથી, ખેડુ તેમજ જમીનદાર વર્ગ મરણપરણનાં ખરચ કમી કરતાં શીખ્યા હતા તેમજ પોતાના ધંધામાં ઉદ્યોગ, કરકસર, વેતરણ, અને વિચાર દાખલ કરતા હતા. ગામમાં કર માત્ર જમીનનો જ હતો અને તે પણ ઘણો જુજ હતો. આથી આ લોક પઈસો એકઠો કરતાં શીખ્યા હતા અને પ્રધાનની સૂચનાથી કણબી લોક અરસપરસ ધીરધાર કરતાં પઈસાની કીમ્મત સમજવા લાગ્યા અને તેમાંથી પોતે પોતાના નાણાવટી થતાં થતાં દેવાદાર મટી ધીરનાર થવા લાગ્યા હતા. આનાં મુખ્ય પરિણામ ઘણાં થયાં. ખેડુઓનો ધંધો સ્વતંત્ર અને હોંસ ભર્યો બન્યો. નવા પ્રયોગ કરવા અને બુદ્ધિ અજમાવવી એ એક સારો ચેપ આખી વસ્તીમાં ફેલાયો. ખેડુઓના દીકરા પોતાના માબાપની સ્થિતિ ઉંચ જોઈ તેમના ધંધામાં પડવાનું અભિમાન રાખતાં શીખ્યા અને તેમની વિદ્યા ખેતીના સુધારામાં ખરચાવા લાગી.


  1. * આ ભાગનું અનુસંધાન પ્રકરણ ૬ સાથે છે.
તેમના ઉપર કર ઘણો જુજ હતો તેથી પ્રધાનનો તેઓ ઉપકાર માનતા

અને આસપાસનાં ઈંગ્રેજી ગામે કરતાં પોતાના ગામને ભાગ્યશાળી ગણતા. તેમનો કર ઓછો કરવાથી સંસ્થાનને લાભ એ થયો કે દુકાળ અને એવા હરકતના પ્રસંગમાં મનહરપુરની વસ્તી સંસ્થાનના આશ્રયવગર સુખી રહેતી. એ જોઈ વિદ્યાચતુર અતિસંતોષ પામતો ગામ અને ગામની સીમનો લોકોપયોગી ખરચ લોકો ખુશીથી કરતા અને રાજ્યને માથે ભાર અને ગાળ ર્‌હેતાં નહીં. આર્યદેશમાં કુવા, ધર્મશાળાઓ, ચોતરો, તળાવો, અને એવી હજારો વસ્તુઓ પ્રજાએ ધર્મનિમિત્તે કરી છે અને એ ધર્મવાસનાને ઉત્તેજન આપવામાં ચતુર પ્રધાન પોતાના પ્રધાનપણાની એક સાર્થકતા માનતો હતો. મનહરપુરીની પ્રજા પોતાના પ્રધાન ઉપર આથી પ્રેમ રાખે તે કાંઈ નવાઈ ન હતી. તેના બદલામાં તેને પિતાને કાંઈ ખપે એમ નહતું; બદલામાં એ એટલું માગી લેતો હતો કે રાજ્યને જરુર પડે અને કર વધારવા પડે ત્યારે કોઈએ મન ચોરવું નહી અને આપ્યા વગર તો છુટકો નથી તો તે ખુશીથી આપવું. તેમનો નિ:શ્વાસ રાજ્ય જપ્ત થાય તે કરતાં વધારે ભયંકર છે અને તેમનો આશીર્વાદ એ પોલીટિકલ એજંટની કૃપાના કરતાં અને સરકારના કીતાબે કરતાં વધારે કલ્યાણકારક છે એવું વિદ્યાચતુર માનતો અને મણિરાજના મનમાં વસાવતો. રાજ્યના ભંડારમાં ખરચ કરતાં ઘણું વધારે પડી ર્‌હે એ પ્રજાના ભંડારમાંથી ઓછું થયા જેવું છે. એવા સંચયનો દુરુપયોગ કરવાને રાજા લોભાય છે અને અધિકારિયો ચોર બને છે. રાજા લોભાય છે તો આ દ્રવ્ય તેની વિષયવાસના પૂરી પાડવા, તેની મૂર્ખતા સંતોષવા, તેના છેકરાવાદીપણાને જાળવવા અથવા તો તેની કીર્તિનું પોલાણ વધારવા સ્ત્રિયોમાં, ઢોંગસોંગમાં, રમતગમતમાં, કારીગરોમાં, પરદેશમાં અને પરદેશિયોમાં ઢોળાય છે. એ દ્રવ્યથી દેશના રાજાનું મન ચમકે છે અને પરદેશના રાજાનો ડોળો ચસકે છે. પ્રજાના ભંડારમાં રહ્યું હોય તે પ્રસંગ પડ્યે થોડા દિવસ કર વધારી ક્યાં લેવાતું નથી ? અર્થ સર્યે એ કર ઓછો થાય તો પ્રજા કેમ વિશ્વાસ નહીં રાખે ? આપણા ભંડાર કરતાં પ્રજાના ભંડારને ઓછો ભય છે માટે એ ભંડારને જ આપણી “બેંક” કરી રાખવી. આવા આવા પાઠ વિદ્યાચતુર મણિરાજને ભણાવતો અને ઉદાર અને જિતેન્દ્રિય રાજા સ્વતંત્ર અને શાણા પ્રધાનનું કહ્યું યથાર્થ સમજતો. એના રાજ્યમાં ઘણાંક ગામ બીજા અધિકારિયોની દેખરેખ નીચે મનહરપુરી જેવાં બન્યાં હતાં અને મનહરપુરી પ્રધાનની પોતાની દેખરેખ નીચે હોવાથી દૃષ્ટાંતરૂપે ર્‌હેતી અને એ દૃષ્ટાંત જોઇ બીજા અધિકારિયો રાજાપ્રધાનની ઈચ્છા શી છે અને પોતે શું કરવું તે સમજતા ગુણસુંદરી - રાજ્યકાર્યમાં માથું ઘાલતી ન હતી, પરંતુ મનહરપુરી તે પોતાની ગણતી અને રાજ્યકાર્યમાં માથું ઘાલ્યા વિના અકેલી મનહરપુરમાં સ્વામીનું કામ કર્યા જેવું કરતી.

વિદ્યાચતુરે ઇંગ્રેજી અને દેશી રાજ્યનો અનુભવ કરી એક સિદ્ધાંત એ બાંધ્યો હતો કે, પોતાનામાં સરસ્વતી, બુદ્ધિ, નીતિ અને વૃત્તિ હોય તો દેશી રાજ્યના તંત્રિયો પોતાની પ્રજાનું કલ્યાણ અને રાજ્યની ઉન્નતિ એટલે સુધી કરી શકે કે ગમે એટલા પરમાર્થી હોવા છતાં પોતાના પેટઉપર અચુક લક્ષ્ય આપનાર ઇંગ્રેજી રાજ્યકર્તાઓને વશ થયેલી દેશી પ્રજા સ્વપ્ને પણ દેખી ન શકે, માથે અનીતિ અને અન્યાયનો જુલમ હોવા છતાં ઘણાંક દેશી રાજયોની પ્રજા દ્રવ્યનું સુખ ભોગવે છે : એવું ઇંગ્રેજી અને દેશી હદનાં ગામડાં સરખાવનારના મનમાં આવ્યા વિના ર્‌હે એમ નથી – તે જુલમવિનાની પ્રજા દેશી હદમાં કેવી ઉન્નતિ પામી શકે તે જગતને દેખાડી આપવું એવો વિધાચતુરનો ઉત્સાહ હતો. તેના મુખથી આવી આવી વાતો ઘણીકવાર ગુણસુંદરી સાંભળતી અને પતિના ઉત્સાહનું વીર્ય સ્વાભાવિક રીતે પત્નીના હૃદયમાં ઢોળાતું અને ગર્ભજેવા પ્રતિધ્વનિરૂપે અંતર્માં ને અંતર્માં સ્ફુરતું. આવી સગર્ભાનું દોહદ મનહરપુરીની પ્રજાના કલ્યાણના ઉપભેાગથી પુરાતું. આવું આવું જોઈ પ્રધાન પોતાની સ્ત્રીને આપેલી વિધા સફળ થઈ માનતો અને પુત્રપ્રાપ્તિનાથી અધિકતર આનંદ પામતો. તેને આનંદ પામતો જોઈ પત્ની વધારે ઉત્સાહી બનતી. પતિપત્નીનાં હૃદય એક જ રસથી ઉભરાય, એક જ વિષયથી આનંદ પામે, પરસ્પર આનંદને વધારે અને ભોગવેઃ આ પરિણામથી ગુણસુંદરી પોતાનું લગ્ન સફળ થયું માનતી.

જેમ મિત્રો એક બીજાની છાની વાતે જાણી ખરી મિત્રતા બંધાઇ સમજે છે; જેમ શેઠના દ્રવ્ય અને વ્યાપારનો મંત્ર જાણી સદ્દગુણી મુનીમ પોતાને શેઠનો ખરે વિશ્વાસપાત્ર સમજે છે; જેમ રાજાના અત્યંત વિશ્વાસનું પાત્ર બનતાં સત્પ્રધાન પોતાની સદ્બુદ્ધિ વાપરવામાં સ્વતંત્ર બને છે અને રાજ્યસેવાને ઉત્સાહી થાય છે; જેમ ધર્મિષ્ઠ અને બુદ્ધિમાન્ રાજાના પાલનથી પ્રજા ખરેખરી રાજભક્ત થાય છે; જેમ શુદ્ધ- અંત:કરણ સાથે ઉચ્ચ સંસ્કારનો યોગ થતાં ભિન્ન ભિન્ન રૂપે પરમાનંદ ઉદ્દીપ્ત થાય છે તેમજ વિદ્યાચતુરનાં સુખદુ:ખ સમજવાની ઇચ્છારૂપ બીજ વિકાસ પામતાં વધવા પામેલું ગુણસુંદરીનું સ્નેહી હૃદય પતિના હૃદયની સર્વ છાની વાતો જાણવા અને સમજવા પામ્યું, પોતે તેના પૂર્ણ વિશ્વાસનું પાત્ર છે તે અનુભવવા લાગ્યું, પોતાના અભિલાષ પુરવામાં સ્વતંત્ર અને પતિના સ્નેહનું ઉત્સાહી બન્યું, પતિભક્ત થયું, અને શારીર વાસનાઓથી ભિન્ન ર્‌હેતા ઉચ્ચ અને માનસિક પ્રેમના આનંદના ચમકારાથી ચમકવા લાગ્યું. અશિક્ષિત પણ બુદ્ધિશાળી સ્ત્રિયોની બુદ્ધિ જેવી રીતે ઘરકામમાં અને સંસારવ્યવહારમાં આગળ પડી આવે છે તેમ જ આખી મનહરપુરીને પોતાના ઘર જેવું માનતી ગુણસુંદરી ન્હાના સરખા ગામડામાં વારે ઘડિયે આવી જતી અને ત્યાંની ગરીબ અને અજ્ઞાની વસ્તીને પોતાના ગજા પ્રમાણે સુખી કરવા પ્રયત્ન કરતી તે જણાઈ આવતું. મ્હોટી વયનાં માણસનું અનુકરણ કરવા જતાં ન્હાનાં બાળકો પોતાનાં રમકડાંને જીવતાં કલ્પી તેમાં ખરા સંસારના જેવો સંસાર ચલાવવાનું ભાન પામી પ્રફુલ્લ હૃદય ર્‌હે છે તેમ જ રાજ્યવ્યવહારમાં બાળક જેવી પત્નીને મનહરપુરીમાં જુદા જુદા પ્રયોગ કરી આનંદમાં ર્‌હેતી જોઈ, એ પ્રયોગનાં સૂક્ષ્મ અવલોકન કર્યાથી વિનોદ પામી, કદી કદી સ્મિત કરી, ને કદીક સૂચના પામી વિઘાચતુર ગુણસુંદરીના સામું જોઈ ર્‌હેતો, તેનો હાથ પોતાના હાથમાં હોય તો જોરથી દાબી દેતો અથવા તો પોતાના અધરપુટ ઉપર મુકતા, કોઇ પ્રસંગે તેનો વાંસો થાબડતો, અને એકાંત હોય ને અત્યંત ઉમળકો આવે ત્યારે હૃદયદાન કરતો. મનહરપુરીમાં આવ્યાથી આજ ગુણસુંદરીમાં આ સર્વ સંસ્કારનું સ્મરણ આવ્યું અને પવનથી મોરનો કલાપ ફરફર થઈ ચમકે તેમ આ સ્મરણથી તેનું હૃદય થવા લાગ્યું.

ગુણસુંદરીનું વય આજે પાંત્રીશેક વર્ષનું હતું, પરંતુ તેને સંતતિમાં માત્ર બે જ પુત્રિયો હોવાથી અને તે પણ ઘણાંક વર્ષઉપર જન્મેલી હોવાથી તેનું શરીર સુંદર હોવા છતાં નબળું પડયું ન હતું અને માત્ર છવ્વશ સત્તાવીશ વર્ષની તે દેખાતી હતી. ત્હોયે ચતુર જોનાર તેની મુખમુદ્રાઉ૫રથી ખરું વય કહી આપતાં. એ શરીરે મધ્યમ કાઠાની એટલે જાડીએ નહી અને દુબળીએ નહી એવી હતી. એનો વર્ણ છેક સોનેરી નહી તેમજ છેક રુપેરી પણ ક્‌હેવાય નહીં એવો હતો. મ્હોં ભરેલું હતું, વાળ કાળા, સુંવાળા, ચળકતા, ઝીણા અને અંબોડો છુટો હોય ત્યારે છેક ઢીંચણ સુધી આવે એટલા લાંબા હતા. કપાળ મ્હોટું હતું. આંખો ચળકતી ચંચળ અને ચકોર હતી પણ બહુ મ્હોટી ન હતી. તેનો સ્વર છેક કુમુદસુંદરીના જેવો ન હતો તોપણ તેમાં સ્ત્રીસ્વરની કોમળતા શુદ્ધ સ્પષ્ટ હતી અને ગાનસમયે કુમુદનાં જેવોજ સ્વર ક્‌હાડી શકતી. ઉંચાઈમાં પણ તે એના જેટલી જ હતી. તેનું મ્હોં હમેશ હસતું ર્‌હેતું અને ઘણાંક માણસ પ્રાતઃકાળે એનું મ્હોં પ્રથમ જોતાં અને આજનો દિવસ ખરા આનંદમાં જશે એવી શ્રદ્ધા રાખતાં. તેનો સ્વભાવ પોતાના પતિના જેવો કાર્યગ્રાહી હતો તેથી તેનું મન ઘણું સુખી રહેતું, “કામ સાથે કામ” એવું જ તે સમજતી. કુમુદસુંદરીમાં જે સહનશીલતા અને સુશીલતા હતી તે પણ ગુણસુંદરીની જ હતી. તેનો ઉત્સાહ ન્હાના બાળકના જેવો સપક્ષ હતો અને ન્હાની કુસુમસુંદરીમાં તેનો આ ગુણ ઉતર્યો હતો. પિયર તથા સાસરાની ડોસિયોના પ્રસંગથી તેનું હૃદય કુટુંબવત્સલ અને ક્ષમાધર[] થયું હતું, પરંતુ પતિના સહવાસથી આખા પરિચિતમંડળને આ ગુણનો અનુભવ કરાવતી. આખી મનહરપુરી એમ કલ્પતી કે ગુણસુંદરીની અમારા પર અમીદૃષ્ટિ છે. તો પણ કોઈ તેની આર્દ્રતાનો દુરુપયોગ કરી શકતું નહી, કારણ એને ખેદ થતો તે સામું માણસ ખમી શકતું નહી. આ શિક્ષાપ્રભાવ તેના પુરુષગુણી પતિમાં ન હતો, કારણ પ્રજાની ન્યાયતુલા હાથમાં રાખનારને પ્રત્યક્ષ શિક્ષાનો દંડ રાખવો પડતો હતો.

ગુણસુન્દરીનું પિયર આ જ ગામમાં હતું, વિદ્યાચતુર તેનાથી માત્ર પાંચ સાત વર્ષે મ્હોટો હતો અને મોસાળમાં ઉછર્યો હતો. એનું મોસાળ અને ગુણસુન્દરીનું પિયર ઉભય પડોશમાં સાખે સાખ હતાં. ગુણુસુન્દરીની મા પોતાની દીકરીના જન્મ પહેલાં બાળક વિદ્યાચતુર ઉપર બહુ હેત રાખતી, તેને રમાડતી, તેનું માથું હોળતી, ખાવાનું આપતી, અને લડાવતી. પોતાને પેટ દીકરી થતાં જોષીને પણ પુછવાની વાટ ન જોતાં વિવાહ કરી દીધો. ન્હાનો જમાઈ મસ્તીખોર, લડાક, અને બોલકણો હતો અને સાસુ વરકન્યાને સાથે બેસાડી જોઈ ર્‌હેતી અને લજજા ન સમજનાર બાળકોને મુગ્ધવચન બોલાવી વિનોદ પામતી. એમ કરતાં કરતાં વિદ્યાચતુર જરી મ્હોટો થતાં તેનાં સંતાનહીન મામાએ તેને રત્નનગરીમાં વિદ્યાભ્યાસ સારુ બોલાવી લીધો, મુંબાઈ જઈ ત્યાંની પાઠશાળામાં ઠેઠ સુધી અભ્યાસ કરી ત્રેવીશેક વર્ષની વયે એ પાછો રત્નનગરી આવ્યો તે પ્રસંગે ગુણસુન્દરીને સોળસત્તર વર્ષ થયાં હતાં, અને સાસરે ત્રણેક વર્ષ થયાં જતી આવતી થઈ હતી. પતિને વિદ્યાસારુ પરદેશ ર્‌હેવું થયું તે પ્રસંગમાં તેની સાથે પત્રવ્યવહાર રાખતી. અને પત્રોમાં દુહા, સાખિયો, ગરબિયો, વગેરે લખતી અને અતિ આનંદ


  1. ૧. ક્ષમા ધરનારું.
પામતી. પોતાના પત્રો પોતાની સખિયોમાં વંચાવી આનંદને વધારતી પણ

ખરી. પાઠશાળામાં શૃંગારરસ અને પ્રીતિરસનાં ભરેલાં ઇંગ્રેજી તથા સંસ્કૃત કાવ્યનો રસિક અભ્યાસી પતિ આવા પત્રોનો રસ ભોગવતો અને આવાં સાધન દ્વારા અભ્યાસ સમયની વિરહાવસ્થાએ પતિપત્નીનો સ્નેહ ઘણોક વધાર્યો. બાળલગ્નથી હાનિને બદલે આવી રીતે સુખ અનુભવતો અને તે સુખનું મૂળ પોતાના બાલ્યપરિચયનેજ ગણતો પતિ ઘણી વાર એવું વિચારતો કે બાળલગ્ન સામેનો મ્હારો વિરોધ નિર્મૂળ તો નહીં હોય ? આપણા વિદ્યાનિકષ સમાજે[] આપણા જુવાનિયાઓના હાથમાં શૃંગારાદિથી ભરેલાં પુસ્તકો મુકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેઓમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉત્પન્ન થાય છે. આ દાક્ષિણ્ય ન્હાનપણથી સહચારિણી બનેલી ઉપર સ્વાભાવિક રીતે ઢોળાય છે. આપણી અભણ પણ ભણેલાઓને પરણેલી સ્ત્રિયોના સુખનું મૂળ આવી રીતે રોપાય છે અને ગુણસુંદરીને પણ તેમજ થયું હતું. પતિપત્નીને એકઠાં ર્‌હેવાનો પ્રથમ સમય આવ્યો તે પ્રસંગે અભણ ગુણસુંદરી કેવી રીતે ભણી તે આ પુસ્તકના પ્રથમ ભાગમાં વાંચનારને વિદિત કરેલું જ છે.

પતિના અભ્યાસના સમયમાં જુદાં ર્‌હેવા પડવાથી ગુણસુંદરીના શરીરે પતીપણું મ્હોટી વયે અનુભવ્યું અને તેથી તેના શરીરનો બાંધો પણ યોગ્ય વયે પામવા જોઈતા વિકાસને પામી શક્યો.

પાઠશાળા છોડી કે તરત વિદ્યાચતુરને ૨ત્નગરીમાં શાળાના માસ્તરની જગા મળી અને તે જ પ્રસંગે સંસારમાં પડેલાને સારુ પત્નીનાં તનમન પણ આવી રીતે તેના નવીન સંસારનું વાહનપણું કરવા યોગ્ય બન્યાં. “અડોઅડ કપોળ લાગી રહેલ ” ઈત્યાદિ ન સમજનારી મુગ્ધા આ પ્રસંગે સર્વ સમજવા શક્તિમતી બની અને બેત્રણ વર્ષ લગી સંતતિ ન થઈ અને વિદ્યાચતુર માત્ર શાળાના માસ્તરની નિશ્ચિન્ત અને નિ:સ્પૃહી નોકરી પર રહ્યો ત્યાં સુધીના કાળમાં આ યુવાન દમ્પતીએ શૃંગાર અને સ્નેહની પરિસીમા ભોગવી.

ઘણીવાર રાત્રિના દશ વાગતાં સુધી આ સમયમાં વાળુ પછી દમ્પતી સાથે બેસી અનેક પુસ્તકો વાંચતાં; રાજકીય અને સાંસારિક વિષયોપર વાત ચાલતી, તરુણી ન્હાના ન્હાના પણ સૂચક પ્રશ્નો પુછતી, તરુણ તે સર્વઉપર ચર્ચારૂપે વ્યાખ્યાન કરી પ્રશ્નોનું નિરાકરણ કરતો, અને પોતાના કરેલા સિદ્ધાન્તોમાં નવીવિદ્યાની મુગ્ધા શંકાઓ


  1. વિદ્યાની કસોટી કરનાર સભા, યુનિવ્હર્સિટી.
ઉત્પન્ન કરતી અને તે શંકાઓ ઉપરથી કોઈ કોઈ પ્રસંગે સિદ્ધાન્ત

ફેરવવા પડતાં પત્નીની બુદ્ધિનું ઉચ્ચપણું મપાતું; અને આ સર્વ માનસિક સ્નેહભેાગને અંતે માનસિક વિહારની શિખરક્રીડા થતી હોય તેમ શય્યાખંડનાં દ્વાર બંધ કરી પાછળના એકાંત ઉદ્યાનમાં પડતી મ્હોટી બારી ભણી તરુણ તરુણીને ખેંચી જતો જતો હાલની ઊર્મિ ઉછળતાં અધરે અધરદાન કરતો કરતો ધીમે રહી ગાતો.–

“નિદ્રાતણા કર સુકોમળ તુજ જેવા,
“તેનાજ સ્પર્શથકી મોહિત વિશ્વ સુંતું;
“આ શાંતિઉપર ક્ષપાપતિ[] સ્મિતભોગી–”
“જો ફેરવે મૃદુ અનેક કરો ધીમેથી ! ૧
“જો! જો! પ્રિયે! ધીમી ધીમી વિકસાવ આંખ્યો!
“તેજસ્વી ચન્દ્ર નભકણ્ઠશું બાઝી ચાલે !
“ર્‌હે ઉભી, પ્રિય! ધર કાન ચકોર ત્હારા–
“શી વાત ચંદ્રશ્રવણે કરતી સુતારા ?” ૨

ઘણા દિવસ લાગટ આ રમણીય પ્રસંગ અનુભવતી અને ઘણા દિવસ આ ગાન પતિમુખે સાંભળતી ગુણસુંદરી તેનો અર્થ જ સમજી એટલું નહી, તે ગાનરસ પીતી હતી. એટલું નહી, પણ તેના હાર્દનો હૃદયમાં ઉપભોગ કરવા લાગી. કવિતાના શબ્દાર્થ અથવા વાક્યાર્થ સમજવા, કવિતાનો મર્મ સમજવો, કવિતામાં રસિક બની કવિતાના રસથી આનંદ પામવો – એ સર્વથી કવિતાનો ઉપભોગ એ એક જુદો જ અનુભવ છે. ગાનથી ચિત્ત લય પામે છે – જેમ સર્પ પણ ગાન સાંભળી ડોલે છે અને ભાન ભુલી જાયછે; શુંગારવશ માનવી તલ્લીન થઈ જાયછે – જેમ ગોપિયો વાંસળીના સ્વરથી ઘેલી બનતી હતી; સ્નેહવશ માનવી અભેદયોગ અનુભવે છે – જેનું જયદેવ અને પદ્માવતીની આખ્યાયિકા એ દૃષ્ટાંત છે; ભક્તિરસમાં નિમગ્ન માનવી સંસારને ભુલી જ જાયછે - જેનાં દૃષ્ટાંત અનેક ભક્તરાજનાં ચરિતમાં રહેલાં તે આર્યલોકને સુપરિચિત છે; બ્રહ્માનંદ પામતા આત્મા પાસે સંસાર અંધકાર જેવો અભાવ બને છે અને શુદ્ધ જયોતિ એ એકજ અદ્વિતીય પદાર્થ બને છે તે સઉ અને તેવો જ કવિતાને ઉપભોગ છે – આવાં વ્યાખ્યાન રસીલી સ્ત્રીની પાસે વિદ્યાચતુર ઘણી વાર કરતો. ઘણીવાર ફરી ફરી સાંભળ્યાથી, વધેલી વિદ્યાએ ઉઘાડેલાં લોચનથી, મહાકવિયોએ તેના હૃદયમાં નવા


  1. ૧. ચંદ્ર.
સળગાવેલા રસદીપથી, શૃંગારવયની પરિપકવ અવસ્થા પામવાને લીધે,

શિષ્યાને સમય અને શય્યાનું સ્થાન એ ઉભયના કરેલા ઉદ્દીપનથી, અને અંતે ઈશ્વરપ્રસાદથી, પતિમુખમાંથી નિત્ય પડતા ગાનસ્વરોમાં આજ જ નવો જીવ આવ્યો હોય અથવા તે પોતેજ અહુણાં નવી જન્મી હોય તેમ પતિએ ગાયેલી કવિતાનો ઉપભેાગ ગુણસુંદરીને એકદમ અચિન્તયે થયો, તેનું મુખ મલકાઈ ગયું, રોમોત્કમ્પ થયો; નેત્ર વિકાસ પામ્યાં, અંતર્માં વળી રહ્યાં, અને અંતે સ્નેહના ઉલ્લાસને બળે પતિનેત્ર સામું અનિમિષ જોઈ રહ્યાં. જાતે ચળકતાં અને ચન્દ્રિકથી પ્રકાશિત થયેલાં એ સ્ત્રીનેત્રની કાળી કીકિયોની વચ્ચોવચ પોતાના આકારનું પ્રતિબિમ્બ પડેલું હતું તેના ઉપર સ્નેહસમાધિસ્થ વિદ્યાચતુરની દૃષ્ટિ પડી. પત્નીની ન્હાની કીકિયોમાં પોતે ન્હાને રૂપે સંક્રાત થયો જોઈ– “આજ ત્હારા હૃદયમાં પણ હું ન્હાને રૂપે – કવિતારૂપે – સંક્રાત થયો છું, અને ત્હારી કીકિયોની પેઠે – ત્હારા સર્વાંગ પેઠે ત્હારું હૃદય પણ અનિમિષ બની મ્હારા પ્રતિબિમ્બનું ધારણ કરે છે ” એવું સૂચવતો હોય તેમ પતિ પણ ગમ્ભીર આનન્દમય વદનથી પત્ની સામું જોઈ રહ્યો. માનસિક સ્નેહનો આજ પ્રથમજ ઉભયને અનુભવ થયો. નવો ગર્ભ ધરનારીની પેઠે પત્નીએ બીજો દિવસ પ્રફુલ્લ વિચારમાં ગાળ્યો અને અંતે અભણ અવસ્થામાં ગરબીઓ રચનારીએ આજની અવસ્થાએ પહોંચી પતિના શ્લોકના પ્રતિધ્વનિરૂપ–પ્રત્યુત્તરરૂપ–નવી કવિતા વાલ્મીકિની પેઠે ઈશ્વરપ્રેરણાથી રચી ક્‌હાડી પાછો રાત્રિએ એજ પ્રસંગ આવતાં શુદ્ધ- સ્નેહના નવા ચાખેલા રસના લોલુપ વિલાસી પતિએ એજ શ્લોક ફરી ગાયા – એજ હૃદયસંયોગ ફરી ભોગવ્યો; પણ ગઈ કાલનાથી આજ અધિક અનુભવ મળવા વારો આવ્યો. મુગ્ધજેવી પત્ની પતિઉત્સાહને પ્રતિધ્વનિ કરવા ધૃષ્ટ બની.[] પતિએ ગાયેલા ગાનને અંતે થયેલું તારાલગ્ન દૃઢતર કરી, ઉદયમાન ચંદ્રકલા પોતાના કર સામા ઉભેલા અને નવા તેજથી ચલકતા મેઘ ઉપર ટેકવે તેમ પતિના સ્કન્ધ ઉપર સુકુમાર અને ગૌર કર ટેકવી, ચન્દ્રતેજના સ્પર્શથી ચંદ્રકાંત રસ ઝરવા લાગતો હોય, પતિના સ્પર્શે પોતે જ શુંગાર ઝરવા લાગી હોય, તેમ નવરસિક લલના પોતાની નવી કવિતા એકદમ આરંભી ધીમા મૃદુ


  1. अन्यदा भूषणं पुंसां क्षमा लज्जेव योषिताम् ।
    पराक्रमः परिभवे वैयात्यं सुरतेष्विव ॥ माघ -
             (તે પરથી સૂચિત)
સ્વરથી ગાવા લાગી અને ગાતી ગાતી ચંદ્ર અને તારા ભરેલા આકાશની સમક્ષ નવી શશિકલા જેવી ખીલવા લાગી:–

“ચમક ચમક તારા થાય આ વ્યોમમાં આ–
“મુજ ઉર સ્વર થાતા પ્રિયના અાજ જેવા;
“શશીતણું ધીમું રેલે તેજ આ વ્યોમમધ્યે–
“તમ ઉરથકી મ્‍હારે જેમ આનન્દ રેલે.
“શશીપદઅંકે બેઠો આ શાંતિ કરે સ્મિત, નાથ! .
"જુવો ! જુવો ! પ્રિય ! ગોઠડી કેવી એ બે કરે એકાંત !
“એવી ગોઠ મુજશું કરોની !
“શશીઉરમાં લપટાઈ આ શાંતિ ધરે પ્રકાશ !
“જુવો ! જુવો ! પ્રિય ગાંઠ એ બેની કેવી પડી આ આજ !
“એવી ગાંઠ મુજશું રચોની ! ”

આ સાખિયો ગવાઈ તેટલી વાર તો વિદ્યાચતુરે તેનો ઉપભેાગ કર્યો. ગવાઈ રહેતાં, તેના હાર્દનો વિચાર થતાં,-અચિન્તી કાંઈ નવી શોધ થઈ ગઈ હોય, શુદ્ધ કન્યાઉપર મદનાવસ્થાનો પ્રથમ અવતાર પ્રથમ જ વ્યક્ત થયો હોય, મુગ્ધાનું લજજાદ્વાર ઉઘડતાં તેના અંતમાં વસતા દૈવતનું નવલ દર્શન થયું હોય, તેમ પત્નીનું ગૂઢ રહેલું કવિત્વ પુષ્પપેઠે સહસા વિકાસ પામેલું જોઈ વિદ્યાચતુર અદ્‌ભુત આશ્ચર્ય, ઉત્સાહ, અને આનંદનો ભોગી થયો. પોતાની કવિતા કરતાં પણ સ્ત્રીની કવિતા વધારે કોમળ અને વધારે ઉત્સાહી લાગી અને તે ભાનથી હૃદય આનન્દગર્વમાં ઉછળવા લાગ્યું, અને તેનો હાથ પોતાને ઓઠે મૂક્યો.

સાત્વિક આનંદના પ્રસંગ વિરલ હોય છે. આ બનાવ વિઘાચતુરને પ્‍હેલો તેમ જ છેલ્લો થયો. આવી રાત્રિ વીતતાં બીજે દિવસે તેના મામા જરાશંકરે તેને બોલાવ્યો. રત્નનગરીના હાલના રાજા મણિરાજના પિતા મલ્લરાજ પાસે જરાશંકર ખાનગી મન્ત્રીનું કામ કરતો હતો. બાળક મણિરાજને ઈંગ્રેજી શીખવવા બસ્કિનસાહેબ તરફથી તાકીદ આવતાં વિશ્વાસુ માણસ જોઈતો હતો અને તે કામ ઉપર જરાશંકરની ભલામણથી વિઘાચતુરની નીમણુક થઈ. તેના મનમાં એવું હતું કે આ જગાનું કામ પણ માત્ર પુસ્તકશિક્ષકનું હશે; પરંતુ એ કામ તો માત્ર ગૌણપક્ષનું જ નીવડ્યું. મલ્લરાજને ઈંગ્રેજી વિદ્યામાં પ્રવેશ ન હતો એટલે તે વિદ્યાનું મૂલ્ય પણ ન હતું. મલ્લરાજ શરીરે તેમ સ્વભાવે શુદ્ધ ક્ષત્રિય હતો. આખા રજવાડામાં શુદ્ધ રાજબીજના દૃષ્ટાંતમાં સઉ તેને પ્રથમ ગણતા. ઇંગ્રેજી સત્તાના આરંભમાં થયેલાં યુદ્ધ, સામદામ આદિથી ભરેલી રાજનીતિ, રાજ્યબ્હારના અને રાજ્યમાંના શત્રુઓ, ઈત્યાદિનો તેને ન્હાનપણમાંથી અનુભવ હતો. પોતાનું અન્ત્ય સાધ્ય શું છે તેનો વિચાર કરતો અને પછી સાધન ખોળતો. રાજવિદ્યાને ચતુરંગ (શેતરંજ)ની બાજી જેવી ગણી ખેલ રમ્યાં કરતો અને તેમાં સર્વ સાર માનતો. ઈંગ્રેજી વિદ્યાને તે એક સાધન ગણતો અને મણિરાજને તે સાધન પ્રાપ્ત થાય તેમાં તેને બાધ ન હતો. મલ્લરાજ તરફથી વિદ્યાચતુરને પ્રથમ સૂચના એ થઈ કે ભલે આને ભણાવો પણ તમારું કામ ચુકશો માં. “મ્હારા કુંવરપાસે તમને રાખું છું તે કંઈ એની બુદ્ધિ ઈંગ્રેજી કરવા નથી રાખતો. એનું વય આજ કોમળ છે, માટે બહુ સંભાળથી એને ઉછેરજો. સરત રાખજો કે એને મ્હારે તમારા જેવો બ્રાહ્મણ નથી કરવો કે વૈશ્ય નથી કરવો. બ્રાહ્મણ, વૈશ્ય, મ્લેચ્છ, ઇંગ્રેજ અને એવા એવા સર્વ લોકની વિદ્યા એ સમજી જાય અને સર્વની કળા જાણી જાય, સર્વની સાથે પોતાના ધર્મ પાળવા સમજે, એવું એવું સર્વ એને શીખવજો. પણ યાદ રાખજો કે ઇંગ્રેજ, બ્રાહ્મણ, કે બીજા કોઈનો કે તમારો પોતાનો કંઈ પણ ગુણ એનામાં આવ્યો દીઠો તો તમારી નોકરીમાં કસુર થઈ ગણીશ. તમારું એક કામ એ કે એનામાં શુદ્ધ રજપુતના ગુણ ભરવા. એ કુમાર મ્હારી વૃદ્ધાવસ્થામાં મ્હારે ટેકવાનો દંડ છે, મ્હારા રાજ્યની આશા છે, મ્હારા વંશનું ભવિષ્ય છે, મ્હારા કુલની પ્રતિષ્ઠા છે, અને તમે એના શિક્ષક છતાં નોકર છો, અને એ પ્રજા નહી પણ રાજા થવા સરજેલો છે, તે સર્વ ધર્મને યોગ્ય એને કરજો. એનું શરીર ખીલવવા, એનું શૌર્ય વધારવા, મ્હારા ક્ષત્રિય યોદ્ધાઓ હું તમને સોંપું છું. એને રાજવિદ્યા શીખવવા તમારી મરજી પડે તે સગવડ માગજો. એને રાજા કરજો. બ્રાહ્મણને હાથે રજપુત સ્વધર્મ શીખે એ આપણા દેશમાંની જુની પ્રનાલિકા છે અને તે પ્રમાણે હું એને તમારા હાથમાં મુકું છું. તમારા બીજા વખતમાં શું કામ કરવું તે તમને જરાશંકર બતાવશે. તમારું કામ અંહી નિશાળના માસ્તરનું નથી. સ્ત્રીને કેટલાં કામ કરવાં પડે છે તે જુવો. છોકરાંને ઉછેરવાં, કુટુંબનાં વડીલોનું કામ ઉપાડવું, ચાકરો ઉપર સત્તા રાખવી, ઘરધંધામાં પ્રવીણ રહેવું, ઘરની અને ઘરના સામાનની સંભાળ રાખવી, ઘરમાં આવતાં જતાં માણસ આગળ ઘરનું નાક રાખવું, અને તે બધું જાતે મર્યાદા પાળી કરવું ! અને દિવસ વીત્યે શૃંગારશાળામાં પતિની ઉપર રાજ્ય ચલાવવું ! આટલું તે એક સામાન્ય સ્ત્રી કરે છે, અને તેની સાથે લોકના બોલ સહી જવા, ઘરમાં જુલમ અને અપમાન ખમતાં ગમ ખાઈ જવી, પોતાના દુઃખને ગણવું નહી, મન અને પેટ બે મ્હોટાં રાખવાં; એ બધું પણ સ્ત્રીને કરવું પડે છે અને તેટલું જો તે કરે તો જ સ્ત્રીને સ્ત્રી કહેવી. ન કરે તો તે પુરુષ તો નથી જ ને સ્ત્રી પણ નહીં જ – તેને તો જેમ અનંગરંગમાં શંખણી કહી છે તેમ આપણે સંસારરંગમાં શંખણી ક્‌હેવી. ક્‌હો – હવે એક સ્ત્રીને માથે આટલા ધર્મ છે તો સ્ત્રીના ધણી પુરુષના કેટલા ધર્મ હોવા જોઈએ? જે પુરુષને આટલું સ્ત્રીનું કામ આવડે નહી તે સ્ત્રીના કરતાં પણ નપાટ ને મ્હારા રાજ્યમાં, નોકરી કરવા નાલાયક, સ્ત્રી અને પુરુષ બેનું કામ આવડે તે મ્હારી નોકરીને યોગ્ય અને એ યોગ્યતા તમારે મેળવવી. જેનામાં આ સઉ યોગ્યતા વધારેમાં વધારે હોય તે મ્હારો કારભારી થવા લાયક છે. બીજું, લોભ ન કરવો એમ હું નથી કહેતો પણ સ્હામાનું ઘર સાચવી લોભ કરવો, અમારા પુરાણી એક શ્લોક ક્‌હેછે કે વાછડાને ધવરાવી ગાયને દ્હોવાની છે તેમજ રાજાએ પણ પ્રજાને - સંતોષ આપી રાજભંડાર ભરવાનો છે.[] હું તમને તેજ રીતે કહું છું કે રાજા- પ્રજાનો સ્વાર્થ સંભાળી તમારા સ્વાર્થના વિચાર રાખજો, નીકર મ્હારે તમારે સગાઈ નથી તે સરત રાખવી. તમે પ્રમાણિક છો તે હું જાણું છું, પણ પ્રમાણિકપણું પઈસા ન ખાધામાં જ આવી જાય છે એમ નથી, પણ બીજી ઘણી બાબતોમાં જોઇએ છીયે તે તમને અનુભવ શીખવશે. તમને એ પ્રમાણિકપણું હાલ વાત કરતાં સ્હેલું લાગશે પણ અધિકારે ચ્હડતાં “માયા દેખી મુનિવર ચળે ” એ તમે હળવે હળવે જોશો. મણિરાજને કાચી અવસ્થાને સમયે તમારા હાથમાં મુકું છું તેથી છલકાઈ કે છેતરાઈ ન જશો ને હમેશ યાદ રાખજો કે એ મણિ છે પણ નાગને માથે છે ને તમારે નાગની સાથે કામ છે, નાગ પ્રસન્ન થાય તો રત્નનો ભંડાર ઉઘાડો મુકે પણ


  1. राजन् दुघुक्षसि यदि क्षितिधेनुनाम् ।
    तेनाद्य वत्समिव लोकममुं पुषाण ॥
    तस्मिंश्च सम्यगनिशं परिपुष्यमाणे ।
    नानाफलैः फलति कल्पलतेव भूमिः

તે કોપે તો તેની દાઢમાં યમના દૂત નિરંતર સજ્જ છે તે યાદ રાખજે.

મલરાજ એ નાગના જેવો છે.”

રાજકુમારના શિક્ષક થનારના અંતર્માં શબ્દેશબ્દ જડાઈ ગયા, પ્રત્યેક શબ્દમાં ઉપદેશના ગ્રન્થ ભરેલા લાગ્યા, પ્રથમ જ જાતે મ્યાન ઉઘાડનારને તરવારનું મૂળ નીકળતાં જ આંગળિયો સંભાળવી પડે એવો અનુભવ થયો, અને ઘેર ગયા પછી પણ આ નવા સંસારે તેના તાર્કિક મસ્તિકને એવું તે ચકડોળે ચ્હડાવ્યું કે તે દિવસથી ગુણસુંદરી સાથેના સાત્વિક પ્રસંગો સ્વપ્ન જેવા થઈ ગયા, કવિતા કરવી ભુલી ગયો, અને રાજસંસારના તીવ્ર ભ્રમણમાં પડેલી આંખ નેહ-સંસારને નિત્ય ખરતા તારા પેઠે પળવાર જ જોવા પામતી.

આ જ પ્રસંગે ગુણસુંદરીને પણ તેને યોગ્ય વિષમ સંસારજાળમાં લપટાવું પડ્યું અને પૂર્વાવસ્થામાં વિદ્વાન પતિ અને વિદ્યાએ આપેલી કળા તે જાળ ઉકેલવામાં ઉપયોગી થવા લાગી. વિધાચતુરે મ૯લરાજના શબ્દ અમૂલ્ય ગણી એક પુસ્તકમાં ઉતારી રાખ્યા હતા. તે વાંચી ગુણસુંદરીએ પણ પોતાના નવા વ્યવહાર સંબંધી ઘણો બોધ લીધો. બુદ્ધિવાળાના અનુભવ વિદ્વાનોને પણ બોધ આપે છે; એટલુંજ નહી પણ સામાન્ય મનુષ્યો કરતાં વિદ્વાનો તે અનુભવમાંથી વધારે બોધ લે છે. વિદ્યાનું સાધન પુસ્તકભંડાર માત્ર અનેક બુદ્ધિમાનોના અનુભવનું રહસ્ય શીખવે છે અને આ રહસ્ય ગ્રહી લેનારને જ વિદ્વાન ગણવા અને બીજાને કેવળ પુસ્તકપંડિત ગણવા એવો વિદ્યાચતુરનો મત હતો અને તેથી બુદ્ધિવાળાના અનુભવને તે પુસ્તક જેવો જ ગણતો. અભણ પણ અનુભવી મલ્લરાજની પ્રથમ આજ્ઞામાં વસેલો ક્ષાત્ર ઉદ્રેક તેને અતિપ્રિય લાગ્યો, તેમાંનું રાજ-અભિમાન તેને નમવા યોગ્ય લાગ્યું, અને આવી સુંદર લાગતી આજ્ઞામાંથી સર્વેને માત્ર સુંદર લાગતા પુષ્પમાંથી મધમાખી મધ લે તેમ - તેણે અનુભવબોધ લીધો અને એ બોધથી તેનું પોતાનું નીતિબીજ બંધાયું એટલુંજ નહી પણ ગુણસુંદરીએ પણ તે બીજ સ્વીકાર્યું. માત્ર એકને એ બીજ રાજકાર્ય આદિ અનેક સ્થળે કામ લાગ્યું અને સ્ત્રીને તે ગૃહકાર્યમાં કામ લાગ્યું.

પોતાના મામા જરાશંકરને સંતતિ ન હોવાથી વિદ્યાચતુર મોસાળમાં ઉછર્યો હતો. એ જન્મયા ત્યારે તેના બાપ માનચતુરનું વય પાંત્રીશેક વર્ષનું હતું અને તેને ઇંગ્રેજી રાજ્યમાં એક ન્હાના ગામમાં મામલતદારના કારકુનની નોકરી હતી, તે સાધારણ ભણેલો હતો પરંતુ બુદ્ધિશાળી ગણાતો અને જ્યાં બુદ્ધિ સતેજ હોય છે ત્યાં યુવાવસ્થાનું ઉત્કટપણું પણ તેવુંજ હોય છે એ વાત સાચી માનનાર વર્ગ માનચતુરનું દૃષ્ટાંત બતાવતા. વૃદ્ધાવસ્થા પર્યંત ન છુટેલી લંપટતામાંથી મહાન અને અસાધ્ય રોગને વશ થઈ નોકરી છોડી ઘેર આવવું પડયું. વિદ્યાચતુર શીવાય માનચતુરને બીજો પણ કુટુંબ-વિસ્તાર પુષ્કળ હતો. વિદ્યાચતુરના પહેલાં માનચતુરને બીજા બે પુત્ર અને બે પુત્રિયો થયાં હતાં, સઉથી મ્હોટો પુત્ર સુંદરગૌરી નામની રૂપવતી બાળવિધવા મુકી ગુજરી ગયો હતો, સુંદરગૌરી પોતાને પિયર ર્‌હેતી હતી પરંતુ તેનાં માબાપ ગુજરી ગયાં અને ભાઈભાભીના ઘરમાં એ વધારે પડી. એક દિવસ તે તેને મારી ક્‌હાડી મુકી આખી રાત્ર ભુખી તરસી બારણે ઓટલે બેસાડી મુકી. ગુણસુંદરીને આ વાતની ખબર થતાં ત્યાં ગઈ અને ચોધાર રોતી નિરાધાર જેઠાણીને પોતાને ઘેર લઈ આવી. બીજા જેઠનું નામ ગાનચતુર હતું તે વિદ્યાચતુરથી દશ બાર વર્ષ મ્હોટો હતો અને એને ભણાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો; કારણ ન્હાનપણમાંથી મોજશોખમાં પડેલા બાપે લડાવ્યો અને બાપના જેવી સોબત વળગી. આખરે મામલતદારને ત્યાં ઘણી કડાકુટ કરતાં તેને એક તલાટીની જગા મળી, પણ જાતે વ્યસની તથા ખર્ચાળ હોવાથી કોડી બચતી ન હતી. વળી ગામના મુખીની સ્ત્રી સાથે એની ચર્ચા ચાલતી હતી તેથી મુખી, વેર રાખતો. એમ કરતાં કરતાં એક દિવસ એક ખેતરના ધણી પાસે ચાર પાંચ આના પાનસોપારીના લીધા હશે તે બાબત મામલતદાર પર 'રીપોર્ટ' કરી મુખીએ એને બરતરફ કરાવ્યો અને ચંડિકા નામની પોતાની સ્ત્રી તથા ચાર છોકરાંના વિસ્તાર સાથે રત્નગરી આવ્યો અને ગુણસુંદરીભાભીનો અતિથિ થયો. વિદ્યાચતુરની મ્હોટી બહેન દુ:ખબાના પતિ સાહસરાયને વ્યાપાર કરતાં દેવું થયું, દેવામાંથી છુટવા લોભનો માર્યો સટ્ટામાં પડ્યો, તેમાંથી છુટાય નહી એટલું ઋણ થયું, અને દુઃખ ને લાજનો માર્યો છાનેમાને ગામપરગામ નાસવા લાગ્યો અને ન ચાલ્યે દુ:ખબાને એના ભાઈને ત્યાં મોકલી દીધી. દુ:ખબાને સંતતિમાં માત્ર એક કુમારી નામની કુમારી કન્યા વયે પ્હોચવા આવેલી હતી. જેવું પતિનું દુ:ખ મ્હોટું હતું તેવુજ કુમારીને ક્યાં પરણાવવી અને શાવતે પરણાવવી એ દુ:ખ પણ બીચારી દુ:ખબાને થોડું ન લાગતું. એ દુ:ખ ભાઈભાભીને ન ક્‌હેવાતું અને કન્યાવસ્થા ત્યજતી કુમારીને જોઈ તેની મા રાતદિવસ સોસાઈ જતી. વિદ્યાચતુરની બીજી બ્હેન ચંચળબા આ અરસામાં વિધવા થઈ. તે કામકાજમાં નામ પ્રમાણે ચંચળ હતી. પણ તેનામાં અભિમાનનું પાસું હતું તેમજ જુઠુંસાચું કરવાની ટેવ હતી. આથી તે સાસરિયામાં સમાય એમ ન હતું પણ સાસરામાં બીજી કોઈ આધેર સ્ત્રી ન હોવાથી તેની ત્યાં ગરજ હતી. આખરે એની દેરાણી ઘર ઉપાડે એવી થઈ એટલે દિયરને ભાભીની ગરજ ના રહી. ચંચળબાનું નિત્ય અપમાન થવા લાગ્યું અને આખરે થાકીને અને દેરાણીનાં મ્હેણાં ન ખમાતાં ભાભીની બોલાવી ભાઈને ત્યાં ર્‌હેવા આવી. એને પંદરેક વર્ષનો યશપ્રસાદ નામને દીકરો હતો તેની વહુ સાલસબા ન્હાતીધોતી થઈ હતી પણ ચંચળબા ભાઈને ઘેર આવી એટલે સાલસબાને સાસરે રાખવાનું બંધ રહ્યું.

જે વર્ષમાં વિદ્યાચતુર મણિરાજનો શિક્ષક થયો તે જ વર્ષમાં થોડા થોડા દિવસને અંતરે માનચતુર, સુન્દરગૌરી, ગાનચતુર, ચંડિકા, દુ:ખબા, અને ચંચળબા પોતપોતાના પરિવાર લઈ વિદ્યાચતુરને ઘેર ઉભરાયાં. એ સઉ ભાર એકદમ અને અચિંત્યો ગુણસુંદરીને માથે પડ્યો. સઉનાં જુદી જુદી જાતનાં દુ:ખની સંભાવના કરવી, સઉના જુદા જુદા સ્વભાવની સાથે પાલવતું કરવું, અને સઉની કટેવો વેઠવી આ સઉ કારભાર ને આ સઉ ચિંતા ઉપાડતાં શુદ્ધ યુવાવસ્થામાં ખીલવા લાગેલી ગુણસુંદરીને ભોગવિલાસનો ત્યાગ કરવો પડ્યો અને વૃદ્ધાવસ્થાનું ધૈર્ય અને શાણપણ શોધવું પડયું. એનું ઘર ન્હાનું હતું, એના પતિની આવક આ સર્વ ખર્ચના પ્રમાણમાં જુજ હતી, અને સર્વના મનમાં એની પાસેથી સંભાવનાની અપેક્ષા તથા આશા વિદ્યાચતુરની પદવીના પ્રમાણમાં મ્હોટી રાખવામાં આવતી. તે અપેક્ષા અને આશા પૂરતાં જાણ્યે અજાણ્યે ચાલ્યે ન ચાલ્યે જેટલી ન્યૂનતા રહી જતી તેટલો અસંતોષ થતો અને તેટલા દોષ વિધાચતુર અથવા ગુણસુંદરીને માથે મુકાતા.

આ સર્વ કુટુંબભાર ઉગતી ગુણસુંદરીને માથે પડ્યો તે પ્રસંગે તેને જગતનો અનુભવ ન હતો અને એ ભાર નીચે કેટલાં કચડાવું પડશે અને તે પ્રસંગે કેટલું બળ રાખવું પડશે તેની એને કલ્પના પણ ન હતી. પ્રથમ વીશીની જુવાનીમાં પતિ સાથે એકલી રહેલી માણસની ભુખી હતી અને કુટુંબની સંભાવના કરવામાં પોતાની ઉદારતા અને મમતા દેખાડવાથી જન્મારો સફળ થયો માનતી હતી. પતિની સાથે વિકસેલો સ્નેહ કુટુંબીજન સાથે વિકસવા ઈચ્છતો હતો. પોતાના જેવાં જ પારકાંનાં અંતઃકરણ ક૯પતી હતી અને વત્સલ ડોશિયોમાં વસી વત્સલ થયેલી ગુણિયલ યુવતિ કુટુંબભારની ધુરન્ધર થવા ઈચ્છતી હતી. સંસારનું એક જ પાસુ તેણે અનુભવેલું હોવાથી પોતાના સદ્ગુણના વિકાસને સંસાર સર્વથા અનુકૂળ પડશે એવી તેણે આશા રાખી હતી. આ સર્વ ઉત્સાહ ભરેલી બાળાને કુટુંબભારની દુર્વહનીયતાનાં પડ અનુભવે ધીમે ધીમે ઉઘાડી આપ્યાં.

ઘરમાં માણસો ઉભરાયાં ત્યારે પ્રથમ તો ગુણસુંદરીને ઘણી સગવડ અને ઘણો આનંદ થયો. કેટલીક ન્હાની ન્હાની અગવડો પડી તેનો બદલો તો વસ્તીમાં ર્‌હેવાના આનંદથી જ મળી ગયો.

ન્હાના સરખા ઘરમાં જરા સંકડાશ પડવા લાગી, પણ આખો દિવસ ભર્યા રહેતા ઘરમાં કલોલ જેવું લાગવા માંડયું. પરસાળમાં સર્વ સ્ત્રિયોને તથા તેમનાં છોકરાંને સુવાબેસવાનું રાખ્યું. પરસાળપરની મેડીમાં જેઠ જેઠાણીને વાસ્તે એકાંત શયનગૃહ કરી આપ્યું ? પરસાળની પાછળ ઓરડો હતો તેમાં જોખમ ર્‌હેતું અને તેને હવે ચામડાનું તાળું થયું ગણાયું. ઓરડા પરની મેડીમાં દાણાની વખાર હતી તે પ્રસંગે લેવા જવું પડે ત્યારે જ માત્ર જેઠાણીની મેડીમાં જવું પડે. પરસાળની આગળ ચોક હતો. ચોકની એક પાસ રસોડું, પાણિયારું, વગેરે હતાં અને બીજી પાસ બે ઓરડિયો હતી તેમાંની એકમાં વડીલ માનચતુરને એકાંતવાસ આપ્યો ને બીજી વૃદ્ધ સાસુ ધર્મલક્ષ્મીને સારુ રાખી. ચોક આગળ ખડકી હતી અને તેના ઉપર મેડી હતી. બાકીના ભાગ ઉપર અગાશી હતી. સઉ આવ્યાં પહેલાં પોતાને સુવાનું પરસાળની મેડીમાં હતું અને ખડકીની મેડીમાં વિદ્યાચતુરની કચેરી : હતી. હવે સુવાનું ઠેકાણું ખડકીની મેડીમાં કર્યું અને કચેરી ખડકીમાં કરી. ખડકી ને ચોક વચ્ચે પડદો ભરી લીધો એટલે સ્ત્રિયોને મર્યાદા થઇ, પરસાળની જોડે ન્હાનો સરખે ચોકો હતો તેમાં રસોડાનું બારણું પડતું હતું. એ ચોકમાં જમવા બેસવાનું હતું. ચોક પાછળ ગજાર ને તેની પાછળ છીંડી હતી. ચોકમાં રસોડા જોડે પાણિયારું અને ટાંકાની ઓરડી વગેરે હતું. ન્હાની સરખી જગામાં થોડે ખરચે ઘણો સમાસ કેમ કરવો તે આપણાં ઘર બંધાવનાર વડીલો આપણાં કરતાં વધારે સમજતા હતા એવું વિદ્યાચતુર હમેશ કહેતો, અને પોતાના મ્હોટા કુટુંબને પોતાના ન્હાના ઘરમાં સર્વને અનુકૂળ સમાસ કરી આપનારી પત્નીએ આ ઘર બંધાવનારની બુદ્ધિને સફળ કરી આપી જોઈ પતિને અત્યંત સંતોષ થયો, અને બદલામાં પોતાને સુવાના નવા સ્થાનમાં સાન કરી, સ્ત્રીને બોલાવી હૃદયદાન દીધું. આ પ્રીતિદાય લેતાં લેતાં પત્ની બોલી: “જુવો, વડીલ શરીરે સારા ર્‌હેતા નથી અને નાનડિયામાં એમને હરકત પડે માટે એમને એકાંત જોઇયે, પણ તેની સાથે એમને જો મેડિયે ચ્‍હડાવિયે તો કંઇ જોઇતું કરતું હોય તો બુમો પાડવી પડે માટે એમનું નીચે ઠેકાણું રાખ્યું. એમાં મ્‍હારું બેસવાનું ઠેકાણું ઓછું થયું પણ એમને ઠીક પડશે. ખડકીની મેડીમાં મ્‍હોટા ભાઈને ખડકીનો ગરબડાટ નડત. એમને એકલાં બેઠાં બેઠાં ગાયા કરવાની ટેવ તે આ ગોઠવણ ઠીક પડશે. ખડકીમાં લોકો બેઠા હોય એટલે મ્‍હારાથી વારેઘડિયે હવે ખડકીની મેડીમાં નહીં અવાય, “પણ આખી રાત આપણી કયાં નથી ? ” પોતે હરકત વેઠી કુટુંબને સમાસ કરી આપનારી સ્ત્રીની પોતાનો સ્વાર્થ તજવાની આ બુદ્ધિ જોઇ આનંદમાં આવી પતિએ તેને ફરી પોતાના પ્રફુલ હ્રદયદાન દીધું.

“બહુ સારું કર્યું, મ્‍હારી ગુણિયલ ” એમ કરી ફરી હ્રદયદાન દીધું. આ ધન્યવાદના શબ્દ પત્નીને ઘણાં વર્ષ સરત રહ્યા અને કેટલીક વાર તો તેના ભણકારા વાગતાં આનંદથી ચમકતી. આ હ્રદયદાન પણ તે ભુલી નહીં. આ શબ્દ અને આ હ્રદયદાન કેટલાક દિવસ સુધી તો ગુણસુંદરી એકલી પડે ત્યારે સંભારી સંભારી, તેમાં લીન થતી. વિદ્યાચતુર એને ગુણિયલ કહી રોજ બેાલાવતો, પણ આજનું “ગુણિયલ” કાંઇક જુદા જ અર્થવાળું લાગ્યું. કુટુંબસંસાર ચલાવવો એ રાજ્ય ચલવવા જેવું છે. તે ચલવનારી ગૃહિણીનું કામ રાજ્ય ચલવનાર પ્રધાનના જેવું ગહન છે. દીર્ઘદૃષ્ટિ, સ્વાર્થત્યાગ, સહનશીલતા, ઉદ્યોગ, ઉદારતા, વ્યવહારકુશળતા, સેવ્યબુદ્ધિ, સેવકબુદ્ધિ, ઈત્યાદિ અનેક મહાગુણોનો ઉપયોગ ચતુર ગૃહિણીને પ્રધાનના જેટલો જ છે. ગૃહિણીનું કામ ભાડુતી ચાકરોથી થવાનું જ નથી અને ગૃહકાર્યને હલકું ગણી તેમાંથી ઉદ્ધારવાને બ્હાને સ્ત્રીને બાહ્ય સંસારમાં ધકેલવી, એ પાશ્ચાત્ય બુદ્ધિ વિધાચતુરને ઘણાં કારણથી રુચતી ન હતી. એ કારણોને ટુંકામાં સમાસ એક પ્રસંગે તેને ગુણસુંદરીયે જ કરી બતાવ્યો હતો. એક પારસી વર્તમાનપત્રમાં સ્ત્રિયોને બ્‍હાર પાડવા વિષે નિબંધ હતો તે વાંચી રહી પત્ર પતિના હાથમાં મુકતી મુકતી પત્ની બોલી: “મ્‍હારા ચતુર વ્હાલા ! આ લોકો લખે છે તે શું તમે ખરું ધારો છો ? અમારે અમારું શું ઓછું છે? અમારાં શરીર તેમ અમારાં મન સંસારના ગર્ભ ધારણ કરવાને જ સરજેલા છે , અમારાં શરીર છે તે સંસારને ઉછરવાનું સ્થાન છે. એ શરીરને પુરુષના સંસારને ધક્કેલે ચ્‍હડાવવાં તે જીભની પાસે દાંતનું કામ કરાવવાના પ્રયત્ન જેવું છે. તમે દાંત – અમે જીભ. તમે તમારું કામ કરો. અમે અમારું કરીશું. તમે કમાવ, અમે ઘરસંસાર નીભાવીશું, સ્ત્રીવિના તમારી કમાઈનો અર્થ કોણ સરાવશે ? તમે પણ પેટની સેવા સારું જીવશો અને અમે પણ તેમ કરીશું, ત્યારે તમારી સંતતિની, તમારા કુટુંબની, તમારા ઘરની, તમારા મનની, તમારા આનંદની, તમારા ધર્મની, સંભાળ કોણ લેશે ? શું ઈશ્વરે જગત એવું નિર્મેલું છે કે સ્ત્રિયે પણ ધનની સેવા કરવી ? અમને અમારું કામ જે આવું મ્‍હોટું છે તે શીખવવામાં મદદ આપો. તમારી પાસે દ્રવ્ય વધે તો અમને અમારા કામમાં ઉંચી પદવી આપો. કુમારા પુરુષો ગરીબ હોય છે ત્યારે પોતે પોતાના ચાકર ને રસોઈઆ બને છે તેવીજ રીતે ગરીબ પતિની સ્ત્રી બને છે રસોઇનું કામ સોંપી સ્ત્રીને હલકી કરી નાંખી એવું બોલનારા વગર વિચાર્યું બોલે છે, કારણ તે કામ તો સ્થિતિ પ્રમાણે પુરુષ અને સ્ત્રી ઉભયને કરવું પડે છે. દશ રુપીઆ કમાવા બજારમાં મજુરી કરવી અથવા બસો રુપીઅા કમાતા ડાકતર બની દવા ઉકાળવી અને ગુમડાંનાં પરુમાં હાથ બોળવા તેના કરતાં રસોઇને કિયા ઈશ્વરે હલકી કહી છે જે? અમે અમારી બુદ્ધિ રસોઈમાં ચલવીશું. તમારાં સાધન વધશે ને રસોઈઓ રાખી આપશો તો તમારા ઘર ને ! ઠેકાણે અમે મ્‍હેલ રચીશું, તમારા પુત્રને તમારા જેવા કરી આપીશું, તમને જે વિદ્યા સેવવાને અવકાશ નહી મળે તે અમે સેવીશું; તમારી રસવાસનાને, તમારા કવિત્વને, તમારા જ્ઞાનને, તમારા શૌર્યને, તમારી દેશભક્તિને, ઋણાનુબંધ પ્રમાણે ઉછેરીશું અને વધારીશું. જીભ કોમળ કામ કરશે ને દાંત કઠોર ચાવણું ચાવશે.તમારાથી અમારું કામ નહી થાય. અમે અમારું કામ યોગ્ય રીતે કરીશું તો જ તમારો સંસાર આગળ ચાલશે. તમારે સંસાર આગળ ન ચાલે તો અમને પણ હાનિજ છે. મ્‍હારી તો એવી બુદ્ધિ છે.” આ સાંભળી વિદ્યાચતુર હસ્યો અને બોલ્યો: “ઠીક, તને પણ ભલું માનવતાં આવડે છે. આપણામાં સ્ત્રિયો પોતાને પતિની દાસી ક્‌હેવડાવે છે, સેવકનું કામ છે કે સેવ્યને મ્‍હોટપ આપવી. પણ, અમે તો હવે ઇંગ્રેજી ભણ્યા એટલે આપણા હક સરખા ! ”

ગુણસુંદરી – “કોણ ક્‌હે છે જે હક સરખા નથી ? ખાવું, પીવું, સર્વે તમારે ને અમારે સરખું જોઇયે છિએ. પણ સરખો હક કરીને, તમારાથી ગર્ભ ધરાવાનો નથી ને અમારાથી અમારું કામ છોડાવાનું નથી. સેવ્ય સેવક એ નામથી કોઈ મ્‍હોટું ન્હાનું બનતું નથી. શેઠ નોકરને વાસ્તે મજુરી કરે છે ને નોકર શેઠને સારુ મજુરી કરે છે. દેખાવમાં શેઠ ઉપરી ને નોકર હાથ નીચે, પણ ઉભયને પરસ્પરની ગરજ. હાથ ઉપર ને પગ નીચે – એથી ઈશ્વરને મન હાથ વધારે નથી ને પગ ઓછા નથી. શાના વગર ચાલશે ? સ્ત્રીપુરુષને પણ એમ જ છે. મ્હારા ને તમારા સરખા હક, પણ મને ઈશ્વરે તમારા કરતાં ચાર તસુ નીચી કરી તે કંઇ ઉંચાં થવાશે ને સ્ત્રી મટી પુરુષ થવાશે ? અમારા કામમાં તમે અમને અયોગ્ય હરકત કરતા હો, અમને માણસને ઠેકાણે ઢોર ગણતા હો ત્યારે તમારો દોષ. આ તે શું ? પુરુષ તે પુરુષનું કામ કરે તે ને સ્ત્રિયે ઘરની ચિંતા ન ઉપાડવી, ને ડાહ્યાં ડમકાં બની ટાપટીપ કરી ગપાટા મારવા ને બેસી ર્‌હવું ને ધણીને ક્‌હેવું કે મ્હારે તે ખાવાનું જોઇએ, પ્હેરવાનું - જોઇએ, રસોઇયો જોઇયે, ને તમારાં માબાપ વૃદ્ધ થયાં માટે હું કાંઇ મ્હારું જોબન જવા દઉં? – એ તે કેવું કે ત્હારું મ્હારું સહિયારું ને મ્હારું મ્હારું પોતાનું આપણે એવાં થઈ આપણું ઘર બગાડવું ને દીકરિયોને એવી કરી જમાઇનાં ઘર બગાડવાં. એ તો બહુ સારો ધંધો માંડ્યો. તમે બ્હાર દીવાન થાવ તે તમારું ધર દીવાનના જેવું કરવું, તમારા કુટુંબને દીવાનના કુટુંબનું સુખ આપવું, ને તમે તમારા બ્હારના કામના વમળમાંથી થાકી ઘેર આવે ત્યારે તમારી પદવી જેટલા ઉંચા સુખસંસારમાં તમને લઇ લેવા એ અમારું કામ ને એમાં અમારી વડાઈ, ”

“વારું, હું દીવાન થઉં તો એમ કરજે. હાલ તો આપણા આ ન્હાના ઘરમાં ત્હારી ચતુરાઇ કેટલી પ્હોચે છે તે દેખાડજે. પણ હાલ અભ્યાસ કેમ ચાલે છે?” વિદ્યાચતુરે પુછ્યું ને ગુણસુંદરી નરમ જવાબ આપશે એમ ધાર્યું.

ગુણસુંદરી: “અભ્યાસ ? આ બધો યે અભ્યાસ જ છે કની ? કાગળનું પુસ્તક કે સંસારનું પુસ્તક, જેમાંથી શીખિયે તેમાંથી શીખાય ! – વંચાશે હળવે હળવે - ત્યાર સોરું બધું રસ્તે પડશે એટલે. હાલ તે ઘરમાં ગમ્મત છે. ચાર વાગે કુકડો બોલતાં ઉઠી તમારી પાસેથી નીચે જાઉંછું તે તમને ખબર છે. જઈને પ્હેલું કામ એ કે ઘરમાં દીવા કરું છું એટલે તમારા ઘરમાં અંધારાનું અજવાળું થાય છે. ચાકર બીચારો બાર વાગે સુવા પામે છે તેને ઉંઘમાંથી ઉઠાડવાનું પાપ વ્હોરવું એ સવાર થતાં પ્હેલાં મ્હારું બીજું કામ. શું કરું ? કોઇ જાગે નહી એમ ધીમે ધીમે ઉઠાડવાનું કરું છું, તે કોઇ વખત તો ઉઠે અને કોઇ વખત તો દયા આવે છે એટલે સુવા દેઉ છું. પછી એ ગરમ પાણી મુકે કરે એટલામાં હું મ્હારી મેળે દાતણ બાતણ, કરી, મ્હારી જાતનું કામ કરી, ન્હાઇ ધોઈ, ચોટલો ચાંલ્લો કરી, પરવારું છું. ત્યારપછી સાસુજીની પૂજાની સામગ્રી તૈયાર કરી એ ઉઠ્યાં હોય એટલે એમને સ્વાધીન કરું છું એ કામ બીજા કોઇને સોંપું પણ એમનો સ્વભાવ ચટવાળો ને આકળો ને તેથી જેને સોંપું તેને ને એમને બેને દુઃખ થાય એવું છે માટે હુંજ કરું છું. એટલામાં ઘરમાં સઉ ઉઠ્યાં હોય તો પોતપોતાનું કામ કરવામાં રોકાય તેટલી વારમાં રસોઇનો સામન હું તૈયાર કરું છું. દુ:ખબા બ્હેન ઘણું ખરું દીલગીર રહ્યાં કરે છે એટલે કામ કરતાં કરતાં વિચારમાં પડી જાય છે ને એમનાથી હેરાફેરા થતા નથી એટલે રસોઇમાં ન્હાવાનું એમને ઠીક પડે છે ને કુમારીને સાથે શીખવાને ન્હવડાવું છું. આપણે શીખવિયે ત્યારે ઠીક ન પડે ને બ્હેન શીખવે ધમકાવે તેથી હરકત નહી. ઘરમાં હાલ છોકરાં બહુ થયાં છે તેમને ન્હવરાવવાં, શણગારવાં વગેરે કામ સુંદરભાભીને ગમે છે ને એમની મેળે કર્યા કરે છે. ચંચળબ્હેન સવારનો વખત વડીલને સારુ ચ્હા, ઓસડ, વગેરે તૈયાર કરવામાં ગાળે છે અને હું ઘરમાં સઉને સારૂ હેરાફેરા કરું છું ને સામાન સુમનની ગોઠવણ કરાવી ચાકર ઉપર દેખરેખ રાખું છું. એનાપર દયા રાખું છું ખરી પણ દેખાડતી નથી કારણ દયા દેખાડિયે તે બગડી જાય. આમને આમ આખો દિવસ ચાલ્યો જાય છે ને ઘરમાં ? આનંદ વર્તે છે.”

“એમાં તમારી શી ચતુરાઈ ?” વિદ્યાચતુરે હસીને કહ્યું. ગુણસુંદરી ચિન્તાતુર મુખ કરી બોલી: “એતો ઈશ્વર જાણે પણ હવે મ્હારે સાતમો મહીનો જાય છે એટલે મ્હારાથી જોઇયે તેટલું નીપજતું નથી ને સુવાવડમાં હું નકામી થઇશ તે પ્રસંગની બહુ ચિન્તા રહે છે. જોઇયે હવે શું થાય છે.”

આટલું બોલે છે એટલામાં નીચે કોઇએ એને બોલાવી તેથી એ ગઇ. પણ એને ચિન્તા પડી હતી તે ખોટી ન હતી. જુદાં જુદાં સ્વભાવનાં ઘરનાં માણસોને જરા પણ તકરાર ન પડે એ રીતે પોતે ચતુરાઇથી સઉને અનુકૂળ બની જઈ રાખતી હતી અને જાતે છડી હોવાથી ખરેખરું કામ તે પોતેજ કરતી હતી. પણ સુવાવડ આવશે એટલે માળાવગરના મણિકા જુદા પડશે, કામકાજમાં વાદ પડશે, ઘરમાં બગાડ થશે, અને કુટુંબમાં “વિખવાદ” (વિષવાદ) થશે એવી ગુણસુંદરીની સંપૂર્ણ ખાતરી હતી. સુવાડવામાંથી પરવાર્યા પછી પણ પોતે છડી મટાવાની એટલે આ સઉ ગુંચવારો મટાડવા પોતાને જોઇતી સવડ નહી પડે તેની પણ એને બ્હીક હતી. સઉના સ્વભાવ અને ગુણદોષ તે થોડા અનુભવથી જાણી ગઈ હતી અને હાલતો ગુંચવારો જન્મજ ન પામે અને પાણી પ્હેલી પાળ જ બાંધવી એટલું કરવું તેમાં, ગુંચવારો જામ્યા પછી મટાડવા જેટલી મુશ્કેલી ન હતી. મીઠા અને મધુર સ્વરથી, વિજ્ઞપ્તિ (વિનંતી) ના આકારની આજ્ઞાથી, કોમળ સૂચનાથી, કોને અનુકૂળ શું કામ પડશે તે શોધી ક્‌હાડી તેને તે જ કામ સોંપ્યાથી, પોતે કોઈના ઉપર સીરજોરી તો કરતી જ ન હોય એવી વર્તણુકથી, કેડે છેડો બાંધી આખો દીવસ ખરેખરી માથાકુટનું કામ જાતે ખરા ઉદ્યોગથી અને વણવિસામે ઉપાડી લઈ તે કામ કરતાં તેનામાં દેખાઈ આવતા ઉત્સાહના દૃષ્ટાંતથી, અત્યંત શાન્તિ અને સહનશીલતા રાખી સામાને જણાય નહી પણ તેના મનમાં રમી જ જાય એવી રીતે શીખામણ આપવાની કળાથી, અત્યંત કુટુંબવત્સલતાથી, ઉદારતાથી, આત્માર્પણથી અને બીજી અનેક જાતની ચતુરાઈથી, ન્હાની વયની ઉગતી ગુણસુંદરીયે ઘણાં માણસથી ભરેલા ઘરનું નાવ સંસારસાગરમાં વેગથી ધપાવ્યું હતું અને તેના ઘરમાં આનંદ અને સંપની સીમા ન હતી. ગુણની કીમ્મત ગુણ ન હોય ત્યારે થાય છે, સુખની કીમત દુ:ખમાં થાય છે, અને સારાની કીમત નરસું કરાવે છે તેમ ગુણસુંદરીને સુવાવડ આવી ત્યારે સઉને તેની ખોટ જણાવાનો પ્રસંગ આવ્યો. ઈશ્વરદત્ત બુદ્ધિ અને પતિદત્ત વિદ્યા, સ્વાભાવિક અને ઉદાર સદ્‍ગુણો, અવિરામ ઉદ્યોગ, યૌવનયોગ્ય ઉત્સાહ, અને વૃદ્ધજનના જેવી નિર્મળ વત્સલતાઃ આ ઉત્તમ ગુણભરેલી ગુણસુંદરીથી ભાગ્યવાન વિદ્યાચતુરને તેની પરીક્ષા કરવાનો પ્રસંગ સમીપ આવતો હતો. પોતે એને મ્હોડે એનાં વખાણ કરતો ન હતો પણ જેમ જેમ બ્હોળા કુટુંબની સરભરા કરવામાં તેના નવા નવા ગુણ પ્રકાશમાં આવતા હતા અથવા પરિચિત ગુણ વિકાસ પામતા હતા તેમ તેમ સંતોષ પામતો હતો અને ઈશ્વરનો ઉપકાર માની પોતાની રાજસેવાના પ્રસંગોમાં મલ્લરાજની આજ્ઞા સ્મરી એ જ ગુણોનું ઉપયોગીપણું પરખતો હતો. રાજ્યસંબંધમાં પડેલાં માણસો જેવાં હોય તેવાં જ નીભાવવાં પડે છે, તેને જ ઉપયોગી કરી દેવાં પડે છે, તેમની સાથે સહનશીલતા અને ઉદાર ચિત્ત રાખવાં પડે છે, ઇત્યાદિ અનુભવ પોતાને થતો હતો તેમાં અને ગુણસુંદરીને થતા અનુભવમાં ઘણુંક સરખાપણું લાગ્યું. ગુણસુંદરીના સીમન્તવિધિને પ્રસંગ આવ્યો તે સમયે ઘરમાં વધેલી વસ્તી ઘણી કામમાં લાગી પરંતુ તે જ રીતે તેમનાં મન જાળવવાં એ મ્હોટું કામ ગુણસુંદરીને કરવું પડયું અને તેમ કરવા શીવાય એ પ્રસંગની સર્વ ચિંતા તો પોતાને જ રાખવી પડી. જ્ઞાતિભોજનની ખટપટ કરવામાં, બ્હારનો સામાન લાવવાના કામની ચિંતામાં, ગાનચતુરે ઘણો ભાગ ઉપાડી લીધો અને જરાશંકર અને બીજા સમ્બન્ધિયો કામ લાગ્યા તથાપિ તે સર્વ કારભારમાં અંધેર થતું અટકવું તે ગુણસુંદરીની સંભાળથીજ થયું. કારણ કામ કરવા સર્વ તત્પર રહેતાં અને ઉલટ બતાવતાં પણ કિયું કામ કોણે કરવું અને કાળક્ષેપ ન થતાં જે કામ જે ઘડિયે જોઈયે તે વખતે જ કરાવવાની ચિન્તા ગુણસુંદરીને રહી. આ સર્વનું કારણ એ જ કે “આ ઘર અને આ કામ તે મ્હારું પોતાનું જ છે અને મ્હારે પોતે જ પાર ઉતારવાનું છે” એ ફીકર કોઈને ન હતી. ઘરમાંથી સામગ્રી જોઈયે તે આણવામાં સર્વ સ્ત્રીમંડળ તત્પર હતું, પરંતુ કઈ સામગ્રી કોને જોઈયે અને કયાં મુકેલી હશે અને ક્યારે તેનો શો ઉપયોગ કરવો એ સર્વ કામ ગૃહિણીનું જ રહ્યું. વળી સામગ્રીનો આ મહાસભારંભમાં વખતો વખત બીગાડ થતો હતો તે કોઈ પ્રસંગે અટકાવાય અને કોઈ પ્રસંગે મ્હોટું પેટ રાખી થવા દેવો પડતો હતો તે પ્રસંગોનો વિવેક ઘરમાં કોઈ સમઝતું ન હતું અને ઘડી ઘડી ક્લેશના અને તકરારના પ્રસંગ આવતા તે ગુણસુંદરી સમયસૂચકતાથી જાળવી લેતી હતી અને બીગાડ થતો અટકાવતી હતી. જ્ઞાતિવ્યવહાર જાળવવા એ પણ એક વિકટ કામ હતું. એ શાસ્ત્રમાં ધર્મલક્ષ્મી સાસુ પ્રવીણ હતાં, પણ અવસ્થાને લીધે તેમનું શરીર જર્જરિત થયું હતું એટલે ઘરબ્હાર નીકળતાં ન હતાં કે સઉ બાબતની ખબર નો રખાય. પરંતુ બધી વાતની બેઠાં બેઠાં પુછપરછ કરતાં હતાં. એમને મ્હોટું પદ આપવા અભિમાન વિનાની ગુણસુંદરી બધી બાબતમાં તેમનો અભિપ્રાય લેઈને કામ કરતી હતી. તે પણ પોતાના અભિપ્રાયનો અમલ કેમ થાય છે, શામાં શામાં પોતાને પુછયા વગર વહુ આગવું ડ્‌હાપણ ચલાવે છે, શામાં શામાં સારું નરસું બોલાય છે, વગેરે તપાસ ડોશી ચંચલ મારફતે કરતાં; ચંચળ છાશમાં પાણી ઉમેરતી; અને ડોશી સમજુ હોવાથી વહુની કીમ્મત સમજતી તે પણ કોઈ કોઈ વખત મનમાં એની ભુલ ક્‌હાડતી, કોઈ વખત ચંચલ આગળ મ્હોં મરડતી, અને કોઈ વખત ગુણસુંદરીને ધીમે રહીને શીખામણ દેતી અને કોઈ વખત ટ્‌હાડા ડહામ દીધા જેવું પણ કરતી. કોઈ વખત મનમાં ખોટું તો લાગતું પણ આખરે “હશે, મ્હોટાં છે” કરી ઉદાર વહુ સઉ વાત ભુલી જતી અથવા સહી જતી. પોતાના સીમંતની ચિંતા સ્વાભાવિક રીતે વડીલોને માથે હોવી જોઈયે તે છતાં સીમન્તિનીને જ માથે આવી, અને જે સમયે તેના તનમનને આરામ અને આનન્દ જોઈયે તે સમયે તેને પ્રભાતથી મધ્યરાત્રિ સુધી કળ વાળી બેસવાનો વારો આવતો ન હતો અને તેમ છતાં તેને “જસમાં જુતિયાં” જ મળતાં. દુ:ખી દુ:ખબાને શ્રમ ન પડે જાણી તેને માત્ર ઘરમાં આવતાં જતાંને આવકાર દેવાનું અને જમાડવાનું કામ સોંપ્યું હતું અને એક ઠેકાણે બેસી રહી છોકરાંને વસ્ત્રાલંકાર પ્હેરાવવા ઉતારવાનું તથા ઉતારી સંભાળી મુકવાનું સોંપ્યું હતું, પરંતુ સાહસરાયની આપત્તિ જાણે ગુણસુંદરીયે જ આણી મુકી હોય અને તે પરદેશ હતો તે સમયે સીમન્તનું મંગળકાર્ય કરવાનો પ્રસંગ આવ્યો તે દોષ ગુણસુંદરીનો હોય તેમ તેની સમક્ષ દુઃખબા નિઃશ્વાસ મુકતી અને તેની પાછળ રોતી અને જોડે બેસનારાંપાસે કંઈ કંઈ બોલતી તે વાતો ગુણસુંદરી પાસે વધઘટ પામી જતી, પરંતુ ધીર અને શાંત ગૃહિણી સઉને ગંભીર અને અનુકંપક ઉત્તર આપી ખોટું ન્હોતી લગાડતી. આ ગરબડાટને પ્રસંગે માંદા માનચતુર અને ધર્મલક્ષ્મીને જોઈતી સવડમાં ખામી ન આવે તેની સંભાળ રાખવી અને અવકાશ મળે તે સવડ પ્રમાણે દીઠું કામ કરવું એ ચંચળબાને માથે હતું અને તે રીતે ચંચળ નણંદ ભાભીનું ઘણું કામ ઓછું કરી દેતી હતી, તો પણ પોતાનાં છોકરાંને ખાવાપીવામાં અથવા વસ્ત્રાલંકારમાં ખામી આવે એટલે દુ:ખબાને ઠેકાણે ભાભીનો દોષ નીકળતો અને ધર્મલક્ષ્મીપાસે ફરિયાદ જતી. મોડો વ્હેલો ભાભીને ઠપકો પણ મળતો પરંતુ સામે ઉત્તર દેવાને ઠેકાણે અથવા દુ:ખબાનો દોષ ક્‌હાડવાને બદલે ગુણસુંદરી વધારે સારી વ્યવસ્થા કરવાનું માથે લેતી. લોકને ન્હોતરાં દેવાનું અને ઘરના સર્વ પરિવાર સાથે શૃંગાર સજી બહાર જ્ઞાતિજનમાં ફરવાનું અને શોભા લેવાનું કામ ચણ્ડિકાને સોંપ્યું હતું. આ કામ તેને ગમતું અને કરતી, પરંતુ તે વિવેકમાં ભુલતી, અથવા રસ્તામાં સ્ત્રિયો સાથે વાતો કરવામાં રસળતી, અથવા કોઈની લ્હડવાડ ઘરમાં લાવવા ચુકતી નહી. એનો દોષ ક્‌હાડ્યાવિના ગુણસુંદરીને માત્ર કોઈને મ્હોયે આ સાંભળવાને બળાત્કારે પ્રસંગ આવે એટલે પારકાએ મુકેલો આરોપ તેણે જ મુકેલો ગણાતો, અને ઉપયોગી કામમાંથી ખોટી થઈ ચણ્ડિકાનાં મ્હેણાં દિવસમાં એક બે વાર સાંભળવાં પડતાં. જેઠાણીના ઉભરા શમે એટલે ડાહી દેરાણી તેને શાંત પાડે; અને “અત્યારે મ્હારી વાત સાચી નહીં વસે – ત્હડાં પડવા દ્યો” એવો મનમાં વિચાર કરી, મલકતે મ્હોયે જેઠાણિયે કરેલાં કામમાંથી કાંઈ સારું કામ શોધી ક્‌હાડી, તે કામ બાબત સાબાશી આપી, કાંઈક આનંદવાર્તા ક્‌હાડી, ક્રોધવાર્તા ભુલાવી, ચતુર દેરાણી જેઠાણીને હસતી કરી કંઈ કામ કરવા મોકલી દેતી અને પોતે પોતાને કામે વળગતી. સુંદરગૌરીને ઘરના દાગીનાની તથા સામાનના ઓરડાની સંભાળ લેવા રાખી હતી. એના ઉપર ગુણસુંદરીને પૂર્ણ વિશ્વાસ હતો અને તેને બદલે એ અનાથ વિધવા કૃતજ્ઞ અને ઉપકારવશ બની ઓછી ઓછી થઈ જતી. પરંતુ આ જ સંબંધને લીધે ઘરનું સર્વ સ્ત્રીમંડળ તેની અદેખાઈ કરતું અને તેને માથે દોષ આવે એટલે રાજી થતું. ગુણસુંદરી એ સર્વે સમઝતી અને અનાથનું રક્ષણ કરવા સદા તત્પર ર્‌હેતી; પરંતુ સામાથી કળાય નહી એમ એ રક્ષણ કરતી, કારણ પોતે એનો પક્ષ લે છે એવું સ્પષ્ટ થતાં સુંદરગૌરીને વધારે ખમવું પડશે એવી તેની ખાતરી હતી. સુંદરગૌરીનાં ભાઈભોજાઈ સીમન્તભેાજનમાં આવતાં અને “બ્હેનને એની ભાભીનું ઉપરાણું મળ્યું અને આપણું નાક નીચું થયું ” સમઝી એ ભાઈભોજાઈ ઉઘાડો ખાર કરતાં અને વૈર રાખતાં. એક વખત તે જ્ઞાતિભેાજન સમયે કાંઈક કામ સારું સુંદરગૌરીને બ્હાર આવેલી દેખી લાગ જોઈ એના ભાઈએ હાથ ઝાલી ઘસડવા માંડી. ગાળો દેતો બોલ્યો કે “રાંડ, મ્હારું કુળ વગેાવ્યું, હું કિયે દ્હાડે ખાવા નથી આપતો કે દિયરને ઘેર જઈ રહી ?” ગરીબ બીચારી સુંદરગૌરી અનાથ થઈ રોવા લાગી. ગુણસુંદરીને ખબર પડતાં માણસો લઈ આવી એને છોડાવી અને બંદોબસ્ત કર્યો કે ગમે તે થાય તો પણ સુન્દર બ્હેનને કોઈએ બ્હાર ન મોકલવાં. આ સઉના બદલામાં ગુણસુંદરીને સુન્દરનાં ભાઈભોજાઈયે અગણિત ગાળો દીધી. પોતે ઘરમાં જઈ બેઠી એટલે એ ગાળો તો બંધ પડી; પરંતુ “આ શાં સુન્દર બ્હેનનાં માન! રાંડ અપશકુનિયાળ એ તે શીદ ઘરમાં જોઈયે ?” “એના વિના તે શું ઉણું રહ્યું હતું ?” ઈત્યાદિ નિર્દય વચન છાનાં છાનાં ઘરમાં બોલાતાં હતાં, ચંચળ મ્હોં મરડતી હતી, ચણ્ડિકા ઓઠવડે પૂકાર કરતી હતી; એ અને એવું ઘણુંક સાંભળ્યું અને જોયું અને તેથી ગુણસુંદરીનું અંતઃકરણ ચીરાતાં પોતાના હાથમાં હજાર ઉપયોગી કામ હતાં તે જેમનાં તેમ પડતાં મુકી ચોકવચ્ચોવચ પાટઉપર સુન્દરગૌરીનો હાથ ઝાલી બેઠી. સુન્દર શરીરે ગોરી અને અત્યંત લાવણ્યવાળી કોમળ કાન્તિવાળી હતી. સુવર્ણકાન્તિવાળા એના ગાલ અત્યારે તપાવ્યા જેવા દેખાતા હતા અને તેઉપર ઉકળતાં આંસુ ઉપરા ઉપરી ગરતાં હતાં. ડુસકાંથી તેની કોમળ છાતી ધડકતી હતી. રાખોડીના ઢગલા નીચે સંતાઈ રહેલા દેવતાના અંગારા સાથે દીવાસળીનો સંયોગ થતાં તે ભભુકવા માંડે તેમ વિધવાવસ્ત્ર નીચે સંતાઈ રહેલું કાન્તિવાળું શરીર દુ:ખસંયોગથી કંપતું ધડકતું જણાયું. મ્હોયે અને આંખોયે કોમળ હાથ દેઈ તે ઝીણે સ્વરે રોતી હતી. પોતે પાટઉપર બેસી, એને જોડે બેસાડી તેનું માથું ખોળામાં લેઈ; એક હાથ એના માથાતળે રાખી, બીજો હાથ તેને વાંસે મુકી, તેને છાતી સરસી ગુણસુંદરી ચાંપવા લાગી અને આંખમાં પાણી આણી મધુર અને મીઠાં વચનથી આશ્વાસન કરવા લાગી. ઘરનાં સર્વ માણસ આશપાશ ભરાઈ ગયાં અને અત્યારસુધી ચાળા કરતાં હતાં પણ હવે સઉને દયા આવી અને ગુણસુંદરીની જોડે આશ્વાસક વચન બોલવામાં ભળ્યાં. બોપાગાળા વેડા ન ઠરે એવું ઈચ્છી સર્વે ભરાઈ જતાં સુન્દરગૌરી, આંસુ લ્હોઈ બેઠી થઈ અને કામે વળગી. ગુણસુંદરીના સીમંતમાં આમ કંઈ કંઈ નાટક થયાં. દરબારમાં અત્યારે સાહેબ આવેલા હોવાથી વિદ્યાચતુરને ઘેર ર્‌હેવા નવરાશ ન હતી અને આવે પ્રસંગે એ ચિન્તા રાખી શકત તે ચિન્તા પણ ગુણસુંદરીને રાખવી પડી. સીમન્તપ્રસંગમાં સઉ વાતમાં સઉતરફથી જસ આવ્યો અને તે સારુ પુરુષવર્ગમાં ગાનચતુરને જસ મળ્યો અને સ્ત્રીવર્ગમાં ધર્મલક્ષ્મીને જસ મળ્યો. ગુણસુંદરીને તો કોઈએ લેખામાં જ ન ગણી. છતાં પોતાને મળવાનો યશ સાસુ અને જેઠને મળ્યો અને તેથી તેમને સંતોષ વળ્યો જોઈ ગુણસુંદરી પોતાને જ યશ મળ્યો સમઝી અને રાચી.

બે માસ વધારે ગયા. સુવાવડના દિવસ સુધી ગુણસુંદરી ઘરકામમાંથી છુટી નહીં. ઘર એનું ક્‌હેવાય એટલે સઉ કોઈ એમ જાણતું કે એ કામ કરે તે તેમાં નવાઈ નહી અને સપાડું યે નહી. પોતે જેમ જેમ કામ કરવા અશક્ત થઈ અને ઘરમાં સઉનાં મન સાચવવાનું બનતું તે શરીરની સ્થિતિને લીધે ઓછું થયું તેમ તેમ સઉયે પોતપોતાનું કામ ઓછું કરવા માંડયું, અવ્યવસ્થા વધવા લાગી, અને કામમાંથી બચતો વખત કુટુંબક્લેશનાં બીજ રોપવામાં રોકાતો થયો. ગરીબ સ્વભાવની દુ:ખબા પણ બદલાઈ, તેની જ દયા જાણી તેને માત્ર રસોઈનું કામ સેંપવામાં આવ્યું હતું, પણ હવે તે ક્‌હેવા લાગી કે હું તો ઘરની ભઠિયારી છું – લચકો ધાન ખાઉછું ને ભઠિયારું કરુંછું. ધર્મલક્ષ્મીએ પણ એ વેણમાં હાજિયો ભણ્યો. આ વાત ગુણસુંદરીને ખબર પડતાં, ખેાટું લગાડયું નહી પણ ધીમે ધીમે રસોઈમાં દાખલ થઈ અને તેને નવમો માસ હોવાને લીધે સઉને ખોટો વિવેક કરવો પડતો પણ આખરે તેને રસોઈ કરવા દેતાં. સ્હાડા નવ મહીના પુરા થવા આવ્યા હતા તેવામાં છેક છેલ્લે દિવસે તેણે ઘરનાં સત્તર અઢાર માણસની રસોઈ કરી અને રસોઈ વખત પણ એની પાછળ હેરોફેરો કરવા કોઈ કામ લાગતું નહી તેથી મેર ભરી પાણી પાણિયારેથી રસોડામાં આણી મેર હેઠળ મુક્યો ને પેટમાં દુ:ખ થયાથી સઉ પડતું મુકી ગજારમાં પોતે ખાટલો તૈયાર રાખ્યો હતો તેમાં પડતું મુકયું અને ઓછું આવતાં રોઈ પડી. એની પાછળ એની દયા જાણનારી સુન્દરગૌરી દોડી. ચંડિકાએ પોતાની મેડીમાંથી બેને જતાં જોયાં, પણ તપાસ ન કરી. ચંચળ એની સાથે ગપાટા મારવાના ધ્યાનમાં હતી, ધર્મલક્ષ્મી પૂજાના ધ્યાનમાં હતાં. દુ:ખબા ખડકીમાં માથે હાથ દઈ બેઠી હતી. ગુણસુંદરીની દયા જાણનાર બીજું માણસ વૃદ્ધ માનચતુર હતો. માંદે માંદે તે સઉ તાલ જોયાં કરતો, દીકરિયોને ધમકાવતો, ને ડોશીને ખીજતો. પોતાના ખાટલામાં સુતે સુતે ગુણસુંદરીને જતાં જોઈ તે કારણ ચેતી ગયો અને મંદવાડ ન ગણી લાકડી ઝાલી ઓરડી બહાર આવી ગાજી ઉઠયો : “દુ:ખબા,ચંચળ, રાંડો કરો છો શું? મોઈ તમારી મા ને એની પૂજા! પેલી બીચારીની ખબરે કોણ રાખે છે જે ? ઉઠો!” વડીલને હોંકારે ઘરમાંની સર્વ ભરતી ગજાર ભણી વળી, પૂજા એમની એમ રહેવા દેઈ જાગૃત થયેલાં ડોશી વૃદ્ધ શરીરમાં જુવાનીની ત્વરા મુકવા પ્રયત્ન કરી દોડ્યાં. ચંચળ દોડતી દોડતી ઉતરી. દુ:ખબા ખડકીમાંથી ધીમે ધીમે આવવા લાગી તેને વડીલે રીસ કરી ધમકાવી: “ઓહો ! ઓહો ! આ તે કાંઈ તનેજ દુ:ખ હશે ! પગ શા ભાંગી ગયા છે જે? દોડ, નીકર પછવાડેથી ધક્કો મારીશ કેની એટલે વેગ આવશે !” પોતાના ઉપર અન્યાય અથવા જુલમ ગુજરતો હોય એવું મ્હોં કરી એણે પગલામાં વેઠે ઉતાવળ આણી. ચંડિકા સઉની પાછળ ડોસાઉપર મ્હોં મરડતી મરડતી ઉતરી અને કીડીને વેગે ચાલી. પરસાળના બારણામાં નજર પડતાં ડોસાએ તેનો ચાળો જોયો અને બડબડ્યો: “કોણ જાણે ક્યાંથી એ કુભારજા મળી છે ! ભાઈને કમાવું નહી ને બાઈનું શરીર જરી જરીમાં ઘસાય છે!”

ગજારમાં સઉ એકઠાં થઈ ગયાં. ખાટલામાં ગુણસુંદરી બેભાન જેવી પડી હતી અને સુંદરીગૌરી ઈસપર તેનું શરીર ઝાલી બેઠી હતી. તેમની આસપાસ સઉ વીટાઈ વળ્યાં. ચંચળે મ્હોટા ભાઈને બુમ પાડી સુઇયાણીને તેડવા મોકલ્યો. ભાંગ અને ગાનના ઘેનમાંથી જાગી તે ચાલ્યો અને તેને ચાલતો જેઈ તેની પાછળ માનચતુરે નિઃશ્વાસ મુકયો. વૃદ્ધ અને અશકત, ધર્મધ્યાનવાળાં અને વહેમી પણ પ્રસંગે સઉ આવું મુકનારાં, બોલે ખરાં પણ માંહ્યથી વ્હાલવાળાં, ડેાશી વહુના ખાટલાની પાંગતપર જઈ બેઠાં અને કામ કરવામાં તત્પર દીકરી ચંચળ પાસે હેરાફેરી કરાવી વહુની સરભરા પોતાના અનુભવ પ્રમાણે કરવા લાગ્યાં. ગુણસુંદરીનું દરદ વધતું ગયું, તે ત્હાડી થઇજતી હતી, અને ખરેખર બેભાન થતાં થતાં ભાન આણી અંબોડે કુંચી હતી તે ઉપર હાથ મુકી આંખમાં આંસુ આણી સુન્દર ભણી નજર કરી “લ્યો, આપજો.” એટલું બોલી પોપચાં ઢાળી દઈ આંખ મીચી બેભાન થઈ ગઈ અને કુંચી છોડતી છોડતી સુન્દરગૌરી અત્યન્ત રોવા લાગી. એનાપર ગુણસુંદરીને આવે વખતે પણ આટલો વિશ્વાસ જોઈ એક ચંડીકાનાં ચસમાં ફરી ગયાં પણ એના શીવાય સઉનાં કાળજાં ધડકવા લાગ્યાં અને નકામી જેવી દુ:ખબા પણ કામની થઈ. બધાં વચ્ચેથી ઉઠી વડીલ પાસે આંખ લ્હોતી લ્હોતી એ ગઈ અને હળવે રહી તેમની ઓરડીના ઉમર પર ઉભી રહી બોલી: “ભાઈને કોણ બેલાવશે ? મને ભાભીની આશા નથી” કહી રોહી પડી. સુન્દરને બીચારીને આવા પ્રસંગનો અનુભવ ન હતો તે સાસુ અને નણંદો સામું રોતી રોતી જોઈ રહી અને શું કરવું તે સુઝયું નહી. અનુભવી ચંચળ અગ્નિ કરી ગરમ ઔષધો આણી આણી સુન્દરની મદદથી શેક કરવા લાગી અને શરીર પર ગરમ ઔષાધો ઘસવા લાગી.

માનચતુર ચાલી શકતો ન હતો, છતાં લાકડી લેઈ ઉઠ્યો અને વિચાર કરવા લાગ્યો કે હું છોકરાને તેડવા જઈશ તો ઘરમાં કોઈ પુરુષ નથી. એકદમ વિચાર નક્કી કરી બારણા આગળ બેસવાનું દુઃખબાને સોંપી તે જાતે બ્હાર નીકળે છે એટલામાં સુઇયાણી મળી અને આઘે વિદ્યાચતુરને લેઇ ગાનચતુરને આવતો દીઠો. ગાનચતુરને આટલું સુઝયું જોઈ પિતાને સંતોષ વળ્યો. સુઈયાણી દુ:ખબા જોડે ગજારમાં ગઈ અને બે ભાઈઓ ઘરના બારણામાં ઉતાવળા ઉતાવળા પેઠા. સુન્દરને સઉને ઘસારો લાગ્યો એટલે ઉતાવળી આંખે હાથ દેતી દેતી બ્હાર આવી, વિદ્યાચતુરના હાથમાં કુંચી મુકી, અને ભય ઉપજાવનાર સમાચાર કહી વીજળીની પેઠે પાછી ચાલી ગઈ, વિદ્યાચતુર ભાઈને ડાક્‌તરને તેડવા મોકલી પોતે મેડીપર ગયો, અત્યન્ત શોકના પ્રથમ અનુભવથી ચમકવા લાગ્યો, શરીર ધ્રુજવા અને ત્હાડું થવા લાગ્યું, કંઠ ગદ્‍ગદ થયો, ગાલ બેસી જતા હોય એમ અવસન્ન થયા, કપાળ સંકોચાઈ જતું અનુભવ્યું, નાસિકામાં ઉષ્ણ પવન ઉત્પન્ન થયો, જીભ સુકાઈ ગઈ, અને મગજમાં ગુંચવારો થયે. આંખ ભેજવાળી થઈ, શું કરવું તે સુઝયું નહી. હીન્દુસંસારની રીત પ્રમાણે ગજાર આગળ જઈ આ વખત પ્રિયાનું મુખ જોવાય – ખબર પુછાય – તે પણ મર્યાદાહીન થાય. અચિન્તી હાથમાની કુંચી ઉપર નજર પડી, કેમ મોકલી તેનો વિચાર થતાં કંઈ કંઈ તર્ક ઉત્તરરૂપે ઉઠયા, અંતે ગુણસુંદરીની પેટી ઉઘાડી, તો ઉપલા ખાનામાં જ પોતાને લખેલો એક પત્ર ! તે ઝડપથી લીધો અને વાંચ્યો.

“મ્હારા ચતુર વ્હાલા ! આજ હું રસોઈ કરવા નાહું છું પણ મ્હારું શરીર કહ્યું નથી કરતું. મને લાગે છે કે આજ સાંજ સુધીમાં હતી ન હતી થઈશ. ઘરકામને લીધે બે માસ થયાં દિવસે તમારી સાથે વાત કરવાને પાકલાક સરખો મળ્યો નથી અને રાત્રિયે તમે થાક્યા પાક્યા નિદ્રા શોધતા હો તે પ્રસંગે તમને મ્હારાં ટાયલાં સંભળાવતાં મને કંપારી છુટતી હતી એટલે હું તમને સુવાજ દેતી. આથી ઘણી ઘણી વાતો તમને ક્‌હેવાની હતી તે મનમાંની મનમાં જ રહી ગઈ છે ને કાગળમાં તે શું લખું ? લખવાની યે મ્હારામાં આજ સત્તા નથી. ટુંકામાં બે બોલ કહીશ.”

“ઓ મ્હારા વ્હાલા ! મ્હારી પાછળ તમારી શી વ્હલે થશે ? તમે મ્હારાઉપર આટલો વ્હાલ શું કરવા રાખ્યો કે તમને આટલું દુઃખ થવા વારો આવ્યો? અરેરે ! હું અભાગણી મરતી મરતી યે તમને દુ:ખ દેવા સરજેલી છું. હું ધારું છું કે હું ગર્ભસુદ્ધાં પાર પાડીશ. પણ જે છુટા છેડા થાય તો તે બાળકની હું ચિન્તા નથી રાખતી. તમારા વ્હાલનો મને પુરો વિશ્વાસ છે અને હું ગઈ એટલે મ્હારી નામનીશાનીમાં જ તો એટલું એસ્તો ! તેની સંભાળ તમે રાખ્યાવિના કેમ ર્‌હેશો ? તમારું વ્હાલ બીજે ઠેકાણે ઢોળાશે તોપણ, ઓ મ્હારા વ્હાલા, તમે ડાહ્યા છો, ગંભીર છો, નિષ્પક્ષપાતી છો, જોઈ વિચારીને સઉ કરો એવા છો, – તમારા વ્હાલને બાદ કરું તો પણ એ ઘણાક ગુણના મ્હારા ભંડાર ! તમારા ગુણ ઈશ્વર અમર રાખો અને તમારા બાળકની સંભાળ રાખશો એવી પુરી ખાતરી રાખી હું નિશ્ચિન્તપણેથી જમની જાળમાં લપટાઉં છું. મને એક બીચારી સુન્દરની ચિંતા છે – એ બીચારીનું પલ્લું પણ એનો ભાઈ ખાઈ ગયો છે ને એને રોવાસરખું પણ ઠેકાણું નથી. એની સંભાળ રાખજો – આપણા ઘરમાં સઉ સારાંજ છે તો પણ એની સંભાળ રાખજો કારણ એનું કોઈ નથી. મ્હારું ઘરેણું એને આપી દેજો એટલે મ્હારો જીવ ગતે જશે, ને મ્હારી નામ નીશાની – જો બાળક જીવે તો – સુન્દરનેજ ઉછેરવા સોંપજો – વ્હાલા ! એટલું મ્હારું કહ્યું કરજો.”

“ઓ મ્હારા વ્હાલા ! તમારી શી વ્હલે થશે ? તમે મ્હારાપર આટલો વ્હાલ શું કરવા રાખ્યો કે તમને આટલું દુ:ખ થવા વારો આવ્યો? શું કરિયે કે એ દુઃખ તમને ન થાય ? મ્હારું એક કહ્યું નહી કરો ? મ્હેં મ્હારી યશોદાને કહી મુકયું છે ને એની કન્યા દશ વર્ષની છે – મ્હારા કરતાં સારી નીવડશે – એનો સ્વીકાર મ્હારા પછી નહી કરો ? એ મને તમારા મનમાંથી ખસેડશે ને સઉની સંભાળ રાખશે. ઓ મ્હારા વહાલા! મને તમારી બહુ ચિન્તા ર્‌હે છે - તમે એટલું કરજો. જન્મથી કુમારા હોય તેની ચિંતા નહી, પણ સ્નેહમાં રહેલું માછલું બીજે ઠેકાણે ન જીવે ! – ને વ્હાલા મને ભુલી જજો ! આપણે જે જે આનન્દ ભોગવ્યા છે તે સઉ અત્યારે મ્હારી આંખ આગળ તરી આવે છે – તમને પરણી મ્હારો જન્મારો સફળ થયો – ઓ ઈશ્વર, આવતે અવતારે પણ મને પાછા મ્હારા વ્હાલા ચતુર જ આપજે – પણ એ વ્હાલા ! તમે એ સઉ ભુલી જજો ! – જાણે કાંઈ થયુંજ નથી એમ ! હો ! – અરેરે ! પણ વ્હાલા ! શું આપણે છુટાં પડીશું ! જેમ ઈશ્વરની ઈચ્છા.

“મ્હારા વહાલા ! વ્હાલ વિસરજો રે ! દુખ સઉ ડુબવજો !
“માયાની ભુલામણી રે એમાં ભમ્યું ભુલવજો !”
“લી. તમારી ગુણહીન ગુણિયલ.”

કપાળે હાથ ફેરવી વિદ્યાચતુરે ઉંચું જોયું. મરણ પાસે જોનારી પ્રિય સ્ત્રીના પત્રથી તેના હૃદયપર બહુ અસર થઈ અને અશ્રુપાત પણ થઈ જાત. પરંતુ પત્રમાં લખેલી વીગત ઉપરથી અને તેમાં સ્ફુરી આવતી નિર્બળતા ઉપરથી ભૂત વર્તમાન અને ભવિષ્યના વિચારમાં મન પડી ગયું અને હૃદયે ધૈર્ય ધર્યું.

“મ્હારા જેવો કઠણ પુરુષ નહી હોય. બબ્બે માસ થયાં ઘરમાં ને ઘરમાં છતાં એની સાથે મને બોલવા વારો આવ્યો નથી એ એને લાગે ખરું. હું આ મ્હારી જંજાળમાં લપટાયો અને એ એની જંજાળમાં લપટાઈ, મને પણ અવકાશ નહી અને એને પણ અવકાશ નહી. એને કામમાં ને ચિંતામાં પલોટવી એ હેતુથી આ સઉ થવા દીધું – પણ હું જરાક હદ કરતાં વધારે ગયો ખરો. છેક આટલે સુધી આવવા દેવું જોઇતું ન હતું. કેવી બહાદુર સ્ત્રી ! હજી તો ઉગતી અવસ્થા છે એટલામાં મને ઘરની બાબત નિશ્ચિંત કરી દીધો ! પણ એના મનમાં નિર્બળતા આવી ગઈ છે – ના, ના, એ ધારે છે - એવી કાંઈ બ્હીક નથી. જો એ ગઈ, તો મ્હારું કર્મ ફુટશે – જો એ મ્હારો ભાઈ હોય તો કારભાર કરે એવી સ્ત્રી છે. હું એનાથી ભાગ્યશાળી છું - ઈશ્વર ! તું જે સારું હશે તે જ કરીશ. હૃદય બળવાન કેમ રાખવું તેની આજ મ્હારી પણ કસોટી છે, શું એનું હૃદય ! મ્હારા ઘરની – મ્હારી – એ કેવી ચિંતા રાખે છે! ગુણિયલ ! મ્હારી ગુણિયલ ! હું ત્હારે સારુ શું કરું? – તું મ્હારે સારુ કરે છે એમાંનું ત્હારે સારુ મ્હારાથી કાંઈ બનતું નથી. હું કૃતઘ્ન છું. હે હરિ !”

ડાકતર અશરણશરણ બાબુની ગાડીનો ઘોષ સંભળાયો.

“ગુણિયલ ! રે ! ગુણિયલ !”
“ઓ રે મ્હારી ગુણિયલ! રે ! ગુણિયલ !”

એવું વિચાર ને શોકમાં લીન થઈ ગાતાં ગાતાં ગાડીના ઘોષથી જાગી વિદ્યાચતુર ઉઠયો ને ઉઠતો ઉઠતો છાતી ઠોકી બેલ્યોઃ “બસ, આ પ્હેલું તો એ કરીશ કે લોકલજજા છોડી ડાક્તરની સાથે જઈ મ્હારી ગુણિયલની પાસે જઈ ઉભો રહીશ ને ડાક્તરને મદદ આપીશ. લાજ મુકવી એ અત્યારે કર્તવ્ય છે તે કરીશ ને મ્હારી ગુણિયલ કરતાં લાજને વધારે વ્હાલી નહી કરું."

ડાક્તર ઉપર આવતો હતો તેને લેઈ સ્ત્રીમંડળ વચ્ચોવચ થઈ ચાલ્યો અને સ્ત્રિયો જોતી ને જોતી રહી અને એ ગજાર આગળ આવી ડાક્તર સાથે ઉભો અને લાજ છોડી બોલ્યોઃ “કેમ, સુંદરભાભી, શી ખબર છે તે જરા ડાક્તર સાહેબને ક્‌હો.”કમાતું માણસ તેને કોણ ઠપકો દે કે “અંહી સ્ત્રિયોનું જ કામ ને આમ લાજ ન મુકાય ?” ગાનચતુરે આ કામ કર્યું હત તેા એના પર વાદળ તુટી પડત. સઉ વિદ્યાચતુરને અનુકૂળ થઈ ગયાં, ગુણસુંદરી પર દયા બતાવવા મંડી ગયાં, અને સુન્દરીગૌરી એનું માથું ખોળામાં રાખી નીચું જોઈ હકીકત ક્‌હેવા માંડે છે એટલામાં તો ગુણસુંદરી બેભાન અવસ્થામાં બેઠી થઈ અને ઘેનવાળી દેખાતી અર્ધી મીંચેલી આંખે પણ જાણે ભાન હોય અને જીવ કાંઈ ઉંડાણમાં પડ્યો હોય ને ત્યાંથી બોલતી હોય તેમ ધીરે અને તણાતે સ્વરે ગાવા લાગી અને છાતીપર હાથ નાંખી ડોક અર્ધી નાંખી દઈ દયામણે મ્હોંએ ગાતાં ગાતાં શોકરસની સીમા ઉત્પન્ન કરવા લાગી :

[]“ દયા ના દીસે રજ પણ, જમ, તુજ આંખમાં રે; બીહામણું ઝાંખમાં રે
“ ઉભે રહે પળવાર તું આજે ! જોઇ લેવા દે પ્રિયને નીરાંતે ! (ધ્રુવ)
“ મરણપ્રસંગે પણ ના ખસતો કનકરેખ એ તે છે જડી જ્યમ દાંતમાં રે
" દયા ના૦ ૧
“જરી હજી જોવા દે વ્હાલાને, જોયો છે પણ મન ન ભરાયે,
“મીંચાતી મ્હારી આંખમરણથી ત્હોય રહે એ કીકી જ્યમ મીંચી આંખમાં રે;
" દયા ના૦ ૨
“ઉભો ર્‌હે, ઉભો ર્‌હે, જમ, તું ! નથી આવવું મુજને ગમતું,
“ વ્હાલ મુકી વ્હાલાનું આવું શી રીતે તું રાક્ષસ કેરી સાથમાં રે?
" દયા ના૦ ૩
“ હાર મુજ હૈયાનો એ તો ! નથી એ મ્હારી પેઠે નમ્હેરો;
“રોવા દે, રોવા દે મુને, રોઈ લેવા દે જઇને એની બાથમાં રે !
" દયા ના૦ ૪
“ વ્હાલા ! વ્હાલ વીસારો તમારું, જમ આ કહ્યું ન માને મ્હારું,
“ તમને જપતી મરતી મરતી રોતી રોતી પણ હસતી હું આ આશમાં કે
“પામીશ મ્હારો ચતુર અવર અવતારમાં યે !
“દયા હરિ આંખમાં રે ! દયા ના૦ ૫

ધીમી પડતી પડતી ગુણસુંદરિયે ગાઈ ર્‌હેતાં હતાં આંખ ઉઘાડી અને ભાન આવ્યું હોય તેમ વિદ્યાચતુર સામું તાકી જોઈ રહી અને હાથ પાછળ કરી બેલી: “ સુન્દરભાભી ! મને બેશરમી ન ક્‌હેશો હોં ! મરવા સુતું તેને વ્હાલામાં વ્હાલાને બે બોલ ક્‌હેવા જેટલી શરમ મુકવાનો યે છેલવ્હેલો અધિકાર નહીં ? ” એમ કહી તે પાછી પથારીમાં પડી ગઈ અને સુન્દર વધારે હકીકત ક્‌હેવા લાગે છે એટલામાં હૃદયમાં કાંઈક આવેશ થઈ આવ્યે તે ડાબ્યો ન ર્‌હેવાથી, “આવું છું” એટલું ડાક્તરને કહી, વિદ્યાચતુર ઉતાવળથી દોડવા જેવું કરી પોતાની મેડીપર ચ્હડયો, પલંગમાં માથું મુકી અશ્રુપાત કરી, મ્હોં ધોતાં ધોતાં ફરી ફરી અશ્રુપાત થતાં ફરી ફરી ધોઈ ધોઈ, નીચે જવાનું યોગ્ય ન ધારી, નિ:શ્વાસ મુકી, બેઠો, પોતાના ધૈર્યનું અભિમાન ઉતરી ગયું, અને અંતે બારીમાં ડોકું ક્‌હાડી નીચે કુમારી ફરતી હતી તેને કહ્યું કે “ડાકત્‌ર સાહેબને ક્‌હે કે પરવારે ત્યારે ઉપર આવજો, હું બેઠો છું.” ડાકત્‌રને આવતાં વાર થઈ તેટલો વખત વિચિત્ર વિચારોમાં ગાળ્યો. “ મલ્લરાજના પ્રિયતમ મિત્ર યુદ્ધમાં મરી ગયા ત્યારે શત્રુપર ધસવાની જરુર હોવાથી મિત્રના શબઉપર પગ મુકી એમને દોડવું પડયું: એ તે ધૈર્ય – કયાં આ મ્હારી વિકલતા અને ક્યાં એ ધૈર્ય ? ક્ષત્રિય


  1. ૧ કામણ દીસે છે અલબેલા ત્હારી અાંખમાં રે ઝીણું ઝાંખમાં રે – એ રાગ.
તે ક્ષત્રિય અને બ્રાહ્મણ તે બ્રાહ્મણ ! પણ વ્યવહારનો કાર્યભાર અને

સ્નેહની દીનતા એકઠાં શોભતાં નથી એવું જરાશંકર મામા પણ ક્‌હે છે તે પુરુષાર્થનું કાર્યગ્રાહી વચન છે. કર્તવ્ય કર્મમાં ધપવા શોક ત્યજવો એ એક પુરુષાર્થનો ધર્મ, ગુણિયલ ! એમાં પણ તું મ્હારાથી ચ્હડી ! અરેરે, ત્હેં પણ એક કષ્ટતપ જ તપ્યું. કેવું એનું કર્તવ્યભાન[] ! આટલું આટલું કામ કરવા છેલા કાળસુધી દૃઢ વ્યવસાય, ને શોક ન થવા દેવા તે સઉ મ્હારાથી છાનું રાખવું, આટલો ઉદ્યોગ, અને આટલો સ્નેહ ! શું કઠણ થવું અને વ્યવહારને મ્હોટો ગણી આ સમયે ખિન્ન ન થવું - એ શું આટલા સ્નેહનો યોગ્ય બદલો ગણાય ? ક્ષત્રિયો ગમે તે કરે, પુરુષાર્થ ગમે તે હો, ધર્મ ગમે તે ક્‌હે – પણ, ઓ મ્હારી ગુણિયલ, ત્હારે સારુ ઘડીવાર હું બાયલો બની અશ્રુપાત કરીશ ! – મરતાં મરતાં પણ ત્હારે ત્હારો ચતુર ! – “પામીશ મ્હારો ચતુર અવર અવતારમાં રે !”– “દયાહરિ – આંખમાં રે !” “ હરિની આંખમાં દયા છે જ ! – ગુણિયલ, તું જીવવાની છે. હરિ ! ત્હારા ઉપર ને ત્હારા ચતુર ઉપર – બે ઉપર દયાળુ છે !” જે ધૈર્ય પુરુષાર્થના વિચારથી ન આવ્યું તે “હરિ દયાળુ” ના વિચારથી આવ્યું. તે ઉઠ્યો, આશા અને ઉત્સાહથી તેની આંખો ચળકવા લાગી, “ પુરુષ થઈને રોવું શું ?” એ બુદ્ધિ સતેજ થઈ તેના હૃદયમાં ઉત્કટ બળ મુકવા લાગી, અંતે એ હસ્યો, અને દાદર ઉપર ઉતરતાં ઉતરતાં આનંદગર્વથી મનમાં બોલ્યોઃ “મ્હારી ગુણિયલ, હરિની દયાનું મને ભાન કરાવનારી પણ તું જ ! ત્હારી પ્રીતિને કોરે મુકિયે તોપણ ત્હારા ગુણકર્મની મનમાં આવૃત્તિ કરવાથી જ આમ આ અને આવતા સંસારને તરાવે – કારભાર કરતાં શીખવે અને ઈશ્વરનો માર્ગ બતાવે એવી તું છે. મહારાજે મંગળાચરણમાં ઉપદેશ એ કર્યો કે કારભાર કરવો હોય તેનામાં સ્ત્રીના પણ ગુણ હોવા જેઈએ. જો એ મર્મવચન ખરું હોય તો મ્હારે તો નક્કી કારભારે ચ્હડવું જોઇએ - ગુણિયલ ” પક્ષપાત વિના પ્રીતિ નથી. ગાઢ પ્રીતિનો પ્રેર્યો ધૈર્યવાન પતિ પત્નીના ગુણ જપતો જપતો નીચે આવ્યો તો ડાક્‌તર ખડકીમાં બેઠેલા.

કેટલાક લોક વૈદ્ય હકીમનો આદર કરી ડાક્‌તરનો તિરસ્કાર કરે છે અને કેટલાક એથી ઉલટું કરે છે અને ડાક્‌તરનો આદર કરે છે. જરાશંકરને મલ્લરાજ સરખા વયના હતા અને રાજા પાસે નર્મવચન


  1. 1. Sense of duty.
બોલવાનો અધિકાર ધરાવનાર જરાશંકર રોજ ટોળ કરતો કે "આમ

લોકો કરે તેમાં તેમનો દોષ નથી, કારણ ડાક્‌તરો અને વૈદ્યો એક બીજાનો તિરસ્કાર કરે એટલે લોક પણ તેમ કરવું શીખે ! વૈદો લ્હડે ત્યારે રોગીને થોડા પઈસામાં કામ કરનાર મળે – લોકોને રો એ લ્હડવાડ વધારવામાં જ સ્વાર્થ !” મલ્લરાજને મન બે સરખા હતા અને દરદ મટાડે તે ખરો એ બુદ્ધિ હતી. અકબર બાદશાહ ઘણા ધર્મવાળાને એકઠા કરતો એ દાખલો આપી મલ્લરાજ ડાક્‌તર, વૈદ્ય, હકીમ, અને હજામ સઉને એકઠા કરતો, સઉને ઉત્તેજન આપતો, અને એમ ક્‌હેતો કે એમની ચડસાચડસીમાં લોકોને સુખ થશે અને એમની સઉની હોશિયારી વધશે, પણ બે ત્રણ રાજસ્થાનમાં એવા દાખલા બન્યા હતા કે પોતાની ઈંગ્રેજી વિદ્યાનો લાભ લેઈ એજન્સીમાં સત્તા મેળવી ડાક્‌તરોએ કારભારમાં માથું ઘાલ્યું હતું અને તે જોઈ મલ્લરાજનો મીજાજ જતાં બોલતો કે “એ ડાક્‌તર ઇંગ્રેજી ભણ્યો માટે કારભાર કરશે ત્યારે તો તેમનું જોઈ કાલ સ્હવારે હજામ ઇંગ્રેજી ભણશે તો તેનો યે કેમ કારભારનો વારો નહી આવે ? – એવા ડાક્‌તરો ને હું જામો હોય તો તો રાજ્યનું ઉંધું વળે ! પોતાનું કામ મુકી બધામાં “હમબી કુચ” કરનારા માણસો ન જોઇએ – ને આ દક્ષણી ડાક્‌તરો તો એવાજ – ને દક્ષણી વગર કોઈ ડાક્‌તર નહીં ! આપણે ડાક્‌તર વગર ચલવીશું.” વિદ્યાચતુરને સ્વાભાવિક રીતે ઇંગ્રેજી વૈદ્યોઉપર પક્ષપાત હતો અને મલ્લરાજને વાંધો ન પડે તે માર્ગ શોધી ક્‌હાડી બંગાળી બાબુ ડાક્‌તરને જગા આપવામાં સાધનભૂત વિધાચતુર જ હતો. બાબુ ડાક્‌તરને બેલાવવાનો વિચાર એને સુઝયો તે મલ્લરાજને ઘણાં કારણથી ગમી ગયું. બાબુ વિદ્વાન અને પ્રવીણ હતો, પ્રમાણમાં થોડા પગારમાં આવ્યો હતો, દૂર છેટેથી સગાંવ્હાલાં ધણું ખરું આવે નહીં - એટલે એના પોતાના જ પેટને રાજયમાં સ્વાર્થ, મુંબાઈ સરકારમાં માથું ઘાલવાને એને લાગ નહી, બોલવે વાઘ પણ અંદરથી ગાય, ઇત્યાદિ અનેક કારણેને લીધે બાબુને મલ્લરાજે પસંદ કર્યો અને બાબુ આણવાનો વિચાર શોધનારને જશ આવ્યો. વિદ્યાચતુર પોતાને નોકરી અપાવનાર હતો તે જાણી તેમજ એને કેળવાયેલો સમજી બાબુ એની સાથે મિત્રતા રાખતો. વિદ્યાચતુર ગજર આગળથી ગયો તેનું કારણ તે સમજી ગયો હતો પણ ગુણસુંદરી વાસ્તે પોતાને નીચે ર્‌હેવા વધારે જરુર હતી તથા વિદ્યાચતુર એકલો પડવાથી ઉભરા ક્‌હાડી શાંત પડી પાછો આવશે જાણી બાબુ નીચે જ ખડકીમાં બેઠો. સઉ બેઠાં છે એટલામાં દુ:ખબા ધીમે ધીમે આવી અને ગુણસુંદરીને પુત્રીનો પ્રસવ થયાના સમાચાર કહ્યા બહુ વધામણીની વાત ન ગણાઈ તે છતાં આર્યલોકનો સ્વાભાવિક સંતોષ સઉમાં જણાયો, “ચાલો, લક્ષ્મી પધાર્યા ” કહી સઉએ સંતોષ વાળ્યો અને પૃથ્વીપર નવા આવેલા બાળકને સત્કાર આપ્યો. માનચતુરે બાળકની માના સમાચાર પુછ્યા અને તેનું આરોગ્ય જાણી સર્વ આનંદ પામ્યાં. ડાક્‌તર કેટલીક સૂચના આપી ઘેર ગયો અને તે બારણા બહાર નીકળતા સુધી વિદ્યાચતુર તેની સાથે સંતોષભર છાનોમાનો વાતો કરતો કરતો ગયો, અને ડાક્‌તરને વીદાય કરી પાછો પોતાની મેડી પર ગયો.

ગુણસુંદરી સુવાવડમાં સ્વાભાવિક રીતે ખાટલાવશ રહી. સઉયે પોતપોતાનું કામ તે વખતમાં ઉપાડી લીધું અને બેચાર દિવસ તે કામ સારી રીતે ચાલ્યું પણ ધીમે ધીમે ગૃહયંત્રનાં સર્વ ચક્ર શિથિલ પડ્યાં અને એ યંત્રની સંભાળ રાખનારીની ખોટ અને કીમ્મત જણાવા લાગી. પ્રથમ તો ઘરનાં સર્વ માણસને પોતપોતાની બાબતમાં જરી જરી અગવડ લાગવા માંડી. માનચતુરની સરભરા ઓછી થઈ, કારણ સરભરા કરનારને બીજાં કામમાં ગુંથાવું પડયું, એટલુંજ નહી પણ એ સરભરાપર દેખરેખ રાખનારી સુવાવડમાં પડી અને તેની ચતુરાઈ, ધીરજ, મ્હોંની મીઠાશ અને અંતર્નું વ્હાલ, વગેરે દેખાડનાર કોઈ રહ્યું નહી અને ડોસો અકળાવા લાગ્યો. ઘરનાં કામમાં વાદ થવા લાગ્યો અને સુવાવડીની પણ સંભાળ એવી જ ર્‌હેતી. ધર્મલક્ષ્મીથી હરોફેરો થતો નહી અને જરી જરી હેરોફેરો ગુણસુંદરી સારુ કરતી, પરંતુ પોતાની દેવસેવામાં હરકત પડવાથી એ હેરોફેરો કોઈ વખત થતો નહી; અને સઉનું કામ તે કોઈનું નહીં એમ થતાં સુવાવડીને ખાવાપીવાનું પણ મોડું વ્હેલું થતું એટલું જ નહી, પણ તેના બાળકની પણ સંભાળ લેવાતી નહી. એક પ્રસંગ એવો બન્યો કે માનચતુરનું ઔષધ બપોર થતા સુધી કોઈએ તૈયાર કર્યું નહી, જમવાની વખત તો થાય શાની, અને ડોસો આકળો થઈને લાકડી લેઇ છાનોમાનો ઘરમાં સર્વે શું કરે છે તે જોવા ફરવા લાગ્યો. પ્રથમ તે વિદ્યાચતુરની મેડીએ ચ્હડયો. વિદ્યાચતુર પોતે બ્હારથી આવેલો પણ ભુખ લાગવાથી પલંગમાં સુઈ રહ્યો હતો અને ઉંધી ગયો હતો. તેના પલંગપર માકણની હાર હતી, ચાદર મેલી થઈ ગઈ હતી, અને મેડીમાં વાસીદાનો કચરો એકઠો થયલો. સઉને ગાળો દેતો દેતો ડોસો નીચે ઉતર્યો અને રસોડે ગયો તો દુ:ખબા રસોઇ કરવા ન્હાઈ હતી અને સઉ તૈયાર જેવું હતું પણ શાક સમાર્યા વિના પડી રહેલું અને સામું જેઈ દુ:ખબા પણ બેસી રહેલી. ડેાસો વધારે ક્રોધમાં આવી ત્યાંથી ચાલ્યો અને પરસાળ ભણી ગયો તો ત્યાંની મેડીમાંથી ગાનચતુરનું ગાયન સંભળાયું અને નીચે ચંડીકા હીંચકા પર સુતી હતી તેની સાથે હાથમાં સાવરણી લેઈ ચંચળ વાતો કરતી હતી તે બેમાંથી કોઈએ વાતના રસમાં ડોસાને દીઠો નહી. ગજર ભણી જાયછે તે સુન્દર બીચારી એકલી ઘડીમાં સુવાવડીનું ઔષધ તૈયાર કરે અને ઘડીકમાં ઘોડિયામાંના બાળકની સંભાળ રાખે, અને ગુણસુંદરી ખાટલામાં સુતી સુતી ભુખે પેટ ડાબતી સુન્દરને સૂચના આપે. ક્રોધ હતો તેમાં દયા ઉમેરી ડોસો પરસાળ બ્હાર નીકળ્યો તો અગાશીમાં છોકરાં ધમ્મમામુક્‌કી કરે, ઘરનું બારણું ઉઘાડું તેમાં આવી શેરીનું કુતરું જીભ ક્‌હાડી હાંફતું હાંફતું ઉભેલું, અને બારણે સામે કુવો હતો ત્યાં પાણી ભરવા ગયલો ચાકર કોઇની સાથે ગપાટા મારે. ડેાસો, કુતરાને હાંકી, બારણું વાસી, ધર્મલક્ષ્મીની ઓરડી ભણી ગયો. ડોસી દેવસેવામાં હતાં. દ્‌હાડો ઘણો ચ્હડ્યો હતો તેથી દેવના દીવામાંથી ધી અને વાટ બે થઇ રહ્યાં હતાં, દીવો ઘેર ગયો હતો, અને દ્‌હેરાસર પરના પાટિયાપર ડોશી રુ, ધી, અને દીવાશળી શોધતાં હતાં અને ડોસો બારણામાં ઉભો હતો તેના ભણી એની પુઠ હતી. સઉની રીસ ડોસાએ ડોસી ઉપર ક્‌હાડી. બોલ્યા ચાલ્યા વિના વગર ન્હાયલા ડોસાએ દ્‌હેરાસરના પાલખાને અડકી બધા દેવ ઉપાડી લીધા અને પોતાનો ધસારો માલમ ન પડે એવી રીતે નીકળી જઈ ઘરના ટાંકા આગળ જઈ તેમાં દેવને પધરાવવા વિચાર કર્યો પણ કાંઈક વધારે શાંત વિચાર થવાથી તેમાં ન નાંખતાં પાણી પીવાની ગોળીમાં બધા દેવને નાંખી દેઈ છાનોમાનો પોતાને ઠેકાણે જઇ સુઇ ગયો અને શું તાલ થાય છે તે જોવા લાગ્યો.

ડોસાડોસીના સ્વભાવમાં ઘણીક જાતનો ફેર હતો. છતાં તેમનો સંસાર નિર્માલ્ય ન હતો. ડોસો ન્હાનપણમાંથી બુદ્ધિવાળો હતો; અને કાંઇ પણ કામમાં પડે તે તેને આવડી જતું; એટલુંજ નહી, પણ તેની સાથે જે કામ હાથમાં લે તે ત્વરાથી આટોપવા પર તેની દૃષ્ટિ ર્‌હેતી અને તે કરી દે તે શીવાય તેને જંપ વળે નહી. કામ કરવા બેસે તે પ્રસંગે ગમે તે હરકત આવે તેને દૂર કરતાં કદી આચકો ખાતો નહી; પછી તે હરકત કોઇના સ્વભાવની હો કે પોતાના સ્વભાવની હો,દૈવી હો કે માણસની હો, ધર્મની હો કે નીતિની હો, સ્વાર્થની હો કે પરમાર્થની હો – ડોસાને મન તો એટલી જ વાત કે તે હરકત દૂર કરી ધારેલા અર્થ સિદ્ધ કરવો. માણસના સ્વભાવની હરકત આવે તે માણસ પારકું હોય તો તેને સમજાવી, ફોસલાવી, ઉંધું ચતું સમજાવી, ને જરુર પડે તે આશ ને ફાવે તો ત્રાસ આપી, તેના સ્વભાવને પોતાને વશ કેમ કરી દેવો તેનો અભ્યાસ માનચતુરે ન્હાનપણમાંથી કર્યો હતો. તે માણસ પોતાનું હોય તો સીરજોરીથી કામ કરાવતો. પોતાના સ્વભાવની હરકત દૂર કરવાની હોય તો, અને ધારેલું કામ કરવા જતાં ખરેખરી ન જ ગમે એવી વસ્તુ કરવી પડે તો, તેમ કરતાં જરી પણ અચકાતો નહી, અને મ્હાવત હાથીના કુંભસ્થળપર અંકુશ વાપરે તેમ પોતાના મર્મસ્થળમાં પેશી તેને પ્રસંગવશ કરી નાંખે એવી અર્થાનુસારી બુદ્ધિ રચી દેતો અને અણગમતી વાત કરવી પડે તો અણગમાના બદલામાં ધારેલો અર્થ ઝટ પાર પાડવામાં પુરુષાર્થ અને યશ માનતો. એ કાંઈ જાતે નાસ્તિક અથવા અનીતિને રસ્તે ચ્હડેલો ન હતો અને કામમાં હરકત ન થાય ત્યાંસુધી ધર્મ અને નીતિ ઉભય સાચવતો, પણ પોતે આવો દૃઢ અને બળવાન સ્વભાવનો માણસ હોવાથી પ્રસંગ પડ્યે એ કશાને ગાંઠતો નહીં એમાં કાંઈ નવાઈ ન હતી. ધર્મઉપર અત્યન્ત આસ્થાવાળી અને વૃદ્ધાચાર તથા લોકાચારના હવાપાણીમાં જન્મથી વસવા પામેલી ધર્મલક્ષ્મી ઉઠે ત્યાંથી સુતા સુધી ડગલે ડગલે ધર્મના નિયમ જાળવતી અને ધર્માચારના પ્રશ્નોનું નિરાકરણ કરતાં શાસ્ત્રિયોને પ્રવીણતા વાપરવી પડે તેટલીજ પ્રવીણતા અને શ્રમ લોકાચારનો નિર્ણય કરવામાં વાપરતી. ગામની અને જ્ઞાતિની સ્ત્રિયો લોકાચારના પ્રશ્ન લેઇ ધર્મલક્ષ્મીપાસે આવતી; તેમને ઉત્તર દેતી વખત ડોશી જુના કાળનાં કંઈ કંઈ દષ્ટાંત ક્‌હાડતી, કંઈ કંઈ પાનાં જીભઉપર ઉથલાવતી, કંઇ કંઇ નિયમ શોધી ક્‌હાડતી, અને સામાના મનમાં બેસી જાય એવા કંઇ કંઇ માર્ગ દેખાડી આપતી હતી. માનચતુર આ સઉ જોઇ ખુશી થતો, નવા નવા પ્રશ્ન ઉઠાવવામાં અને ડોશીની ચતુરાઈ કસી જોવામાં ગમ્મત માનતો, અને “બૈરક શાસ્ત્ર”ની શાસ્ત્રિણીની નાતમાં પ્રતિષ્ઠા જોઇ જરીક ગર્વ પામતો. નાતમાં કંઇ પ્રશ્ન ઉઠે એટલે સઉ કોઇ એમ ક્‌હેતું કે “જાવ, ધર્મલક્ષ્મી એનો માર્ગ બતાવશે.” તે આવી સ્ત્રીના વ્હેમ હદ કરતાં વધારે થાય, ન્હાની ન્હાની બાબતમાં અંટીવાળે આવે, અને મ્હોટી બાબતોમાં પણ પ્રસંગે પત્થરની ભીંત રસ્તાવચ્ચે ચણી લીધી હોય તેમ આડે આવીને ઉભા ર્‌હે એ સ્વાભાવિક હતું. આ સ્વભાવથી હરકત ન થાય ત્યાં સુધી તો માનચતુરને ગમતું, પણ હરકત થાય ત્યારે એ હરકત દૂર કરવા તત્પર થતો. ઘણું સમજાવી, કેટલીક વખત સ્વામી નાખુશ થશે એમ જાતેજ સમજીને સ્ત્રી ચાલે એવી વગરબોલ્યે યુક્તિયો કરી, કોઈ વખત તો મીજાજ ખોઇ વિવાહનું વર્ષી કરી મુકી, અને એવી અનેક પણ ગમે તે રીતથી માનચતુર ધર્મલક્ષ્મી ભણીની સર્વ હરકતો ખંખેરી નાંખતો. ગુણુસુંદરીની સુવાવડમાં પોતાના ઘરમાં જે જ્યાં ને તે ત્યાં થયું જોયું. ધર્મલક્ષ્મી વગર રથનું ચક્ર હવે ચાલે એમ નથી અને એ તો પોતાના જ ખટકર્મમાં પડેલી તેથી કાંઇ જલદ ઉપાય વગર એને ભાન નહી આવે એવું ધારી ડોશીના દેવને ગોળીના પાણીમાં ઝબકોળી પોતાની ઓરડીમાં સુતેલો ડેાસે, જામગરી સળગાવી બન્ધુકનું નીશાન બરાબર વાગે છે કે નહી તે જોતો હોય તેમ, નીરાંતે પડેલો દેખાતો છતાં અત્યંત આતુરતાથી શું થાય છે તેની વાટ જોવા લાગ્યો, જોતો જોતો નીચલો ઓઠ દાંત તળે ચુસવા લાગ્યો, અને આંખો ચગાવી મુછે તાલ દેવા લાગ્યો.

ડોશીને દીવાશળી જડી અને તેણે દીવો પ્રકટાવ્યો અને પાલખા પાસે દીવો મુકે છે તો દેવ ન મળે. ડોશીના દીલમાં ત્રાસ પડ્યો અને ચમકી પાલખાની તળે તથા ચારે પાસે શોધવા લાગ્યાં. ભક્તિવાળી ડોશીને સમજણ ન પડી કે આ શો ચમત્કાર થયો. ડોશી દેવસેવાની ઓરડી બ્હાર આવ્યાં પણ ત્યાં કોઇ હતું નહી. “બારણું ઉઘાડી અંદર આવી દેવને કોઇ છાનુંમાનું ચોરી તો નહી ગયું હોય ? મ્હારું ધ્યાન બીજી પાસ હતું ” – આ વિચાર થતાં વધારે ફાળ પડી અને બારણું ઉઘાડે તો ડેાસાએ ક્‌હાડી મુકેલો કુતરો ઉભેલો અને કુવે ચાકર ગપાટા મારે. “કોઇ ઘરભણી આવ્યું હતું ?” એમ ચાકરને પુછ્યું અને ધમકાવી તેને ઘરમાં બોલાવ્યો. ઘરમાં પાછાં ફરી અકળાઇ બુમ પાડી: “ચંચળ ! ચંચળ ! આ જોને મ્હારા દેવ ક્યાં ગયા ?” બુમ સાંભળી હાથમાં સાવરણી ઝાલી ચંચળ આવી, તેની પાછળ ચંડિકા, તેની પાછળ સુંદર, બીજી પાસથી દુઃખબા, અને ઘરનાં છોકરાં સઉ આવી ચોકમાં ભરાઈ ગયાં. પુછાપુછ અને શ્હોર બકોર થઇ રહ્યો. એક પાસથી ગાવાનું બંધ કરી ગાનચતુર આવ્યો અને બીજી પાસથી વિદ્યાચતુર સફાળો જાગી દાદર પરથી ઉતર્યો. દેવ ક્યાં ગયા તે વીશે ઉપરાઉપરી પ્રશ્નો અને ઉત્તર થવા લાગ્યાં અને સૂચનાઓ તથા શોધાશોધ થઇ રહી. દુ:ખબા ક્‌હે કોઇ છોકરાં દેવને રમવા લઈ ગયાં હશે. ચંચળ અને ગાનચતુરને એમ વિચાર થયો કે ઉંદર તાણી ગયા હશે, વિદ્યાચતુર ક્‌હે “પાલખામાંથી ગરબડી ગયા હશે – આશપાશ ફરી શેધો.” છેવટે ડોસો આંખો ચોળતો ચોળતો લાકડીપર ટેકી બ્હાર આવ્યો અને ગુસ્સે થઈ બોલ્યો: “આ શું તોફાન માંડ્યું છે? ઘરમાં ન કોઇને ખાવાની ચિંતા ને ન કોઇને ખવરાવવાની ચિંતા. એક વાગી ગયો ત્યાંસુધી જાણે ઘરમાં બઇરું જ ન હોય તેમ નથી કોઈ પુછતું, કે ખાવાની કેટલી વાર છે અને નથી કોઈ ક્‌હેતું કે જમવા ઉઠો !” વિદ્યાચતુર ક્‌હે “પિતાજી, માતુશ્રીને દેવ નથી જડતા તેની આ ભાંજગડ છે. અચિન્ત્યા પાલખામાંથી ક્યાં ગયા તે જણાતું નથી.”

માનચતુર – દેવ એના જડવાના હશે તો જડશે ને નહી જડવાના હોય તો નહી જડે. પણ આ બધા જીવતા પરમાત્માના પેટની ચિંતાફીકર હોય કે ન હોય? એવી ચિંતા ન રાખે તેનાપર તો દેવ ન કોપતા હોય તો કોપે અને દ્હેરાસર વાસેલું હોય તેમાંથી અદૃશ્ય થાય તો ઉઘાડા પાલખાનું શું પુછવું ? ચાલ, દુ:ખબા, અમને જમાડ તરત. એને તો દેવ જડશે ત્યાંસુધી લાંઘણો કરવી પડશે.

ડોશીને એક દુ:ખમાં બીજું દુ:ખ આ વચન સાંભળવાનું આવ્યું. કઠોર તીક્ષ્ણ વચન અને તેમાં પણ ઈષ્ટદેવનો તિરસ્કાર : આ સાંભળી ચારપાસ અને પોપચે કરચલિયો વાળી આંખોમાં ધર્મલક્ષ્મીને આંસું ભરાયાં, અને કાન ઉપર હાથ દેતી દેતી, બોલી, “અરેરે, આવાં નાસ્તિક વચન ન બોલતા હો તો શું થાય ? સતજુગમાં દેવની સેવા કર્યાનું ફળ છે તેથી વધારે ફળ કળજુગમાં દેવસેવા કરાવ્યાનું છે. આ અવતાર આટલું આટલું દુ:ખ તમે ખમો છો અને હુ ખમું છું ને આવતે અવતારે પણ ખમવું છે ? આપણે તો એક બીજાનાં પુણ્યપાપનાં ભાગિયાં છિએ. તમારાથી થતું નથી ને મ્હારે હાથે થવા દેતા નથી ! બળ્યું આ પેટ ને બળ્યા આ ધોળા વાળ ! પેટે દેવની નિન્દા કરાવીને ધોળા વાળે પણ દેવનું સ્મરણ ન કરાવ્યું.! દેવસેવાનું પુણ્ય હશે તો આ છોકરાં પણ સારાં ઉઠશે. કંઇ તો વિચાર કરો. દુ:ખબા ! ચંચળ ! ચંડીવહુ ! આ તમારા પાપને લીધે મ્હારે આ વચન સાંભળવાં પડ્યાં ! ન્હાની વહુ ઘરમાં હરતી ફરતી હોય તો મ્હારે આ વખત ન આવે ! – તમે મહીનો માસ પણ ઘરની સંભાળ ન રાખી શકયાં – ચંચળ ! દેવ ક્યાં ગયા તે હું સમજી છું; ત્હારા બાપનો સ્વભાવ તને ખબર છે જ. એમને અને સઉને જમાડ, મ્હારે તો દેવ જડે ત્યાંસુધી જમવું નથી.” આંખે આંસુ ન માય એમ રોતાં રોતાં ડોશી દેવના પાલખા આગળ બેસી રોયાં અને આખરે પાલખા આગળ નાકલીટિયો તાણી દેવને કાલાવાલા કરવા લાગ્યાં: "મહારાજ, ક્ષમા કરો – એમના કર્યા સામું જોશો નહી – એમનું પાપ મને આવજો ને મ્હારું પુણ્ય એમને જજો! પણ ક્ષમા કરો !”

ઘરમાંનું સર્વ મંડળ ભરાયું હતું તેમાં સઉની સાથે લ્હડતો લ્હડતો ડોસો સઉને ધમકાવવા લાગ્યો. દુ:ખબા સામે આંખો ક્‌હાડવા લાગ્યો, ચંચળ સામે ઓઠ કરડવા લાગ્યો, ચંડીકા સામે દાંત પીસવા લાગ્યો, ગાનચતુર સામે ચાળા કરવા લાગ્યો, ચાકર સામે દૂરથી હાથ ઉગામવા લાગ્યો; વિદ્યાચતુર ઉપર પક્ષપાત દેખાય નહી માટે તેની પુઠ કરી તેને ન દેખતો હોય તેમ ઉભો. સુન્દરગોરીના સામું જોયું નહી; અને ઘરની અવ્યવસ્થા બાબત પોતે જેટલું સુતાં સુતાં જોયા કર્યું હતું અને જેટલા જેટલા જેનાં અપલક્ષણ હતાં તે તે તેમને સઉને ધમકાવી ધમકાવી કહી બતલાવ્યાં અને ગાળો ઉપર ગાળો દીધી. આખરે સુન્દરગૌરીને ગુણસુંદરીની તપાસ રાખવા ગજારમાં મોકલી દીધી અને ચંડીકાને તથા પોતાની બે દીકરિયોને લાકડી ઉગામી ઘરબ્હાર ક્‌હાડી મુકી સાંકળ દેઈ, ગાનચતુરને હુકમ કર્યો કે “આપણે સઉને સારૂ જમવાનું તૈયાર કર – રાંડોને તો આમ જ ઘટે.” વિદ્યાચતુર ન્હાનપણમાંથી પરદેશ ર્‌હેલો એટલે પિતાનું આવું ઉગ્ર સ્વરૂપ જોવાનો વારો તેને આજ જ આવ્યો, અને આશ્ચર્યથી આભો બની, હડપચીએ હાથ દેઇ, શું કરવું કે ક્‌હેવું તે ન સુઝવાથી દિઙ્‌મૂઢ જેવો બની પોતે ઉભો હતો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. બ્હાર લોકો ભરાઇ ગયા અને બારણાં હચહચાવી મુક્યાં, નાટક વધી ગયું જોઇ, ડોસો હાથમાં નથી એવું સમજી, આખરે ડોશી દેવમન્દિર છોડી પાછાં બ્હાર આવ્યાં. આંસુ લોહી નાંખ્યાં. મહાદેવના ગુણ તપોધન જાણે તેમ ડોસાનો સ્વભાવ વર્તી જનારી ડોસીને પોતાનો સ્વભાવ બદલવો પડ્યો. ધર્મ અને આચાર ઉભયને ઠેકાણે વ્યવહારને આગળ કરવામાં આગ્રહ ધરનારો પતિનો સ્વભાવ છે અને એ સ્વભાવ સમુદ્રના મોજાપેઠે અત્યારે ઉછાળા મારી રહ્યો છે, તેના સામા થવા કરતાં તેને વશ થવાથી તેના હેલારાનું બળ ઓછું લાગશે એ ભાન ડોશીને આવ્યું. એ ભાન આવવાની સાથે ડોશીની સ્વાભાવિક બુદ્ધિ સ્વચ્છ બની, ડોસાના વચનમાં સત્ય હતું તે સમજાયું, ઘરની અવ્યવસ્થા દૃષ્ટિ આગળ તરવા લાગી, તેનો ઉપાય પોતાના જ હાથમાં આવે એવો હતો તેને લીધો, હૃદયને શાંત કર્યું, મુખ ગંભીર કર્યું, કુટુંબનું હિત જાળવવું એ પણ એક ધર્મ છે એવો વિચાર થયો, એ ધર્મ સાચવવાથી ઘણા જીવને સુખ થાય છે એ દેખાયું, ઘણા જીવનું કલ્યાણ થાય એવા ધર્મને સર્વ ધર્મથી મ્હોટો કેમ ન ગણવો એવો પ્રશ્ન મનમાં ઉભો થયો, સર્વ સૃષ્ટિ જેને વ્હાલી છે અને સઉ સૃષ્ટિના સુખને ભરનાર વિશ્વમ્ભર તેને એજ ધર્મ સઉથી વ્હાલો હોવો જોઇએ એવી શ્રદ્ધા ઉત્પન્ન થઇ, શ્રદ્ધા થતાં તે ધર્મમાં પ્રવૃત્તિ થઇ, અને એ ધર્મની ઉત્સાહી ડોસી દેવનું દુ:ખ ભુલી પતિદેવ ભણી ચાલી; ઘરની અવ્યવસ્થા, પતિનાં વચન, ઘરબ્હાર જામી જતો ફજેતીનો ખેલ, અને કુટુંબનાં સર્વ મંડળનું દુ:ખ – આ સર્વ સરોવરમાંથી નીકળતી કુટુંબવત્સલતાના પવિત્ર પ્રવાહમાં ડોશીની બુદ્ધિ ન્હાવા લાગી, અને નદી સમુદ્ર પાસે જતાં પોતાનો પટ વધારે વધારે પ્હોળો કરે તેમ પતિની પાસે જતી જતી અને પતિની ઇચ્છા જાણી વળતી વળતી ડોશી પોતાના અંતઃતકરણને વધારે વધારે ઉદાર કરવા લાગી. તેનામાં થયેલો ફેરફાર તેને આવતી જોતાંજ તેનો પતિ સમજી ગયો. ડોસાના મનનો અર્થ મનમાં સિદ્ધ થયો જણાયો.

ડેાશી ન્હાનપણથી ધર્મસંસ્કારનું બન્ધન પામી હતી. પુરુષો કરતાં સ્ત્રી જાતિમાં કેટલાક ગુણ વધારે વિકાસ પામે છે, અને પુરુષો કરતાં તેમની બુદ્ધિ – તેમનાં શરીર પેઠે – વ્હેલી પકવ થાય છે, તેનું ધર્મલક્ષ્મી એક દૃષ્ટાંત હતું. છેકે ન્હાનપણમાંથી તેના હૃદય ઉપર જે જે સંસ્કાર પડતા તે તરત એ ગ્રહી લેતી. એના બાપ ધર્માંધ હતા અને તેના ઘરમાંથી ધર્મના સંસ્કાર ધર્મલક્ષ્મીપર કુમળી વયમાંથીજ વજ્રલેપ થયા હતા. એનું દશેક વર્ષનું વય હતું ત્યારે તે શેરીની સર્વ કન્યાઓમાં ધર્મલક્ષ્મી જેવું બીજું કોઈ ધાર્મિક ગણાતું ન હતું. એનામાં સારી બુદ્ધિ છતાં આ ધર્મસંસ્કાર જડ થાત અને એ છેક ધર્માન્ધ બનત તો તેના ધરપ્રમાણે કાંઇ નવાઈ ન હતી. પણ માનચતુરના ઘરમાં ગયા પછી એને, માનચતુરને દેશપરદેશ નોકરીમાં આથડવું પડતું, તેની સાથે ફરવાનું થતું અને પરદેશમાં ધર્મલક્ષ્મીના સંસ્કાર સાચવવા કઠણ હતા. તેમાં વળી માનચતુરનો સ્વભાવ ઉગ્ર હતો એટલે ગૃહિણીને વખત જોઇ ગીત ગાવાં પડતાં હતાં. આ પતિનો સ્વભાવ વેઠવો એ તરવારની ધાર ઉપર ચાલવા જેવું હતું, અને કન્યાવયમાંથી જ ઈશ્વરે સૂક્ષ્મ બુદ્ધિ આપી ન હત તો ધર્મલક્ષ્મીનો પતિસાથે એક રાગ થાતજ નહી. લોક એવું ક્‌હેતા કે “આવા માનચતુરનો મીજાજ ધર્મલક્ષ્મી જ જાળવે - બીજી હોય તો એના ઘરમાં પળવાર પણ ટકવા ન પામે.” ધર્મિષ્ઠ છતાં ધર્માંધ ન બની, દુર્વાસા જેવા પતિના ઘરમાં વૃદ્ધાવસ્થાપર્યંત રહી શકી, અગ્નિ જેવા પતિની પ્રીતિ મેળવી છેવટ સુધી સાચવી શકી અને તેના ઉપર પોતે પ્રીતિ રાખી શકી, અને વળી તે સર્વે સાથે પોતાના ધર્મસંસ્કાર છેવટ સુધી જાળવી રહી; આ સર્વ અદ્‍ભૂત પરિણામ ધર્મલક્ષ્મીની શુદ્ધ વત્સલતા, પૃથ્વી જેવી ક્ષમા, વિષ્ણુ જેવી શાન્તિ, સૂક્ષ્મ બુદ્ધિ, અને ઉંચી કુલીનતા: તે સર્વેનું દુર્લભ ફળ હતું. એ સર્વ ગુણોનો આ પ્રસંગે આવિર્ભાવ થતો વિદ્યાચતુરે આજ પ્રથમ જ જોયો અને એ જોતાં જોતાં આ ગુણવાળી સ્ત્રી પોતાને મળી છે એ વિચારથી એનું હૃદય ગર્વવડે ફુલવા લાગ્યું.

ડોસો ક્રોધથી રાતો થયો હતો અને તેનાં અવયવ માત્ર કંપતાં હતાં. તેની આંખમાં લોહી તરી આવ્યું અને કપાળે ભ્રુકુટિ ચ્હડી આવી, – જાણે નરસિંહાવતાર પ્રકટ થયો. દેવને થયેલા અપમાનથી ડોશીને તીવ્ર વેદના થતી હતી એટલે બળાત્કાર કરતાં પણ તેના મુખ પર સ્મિત તો ન ફરકી શક્યું, પણ એ પોતાની વેદના ઢાંકી શકી અને પતિને ક્રોધ શમાવવા ચાલી. તેનું શરીર વૃદ્ધ પણ બાંધી દડી જેવું હતું. ધીમાં પણ સ્થિર પગલાં ભરી, ગંભીર આકાર ધરી, તે પતિ પાસે આવી. તેનું વૃદ્ધ હૃદય ધડકતું દેખાતું હતું, દાંતના આધાર વગરના ગાલ અંતર્ના વિકારથી ભરાવા લાગ્યા દેખાયા, જુવાનીના તેજ વિનાની પણ બુદ્ધિની તીવ્રતાએ અંદરથી ચળકતી આંખ ઉપર પાણીનું પડ બંધાયું, અને નિષ્કલંક ધોળા કેશ નીચે કેશ જેવીજ વાંકી ચુકી કરચલિયો ભરેલા ગોરા કપાળ ઉપર પરસેવો વળ્યો તેણે સૌભાગ્યચિન્હનું કુંકુમ ભીનું કરવા માંડ્યું.

“હા, હું તમારો ભાવાર્થ સમજી. હું શું કરું ? મ્હારો સ્વભાવ છે તે દેવસેવામાં ચિત્ત પરોવાય છે ત્યારે ઘરસેવાપર ર્‌હેતું નથી. મ્હારો વાંક હું કબુલ કરું છું, પણ આટલો બધો કોપ ન ધટે ત્રણ જણિયોને બ્હાર ક્‌હાડી તે ધેડફજેતી થાય છે ને લોક બારણે ભરાયા છે.” .

ડોશી ધીમે ધીમે ચાલી અને બારણું ઉઘાડી ત્રણેને ઘરમાં બોલાવી લીધી, ડોસો દ્વાર ભણી જોઇ રહ્યો, ગયો, અને લોકને ધમકાવી ક્‌હાડી, બારણાં બંધ કરી, પાછો આવ્યો.

“જા ! દેવને પાણીની ગોળીમાંથી ક્‌હાડી લે ! આજ તો ગોળીમાં નાંખ્યા, પણ હવે ભુખે મારીશ તો કુવામાં નાંખીશ:” ડોસો વિકરાળ અને રાતીચોળ આંખો કરી બોલ્યો. એના ક્રોધને શમતાં શમતાં કલાક લાગતો હતો. ડોસી બીચારી પાણી ભરેલી ગોળીમાં હાથ ઘાલી દેવને લેઇ આવી – બીજાં બધામાંથી કોઇને ડોસીનું એટલું કામ કરવું ન સુઝ્યું દેવને દ્હેરાસરમાં લેઇ જઇ, અશ્રુપાત કરતાં કરતાં છાતીસરસા ચાંપી, પાછા પાલખાપર પધરાવી, ઘરકામમાં વળગી અને આજથી ધર્મલક્ષ્મીની દેખરેખ નીચે આ ઘરનો સંસાર પાછો ઠેકાણે આવી રસ્તે પડ્યો દેખાયો. પણ દેવને અપવિત્ર સ્થળે નાંખ્યા તે વાતનો ડંખ ડોશીના દીલમાંથી મરણ સુધી ગયો નહી.

પણ ઘરનાં કામકાજની ચિંતાથીજ ઘરસંસારની સિદ્ધિ પુરી ન થઇ. ડોશી તો સઉની પાસે કામકાજ લેતી, પણ અવસ્થાનું શરીર તેથી જાતે ફરી વળાતું નહી અને તેની આજ્ઞાઓ કેટલી પળાતી તે જાણવાનું સાધન તેની પાસે ર્‌હેતું નહી. “શેઠની શીખામણ ઝાંપા સુધી પ્હોચે” એ ક્‌હેવત પ્રમાણે થતું. જુવાન સ્ત્રીમંડળમાં ધીમે ધીમે ડોશી કોહ્યાં અને કચકચિયાં ગણાવા લાગ્યાં. સર્વના હૃદયપર ડોશીની સત્તા ઓછી થઇ, તેની સાથે તેનો આજ્ઞાભંગ થવા લાગ્યો, તેને અંતે સઉ તેને પ્રથમ મનમાં ગાળો દેવા લાગ્યાં અને ધીમે ધીમે કવચિત્ ઉઘાડું અપમાન તથા નિન્દા કરવા લાગ્યાં. ડોશી અકળાવા લાગી, ડોસા પાસે ફરિયાદ કરવા લાગી, અને ગજારમાં ગુણસુંદરી પાસે જઈ વખતોવખત રોવા લાગી. સુવાવડી વહુએ સાસુની શુદ્ધ પ્રીતિ મેળવવામાં આ પ્રસંગને લાભ લઇ લીધો અને બુદ્ધિશાળી, વૃદ્ધ અને અનુભવી સાસુ કરતાં જુવાન અને ઉગતી વહુની બુદ્ધિ ચ્હડિયાતી છે એવું આથી સિદ્ધ થયું. જે વ્યવસ્થા સાસુથી ન થઈ શકી તે વ્યવસ્થા કરવાની મ્હારે કરવી પડશે એવું વહુને લાગ્યું અને વૃદ્ધ સાસુને માથેથી ભાર ઉપાડી લેવામાં હું ફાવીશ એવી આશાની હોંસીલી વહુ કામકાજ કરવા હું ક્યારે શક્તિવાળી થઈશ એ વિચાર આતુરતાથી કરવા લાગી. આ ભાર તો ગુણસુંદરીને માથે મૂળ હતો તે જ પાછો પડવાનો હતો પણ બીજી કેટલીક જાતનો ભાર એવો પડવાનો હતો કે તેનો તેને અનુભવ સરખો ન હતો.

હીંદુ સંસારમાં સુખદુ:ખનાં રૂપ ભાતભાતનાં છે, અનુભવ અથવા અવલોકન વિના તેની કલ્પના પણ કઠણ છે ગુણસુંદરીના મનમાં એક વખત એમ હતું કે મને સઉ વાતનો અનુભવ વીતી ગયો છે પણ જ્ઞાન તેમ જ અનુભવની સીમા નથી એટલું જ નહી, પણ ઉભય વિષયમાં ઉગતાં બાળકને કલ્પના જ થતી નથી કે દેખીતા જ્ઞાન અને અનુભવની પાછળ બીજું કાંઇ હશે. જેમ જેમ અભ્યાસ અને વય વધતાં જાય છે તેમ તેમ નવી નવી જાતનાં જ્ઞાન અને અનુભવ પર્વતના શિખર પાછળના શિખરે પેઠે – સમુદ્રના મોજા પાછળના મોજા પેઠે - દૃષ્ટિમર્યાદામાં દૃષ્ટિ આગળ ખડાં થાય છે અને મન એ ચમત્કારનું સાક્ષી બનતાં બનતાં ઈશ્વરની અનંતતામાં તલ્લીન અજાણતાં થઇ જાય છે – અનંત અનુભવનાં એક પછી બીજાં પગથિયાં જુવે છે અને તે પર ચ્હડે છે. પોતાના ઘરમાં દિવસે દિવસે વધતી રચના જોઇ, નવરી પડેલી સુવાવડીનું મગજ આવા આવા વિચારોથી ભરાઇ ઉચ્ચગ્રાહી વિષયોનું ગ્રાહક થતું અને ડગલે ડગલે ક્‌હેતું કે “આ પણ એક નવા અનુભવ – હવે કાલ બીજો–શો અનુભવ થવા સરજેલો હશે ?” ક્ષુદ્ર ઘરસંસારમાં પણ પર્યેષક બુદ્ધિને જોઇએ તેટલા વિચાર જડી આવે એમ છે અને મનને કેળવણી આપવા ચારે દિશારૂપી મુખોમાંથી ઈશ્વરનું બ્રહ્મસ્વરૂપ શ્રુતિયો સંભળાવી ર્‌હે છે. સુવાવડના ખાટલાઉપર, અને ગજારનાં અંધારામાં, આધિવ્યાધિથી ઉકળતા મગજમાં આવી તીવ્ર કવિતા ઉભરાતી હતી અને નવા જન્મેલા બાળકની સમોવડિયણ બનતી હતી.

જે દિવસે માનચતુરે તોફાન મચાવી મુક્યું તેને બીજે દિવસે ગુણસુંદરીની સહિયર યશેાદા ખબર જોવા આવી અને એકાંતમાં ગામમાં સંભળાતા સમાચાર કહ્યા: “એવી વાત ઉડી છે કે વિદ્યાચતુરે ગઈ કાલ ઘરમાંથી બે બ્હેનોને એને ભાભીને ક્‌હાડી મુક્યાં, ડોશીએ તેમને મનાવીને ઘરમાં આણ્યાં, અને તે બાબત માદીકરો લ્હડ્યાં અને વિદ્યાચતુરે ચ્હીડાઇને પાલખામાંથી ડોશીના દેવને નાંખી દીધા !” નિર્દોષ પતિની નિન્દા સાંભળી પતિવ્રતાને અત્યંત દુ:ખ થયું અને મ્હોડે તો શાંત રીતે સઉ વાતને ખુલાસો કર્યો; પણ મનમાં બધા કુટુમ્બ ઉપર તિરસ્કાર થયો, પળવારમાં મટી ગયો, અને સઉ ગયાં એટલે મ્હોં પર હોડી સુઇ ગઇ અને બે કલાક સુધી તેવી સ્થિતિમાં છાનુંમાનું રોઇ અને તેથી અંતે તાવ આવ્યો તે કોઇએ જાણ્યો પણ નહી.

બે ત્રણ દિવસ થયા એટલે નવું ધતીંગ જાગ્યું. ઘરનો સામન પરસાળની પાછળની મેડીમાં ર્‌હેતો, તે સામાન લેવા લાવવા સુંદરગૌરીને જવું પડતું. એ અનાથ વિધવાનું આ ઘરમાં ગુણસુંદરી શીવાય બીજું કોઈ ન્હોતું સર્વ સ્ત્રીમંડળ એના ભણી કડવી આંખે જોતું, અને પુરુષવર્ગને એની કાંઈ પડી ન હતી. તે છતાં દેરાણીની મમતા એને સુખી રાખતી. એક દિવસ નીચે સર્વે સ્ત્રીમંડળ જમવા બેઠેલું હતું અને પુરુષવર્ગ જમી કરી પોતપોતાને સ્થાનકે વેરાઈ ગયો હતો. તેવામાં ગુણસુંદરી સારું ઔષધની સામગ્રી લેવા વ્હેલી વ્હેલી જમી સુંદરગૌરી પરસાળની મેડિયે ચ્હડી. બપોરના બાર વાગ્યા હતા, અને અગાશીમાં તપતો તડકો ધીમે ધીમે મેડીની બારીમાં ખસતો ખસતો આવતો હતો. એ તડકામાં વિધવા યુવતિ પળવાર ઉભી રહી અને તેના ગૌર ગાલ તડકાથી રાતાચોળ થતાં વાર ન લાગી. બારીની પાછળનાં હાંલ્લાંમાંથી . નીચી વળી તે સામન ક્‌હાડવા લાગી, સૂર્ય ઉપર આવેલા વાદળાં પેઠે તેનું સાદું કાળું વસ્ત્ર બારીના પવનથી જરી જરી ઉડતું હતું, અને વાદળાંમાંથી સૂર્યનું બિમ્બ કોઈ કોઈ ઠેકાણે દેખાઈ આવે તેમ એને વાંસો દેખાતો હતો. મેઘના ધનુષ્ય પેઠે એ વાંકી વળી હતી. માથાની એક લટ સરી પડી આલમ્બમાન પયોધરભારને ટેકવી રાખવા સ્હાઇ લેતી લાગતી હતી. વસ્ત્રની નીચલી કોર અને તડકાવાળી પૃથ્વી, એ બેની વચ્ચે આવી ગયેલી પગની સોનેરી પ્હાનિયો ચળકારા મારતી હતી અને જોનારને જે બે આંખે હોયે તે બેયે આંખોને એ ચળકારોથી ભરી નાંખી – આંધળી કરી દેવા યત્ન કરતી હતી. આમ આંધળી થનારી પણ આંખો દૂર ન હતી અને પોતાનું કામ કરવામાં લીન થયેલી નિર્દોષ સ્ત્રી જાણતી ન હતી કે અત્યારે મ્હારાપર કોઇની દૃષ્ટિ પડે છે.

પુરૂષ ભોક્તા અને સ્ત્રી ભોગ્ય, એ બુદ્ધિ મનુષ્યના મ્હોટાં ભાગને અને પશુપક્ષિયોને, સામાન્ય છે. પશુ પક્ષિયોમાં નર માદાની પાછળ શીકાર કરવા દોડતો હોય તેમ દોડે છે, ફેર માત્ર એટલો ર્‌હે છે કે ઉપભેાગાર્થ શીકારનો નાશ કરવામાં આવે છે ત્યારે માદાનું પાલન કરવામાં આવે છે. સોનાનાં ઇંડાં મુકનારી કુકડી જેવી માદાને નર જાળવી રાખે છે. ઉચ્ચ યોનિમાં આ પાલકબુદ્ધિ વિશેષ ર્‌હે છે, તેનું દૃષ્ટાંત મનુષ્યજાતિ છે, પારકા ઘરની સ્ત્રી – નહી સગી— નહી વ્હાલી - તે સગામાં સગી થઈ ર્‌હે છે – વ્હાલામાં વ્હાલી થઇ ર્‌હે છે. લગ્નાદિકની રૂઢિ એ આ પાલકબુદ્ધિનું જ પરિણામ છે. મનુષ્યનાં પશુભાગપર એના મનુષ્યભાગનો જય થાય છે ત્યારે આ પાલકબુદ્ધિ ર્‌હે છે, અને પશુભાગ વિજયી હોય છે ત્યારે ઉપભેાગાર્થ સ્ત્રીને શીકાર જેવી ગણતો પુરુષ સ્વાર્થ અથવા પરમાર્થ કાંઈ પણ વિચારી શકતો નથી, કારણ મનુષ્યભાગની સાથે વિચાર પણ પરાભવ પામે છે, કેટલેક ઠેકાણે આ ઉભય ભાગનો સંયોગ સૂક્ષ્મ હોય છે અને એક ભાગ બીજાપર પરાભવ કરી શકતો નથી; મૃગયા કરવા નીકળી પડેલો હોય તેવી રીતે સીતાને પકડી પોતાની સત્તામાં આણ્યા છતાં વર્ષોનાં વર્ષો સુધી રાવણે સીતાને અખંડિત ર્‌હેવા દીધી તેનું કારણ આવો જ સૂક્ષ્મ સંયોગ હતો. એના પશુભાગે બળાત્કારથી હરણ કર્યું, એની ઉચ્ચ રસિક વૃત્તિયે તેને

શીખવ્યું કે,
॥ अनादरोत्कंठितयोः प्रसिध्यता समागमेनापि रतिर्न मां प्रति ॥

પુરુષમાત્રમાં આ મનુષ્યભાગ થોડો ઘણો પણ હોય છે અને અનાથ અબલાઓનો પાલક થઈ પડેછે. સ્ત્રી-બહુમાન (chivalry) પુરુષના ચિત્તમાં ઉદય પામે તો પુરુષ અને સ્ત્રી ઉભયની વિશુદ્ધિ સ્વાભાવિક રીતે વજ્રલેપ થવા પામે અને સ્ત્રી નિર્ભય થાય તેનું કારણ આવુંજ છે.

તડકામાં ઉભી ર્‌હેવાથી વધારે સુન્દર થયેલી, નીચી વળી ઉભી રહેવાથી દૃષ્ટિમાં નવતા ભરવા માંડતી, સુન્દરગૌરી ઉભી થાય છે તો તેની જોડા જોડ આવી ગાનચતુર ઉભેલો ! જમી ર્‌હેલો તેથી ભરેલા પેટને એને નીશો ચ્હડેલો હતો – તેનું શરીર અને મુખ અન્નના તેજથી ચળકતું હતું અને એ ચળકાટમાંજ ઘેન ભરેલું દેખાતું હતું. એજ અન્નના ભારથી – ઘેનથી – તેનું મનુષ્યત્વ શાંત થઇ ગયું હતું અને પશુભાગ મગજમાં આવી ઠરી ગયો હતો. પોતાની મેડીમાં સુતાં સુતાં કાંઈક ઘસારો લાગ્યો અને બ્હાર આવ્યો તો સુન્દરગૌરીને એકાંતમાં રમણીયરૂપે સ્થિર ઉભેલી દીઠી, તેને જોતાંજ પશુભાગે પુરુષના મગજપર બળાત્કાર કર્યો, અને શુદ્ધબુદ્ધિને ઉપભેાગ કરવામાં નપુંસક બનેલો પુરુષ એકદમ પણ છાનોમાનો સુન્દરગૌરી પાસે આવી ઉભો હતો - તેને ન થયો વિશુદ્ધિનો વિચાર, ન રહ્યું સગપણનું ભાન, અને ન લાગ્યું વસ્તીવાળા ધરનું ભય ! પરંતુ પશુભાગે આટલું બળ કર્યું ત્યારે છેક મોડે પણ મનુષ્યભાગ મુંગો ન રહ્યો. સુન્દરની પાસે આવી ઉભો ર્‌હેવા છાતી ચલાવનારની છાતી વધારે ન ચાલી, તેનાં હાથપગ સ્તબ્ધ થયાં, તેના ઓઠ ઉઘડી શક્યા સરખા નહી, અને મનુષ્યભાગ ભ્રષ્ટ થતાં ૫શુભાગ દેખાય તેમ પશુભાગને પરાભવ કરી જડભાગ જીત્યો હોય તેમ ગાનચતુર કેવળ જડ જેવો ઉભો રહ્યો અને માત્ર તેની અાંખના જરી જરી ફરકતા ડોળામાં આવી એને ભ્રષ્ટ મનોદય જણાવા લાગ્યો. એના ઉપર દૃષ્ટિ પડતાં સુન્દર લેવાઇ ગઇ, તેના હોંસકોંસ ઉડી ગયા, એના નખથી શીખ સુધી કેવળ ભય વ્યાપી રહ્યો, અને સઉને અંતે સામન એમનો એમ ર્‌હેવા દઇ અચિન્તી દોટ મુકી દાદર પરથી નીચે ઉતરી પડી, ઉતાવળમાં ને ઉતાવળમાં છેલ્લું પગથિયું ચુકી, પડી, વાગ્યું તે ગણ્યું નહી, અને ગુણસુન્દરીવાળી ગજારમાં જઈ ઉભી રહી અને ભય ગયો દીઠો તે છતાં ભય સમક્ષજ હોય તેમ થરથર ધ્રુજવા લાગી અને અાંસુ સારવા લાગી. તેનો ધ્રુજારો કેમે કર્યો બંધ થાય નહી અને ફટક્યા જેવું તેનું કાળજું ધડકતું મટે નહી પણ ગુણસુંદરી જમવા ગઇ હતી તેથી આ દશા જોનાર કોઇ હતું નહી અને તે આવી તેટલામાં તો પોતે સ્વસ્થ થઇ સુન્દરગૌરી કામે વળગી અને એના ચિત્તને સદાને ભય વળગ્યો કે “ આ વાત હું હવે કોને કહીશ ? આ ઘરમાં હવે કેમ ર્‌હેવાશે ? અને આ ઘર મુકી ક્યાં જવું ? ” શરીરરૂપ પશુભાગ ધારણ કરનારે એ ભાગને હાથમાં રાખવા નિરંતર સાવધાન ર્‌હેવાનું છે – એ હાથમાં ન ર્‌હે તો પછી મનુષ્યત્વ સર્વથા નષ્ટ થયું જ સમજવું, અને મનુષ્યરૂપ આવું પશુ પશુરૂપ પશુ કરતાં અનેકધા ભયંકર છે. આ ભયંકર પ્રાણીનો ભય અનાથ વિધવાના કોમળ હૃદયમાં શલ્ય પેઠે પેસી ગયો. એ શલ્ય હૃદયને વીંધવા લાગ્યું અને હૃદયમાંથી બહાર ન ક્‌હડાયું, “કોને ક્‌હેવું ? શી રીતે ક્‌હેવું ? જીભ શી રીતે ઉપડે ? છાતી કેમ ચાલશે ? કોણ માનશે ? અરેરે ! આમને આ શું સુઝયું ? હવે શું કરશે ? શું થશે ? શું કરું ? શું બોલું ? ક્યાં જઉં?” એવા એવા અનેક પ્રશ્નો હૃદયમાં દિવસરાત્ર ઉઠવા લાગ્યા, પ્રશ્ને પ્રશ્ને મુખમાંથી નિ:શ્વાસ અને આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં, કામમાં ચિત્ત ગોઠતું બન્ધ થઈ ગયું. જેનું જગતમાં કોઈ ન હોય તેની નિદ્રા તો હોયજ તે પણ આ અનાથ સ્ત્રીની મટી ગઇ, શરીર નિસ્તેજ થવા લાગ્યું, મુખારવિંદ કરમાઇ સુકાઇ જવા લાગ્યું, શરીરનાં માંસરુધિર અંતર્ધાન પામવા માંડ્યાં, હાસ્યવિનોદ અને શૂન્ય સ્મિત પણ અશક્ય થઈ ગયાં. ગુણસુંદરી પાસે પાસે નીચું જોઈ આંખ પાણીથી ભરાઇ જતી અને ઉચ્ચાર નીકળવા પામે ત્યાર પહેલાં ચતુર જોનાર વગર કોઇને જણાય નહી એવા નિ:શ્વાસ નીકળી જતા. આ સર્વ ફેરફાર કોઇને જણાશે તેનો પોતાને તો વિચાર પણ થયો નહી અને ભાન પણ રહ્યું નહી. ગાનચતુરે પસ્તાતા અંતઃકરણથી એ ફેરફાર જોયો પણ પોતે નિરુપાય જેવો થઈ ગયો. ગુણસુંદરીના હેતસ્વી હૃદયને એ ફેરફાર થયો સમજાતાં વાર લાગી નહી, પણ ફેરફારનું કારણ સમજાયું નહી, અને ઘરના બીજા મંડળને તો એ જાણવાની જરૂર પણ કયાંથી હોય ? ગુણસુંદરી વિના સુંદરગૌરીનું આખા ભરેલા જગતમાં કોઇ ન હતું. ગુણસુંદરીએ ઘણું પુછયું, ઘણા દીલાસા દીધા, ઘણી આજીજી કરી, ઘણું કર્યું, ત્હોયે એટલો જ ઉત્તર મળ્યો કે “ના, ના, કાંઇએ નથી, એ તો અમસ્તો તમને વ્હેમ આવે છે. બીજું કાંઇ કારણ નથી. મને જરા બે દિવસથી શરીરે અસુખ ર્‌હે છે, તે શીવાય બીજું કાંઇ નથી.” ગુણસુંદરીને એ ખુલાસો ખરો ન લાગ્યો. આખરે પોતાના અને પોતાના બાળકના સમ ખવરાવ્યા, અને સુન્દરગૌરી ખરી વાત ક્‌હે ત્યાં સુધી હું ખાઈશ નહી એવી હઠ લીધી, ત્યારે સુંદરગૌરી બળાત્કારે હસવું આણી બોલી : “વારું, અમસ્તાં એમ શું કરો છો ? તમને નહી કહું ત્યારે બીજા કોને કહીશ? આપણા બાયડીઓના જીવ, તેને કંઇ અંત સુધી પેટમાં ને પેટમાં સમાઈ ર્‌હેવાનું છે ? પણ હું તમારું કહ્યું કરીશ ત્યારે તમે મ્હારા સમ ખાઈ હા ક્‌હો કે એક વાતમાં તમે મ્હારું કહ્યું માનશો, એટલે આ વાતમાં હું તમારું કહ્યું માનીશ.” ગુણસુન્દરીએ હા કહી સમ ખાધા, એટલે સુન્દર બેલી. “બહુ સારું, ત્યારે હું તમને કહીશ. પણ તમારે મ્હારું કહ્યું માનવાનું એટલું કે હું તમને મ્હારી મેળે કહું ત્યાં સુધી તમારે મને એ વાત પુછવી નહી. તમે મ્હારા સમ ખાઇ બંધાયાં છો – હું તમારા સમ ખાઇ બંધાઉં છું.”

“ પણ હાલ ક્‌હેવામાં કંઇ નુકસાન છે ?”

“ કંઇ હશે ત્યારે સ્તો.”

“હું જીવું છું ત્યાં સુધી તો તમારો વાંકો વાળ નહીં થવા દઉં.”

“એ તો હું જાણું છું તે. તમારા વિના મ્હારે બીજું કોણ છે? પણ આટલું મ્હારું કહ્યું કરો.”

“ત્યારે બહુ સારું. જો જો, હોં ! ક્‌હો, સાંજે ક્‌હેશો કે રાતે?”

“હવે તે મને ઠીક પડશે ત્યારે. બે ત્રણ દિવસ પછી પુછજો.”

આ રગઝગ ચાલી, પણ ન ક્‌હેવા ધાર્યું હોય તો કોઇ શું ક્‌હેવરાવનાર હતું ? આ વાતમાં સુન્દરના ઓઠ ઉઘડે એવું એનું કહ્યું એનું હૃદય જ કરે એમ ન હતું.

ગુણસુંદરી ન્હાઈ, ઘરમાં હરતી ફરતી થઈ, સઉ જાતે જોવા લાગી, પણ હજી સુતક હતું અને કંઈ સ્પર્શ થાય એમ ન હતું. જાતે જોવા લાગી એટલે વળી ઘરમાં કંઇ કંઇ નાટક નજરે પડ્યાં.