સરસ્વતીચંદ્ર ભાગ ૨/ગુણસુંદરી - (અનુસંધાન)

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ગુણસુંદરી સરસ્વતીચંદ્ર ભાગ ૨
ગુણસુંદરી - (અનુસંધાન)
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનહરપુરીમાં એક રાત્રિ →


પ્રક૨ણ પ.
ગુણસુંદરી–(અનુસંધાન.)
“ જગ ! રૂપ ધરે તું નવાં જ નવાં.”     કુસુમમાળા.

સુતકને લીધે ઘરમાં કોi ઠેકાણે સ્પર્શ થાય એમ ન હતું; અને બીજા લોકના ઘરમાં તો કોરાં વાસણ કપડાં વગેરેને અડકાતું, પણ આ ઘરમાં તો ધર્મલક્ષ્મી એટલું પણ થવા ન દેતાં. આવી રીતે મળતો અવકાશ ગુણસુંદરી બીજી રીતે રોકવા લાગી. ઘણું ખરું તે આખા ઘરનાં સઉ માણસનાં મનની સ્થિતિ જાણવામાં તે રોકાતી. માનચતુરની ઓરડીમાં એ કેટલોક વખત ગાળવા લાગી; ડોસાની ન્હાનપણથી તે અત્યાર સુધીની અથ-ઇતિ પુછતી; એ નિમિત્તે આ ઘરમાં ડોસાને શું શું ઓછું વત્તુ પડેછે, તેને શા શા સંતોષ અસંતોષ છે, વિદ્યાચતુર અને પોતાનેવીશે ડેાસો શા શા વિચાર રાખે છે, વગેરે વાતો પુછી પુછી ડોસાના મનના ઉંડા ઉભરો બહાર ક્‌હડાવતી, તેની ઈચ્છાઓ જાણી લેતી, તેના મનને સંતોષ વળાવતી, પોતાથી અને પતિથી થાય એવી બાબતમાં ડોસાની ઈચ્છા પૂર્ણ કરવા વચન આપતી, ઘરનાં બીજાં માણસઉપરનો ઉકળાટ ડેાસો ક્‌હાડે તેને શાંત પાડતી, પોતાના અને પતિના ઉપર કાંઈ અમળાટ છે કે નહી તે જાણી લેવા ચતુરાઈથી એવો પ્રયત્ન કરતી કે ડોસો જાણી જાય નહી ને પોતાનો અર્થ સિદ્ધ થાય, કાંઈ પણ અમળાટ અનુમાન સરખાથી માલમ પડે તો પોતાના ઉપર વિશ્વાસ બેસારી ખુલાસો કરતી, અને એવા એવા અનેક પ્રકારથી ગુણસુંદરીની બુદ્ધિ અને પ્રીતિએ ડોસાને વશ કરી નાંખ્યો, શાંત કરી દીધો, સંતોષ વળાવી દીધો, અને તોફાની મહાસાગરના જેવા ક્રોધને લીધે જેનો રોગ મટતાં મટતાં ઉપડતો હતો એવા ડોસાને મન અને તનની શાંતિને માર્ગે ચ્હડાવ્યો. એકલા ડોસાને નહી પણ ઘરનાં સર્વ માણસને તેણે આમ વશ કરી દીધાં. ધર્મલક્ષ્મી પૂજા કરે ત્યારે તેની પાસે બેસે, દુ:ખબા રસોઈ કરે ત્યારે તેની પાસે બેસે, ચંચંળ બપોરે નવરી પડે ત્યારે તેની સાથે બેસે, ચંડિકા એકલી પડે ત્યારે તેની સાથે બેસે, ઘરમાં સઉં ન્હાનાંમ્હોટાં છોકરાંને પણ કદી કદી પોતાની આશપાશ એકઠાં કરી તેમને કંઇ કંઇ પુછે, કંઇ કંઇ ઉપદેશ કરે, કંઇ કંઇ વિનોદ આપે, અને આવી રીતે કુટુમ્બનાં સર્વ માણસોમાં મ્હોટાં સાથે મ્હોટી અને ન્હાનાં સાથે ન્હાની થઇ જે સાધનથી ડોસાને વશ કરી લીધો તે જ સાધનથી ઘરનાં સર્વ માણસોને ગુણસુંદરીએ થોડાજ કાળમાં વશ કરી લીધાં. ગુણસુંદરી પાસે સઉ પોતપોતાની વરાળ ક્‌હાડવા લાગ્યાં, સઉ એને પોતાની માનવા લાગ્યાં, દરેક જણના ચારે હાથ એના પર થયા, એને ખુશી રાખવી એવો સઉના અંતરમાં ભાવ થયો, એનું દીલ દુખાય નહી એની સઉને થોડી ઘણી ચિંતા ર્‌‌હેવા લાગી, અને થોડોક વખત ગુણસુંદરી ઘરમાં સઉ વેરાયલા મણિકાની માળા જેવી બની ગઈ, આ સુખસ્વપ્ન ઓથાર વગરનું ન હતું, અંત વગરનું પણ ન નીવડ્યું. એક દિવસ બપોરે એકલી બેઠી બેઠી પોતાના ઘરના ઇતિહાસનો તે વિચાર કરતી હતી. બાલ્યાવસ્થાનાં સુખદુ:ખ સાંભર્યાં. ઉગતી જુવાનીમાં પતિનું મન સમજાતું ન હતું અને પતિની સાથે એ વાતમાં ભેદભાવ હતો, તેથી પોતાને તીવ્ર વેદના થતી, પતિની જ કૃપાથી એ વેદના મટવા વારો આવ્યો. પતિને શાળાની નોકરી હતી અને દમ્પતી એકલાં ર્‌હેતાં તે પ્રસંગે પોતાનો અભ્યાસ ઝપાટાબંધ ચાલતો. ઘરમાં પોતાને કામ થોડું હતું, પતિના અત્યંત પ્રેમનો અનુભવ કરવાને અવકાશ મળતો, કોઈ જાતની ચિંતા ન ર્‌હેતી, યુવાવસ્થાની વાડી વધારે વધારે ખીલવા લાગી તેમ તેમ શરીર૫ક્ષીના ભોગવિલાસ અને પંડિત હૃદયના અત્યંત સ્નેહનો વસંત - ઉદય થયો હતો – આ સર્વ વાતો ગમે તેવી પણ અબળાના હૃદયમાં ઉપરા ઉપરી ઉભરાવા લાગી. હાલમાં કુટુંબભારની વેઠ વ્હેવામાં એ સર્વ વાતો સ્વપ્ન જેવી થઈ ગઈ લાગી. એ સ્વપ્ન ફરી નહીજ આવે એવી નિરાશા ક્રૂર લ્હેણદારની પેઠે હૃદયદ્વારની વચ્ચોવચ ઉમ્મર રોકી બેઠી, અને પાંચ પાંચ માસ થયાં પતિ ઘરમાં ને ઘરમાં છતાં તેની સાથે વાત સરખી થઈ શકતી નહોતી તે વિચાર થયો, એ વિચાર થતાં એકાંતે આંખમાં આંસુની ધાર ચાલી રહી. ખોળામાં બાળક કુમુદસુંદરી હતી તેને પોતે પંપાળતાં બાળક૫ર આંંસુનાં ટપકાં પડ્યાં તે લોહ્યાં. “અરેરે સુખી દેખાતી દીકરી ! ત્હારે યે શું મ્હારા જેવું થશે ?” એમ ક્‌હેતાં ક્‌હેતાં ન્હાની કુમુદને ઉચી કરી પોતાના મુખ આગળ ધરી, કુમુદ જગતમાં જન્મ્યા પછી આ વખતે જ પહેલવહેલું હસી, ગુણસુંદરીએ તેને છાતી સરસી ડાબી. ડાબતાં ડાબતાં માનું હૃદય ભરાઈ આવ્યું, અને સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી આગળ જતાં એકજ ઘરમાં અત્યંત સ્નેહ છતાં પરાયાં જેવાં ર્‌હેવાનાં હતાં, તે સૂચવનાર અમંગળ શકુન થતા હોય તેમ દીકરીને છાતી સરસી વધારે વધારે ડાબતી ગુણસુંદરી, ઘરમાં પોતાને એકલી જાણી, ન ર્‌હેવાયું તેથી મોકળું મુકી, રોઇ. એ રોઇ તે કોઇએ સાંભળ્યું હોય અને આવતું હોય તેમ પગનો ઘસારો થયો, અને ગુણસુંદરી આંસુ લ્હોઈ એકદમ ચુપ થઇ ગઇ.

આજ જરાશંકર મામાને ત્યાં જમવાનું હતું. સૂતકી ગુણસુંદરીને ઘર સોંપી સઉ જમવા ગયાં હતાં, એટલે બારણું અમથું વાસી તે એકલી બેઠી હતી. વિદ્યાચતુર કામમાં રોકાયલો હોવાથી અવકાશે જમવા જવાનો હતો. અવકાશ મળ્યો એટલે એ ઘેર આવ્યો, બારણું ધીમે રહી અડકાવી વાસ્યું ને સાંકળ દીધી તે ગુણસુંદરીએ જાણ્યું નહી. ઘરમાં બીજા કોઇને ન દેખી પરસાળ ભણી તે આવ્યો. આવતાં આવતાં ગુણસુંદરી રોતી હોય એવો ભણકારો લાગ્યો. અંદર આવ્યો તો એ આંસુ લ્હોઇ બેઠી હતી. ઘણે મહીને આજ દમ્પતી એકાંતમાં મળ્યાં – જાણે ગુણસુંદરીનું દુ:ખ તેનું મન જાણવાના અધિકારીને પોતાની મેળે માલમ પડ્યું હોય, ને એ દુઃખમાંથી છોડવવા સારુ જ છોડવવાનો અધિકારી આવ્યો હોય એમ અત્યારે વિદ્યાચતુર એને સંભારી સંભારી રોનારીની પાસે આવ્યો. એને જોતાં હર્ષશોકના હીંચકાપર બેઠેલી પતિવ્રતા હીંચકો બંધ કરી સફાળી ઉઠી, અને પતિનું મુખ જોવાની પણ ઢીલ ખમી શકી નહી. સૂતકનું સ્મરણ ઉછળતા ઉત્સાહના વેગ આગળ પાછું પડયું, હાથમાં બાળકી હતી તેને એ હાથે પોતાની મેળે ભૂમિપર મુકી દીધી, અને ચંદ્રકળા મ્હોટા વાદળામાંથી અચિંતી નીકળી આકાશને કંઠે લટકી પડે એમ પરસાળના અંધારામાંથી ઉછળી ગુણસુંદરી વિદ્યાચતુરને કંઠે એકદમ વળગી પડી – લટકી રહી !

પોતાના કંઠથી ચરણ સુધી પળવાર લટકી રહેલી આ [૧]મોહનમાળાને હાથવડે ઉચકી લેઇ – સંકેલી લેઇ – વિદ્યાચતુર હીંચકા ભણી ગયો. આનંદની નૌકા જેવા હીંચકા પર તેને બેસાડી, જોડે પોતે બેઠો. ભૂમિપરથી બાળકને ઉપાડી હાથમાં લીધું, અને હસતે મુખે બોલ્યો : “આજ કાંઇ આમ એકદમ ઊર્મિ ઉછળી આવી ?” ઉત્તર ન દેતાં ગુણસુંદરીએ એક હાથ એના ખભા ઉપર મુકયો, બીજાવડે એની હથેલી પોતાના મ્હોંપર મુકી રાખી થોડીવાર પતિને નીહાળી રહી, પછી પતિના બીજા હાથમાં તેના કામના કાગળો હતા તે પોતાના હાથમાં લીધા, અને જુવે છે તો તેમાંના એક ફોડેલા પરબીડિયાની પીઠે પતિના અક્ષરનો લેખ માલમ પડયો તે વાંચ્યો:–

“વિયોગે પામે નાશ ભુલાતી પ્રીતિ : એમ સઉ ક્‌હે છે,
“તે ખોટું ! ખોટું ! ઓ વ્હાલી ! અનુંભવ થકી પ્રમાણી લેજે !
“દિન દિન રસ જે વપરાય, જુનો થઇ જતો ખુટી તે જાતો !
“વણભેાગવી સંચિત થતી પ્રીતિનો નવો રાશિ બની જાતો ! ”

વાંચી બોલી: “મને પ્રશ્ન પુછ્યો તો ઉત્તર એ કે આપને આ લખવું ક્યાંથી સુઝયું ?”

“એ તો કચેરીમાં કામપર બેઠો તે ત્યાં જરાક વિચારમાં પડ્યો અને વિચારમાં ને વિચારમાં મેઘદૂતનો આ ભાગ સાંભરતાં લખી ક્‌હાડ્યો.”


  1. *વિષ્ણુને મોહનમાળા ધરાવવામાં આવે છે તે કંઠથી ચરણ સુધી લટકે છે.
“ પણ આ જ ભાગ ક્યાંથી સાંભર્યોં ? ”

“તું તો વકીલની પેઠે મને સામો પ્રશ્ન પુછવા લાગી !”

“ હાસ્તો ! સીદ્ધો ઉત્તર ન આપે તેને આડા પ્રશ્ન !”

“ ચાલો, પુછો ત્યારે, ”

“ કચેરીમાં કામની વખતે બધું મુકીને આ ભાગ ક્યાંથી સાંભર્યો ? ને સાંભર્યો તો સાંભર્યો પણ આ કામના કાગળપર કોઈને હાથ જાય એમ લખી ક્‌હાડયું એવા હૈયાસુના ક્યાંથી થઈ ગયા ? ચાલો, બોલોજી ! – જુવો, આ બાળક પણ તમારા સામું જોઈ રહી છે તે સાક્ષી છે; ” હસતી આંખોએ અને હસતે મ્‍હોયે ગુણસુંદરી વિદ્યાચતુરના સામું જોઇ રહી, પોતે જીતી હોય એવો ડોળ કર્યો, અને પતિના ખભા ઉપર હાથ મુક્યો – જાણે કે પ્રભાતની હસતી શોભાએ સામા પર્વતપર ઈન્દ્રધનુષ્યનો લાંબો કડકો ટેકવ્યો હોય.

“ચાલ, તુ જીતી ત્યારે, ”

“ના, એમ નહી – એટલેથી કાંઈ વળે ? હવે તો બંધાયા તે ઉત્તર દ્યો. તે વગર છુટકો નથી. હમે પણ તમારી કળા થોડી ઘણી શીખ્યાં છિયે."

વિદ્યાચતુર ખડખડીને હસ્યો.

“ક્‌હો કે જેવી મને ઊર્મિ થઇ આવી તેવી તમનેયે થઇ આવી – મને તમને જોઇને થઈ આવી, તમને હું સાંભરતાં થઈ આવી.”

“વારું, એમ ત્યારે હવે કંઇ?”

“જેવી ગત આપણી, તેવી ગત પારકી, ફરી પુછશો કે આવી ઉર્મિ કયાંથી થઈ આવી, તો ફરી આમ ને આમ બંધાશો.”

આ વિનોદવાર્તા કેટલીક વારસુધી ચાલી, વાર્તામાં ને વાર્તામાં એક રસમાંથી બીજા રસમાં સંક્રાંતિ થઈ. યૌવનકથા ચાલતાં ચાલતાં કુટુંબકથા ચાલવા માંડી, હાસ્યવિનોદનો પ્રવેશ પુરો થતાં ગંભીરતાનો પ્રવેશ પ્રકટ થયો. વિદ્યાચતુરે કુટુંબનાં સર્વ માણસની સ્થિતિ પુછવા માંડી. તેમની સ્થિતિનાં વર્ણન કરતાં તેમના પ્રતિ ગુણસુંદરી પોતે કેવો ભાવ ધારે છે તેનું અંતરમાં અવલોકન કરવા લાગ્યો. એ અવલોકનથી ગુણસુંદરીના પોતાનાં સુખદુ:ખનાં હાર્દ સમજવા પ્રયત્ન કરી કરી પતિ પત્નીના હૃદયપર બંધાયલાં પડે પડ ઉકેલવા લાગ્યો, તેને અંતે એ હૃદય ખરેખરું ઉઘાડું થઇ ગયું એટલે એ હૃદયનું શુદ્ધ સ્વરૂપ આતુર મનથી નીહાળવા લાગ્યો. જેમ ચર્મચક્ષુ બાહ્ય શરીરની સુંદરતાથી મોહ પામી તેનો ઉપભોગ કરે છે તેમ પતિનું મનચક્ષુ પત્નીના હૃદયની નિ:શંક અને ઉદ્દભિન્ન સુંદરતાથી મોહ પામી પામી તેનો ઉપભેાગ કરવા લાગ્યો; એ હૃદયનો અનુપમ પતિપ્રેમ, વૃદ્ધ માનચતુરના જેવી કુટુંબવત્સલતા, ધર્મલક્ષ્મીના જેવી ક્ષમા, ચંચળ બ્‍હેનના કરતાં પણ વધારે ઉદ્યોગપર આસંગ, સુન્દરગૌરી કરતાં પણ વધારે મૃદુતા, પોતાના કુટુંબભારની ધુરંધરતા, ઘરમાંનાં છોકરાં જેવી કરતાં પણ વધારે ર્‌હેતી આનંદવૃત્તિ, અને પોતાના હાથમાં હતી તે નિર્દોષ બાળકીના જેવી નિર્દોષતાઃ આ સર્વ સદ્દગુણોની સુંદરતાથી ભરેલા પ્રિયાના હૃદયને નીવિબંધ શિથિલ કરી દઈ, તે નીવિબંધ સાચવવા વિનયમુગ્ધાના પ્રયત્ન વ્યર્થ કરી દેઈ, હૃદયસુંદરતાના વિલાસનો અભિલાષી પતિ, વાર્તા કરતાં કરતાં અને અચિન્ત્યે સ્નેહાવેગ ચ્‍હડી જતાં, પત્નીના શરીરને સહસા બળથી હૃદયદાન દેવા લાગ્યો અને હીંચકા ઉપરની પીંઢો જોઈ બોલી ઉઠ્યો:

नीवीबन्धोच्छ्वसितशिथिलं यत्र बिम्बाधराणां
क्षौमं रागादनिभृतकरेष्वाक्षिपत्सु प्रियेषु
अर्चिस्तुङ्गानभिमुखमपि प्राप्य रत्नप्रदीपान्
व्‍हीमूढानां भवति विफलप्रेरणा चूर्णमुष्टि:

હાથ શિથિલ કરી દેઇ પુછવા લાગ્યો.

“ગુણિયલ ! આપણે પણ આવી અલકાપુરીજ છે સ્તો ! પાંચ મહીના સુધી એક બીજા સાથે બોલ્યાં નથી, પણ ક્‌હે, આજ એ સઉનો ખંગ નથી વાળી દીધો ? મને તો વળી ગયો છે. અરે, મને તું ન મળી હત તો મ્‍હારા એ મ્‍હોટા કુટુંબમાં આ સુખશાંતિની અમૃતવૃષ્ટિ ક્યાંથી થાત ? પુરુષ ગમે તે કરે પણ ઘરની સંભાળ તેનાથી કદી લેઈ શકાવાની નથી. મ્‍હારાં વૃદ્ધ માતાપિતાની અને અણસમજુ ભાંડુની સંભાળ લેનારી આવા મ્‍હોટા મનવાળી ગુણિયલ મને મળી – પણ મ્‍હારાથી ત્‍હારા સારુ કાંઇ બનતું નથી, ત્‍હારે સારુ મ્‍હેં શું કર્યું ? ત્‍હારા વિધાવિનોદના દિવસ બંધ થયા ! ક્ષુદ્ર રંધવારી અને ચાકરડીનું કામ તું કરે ત્યારે મ્‍હેં ત્‍હારા ગુણનો શો બદલો વાળ્યો ? અરેરે ! એ તે મ્‍હારાં સાધન ટુંકાં કે મ્‍હારી ઉદારતા ટુંકી ?” નિઃશ્વાસ મુકી, ગુણસુંદરીને છોડી દેઇ, હાથ ઉંચો કરી હીંચકાની સાંકળો ઝાલી, વિદ્યાચતુર ચિંતાતુર અને ઉંચું મુખ કરી જોઇ રહ્યો. પતિના હાથમાંથી બાળકને લેઇ લેતી સ્ત્રી બોલી: “મ્‍હારી એક ભુલ થઇ. તમારી પાસે આ ઇતિહાસ કહ્યો તો તમારે મ્‍હોયે મ્‍હારાં પોતાનાં વખાણ સાંભળવાનો વખત આવ્યો. તમે પોતાનાં વખાણ કરતા નથી ને મ્‍હારાં કરો છો એટલે તમારા મનમાં મ્‍હારી તમારી વચ્ચે એક ભેદ રહ્યો ત્યારે હવે આ વાત કરવી પડતી મુકું છું,”

એક ઉત્તરવડે ચતુર પત્નીએ બે અર્થ સાર્યા. પોતાની સ્તુતિ કરતો તેને અટકાવ્યો અને બીજું આ વચન સાંભળી પોતે કરેલો ખેદ ભુલી એ પુષ્કળ હસ્યો અને બોલ્યો “ બહુ સારું, મડમ સાહેબ, મને પણ મ્‍હારી ભુલ યાદ આવી. હવે વખાણ નહીં કરું. ચલાવો કુટુંબકથા.”

કુટુંબકથાની અરઘટ્ટઘટિકા[૧] પાછી ચાલવા માંડી અને તેનો અંતભાગ નીચે પ્રમાણે આવ્યો:

“મ્‍હેં ઘરમાં બધાંની જોડે વાત કરી જોઈ છે, પ્રથમ તો તમે કમાવ છો ને મ્‍હોટા ભાઇનો કાંઈ જોગ ન થાય તે તમને સારું દેખાય નહી. વડીલ પણ એ વાતથી નારાજ છે. બીજું, તમારા ઘરમાં સઉને આનંદ ને દુઃખબા બ્હેન દુ:ખમાં રહે એ શોભે નહી. સાહસરાયને બે પઇસાની મદદ કરશો ને એ ન્‍હાશભાગ કરતા મટી ગામમાં આવી બે પઇસા કમાતા થશે તો એ પણ તમારું ભાંડુ છે. કુમારીને વર છે પણ લગ્ન કરવાનું ખરચ ક્યાંથી ક્‌હાડવું, તેના વિચારમાં દુ:ખબા બ્હેન સોસાઈ જાય છે ને કોઈને ક્‌હેવાતુ નથી. હવે આ આપણું બાળક હોડશે પ્‍હેરશે ને ચંચળ બ્‍હેનનાં છોકરાં વગર ધરેણે ફરશે એ સારું દેખાય તો તમે જાણો. માતુશ્રીને પણ આ બધી બાબત મનમાં થાય છે. વળી એમના દેવનો લાકડાનો પાલખો બદલી રુપાનો કરાવો તે એમનો પોતાનો પણ એક અભિલાષ પુરો થાય. આટલું કરો તો હવણા ચાલશે, બાકીનું પછી થઈ ર્‌હેશે"

“હજી બાકી છે કે ? તો તે કહી દે ને !” હબકી ગયા જેવો થઈ વિદ્યાચતુર બોલ્યો. ગુણસુંદરી તે સમજી ગઇ. પતિની કમાઇ ટુંકી હતી, તેમાંથી એકદમ સર્વ કુટુંબભાર વ્‍હેવાનું માથે પડતાં, ખરચ પણ એકદમ વધી ગયું હતું. પોતાના સીમંતનું મ્‍હોટું ખરચ હવણાંજ ક્‌હાડયું હતું અને બચાવેલું દ્રવ્ય તેમાં ઘસડાઈ ગયું હતું. આ વગેરે સર્વ સાંભરી આવતાં ઢીલી પડી જઈ બોલી, “જેને જે વીતે તે જાણે


  1. ૧ પાણી ક્‌હાડવાનો ર્‍હેંટ
ને જેને માથે ભાર હોય તે તાણે. તમારી સ્થિતિ મને એકદમ

પ્રથમથી ન સુઝી. મ્‍હારાં વખાણ કરો છો ત્યારે તમારે જે ભાર ખેંચવો પડે છે તેનું કેમ કાંઇ બોલતા નથી ને તમારાં પોતાનાં વખાણ કેમ કરતા નથી ? ખરે, અમારાં દુઃખ ઉઘાડાં, પણ તમારાં તો ઢાંક્યાં તમે કહો છો કે ત્‍હારે સારુ મ્‍હારાથી કાંઈ થઈ શકતું નથી, ત્યારે તમારે સારુ મ્હારાથી શું થાય છે ? પાંચ પાંચ માસ થયાં ઘરમાં આવી ઘડીભર જંપી બેઠા દેખતી નથી. મ્‍હારા હૈયાની વરાળ તો કંઇક પણ ક્‌હાડતી હઇશ, પણ તમારે તો વાત કરવાનું પણ ઠેકાણું નથી. તેમાં વળી આટલે દિવસે આજ ઘડી જંપીને વાત કરવા આવ્યા ત્યારે મને પાપણીને તમે ઘડી આનંદમાં જ ર્‌હો એટલી વાત કરતાં ન આવડી–” વાક્ય પુરું થયું નહી એટલામાં સાંકળ ખખડી ને ઉઘાડી જુવે છે તે સુંદરગૌરી જમીને હાંફતી હાંફતી આવી, ને બારણું ઉઘડતાં ઉતાવળથી અંદર દોડી પેઠી. વિદ્યાચતુર ખેદ-વાળે મ્‍હોંયે પાઘડી પ્હેરી જમવા જવા બ્હાર નીકળ્યો. ગુણસુંદરી પસ્તાતી ખેદ પામતી પતિની પુઠે દૃષ્ટિ નાંખતી ઉભી રહી. તે દૃષ્ટિ બ્‍હાર થયો એટલે રોવા જેવે મ્‍હોંયે, બારણું વાસી, બીજી પાસ જુવે છે તો સુન્દરગૌરી ગભરાયલી અને રોવા જેવી ધ્રુજતી ધ્રુજતી ઉભેલી.

“કેમ સુંદરભાભી, આ શું અચિંત્યું? આટલાં બધાં ધ્રુજો છો કેમ ?” આ પ્રશ્નનો ઉત્તર અપાઇ શકે તે પહેલાં એકદમ બારણું ઉઘડ્યું. ગાનચતુર ઉતાવળો ઉતાવળો અંદર આવ્યો. આવતામાંજ બારણા અંદર તરત પેઠેલી સુંદર ઉભી હશે એમ જાણી ભુલમાં ગુણસુંદરીને ખભે હાથ મુક્યો. ગુણસુંદરીએ ચમકી પાછું જોયું. પાછું જોયું કે તરતજ ગાનચતુર પોતાની ભુલ સમજ્યો, અને ભુલ સમજાતાં જ હાથ ખેંચી લીધો અને લેવાતે મ્‍હોંયે બોલ્યો “ તમે કે? મ્હારા મનમાં કે તમારી જેઠાણી ઉભી હશે ! ” પાપના પોપડા ઉપર જુઠાણાનું લીંપણુ થતું જોઈ ક્રોધમાં આવી ભમ્મર ચ્‍હડાવી ગુણસુંદરી ક્‌હેવા જતી હતી કે “કેઇ જેઠાણી ?” પણ એટલામાં તો વીજળીની ત્વરાથી ગાનચતુર ચાલ્યો ગયો અને દાદરે ચ્‍હડી પોતાની મેડીમાં દાખલ થઇ ગયો. ગુણસુંદરી શાંત પડી, ચોળાચોળ કરવાનું પરિણામ સારું નથી જાણી જેઠનો કેડો લેવાનું છોડી દીધું, અને વધારે ધ્રુજતી સુંદર ભણી દયાળુ મ્‍હોં કરી બોલી.

“તે દિવસ તમારું રોવાનું કારણ આ હશે અને આજ ધ્રુજવાનું કારણ પણ આ જ હશે ! હવે હું સમજી.” સુંદરની અાંખમાં અાંસુ માયાં નહી, લજજા અને ભયથી કંપતા ઓઠને નીકળવા પ્રયન્ન કરતી વાણી ઉઘાડી શકી નહી, દુખિયારી વિધવાને પોતાનું ભાન રહ્યું નહી, તેના માથા પરથી છેડો પાછળ ઉતરી પડ્યો, અને પાંદડાંવડે ફુલ ઢંકાય તેમ બે હાથવડે અાંખો ઢાંકી દેઇ ભીંતને અઠીંગી અનાથ સુંદરગૌરી બોલ્યા ચાલ્યા વિના માત્ર ઉભી રહી. આ પ્રકરણ પુરું નથી થયું એટલામાં ધસતી ધસતી ચંડિકા બ્‍હારથી આવી. એનો મીજાજ કાંઇક કારણથી ગયો હતો તેથી જણાતું હતું કે સઉ જમવા ગયાં હતાં ત્યાં કાંઈ નવી જુની થઈ હશે. “રાંડ, નાયકા, આજ ત્‍હારાં લક્ષણ જાણ્યાં ” એમ કહી, રોતી ધ્રુજતી સુંદર ઉપર કોપેલી ચંડિકા કુદી પડી અને તડી તડી તેને ભીંત સાથે ડાબવા લાગી. “વાહરે ભાભીજી ! આ શું ? છોડો એને ” કહી ગુણસુંદરી વચ્ચે પડી, સુંદરને છોડવી, અને ગાળો દેતી દેતી અને મ્‍હોટે સાદે મ્‍હોં વાળતી ચંડિકા મેડિયે ચ્‍હડી અને ધણી સામી ઉભી રહી છાજિયાં લેવા લાગી. ચંડિકાનો ક્રોધ જોઇ “શું આમાં સુંદરનો તો દોષ નહી હોય ?” એમ વિચારી “ના, ના, કંઇક અાંધળે બ્‍હેરું કુટાયું છે ” એમ મનમાં ક્‌હેતી ક્‌હેતી ગુણસુંદરી સુંદરને વધારે પુછવા જાય છે એટલામાં ઘરનો બાકીનો સઉ સ્ત્રીવર્ગ તથા છોકરાં આવ્યાં, એટલે કાંઇ ન થયું હોય એમ ગુણસુંદરી જમણના સમાચાર પુછવા લાગી અને કોઈ કાંઇ વાત ક્‌હાડે છે કે શું કરે છે તેની વાટ જોવા લાગી. કોઈનું ધ્યાન ન ખેંચાય એમ સુંદર હળવે હળવે પોતાને કામે વળગી. ગુણસુંદરીને ઉત્તર મળે એમ ન લાગ્યું. ધર્મલક્ષ્મીનું મ્‍હોં ચ્‍હડ્યું હતું, અને ચ્‍હડેલે મ્‍હોંયે એક ઠેકાણે બેઠી. દુ:ખબા ગભરાયલા જેવી દેખાઇ કંઇ કામ ન જડતાં હીંચકે સુતી. ચંચળ પોતાને કામે લાગી, પણ કામ કરતાં વચ્ચે વચ્ચે મનમાં ને મનમાં કંઇક બડબડતી હતી. આ સઉ તાલ ગુણસુંદરી જોઇ રહી. એકદમ આમ સઉના સ્વભાવ ફરી જતા આજ જ જોયા.– આવો અનુભવ પ્રથમજ થયો. “ શું કાંઇ મ્‍હારા ઉપર સઉના મનમાં કાંઈ આવ્યું હશે ? ” “ શું કોઈએ કાંઇ સાચાં જુઠાં કર્યા હશે?” “ શું સ્વામીનાથના ઉપર આ સઉ હશે ?” “એ ઈશ્વર ! સઉની મરજી ઉઠાવતાં ઉઠાવતાં પણ આવું જોવું રહ્યું!” “ઘરનો ભાર વેઠવામાં આ વેઠવાનું પણ ખરું કે?” “શું મ્‍હારાથીજ કાંઇ ખરેખરી કસુર થઇ ગઇ હશે ?” આમ હજારો વિચાર કરતી કરતી, ઘડીમાં એકના મ્‍હોં સામું અને ઘડીમાં બીજાના મ્‍હોં સામું જોતી જોતી, ગુણસુંદરી ધર્મલક્ષ્મીની દેવસેવાની સામગ્રી કરવા જવા લાગી, એટલે જમણો હાથ લાંબો કરી ડોશી તબડકો કરી ઉઠ્યાં, “ના, બાપુ, ના, એ બધું મ્હારે છે તેમનું તેમ રહેવા દ્યો એટલે ઘણું – મ્હારે તો કાંઇ કરાવવું યે નથી ને જોઇતું યે નથી.” કાંઇ બોલ્યા વિના, બોલેલું સાંભળતી ન હોય તેમ ગુણસુંદરી હાથમાં લીધેલું કામ કરવા લાગી એટલે ચંચળ દોડતી દોડતી આવી અને એને હાથ ઝાલી એની પાસે કામ પડતું મુકાવી, રીસમાં ને રીસમાં પોતે તે કામ કરવા લાગી. ગુણસુંદરી તે કામ પડતું મુકી છાનીમાની દુ:ખબા પાસે જઇ હીંચકે બેઠી અને એના સ્પર્શથી અભડાતી હોય તેમ દુ:ખબા એકદમ ઉઠી પરસાળને ઉમ્મરે બેઠી, ગુણસુંદરીએ પુછયું: “મ્હોટી બ્હેન, આજ આ બધું શું છે ?” તેના ઉત્તરમાં તેને પાંશરો જવાબ ન દેતાં નણંદ બોલી, “બળી એ વાત ! જવા દ્યોને એ પંચાત! તમે તમારું કામ કરો.” ગુણસુંદરી બધે ઠેકાણેથી છોભીલી પડી ગઇ. તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં, અને સૂતક ઉતર્યું ન હતું તે છતાં ક્રોધમાં ને ક્રોધમાં કોઇને ન ગણી, બધાની પાસે કાંઇ વધારે આછું ન બોલાઇ જવાય તેટલા માટે અને ઘડીક એકાંતમાં ઉભરા શાંત થાય એ ઇચ્છાથી, એકદમ કુમુદને લેઇ પોતાની મેડિયે ચ્હડી ગઇ. તે જોઇ પોતાનું દુ:ખ ભુલી જઇ સુંદરગૌરી બડબડી. “બધાની ગરજ તમારે - તમારી ગરજ કોઇને નહી - ખરી જ વાત તો !” એમ કહી ગુણસુંદરીને શાંત પાડવા સઉના ઉપર મનમાં ક્રોધ આણી સુંદરગૌરી ગુણસુંદરી પાછળ ચ્હડી. દાદરના છેલા પગથિયાંપર ચ્હડતાં ચ્હડતાં ઘણે દિવસે પોતાની મેડીપર ગુણસુંદરીની નજર પડી, અને પોતાની કે પારકી સંભાળ વગર બધી રીતે બદલાયેલી અને અવ્યવસ્થામાં પડેલી મેડી અને તેમાંનો સામન જોઇ, વિદ્યાચતુરને એમાં કેમ નિદ્રા આવતી હશે એ વિચાર થયો. વિચાર થતાં હૈયું ભરાઇ આવ્યું, અને એ દુ:ખ ઉત્પન્ન થતાં પળવાર ઉપર થયેલાં સઉ દુ:ખ પળવાર ભુલી ગયા જેવું થયું. મેડીમાંનો પલંગ એક ટશે જોતી જોતી છેલા પગથિયા પર ઉભી રહી, અને પાછળ ચ્હડતી સુંદરનો સ્પર્શ થતાં એ સ્વપ્નમાંથી જાગી. જાગતામાં જ તરત ઉપર ચ્હડી, ચ્હડીને પોતે પલંગ પર બેઠી. કુમુદને પણ પલંગ પર સુવાડી અને એને અઠીંગી સુંદર પાસે ઉભી રહી. તેનો હાથ પોતાના બે હાથની હથેલિયો વચ્ચે ડાબી રહી. બેમાંથી કોઇ બોલ્યું નહી. સુંદર ભોંય ઉપર જોઇ રહી. અને ગુણસુંદરી સામી ભીંત ભણી જોઇ રહી

અને અધ ઘડી એ દશામાં રહી અંતે વિચારમાં ને વિચારમાં બોલી ઉઠી

अपारसंसारसमुद्रमध्ये निमञतीनां शरणं किमस्ति
गुरो कृपालो कृपया वदैतत् विश्वेशपदाम्बुजदीर्घनौका ॥

આ શ્લોક બોલાતાં જ ગુરુ પ્રસન્ન થયા હોય એમ વિદ્યાચતુરનાં પુસ્તકો પર દૃષ્ટિ પડી, અને ઉઠી તેમાંથી એનાં ખાનગી ટિપ્પણનું પુસ્તક ઉપાડી ઉઘાડે છે તે અનાયાસે મલ્લરાજે આપેલી પ્રથમ આજ્ઞાનાં વાકયવાળુંજ પાનું ઉઘડયું.

“સુન્દરભાભી, આ જુવો તમારા દિયર મહારાજની નોકરીમાં રહ્યા તે પ્રસંગે મહારાજે એમને કરેલી પ્રથમ આજ્ઞા. એમાં જુવો કે સ્ત્રિયોના કેટલા કેટલા ધર્મ લખ્યા છે? પુરુષોને એથી વધારે ધર્મ પાળવા પડે છે. મહારાજની આજ્ઞા આપણે પણ પાળવા જેવી છે.”

સુન્દરે સઉ વાંચી જોયું: પુસ્તક પાછું આપતી આપતી બોલી, “ન્હાનાં ભાભી, એ બધું ખરું, પણ આપણે યે માણસ છિયે. એમને ખોટું લાગે ને તમને ન લાગે, ન્હાના ભાઇ કમાય ને ન્હાનાં ભાભી વૈતરું કરે અને તબડકા વેઠે; પણ એની તો કોઇને ગુણઓશીંગણ નહી, નહી તો નહી પણ સામું વગર વાંકે આરોપ મુકાય ને ન્યાય અન્યાય તો તમારો તોળાય નહી – એ તે કંઇ રીત છે ? એવું એવું ખમવાની આજ્ઞા તે મલ્લરાજ પણ ન કરે.”

નીચું જોઇ વિચારમાં પડી આખરે ગુણસુંદરી બોલી: “સુન્દરભાભી, તમે ધારો છો એમ નથી. ઈશ્વર માણસને માથે હજારો જાતની વિપત્તિયો નાંખે છે તેનો કંઇ હેતુ નહી હોય એમ નહી હોય. દુ:ખથી માણસ ઘડાય છે ” –

“ઉંઘ્યો તમારો ઈશ્વર !” સુન્દર અકળાઇને બોલી; “જોને વાત કરે છે તે ! આ ન્હાનપણમાંથી મ્હારે તો સુખ દેખવા વારો આવ્યો નથી અને આ અવતારમાં આવનાર નથી. હેવાતન ગયું તેને મરતા સુધી દુઃખ. પછી એ દુઃખથી તે કિયા અવતારમાં ઘડાઈ ર્‌હેવાનું છે ને સુખ દેખવાનું છે ? એમ ક્‌હો કે પાછલે અવતારે કર્યું હશે, ત્યારે આ અવતાર ભોગવિયે છિયે તે ખરું, અને આવતા અવતારની વાત ખોટી આશા એટલી નિરાશા. દુઃખ, દુઃખ ને દુઃખ!”

“તમે ક્‌હો છે એ વાત સમૂળગી ખોટી નથી, પણ પાછલો અવતાર ખરો માનવો ત્યારે આવતો અવતાર કેમ નહી ? લખચોરાશીની ઘટમાળ ફર્યા કરે છે. તપેશ્વર તપ કરે છે તે આવતા અવતાર માટે, આપણે યે જે દુ:ખ ખમવાં પડે તે પણ એક જાતનું તપ !” “એને તે ત૫ કેમ કરીને ક્‌હેવાય ! તપેશ્વર તો જાણી જોઇને હાથે કરી તપ વેઠે છે; અને આપણે તો વેઠો કે ન વેઠો, પણ માથે પડી शिवाय नमः.”

“પણ આપણે પણ માથે પડ્યું વેઠવાના બે રસ્તા છે. ગમે તો બડબડી ઈશ્વરને માથે આરોપ દેઇ વેઠિયે ત્હોયે વેઠાય; ને ગમે તો ઈશ્વર જે કરતો હશે તે સારા સારુ જ હશે એમ જાણી વેઠિયે તે પણ વેઠાય. પણ એકનું નામ તે ન ચાલ્યે વેઠવું, અને બીજાનું નામ તે ઈશ્વરની ઇચ્છાને આનંદથી આધીન થવું એટલે આનંદથી ઈશ્વરનું કિંકરપણું કરવું અને એનું નામ પણ તપ જ સમજવું. ઘરમાં બંધાયે અત્યારે અકળાયાં છે તે ઘડીસોરાં આજ નહી તો કાલ શાંત થશે, અને તે જાણ્યા છતાં તેટલીવાર સુધી હું ને તમે પણ અમસ્તાં અકળાઇશું તેમાં કંઇ ફળ છે? તમારે જન્મારાનું દુ:ખ છે તેના આગળ તો આ કંઇ ગણતરીમાં નથી. મ્હોટાં અકળાય ત્યારે, એમ સમજવું કે “હશે ! મ્હોટાં છે – આપણે ન્હાનાં, તેણે સઉની મરજી સાચવવી જોઇયે.” ન્હાનાં વાંક કરે ત્યારે એમ જાણવું કે “હશે ! ન્હાનાં ને મ્હોટાં બેય સરખાં થશે, ત્યારે મ્હોટાનું મ્હોટાપણું શામાં?” મને તો સુખનો રસ્તો આ લાગે છે.”

“હાસ્તો. જ્યાં ત્યાં મનનું સમાધાન કરવું.”

“ના, સઉને સુખ થાય એવો રસ્તો ક્‌હાડવાનું આપણા હાથમાં હોય ત્યારે તેનો વિચાર કરવો કામનો. બાકી તો દુઃખ ગણીશું ત્હોયે દુઃખ આવશે ને સુખ ગણીશું ત્હોય આવવાનું આવશે. એમ હોય ત્યારે તો દુ:ખને પણ સુખ ગણી લેવામાં શાણપણ છે.”

સુન્દર જોઇ રહી, તેના મનમાં સમાધાન થયું, એનું પોતાનું દુ:ખ પણ નરમ પડયું, અને ગુણસુંદરીના હાથમાંનું પુસ્તક ઉઘાડી તેમાં જોતી જોતી, જરાક મ્હોં મલકાવી બોલી.

“ખરું છે. આ બધું શાણપણ મ્હારા દિયર પાસેથી આણ્યું હશે. વારુ, એમણે તમને સમજણ આપી તે આજ મ્હારે કામ લાગી. પણ એવા ભાયડા બધાંને ક્યાંથી હોય ? પાંચે આંગળિયે પરમેશ્વર પૂજ્યા હશે ત્યારે મ્હારા દિયર જેવો ભાયડો મળ્યો છે . બાકી તો આ તમારા જેઠ જીવે છે તેવા ભાયડા હોય તેના કરતાં તો મ્હારી દશા સારી છે. આ જુવો એમની મેડીમાં ભવાઇ ચાલી છે તે અહિયાં સુધી સંભળાય છે.” “બળી એ ભવાઇ ! પણ આજ આ બધું શું થયું? તમને ખબર હશે.”

આના ઉત્તરમાં હા કહી સુંદરગૌરીએ સર્વ વાત ક્‌હેવા માંડી. જરાશકર મામાને ત્યાં સઉ જમવા ગયાં ત્યારે તેણે માનચતુરને ઘરના સમાચાર પુછયા. ઘરમાં સુતો સુતો માંદો ડોસો નિત્ય ઘરનો તાલ જોયા કરતો હતો, ગુણસુંદરી પાસે સઉ વાતો કરતાં તે પણ થોડી ઘણી સાંભળી શકતો, અને ઘરનાં સઉ માણસપર એને કંટાળો આવ્યો હતો. એ ક્રોધ ડેાશી ઉપર ક્‌હાડયો અને ભાઇ બ્હેનને ધમકાવશે જાણી માનચતુરે જરાશંકર પાસે ધર્મલક્ષ્મીના વાંક ઉપરા ઉપરી ક્‌હાડવા માંડ્યા. તે પ્રસંગે સર્વ કુટુંબ બેઠેલું હતું અને તેમના સર્વના દેખતાં પોતાના ભાઇ પાસે આટલા ઘડપણને વખતે પતિને મુખે પોતાના ખરા ખોટા દોષ નીકળે તે ડોશીથી ખમાય નહી એ સ્વાભાવિક હતું. હું પતિનું કહ્યું નથી માનતી અને મ્હારા ઉપર પતિને સંતોષ નથી એવું ભાઇ ધારશે જાણી બહેનને સવિશેષ દુઃખ થયું. ગુણસુંદરીવિના ઘરનાં બીજાં સર્વ માણસનો દોષ ડોસાએ ક્‌હાડ્યો તેથી ડોશીના મનમાં એમ વસી ગયું કે વહુ ડાહિલી થઇ બધાંની સાથે બધાની થઇ છાનીમાની વાતો કરતી હતી તે વાતો પાછી એણેજ ડોસાને કહી દીધી હશે. ડોશીને પાલખાનો ખપ છે ને ફલાણીને ફલાણી વાત કરવી છે એ સઉ બાબતની માહીતી ડોસાને ગુણસુંદરીથી મળી હશે જાણી એનાપર ડોસીને તિરસ્કાર થયો, અને સ્ત્રીમંડળ એકલું પડ્યું તે વખતે ડોસીએ પોતાની દીકરીઓને મ્હોંયે ન્હાની વહુ બાબત આ હકીકતની ફરીયાદ કરી અને આવેશમાં ને આવેશમાં બોલી જવાયું કે “ખરી વાત, દીકરાનું કમાયલું ખાઇયે પણ તે વહુને જ હાથે કની ? ઘડપણ ઓશિયાળું થયું ત્યારે વહુરોના ટુમ્બા ખાવા પણ પડે. હોય, એમાં એ શું કરે ? આપણાં બધાંનો ભાર એમને વેઠવો પડે તે શાં વ્હાલાં લાગિયે ?” ડોશીને આ પ્રમાણે ઓછું આવી ગયું, દીકરીઓએ વાતોમાં ટાપશી પુરી, ને માના દુ:ખમાં દીકરીઓ પણ ભાગ લેતી હોય તેમ તેમને પણ ભાભી ઉપર ખોટું લાગ્યું. ડોશીની આંખમાં આંસુ આવી ગયાં અને ચંચળ તે લ્હોતી લ્હોતી બોલી, “મા, શું કરવા અકળાય છે ? જેનો વખત હોય તેનાં ગીત ગાવાં પડે એ તો સંસારનો રસ્તો જ છે.” દુ:ખબા રોઇને બોલી “આ સઉ મ્હારે સારુ થાય છે.” જરાશંકરના ચોક આગળ પરસાળીમાં આ પ્રમાણે વાતો થતી હતી તે પરસાળમાં રાઇતાં કરવા બેઠેલી સુંદરે સાંભળ્યું હતું અને એણે સઉ અત્યારે ગુણસુંદરીને કહી દીધું. ગુણસુંદરીને હવે સઉ વાત સમજાઇ અને ગંભીર મુખથી બોલી.

“એમનો કોઇનો વાંક નહીં. ટાકસંચો એવો થયો કે એમના મનમાં આવું વસી જ જાય, અને મ્હારો વાંક નથી તો પણ વાંક વસે. એમાં નવાઇ નથી. વડીલને મ્હારા ઉપર પ્રીતિ અને દયા એટલી બધી છે કે બધાંનો વાંક ક્‌હાડ ક્‌હાડ કર્યા કરેછે, શું કરિયે કે મ્હારા ઉપરથી એમનો ભાવ ઓછો થાય? હવે આ બધું તો સમજાયું, પણ મને ક્‌હેવાને વચનથી બંધાયાં છો તે વાત ક્‌હોને !”

સુંદર પાછી લેવાઇ ગઇ, તેના ઓઠે ન ઉપડ્યા, અને આંખમાં આંસુ આણી ગુણસુંદરી સામું ટગર ટગર જોઇ રહી આખરે બોલી.

“શું આ વાત પુછયા વગર તમારે નહી જ ચાલે ? હવે એ વાત જવા દ્યો તો તમારો પાડ.”

“પાડ બાડ મ્હારે જોઇતા નથી. ઓસંગાયા વગર જે હોય તે કહી દ્યો. મને તમારી બ્હેન સમજજો. જુવો, મ્હારી વાતો હું તમને કહું છું કે નહી ?”

સુંદર વાત ક્‌હેવા જતાં જતાં વળી અચકી અને બોલી, “બળી એ વાત જવા દ્યો. કહીશ કેઈ દ્હાડો વળી.”

“ના, આવો વખત નહીં મળે. હવે સાંભળ્યા વગર મ્હારું મન કહ્યું નહી કરે. અત્યારે ને અત્યારે બધું કહી ન દ્યો તો આ તમારી દીકરીનું સમ. એ વ્હાલી હોય તો ક્‌હો.” ગુણસુંદરીએ ન્હાની કુમુદસુંદરીને પલંગ પરથી આણી સુંદરના ખોળામાં મુકી દીધી. સુંદરને સ્મરણ થતાં ચમકીને બોલી.

“વારુ, તમે સૂતકી છો ને મને ને આ પલંગને ને બધા ઘરને બધાંને સૂતકી કરી દીધાં તમે તો ?”

સૂતકને મનના આવેશે ભુલાવ્યું હતું: વિદ્યાચતુર આવ્યો ત્યારે હર્ષના ઉછાળાએ ભુલાવ્યું, અત્યારે દુ:ખના ઉછાળાએ ભુલાવ્યું. સ્મરણ થતાં ગુણસુંદરી પણ ચમકી.

“હવે તે શું કરિયે ? તમે ન્હાઈ નાખજો, પલંગને કંઈ ન્હવરાવાય એમ છે ? પણ એ બ્હાને તમે વાત ઉડાવો છો.”

“હું શું કરું ? તમને ક્‌હેતાં જીભ ઉપડતી નથી, બાકી જાણું છું કે તમે જાણશો ત્યારે જ મને કરાર વળશે ને ત્યારે જ – તમે સમજ્યાં જ છે સ્તો ! હવે વધારે શું પુછો છો ? મ્‍હારે રોજ પરસાળની મેડિયે સામાન લેવા જવું પડે છે, અને કોણ જાણે શું એમને ભૂત ભરાયું છે કે રોજ મ્‍હારે ત્યાં જવું ને. રોજ ત્યાં એમનું આવવું થાય છે ને મને કનડે છે. અત્યાર સુધી તો હું છટકી જવા પામી છું અને ઈશ્વરે મ્‍હારી લાજ રાખી છે. પણ અરેરે ! રોજ હવાડે બેસે તેને કોઇ વખત કુવામાં પડવાની બ્‍હીક.”

“તમે હવેથી ઉપર ન જશો. કાલે મ્‍હારે ન્‍હાવાનું છે એટલે કાલથી હું જ જઇશ. પણ આજ આ શું બન્યું ને તમારા ઉપર ભાભી કેમ રીસે ભરાયાં ? ”

“બળી એ વાત. એ સધવા ને હું વિધવા, એમનો ધણી પુરૂષ ને હું તે બાઈડીમાણસ, મ્‍હારું રાંકનું લોહી તે હલકું હોય એમાં શી નવાઈ ? એ બે ક્‌હે કે કરે તે ખરું, ને મ્‍હારું સઉ ખોટું. હું કહીશ તે યે નહી મનાય ને નહી કહું તે યે નહીં મનાય. મને શું કરવા પુછો છો ? જો હાથે આવરદા ટુંકો કરાતો હત, તો આ વખત શું કરવા આવત ? કુવો હવાડો યે કરાય ને ગળે ફાંસો ધાલું ત્‍હોયે ઘલાય. પણ એથી કાંઈ મ્‍હારા કપાળમાં લખેલું હશે તેથી છુટાવાનું છે ? એમ જાણું કે આ અવતારમાં દુ:ખથી છુટું તો આપહત્યારી થાઉં ને બીજા સાત અવતાર એવું ને એવું ખમવું પડે – જો એમ ન હત તો ભાઇને ત્યાં એ શું કરવા ઓશીયાળી થાત ને ત્યાંથી અહિયાં પણ શું કરવા આવત ? પાપ કરતાં કાંઇ પાછું જોયું હશે ત્યારે તમારા હૃદયમાં આમ હરિ વસે છે ને મ્‍હારા૫ર દયા રાખે છો ! બાકી તમે તો મ્‍હારે સારુ શું કરવા આટલું કરો ? હું તે તમારી શી સગી ? પણ આજ તો સગાં તે સગાં નહી ને આઘેનાં તે સગાં થાય છે. ઓ ન્હાનાંભાભી ! જાતે તો મરાતું નથી પણ કુવા આગળ જ ઇએ છિયે ત્યારે કોઇ ધક્કો યે મારતું નથી ને સ્‍હેજમાં અથડાઇ એ પડાતું નથી ! તમે મને શું કરવા પુછો છો ?” આટલું બોલતાં બોલતાં સુંદર ગળગળી થઇ ગઇ, અને ન ર્‌હેવાતાં ગુણસુંદરીના ખેાળામાં માથું નાંખી રોઇ પડી અને એને ગળે હાથ નાંખી રોતી રોતી બોલી: “ઓ ભાભી ! તમે તો મ્‍હારી મા છો ! તમે જ મ્‍હારાં જનેતા ! ઓ મ્‍હારી મા રે ! ”– આમ કરી સુંદર વધારે વધારે રોવા લાગી, અને અંતે અમુઝણથી છાતીમાં ડચુરો ભરાયો કે કંઇ થયું હોય એમ તેનું આખું શરીર ખેંચાવા અને તણાવા લાગ્યું, ધ્રુજવા લાગ્યું, અને અંતે એક છેલી જબરી હેડકી આવી હોય તેમ થઇ તે હાલતી ચાલતી બંધ થઇ, બોલતી રહી ગઇ, અને શબજેવી બની ગુણસુંદરીના ખોળામાં હતી તેવી સજડ થઈ ગઈ. ગુણસુંદરી પણ અત્યંત દયાથી સુંદરનો બોલેબોલ પડતાં રોતી હતી, એને છાતી સરસી ડાબતી હતી, અને રોવામાં પોતાનાથી પણ બોલાતું નહી તેથી માત્ર એને વાંસે હાથ ફેરવતી હતી, તે એને આમ બોલતી બંધ થઇ ગઇ જોઈ એનું માથું ઉંચું કરવા લાગી અને રોતી રોતી બોલવા લાગી: “સુંદરભાભી, સુંદરબ્‍હેન, આમ શું કરો છો ? ઉઠો – તમને મ્‍હારાં સમ ! હું મરું જો ઓછું આણું તો – આ છોકરી મરે ! સુંદરબ્‍હેન ! સુંદરબ્‍હેન ! હશે – ન કહેવાય તો ન કહેશો-”

સુંદર ઉઠી અને ફરી વળગી પડી – “ઓ મ્‍હારી બ્હેન – ઓ મ્‍હારી મા – હું સગા ભાઇને વધારે પડી તેને તમે સંઘરી તે તમે મ્‍હારી મા નહી તો બીજું કોણ ? – આમ તો માયે ન કરે ! – તમને નહી કહું ત્યારે તે કોને કહીશ?”– એમ કહી મ્‍હોટે સાદે રોઇ પડી. તે નીચે સંભળાયું પણ ક્રોધને માર્યે કોઇએ તે પર ધ્યાન આપ્યું નહી. માત્ર માનચતુર ઘરમાં આવી સઉના ક્રોધનો તાલ જોતો હતો તે એકદમ લાકડી ઝાલી ઉપર આવ્યો.

ડોસાને ઉપર આવ્યો જોઇ બે જણ સફાળાં ઉઠ્યાં અને અાંખો લોહી નાંખી સામાં ઉભાં રહ્યાં. ડોસાએ પુછ્યું: “કેમ સુંદર! કેમ રડે છે? ગુણસુંદરી, શું છે ?”

સુંદરે તો ઉત્તર ન દીધો ને નીચું જ જોઈ રહી; પણ ક્રોધ ડાબી રખાયો નહી અને ખરી વાત કહેવાનો લાગ ઠીક આવ્યો છે તે જવા ન દેવો જાણી જરા ઉંચે સ્વરે ગુણસુંદરી બેલી – “કોણ જાણે શાથી રુવે છે તે ! જમીને અચિંતાં બારણું ઉઘાડી એ આવ્યાં અને પાછળ ધસતા ધસતા મ્‍હોટાભાઈ આવ્યા ને મને દેખી ઉપર ચાલ્યા ગયા – તે વખતથી સુંદરભાભી રુવે છે ને કારણ કહેતાં નથી, બધાંને પુછિયે પણ આજ તો હું યે પણ કાંઇ વાંકમાં જ આવી હઇશ એટલે કોઇ મ્‍હારી સાથે યે બોલતું નથી એટલે કોને પુછવું ? મ્‍હારો વાંક કહે તો હું સુધારુ, પણ ક્‌હે નહી ત્યારે તો શું કરુ ? – રોશો નહીં, સુંદરભાભી !"

“ઠી-ક! એ તો સમજ્યો બધું.” ડોસાને ક્રોધ ચ્‍હડ્યો, ને પાસે કોણ ઉભું છે ને શું બોલવું ને શું ન બોલવું તેનું ભાન ન રહેતાં મ્‍હોટે સાદે બોલતો બડબડતો મુછે હાથ દેતો એક પછી બીજા પગથિયા પર લાકડી જોરથી ધબધબ મુકતો મુકતો નીચે ઉતરવા લાગ્યો: “રાંડનાને બ્‍હાર કોઇ ન મળ્યું તે ઘરમાં ને ઘરમાં નખોદ વાળવા બેઠો – હરામખોર ! વિચાર નથી કરતો કે એ તો ત્‍હારી મા થાય !” મા શબ્દ પર ભાર મુકી દાંત કચડ્યા. “મને ત્યાં ને ત્યાં જ વ્‍હેમ પડ્યો હતો ! ” ડોસો ચાલ્યો ચાલ્યો પરસાળની મેડિયે ચ્‍હડ્યો, ચંડિકાને મેડીમાંથી બહાર બોલાવી પોતે અંદર પેઠો, ગાનચતુર ચમકી સામું જોઇ રહી ઉભો થયો, ને ડોસાની સામે આવ્યો કે ડોસાએ દાંત ને ઓઠ પીસી લાકડી ઉગામી દીકરાને લગાવી. ગાનચતુર આઘો ખસી ગયો, લાકડી વાગતી વાગતી રહી ગઇ, અને નીચે ખાટલા પર પડી તે ખાટલાની ઈસ ભાગી ગઈ. ડોસાએ પોતાનું બધું જોર ક્‌હાડયું.

ડોસાની રીસ જરીક શમી ગઇ અને ગાનચતુરને ખભે ઝાલી, એના મ્‍હોં સામું જોઇ, એની અાંખો ઉપર પોતાની અાંખોમાંથી તીક્ષ્ણ કટાક્ષ નાંખી, ભ્રમર ચ્‍હડાવી, બેાલ્યોઃ “કેમ, સુંદર ત્‍હારી મા ન થાય કે?” બીજા હાથની તર્જની વીંઝી દાંત કચડી વળી બેાલ્યોઃ “જો જે બચ્ચા, અાજ તો જવા દેઉં છું ફરી એનું નામ દીધું તો હું માંદો માંદો પણ તને તે પુરો કરી દેઉ એટલી આ શરીરમાં સત્તા છે.” એને છોડી દેઇ ડોસો પાછો જતો રહ્યો અને જતાં જતાં પાછો વળી બોલતો ગયો: “ગમે તો સરત રાખજે - નીકર ત્‍હારા જેવા કુળ - અંગારને ભોંયભેગો કરતાં તું મ્હારો દીકરો છે એમ મને થવાનું નથી ને દરબાર ફાંસિયે ચ્‍હડાવે તેની બ્‍હીક નથી – પણ તને તો એક વખત જેવો જન્મ આપ્યો તેવો મારી નાંખનાર પણ હું જ થાઉં ત્યારે ખરો.” ક્રોધથી આખે શરીરે લાલ લાલ થઇ ગયો, ધોળા ચળકતા વાળ ઉપર પરસેવાનાં ટીપાં ભરાયાં અને મોગરાના ફુલ ઉપર ઝાકળ જેવાં દેખાયાં, વૃદ્ધ અને જર્જરિત છાતી અને બીજો સર્વ અવયવોમાં અચિંત્યું ઉભરાવા માંડેલું બળ આવેગ[૧]થી સમુદ્ર પેઠે ખળભળવા લાગ્યું. એ મેડિયે ચ્‍હડ્યો તે વખત જ તેનીપાછળ ચંચળ, ધર્મલક્ષ્મી અને દુ:ખબા દાદર પર આવી સંતાઇ રહ્યાં હતાં તે તેનાં પાછાં ફરતી વખતનાં પગલાંના ધબકારા સાંભળી ખરખર નીચાં ઉતરી પડ્યાં, એ પોતે દાદર પરથી નીચે ઉતરી આવ્યો, બળવાન રાજાને આવેશ ભરેલો જોઇ આશપાશનાં માણસ ચડીચૂપ થઇ ઉભાં રહે તેમ ડેાસો દાદર ઉતરી પોતાની કોટડી ભણી ગયો તે વખત તેની એક પાસ ઘરનું સર્વ


  1. ૧ જુસ્સો.
મંડળ પલટણ પેઠે હારદોર છાનુંમાનું તેના સામું જોતું ઉભું રહ્યું, અને

તે કોટડીમાં પેશી લાકડી નીચે નાંખી દેઇ ખાટલામાં બેઠો. તે બેઠો તેની સાથે તેના પ્રતાપ અને ભયથી શાંત થયેલી ધર્મલક્ષ્મીની સૂચનાથી ચંચળ ગુણસુંદરીની મેડિયે ગઈ, અને મનનો આવેશ સંતાડી મલકતું મ્‍હોં રાખી આવડવાળી નણંદ બે ભાભિયોને નીચે લેઇ આવી, સઉ શાંત થઇ ઘરમાં કામે વળગી ગયાં. ડોસે આ સર્વ જોયું, તે પોતે પણ શાંત થયો, પોતાનો અર્થ સર્વ રીતે સિદ્ધ થયો લાગ્યો, અને કરચલીવાળી ફીક્કી અાંગળિયોવડે ધોળી મુછો આમળતો બોલ્યો: “ વારુ, તમારી મ્‍હેરબાની કે સઉયે આટલાથી જ સમજી ગયાં – બાકી બીજે ઠેકાણે તો “ત્રાહિ દીનાનાથ ” – એવાં માણસ દીઠાં છે કે સામ દામ ભેદ દંડ ગમે તે કરો પણ ધુળમાં આળોટવા પડેલાં જાડી ચામડીનાં ગધેડાં સમજે તો એ સમજે. એમ લાગે છે કે ઈશ્વર હજી મ્‍હારા ઘર સામું કંઇ જુવે છે.” ડોશીને હરતી ફરતી અને ગુણસુંદરીને મિષે મિષે મનાવતી જોઈ ડોસો એકલો એકલો , ખુશ થયો, હસ્યો, અને બોલ્યો: “હાં, આ બધાં શાંત થયાં તેનું કારણ આ ડોસલી ! ભૈરવકાળકાનો ક્રોધ શમાવવા શિવજી એના પગતળે સુઇ ગયા હતા તેમ મ્‍હારો ક્રોધ શમાવવા ડોસલી કરે એવી છે. ખરે, જેને જેવું તેને તેવું કાંઇ મળી જ રહે છે – નીકર મને આ મૂર્તિ ક્યાંથી મળે? ન્‍હાનપણમાંથી દુર્વાસા જેવો આ હું તેને ન્‍હાનપણમાંથી આવી શાંત અને લાતો પર લાતો પડે ત્‍હોયે પુછે કે લાત મારતાં તમારે પગે વાગ્યું તો નથી ? એવી – આ ધર્માત્મા ન મળી હત તો એક બે બાયડીનાં તો મ્‍હેં ઠેર ખુન કર્યા હત ! – પણ આનો આવો સ્વભાવ ઘડનાર એનાં માબાપ સ્વર્ગમાં બેઠાં હો ત્યાં પણ એમનું કલ્યાણ થજો ! અરે ! ” – આમ બોલતો બોલતો અને વિચાર કરતો કરતો માનચતુર શાંત થઇ સુઇ ગયો અને નીરાંતે નિદ્રામાં પડ્યો.

આ દિવસ પુરો થઇ રહ્યો. દિવસે ભારે જમણ જમેલાં તેથી રાત્રે કોઇને જમવું ન હતું. માત્ર ગુણસુંદરી વાળુ કરવાની હતી; પોતાને એકલીને વાસ્તે ક્યાં ખટપટ કરાવવી જાણી એ પણ આળસી જવા જેવું બોલવા લાગી. પણ ડોસો ઉંઘી ગયો ત્યારથી તે અત્યારસુધીમાં ઘરનો સર્વ સ્ત્રીવર્ગ શાંત થઈ એકબીજા સાથે ઘણા દિવસના એકઠા થયેલા ખુલાસા કરવા મંડી ગયો હતો, સઉ અન્યોન્યને મનાવવાને આતુર બન્યાં હતાં, પરસ્પર પ્રીતિ બતાવવા લાગ્યાં હતાં, અને નિત્ય દીઠેલો કંકાસ જાણે સ્વપ્નમાં જ થઇ ગયો હોય એમ ગઇગુજરી ભુલી જઇ આ સર્વ મ્‍હોટું કુટુંબ કલોલ કરતું દેખાયું. સઉ મનોમનસાક્ષી થયાં. ધર્મલક્ષ્મીએ ગુણસુંદરીને વાળુ કરવા આગ્રહ કર્યો, ચંચળે પોતાના હાથની રસોઇ ભાભીને ચખાડવા આગ્રહ કર્યો, દુ:ખબા સુંદર જોડે ઘરને ઉમરે બેસી વાતો કરવા લાગી, ચંડિકા હીંચકે બેસી ન્હાની કુમુદને રમાડવા – હાથ ઉપર કુદાવવા – અને બાલકસામે બાળચેષ્ટા કરવા લાગી, અને કુટુંબનાં સર્વ છોકરાં તેની આશપાશ રમવા લાગ્યાં.

આ આનંદમાં એકલો ગાનચતુર ભાગ લઇ શક્યો નહી. તે કાંઇ સ્વભાવેજ દુષ્ટ હતો નહી. તેનામાં બુદ્ધિ ન હતી એવું હતું નહી, તેનામાં અંત:કરણની શુન્યતા હતી નહી. પરંતુ માનચતુરના હાથ નીચે એ ઉછર્યો હતો, એની સાથે પરદેશમાં ન્હાનપણથી રહ્યો હતો, એની કટેવોનો ન્‍હાનપણથી જ સાક્ષી થયો હતો; અને માનચતુરની કચેરીમાંનું એનું આશ્રિતમંડલ ન્હાના ગાનચતુરને બોલાવતા – ગમે તેવું તેની પાસે બોલાવતા – ગમે તેવું તેને ક્‌હેતા – ગમે તેવી વાતો તેની પાસે કરતા. કચેરીમંડળને દેશાંતરમાં આથડવાનું થતું ત્યારે થાકેલું મંડળ એને પોતાની સાથે ફેરવતું; પોતે હલકો હલકો આનંદવિનોદ કરતું અને તેમાં એને ભેળવતું; એ મ્‍હાટાં દેખાતાં માણસોના દોષમાં દોષ જોવા જેટલી સમજણ બાળકમાં ન હતી તેથી દોષને ન્‍હાનો છોકરો ગુણ જેવા સમજતો; એ મ્‍હોટાં માણસો લાંચ લે, અપશબ્દ ભરેલી વાતોના અપરસમાં રસ માની લીન થઇ જાય, એકલા કુમારા જેવા એ લોક પરદેશમાં આથડતાં લંપટવૃત્તિને નિર્લજજતાથી નિરંકુશ બનાવે, પોતાના ઘર આગળ–પાડોશમાં–રસ્તામાં સ્ત્રિયો આવે તેની મશ્કેરીયો કરે, ખાનગી પ્રસંગે આડોશીપાડોશીની વયમાં આવતી છોકરિયો સાથે – કજોડાને દુ:ખે વિવ્‍હળતા ન ખમાતાં લોકલજજાનો ભાર નાંખી દેવા આતુર બનતી બ્‍હારના પુરુષો ખોળનારીઓ સાથે – ભોળા માણસોની સ્ત્રીચરિત ભરેલી સ્ત્રિયો સાથે – સ્વભાવે જ ઠરેલી કુલટાએ સાથે – સ્‍હેલડ ઘેલિયો સાથે – છોકરાં શોધનારી વંધ્યાઓ સાથે – નોકરીમાં હાથનીચે રહેલા પુરુષોની સ્ત્રિયો સાથે – સ્ત્રીદ્વારા કામ ક્‌હડાવનારાઓની સ્ત્રિયો સાથે – વિશ્વાસુ મિત્રોના ઘરની સ્ત્રિયો સાથે – કુમાતાઓ અને દુષ્ટ સહીપણીઓ અને કુટણીઓના હાથમાં સપડાયલી બુદ્ધિહીન મુગ્ધાઓ સાથે – માનચતુરનું કચેરીમંડળ ગામપરગામમાં પ્રસંગો ખોળતું – પ્રસંગમાં આવતું, ને તેમની કુત્સિત ચેષ્ટાઓનો ગાનચતુર અનાયાસે અથવા પોતાની કે પારકી ઇચ્છાએ સાક્ષી બનતો; આ સર્વ પુરુષો એક જાતની બ્‍હાદુરી કરે છે, પુરુષાતન બતાવે છે, અને તેમના જેવું શીખે ત્યારેજ છોકરાં હોશિયારમાં ખપે – એવી બુદ્ધિ ઉગતા બાળકમાં આવતાં વાર ન લાગી અને આવી ખરાબ ભેજવાળી હવાનો સહવાસી બાળક મ્હોટા થયા પછી પણ તે હવાવિના તેને ચ્હેન ન પડતું. ક્ષુદ્ર અધિકારનો અમલ અને દોર, પઇસાની કુમાર્ગે કમાણી અને કુમાર્ગે જ તેનો નાશ, દુષ્ટ પ્રસંગો પર પ્રીતિ, અને દુષ્ટ કર્મની ભાવના: આ સર્વેથી ભરેલા કચેરીમંડળ પર માનચતુર રાજ્ય ચલાવતો - એ સર્વ મંડળને સરકારી, નોકરો હોવા છતાં પોતાના નોકરો હોય તેમ પોતાના હાથમાં રાખતો – અને એ જ સંબંધને લીધે એનો પોતાનો પુત્ર એમની રીતભાતનો નોકર બની ગયો અને તેમની વચ્ચે રહી તેમનાથી જુદા ગુણ અને જુદી શક્તિવાળો પોતે હતો તે પોતાના ગુણ પુત્રને તેની ઉગતી અવસ્થામાં આપવાનું ભુલી ગયો. માનચતુરનો સ્વભાવ જુદો જ હતો અને એની શક્તિ પણ કાંઈ અસાધારણ હતી. એ લંપટતાને વશ ન હતો પણ લંપટતા એને વશ હતી. લંપટ થવું ધારે ત્યારે એ થતો, અને ન થવું ધારે ત્યારે ઇન્દ્રની ઇન્દ્રાણી પણ એને ચળાવી શકતી ન્હોતી. ધારું તો ઈશ્વર જેવો થાઉં અને ધારું તો સેતાન થાઉં, એવું એને ગુમાન હતું. ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, પોતાના ઉપરી, પોતાના હાથ નીચેનાં માણસ, – કોઇનો પણ હું દાસ નહી – એ સર્વ મ્હારાં દાસ : એ વાત સિદ્ધ કરવા કરી આપવામાં માનચતુર પોતાનું પુરુષત્વ માનતો. અત્યંત સુખ એને લોભાવી શકતું નહીં, અત્યંત દુઃખના ભારનીચે ડબાતો ડબાતો પણ તે હસતો. ષડ્‌વિકારોના તરંગ એની મરજી હોય ત્યારે ઉછળતા – એની મરજી હોય ત્યારે શાંત થઇ જતા. અવસ્થામાત્રને એ તૃણવત્ લેખતો. પોતાની શક્તિ દેખાડવાનો એને શોખ હતો, અને ઉપરીને, હાથ નીચેના માણસને, અને તેમજ પોતાની જાત ઉપર પણ પોતાની શક્તિ દેખાડી એ આનંદ માનતો. જો ઉપરી માનચતુરના કહ્યામાં રહે અને માનચતુરને માન આપે તો એવા ઉપરીને સંકટપ્રસંગે પોતાની બુદ્ધિ સત્તા અને દ્રવ્યના સાધનવડે સંકટમાંથી છોડવવા યત્ન કરતો અને સફળ થાય ત્યાંસુધી વિરામ પામતો નહી. કંઇક ઉપરીઓ પર લાંચના અથવા બીજી રીતે કસુર કરવાના આરોપના પ્રસંગ આવેલા કંઇકને પોતાના કામમાં ગુંચવારા ભરેલા અને આંટીના પ્રશ્ન ઉઠેલા; કંઇક પ્રજાવર્ગના રાગદ્વેષના પાત્ર થયેલા અને તેમના પર તરકટ ઉઠેલાં, કંઇક પોતાના ઉપરી અમલદારોના અભિમાન અથવા દુર્ગુણ અથવા દોષના બલિદાન થયેલા;–એવા એવા સર્વે ઉપરીઓને માનચતુરે પોતાની બુદ્ધિથી સવળા માર્ગ બતાવેલા અથવા ખરેખરી સહાયતા આપી સક્ષમ પ્રસંગોમાંથી ઉગારેલા હતા. તેઓ માનચતુરની બુદ્ધિની પ્રશંસા કરતા અને ઉપકારના બંધનથી એના દાસ થતા. જો કોઈ ઉપરી માનચતુરથી વિરુદ્ધ થયો તો માનચતુરની બુદ્ધિ અને સત્તા તેને ફસાવ્યા વિના ર્‌હેતી નહી. એવા ઉપરીની સ્ત્રીને વશ કરવામાં પોતે પરાક્રમ માનતો. અને પરાક્રમ ઉધાડી રીતે દર્શાવતો ત્યારે જંપતો. એ ઉપરીના કુટુંબમાં કંકાસ રોપાતો, એ ઉપરીની સામે તેના ઉપરી પાસે ફરિયાદ જતી, એ ઉપરી પોતાના ઉપરીનો વિશ્વાસ ખોતો, લોકમાંથી પ્રતિષ્ઠા ખોતો, તેને હજારો વેરિયો ઉભા થતા, તેના સામે અપવાદ અને અપકીર્તિ આવતાં, ઘરમાં અથવા રસ્તામાં માર ખાવાનો તેને નિરંતર ભય ઉત્પન્ન થતો, તેના મિત્રો ફુટતા અને શત્રુ જેવા બનતા, અને તે કાયર કાયર બની જઇ માનચતુરને પ્રસન્ન કરે ત્યાર સુધી સ્વસ્થ થવા પામતો નહી. જે માણસ ઉપરીને આ પ્રમાણે સતાવે તેનાથી હાથનીચેનું મંડળ કંપે તેમાં નવાઈ શી ? હાથ નીચેનાં માણસોને એ બકરાં જેવાં ગણતો, ચાલતાં સુધી તેમને સતાવવા એ બહુ હલકું માનતો, અને તેમને આશ્રય આપવામાં પોતાની વડાઈ લેખતો. તેમની ખુશામતથી છેતરાતો નહી પણ ખુશામતથી આનંદ માનતો તેમજ તેમનું કલ્યાણ કરવામાં પણ આનંદ અને મ્હોટાઈ માનતો. લુટવો તો રાજાને ને મારવો તો હાથીને એ એનો સિદ્ધાંત હતો. ગરીબ માણસો પાસેથી અથવા દ્રવ્યવાન પણ ધર્મિષ્ઠ અને ભલાં માણસ પાસેથી તે કદી પઇસો સરખો લેતો નહી અને તેનું કામ ચ્હાઈને મફત કરી આપતો. કોઇ લુચ્ચા કે એવા માણસ મળ્યા તો તેની પાસેથી ચુસી ચુસીને પઇસા ક્‌હડાવી લેતો અને તેને ત્રાહિ ત્રાહિ ક્‌હેવરાવે તે વગર તેનું કામ કરતો નહી, અને કામ થયા પછી પણ જન્મારા સુધી એ લોક પોતાના દાસ થઇ બંધનમાં ર્‌હે એવી રચના કરતો. સગાંસંબંધી અથવા મિત્રમંડળનાં ઘરમાંની સ્ત્રિયો સામું જોવું એ માનચતુર ઘણી હલકી વાત ગણતો અને તે બાબત એને અતિશય તિરસ્કાર હતો. જેણે પોતાના ઉપર રજ પણ વિશ્વાસ મુક્યો હોય તેની સ્ત્રીને ફસાવવી એમાં નામરદાની અને નાદાની માનતો. કુલટા સ્ત્રિયો સાથે વ્યવહાર રાખવો એ તો કોઈને ફસાવવાનું કામ નથી - એ તો એક હલકી સ્ત્રીને હાથે પુરુષ ફસાયા જેવું છે અને તેવા પુરુષને દમવિનાના ગણવા એવું એ માનતો. કોઈ સ્ત્રી ગમે તેવી સુંદર હોય તે પણ તેની સુંદરતા ઉપર મોહ પામી જવું એ તો રાંડને જોઇ બુદ્ધિ ખોવાનું કામ ગણતો. અને તેવી બાબતમાં પઇસા ખોવા એના જેવી મૂર્ખાઇ તે એને બીજી એક પણ વસતી નહી, એનું લંપટપણું માત્ર મમત અને વૈરથીજ ઉત્પન્ન થતું, અને મમત અને વૈરની શાંતિ સાથે શાંત થતું. કોઇ સ્ત્રીએ એની બાબતમાં તિરસ્કાર બતાવ્યો તો ત્યારથી થોડા દિવસમાં એ સ્ત્રી પોતાને એને ઘેર ગઇજ દેખતી અને માનચતુરની દાસી થઈ જતી. 'ડાહી પતિવ્રતાઓ એની આ શક્તિ જોતી અને એની આગળ અભિમાન ન બતાવતાં એને કાકા મામા અથવા ભાઇ કહી બોલાવતી તો એ તેના સામું પણ ન જોતો, એટલુંજ નહી પણ તેવી સ્ત્રિયો કદીક ચળતી તો તેને સવળે માર્ગે દોરી કુછન્દમાંથી બચાવતો. જે પુરુષો માનચતુર સામી બાકરી બાંધે અથવા તેના આગળ અભિમાન બતાવે તેની સ્ત્રિયો પણ એની જાળમાં ફસાતી. પોતે દેખાવમાં ભવ્ય હતો. જાતે ઉંચો પ્હોળો અને ગોરો હતો. જુવાનીમાં તેના વાળ કાળા, ઝીણા, અને ચળકાટ મારતા હતા તે ઘડપણમાં ધોળા થતા ગયા તેમ એ ધોળાશમાં પણ ચળકાટ લાગવા માંડ્યો અને જુવાનીમાં તેમ ઘડપણમાં પણ આ પુરુષનો દેખાવ ટાપટીપ વગરને હોવા છતાં સ્ત્રીઓને એક પળમાં વશ કરી દેવામાં સમર્થ હતો. કદીક તે એ બોલતો ત્યારે કોઇ રાજા બોલતો હોય તેમ લાગતું અને એનું અપમાન કરતાં ઉપરીઓની પણ જીભ ઉપડતી ન હતી. પોતાની આ શક્તિ અજમાવવાને એને શોખ હતો. તેમાં વિશેષે સ્ત્રિયો ઉપર અજમાવતો. એનાથી અંજાયલી કુલટા સ્ત્રિયો એની પાછળ ભમતી તેને એ ભમાવતો. સ્વભાવે અશુદ્ધ નહી પણ નબળાં મગજ વાળી એવી સ્ત્રિયો પણ પતંગિયાં દીવામાં પડે તેમ આના મોહના ફાંદામાં પડતી. કેટલીક બુદ્ધિશાળી સ્ત્રીઓને માનચતુરની બુદ્ધિનો અને વાતચીતને શોખ થતો. રસિક અથવા તાર્કિક સ્ત્રિયોના મગજમાં તો માનચતુરની મૂર્તિ અને વાતો સ્વપ્ન પેઠે રાતદિવસ તરતી હતી અને ખસવા પામતી ન હતી. આવી આવી અનેક સ્ત્રિયો માનચતુર પાછળ મધમાખી મધપુડા આગળ ભમે તેમ ભમ્યાં કરતી હતી. માનચતુર તેમને ભમવા દેતો, તેમને વાતો કરવા દેતો, અને તેમના મનમાં ખોટી ખોટી આશા ઉત્પન્ન કરતો પરંતુ જેવી રીતે સઉના ઉપર આ મોહજાળ પાથરવાનો એને શોખ હતો તેનાથી બમણો શોખ એ સર્વની મોહજાળમાં જાતે ન ફસાવાનો હતો. વિષયમાત્ર મને બાધ ન કરે એવી મ્હારી શક્તિ છે, વિષયને હું નચાવું છું– વિષય મને નચાવી શકતા નથી, સંસાર મ્હારો દાસ છે – હું તેનો દાસ નથી, શ્રીકૃષ્ણની પેઠે સંસારમાં ર્‌હેવા છતાં તેમાં હું લપટાતો નથીઃ એવા અનેક વિચારને આચારમાં આણતો હતો અને પોતાની તેમ કરવાની શક્તિ અનુભવસિદ્ધ થઇ જોઇ અભિમાન અને આનંદ પામતો હતો. આથી એની પાછળ ભમનારી અનેક સ્ત્રિયો સાથે અણીનો વખત આણી પોતે ખડકયામાંથી ખસી જતો હતો, હજાર પ્રસંગ ઉત્પન્ન કરી તેમાંના માત્ર એકાદ પ્રસંગે જ કોકને અનુકૂળ થતો હતો, બાકીના નવસે નવાણું પ્રસંગે સઉને નિરાશ કરતો હતો, અને નિરાશ થનારને બાકી રહેલા એક પ્રસંગનું પાત્ર થવાની આશામાંથી છુટવા ન દેતો. એની જુવાનીનો આ મદ ઘડપણ સાથે ઉતરતો ગયો છતાં છેક છેલે સુધી જડમૂળથી ગયો નહી અને આવો શોખ ખેાટો એવી શીખામણ ઈશ્વરે એને માત્ર છેક છેલે વખતે આપી. છેકે છેલે વખતે જ્યારે એણે સર્વ પ્રસંગ ઓછો કરી દીધા જેવું થયું હતું ત્યારે એને કોઇનો રોગ લાગ્યો, તે અસાધ્ય નીકળ્યો, અને ધર્મલક્ષ્મી પોતાની આખી જુવાનીમાં પતિના દોષ અતર્ક્ય ક્ષમા રાખી વેઠતી હતી અને ગમ ખાતી હતી તે આ ને આ દશામાં વૃદ્ધ થવા પામેલી આજ આવે સમયે આખા જન્મની ક્ષમા ખોઇ બેઠી અને માંદા માનચતુરના ખાટલા આગળ રોતી રોતી ધર્મને ઉપદેશ કરવા લાગી.

“અરેરે ! મ્હારું ભાગ્ય જ ફુટેલું છે. કેટલાકને ખાવાનો ગળકો હોય છે અને કેટલાકને પારકી ચીજ જોઇ જોઇ ચોરી લેવાની ઊર્મિ ઉછળે છે તેમ કેટલાંકને પરસ્ત્રીનો ચસકો હોય છે. જે એવો ચસકો તમને હત તો હું એમ જાણત કે તમે પામર જીવ છો. જેમ શરીર ઉપર આપણું બળ નથી તેમ પામર જીવવાળાનો જીવ તેમના હાથમાં નથી ર્‌હેવા પામતો, તેઓ બીચારા પોતાના દોષ જાણે અને પસ્તાય તે પણ લગામ હાથમાં રાખી શકતા નથી પણ તમારો તો જીવ સાધ્ય છે – તમે ધારો તો મ્હોટા જોગીરાજ જેટલા નિયમ પાળી શકો એમ છો, પણ તમે તો જે કરો છો તે જાણી જોઇને કરો છો ! જાણી જોઇને કરે તેને બેવડું પાપ – તેને પ્રાયશ્ચિત્ત પણ નહી.” ઠેઠ હૃદયમાંથી નિ:શ્વાસ મુકી વળી બોલી: “આપણે એક બીજાના પુણ્યપાપનાં ભાગિયાં છિયે. હું તો ઘણુંયે જાણું કે કાંઇ ધર્મ થાય – મનુષ્યદેહ કાંઇ ફરી ફરી આવવાનો છે ? પણ મ્હારું જાણ્યું શા કામનું ? હું જાણું ને તમે ન જાણો ! એ તે ધુળ ઉપર લીંપણ ! તમે જેટલાં પાપ કરો ને તેનાં ફળના અધિકારી થાવ તેમાં યે મ્હારો ભાગ ! હું ધર્મ કરું તે ધોવાઇ જાય ને ઘરમાં કોઇ પાપ કરે તે અવશ્ય વળગે ! પારકાં પાપનો ભાર મ્હારે આવતે અવતાર પણ તાણવો પડશે ! અરે ! મ્હારે તો મ્હારી જુવાનીમાંથી જ એ ભાર દેખવો પડ્યો છે. હું બોલી નથી – ચાલી નથી – તમને કોઇ દિવસ ઠપકો દીધો નથી – પણ પેલી મ્હારી શોક્યો દેખી મ્હારાં અંતરમાં કાંઇ ભડકા નહી લાગ્યા હોય? મ્હારાપર રજ ખોટો વ્હેમ પડ્યો હતો તો આપને આટલું થયું હતું તો તેટલા પરથી વિચાર કરો કે મને કેવા ધીકધીકતા અંગારા ચંપાયા હશે ? તમને તો ઈશ્વર ક્ષેમ રાખે પણ હું તો આ અવતારમાંજ મ્હારા ભાગનાં ફળ ભોગવી ચુકી છું – ભલે ! એટલાથી જ જો પુરું થયું હશે તો તે ભોગવવા બીજો અવતાર નહીં લેવો પડે – હાય ! હાય ! હું શું કરું ! મ્હારી આંખ આગળ સઉ તરી આવે છે, મ્હારા કાળજામાં ચીરા પડે છે, મ્હારી આંખે અંધારાં આવે છે - શિવ ! શિવ ! શિવ ! – ઓ મ્હારા બુદ્ધિશાળી કંથ ! - તમે હજીયે નહી સમજો ? આ ધોળાં પળિયાં વિચાર નહી કરાવે ? આ મંદવાડ કંઇ નહી સમજાવે ? હજી મ્હારે કપાળે શાં શાં દુઃખ લખેલાં હશે !” થોડી વાર બોલતી બંધ રહી. વળી કાંઇ સાંભરી આવ્યું હોય એમ બોલવા લાગી: “આજ તમને પાંચસે રૂપિયાનો પગાર થયો હત – હજી સુધી ટુંકા પગારમાં પગ ઘસવા પડે છે તે આ એક કટેવને પાપે. હજીયે કાંઇ સમજો શરીર આજ છે ને કાલ નથી. મ્હારી તો ચિંતા કરતી નથી – પણ હજી તમારી પાસે કાંઇ સંગ્રહ થયો નથી – છોકરાં શું કરશે ? ન્હાનો તો મોસાળને પ્રતાપે પણ કમાય તે ખરું, પણ મ્હોટો તો આ તમારી છાયામાં ઉછર્યો છે તેને તમે ઠેકાણે પાડ્યો છે તે ચાલે છે – પણ એના ઉપર તમારી છાયા બધી રીતની આવી છે. માબાપનાં પુણ્યપાપ, છોકરાંને ફળે. તમારી કટેવો એનામાં ઉગી નીકળી છે. તમારી બુદ્ધિ નથી, તમારી શક્તિ નથી – પણ તમારા જેવું કરવા જાય છે, એ છોકરો કોઇ દિવસ ખત્તા ખાઇ બેસશે ને એને કોઇ પણ ઉગારવાનું નથી. તમારી છાયામાં એ ઉછર્યો તેની એ પ્રસાદી. હું તો હોરણી પ્હેરીને જ જાઉં તે ભાગ્યશાળી – પણ આ છોકરો શું ખાશે ? જાતે કમાશે નહી, તમે કાંઇ મુકી જવાના નથી, ને ખુણેખોચલે પડ્યું રહ્યું હશે તે નરઘાંસારંગીના સાદ ભેગુ તણાઇ જશે કે પારકા ઘરની રાંડોનાં છોકરાં ખાશે એ બધું તો બળ્યું – જેનું લાગ્યું જે ભોગવશે, પણ તમારે યે આવતો અવતાર છે તે વખત તમારું શું થશે ! જરી તો વિચારો ! થયું તે તે થયું - પણ હવે તે કાંઇ સમજો ! -મ્હારે “શું ! હું તો આજ છુ ને કાલ નથી ! ઘડીના છઠ્ઠા ભાગમાં આયુષ્ય પુરું થશે ત્યાં સુધી ઋણાનુબંધ છે તે જોડાઇ છું – પછી કાંઇ જોડાઇ રહેવાનું હાથમાં છે?”

ખાટલાની પાંગથ પર બેસી ડોસીએ આ સઉ રોતે રોતે કહ્યું અને કહી ર્‌હેવા આવી તેમ તેમ આંસુ લ્‍હોતી લ્‍હોતી શાંત થઇ ગઇ અને ડોસાના સામુ જોઇ રહી. એણે ક્‌હેવા માંડ્યું કે તરત તો ડોસાને ક્રોધ ચ્‍હડી ગયો અને ક્રોધમાં રાતો રાતો થઇ ગયો. “રાંડ, આ તે ક્‌હેવાનો વખત છે ?” એ વચન તેના ઓઠસુધી આવી ચુકયું હતું, અને ડોસી બંધ રહે કે કહું એ વિચારે અટકાવી રાખ્યું હતું. ડોસીનાં વાક્ય વધારે ચાલ્યાં; અને ડોસાના અપવિત્ર જીવનનાં ફળ તેના કુટુંબને ચાખવાં પડે છે અને છોકરાએ પણ બાપના માર્ગપર જવા માંડયું છે એ સર્વ વિગતનો ચીતાર ડોસીએ જેમ જેમ ખડો કર્યો તેમ તેમ પોતાના દુરાગ્રહે કરેલી ભુલોથી શત્રુના મુખમાં સેનાસહિત આવી પડેલો સેનાધિપતિ પોતાની ભુલોના ભાનથી પોતાના ઉપર ખીજાય અને પોતાની બુદ્ધિ ઉપર તિરસ્કાર કરે તેમ માનચતુરને થયું. જેમાં પોતે વર્ષોનાં વર્ષો સુધી પરાક્રમ માનેલું તે રીતભાત અને તે કરણીથી પોતાના કુટુંબમાં ઝેરનાં ઝાડ રોપાઈ ગયાં દેખાતાં માનચતુર સુતો સુતો ઓઠ અને હાથના પ્‍હોંચા કરડવા લાગ્યો – અને ધર્મલક્ષ્મી ઉપરનો ક્રોધ પશ્રાત્તાપે ડાબી નાંખ્યો. રોગ અને પશ્ચાત્તાપે કંપાવી દીધેલું અભિમાન શિથિલ થતાં ધર્મનો ઉપદેશ તેમાં પગપેસારો કરવા પામ્યો; અને ઘણા દિવસના હવડ પડેલા ગોઝારા ઘરનાં બારણાં ઉઘડે તેમ માનચતુરનાં મગજનાં બારણાં ઉઘડ્યાં, અને એવા ઘરમાં કોઇ એક હાથમાં દીવો અને એક હાથમાં ઝાડુ લઇ પેસે ને જે દીઠું તે સાફ કરવા માંડે તેમ આ મગજમાં ધર્મોપદેશ પેઠે અને ફરી વળવા લાગ્યો. એના કપાળની અદલબદલ થતી કરચલિયોમાં, ઉઘાડવાસ થતી અાંખેામાં, વારા ફરતી બેસી જતા અને ઘડીમાં ફીક્કા અને ધડીમાં રાતા થઇ જતા ગાલમાં, ફરફડતા ઓઠમાં, અસ્વસ્થ અને પથારીમાં આમ તેમ અથડાતા ઉછળતા હાથપગમાં, અને આરામ વગર તરફડતા આખા શરીરમાં, માનચતુરના મનના આ સર્વ ફેરફાર બ્‍હાર દેખાઇ આવવા લાગ્યા. એક છેડે બાળવા માંડેલો વાળ બીછપાસના સાજા છેડાસુધી હાલી જાય, અમળાઈ જાય, અને ચરચર થતો જાય તેમ અત્યારે ધર્માગ્નિથી ડોસો થવા લાગ્યો. તેમાં પોતાની આખી જુવાનીમાં ધર્મલક્ષ્મીએ કેવી સહનશીલતા અને કેવી ક્ષમા રાખી હતી, અને પોતે કેવી દુષ્ટતાથી વર્ત્યો હતો, એ દુષ્ટતાનું પોતાને ભાન સરખું ન હતું, અને પોતાનું પરાક્રમ સ્ત્રીનાં મર્મસ્થાન નિર્દય રીતે ચીરવામાં જ પર્યાપ્ત થતું. આ વિચારનો એના મનમાં આખરે ઉદય થયો, પોતે ક્ષમાને પાત્ર ન છતાં સ્ત્રિયે આટલી આટલી ક્ષમા રાખી તે વાતનું ભાન વીજળીપેઠે તેના મગજની રાત્રિમાં ઝબુકી રહ્યું, અને છેક બાળપણમાં રોયો હશે તેને આજ આંખમાં કંઇક આંસુ આવ્યાં અને ધીમે રહી પથારીમાંથી અાંખો ઉંચી કરી બોલ્યો.

“આ વચન આટલાં મોડાં છેક આજ કહ્યાં. આ ઉપદેશ છેક મરણપ્રસંગે કર્યો કે મને હવે કંઈ પણ કામમાં નહી લાગે - આ કામ તું આ ઘરમાં આવી તેવામાં જ કેમ કર્યું નહી? મને વેળાસરે કેમ કાંઇ કહ્યું નહી ? આગ લાગતાં સુધી કુવો ન ખોદવાનો મેળ કયાંથી રાખ્યો ?” અર્ધ મીચેલાં પોપચાંવાળી ઘેનભરેલા જેવી આંખો આ વચનને અંતે ઉંચી રહી ગઇ – જાણે કે મળનાર ઉત્તર સાંભળવાનું કામ કાનનું નહી પણ આંખોનું જ હોય. મ્‍હોં ઉઘાડું રહી ગયું - જાણે કે ઉત્તર તેમાં લેવાના હોય. એક હાથ ઉછળી ડોસીના ખોળામાં પડ્યો – જાણે કે ક્ષમાનું દાન માગતો હોય. ડોસીએ એ હાથ ઝાલ્યો.

“હું જાણું છું કે મ્‍હારે તમને આ સમે ન ક્‌હેવું હોય. પણ જો આ રોગમાંથી તમે નહી જ ઉઠો એમ હત તે ન ક્‌હેત. પણ મ્‍હારો અંતરાત્મા મને ક્‌હે છે કે તમે સવારના પ્‍હોરમાં ખાટલામાંથી ઉભા થશો. મ્‍હારું કર્મ ફુટેલું નથી. હું કપાળે ચાંલ્લો લેઇને જવાની છું. જ્યારે તમને કરાર વળે ત્યારે અત્યારનું કહ્યું તમને કામમાં લાગશે જાણી ક્‌હેવાનું તે અત્યારે કહું છું. આજ સુધી તમને ન કહ્યું તેનું કારણ એ કે મ્‍હેં કહ્યું હત તે તમારા મનમાં વસત નહી. પાછળથી ક્‌હેવાનું ન રાખ્યું તેનું કારણ પણ એ જ કે તમે હતા તેવા ને તેવા થાવ એટલે મ્‍હારું કહ્યું સાંભળવાના નહીં. મને ધડપણ આવ્યું, મ્‍હારી વાસનાઓ ઉડી ગઈ, અને તમારી વાસનાઓ ફરી થવાની. અત્યારે તમારી આંખો ઉઘાડી છે એટલે તમને જે બતાવું છું તે દેખો છો, કાન ઉઘાડા છે એટલે કહું છું તે સાંભળો છો, એ દેખાડવાથી અને સંભળાવવાથી હું તમારાં જીવને દુભવું છું- પણ હું તમને અત્યારે ન કહું ત્યારે ક્યારે કહું ? જેમાં મ્‍હારું, તમારું, અને આખા કુટુંબનું કલ્યાણ છે એવી વાત ક્‌હેવાનો મ્‍હારો અધિકાર તમે કયારે રાખ્યો હતો જે હું કહી શકું? એ અધિકાર પણ તમે સાજા થશો ત્યાં સુધીનો છે. પછી મ્‍હારો અધિકાર જવાનો સોયને ઘાયે સુળીમાંથી તમે ઉગરો અને ઉગારો જાણી આટલી સોયો ઘોચી તે તમને વાગી તો હશે – પણ ક્ષમા કરો. મ્‍હારો તમારો અને આખા કુટુંબનો ધર્મ સચવાય – સર્વનો ધર્મ અને સર્વનું કલ્યાણ જેમાં રહેલું છે – એવી વાત તમને કહું અને તે સફળ થાય એવો પ્રસંગ અત્યારે જ છે. જો અત્યારે ન કહું તો પછી આ જન્મમાં બીજો વખત નહીં આવે–માટે આવો પ્રસંગ જોઇ કઠણ થાઉં છું તે ક્ષમા કરો !” આટલું બોલતી બોલતી અત્યંત ક્ષમાવાન અને પતિવત્સળ વૃદ્ધ સ્ત્રી રોઇ પડી, અને માનચતુરના પગનાં તળિયાં ઝાલી વળી બોલી.

“ક્ષમા કરો ! ક્ષમા કરો ! આ પ્રસંગે હું વજ્ર જેવી કઠણ અને તરવાર જેવી ક્રૂર થાઉં છું, પણ શું કરું ? તમારામાં ઓછું દૈવત નથી. તમારા જેવા દૈવતવાળા પતિને હું પરણી છું. મને ઘણા લોકનો અનુભવ થયો છે અને ખાતરી કરી છે કે મ્‍હોટા ન્‍હાના સઉ જીવ પામર છે. કોઇ પોતાના મનને વશ રાખી શકતું નથી. પ્રસંગ નથી પડ્યો ત્યાંસુધી સઉ ડાહી ડાહી વાતો કરે એવા છે; પણ પ્રસંગ આવ્યે પુરુષમાત્ર ન્‍હાનું બાળક રમકડું જોઇ ચળે તેમ ચળે છે, નિર્દોષ અને પવિત્ર સ્ત્રિયોને ફસાવે છે, અને વિષયવાસનાને વશ બની ઘેલા'તુર બને છે. પુરુષનું મન બાયલું છે તેને પ્‍હલળતાં ર જમાત્ર વાર લાગતી નથી. પારાની પેઠે તે ગરબડી જાય છે. પુરુષને શરમ નથી, ધર્મ નથી, સગપણ નથી, સંબંધ નથી, પોતાનું ભાન નથી, પારકાનું ભાન નથી, – સ્ત્રીની સાથે એને માત્ર વિષયવાસનાનું સગપણ છે – વિષયવાસનાની જ ગરજ છે. મ્‍હોટા મ્‍હોટા શાસ્ત્રીપુરાણી જોયા, આચારવિચારવાળા અને ધર્મધ્યાનવાળા મ્‍હારી અાંખ તળે આવી ગયા, જ્ઞાની અને સંન્યાસી અને ભક્તરાજનાં અંત:કરણનું અંતઃકરણપણું કયાં સુધી ર્‌હે છે તે હું સમજી ગઈ છું, અને મ્‍હોટા અધિકારિયોનો અધિકાર તેમની કચેરીમાં જ હોય છે – તેમના બોલવામાં જ હોય છે – બાકી વિષયના તો તેઓ દાસ હોય છે. મ્‍હોટા તે ખોટા. અને આ તમારા ઇંગ્રેજી ભણેલાઓ આવે છે તે લાંચ ન લેવાની વાતો કરે છે ને ધર્મને નિંદે છે ને ક્‌હે છે કે સત્ય બોલવું એ જ ધર્મ છે ને ધર્મ તે અંતર્મા છે ને આપણા સઉના ધર્મ અને આચારવિચાર તો માત્ર વ્‍હેમ અને બ્હાર દેખાડવાના ઢોંગ છે. એ ઇંગ્રેજી ભણેલા કરતાં તો અમે બાઇડીઓ હજાર ગણી સારી. ભીંનાં અને વગરનચોવેલાં લુગડાં ટપક ટપક થાય અને અાંગળીવડે જરીક ડબાય એટલે એમાંથી ધરર લેઈને પાણીની ધાર ચાલે તેવા એ ઠગારા ઇંગ્રેજી ભણેલાઓની વૃત્તિ સ્ત્રિયો આગળ થાયછે તે તમારું અજાણ્યું નથી – તમે એ લોકને આંગળીનાં ટેરવાં પર નચાવ્યા છે તે મ્‍હારું જોયલું છે. સ્ત્રિયો કરતાં પણ નપાટ અને નબળી આવી પુરુષજાતમાં ખરેખરે બળવાળો અને દ્દઢ મનવાળો પુરૂષ તે એક મને મળેલો છે. એનું પુરુષપણું જોઇ મને અભિમાન આવે છે. એવો પુરુષ મ્‍હારો પતિ છે તે જોઇ હું ફુલી જાઉ છું. જ્યારે બધાં ગરબે ગાય છે કે “મ્‍હારા સ્વામીજી બાવન વીર રે ! ” – ત્યારે હું અાંનંદમાં આવી જાઉં છું અને મનમાં સઉ ગાનારીઓને કહું છું કે "સઉ ખોટું બોલો છો – એવા સ્વામીજી તો મ્‍હારે એકલીને જ છે ! ” સ્ત્રીજાતિ તમારી પાસે જખ મારે છે, આખા જગતને મોહની લગાડે એવાં રૂપ કદ્રુપાં હોય એમ તેનો તિરસ્કાર કરવાની શક્તિ એ એક તમારામાં છે. ખટ વિકારનું બળ તમારી પાસે પાણી ભરે છે. મ્‍હેં જેટલા પુરુષ જોયા તે સઉ ખોટાં પુતળાં છે ને તમે જ એક પુરુષ છો એને મને પૂર્ણ અને પ્રત્યક્ષ જાતઅનુભવ છે ! –”, પતિની સ્તુતિ કરતાં કરતાં ડોશીને ઉલ્લાસ આવી ગયો, એનાં આંસુ સુકાઇ ગયાં, અને પતિનો વૈભવ અને પ્રતાપ જગતમાં જણાતો જોઇ જુવાનીમાં પોતે પોતાને મ્‍હોટી થયેલી માનતી એ વખતના પતિ- અભિમાનનો અનુભવ આજ ડોશીએ ફરી ઘડપણમાં પળવાર કર્યો. સ્ત્રીને મ્‍હોંયે પોતાના ખરા ગુણનાં વખાણ સાંભળી માંદો માનચતુર પ્રફુલ્લ થયો, ટટાર થયો, બે હાથેલિયો પર ટેકો દેઇ બેઠો થયો, અને વ્‍હાલ આણી હસતો હસતો ડોશીની આંખો સામું જોઇ રહ્યો અને બોલ્યો. “હવે, ક્‌હે, ક્‌હે, આ બધું તું બોલી તે તો હું સમજ્યો – પણ ત્‍હારે જોઇયે છે શું ? ત્‍હારી ઇચ્છા પુરી કરું ! બોલ ! શી ઇચ્છા છે ? ત્‍હેં મ્‍હારી મરજી આજ સુધી સાચવી તો ત્‍હારી મરજી એક વખત સાચવવી એ મને નહી આવડે ? ”

“તમે ધારો તો તમને આવડે એવું છે તેથી તો હું આ આટલું કહું છું, મ્‍હારે તો એટલું જ જોઇએ છે કે જે તમને આવડે છે તે કરવાનું તમે ધારો ! આખી પુરૂષજાત તો તે હજાર વાર ધારે તો પણ તેને જે આવડે એમ નથી – તેનાથી જે થઇ શકે એમ નથી - તે કામ તમે ધારો એટલાથી જ સિદ્ધ થશે.” ડોસાને ડોશીએ પાણી ચ્‍હડાવ્યું.

“ચાલ, ધાર્યું ત્યારે આજથી !” આટલું બોલી બેઠેલો ડોસો પથારીમાં પાછો ચતો ને ચતો પડ્યો, સુતો, અને એની આંખ મીંચાઇ. એની પ્રતિજ્ઞાથી પોતાનું અને એનું જીવન આજ સાર્થક થયું માની, એ પ્રતિજ્ઞા જુઠી પડવાની નથી એવી ખાતરીથી શાંત થઇ, આજથી એક નવો જ જન્મ ધર્યો હોય અને તેના આનંદને અનુભવવા અંતર્‍દૃષ્ટિ થતી હોય તેમ બાહ્યલોચન મીંચી નીચું જોઇ, સ્થાણુખનનન્યાય સમજતી હોય તેમ, ધર્મિષ્ટ ધર્મલક્ષ્મી બોલી: “ નક્કી ધાર્યું ? ”

“હા, હા, ધાર્યું જ !” અાંખો મીંચી નિદ્રાના ઘેનમાં આ શબ્દ બોલતો બોલતો ડોસો નિદ્રાવશ થઇ ગયો, તેનો જમણો હાથ નિદ્રામાં ઉપડ્યો અને લાંબો થઇ ડોશીના હાથમાં વચન આપતો હોય તેમ પડ્યો, ડોશી એથી જાગૃત થઇ, પતિનો હાથ ઘડીવાર ઝાલી રહી, ઉંઘતા પતિની મીંચાયેલી અાંખો અને પવનથી ફરકતી રુપેરી મુછો . સામું જોઇ રહી, ધીમેથી એ હાથ ખાટલામાં પાછો મુક્યો, બહુ સંભાળથી ઉઠી, પોતાની છાતી પર પોતાનો હાથ મુકી પળવાર વિચારમાં પડી – કંઇક વિચાર કર્યો, અને ઉંઘતા પતિનાં સર્વ શાંત અવયવોમાં નવી વિશુદ્ધિને બળે આરોગ્ય પ્રસરી જતું હોય એવું કાંઇક કલ્પતી કલ્પતી વૃદ્ધ દશાની પવિત્ર નિર્મળ અને તેજસ્વી શ્વેતતાવડે નખથી શિખસુધી અલંકૃત તપસ્વિની સતી શાંત નિદ્રા અને નવીન વિશુદ્ધિને , પતિનું શરીર સોંપી, તે સુતો હતો તે ખંડનાં દ્વાર ધીમેથી વાસી, તેમાંથી ચાલી ગઇ અને ગૃહકર્મના આન્‍હિકમાં સુસ્થ મનથી પડી.

આમ ડોશીએ ડેાસાને સુધાર્યો પણ દીકરો સુધરે એમ ન હતું. માનચતુરની મનને અંકુશમાં રાખવાની શક્તિ ગાનચતુરમાં રજ પણ ન હતી, પિતાની બુદ્ધિનું ઔજસ પુત્રથી સમજાય એવું જ ન હતું. પિતાના ગુણ વિના તેના અવગુણ સોગણા બની પુત્રમાં પ્રકટ્યા અને નાયગરાનો પાણીનો ધોધ ધરતી પર પડી તેને ફાડી નાંખી સર્વકાળ નિરંકુશ અને વેગવાન બની ધસ્યો જાય છે તેમ ગાનચતુરની વિષયવાસના એના સુવિચારને કચરી નાંખી ન્‍હાનપણથી તે આજસુધી ધસ્યાં કરતી હતી. ધર્મલક્ષ્મી એને પામર જીવમાં લેખતી, એને સુધારવા પ્રયન્ન કરી થાકી હતી, અને આખરે એને એના પ્રારબ્ધને સોંપી નિરાશ બની પ્રયત્નમાત્રનો ત્યાગ કરી બેઠી હતી. માત્ર માનચતુરને ક્‌હેતી કે તમે એને આવો કર્યો છે તે તમે એને સુધારો. આ કામ સુગમ ન હતું અને તે પાર ઉતારવા માનચતુરે ઘણી ઘણી રીતે બુદ્ધિ અજમાવી, પણ સફળ ન થયો. જો કે પોતે ખરેખરો સાજો તો કદી થઇ શક્યો નહી, તોપણ નોકરી કરવા જેવો થયો અને તે પછી બે ચારેક વર્ષ નોકરી થઇ અને પછી પાછો ઉથલો ખાવો પડ્યો ત્યારે અંતે નોકરી છોડી વિદ્યાચતુરની પાસે આવી રહ્યો હતો એટલા અરસામાં પોતે સ્ત્રીની ઇચ્છાએ લીધેલી પ્રતિજ્ઞા તોડાવે એવા ઘણા ઘણા પ્રસંગ આવી ગયા હતા, પૂર્વના પ્રસંગમાં પરિચિત થયેલી ઘણીક લલનાઓએ તેના પરિચયને તાજો કરવા આશા રાખી ગુરુપ્રયાસ કર્યા હતા, પૂર્વે જેને પોતે પુરુષાતન માનતો હતો તે અજમાવવાના ઘણા ઘણા પ્રસંગ આવી ગયા હતા, પરંતુ એના એ માનચતુરે હવે જુદા પદાર્થમાં પુરુષાર્થ માન્યો હતો, પોતે સ્ત્રીઓથી લોભાય એવા નિર્બળ મનવાળો છે એવું ધર્મલક્ષ્મી ધારે તો તેથી પોતાના પુરુષાતનમાં ખામી ગણાઇ જવાની અને એ ખામી મ્હારામાં નથી તે દેખાડી આપવાનો એને લોભ થયો હતો, પોતાની પ્રતિજ્ઞા જાળવવાની શક્તિ દેખાડી આપવી એવો એને ઉમંગ થયો હતો, પતિવ્રતાપાસે પત્નીવ્રત થવાની એને ઘડપણમાં હોંસ ઉત્પન્ન થઇ હતી, પોતાના મનને અંકુશમાં રાખવાની શક્તિ અજમાવવા તેનું હૃદય તીવ્ર ઇચ્છા ધારણ કરતું હતું, શુદ્ધ વિશુદ્ધિવાળા જીવનના દિવસનો પણ સ્વાદ પુરી રીતે લઇ લેવો એવો એના મનમાં તરંગ ઉપજ્યો હતો અને બાકીનો જન્મારો એજ તરંગ પ્રમાણે ગાળવા એણે નિશ્ચય કર્યો હતો, અને આ સર્વ કામ પાર ઉતારવાં એ એને મનથી કાંઇ વસાત વગરની ધૂળ જેવી અને જ્યારે ધરાય ત્યારે થઇ શકે એવી વાત હોય તેમ પોતાના હૃદય ઉપર પણ સહસા બળાત્કાર કરવાની શક્તિ એણે સિદ્ધ કરી આપી, પોતાના ઉગ્ર આગ્રહ આગળ કાંઇ અસાધ્ય નથી . એવું સ્પષ્ટ દેખાડી આપ્યું, અને ધર્મલક્ષ્મીએ એને કહ્યું હતું કે “તમે ધારો તે તો જ પળે તમે તે કરી શકો એવા છો” એ વાક્યની સત્યતા અનુભવસિદ્ધ કરી આપી પત્નીનું પતિઅભિમાન પ્રફુલ કર્યું. ધર્મલક્ષ્મી સર્વ ઠેકાણે ક્‌હેવા લાગી કે શ્રીકૃષ્ણ જેવા વિરક્ત હતા અને દુર્વાસામુનિ જેવા અપવાસી હતા તેવા જ મ્હારા પતિ પત્નીવ્રત છે ! એની કોઇ ના કહી શકે એમ નથી. અનેક સ્ત્રિયોરૂપી અભેધ સળિયાવાળા પાંજરાને પોતાના ભારે પંઝાના બળથી સપાટાબંધ તોડી નાંખી : પાંજરામાંથી બ્હાર નીકળી સ્વતંત્ર થઇ ઉભેલા મ્હોટા સિંહના જેવા પોતાના સ્વામીને જોઇ ધર્મલક્ષ્મી આખી જુવાનીના દુ:ખનો બદલો વળ્યો ગણવા લાગી, પોતાને માથે સમર્થ સ્વામી છે એવું અભિમાન અનુભવવા લાગી, અને પતિ પાસે માત્ર આટલો જ અભિલાષ દેખાડવા લાગી કે “ગાનચતુર તમારા કરતાં વધારે મ્હોટી જાળમાં ફસાયો છે, તેનામાં તમારી શક્તિનો અંશ પણ નથી, એને એમાંથી છોડાવો, એટલે આપણે જગતમાં બીજું કાંઇ કર્તવ્ય નથી."

ગાનચતુરને સુધારવા અનુભવી અને કુશળ માનચતુરે ઘણા ઘણા પ્રયાસ કર્યા. પ્રથમ યોજના એવી કરી કે જ્યારે જ્યારે પુત્રને અવકાશ મળે અને તેને પોતાનો કાળ કુમાર્ગે ગાળવાનો પ્રસંગ આવશે એવું લાગે ત્યારે ત્યારે તરત પિતા તેને વાસ્તે કાંઇ ઉધમ શોધી ક્‌હાડી કાંઇક કામમાં પરોવતા. ચાળણીમાંથી પાણી નીસરી જાય તેમ આવા અનવકાશમાંથી નીસરી જઇ ગાનચતુર અવકાશ મેળવવા લાગ્યો. પુત્રના મિત્રમંડળમાં ફેર કરી તેને સારા મિત્રોની સંગતિ કરાવી; પુત્રે મિત્રમંડળને પોતાના જેવું કરી દીધું. પિતાએ સારા નરતા સર્વ મિત્રો દૂર કરવા માંડ્યા; પુત્ર તેમની સાથે છાનાં સંકેતસ્થાનમાં મળવા અને પિતાને છેતરવા લાગ્યો. વિષયમાં અસાધ્ય રોગાદિનો ભય હોય છે તેનાં દષ્ટાંત પુત્ર પ્રત્યક્ષ કરે એવી યુક્તિઓ પિતાએ રચી અને પોતાનું દૃષ્ટાંત પણ તે સમજી જાય એવું કર્યું. આ મહાભય પ્રત્યક્ષ થવા છતાં તે ભય વિષયથી અંજાયલી આંખોમાંનું ભૂત ક્‌હાડી ન શકયું. વિષય નહી તજાય તો નોકરી જશે, ફોજદારી કામ ચાલશે, પ્રતિષ્ઠા જશે, કમોતે મરવાનું આવશે, આખા કુળને લાંછન લાગશે – ઇત્યાદિ હજાર ભય દેખાડ્યાં પણ વિષયાંધ તે જોઇ શકયો નહી. માનચતુર એની પાછળ ખતરવટ થઇ લાગ્યો. એની પાસે જનારી સ્ત્રિયો રોગીલી છે એવા અપવાદ ઉત્પન્ન કરવા લાગ્યો, એ સ્ત્રિયોના પતિયોએ મારા મુક્યા છે એવો શબ્દ એને કાને જાય એવી યુક્તિયો કરવા લાગ્યો, પોતે જ પુત્રની પાછળ લુચ્ચા માણસોને મોકલતો અને અમુક સ્ત્રીના પતિએ તને મારવા અમને મોકલ્યા છે એવું તે માણસો પાસે ક્‌હેવરાવતો અને તે માણસો હથિયારબંધ રાતની વખતે તેની પાછળ દોડે – તેના સુવાના ઓરડા સુધી જાય – અને આખરે કાંઇ અકસ્માતથી ન ફાવ્યા હોય અને પાછા ફર્યા હોય એમ પાછા ફરતા. માનચતુર દીકરાને ધમકાવે અને ગાળે દેઈ ક્‌હે કે “ઓ કમજાત, ક્યાં ત્હારું મોત ભમે છે કે હજી સમજતો નથી ?” ગાનચતુર આખરે કાયર કાયર બની ગયો, તેની વિષયવાસના રાતદિવસના નિરંતર અને અત્યંત ભયને બળે શાંત થઇ ગઇ દેખાઇ, અને માનચતુર પોતાની બુદ્ધિને સફળ થઇ માનવા લાગ્યો. નોકરી ગઇ તેની સાથે ગાનચતુરને ખરેખરી સાન આવી. શરીર નિર્બળ અને ક્ષીણ થવાથી વિષયશક્તિ ઓછી થઇ, અને નાનાભાઇને ઘેર ર્‌હેવામાં પરવશપણું લાગવા માંડ્યું તેના કંટાળામાં તે ધીમે ધીમે વિષયવાસના પણ દૂર થયા જેવી થઇ. તે છતાં મનની સ્વાભાવિક નિર્બળતાએ ગોથું ખવરાવ્યું, મરી ગયેલા સંસ્કાર પ્રસંગ આવ્યે પાછા જાગ્યા, અને મરી ગયેલા વડીલ ભાઇની અનાથ સ્ત્રીને ઓળખવા સરખું ભાન ન રહ્યું. ગુણસુંદરીને ખભે અધીરાઇએ હાથ મુકાવ્યો એ ભુલથી તો હદ વળી ગઇ. ઘરનાં સર્વ માણસો ન જાણવાની વાત જાણી ગયાં અને પિતાના ધૈર્યે મર્યાદા મુકી એટલે સુધી વાત આવી ગઇ, અધુરામાં પુરું સ્ત્રીએ છાજિયાં લેઇ પુષ્પવૃષ્ટિ કરી એતો મરણપ્રસંગે મ્હેણાં ખમવાનું થયું. ગાનચતુર એકલો પડ્યો તેની સાથે તેના મનમાં એમ જ થયું કે આના કરતાં મરવું સારું. કમાવાની શક્તિ નહી, અને સ્ત્રી સુદ્ધાંત ઘરનાં સર્વ માણસ પરાયાં થઇ ગયાં. હવે કોઇ મ્હારું નથી,- હવે કોઇને શું મ્હોં દેખાડું? – હવે કોઇને મ્હારું શું કામ છે? – આવા અનેક વિચારના પશ્ચાત્તાપે ગાનચતુરનું મગજ ભમાવી દીધું. એકાંત મેડીમાં બપોરના બે વાગ્યાથી, તે મોડી રાત સુધી એકલો ખાટલામાં ને ખાટલામાં બેસી રહ્યો, અધુરામાં પુરું દીવો કરવાનું પણ આજ સઉ ભુલી ગયાં, ખાવાનું ન હતું તેથી ખબર લેવા પણ કોઇ આવ્યું નહી તે જાણી જોઇને ન આવ્યું હોય એમ લાગ્યું, અને દીવા વગરની અંધારી રાતે શૂન્ય એકાંત મેડીમાં કલાકના કલાક થયાં એકલા બેઠેલા ગાનચતુરને મનમાં એમ જ થયું કે આ અંધારામાં જનોઇ વડે ફાંસો ખાઈ મરું. ફાંસો ખાવા બે ચાર વાર જનોઇ ગળે વીંટી ખેંચવા માંડયું, પણ પુરું ખેંચતાં જીવ ન ચાલ્યો જીવ ચાલશે એવું અમસ્તુ મનમાં લાગ્યું ત્યાં બ્હારની મેડીમાં સામી ભીંત ઉપર દીવાના અજવાળાની ચોખંડી ચાદરના છેડા જેવું કાંઇ પથરાયું, અજવાળું વધવા લાગ્યું અને બે માણસના પગનો ઘસારો પણ સંભળાયો.

એ આવનાર કોણ હતાં અને શા વાસ્તે આવ્યાં હતાં?

ગાનચતુરને ધમકાવી માનચતુર પાછો ફર્યો અને નિદ્રાવશ થયો અને ત્યારપછી રાત્રે ઘરના સર્વ સ્ત્રીમંડળમાં આનંદ વ્યાપી ગયો અને આ કુટુંબમાં માત્ર ગાનચતુર શીવાય સર્વ મંડળ ગઇ ગુજરી ભુલી ગયું લાગ્યું તે આપણે જોયું છે. તે દિવસ રાતને પ્હેલે પ્હોરે માનચતુર પાસે ધર્મલક્ષ્મી આવી બેઠી અને ડોસોડોસી વાતો કરવા લાગ્યાં, અને ચોકમાં બેઠાં બેઠાં ગુણસુંદરી, ચંડિકા વગેરે સર્વ પોતાની વાતો કરતાં કરતાં વચ્ચે વચ્ચે આ વાત પણ સાંભળતાં હતાં.

ડોસીએ ચિંતાતુર મ્હોંયે ડોસાને ગાનચતુર બાબત શું ધાર્યું અને આજ આ શી નવાજુની થઇ તે પુછયું, બધા સમાચાર કહી ડેાસો આખરે જરા મ્હોટે સ્વરે અકળાઇને બોલ્યો “ હવે એ મ્હારાથી સુધરે એમ નથી ને સુધરે ત્હોયે મહારે એને સુધારવો નથી. હું તો હવે કંટાળી ગયો. એનાં પ્રાણ અને પ્રકૃતિ સાથે જવાનાં છે. હવે તો એને એની બાયડી સુધારે ત્યારે. બાયડી બગડે તે ભાયડાને વાંકે, ને ભાયડો બગડે તે બાયડીને વાંકે. બીજો કશો વાંક ન હોય તો પણ એક બીજાને સુધારે નહી એ પણ એક વાંક. હું કાંઇ જન્મારો પ્હોચવાનો નથી અને એને આત્મજ્ઞાન થવાનું નથી કે જાતે સુધરે. આપણે શું ? એ નહીં સુધરે તો એની બાયડીને ભારે પડશે; માટે એને સુધારતાં આવડે તો એની બાયડી સુધારે, ન આવડે તો ભેાગ એ બેના. ભાઇભાભી સારાં છે તે નભાવે છે ને નભાવશે પણ એ કાંઇ જન્મારો પ્હોચશે ? ત્હેં મને સુધાર્યો તો એને એની બાયડી સુધારે; નીકર પડે બે જણ ખાડામાં !” આટલું બોલી ડોસો શાંત થઇ ગયો અને એને વધારે ઉશ્કેરાવા ન દેવો ઠીક જાણીડોશી બ્હાર આવી.

ચંડિકા બ્હાર વાતો કરતી હતી તેણે આ સઉ સાંભળ્યું, અને એનું હૈયું ભરાઇ આવ્યું. એની બુદ્ધિમાં જરીક જડતા હતી તે છતાં પતિને પરસ્ત્રીપર નજર કરતો જોઇ એને સ્વાભાવિક ઈર્ષ્યા આવતી. આવી ઈર્ષ્યા આણવાના પ્રસંગ ધર્મલક્ષ્મીની પેઠે એને પણ ન્હાનપણમાંથી આવ્યા હતા, પરંતુ સાસુની ક્ષમાનો લેશ પણ એનામાં ન હતો અને ઈર્ષ્યાભરેલો જન્મારો ગાળવાથી એનો સ્વભાવ ચ્હીડિયો થઇ ગયો હતો અને ધીમે ધીમે સઉ ઉપર ઈર્ષ્યા આણવાનો અને ક્રોધે ભરાવાનો એને સ્વભાવ પડી ગયો હતો. જ્યારે એના હૃદયપર ઈર્ષ્યાનો હુમલો થતો તે વખત એ સમજતી કે મ્હારામાં આટલી અદેખાઇ આવી છે પણ એ હુમલાના સામા થઇ તેને અટકાવવાની એનામાં શક્તિ ન્હોતી, જેમ સુંદરગૌરી પર ગુણસુંદરીની મા કૃપા જોઇ અદેખાઇ આવતી, તેમ પોતે ઘરબારવગરની અને ગુણસુંદરી ઘરબારવાળી અને એનો પતિ આવો સારો અને એને પતિતરફનું આટલું સુખ અને પોતાને તેમાંનું કાંઇ નથી એ જોઇ ચંડિકા અંતર્માંથી દાઝતી, એકાંતમાં છાતી કુટી નાંખતી, ગાનચતુરને ગાળો દેતી, છોકરાંને મારતી, ગુણસુંદરીને કામમાં ન લાગતી, એના કામમાં કંઇ પણ હરકત પડી જોઇ રાજી થતી, કોઇના ઠપકા ન ગણકારતી, સસરો ગુણસુંદરીનાં વખાણ કરે ત્યારે મ્હોં મરડતી; ગુણસુંદરી સાસુનું કામ કરે ત્યારે એને માનીતી થનારી ગણી એના ચાળા પાડતી, અને માત્ર પોતાના કરતાં વધારે અભાગણી નણંદની અદેખાઇ કરતી નહી - કારણ તેમનામાં અદેખાઇ કરવા જેવું કાંઇ ન્હોતું, અધુરામાં પુરું આ સઉ દુર્ભાગ્યનું કારણ પણ પોતે જ છે એવું વચન સસરાના મુખમાંથી નીકળતું સાંભળી , એનો મીજાજ એના હાથમાં રહ્યો નહી. આનંદની વાત કરતાં કરતાં પોતાનો વાંક નીકળતો જોઇ એકદમ અત્યંત ક્રોધ ચ્હડ્યો. સસરાને સામો ઉત્તર દેવાની ગુંજાશ ન હોવાથી ક્રોધ સફળ કરી ન શકી, અને કંઇ ન ચાલતાં ગુણસુંદરી બેઠી હતી તેની પાસે અચિંતી રોઇ પડી અને રોતી રોતી બોલી: “જોયું, ભાભી ? આ પણ મ્હારો વાંક ! હું તે રાંડ શું કરૂં? બીજાની કટેવ તે તે હું શી રીતે સુધારું ? મ્હેં કંઇ કર્યું હોય તો તો ક્‌હેતા યે ભલા ! આ તે મ્હારી દયા આણવી જોઇયે કે બીચારી શું કરે? - તે તો રહ્યું, પણ તેને સાટે હું જ નઠારી ! ઠીક, બાપા, જે ક્‌હેવું હોય તે ક્‌હો. મ્હારું જ પ્રારબ્ધ ફુટેલું ને તમારા ઘરમાં આવી એટલે તમારો વાંક હોય ત્હોયે મ્હારો જ વાંક ! ખરુંસ્તો ! હું રાંડ શે મોઇ નહી?"

ચતુર ગુણસુંદરી જેઠાણીને પોતાની કરી લેવાનો આ પ્રસંગ ચેતી ગઇ. અનુભવી સસરાનું વાક્ય ખરું હતું તે સમજતાં એને વાર ન લાગી, પણ મનમાં વિચાર કર્યો કે ચંડિકાને મ્હોંયે એનો વાંક ક્‌હાડીશું તો એ કોઇ દિવસ નહી સમજે અને સસરાને છોડીને મ્હારા ઉપર કટક ચ્હડશે. પણ આજ સુધી જુદી ને જુદી ર્‌હેતી જેઠાણી આજ પોતાની મેળે મ્હારી પાસે રોઇ પડેછે અને પોતાનું હૈયું ઉઘાડી સલાહ પુછે છે ત્યારે એવો પ્રસંગ તે મને ક્યાં મળવાનો હતો? – આમ ગુણસુંદરી પોતાના મનમાં બોલી, અને જેઠાણીને શાંત કરવા મંડી ગઇ.

“હશે, છાનાં ર્‌હો, રોશો નહી, શું કરિયે? વડીલ છે તે ઘડી બોલે. તમારું દુ:ખ ખરું છે – બાયડીઓના મનની વાત ભાયડાઓથી શી રીતે સમજાય?” આ શાંત મંગળાચરણથી આરંભાયલી વાતો કલાકેક પ્હોચી. ગુણાસુંદરીએ ચંડિકાના મનની સઉ વાત ધીમે ધીમે ક્‌હડાવી અને એની વાતો સાંભળી એટલે સંભળાવનારાની સાંભળનારી પર પ્રીતિ થઇ. પ્રસંગ આવ્યે ન્હાના ઉપાયથી આ મ્હોટું કામ થયું. આખરે ગુણસંદરીએ સઉ દુઃખમાંથી છુટવાનો ઉપાય બતાવ્યો અને ઈર્ષ્યાને ઠેકાણે પ્રીતિનો સંગ્રહ કરનારીએ તે સાંભળ્યો. ગુણસુંદરી બોલી; – “જુવો, મ્હોટાભાઇનો સ્વભાવ પડ્યો તેનું ઓસડ કરવાનું “તમારા હાથમાં છે તે બતાવું. તમારે બધી બાબતમાં એમની મરજી ઉપાડી લેવી; એમનો સ્વભાવ તો જાણો છો એટલે વખત આવ્યે ચેતી જવું કે – હં, આ વખત એનું મન આ વાતમાં છે. એમને હાથમાં લેવા અને આંગળીને ટેરવે રમાડવા એ તમને ન આવડે એવું નથી. આપણે એમની મરજી ઉપાડી એટલે એ તમારા દાસ થયા સમજવા !”

ચંડિકા તબડકો કરી ગાજી ઉઠી: “ ના, આપણાથી નહી બને ! એને તો એવું જોઇયે કે રાંડો મુડકાઓ શંખણીઓ ઉપર એ નજર કરે ને હું બોલું નહી ! આપણાથી એ નહી થાય – ચોખી ના !”

“તમે ઉકળો છો શું કરવાને ? એ રાંડોનો તે પગ જ કાપવો. હું તો એવો રસ્તો બતાવું છું કે એ કોઇના ઉપર નજર જ ન કરે ને એક તમને જ દેખી ર્‌હે.”

“એ તો આવતે અવતાર થશે.”

“ના, એ બધાં જે રીતે એનું મન રાખે તે રીતે તમારે રાખવું ને કોઇના ઉપર એને નજર નાંખવા સરખો વારો પણ ન આવે એટલા કબજામાં રાખવા.”

“હું એને કબજામાં રાખવા જાઉ એટલે તો ધડાધડ થઇ સમજવી.”

“ના, એમ શું કરવા થાય ? આપણે એવાં શાણી બગલી જેવાં થઇ વાત કરિયે કે આપણે ઉકળિયે ત્યારે એ ઉકળેકની ? આપણે ગોળ ખાધા સાથે કામ રાખવું, જે ક્‌હે તેની હાયે હા ભણિયે ને હળવે હળવે બધું કામ ક્‌હાડી લઇયે.”

“એ તો મને કંઇ ન આવડે.”

“અરે, મ્હારાં ચતુર ભાભીજી, તમને ન આવડે એમ તે હોય?” એમ કહી ગુણસુંદરી હસી પડી, ચંડિકા પોતાનું વખાણ સાંભળી ખુશી થઇ ગઇ, અને હસાવી પટાવી ગુણસુંદરી એને મેડીઉપર લેઇ ગઇ. દીવો લેઇ આ બે જણ ઉપર આવ્યાં અને ગાનચતુર આપઘાત કરતા અટક્યો. ત્રણ જણે કલાક બે કલાક એકઠાં બેસી ગપાટા માર્યા, શાણી ગુણસુંદરીએ જેઠાણીને મ્હોટું પદ આપ્યું અને પોતે તેની તાબેદાર હોય તેમ વર્તવા લાગી. જેઠની ભુલ પોતાને વસી જ ન હોય – જેમ માને દીકરાની ભુલ ન વસે – તેમ પોતાને થયું હોય એવો દેખાવ ધારણ કર્યો, અને આજના એક કલાકમાં ગુણિયલના ગુણે જેઠાણીનું ઝેર ઉતાર્યું હોય તેમ દ્વેષ ઉતારી દીધો અને તેની સહી જેવી બની ગઇ, અને થોડીવાર ઉપર જે જેઠને આખા ઘરમાં પોતાનું કોઇ માણસ જડતું ન હતું તેને મન ન્હાની ભાભી મા જેવી વત્સલ વસી. સઉને આનંદમાં નાંખી ગુણસુંદરી પ્રફુલ્લ મનથી નીચે ગઇ. મધ્યરાત્રિ થવા આવી હતી, ઘરમાં સઉ સુઇ ગયાં હતાં, પોતાની ગજાર આગળ ઉમ્મરનું અશીકું કરી સુંદરગૌરી જમીન ઉપર ઉંઘી ગઇ હતી તેને ઉઠાડી, ઠેકાણે સુવાડી, અને ગુણસુંદરી, પોતાના ખાટલામાં જઇ સુતી. સુતી, પણ ઉંઘ ન આવી. કાલ એને સૂતક ઉતારવાનું હતું અને હવેથી ઘરની વ્યવસ્થા કેવી રીતે રાખવી, બ્હોળા કુટુંબને શી રીતે આનંદમાં રાખવું, પતિના મનને શી રીતે ખરેખરો આનંદ આપવો, વગેરે વિચારમાં ઉંઘ ન આવી ને વિચાર ઉપર વિચાર આવવા લાગ્યા. બાર વાગ્યા, એક વાગ્યો, બેના ટકોરા થયા, પણ આંખમાં ઉંઘ ન મળે !

“હે ઈશ્વર ! આ મહાસાગરમાં તરવાનો કોઇ માર્ગ સુઝાડ. હું પ્હોર એમ જાણતી હતી કે ઘરમાં જેમ માણસનો ભરાવો તેમ બધાંને એકઠાં ર્‌હેવાનો લ્હાવો. પણ આ તો લ્હાવો નથી – લ્હાળો છે. સઉના જુદાં જુદાં મન – સઉના જુદા જુદા રંગ – સઉને જુદી જુદી મ્હોટી ઝાડ જેવી કટેવો – અને એ કટેવો ન વેઠાય તો આપણે સઉને મન ભુંડાં – પછી આપણા મનમાં ગમે તેવી પ્રીતિ હો. સઉનાં મન સાચવવા જતાં આપણું કોઈ નહી – ધોબીનો કુતરો ન ઘરનો ને ન ઘાટનો – એવી હું – એ જોઇ લીધું. સંસારસાગર વસમો ક્‌હેવાય છે તે અમસ્તું નથી ક્‌હેવાતું. મને બધી જાતના અનુભવ થઇ ગયા અને હજી કોણ જાણે શું શું બાકી હશે ? આ સસરા – આ સાસુ – આ નણંદો - આ જેઠ – ને આ જેઠાણી: સઉમાં અક્‌કેકો ગુણ અને અક્‌કેકો અવગુણ. આ સુંદર નીરાંતે ઉંઘે છે – ઉંઘ, બ્હેન, ઉંધ – મ્હારા કરતાં તું સુખી છે - ત્હારે એક ત્હારી જાતની ચિંતા - બીજા કોઇની નહી. મ્હારે બધાંની ચિંતા. આ છોકરી વળી મ્હોટી થશે ને કોણ જાણે શી શી ચિંતા કરાવશે ? પણ ઓ મ્હારા ચતુર, તમારે તો મ્હારા કરતાં પણ વધારે ચિંતા છે, મ્હારાથી તમારી ચિંતા તો થઇ શકતી નથી – તમારી ચિંતામાં ભાગ લેવાય એ મ્હારાથી બનતું નથી. અરેરે! આજ એમનું મ્હોં કેવું લેવાઈ ગયું? મ્હારા એક શબ્દ ઉપરથી એમનું મ્હો લેવાઈ ગયું. હસતા હસતા આનંદમાં ઘડી ગાળવા આવ્યા તે ઉતરી ગયેલે મ્હોંયે પાછા ગયા. કોણ જાણે એમને શા શા વિચાર થઇ આવ્યા હશે ? મ્હેં ભુંડીએ પુછ્યું સરખું નહી. શું પુછવાનું હતું ? ઉઘાડી જ વાત છે સ્તો ! આ બધા કુટુંબની એમને ચિંતા છે – બોલતા નથી, પણ આંખો છે તે જોયા વગર ર્‌હેતા હશે કે કાન છે તે સાંભળ્યા વગર ર્‌હેતા હશે ? મ્હારી પણ એમને ચિંતા ! ને કમાઇ ટુંકી ને ખરચ મ્હોટું ! આ બધી ચિંતા મટે તો પછી એમની ચિંતા ઘટે ! એટલું સરખું મ્હારાથી નહી થાય તો પછી હું શા કામની ?”

“વડીલનો સ્વભાવ આકળો છે, વિવાહનું વર્ષી કરી મુકે છે – બાકી આ આખા ઘરમાં મ્હારી દયા જાણનાર એમના વગર બીજું કોણ છે ? દયા જણાવીને શું કામ છે? મ્હારે શાલપામરી એાછાં જ હોડવાં છે; જે કરવું તે परमेश्वरप्रीत्यर्थम् ! મ્હારા ચતુરનું કુટુંબ તે મ્હારું કુટુંબ ! ગમે તેવું પણ એમનાથી પોતાનું કુટુંબ કાંઇ ક્‌હાડી નંખાવાનું છે ? માટે એમનું તે મ્હારું ! મ્હારી ચિંતા તો વડીલ કરશે – એ પોતે કરશે – પણ એમની ચિંતા હું શી કરવાની હતી ? અત્યારે કેટલી કેટલી ચિંતા કરી થાક્યા પાક્યા સુતા હશે ?”

“ખરે ! આકળો સ્વભાવ માણસને રાક્ષસ જેવું કરી મુકે છે ! ચંડિકા ભાભીએ આકળપણમાં સુંદરભાભીને કચરી નાંખ્યાં ને જેઠને શાંત કરી દીધા ! અરેરે ! એનો યે શો વાંક ક્‌હાડિયે ? આવા ધણીથી એને કેટલું દુઃખ? એની આંખો અને એની છાતી કેમ કહ્યું કરે ? જેઠને પણ હદ છે કેવું કામાંધ માણસ ! શી લંપટતા? શી નિર્બળતા ? હવે કેટલા પસ્તાતા હશે ? કેટલી શિક્ષા ખમી ? કેટલી શિક્ષા ખમશે ? કામવિકાર બહુ નઠારો પદાર્થ છે એમાં કાંઇ વાંધો નહી – એના આગળ માણસનું જોર જખ મારે છે. ઓ મ્હારા ચતુર ! જયાં ત્યાં એક ઘડીજ એકલાં હતાં કની ? ખરે ! સુવાવડમાં વિયોગ પાળવા એ લોકાચાર ખોટો તો નહી, પાણીથી ભરેલું વાદળું એકલું ગાજીને શાંત નથી થતું તેમ એકાંત મળી એટલે એકલી વાતોથી જંપ નથી વળતો !”

“સર્વથા વિકારમાત્ર ખોટા છે – પછી તે કામ હો કે ક્રોધ હો કે બીજો ગમે તે વિકાર હો ! વિકારનું બળ ફાવે એટલે માણસ માણસ મટી પશુ થઇ જાય છે અને પોતાનો કે પારકો સ્વાર્થ કે પરમાર્થ કાંઇ સુઝતો નથી અને માણસ કેવળ આંધળું ભીંત થઇ જાય છે. નીકર સુંદર કોણ છે તે જેઠને ન સુઝે ? બીચારી સુંદરની અવસ્થા મ્હારા કરતાં સોગણી ભુંડી. એ શું કાંઈ માણસમાં નથી ? એને શું ન જોઇયે ?– પણ ઈશ્વરે આપેલું લેઇ લીધું ! એના કરતાં - અને બે નણંદો કરતાં પણ મ્હારાપર ઈશ્વરની કૃપા છે - નીકર, ઓ મ્હારા ચતુર – તમારા વિના –”

“તમારા વિના” એ અપશકુનભરેલો શબ્દ – અપશકુનભરેલો વિચાર – કેમ સુઝયો ? હવે શું થવાનું હશે ? એ શબ્દ ખરા પડે તો સંસાર કેવો સુનો થઇ જાય – મ્હારા ચતુર વિના તે કેમ જીવાય ? એવા દિવસ શી રીતે ગાળ્યા જાય?” આ અને આવા આવા અનેક પ્રશ્નો મનમાં પુછતી પુછતી, સાહસરાય જીવતો છતાં તેના વગરની દુઃખબાનો સ્વભાવ આવો હોય તેમાં શી નવાઇ ? – એ વાતનો પોતાની અત્યારની સ્થિતિથી અનુભવ કર્યો જેવું કરતી, “હું મરી ગઇ હત તો મ્હારા ચતુરની કેવી વ્હલે થાત?” એ કલ્પનાનો ચીતાર આંખ આગળ ખડો કરતી, પોતે મરી ગઇ હોય અને વિદ્યાચતુર એકલો જીવતો હોય તો આ ઘર એને કેવું શૂન્ય લાગે – એવા એવા અનેક વિચાર કરતી કરતી, ગુણસુંદરી આંસુથી છલકાતી ચ્હોટતી આંખો મીંચવા લાગી, અને પોતાની છાતીના દુધ સાથે છાતીમાંના શોકમય ચિંતામય વિચાર પણ બાળક કુમુદસુંદરીને ધવરાવતી હોય તેમ તેને છાતી સરસી રાખી કલાંઠી વાળી પોતે જ ખાટલાની એક ઇસ હોય તેમ ઇસ ભેગી લપાઇ જઇ નિદ્રાવશ થઇ ગઇ અને નિદ્રામાં ને નિદ્રામાં થોડી થોડી વારે લવતી હતી અને ઓઠમાં ને ઓઠમાં રોતી હતી.

રાત્રિ વેગભરી ચાલી જવા લાગી. વિદ્યાચતુરના ઘરમાં જુદી જુદી સ્થિતિમાં પડેલાં સઉ માણસોને નિદ્રારૂપી એક અવસ્થાએ ઝડપી લીધાં અને એક પછી બીજી એમ બધી ઘડિયો શાંત અને એકાંત અંધકારનાં પગલાં પેઠે ભરાવા લાગી. અંતે રાત્રિની ભરજુવાની પુરી થઇ હોય એમ પાછલી રાત જણાઇ, વૃદ્ધાવસ્થાપેઠે ઝાકળ આખા જગતને શીતળ કરી રહ્યું અને વ્હેલી ઉઠનારી ગુણસુંદરીની આંખ પાછી ઉઘડી ગઇ અને તે ઉઠી બેઠી થઇ. કોઇનો શબ્દ સરખો સંભળાતો ન હતો અને આંખ માત્ર એકલા બળતા દીવા સામું જોઈ રહી. રાત્રે કરેલી ચિંતા બીજે રૂપે સ્ફુરવા લાગી. આજ ન્હાવાનું હતું, હવેથી ઘરની લગામ પાછી પોતાના હાથમાં લેવાની હતી, અને થયેલા અનુભવનું ફળ શી રીતે લેવું તેનો વિચાર ગૃહિણી એકલી એકલી ઉત્સાહ ભરી કરવા લાગી. ટુંકામાં બધો વિચાર થઇ ગયો.

“શો વિચાર કરવાનો હતો જે? એ તો છેસ્તો – બધું માથે ઉપાડી લેવું ઉપરથી બધો સામન જાતે લેઇ આવવો કે સુંદરને જવું ન પડે ને જેઠનું મ્હોં જોવું ન પડે. ઘડી ઘડી ઉપરથી આણવો પડે તે સામન નીચે આણી મુકવો, કોઇની પાસે માગવું ન પડે એમ પ્હેલેથીજ સામન લેઇ રસોઇ હાથે કરી નાંખવી, ને પીરસનારી તો રાણી ક્‌હેવાય માટે તે કામ વખતે બીજા કોઇને આગળ કરવું, સઉ જમે એટલા વખતમાં પરચુરણ કામ કરી લેવું. રસોઇ કરતી વખત મ્હોંનું કામ શું? ઘરનાં છોકરાંને અને ચાકરોને સૂચનાઓ પણ તે વખતમાં આપી દેવી! આ બાળકની સંભાળ સુંદર રાખશે ને ખુશી થશે. જમ્યા પછી કલાક સુવું - શરીરની સંભાળ રાખીશું તો બધાંને કામ લાગીશું, દુ:ખબા બ્હેન પેઠે ઓછું આણિયે ને જન્મારાનાં દુખિયારાં થઇએ તેમાં શું વળ્યું? ઉંધી ઉઠી મુકેલો અભ્યાસ પાછો તાજો કરવો – કે મ્હારા ચતુરનું મન તે જોઇ આનંદમાં ર્‌હે. તે પુરો કરી ઘરનાં છોકરાંને લેઇ અર્ધો કલાક દેવદર્શન જઇ આવવું કે ખાધેલું પચે ને પગ છુટે ર્‌હે, ત્યાંથી આવી વાળુની તયારી વ્હેલી વ્હેલી કરી લેવી અને રાત્રે ઘરમાં સઉની સાથે ધડી બેશી – પછી હું ને મ્હારો ચતુર !” આજસુધી વિચાર નહોતો કર્યો તે કાંઇ સુઝયું ન હતું – આજ વિચાર કર્યો તો તરત રસ્તો સુઝ્યો. વિચાર કરવાનું પણ સાંભરવું જોઇયે છે.

કામ કેમ થોડું કરી નાંખવું, કોઇના ઉપર આધાર રાખ્યા વિના કેમ કામ નભી શકે, મ્હોટું મન કેમ રાખવું, વગેરે સમજી લેઇ એ સમજણના કાર્યગ્રાહી ગુણો ધારણ કરી કામમાં પડેલી ગુણસુંદરીએ ઉદ્યોગ અને આગ્રહથી ઘરકામનું વહાણ ઝડપબંધ આગળ ધપાવ્યું. પોતાની શાંતિ અને ક્ષમાથી સઉનાં મ્હોં શીવી દીધાં. એનું મ્હોટું મન દેખી પારકાંનાં મનમાંની અદેખાઈ શરમાઈ સંતાઈ ગઇ અને ભુખમરાથી મરી ગઇ, એના વ્હાલ આગળ આખું કુટુંબ એને વશ થઇ ગયું. એણે સર્વને સ્વતંત્રતા આપી અને જાતે પરતંત્રપણું સ્વીકાર્યું ત્યારે સઉ એના ગુણ આગળ પરતંત્ર થઈ ગયાં અને એ પોતે સઉની ઉપરી જેવી બની. આ સર્વ દેખી વિદ્યાચતુર સ્વસ્થ થયો, અને પોતે એકલો હતો ત્યારે જે સુખ ભોગવતો હતો તે જ સુખ આજ દઇ શકનારી પોતાની ગુણિયલ ઉપર વ્હાલ આવતાં ક્‌હેતો હતો કે આનું નામ તે प्रभुता रमणेषु योषिताम् !

ઘરના કામમાં વખતની વ્હેંચણી કરી નાંખી બધું કામ જાતે ઉપાડી લીધું એટલાથી ગુણસુંદરીના ધર્મકર્મની સમાપ્તિ ન થઇ. એ તો કોઇને કંઇ ક્‌હેવું ન પડે અને કોઇની આશા રાખવી ન પડે અને ઘરનું ગાડું ચાલ્યાં જાય એટલા જ ફળનું સાધક હતું, પરંતુ પરદુ:ખભંજન થવું અને સર્વ કુટુંબનાં અંતર્દુ:ખ જાણી લેઇ તેનો ઉપાય કરવો એ પુરુષકાર્ય પણ ગુણસુંદરીએ માથે લેઇ લીધું. સર્વની દાસી થઇ સર્વને દાસ કરી લેવાં, સર્વનાં મન રંજન કરવાં, સર્વનાં હૃદયને ઉચ્ચમાર્ગે ચ્હડાવવાં, એ કામ કરવાનું પણ ગૃહિણીએ ઇચ્છ્યું. પતિનું દ્રવ્ય ઓછું વરે અને કુટુંબનું હિત થાય એવું મનોયત્ન ગૃહપંડિતાએ સાધવા માંડયું.

દિવસે પોતાના અભ્યાસમાં રામાયણ ભારત અને એવાં પુસ્તકોનો સમાસ કરી રાત્રે કુટુંબસાથે ઘડી વાર્તાવિનોદનો સમય આવે ત્યારે કુટુંબકથા અને લોકનિન્દાના વિષયને ધીમે ધીમે દેશપાર કર્યો અને તેને સ્થળે સર્વજ્ઞ જેવા સર્વ સંસારના પંડિત વાલ્મીકિ અને વ્યાસની રસિક ચતુર કથાના પ્રસંગો ક્‌હાડી ગુણસુંદરીએ સર્વનાં મન હરણ કરી લીધાં અને સર્વને આ લોક અને પરલોકનાં અવલોચક કર્યાં. આમ ગુરુ જેવી બનેલી ગુણસુંદરી કુટુંબમાં બહુમાન પામી. ધીમે ધીમે એવો પ્રસંગ આવ્યો કે એના મનને ખેદ થાય એવું કરતાં બોલતાં સર્વ કોઇ આંચકો ખાવા લાગ્યું, અને બીજાં માણસ આજ્ઞા કરી – ક્રોધ કરી – કપટ કરી - બલાત્કાર કરી - શિક્ષા કરી – જે કામ નથી કરાવી શકતાં એ કામ ગુણસુંદરીનો એક કોમળ શબ્દ કરાવી શકતો. એની ઇચ્છાથી ઉલટું કામ કરતાં સઉ કોઇ મનમાંથી ખેદ પામતું અને શરમાઇ જતું અને પારકાનો ઠપકો અવશ્ય પામતું.

ગાનચતુર નોકરીવિનાનો હતો અને અપકીર્તિ પામી નોકરી ખોઇ બેઠો હતો તેનું શું કરવું તે વિદ્યાચતુરને સુઝતું ન હતું અને જ્યાં કંઇ માર્ગ સુઝતો અને પ્રયત્ન કરતો ત્યાં ગાનચતુરને કર્મે નિષ્ફળતા જ થતી. ઘણી વખત એણે જરાશંકરને કહ્યું અને જરાશંકરને બે ભાણેજ સરખા હોવા છતાં ગાનચતુરના દુર્ગુણોથી કંટાળી આવ્યો હતો, અને વિદ્યાચતુર પોતાના ભાઇની વાત ક્‌હાડે એટલે મામો એમજ ક્‌હેતો કે “બાપુ, મલ્લરાજ જેવા મહારાજના રાજ્યમાં નોકરોએ તરવારની ધાર ઉપર ચાલવું પડે છે અને આ ત્હારા ભાઇના ગુણ આપણા સર્વનો રોટલો ટાળે એવા છે - માટે વધારે સારું એ છે કે એને ખાવાપીવાનું ત્હારા પગારમાંથી જ આપવું એટલે આપણા બધાનું ખાવાપીવાનું એ ર્‌હે ને પગાર પણ ચાલતો ર્‌હે. હવે થોડાં વરસમાં એ વૃદ્ધમાં ખપશે - ત્હારે બાપે “પેન્શન” લેઇ નોકરી છોડી - આણે પેન્શન ખોઇ નોકરી છોડી. એકને પાળે છે તો બીજાને પાળ. ”મામાનો આવો ઉત્તર વિદ્યાચતુર કોઇને જણાવી શકતો ન હતો અને ખરી વાત ન જાણે એટલે સઉને અસંતોષ સ્વાભાવિક રીતે એના પર જ ર્‌હેતો. પતિથી ન થયું એ કામ ઉપાડવા પત્નીએ પ્રયત્ન કર્યો.

એક દિવસ આ જ અર્થસારુ પોતે મામાને ઘેર ગઇ અને મામીને તૈયાર કરી મામાપાસે વાત ક્‌હાડી. જેની ભલામણ કરવા ભાભી આવે તે જોઇ મામાને એકવાર તો પુષ્કળ હસવું આવ્યું, અને પછી વિદ્યાચતુરને જે ઉત્તર દેવામાં આવતો હતો તે જ ગુણસુંદરીને આપ્યો. પુરુષ જે કહી શકતો ન હતો તે સ્ત્રીએ કહ્યું: “મામાજી, જો એ બધી વાત ખરી, પણ ન્હાનપણનું અજ્ઞાન મ્હોટ૫ણમાં અનુભવથી ખસે છે તેમ કુબુદ્ધિને અનુભવ ખસાડે છે. માણસ બારે માસ એક સરખું રહેતું નથી, નોકરી મળશે વાસ્તે કંઇ જેઠજેઠાણીને ઘરમાંથી જુદાં પડવા દેનારી હું નથી – પણ બગડેલું માણસ ધંધે વળગ્યાથી સુધરે છે તે આ તો સુધરેલાને સુધારવાનું છે. મામાજી, આપનાથી કાંઇ ખસાવાનું નથી – છોરું કછોરું થશે – માવેતરથી કમાવતર થવાવાનું છે?”

ભાણેજવહુનો આગ્રહ જોઇ જરાશંકરને વધારે હસવું આવ્યું: “બેટા, તું જેને “સર્ટીફીકટ” આપે છે તે ત્હારા ઉમંગનું છે પણ હું તે સ્વીકારતો નથી. એ સુધર્યો ન હોય તો સુધરે એવું તું માથે લે છે? – ચાલ, તું જામીન થાય તો હું વિચારું !”

ગુણસુંદરીએ તરત ઉત્તર દીધો : “થયું ? એટલુંજ કે ની ? એ તો હું માથે લઉછું. લ્યો ! પણ બોલ્યા છો તે પળજો.”

મામાથી ગુણસુંદરીને તરછેડાઇ નહી. થોડાક જ દિવસમાં રત્નનગરીમાં જ ગાનચતુરને યોગ્યતા પ્રમાણે નોકરી મળી અને આ નોકરી કેમ ન્હોતી મળતી અને કેમ મળી તે સઉ સમાચાર કેટલેક દિવસે પ્રસંગ આવ્યે મામીએ ગાનચતુરને ચંડિકાના દેખતાં કહ્યું. બે જણ મનમાંથી ગુણસુંદરીનાં દાસ થયાં, અને ભૂતકાલમાં ગુણસુંદરીને જાણ્યે અજાણ્યે દુભવવા જેવું કર્યું હશે તે સાંભરતાં ધણી ધણિયાણી બે જણ પસ્તાતાં. ગુણસુંદરીને ખભે ભુલથી હાથ મુકાઈ ગયો હતો એટલું સ્મરણ થતાં જ ગાનચતુર પૃથ્વીમાં પેસી જેવા જેટલું મનમાંથી શરમાતો. સુંદરની વાતમાં પોતાનું મન બગડયું હતું, તે વાત ગુણસુંદરીને કાને ગઇ જાણી એનો હલકો અભિપ્રાય થયો હશે તે મટાડવો એ ગાનચતુરે ગુરુકાર્ય ગણ્યું. કશાથી ન્હોતો સુધર્યો તે માણસ આખરે ગુણસુંદરી આગળ લજજાનો માર્યો સુધર્યો, એના ઉપર અને એની સ્ત્રીના ઉપર હજી વધારે ઉપકાર ગુણસુંદરીને હાથે થવો નિર્મેલો હતો.

ચંડિકા એક પ્રસંગે એમ ક્‌હેતી કે “મ્હારે તે ગુણસુંદરીનું શું કામ પડવાનું હતું?” કાળ બદલાયો અને એનાં છોકરાં સુદ્ધાંતની સંભાળ ગુણસુંદરીને કરવા વારો આવ્યો. ચંડિકાનો મ્હોટો દીકરો હરિપ્રસાદ સ્વભાવે સારો હતો પણ એની વહુ મનોહરી એનાથી મ્હોટી હતી. સસરાની નોકરી ગયા પછી મનોહરી પિયર ગઈ હતી. મનોહરી ઉલેર ઘાટની, બુદ્ધિશાળી, અને મદોન્મત્ત હતી. પતિ ન્હાનો અને ઓછી બુદ્ધિનો હતો. પતિના પ્હેલાં પોતાને જુવાની આવી હતી, અને જેમ પોતાને જુવાનીનો મદ આવેલો હતો તેમ જુવાન વર્ગના પુરુષોમાં પણ એના રૂપનું આકર્ષણ વધારે હતું, અને એના પ્રસિદ્ધ કજોડાને લીધે લંપટ માણસો એનો પ્રસંગ શોધવાથી ફાવીશું એવું ધારતા. મનોહરીના નામની લાવણીઓ જોડાઇ હતી, એનું નામ લોકની ભીંતોએ ચ્હડયું હતું, એ બ્હાર ફરવા જાય ત્યારે પવન એના કાનના પડદાસાથે બ્હાર થતી બીભત્સ વાતો અથડાવતો અને આંખો સામી પરપુરુષોની આંખોના ડોળા ફરતા. એ ગરબે ફરે ત્યારે આશપાશ લોકોનું ટોળું ભરાતું, એના ઉપર કાંકરા ઉડતા, અને પ્રસંગે અટકચાળી આંગળિયોથી એનું વસ્ત્ર સુદ્ધાત ખેંચાતું. એ એકલી બ્હાર નીકળી હોય તો રસ્તે જનાર એના સરશ્યો અડોઅડ થઇ ચાલ્યો જતો, અથવા એની પાછળ પાછળ આવતો, અથવા એના આગળ ચાલે અને પાછે મ્હોંયે એના સામું જુવે. મનોહરી આ સઉ ફજેતીથી કોક વાર અકળાતી, કોક વાર ડરતી, અને કોઈ વાર તો એવાં હજાર વાનાંને ઘોળી પીતી. એના ઉપર અને એના ધણી ઉપર લોકના ખરાખોટા નામવાળા અને નામવગરના જુદી જુદી મતલબના કાગળો આવતા. એ દેવદર્શન જાય તો મ્હોડાની, અને ભીડમાં હોય તો ગમે તેવી, એની મશ્કરી કરવા લોક ચુકતા નહી. એ નાતમાં જમવા જતી ત્યારે મિષે મિષે અથવા ઉઘાડે છોગે લોક એની વાત કરતા. કાળક્રમે એ નફટ થઇ અને એને કાંઇ લાગતું બંધ થઇ ગયું. લોકો વાતો કરતા તે ખોટું પણ ન હતું, ગામમાં કોઇ રંગીલો છેલ આવ્યો હોય તો એને મળ્યા વગર એ ર્‌હેતી નહીં. પોતાને માથે ધણી આવો હોય ત્યારે આવું હોય પણ ખરું ! – એમ એના મનમાં ર્‌હેતું. કોઇ વાર એવું પણ ઇચ્છતી કે “ક્યારે ધણી મ્હોટો થાય અને હું આ જંજાળમાંથી છુટું ?” ધણીને મ્હોંયે ગામની વાતો જતી, તે ચ્હીડાતો, વહુને મારતો, વહુ મારખાઉ થઇ ગઇ, કોઇક વખત તો સામી મારતી પણ્ ખરી, અને કોઈક વખત માર ખાતી ખાતી હસતી અને ક્‌હેતી કે “હા, મારો, મારો, મ્હેં માર ખાવા ધાર્યો છે તે ખાઇશ - બાકી હાથ ઉપાડું તો જાણો.”

ચંડિકા આ વહુથી ગાંડા જેવી થઇ ગઇ હતી. વહુને સુધારવા દીકરાના કાનમાં ભરાઇ લાખ વાતો કરતી અને લાખ ઉપાય ખરાખોટા બતાવતી. વહુ એમ જાણતી કે સાસુ વરના કાન ભરવે છે, એટલે વરના ક્‌હેવાની કાંઇ અસર થવાની હોય તો પણ ન થતી. કદીક તો ધણી મારે તે પોતાના જારને કહી દેતી અને તે લોક નિશાળમાં અથવા રસ્તામાં હરિપ્રસાદને મારતા અને એની પાસે કબુલ કરાવતા કે હવે મારીશ નહી.

આ વહુ પિયર ગઈ હતી ત્યાં સુધી ચંડિકા સુખી હતી. હવે એ પાછી વિદ્યાચતુરને ઘેર પણ આવી અને ચંડિકાને ત્રાસ પડ્યો કે “વળી શી નવાજુની થશે ?” એક દિવસ તો સઉ જમવા બેઠાં હતાં, માત્ર ગુણસુંદરી જમ્યાવિનાની પરસાળમાં કાંઇ કામ કરતી હતી, અને મનોહરી પરસાળની મેડિયે બાળક કુમુદસુંદરીને રમાડતી રમાડતી, એના ઘરમાં છચોક ઉઘાડે સ્વરે ગાતી ગાતી મ્હોટા મ્હોટા હીંચકા ખાતી હતી:

“જાય છે જાય છે જાય છે રે આ જુવાની ચાલી જાય છે !
”પાણીનો રેલો ને આભલાની હારો જેવી – જુવાની ચાલી જાયછે. ! ૧
“ન્હાનો નાવલિયો ને કજોડાની નારની – જુવાની૦
“પિયુ પરદેશ એવી રાંડી સમી માંડી તણી – જુવાની૦ ૨
“સાસુ સંતાપે ને માવડિયો કંથ, એની – જુવાની૦
“સધવા રુવે – રુવે વિધવાયે! એમ બેની – જુવાની૦” ૩

ગીત સાંભળી ચંડિકા જમતી જમતી અકળાઇ – પણ શું કરે ? બોલે તો રોકડો જવાબ આપે એવી વહુ હતી. બીજાં બધાં ગીત સાંભળી હસવા લાગ્યાં ને એક બીજાના મ્હોં સામું જોવા લાગ્યાં. કામ કરતું મુકી ગુણસુંદરી પરસાળમાં પળવાર ઉભી રહી હડપચીએ હાથ દેઇ પળવાર વિચારમાં પડી. મનોહરીએ હજી ચ્હડે એવું ગીત ગાવા માંડયું અને એ ગીતમાં હીંચકાની સાંકળોનું ગાયન ભળ્યું.

“જીરવાય નહી રે જીરવાય નહી ! માડી ! જુવાની આ જીરવાય નહી !
“સહિયર સમાણી મ્હારી ચમન કરે ને નીકળી પડે મ્હારી આંખોરે! માડી૦
“અદેખી નાર મને કરી કજોડે, મ્હારા ન્હાનડિયા કંથને કો ઝાંખો રે! મા૦૧
“વાયદો કર્યો ચાર વરસનો ઢુંકડો, થશે – જવાન એ – હું ઘરડી રે મા૦
“ઉછળે જુવાની, ના ડાટો દેવાય, વાળું મન હું મરડી મચરડી રે! મા૦” ૨

ચંડિકાથી સ્હેવાયું નહી, તે જમતી જમતી ઉઠી પરસાળમાં જઇ મેડીએ ચ્હડવા લાગી. ગુણસુંદરી એનો ગયેલો મીજાજ સમજી અને અટકાવીને પોતે મનોહરીને શીખામણ દેવાનું માથે લઇ ચંડિકાને પાછી જ્મવા મોકલી. ઉપર ગીત મેળે બંધ થયું, પણ મનોહરી કુમુદસુંદરીને બે હાથે ઉંચી કરી કુદાવતી હતી, વારંવાર ચુંબન કરતી હતી; . અને હીંચકા પ્હીંડો સુધી ખાતી હતી. ગુણસુંદરી ઉપર ચ્હડી દાદરમાં ઉભી ઉભી પળવાર જોઇ રહી. મનોહરીની પુઠ હતી એટલે એણે એ જાણ્યું નહી અને તાન લાગ્યું હતું તેમાં મચી રહી. એટલામાં એના હાથમાં ઉંચી થયેલી કુમુદસુંદરીએ માને ઓળખી, હશી, પગ નચાવી, કીલકીલાર મચાવી મુક્યો, ને મા ભણી હાથ લાંબા કર્યા, તે જોઇ મનોહરીએ પાછું જોયું. પોતે ગાયેલું કાકીજીએ સાંભળ્યું હશે એવું ભાન આવ્યાથી ગુણસુંદરીને જોતાં જ મનોહરી શરમાઇ ગઇ, અને તરત ઉભી થઇ કુમદસુંદરીને રમાડતી રમાડતી સામી ગઇ, એ શરમાઇ તે એના ગાલ ઉપર આવેલા રંગથીજ ગુણસુંદરી સમજી ગઇ. એની આંખમાં શરમ છે તે સમજણ છે અને તે છે ત્યાં સુધી ઉપાય હાથમાંથી ગયો નથી એવું ધારી એ હરખાઇ. પોતે એના કરતાં પાંચ સાત વર્ષેજ મ્હોટી હતી એટલે સહીપણાંના ભાવથી વાત કરી શકે એમ હતું. સરખી વયનાં માણસથી ઉપદેશ થાય છે એટલો બીજાથી થતો નથી. વહુ ગમે તેટલી બગડી હશે તો પણ બુદ્ધિશાળીને ઉપદેશ સમજતાં વાર નહી લાગે, અને એના ઉપર પ્રીતિ રાખી કહીશું તો ધીમે ધીમે સારા ગુણનો એને પટ બેસશે એ વિચાર ગુણસુંદરીને થયો. વળી એણે એવો પણ વિચાર કર્યો કે “આને મ્હોયે એના દોષ કહી બતાવશું અને વાંક ક્‌હાડીશું તો એને એકદમ નહી વસે અને બાળક છે એટલે ઉલટો સામે ભાવ બંધાશે; માટે હાલમાં તો એના સામા ન થવું, એનાં થઇને વાત કરવી, અને એની મેળે જ પોતાની સ્થિતિનો વિચાર કરી ઉપદેશ લેઇ લે એવું કરવું. આપણે ન ક્‌હેવું, પણ એની પાસેથી ક્‌હેવડાવવું. લોકરૂઢિએ કજોડું બાંધ્યું, જવાનીએ પોતાનું કામ કર્યું, બાળક ધણીએ છોકરવાદી કરી, અને ચંડિકાભાભીએ પોતાના સ્વભાવ પ્રમાણે કામ કર્યું ! વહુ બાપડી શું કરે? એને કોઇ સારે માર્ગે ચ્હડાવનાર ન મળ્યું, ઉછળતી જવાનીના છાકે બુદ્ધિને જે રસ્તે ચ્હડાવી તે રસ્તે ચ્હડી. પણ – આખરે ડાહી છે – સુધરે એવી છે," મનોહરીએ પોતાના સામું જોયું એટલામાં એને જોઇ ગુણસુંદરીએ આટલા વિચાર કર્યા અને હીંચકેથી ઉઠી એ સામી આવી એટલે પોતે પણ ઉપર ચ્હડી અને ઉમળકો આણી હસતી હસતી બોલી “વહુ, તમારો રાગ તો સારો છે; શું ગાતાં'તાં એ ?” મનોહરી ફરી શરમાઇ અને કેડમાંની કુમુદસુંદરી સામું જોઇ ગુણસુંદરીને ક્‌હેવા લાગી: “ એ તો કંઇ નહી – અમસ્તું - સ્‍હેજ -જરી ” સાસુને રોકડા ઉત્તર આપતાં ડરતી ન હતી તે કાકીજી સાથે બોલી પણ ન શકી, અને મનમાંથી લેવાઇ ગૈ, છુટા રહેલા હાથની હાથેલી વીંઝી અાંગળાં બીડી દેઇ મનમાં જ બોલી: “બળ્યું, કાકીજીએ કયાંથી સાંભળ્યું આ ? હું શું કહું એમને ?” ગુણસુંદરીના ગુણે એને જીતી હતી તેનું એને ભાન હતું. બુદ્ધિમતી હતી માટે જ તે જીતાઇ હતી. ચંડિકામાં ગુણસુંદરીપણું ન હતું માટેજ મનોહરી એનાથી ન સુધરતાં બગડી હતી. મનોહરી હીંચકેથી ઉઠી, બાળકને રમાડતી રમાડતી – ચુંબન કરતી કરતી – અને છાતી સાથે ડાબતી ડાબતી, ગુણસુંદરીની પાસે આવી, અને પોતે ગાયું હતું તે વાત ઉડાવવા બોલી: “કાકીજી, આટલી સરખી છોકરી કેવી તમને ઓળખી ગઇ ? પણ તમે તો એના સામું યે જોતાં નથી ! કેવી પાંખડી જેવી છે ? વ્‍હાલ ન આવતું હોય એવાને પણ વ્‍હાલ અણાવે એવી છે !”

ગુણસુંદરી અને મનોહરી બે જણ હીંચકે જઇ બેઠાં અને ગુણસુંદરીએ મનોહરીને કલાવી કલાવી વાતો ક્‌હડાવવા માંડી. વાતો ક્‌હડાવતાં ક્‌હડાવતાં તેની મનોવૃત્તિ , સાથે અથડાય નહી એવો ઉપદેશ થોડો થોડો કર્યો. આખરે એ ઉપદેશ સફળ થતો હોય એમ મનોહરી બોલી ઉઠી: “કહો, કાકીજી, મ્‍હારો શો વાંક ? હું યે બાળક છું કની ? પુછો સાસુજીને – કેટલી વાર એમણે એમના કાન ભરવ્યા છે ? મૂળ તો 'કર્મે કજોડું – મ્‍હારે શ્યામજીડું' જેવું મ્‍હારે કપાળે લખેલું જ છે તે થયું, ને તેમાં વળી હવે જરી જરી છોકરવાદી મટવા માંડી ત્યારે સાસુજી દીકરાને માવડિયો કરી નાંખે ! ત્યારે મ્‍હારે યે કંઇ હોંસ હોય કે ન હોય ? બે પૈસાની કાંશકી મને આણી આપે તો તેટલું સાસુજીથી ન ખમાય ને દીકરાને 'બાયલો ! બાયલો !' કરી મુકે. બપોરે નીસાળેથી આવે ત્યારે ઘડીક પાણી પીવાને મેડિયે આવે તો સાસુજીની અાંખો ચ્‍હડી જાય ને બે જણને 'બેશરમાં–લાજ વગ- રનાં–નફટ–નફટ' કરી ફજેતી કરે ત્યારે એમને કાંઈ વિચાર નહી થતો હોય ? એમનો દીકરો ને મ્‍હારો ધણી તેની યે અદેખાઇ ! કોઇ બીજાની સાથે વાત કરું તો તો બોલતાં યે ભલાં. પણ આ તો પોતાનું ન્હાનપણ જ જાણે ભુલી ગયાં હોય કેની એમ કરે છે. એતો આટલાં મ્‍હોટાં થયાં – ને હું તે હજી ન્હાની બાળક છું. આ તમને કોઇ ક્‌હેશે કે ઘરનો ધંધો ઉપાડો, વૈતરું કરો, ને કાકાજી બ્‍હારનું વૈતરું કરે, પણ બે ઘડી બે જણાં બેઠાં હો ને આંખે આંખ મેળવી સાયતવાર વાતો કરે એવું કોઈથી ખમાય નહી તો તેની બે અાંખોમાં બે આંગળિયો ઘોચી ધાલિયે તો કાંઇ પાપ લાગે ખરું ? કહો હવે.” જમણા હાથની બે મ્‍હોટી આંગળિયો લાંબી કરી, જરીક કોપેલી દેખાઇ, અાંખો વિકસાવી, હોઠ મરડી, દાંત પીસી, ડોકું ધુણાવતી ધુણાવતી, ટટ્ટાર બેસી, મનોહરી ગુણસુંદરીની આખો સામી અાંખો કરી તાકીને જોઇ રહી, એ દેખાવ જોઈ ગુણસુંદરી હસી પડી. હલકા લોકમાં ભમવા પામેલી અને છોકરવાદ મનોહરીને એવો વિચાર ન થયો કે કાકીને આમ ન કહેવાય. ગુણસુંદરીને હસતી દેખી એ વિચાર થયો અને ખસિયાણી પડી ગઇ. જો કાકીજીને ઠેકાણે સાસુજી હત તો ઝઘડો મચત અને કાકીજી શાંત રહ્યાં અને સહી ગયાં તે વિચારથી ઓશિયાળી બની ગઇ અને જરા ફીકી પડી. હસતે હસતે ગુણસુંદરી બોલી.

“ના, વહુ, તમે છો તો ખબડદાર. કેમ, બેટા, એમ જાણ્યું કે કાકીજીનું પોતાનું દ્દષ્ટાંત આપિયે તો એમને ક્‌હેવાનું જ ર્‌હે નહી ? પણ, જુવો, તમારાં સાસુને તમારા કરતાં બે વર્ષ વધારે થયાં હશે તે વધારે સમજે, પણ એમને કાંઇ એમ જ વશ્યુ હશે કે તમને કુળલાજ શીખવવી ત્યારે કાંઇ કહ્યું હશે. પણ, ચાલો, હવેથી હું એવું કરી આપું કે એ તમને કાંઈ ક્‌હે નહી – તો પછી તમે એવું કરશો કે તમને કંઇ ક્‌હેવા વારો જ એમને આવે નહી ?”

“ઠીક, એમનાથી જ કહ્યા વગર રહેવાશેસ્તો ! વહુને નહીં ક્‌હે તો દીકરાને ક્‌હેશે, કાકીજી, તમે એમનો સ્વભાવ જાણતાં નથી. આ હું તમને વળગતી રહું તો એ એમ જ ક્‌હેવાનાં કે જા, કાકીજીને સાસુ ક્‌હે – મ્‍હારું શું કામ છે ? એમની આંખમાં તો શનિશ્ચર બહુ છે તે તમને ખબર નથી. ખબર પડશે ત્યારે જાણશો. મહાદેવના ગુણ તો ભયડો જાણે ને સાસુના ગુણ વહુ જાણે."

બહુબોલી વહુનું બોલવું સાંભળી, તેનું ખરાપણું મનમાં સમજી, ગુણસુંદરી એને માથે હાથ મુકી હસતી હસતી બોલીઃ “પણ, વારુ, એ કોઇને મ્‍હોડે ન બોલે તો.? "

“તો શું ? પણ એને શું ગમતું હશે તે મને શી ખબર પડે ? એમને તો હજાર કોહ્યાવેડા કરવા તે મને સુઝે યે નહીં ને પરવડે એ નહી. ને હું કાંઇ એમની બંધાયેલી કે શું ? ના, એ કંઇ ન બને ! હું તો ઘણું ત્યારે તમારું કહ્યું કરું કે મ્‍હારી દાઝ જાણો છો.”

“વારું, પણ મ્‍હારું તો કહ્યું કરશો કે નહી ?”

“હા જાવ, એટલું કરીશ, પણ તમે જાણો કે સાસુનું કહ્યું કરે તે થવાનું નહીં. નહી–નહી–ને નહી. એમનું મ્‍હોં મને દીઠું ન ગમે. મને વીતાડવામાં બાકી રાખી નથી. તમે તે મને કાચે સુતરને તાંતણે બાંધો તો બંધાઉં, પણ સાસુ તો દોરડાંના બંધ બાંધે તેમાંથી ચસકી જાઉં, ને જોવા જેવું કરું તે વળી જુદું. ”

ગુણસુંદરીએ ધીમે ધીમે મનોહરિને હાથમાં લેઇ લીધી, ચંડિકાને સમજાવી સમજાવી પ્રથમ ઠેકાણે આણી. દીકરા વહુનો સંસાર જોઇને રાજી થવાની એને ટેવ પાડી, જુવાન છોકરાંની ભુલો ઠપકાથી નથી સુધરતી તેની ખાતરી કરી આપી, તેમને ઘટતી સ્વતંત્રતા આપવાનો સ્વભાવ પડાવ્યો. દીકરા પાસે વહુની વાત કરવી તો વખાણ જ કરવાં એવી રીત રખાવી. વહુને સુધારવી હોય તો મને ક્‌હેજો એટલે હું તમારું ધાર્યું પાર ઉતારી આપીશ એવું કહ્યું. ઘણા પ્રયત્નથી ઘણે દિવસે ગુણસુંદરી આટલું કરી શકી. મનોહરીને પણ પોતાની પાસેજ રાખે, પોતે બ્‍હાર જાય ત્યારે એને શૃંગાર સજાવી સાથે રાખે, એના જુવાન અભિલાષને થોડા થોડા પાર પાડે એટલે બાકીના અભિલાષ બ્‍હાર ન ક્‌હાડવાનું મનોહરી પોતેજ સમજે એમ કર્યું; જુવાનીની વાતો કરતાં તેને અટકાવે નહીં; પણ તેમ જ “રસનું તે ચટકું – રસનાં કંઇ કુંડાં ન હોય ” એ શાસ્ત્રની મર્યાદા બંધાવી; મનોહરી કોઈ પુરષની વાતો કરવા જાય તો તે ન સમજે એટલી ચતુરાઇથી તે વાતો બંધ કરાવી, આડી વાતો ક્‌હાડી, એના પતિ હરિપ્રસાદની વાતો ક્‌હાડી, તેની ગુણપ્રશંસાના પ્રસંગ આણી, પતિવ્રતપણાના માર્ગ ઉપર લીધી; અને અંતે છકેલી મનોહરીનો છાક તો ન ગયો, પણ એ છેક પ્રથમ ઘરનાં માણસને ત્રાસ આપતો તેને ઠેકાણે તેમનો પક્ષ ખેંચનારો થઇ પડયો, અને બ્‍હારનાં કોઇ માણસ વિધાચતુરના ઘરનું કાંઇ ખોટું બોલે તો તેટલીજ વાતમાં તે માણસો સાથે લ્‍હડવામાં આવી રહ્યો. હરિપ્રસાદનું શરીર જુવાની આવતાં ખીલ્યું ત્યાંસુધી મનોહરીની જુવાની સાપની પેઠે ફૂંફાડા મારતી હતી તેને ગુણસુંદરીએ ચતુરાઇથી વશ રાખી, અને વરકન્યા વયમાં અને શરીરમાં આવી મળ્યાં એટલે ગઇ ગુજરી વીસારી સુખી થાય એવો માર્ગ સવળો કરી આપ્યો. ચંડિકા જે એક સમયે ગુણસુંદરીની ઓશિયાળી નથી એવું ખોટું ગુમાન રાખતી હતી તેને આવી રીતે ગુણસુંદરિયે ઓશિયાળી કરી નાંખી. ચંડિકા પોતાનું ગુમાન ભુલી ગઈ, જે ગુમાન જાળવી રાખવાનો એને આટલો મમત હતો તેની જાળવણી હવે માત્ર ભૂતકાળના સ્મરણમાંજ સમાઈ રહી, અને ભુલાયલું ગુમાન હવે માત્ર પશ્ચાત્તાપ સાથેજ સ્મરણમાં ખડું થતું. કોઇ પ્રસંગે તો એવું બનતું કે આવડમાં, ગુણમાં, અને ઉપકારમાં જેઠાણી બનેલી દેરાણી પાસે પોતાનું જેઠાણીપણું ભુલી જઈ દયામણું મ્‍હોં કરી ચંડિકા બોલી જતી. “ હું તે તમારો શો પાડ વાળું ? લોહીનો ગળકો ભુલી માત્ર દુધાધારી કોઇ થઇ જાય એવા તમારા જેઠ થઇ ગયા છે, સાંડસામાં પકડાયલો સાપ સખનો ર્‌હે પણ આ વહુ ડાબી ડબાય નહી ને પાતાળમાં રાખી હોય તો ઉછાળો મારી આકાશમાં કુદી આવે તેને પણ તમે મદારીના સાપ જેવી કરી નાંખી ! હું તે તમારો શો પાડવાળું? મ્‍હારે આવો નઠારો અને આકળો સ્વભાવ – લ્યો, કહી દઉં છું – જરી અદેખો પણ ખરો – એ સ્વભાવને પણ તમે બદલાવી દીધો. તમારા તે શા ગુણ ગાઇયે? તમારું નામ પાડનારને જ ધન્ય છે!” ગુણસુંદરી હસતી હસતી બીજી વાત ક્‌હાડતી અને કદી ઉત્તર દેવો પડે તો એટલુંજ ક્‌હેતી કે “હું શું કરનારી હતી ? તમારામાંજ આટલો ગુણ કે તમે સઉનો અર્થ સવળો લીધો. જો તમે બદલાયાં હો તો એ પણ તમારી જ આવડને તમારી જ ભલાઇ !”

ગુણસુંદરીનો સંસારકારભાર હજી પુરો ન થયો. બે નણંદોની ચિંતા બાકીજ હતી. દુ:ખબા માબાપને હૈયાસગડી જેવી હતી. તેનો ધણી સાહસરાય હજી ગામપરગામ આથડતો હતો અને દુ:ખબા - પર - કાગળ સરખો લખતો ન હતો. તેમાં વળી કુમારી પરણવા લાયક થઈ હતી. ધીમે ધીમે ગુણસુંદરી દુ:ખબાની સહી જેવી બની ગઈ પણ એનું દુ:ખ કાપવું એ પૈસા વિના બની શકે એમ ન હતું અને વિદ્યાચતુરની ટુંકી આવક લાંબા કુટુંબખરચમાં વરી જતી તે પોતે જાણતી. તે સર્વનો વિચાર કરી પોતાના હાથમાંનો પોતાના ગજા પ્રમાણે ઉપાય શોધી ક્‌હાડ્યો. એક દિવસ વિદ્યાચતુરને સ્વસ્થ ચિત્તે બેઠેલો જોઇ દુ:ખબાની વાત ક્‌હાડી વિદ્યાચતુર તે સર્વ સાંભળી રહ્યો અને કંઇ પણ આમાં કરવું જોઇએ એવું એને લાગ્યું શું કરવું તે વાતમાં ગુણસુંદરીની પાસેથી જ સૂચના માગી.

ગુણસુંદરી આડું અવળું જોતી જોતી બોલી: “કુમારીનું લગ્ન કર્યા વિના તો ચાલે એમ નથી. કોઇ ક્‌હેતું નથી પણ આપણે સમજતાં નથી ? આપણે આ કામ માથે નહી લઇયે તો કોણ લેશે? મને લાગે છે કે દેવું કરવું એ ઠીક નથી. પણ મ્‍હારું પલ્લું કોઇને ઘેર મુકી રૂપિયા ઉપાડી લાવો તે તમારી પાસે ચારવર્ષે કાંઇ બચે ત્યારે પાછું લાવજો. એ બ્‍હાને સાહસરાયને પણ બોલાવાશે, રુપિયા આવે તે બધા લગ્નમાં નહી જાય, પણ થોડા બચશે તેમાંથી સાહસરાયનું દેવું પતાવો.”

વિદ્યાચતુર હસીને બોલ્યા: “ઠીક પલ્લું જ્યાં ત્યાં સસ્તું પડયું છે ! પલ્લું ગયું પછી તમે શું કરશો ?”

આ પ્રશ્નથી ભવિષ્યકાળનો તર્ક ખડો થયો અને મનમાંથી કંપતી કેડે હાથ દઇ ઉંચુ જોતી સ્ત્રી બોલી: “મ્‍હારું સૌભાગ્ય શાશ્વત હશે તો પલ્લાનો શો ખપ છે ? મ્‍હારું સૌભાગ્ય જ વાંકું હશે તો પલ્લું પણ વાંકું નહી થાય એમ કોણે કહ્યું ? મ્‍હારે દુ:ખના જ દિવસ લખ્યા હશે તો માણસની કારીગરી શા કામમાં લાગવાની હતી ? પાપ કરતાં પાછું જોયું હશે તો દુ:ખમાં યે ઈશ્વર ક્યાં આઘો થવાનો હતો? મ્‍હારી અાંખ આગળ સુંદર ભાભીનું દ્દષ્ટાંત કયાં નથી ? માટે હું કહું છું તે કરો. તમે હશો તો લાખ પલ્લાં છે – તમે નહી હો એવો વિચાર તે હું શું કરવા કરું ? તમારા પ્‍હેલી જ હું જઉં એવું શું મ્હારું ભાગ્ય નહી હોય ? કોઇનું કલ્યાણ કરવા પ્રસંગે આપણા ભાવિનો વિચાર કરવો જ ન હોય ! – ઉઠો – મ્‍હારા ચતુર !”

વિધાચતુરને ઉદાર ભેાજરાજા સાંભર્યો અને લાખ લાખ રુપિયાનું દાન કરનાર રાજાને અટકાવનાર પ્રધાન સાથે રાજાને થયેલા પ્રશ્નોત્તર સાંભર્યા:

आपदर्थे श्रियं रक्षेत् । श्रिमतां कुत आपद: ॥
कदापि कुप्यते दैवम् । संचितं किं न नश्यति ॥

વધારે પરીક્ષા કરવા પ્રશ્ન ક્‌હાડ્યો: “ભાવિને પડતું મુકો, પણ વર્તમાનનો વિચાર કર્યો? પલ્લાં શીવાય બીજા દાગીના કરવા મને મળ્યા નથી અને શરીર ઉપરના બધા સોળ શૃંગાર ઉતારી આપશો તો પ્હેરશો શું ?”

ભણેલી અને બીજી રીતે ડાહી સ્ત્રિયોને પણ અલંકાર વ્‍હાલો હોય છે અને તે પ્રમાણે ગુણસુંદરીને પણ હશે એવું વિધાચતુરે સ્વાભાવિક રીતે ધાર્યું. તેની ધારણા બર ન આવી.

“ઓ હો હો હો હો! તમે મને હજી સુધી ઓળખી નહી હોય એ તો મ્‍હેં આજ જ જાણ્યું. મને ઓળખી નહી ! એ તો મ્‍હારા ચતુરની ચતુરાઇમાં ખામી આવી હોં !"

“શું ઓળખી નહી ?”

“તમે શું એવું જાણ્યું કે બીજી સ્ત્રિયોપેઠે હું પણ સોનારૂપાની સગી છું? ના, રજ પણ નહી. અલંકાર પ્હેરવા તે શું કરવાને? લોક આપણને શણગરાયલાં દેખી ખુશી થાય એટલા માટે ? ના. ત્યારે શું આપણા શૃંગાર આપણે દેખવા હતા ? ના. આ હું અલંકાર પ્‍હેરુ તે એટલા માટે કે મ્‍હારામાં કંઇ રૂપગુણની ખામી છે તો તેને સટે આવું પ્‍હેર્યાથી મ્‍હારો ચતુર કંઇ સંતોષ પામે છે ?"

“ત્યારે હવે સંતોષ આપવાની કંઇ ગરજ નથી ?”

“ગરજ નથી તો કેમ ક્‌હેવાય? પણ દુ:ખબા બ્હેનને સારુ આ કામ કરવું પડે એ તો મ્‍હારો અને તમારો બેનો ધર્મ છે, અને ધર્મ પ્રમાણે વર્તવું એથી તમને જેવો સંતોષ વળશે એવો બીજાથી નહી વળે એ તે પરિપૂર્ણ જાણું છું ! બોલોજી ! હવે ક્યાં બાંધશો ? હવે કબુલ કરો કે હું મ્‍હાત થયો અને તું જીતી!”

“પતિને જીતવો એ પત્નીનો ધર્મ ખરો ?”

“બધામાં નહી, પણ સ્નેહમાં ને રમતગમતમાં ખરો ! સાંભરતું નથી રતિનું વાકય કે

"स्मरसि स्मर मेखलागुणै- ।
रुत गोत्रस्खलितेषु बन्धनम् ॥ ?

“અલંકાર વગરની લુખી પુખી રૂપ વગરની પણ હું તમારી રતિ અને તમે મ્‍હારા કામ ! તમને તો જીતવાને બાંધવા-જ! સમજ્યા ? મ્‍હારા ચતુર ! – તમારું નામ દેતા દેતામાં તમને જીતું છું !”

ગૃહસંસારની વાતે શુંગાર કથામાં સંક્રાંત થઇ ગઇ; એ સંક્રાંતિ- પ્રસંગે અનેક વિનોદપ્રસંગો દૃષ્ટિગોચર થયા, અને વિદ્વાન, ચતુર અને રસિક ગુણિયલ સાથે વાર્તાવિહાર કરતું પતિનું અંતઃકરણ પળવાર સર્વ પ્રસંગનું સાક્ષિ બની જઇ, જુદું પડી, ગુણિયલના મુખ સામું અનિમિષ નેત્રદ્વારા જોતું જોતું, સ્મરતું કે,

कार्येषु मन्त्री करणेषु दासी ।
भोज्येषु माता शयनेषु रम्भा ॥
मनोनुकूला क्षमया धरित्री ।
गुणैश्च भार्या कुल मुध्धुरम्ती ॥*[૧]

"ભાર્યા એટલે ભાર ઉપાડનારી – મ્‍હારા કુટુંબને હાથમાં લેનારી - છાતી સરસું રાખનારી – તે તું જ – ગુણિયલ – નું જ ! ત્‍હારાથી આ કુટુંબ કુટુંબ જેવું સુખી અને સંપીલું છે – ત્‍હારાવિના તે કાંટાની પથારી જેવું હોત ! ” – આ વિચાર પળવાર ઉઠી આવ્યો અને દમ્પતીની વિનોદવાર્તામાં વિઘ્નકર જેવો થયો, અને એવાં એવાંજ વિઘ્ન ઉત્પન્ન કરવામાં સાધનભૂત થતી ત્યારે ગુણસુંદરી પોતાને કૃતકૃત્ય થઇ માનતી.

દુઃખબાની બાબતમાં કાંઇ રસ્તો ક્‌હાડવો એવું વિદ્યાચતુરના મનમાં પણ થયું. વિનોદ કરવાને તેમ સ્ત્રીની પરીક્ષા કરવાને તેણે આટલા પ્રશ્નોત્તર કર્યા છતાં શું કરવું તે વીશે તેણે મનમાં નિશ્ચય કરતાં વાર ન લગાડી. સ્ત્રીની સાથે ખુલ્લાં મનથી વાત કરવામાં પોતાના મનથી કાંઇ બાધ ન હતો, પરંતુ એની બુદ્ધિ કેટલે સુધી પ્‍હોચે છે અને હાલ જેટલું બોલે છે તેટલું કરવાનો પ્રસંગ આવતાં એનું ચિત્ત ક્‌હેવું ર્‌હેછે તે જાણવામાં પોતે ગમત માનતો. આથી પોતાના મનની વાત ન કરતાં વિદ્યાચતુરે ગુણસુંદરી જેટલું કરે તેટલું કરવા દેવાનો માર્ગ પકડ્યો. માત્ર પ્રસંગે પ્રસંગે તેને ગુંચવારામાં નાંખે એવી હરકતો બતાવવી અને તેમાંથી તે કેવી રીતે છુટે છે એ જોવું, એટલું જાતે કરવાનું ધાર્યું.

ગુણસુંદરીએ કુમારીનું લગ્ન કરવાનું ધાર્યું અને પતિની સંમતિથી ઘરમાં સઉને તે વાત કરી. બધાંયે એને સાબાશી આપી, પણ માનચતુર અકળાયો. સાહસરાય આથડતો ફરે અને વિદ્યાચતુરને બીજા લફરાં ઓછાં હોય તેમ આ લફરું પણ એણે વ્‍હોરવું એ ડોસાને ગમ્યું નહી. ડોસી મુવાની બ્હીક નહી, પણ જમનો રસ્તો પડવાની બ્‍હીક હજી તો ચંચળનાં પણ છોકરાં પરણવાનાં બાકી હતાં. ડેાસો ગુણસુંદરીને ખીજી પડ્યો. “ ગુણસુંદરી, તમને તમારી દયા નથી. હજી તો બાળક છો અને ઘણો વિસ્તાર તમારો પોતાનો વધશે. વિદ્યાચતુરની કમાઇ હજી લાખે લેખાં કરિયે એટલી નથી, અને આજથી વ્યવહાર


  1. * ભાર્યા - સ્ત્રી – તે કોણ ? કાંઇ કાર્ય સાધવું હોય ત્યારે જાણે રાજાનો; મંત્રી! કાંઇ કામમાં સાધનભૂત થવું હોય ત્યારે દાસી ! ભેાજન સમયે માતા શયનપ્રસંગે કેવી ચતુર અને તત્પર ? – જાણે રંભા અપ્સરા જ ! મન જાણી ! લેઇ તેને અનુકૂળ થઇ જનારી, પૃથ્વી જેવી ક્ષમાવાળી, ગુણવડે ભાર ઉપાડનારી, અને કુળનો ઉદ્ધાર કરનારી.
વધારી મુકશો તો આગળ જતાં પ્‍હોચાશે નહી. આજ એકને કરશો

ને કાલ બીજાને નહી થાય તો એકને કર્યું ધુળ મળશે ને બીજાની વખત ગાળ ખાશો. માટે આ કામ કરવું પડતું મુકો, જે વાતની સાહસરાયને ચિંતા નહી તેની તમે શી બાબત કરો છો ? તમને જસ વ્‍હાલો છે તેમ જસ જાનગરો પણ છે. જસ વ્‍હાલો કર્યાથી આપણાં ઘરમાં કાંઇ રંધાય નહી. જો તમને ઘણું લાગતું હોય તો ક્‌હો દુ:ખબાને અને સાહસરાયને બોલાવો. પણ ઘરનાં છૈયાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો એ કામ કરશો તો મ્‍હારે તમારે નહી બને. દીકરીઓ માવરોને વ્‍હાલી હોય તે દીકરાનું ચોરી ચોરી દીકરીનું ઘર ભરે, તે ભોગવે જમાઇ ને દીકરિયો પાછી આપણે ને આપણે કપાળે ચ્‍હોટી હોય તે આવે. તમારી સાસુને તમે આથી વ્‍હાલાં લાગશો, પણ મને વ્‍હાલાં થવું હોય તો મ્‍હારો દીકરો રાતદિવસ પગ ઘસી શેર આટો લાવે છે તેની દયા આણો. નણંદો આપણે બારણે ધાન ખાવાની અધિકારી, પણ ભાણેજાં પરણાવવા બેસિયે તો દૈવ રુઠ્યો સમજવો.”

ડોસો આમ અકળાયો તે વખત દુ:ખબા સુદ્ધાંત આખું કુટુંબ હતું. ડોસો આટલું બોલ્યો છતાં દુ:ખબા બોલી નહી કે “તમે આટલી ચિંતા શું કરવા કરો છો ?” તે સ્વભાવે ગરીબ હોવા છતાં અતિ દુઃખને લીધે લોભી અને સ્વાર્થી બની હતી. સાહસરાયને હરકત આવવા છતાં પોતાનું પલ્લું તેને આપ્યું નહી અને પિયર આવી હતી. ભાઇભોજાઇને ઘેર ર્‌હેવામાં તેના મનથી પાડ વસતો ન હતો. ભાઇભોજાઇ આટલી કુમારીને પરણાવી આપે તેવાં છે તે પરણાવશે એવું ધારી, વિવેક સરખો પણ કરતી ન હતી કે “તમે આ ભાર શું કરવા ઉપાડો ?” ડોસાના બોલ એ સાંભળી રહી. એમ જ જાણ્યું કે વખત છે હું વિવેક કરવા જઇશ ને ગુણસુંદરી ડોસા ભણી ઢળી પડશે. દીકરિયોને ખવરાવી દેવાનો આરોપ સાંભળી ધર્મલક્ષ્મીને જરી ક્રોધ ચ્‍હડ્યો, પણ ડોસાને ચ્‍હડેલો ક્રોધ દેખી ગમ ખાઇ ગયાં. બીજાં બધાં આતુરતાથી જોઇ રહ્યાં કે ગુણસુંદરી શો ઉત્તર વાળે છે. સઉની અાંખો એના ઉપર વળી.

ગુણસુંદરી વૃદ્ધ શ્વસુરનો ઠપકો ગંભીર મુખથી સાંભળી રહી, તે બંધ પડ્યા એટલે, મધુર મધુર હસતી હસતી બોલીઃ “વડીલનું કહ્યું અમે ક્યારે ઉથામિયે છિયે જે ? કુમારી બ્હેન પરણે તેનું ખરચ ક્યાંથી કરવું તેની ચિંતા અમે સ્ત્રિયો શું કરવા કરિયે ? તમે છો સાહસરાય છે – બધા છો – જેમ ઠીક લાગે તેમ કરજો. પણ સાહસરાયને બોલાવવામાં કાંઇ તમારે વાંધો નથી, તેમ વર શોધી ક્‌હાડી નક્કી કરી મુકિયે તેમાં પણ તમારે કાંઇ વાંધો નથી. લગ્ન ઠરશે તે ઉપર ક્‌હેશો તે ઘરમાં સમારંભ કરીશું. તમારે પાંચે અાંગળિયો સરખી છે – કોના ઘરમાંથી ખરચ કરવું તે ઠરશે તે પ્રમાણે થશે. આજથી એનો વિચાર શો ? ક્‌હો, હવે કાંઈ વાંધો છે ?”

ડોસો વિચારમાં પડી બોલ્યોઃ “ના, એટલું કરવામાં કાંઈ હરકત નથી. પણ તમારી ચતુરાઇ હું સમજું છું તે સરત રાખજો. મ્‍હારે પાંચે આંગળિયો સરખી નથી – બધી મ્‍હોટી ન્‍હાની છે ને જેનું કામ તે જે કરે એ બેાલથી હું આગળ ઉપર બંધાયલો રહું એમ ન સમજશો.”

“અમારાથી તમે તે કંઇ બંધાવાના છો ? ને તમને બાંધિયે એવું અમારાથી થાય પણ ખરું ? અમારે તો તમારી પરવાનગી જોઇયે તે તમે આપી એટલે થયું !” ગુણસુંદરી હસતી હસતી કામે વળગી, સઉ વેરાઇ ગયાં અને ડોસો એકલો બેઠો બેઠો વિચાર કરવા લાગ્યો: “ આ વહુ જેવી કુલીન તેવી જ ચતુર છે, એના આગળ મ્‍હારું ચાલવાનું નથી, ધાર્યું છે તે પાર ઉતારશે. મ્‍હારાથી ના ક્‌હેવાય નહી એટલી વાત અત્યારે મ્હારી પાસે કબુલ કરાવી બાકીની વાત પડતી મુકી – અદ્ધર રાખી ને વખત આવે એ કોણ જાણે શોયે ઘાટ ઉતારશે. – મ્‍હેં પણ ઠીક જ કર્યું કે નહી? – એ બીચારી આટલું આટલું તણાઇ મરે છે ને આ બધાં ઢોર ભરાયાં છે તેમાંથી કોઇને ભાન નથી કે જરી વિવેક તો કરિયે ? – સાહસરાયને – ભાઇને – દેવું છે તે કંઇ ઝટ લેઇ આવે એમ નથી – ને લગ્ન તે કયાં થવાનું હતું? એ જાણે છે કે ભાણેજનું ખરચ મામો જ ક્‌હાડે તે ! લખ્યું હશે દુઃખબાને, અને દુઃખબાએ ભાભીને ઉભાં કર્યા હશે, ને ભાભી જસ કમાવા ઉભાં થયાં છે. પણ એ ભાભી સમજતી નથી કે આ તો આવ, કોવાડા, પગ પર – ની વાત છે. સમજે નહી એવું તો કંઇ નથી, પણ ઈશ્વરે એનું મન જ મ્‍હોટું કર્યું છે. મ્‍હારો દીકરો રત્નનગરીનો કારભારી હત તો આવું મન દીપત – પણ –” ડોસો આવી વિચારપરંપરામાં પડી ગયો અને ધીમે ધીમે મનની પ્રવૃત્તિ શાંત થઇ.

કુમારીના વરની શોધ ચાલી. એક દ્રવ્યવાન ડેાસો દુ:ખબાને ગમ્યો – તેના દ્રવ્યથી એનું મન લોભાયું, બીજો વર કજોડું પડે એવો હતો, પણ મનોહરીના દૃષ્ટાંતથી કજોડા ઉપર દુ:ખબાને તિરસ્કાર આવ્યો હતો. મનોહરિયે કહ્યું: “જેના ભોગ હશે તે કજોડું જોશે.” વૃદ્ધવરની વાતમાં ગુણસુંદરી સામી પડી, “બ્‍હેન, ડોસો ને ડાબલો જોઇ રળવાનું નથી. ભાયડાઓનાં શરીર સંસાર ચલાવવા જેવાં ઘણાં વર્ષ સુધી ર્‌હેછે – પણ પચાશ વર્ષે તે પણ નકામાં પડેછે. ને આ કળિયુગમાં સાઠ વર્ષનું આયુષ્ય. માટે વર પચાશ વર્ષનો થાય ત્યારે દુનિયામાંથી ગયો સમજવો ને ત્યાર પછી એને પરણેલી હોય તેનોયે સંસાર વગર ગયે ગયો સમજવો. વર સાઠ વર્ષનો થાય ત્યાં સુધી દીકરીને ઢાંક્યો રંડાપો ને સાઠ વર્ષ પછી ઉઘડો રંડાપો માટે એ વાત તો પડતી જ મુકવી.”

ગુણસુંદરીને લક્ષમાં રહ્યું નહી, પણ સુતો સુતો માનચતુર આ સાંભળતો હતો તે આંખો ચગાવી એકલો એકલો જોઇ રહ્યો અને વિચારમાં પડ્યો કે આવી આવી વાતો આ શી રીતે જાણતી હશે ?

મનોહરીથી ર્‌હેવાયું નહી તે બટકબોલી હશી પડી અને ગુણસુંદરીનો ખભો ઝાલી, પોતાનો એક હાથ લાંબો કરી, વચ્ચે પડી, મ્‍હોટે સાદે બોલી ઉઠી: “ઉભાં રહો, ઉભાં રહો, કાકીજી ! તમે આ વાત ક્યાંથી જાણી ? – ડાહી ડાહી વાતો કરો છો તેની ના નહી – પણ આજ પકડાયાં – ક્‌હો જોઇયે! તમે આ વાત ક્યાંથી જાણી ગયાં ? –"

"પકડાયાં–પકડાયાં ! કાકી ! પકડાયાં | પકડાયાં !"

“બોલો ! બોલો ! તે વગર બીજી વાત નહી કરવા દઉં.”

દુ:ખબાએ મનોહરીનો હાથ વછોડ્યો અને ધમકાવી કહ્યું: “ખશ, આધી ! સમજ્યું અણસમજ્યું શું વચ્ચે બોલ બોલ કરેછે જે?”

“શું છે વળી ? પુછિયે પણ નહી કે ? આ લ્યો ! કાકીજી બોલતાં નથી ને તમારે શું જે ? ”

"તે બોલતા નથી માટે એમણે વાંક કર્યો ? કંઇ વિચાર તો ખરી ભસવું જ સમજે છે કે કંઇ બીજી, અક્કલ છે?”

વિચારમાં પડી મનોહરી સમજી, ગુણસુંદરી હસી અને બોલી: “વહુ, પરણ્યાં ન હઇયે પણ જાને તો ગયાં હઈયે જો ! તમારા જેવાં કોઇ ક્‌હેનાર હોય ને તેને પુછવા જેવું હોય ત્યારે જરી પુછયું પણ હોય એટલે જાણ્યું યે હોય! ”

“ખા હવે ! પુછ, પુછ, પુછીને સાર ક્‌હાડ્યો ? તને કહી કહીને જીભના કુંચા વળી ગયા કે આ કાકીજીને છેડીશ નહી તે છેડીને લેતી જા હવે !” – દુ:ખબા બોલી ઉઠી. મનોહરી નરમ અને ઠંડી થઇ ગઇ, ને ધીમેથી બોલી: “ હા, બાઇ, હા, બાળક છિયે તે જરી પુછિયે પણ ખરાં. તમે કહ્યું ત્યારે સમજ્યાં કે ન પુછાય તે હવે નહી પુછિયે. કોણ જાણે શું છે કાકીજીમાં કે જરી બોલિયે એટલે મ્હાત જ કરી દેછે. લ્યો પણ હવે, ફોઇજી, કાકીજીનું ક્‌હેવું ખોટું તો નથી. ડોસાના કજોડા કરતાં મ્હારા જેવું કજોડું સારું ! ડોસાને પરણી રાંડે તેનો તે ઉપાય જ નહી – ને આ અમારું દુ:ખ તે તો થોડા દિવસનું: વીશ બાવીશમે વર્ષે બે જણ આવી મળિયે ત્યાંસુધી દુ:ખ ને પછી સઉ ભુલી જવાય ! ને તમારો ડોસો તો પચાશ વર્ષનો થાય ત્યાંસુધી સંસાર ને પછી બાયડીને જન્મારો ભટકવાનું ! એના પઇસાને તે પછી શું બચકાં ભરવાનાં હતાં? એના કરતાં તો મ્હારે બહુ સારું !”

આ ઉઘાડી ન બોલવા જેવી પણ અણસમજમાં બોલાયલી અને અનુભવની વાતથી સઉ સ્ત્રીમંડળ શરમાઇ ગયું, અને હસી પડ્યું, તેમ ખરી વાત સઉને મનમાં પણ એથી જ આવી ગઇ. કુમારીના કરતાં દશેક વર્ષ મ્હોટા અને સાધારણ સ્થિતિના છોકરા સાથે એનો વિવાહ કરવામાં આવ્યો.

સાહસરાય આખરે આવ્યો. કુમારીનાં લગ્ન થયાં. લગ્ન પ્હેલાં ગુણસુંદરીએ પોતાના અલંકાર ક્‌હાડી પતિને આપવા માંડયા, પણ તેણે લીધા નહી અને કહ્યું કે “આજથી કોઇને માલમ પડે કે ત્હારા અલંકાર ઉતારવા પડેછે તો સઉં હા ના કરે ને લગ્ન પ્રસંગે ત્હારે શરીરે કંઇ ન હોય તો આપણે પણ ઠીક ન દેખાય. હાલ તો સામન ઉધારે આણવો છે. હીસાબ ચુકવવા દ્રવ્ય આપવું પડશે ત્યારે જોઇ લેઇશું.”

હીસાબ ચુકવવાનો પ્રસંગ આવ્યો ત્યાંસુધી ખરચ ક્યાંથી થાય છે તેનો કોઇયે પ્રશ્ન પુછ્યો નહી. ઘરમાંથી કોઇ એ બાબતની વાત જ ક્‌હાડે નહી. સાહસરાય એમ જ સમજયો હતો કે વિદ્યાચતુર સઉ ખરચ આપશે, ગુણસુંદરીએ માનચતુરને કહ્યું હતું કે તમારે ખરચ નહી કરવું પડે, ને ડોસો હમેશા ઉત્તર દેતો કે “ જો જો તો ખરાં!” પૈસા વીશે બે જણને ઉચાટ હતો, એક ગુણસુંદરીને અને એક ડોસાને. ગુણસુંદરીને એવો ઉચાટ હતો કે રખેને વિદ્યાચતુર મ્હારું પલ્લું માગતાં આચકો ખાય ! ડોસાને એવો ઉચાટ હતો કે રખેને આ ખરચનો ભાર વિદ્યાચતુરને માથે આવી પડે ને સાહસરાય બચી જાય! ગુણસુંદરિયે કબુલ કર્યું હતું કે “ખરચ તમારે માથે નહી પડે” એટલી ડોસાને શાંતિ હતી, તો પણ તે એમ ધારતો હતો કે ગુણસુંદરી આખરે છેતરાશે અને લોકલાજને માર્યે અથવા નણંદનણદોઇની દયાને લીધે એ ખરચ માથે પડ્યા વિના ર્‌હેવાનું નથી. "ખરચ તમારે માથે નહી પડે" - મ્હારે માથે લેઇશ -પલ્લું આપીશ;" અને આ અર્થની ભ્રાંતિ પણ ડોસાને હતી.

લગ્નની પૂર્ણાહુતિ થયા પછી કેટલેક દિવસે લોકો વિદ્યાચતુર પાસે આંકડા લેઇ આવવા લાગ્યા, અને ગુણસુંદરી તેમ જ માનચતુર બંને જણે તે વાત સરતબ્હાર થવા ન દીધી. એક જણ આંકડો આપી પાછો ગયો કે તરત ગુણસુંદરી મેડીપર ચ્હડી અને વિદ્યાચતુરને પુછવા લાગી કે તમે શો બેત ધાર્યો. વિદ્યાચતુર હસવા લાગ્યો અને બોલ્યોઃ “એ તો તમારે વિચારવાનું છે, મને શું પુછોછો ?”

ગુણસુંદરી મેડિયે ચ્હડી ત્યાંથી માનચતુર ચેતી ગયો કે આ માણસ આંકડો આપી ગયો તેની વાતચીત થતી હશે. આથી પોતે પણ ઉઠયો, અને કોઇ દિવસ દીકરાવહુની વાત સાંભળવા ઉભો ર્‌હેતો ન હતો તે આજ દાદર નીચે જિજ્ઞાસાથી ઉભો રહી, ઉત્કંઠિત[૧] થઇ, કાન માંડી, ઉપર થતી વાતો સાંભળવા લાગ્યો.

વિદ્યાચતુરનો પ્રશ્ન માનચતુરને બહુ નવાઇ ભરેલો લાગ્યો, સમજાયો નહી. એટલામાં ગુણસુંદરીએ વિદ્યાચતુરને ઉત્તર દીધો.

"મ્હારા વ્હાલા, આજે તો તમે બરાબર બોલ્યા. કુમારીનું લગ્ન થયું એ મ્હોટા ઉત્સાહની વાત. દુ:ખબા બ્હેનને નીરાંત થઇ, અને મ્હારું વચન પળે એટલે મને પણ નીરાંત થાય. ધન્ય ભાગ્ય મ્હારું કે મ્હારા પલ્લાનો આ પ્રસંગે ઉપયોગ થશે.”

માનચતુર નીચે ઉભો હતો તેણે પોતાની છાતીપર હાથ મુક્યો, હડપચી પર મુક્યો, અને અંતે તર્જની બેવડી કરી તેની બેવડમાં પોતાનો નીચલો ઓઠ પકડ્યોઃ “શું આ ખર્ચ ગુણસુંદરીના પલ્લામાંથી નીકળે છે?"

એટલામાં વિદ્યાચતુરનો ચિંતાતુર જેવો સ્વર સંભળાયોઃ “એ તો ધન્ય ભાગ્ય ક્‌હો કે હીન ભાગ્ય કહો; મ્હારી પાસે અત્યારે રોકડ નથી; તમારી હીંમત ઉપર અને તમારા કહ્યા ઉપરથી આ ખરચ માથે લીધું છે.”

માનચતુરે ઓઠ કરડ્યો, હાથ વીંઝયો, અને પગ પછાડ્યોઃ “ધિક્કાર છે આ દીકરાને કે વહુનું પલ્લું લેવા ઉભો થયો છે, અરેરે !


  1. *કંઠ ઉંચો કરી, ડોક ઉંચી કરી, ઉત્કંઠા રાખી.
મારે કર્મે એક્‌કે દીકરો પરાક્રમી ન ઉઠ્યો ! આ દીકરાની બાબતમાં

પણ હું છેતરાયો ! મ્હારું કુટુંબ એક આ વહુથી ઉજળું છે, બાકી બીજાં બધાં કુટુંબબેાળું ! અલ્યા પલ્લું !”

ગુણસુંદરીનો સ્વર સંભળાતાં આ ક્રોધમાં વિઘ્ન પડયું : “આપ મને કંઇ તમે કહીને બોલાવો છો અને આમ નરમ થઇને બેલો છો તે કંઇ નવાઇની વાત લાગે છે.”

વિદ્યાચતુરે જરીક મ્હોં મલકાવ્યું: “ના, એ તો અમસ્તું પણ જો હું શું કરું ? લોકની પાસે ઉધારે રકમ માગવા જઇએ અને કોઇ હા ના ક્‌હે એટલે આપણી પ્રતિષ્ઠા કોડીની થઇ જાય. આજ સુધી મ્હેં કોઇની પાસે કાંઇ માગ્યું નથી.”

“ત્યારે તેમાં શું થઇ ગયું જે ? આજ તો રાત પડવા આવી છે, પણ કાલ હું દાગીના આપું તે વેચી આવો એટલે વગરમાગ્યે અને વગર સપાડે બધી રકમ ઉભી થશે.”

“શરીર ઉપરથી દાગીના ઉતરશે તે જગત જાણશે ને આપણી સાખ કોડીની થઇ જશે.”

“સારે કામે અલંકાર ઉતરશે તેનું પુણ્ય તમને છે, અને એ પુણ્યે આથી સોગણા અલંકાર પ્હેરાવવાનો કાળ આવશે. બ્હેનને સારુ આપણે અલંકાર ઉતારીશું તો આપણી પ્રતિષ્ઠા કોડીની મટી કોટિલક્ષની થશે.”

“પણ વેચવા જઇશું તો સોના સાઠ ઉપજશે.”

“એટલી ખોટ ઈશ્વર પૂરી ર્‌હેશે.”

“વ્યવહારની વાતમાં યે ઈશ્વર આપી ર્‌હેશે કહી કામ કરવું એ ડહાપણ નહીં. ”

ગુણસુંદરી હશી પડી. “ત્યારે તો નકામી જ વાતોમાં ઈશ્વરને ફોસલાવવાના કે ?”

વિધાચતુર હાર્યો, “ના, પણ મને લાગે છે કે સઉ દાગીના ગીરો મુકિયે."

“એમ કરો ત્યારે.”

“પણ આ કામ જ કંઇ કરવા જેવું નથી.”

“ કેમ ?"

“જગતમાં મૂર્ખ ઠરીશું.”

“જગત જખ મારે છે. આપણે ક્યાં યશનેવાસ્તે કરિયે છિયે ?”

”પણ ઘરમાં કોઇને ખબર પડી તો આ કામ કરવા નહી દે.” “એ વાતની ચિંતા ન કરવી. સઉ થઇ રહ્યાં પછી જ જાણશે.”

“પણ તમારા અલંકાર ઉતારવા એ મ્હારો ધર્મ નહી, હું બીજો ગમે તે રસ્તો ક્‌હાડીશ.”

“શું તમે મને તમારાથી જુદી ગણી?” દયામણું મ્હોં કરી ગુણુસુંદરિયે પુછ્યું.

વિદ્યાચતુર ઉભો થઇ બેાલ્યોઃ “ના, ના, જુદી તો શું ? પણ જોઇશું.” તે કપડાં પ્હેરવા લાગ્યો.

ગુણસુંદરિયે બેઠાં બેઠાં તેનો હાથ ઝાલી ઉભો રાખ્યો અને બોલી “ત્યારે જુદી નહી તો આ બીજું શું?”

હાથ છુટો કરી અંગરખું પ્હેરતો પ્હેરતો વિદ્યાચતુર બોલ્યો : “ના, ના, એવા શા કુતર્ક કરે છે ? હવણાં તો જરા દરબારમાં જઇ આવું છું. સઉ થઇ ર્‌હેશે – વખત આવ્યે.”

ગુણસુંદરી ઉભી થઇ, પાઘડી લેઇ આવી, અને તે પતિને માથે મુકતી મુકતી બોલી: “વખત બખત કંઇ આવવાનો નથી, સઉ વાત કાલ કરવાની છે. તમારે ચાલવાનું નથી.”

“જોઇશું, જોઇશું” – વિદ્યાચતુર દાદર ઉપર ઉતરવા લાગ્યો. ગુણસુંદરી તેના અંગરખાની ચાળ ઝાલી રહી અને ઉતરતો અટકાવ્યો.

“ના, તે “જોઇશું, જોઇશું” નહીં. મ્હારા સમ ખાવ.”

“મુક, મુક, નીચે વડીલ ઉભા છે તે જોશે.”

ગુણસુંદરિયે અંગરખું મુક્યું અને મુકતાં મુકતાં બોલી: “ ઠીક, હવણાં તો જાવ છો – પણ આખર મ્હારું જ ધાર્યું કરીશ. હજી એક રાતને આંતરો છે. ”

વિદ્યાચતુર દાદરપર ઉતરવા લાગ્યો. જતાં જતાં મનમાં બોલ્યો : “ઈશ્વરની કૃપા વિના સત્સ્ત્રી કયાંથી મળે ! સત્સ્ત્રી હોય પણ આવી કુટુંબવત્સલ અને સત્કર્મમાં આમ ધાર્યું કરનારી તે તો દુર્લભ જ ! ગુણિયલ ! ત્હારા મનોરથ ઉંચા અને પરોપકારી છે, એ મનોરથ પાર પાડવામાં ત્હારો આગ્રહ અને ત્હારું બળ અમને સઉને હરાવે છે!” — “તું ધાર્યું કરનારી – તું સઉને ત્હારા ગુણથી અને બુદ્ધિથી અને કર્મથી સઉને જીતનારી ! – તે મને મળી – માટે જ મ્હારા ઉપર ઈશ્વરની કૃપા છે. દ્રવ્ય કરતાં, રાજપદવી કરતાં, ત્હારારૂપી રત્નના ધણીને અભિમાન કેમ ન ચ્હડવું જોઇએ ?

“Sweet stream that winds through yonder glade, સ્મરણશક્તિને હલમલાવી આ કવિતાનું અનુસંધાન સંભારી ક્‌હાડયું.

નદીની ઉપમેય સત્સ્ત્રીનું ઉપમનન સંભારવા માડયું.

“Silent and chaste she steals along,
[૧]“With gentle yet prevailing force,
“Intent upon her destined course,
“Graceful and useful all she does,
“Blessing and Blest where'er she goes,
“Pure-bosomed as that watery glass,
“And heaven reflected in her face.”
“મ્હારી ગુણિયલ પણ આવી જ કલ્યાણમૂર્તિ છે !”

વિદ્યાચતુર ગયો.

ગુણસુંદરી નીચે ઉતરી ને માનચતુરે પુછયું.

“ કેમ ગુણસુંદરી ! આ આંકડાવાળાઓ ફેરા ખાય છે તેનું તમારી નણદ પતાવશે કે નણદોઇ? ક્‌હેતાં'તાંની કે આપણે માથે નહી પડે ?"

“ના જી, નહીં પડે આપને માથે.”

“ ત્યારે કોને માથે પડશે ? આંકડાવાળા મુકી દેવાના હતા ?”

“આપે પરિણામ થયે જોઇ લેવું, નણંદ નણદોઇ નહી આપે ત્હોયે તમારા ઘર ઉપર ભાર નહી પડે.” વધારે પુછાપુછ અટકાવવાના હેતુથી ગુણસુંદરી ચાલી ગઇ અને કામમાં પરોવાઇ.

ડોસો હડપચી ચંચવાળતો ઉભો રહ્યો.

“આણે હવે પલ્લું આપવું નક્કી ધાર્યું. એનું પલ્લું નીકળે એટલે મ્હારા ઉપર ભાર ન પડવાનો એવો એના બોલવાનો મર્મ સમજવો. એ મ્હારી પાસે સાચું બોલી – કેમ જુઠું ક્‌હેવાય? સાચું બોલી એણે મને છેતર્યો. એ પલ્લું આપવા ઉભી થશે એ કલ્પના પણ કેમ થાય ? કલ્પના ન થઇ તે હવે ખરું પડવા વખત આવ્યો. એની કુલીનતાથી હદ વળી ગઇ. નણંદની દીકરી પરણાવવા ભોજાઇ આપ પલ્લું ક્‌હાડે એ અપૂર્વ વાત – જુની આંખે જોવાનો નવો ખેલ ! હું એ થવા દેવાનો નથી. એ આટલી કુલીનતા બતાવે – ઉદારતા બતાવે – ને મ્હારા ઘરનાં ગધેડાં તે સમજે પણ નહી ! પણ હું યે સમજ્યાં છતાં ન સમજ્યા જેવો રહું તો હું તો ગધેડાનો સરદાર !”


  1. *Cowper.
પલ્લું કરવાનો ધારો ઘરડાઓ કરી ગયા તે એટલા સારુ કે

ધણી ન હોય ત્યારે પલ્લાવાળી પગ ન ઘસે : આ રાંડ દીકરી ! એનો ધણી જીવતાં બશેરિયો ભાઇને માથે પડી છે તે ધણી ન હોય તો” – એવું છેક અપશકુનિયાળ ન બોલવું ગણી ડોસો અટકયો. “એનું પલ્લું એને શા કામમાં લાગવાનું છે? એનું પલ્લું અખમ ર્‌હે ને ગુણસુંદરી કુમારીને પરણાવવા પલ્લું આપે ! જો જો ! બ્રહ્માને ઘેર અંધારું વળી ગયું છે તે ! ગુણસુંદરી ભુખે મરે તો સાહસરાય એને ઝેર ખાવા કોડી સરખી આપવાનો હતો? અને દુ:ખબાનું પલ્લું અત્યારે ગુમડે ઘસી ચોપડવા કામનું નહી ! એમ હું નહી થવા દેઉ !”

“આવો ધારો પડવા જ દેવો નહી ! હજી તો ચંચળને પણ છોકરાં છે ! એમનાં છોકરાંથી મ્હારું ઘર શું ઉઘડવાનું હતું ? હજી તો ગુણસુંદરી બાર વર્ષનાં બેઠાં છે ! જો બીચારીએ પાપ કર્યું તે!”

ડોસો પોતાને ઠેકાણે ગયો. રાત્રે સઉ સુઇ ગયાં ત્યારે સાહસરાયને બોલાવ્યો અને ગુણસુંદરી એને સારું પલ્લું આપવા ઉભી થઇ છે તે સમાચાર કહી ધમકાવ્યો. સાહસરાય શરમાયો, ગળગળો થઇ ગયો, અને બોલ્યો: “હું શું કરું ? મ્હારી પાસે ઝેર ખાવા જેટલું નથી ? મને બહુ લાગે છે. તમે જે રસ્તો બતાવો તે પ્રમાણે કરું.”

ડોસાએ દુઃખબાનું પલ્લું ગીરે મુકી પૈસા આણવા કહ્યું. સાહસરાય નિઃશ્વાસ મુકી ક્‌હે: “એટલું મ્હારા હાથમાં હોય ત્યારે જોઇયે શું ? મ્હારી આબરુ સાચવવા માગ્યું ત્યારે પણ ન આપ્યું. જો એ પલ્લું મને કામમાં આવ્યું હતુ તો મ્હારે આ વખત શું કરવા આવત ? બે આને તો શું પણ એક આની પતાવે એવા મહારા લ્હેણદારો છે ને પલ્લું મળે તે હું કોઇની મદદ શીવાય ધંધો ના ચલાવું. જો તમને આપે તો મ્હારી ખુશી છે.” માનચતુરને સાહસરાયની દયા આવી અને “રાંક અન્યાયી” દીકરી ઉપર તિરસ્કાર ઉપજ્યો. દીકરીને બોલાવી, ગુણસુંદરીના પલ્લાંની વાત કહી, અને સાહસરાયને ધમકાવ્યો તેથી વધારે એને ધમકાવી પાણીછલ્લી કરી નાંખી. “રાંડ, એક વિવેક તો કર ! – તે લે એવી નથી – પણ તું વિવેકમાંથી પણ ગઇ ! – કયાં મુકયાં છે ત્હારાં ઘરેણાં ?”

દુ:ખબા બોલી નહી.

ડોસો ખાવા ધાતો હોય તેમ બોલ્યો : “બોલવું નથી ? કેમ ? ઉઠો, સાહસરાય, મને ખબર છે તે બધું લેઇ લઇએ છિયે.”

દુ:ખબા ભડકી, ઉઠી, અને જે પેટીમાં દાગીના હતા તે ઉપર નજર ન જાય એમ તેની આડે ઉભી રહી. ડોસો ચેતી ગયો કે આ પેટીમાં દાગીના છે એટલે અચિંત્યો, આંખો ક્‌હાડી, કુદ્યો, અને દુઃખબાનું ગળું ઝાલી, ઓઠ પીસી બેલ્યોઃ “કેમ, હાથે આપે છે કે અમે લઇયે ? ”

બ્હીનેલી દુ:ખબાએ પેટી ઉઘાડી સઉ દાગીના બાપના હાથમાં મુક્યા. સસરો જમાઇ તે લેઇ ત્યાં આગળથી ચાલ્યા ગયા. દુ:ખબાએ આખી રાત રોવામાં ઉજાગરો કરી ક્‌હાડી. પ્રાત:કાળે ડોસો અને સાહસરાય છાનામાના ગામમાં જઇ દાગીના ગીરે મુકી આવી દ્રવ્ય લઇ આવ્યા.

આણીપાસ તે જ વખતે ગુણસુંદરીએ પણ પોતાના શરીરપરથી અલંકાર ક્‌હાડી વિદ્યાચતુરને આપ્યા અને વિદ્યાચતુરે તે લેઇ પોતાની પેટીમાં મુકયા. અલંકાર વિના અડવી થયેલી પત્નીના સામું જોઇ રહ્યો. “ગુણિયલ ! આ અલંકાર ઉતારી ત્હારા મનમાં કાંઇ દુ:ખ નથી થતું ? ત્હારા મ્હોંપર શોકની છાયા દેખાય છે, ત્હારા ગાલ ઉપર દુ:ખના શેરડા પડ્યા છે; હશે, હવે ત્હારો મમત રહ્યો, જાણ્યે અજાણ્યે અલંકાર આપવાનું બોલાઇ ગયું તે ત્હેં પાળ્યું. તમાચો મારી તું ગાલ રાતા રાખે છે. હશે, એટલાથી જ હું પ્રસન્ન છું, તું મ્હોંયે ક્‌હે નહી પણ મનમાંથીએ તને દુઃખ થાય એટલું હું ઇચ્છતો નથી. ચાલ, હું આટલાથી પ્રસન્ન છું – લે, આ અલંકાર પાછા પ્હેર ! એના વિના તું શોભતી નથી.”

ગુણસુંદરી સ્મિતહાસ્ય કરવા મંડી ગઇ.

“જો તમે ક્‌હો છો એવીજ મ્હારા મનની સ્થિતિ હત તો આ વચન દાઝયા ઉપર ડ્હામ જેવાં થાત એમાં ના નહીં, પણ મ્હેં જે કર્યું છે તે તો તમને પણ પ્રસન્ન કરવા નથી કર્યું. મમત તો મ્હારે એટલો ખરો કે મ્હારું ધાર્યું કરવું, તે થયું. કુમારી પરણી અને તમને અલંકાર આપ્યા. એટલું મ્હેં ધાર્યું હતું તે થયું. આ કામ કંઇ તમારી ખુશામત કરવા ન્હોતું કર્યું. અલંકાર વિના હું શોભતી નહી હઉં એ વાત તે ખરી હશે – રૂપ ગુણ વગરની સ્ત્રીને રૂપની ખોટ પુરી પાડવાને જ અલંકાર છે. પણ મ્હારા ચતુર ! ચતુર થઇ કેમ ભુલો છો ? આપણે તો છોકરવાદીમાં પરણ્યાં હતાં. તમે મ્હારા રૂપ ગુણને કે અલંકારને પરણ્યા ન્હોતા. એક મ્હારી

જાતને પરણ્યા હતા. કદ્રૂપી કે ગુણહીન જેવી તેવી તે હું જ - હવે તો

“જેવી તેવી હું, પ્રભુ, દાસી તમારી !
“કરુણાસિન્ધુ ! લ્યો જ નીભાવી ! [૧]

આ નાટક કરતી કરતી ગુણસુંદરી અતિશય સુંદર દેખાઇ. હાથે સૌભાગ્યકંકણ એ જ અલંકારમાં હતું; શરીરે સ્વચ્છ અને સુંદર એક વસ્ત્ર, પ્રાતઃકાળમાં કપાળે ચંદ્રલેખા જેવી આડ કરેલી તે જ; કેશ કંઇક ચળકતા અને કંઇક છુટા દેખાતા હતા : બાકી નખથી શિખ સુધી ગોરું લલિત અંગ – એકલે મ્હોંયે નહી પણ નખથી શિખ સુધી – સ્મિત કરવા લાગ્યું, મધુર મધુર હસતું લાગ્યું. ચળકતા ભવ્ય કપાળમાં, સ્નિગ્ધ આંખોમાં અને ચંચળ કીકિયોમાં, ખંજનવાળા ગાલમાં, મલકતા ઓઠમાં, જેમાંથી તેજના અંકુર ફુટતા હતા એવી દંતકલિકાઓમાં, અલંકારશૂન્ય લાંબી દેખાતી કમ્બુકંઠીની કોટમાં, કાંચળી વિનાના લાંબા કમળનાળ જેવા હસ્તના અવર્ણ્ય વિલાસમાં, સૂક્ષ્મ વસ્ત્રમાં ઢંકાઇ પાંખ ફફડાવતા ચક્રવાકની જોડ જેવા વિલાસી વિલાસસંજ્ઞાથી ભરેલા સૂચક પયોધરયુગલમાં, કૃશેાદરમાં, વસ્ત્રપટમાંથી દીસી આવતા બન્ધુર ચરણાકારમાં, અને અન્તે પગની કોમળ પ્હાનીમાં પણ, સર્વત્ર પ્રસન્નતા પ્રસન્ન થઇ સ્ફુરતી હતી; અને તેનો ઉપભેાગ કરનાર ચતુર વિદ્યાચતુર, જડપદાર્થના અલંકાર છોડી, ચેતન શરીર અને ગુણની મધુરતાનો રસ નિરંકુશ પ્રીતિથી પીવા લાગ્યો. એ ગુણસુંદરી સામું જોઇ રહ્યો, ઉભો થયો, અને ખભે હાથ મુકી, એના સામું જોતો જોતો મનમાં ગાવા લાગ્યો:

सितांशुका मंगलमात्रभूषणा ।
मम प्रसन्ना वपुषैव लक्ष्यसे ॥

અત્યંત બળથી હૃદયદાન દેઇ ગુણસુંદરીને પોતાના કબાટ પાસે લેઇ ગયો. કબાટ ઉઘાડી, અંદર રુપિયાની ભરેલી કોથળી દેખાડી, વિદ્યાચતુર હસતો હસતો બોલ્યો: “ગુણિયલ, ત્હારા ગુણની સીમા જોવાને અને અલંકાર વિના પણ એકલા રૂપગુણથી જ તું મને સુંદર લાગે છે કે નહી તે જોઇ લેવાનું મન થવાથી આટલું કર્યું – બાકી બ્હેનના ખરચ સારુ રુપિયા તો ઈશ્વરે મને આપેલા જ છે, ત્હારા અલંકાર તો પ્હેર જ !”

શરમાતી શરમાતી પણ ભુજમંડળમાં લીન થતી આર્યાએ ઉત્તર ન આપ્યો.


  1. * એક ભજન ઉપરથી.

આખરે અલંકાર પહેર્યા વિના જ નીચે ચાલી ગઇ. તે પછી થોડીક વારે માનચતુરે વિદ્યાચતુરને બોલાવ્યો અને લગ્નમાં શું શું ખરચ થયું છે, કોને કોને કેટલા રૂપિયા આપવાના છે વગેરે તપાસ કરી, અને બધી હકીકત જાણી લીધી, જમી કરી વિદ્યાચતુર બહાર ગયો એટલે સાહસરાયને સાથે લઇ, સઉને ઘેર જઈ વિદ્યાચતુરને નામે ડોસો નાણાં ભરી આવ્યો અને ખાતાં પુરાં કરાવી આપ્યાં. જ્યારે કેટલાક દિવસ વીતવા છતાં લોકો ઉઘરાણી ન આવ્યા ત્યારે છેવટે તપાસ કરતાં વિદ્યાચતુરને માલમ પડયું કે સાહસરાય અને માનચતુરે સઉના આંકડા ચુકવી દીધા છે. પોતાનું ધાર્યું સિદ્ધ થયાથી માનચતુરનો આત્મોદ્રેક તૃપ્ત થયો. એ સર્વ એના સ્વભાવ પ્રમાણે થયું.

ગુણસુંદરીના કુટુંબમાં સર્વ વાતે હવે સિદ્ધિ થઇ અને એ કુટુંબનો સંસાર ચીલે પડ્યો. માત્ર કોઇ કોઇ પ્રસંગે કંઇ નવાજુની થતી હતી. જેમકે ગુણસુંદરીને સારુ કંઇ આણ્યું હોય તો કુટુંબનાં બીજાં માણસોમાં તણાઇ જતું. એનાં મ્હોટા મનને તેથી વિનોદ જ મળતે. પરંતુ આવી આવી સર્વ બાબતોથી માત્ર એકલો માનચતુર નાખુશ ર્‌હેતો રહ્યો. એ હમેશ ક્‌હેવત ક્‌હેતો કે “ ડાહી વહુ રાંધણું રાંધે અને ડાહ્યો દીકરો દેશાવર ભોગવે.” એને હવે સ્પષ્ટ લાગ્યું કે ગુણસુંદરીને આ જંજાળમાંથી છુટી કર્યા વિના સંસારનું ખરું સુખ એ ભોગવી શકવાની નથી. આટલી ન્હાની વયમાં વૃદ્ધ ડોસીપેઠે તેને સદા જંજાળમાં જ રાખવી એ કામ ડોસાને કૃતઘ્ન લાગ્યું. “મ્હેં જુવાનીનું સુખ જોયું છે, સઉને સુખ ભોગવવા મન તો થાય પણ એ મ્હોટા મનની છે તે મનમાં આણે નહી. એને સારુ વેણી આણું તે મનોહરી લેઇ ગઇ, વીંટી આણી તે દુ:ખબાએ પટકાવી, પલંગ આણ્યો તે ચંડિકાના રંગમહેલમાં ગયો – કર્કશાને આટલાં મ્હોટાં છોકરાં થયાં ત્હોયે પલંગ જોઇયે ! અને એને સારું કાચની હાંડિયો આણી ત્યારે મારી ડોસલી દેવમંદિરમાં લઇ ગઇ ! બધાંને બધું જોઇયે ગુણસુંદરી ઘરડી તે એને કાંઇ જોઇયે નહી – એને કશાનું મન જ ન થાય ! ગાનચતુરને ભાન જ નથી કે હવે સ્વતંત્ર કમાઇ થઇ ત્યારે ભાઇના ઉપરથી ભાર ઓછો કરવો ! ભાઇને કચરી માર ! જુદો ર્‌હે તો એને ખોટું દેખાય એવી તો એની બુદ્ધિ ! હવે તો કંઇ નહી, સાહસરાયે ધંધો કરવા માંડયો છે ત્યાં દુ:ખબાને મોકલી દઉંછું, અને હું આ બધાં ઢોરને હાંકી સાથે લેઇ જાઉં મનોહરપુરીમાં; ગામડું ગામ ને ખરચ પણ ઓછું, ને અહિંઆં આ છુટી થાય. માટે એ તો સિદ્ધ ! હું નહી સમજું ત્યારે કોણ સમજશે.”

માનચતુરે ધીમે ધીમે ધારેલું કામ પાર ઉતારવા યુક્તિઓ કરવા માંડી. પ્રથમ તો એ કામ કર્યું કે સાહસરાયને પરદેશમાં હરકત પડે છે એવું નિમિત્ત ક્‌હાડી દુ:ખબાને એના પરિવાર સાથે વીદાય કરી દીધી; અને સાહસરાય રત્નનગરી આવ્યો હતો ત્યારે વાતચીતમાં સસરા પાસેથી બુદ્ધિ પામ્યો હતો તેનો ઉપયોગ કરી ધંધો ચલાવી શકતો હતો, એટલે દુ:ખબા એને ભારે ન પડી. તે પછી સમજાવી સમજાવી ગાનચતુરને જુદો ક્‌હાડ્યો અને ગુણસુંદરીએ તેમ ન થવા દેવા આગ્રહ કર્યો તે નિરર્થક થયો. વિદ્યાચતુરની પાડોશમાં જ બીજું ઘર ગાનચતુરનું રખાવ્યું અને ગુણસુંદરીએ પોતાના ઘરમાંથી બન્યું એટલું રાચરચીલું તેમાં નીવડાવ્યું. એમ કરતાં કરતાં માનચતુરને શરીરે કાંઇ સહજ અસુખ ર્‌હેતું થયું તેનું નિમિત્ત ક્‌હાડી પાણીફેર કરવાને મિષે માનચતુર ધર્મલક્ષ્મીને તથા ચંચળને એના વિસ્તાર સાથે જોડે લઈ મનોહરપુરી ર્‌હેવા ગયો. ગુણસુંદરીના ઘરમાં હવે માત્ર પોતાનું કુટુંબ તથા સુંદરગૌરી એટલાં જ રહ્યાં.

આવી રીતે પક્ષિયો પ્રાતઃકાળે ઝાડપરથી વેરાઇ જાય તેમ ગુણસુંદરીના ઘરમાંથી સર્વ જતાં રહ્યાં અને તે એકલી પડી. ઘણાક દિવસ તેને ઘર શૂન્ય લાગવા માંડયું અને ઘણીક વખત તે એકલી એકલી સઉને સંભારી રોતી, અનુકૂળ પડે મનોહરપુરી જઈ આવતી પણ ખરી.

આમ એકલી પડી તે પછી પણ એને ઘણા ઘણા અનુભવ વીત્યા. કુમુદસુંદરી પછી બે વર્ષે કુસુમસુંદરી જન્મી. ત્યાર પછી એને કંઇ સંતતિ ન થઇ, પોતે જરા વધારે મ્હોટી થઇ ત્યાંસુધી પ્રસંગે એમ થતું કે એક પુત્ર હોય તો સારું. પણ સત્પતિ, સદભ્યાસ, સદનુભવ, અને સદ્‍બુદ્ધિને બળે એ અસંતોષ મટી ગયો. કેટલાંક વર્ષે એવાં વર્ષ આવ્યાં કે કુટુંબમાંથી એક પછી એક એમ સઉ માણસ ગત થવાં લાગ્યાં. પ્રથમ ધર્મલક્ષ્મી, પછી ચંચળ, પછી ચંચળનાં સર્વ છોકરાં, તે પછી દુ:ખબા, તે પછી ગાનચતુર, અને આખરે ચંડિકા : એ સર્વ માણસ ધીમે ધીમે યમરાજના નગર ભણી ચાલ્યાં ગયાં. જુદે જુદે પ્રસંગે તે સઉના મંદવાડમાં, મરણકાળે, અને તે પછીનાં ક્રિયાખરચને સમયે, ગુણસુંદરીને, કાળજું કઠણ કરી, રોતે રોતે એકલે હાથે કામ કરવું પડયું. હાલમાં વિદ્યાચતુર અને ગુણસુંદરી, બે જાતે જ રત્નનગરીમાં ર્‌હેતાં, કુમુદસુંદરી સાસરે જતી રહી, સર્વ ગયા છતાં વૃદ્ધ માનચતુર ઘણાક ઘા ખમી જીવતો હતો અને મનોહરપુરીમાં ર્‌હેતો હતો તેની ચાકરી કરવા વૃદ્ધાવસ્થાને આંગણે આવેલી સુંદર પણ મનોહરપુરી જ ર્‌હેતી હતી અને વેશકેશનો ત્યાગ કરી પૂર્ણ વિધવાવ્રત પાળતી હતી. હરિપ્રસાદે ભણવું છોડી નોકરી લીધી હતી અને કુટુંબની જંજાળ વધ્યાથી મનોહરી, છોકરવાદી છોડી, માણસાઇમાં આવી હતી અને પરદેશમાં રહી કાકીજી સાથે પત્રવ્યવહાર રાખતી અને એને જ માને ઠેકાણે ગણતી. આ સર્વ અનુભવથી ગુણસુંદરીનું હ્રદય હતું તેના કરતાં હજારગણું કોમળ અને વત્સલ બની ગયું હતું. પાછલો કાળ તેની કલ્પનાશક્તિ પાસે તાદ્દશ ખડો થતો, અને મૃત્યુના પડદા પાછળના અરણ્ય જેવા એકાંત ભાસતા પ્રદેશને વાસ્તે તેને તત્પર કરી રાખતો.

ભદ્રેશ્વર જવા સુવર્ણપુરથી આવનારી દીકરીને મળવા આતુર માતા, મનોહરપુરીમાં પોતાના ઉતારામાં ઉંચી ઓસરીમાં ઉભી ઉભી આઘેની ભાગોળ ભણી નજર નાંખતી હતી તે પ્રસંગે પોતે, રત્નનગરીના ઉત્તમ પ્રધાનની પત્નીનું વર્તમાન પદ ભુલી,આવી આવી જુની કુટુંબવાર્તા હ્રદયમાં ખડી કરી, “ મ્‍હારી આ બે પુત્રિયોને લલાટે પણ શા શા લેખ લખ્યા હશે અને જ્યારે આટલાં બધાં મ્‍હારાં માણસ મ્‍હારાં મટી ચાલતાં થયાં ત્યારે આમાં પણ કોને કોનું ક્‌હેવું ?” એવા વિચાર કરી, અાંખમાં ઝળઝળિયાં આણતી હતી અને એને આવકાર દેવા ઉતારાની આશપાશ તરવરતી ગરીબ વસ્તી એની આંખ આગળ ઝાંઝવાના જળપેઠે માત્ર તરતી લાગતી હતી.