સરસ્વતીચંદ્ર ભાગ ૨/જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મનહરપુરીમાં એક રાત્રિ સરસ્વતીચંદ્ર ભાગ ૨
જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર
ગોવર્ધનરામ ત્રિપાઠી
કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી →


પ્રકરણ ૭.
જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર.

સરસ્વતીચંદ્રના ચિત્તની પરમાર્થવૃત્તિ કલ્પવા પણ અસમર્થ સ્વાર્થલોચનથી જ લોચનવાન્ અર્થદાસ મણિમુદ્રા લેઇ પલાયન કરી ગયો તે પ્રસંગે દિવસ પુરો થતાં રાત્રિ આકાશના ગર્ભસ્થાનમાંથી અર્ધી જ જન્મેલી હતી અને અર્ધ ભાગે આકાશના ઉદરમાં હતી. આકાશ પણ પ્રસૂતિકાળની ભયંકર અવસ્થા ભોગવતું હતું. તેને મૂર્છા આવતી હોય અને તેની ચેતના દૂર જતી ર્‌હેતી હોય તેમ પક્ષિમાત્ર અધીરાં બની ટોળે મળી પૃથ્વી ભણી ઉડી આવતાં હતાં અને વૃક્ષોમાં અદૃશય થતાં હતાં. કંઇક પ્રકાશ અને કંઇક અંધકાર એ બેની મેળવણી શૂન્ય અરણ્યમાં એકલા માનવીનું હૃદય કંપાવે એવી ત્રાસદાયક લાગતી હતી અને ઝાંખી દુબળી ચંદ્રલેખા પણ વિશાળ આકાશના એક ખુણામાં ઉગી, ઉગતાંવાત જ જગતના આ દેખાવથી ત્રાસી, અસ્તાચળની ઉંડી ગુફામાં ભરાઇ જવાનું કરતી હતી. તેવે પ્રસંગે સરસ્વતીચંદ્ર મૂર્છામાંથી જાગી ઉઠ્યો અને તેની અાંખ આ આકાશ, અરણ્ય, અને દૂરથી ચીસો નાંખતી રાત્રિપર પડી. મનુષ્યવસ્તીની છેલી નીશાની અર્થદાસ કેઇ દિશામાં ગુમ થઇ ગઇ તે શોધવા સરસ્વતીચંદ્ર બેઠો થયો કે રસ્તા ઉપર બે પાસ લાંબી દૃષ્ટિ નાંખવા લાગ્યો, પ્રયત્ન નિષ્ફળ થતાં ઉપરનું આકાશ પળવાર જોવા લાગ્યો, પળવારે પવનથી ખડખડતા ચારેપાસના જંગલભણી નજર ફેરવવા લાગ્યો, અંતે જંગલના ઉંડા ઉંડાણમાં પડવા માંડતી ભયંકર પ્રાણીઓની ચીસો સાંભળી ચમક્યો, અને ભુખ્યો ન હોય, અશક્ત ન હોય, ને ખિન્ન પણ ન હોય, તેમ સફાળો એકદમ ઉભો થયો. તે જ ક્ષણે ચંદ્રલેખા પણ બ્હીની હોય તેમ સંતાઇ ગઇ અને વાઘ જેવો અંધકાર વિશ્વ ઉપર ફાળ મારી કુદી પડ્યો અને સરસ્વતીચંદ્રના પણ સામો આવી ક્રોધભરેલા ડોળા ઘુરકાવવા લાગ્યો.

પળવાર આ નવા અચિન્ત્ય સ્વપ્નથી હૃદયસ્તંભ પામી, છાતી પર હાથ મુકી, કાંઇ નવો શોધ થયો હોય તેમ સરસ્વતીચંદ્ર ચંચળ બની ચાર પાસે દૃષ્ટિ ફેરવવા લાગ્યો, કાન ધરવા લાગ્યો, અને તેના મુખ પર આનંદ ચમકવા લાગ્યો, “હા! જે મહારાત્રિનાં દર્શન કરવાનો અભિલાષ હતો તે આ જ ! કુમુદ ! હવે હું તને ભુલું છું ! તું દિવસમાં રહી – હું રાત્રિમાં આવ્યો ! યમરાત્રિના પ્રતિબિમ્બરૂપ રાત્રિ ! યમરાત્રિ કેવી હશે તે ત્હારા દર્શનની સહાયતાથી હું અત્યારે કલ્પું છું. ચંદ્રકાંત ! તું વળી મને આમાંથી અટકાવતો હતો – અટકાવવા આવ્યો છે ! ગુમાનબા, આ સઉ તમારો આભાર છે ! પિતાજી ! તમે મ્હારા ઉપરથી સ્નેહ ઉતારી મને માયાના ફન્દમાંથી મુક્ત કર્યો ! સંસાર, સ્નેહ, લક્ષ્મી, અને બીજી બધી માયામાંથી મુક્ત થઇ આખર હું આ આખરની અવસ્થા અનુભવવા પામું છું. આ નિર્જન ઘોર અરણ્યમાં શૂન્ય રાત્રિમાં ક્રૂર પ્રાણીયો વચ્ચે માત્ર ઈશ્વરસનાથ હું આવી પ્હોચ્યો અને જે દશા અંતે થવાની તે આજથી આણી ! ગૃહ અને લક્ષ્મીનાં જળ ચીરી નાંખ્યાં !”

 
"આમ જ ચોરો એ દમ્ભ નીચે,
“આમ જ એ સઉ દમ્બ નીચે,
“ઉતરી પડ્યો હું નીચે નીચે !
“એ જગ-દમ્બ તણા સાગરની નીચે નીચે આવ્યો !
“સમુદ્રતળિયે ઉતરી પડ્યો, પડી નીચે નીચે આવ્યો !”
“આમ જ હજી આ દમ્ભ નીચે,
“કામણ કંઇ મુજ કાજ હીસે;
“ધન્યભાગ્ય ! આ દમ્ભ નીચે,
“હજીય ઉતરી પડું નીચે નીચે

“નીચે નીચે ! !"

"મુંબાઇનગરીના લક્ષાધિપતિપણામાંથી બુદ્ધિધનના ઘરમાં ક્ષુદ્ર અતિથિની અવસ્થામાં, ત્યાંથી આ અન્ય અરણ્યમાં – અને અંહીથી પણ નીચે હવે જવાનું નિશ્ચિત!”

પોતે-બોલે છે તેના પણ ભાન વિના આ શબ્દો બોલી, તેનો પડઘા સાંભળતો – ઉત્તર સાંભળતો હોય તેમ, મનમાં ને મનમાં આનંદ પામતો, અંધકારને જોતો, ક્રૂર ગર્જનાઓ સાંભળતો, અંધકારમાંથી શાંત તેજ નીકળતું હોય અને ગર્જનાઓને ભેદી આઘેથી ઝીણું કોમળ ગાન આવતું હોય અને તે તેજને જોવાને અને ગાનને સાંભળવાને રસિક આતુર બનતો બનતો, હૃદય ઉપર હાથનો સ્વસ્તિક રચી સરસ્વતીચંદ્ર કેટલીક વાર સુધી એમને એમ ઉભો.

જે ક્ષણે સરસ્વતીચંદ્ર જડ જેવો, મૂર્ખ જેવો, શબ જેવો, સ્વપ્નસ્થ જેવો, સમાધિસ્થ જેવો, આ પ્રમાણે ઉભો હતો તે પ્રસંગે રાત્રિ પણ, એના જેવી જ નિરંકુશ બની, સંસારનાં સુખ-દુ:ખની ચેતના નષ્ટ કરી, નિશ્વેતન જેવી પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપી રહી. જડ જેવી ઉભી રહી; કર્તવ્ય-અકર્તવ્યનું–યોગ્ય-અયોગ્યનું–ભાન નષ્ટ કરી, મુકુટ ધારણ કરનારાઓને સ્ત્રીવશ કરી, પંડિતોને બુદ્ધિહીન નિદ્રાવસ્થામાં નાંખી, બ્રહ્મચર્યા અને સંન્યાસના વ્રતસ્થ પુરુષોને સ્વપ્નસૃષ્ટિમાં રમાડી, સ્થળે સ્થળે મૂર્ખચેષ્ટા કરી રહી; વસ્ત્રહીન પ્રકાશહીન ચેતનહીન થઇ ગયેલા સંસારરૂપ આ મહાસ્મશાનમાં નિશ્ચેષ્ટ શબરૂપે પડી પડી, ઘુવડ અને શિયાળ જેવાં પોકે પોક મુકી રોતાં સંબંધિયો વચ્ચે, કાળાગ્નીની ભડભડ બળતી અજરામર એકાંત અને ભયંકર ચિતાના મુખમાં ખવાવા લાગી; શુન્ય જેવા દશે દિશ વ્યાપતા અંધકારના અદૃષ્ટ અવયવોમાં કલ્પનાની પેઠે ભરાઇ મચી રહેલા જંગલો, પર્વતો, નગરો અને પ્રાણીઓના – અંતર્ગત ઠઠ ઠાઠને અાંખો મીંચી જોઇ ર્‌હેતી હોય, તે મહાસ્વપ્નમાં ને સ્વપ્નમાં જ સિંહ વાઘ વગેરેની ભયંકર ગર્જનાઓને લવાતી હોય, તેમ સુષુપ્તિ સમયે જાગૃત સંસ્કારોમાં પ્રવાહપતિત થઇ ગઇ; બાહ્ય સંસારના પ્રપંચોને અગોચર કરી ચારે પાસે અંધકાર ભરી સરસ્વતીચંદ્રના મગજમાં કોઇ સર્વવ્યાપી એક તત્વનો લય કરી એ લયમાં જ સમાધિસ્થ થઇ ગઇ. ઘર છોડ્યું, લક્ષ્મી છોડી, પિતા છોડ્યા, મિત્ર છોડ્યો, કુમુદ છોડી અને સ્નેહ પણ છુટી ગયો; એ સર્વ પટ સરી ગયા તેની સાથે જ એ ઉપાધિપટમાં ઢંકાયલું તત્ત્વ જાતે અપ્રયાસે દૃષ્ટિગોચર થયું હોય તેમ તે જોતે સરસ્વતીચંદ્ર અત્યારે જંગલ વચ્ચે અંધકાર વચ્ચે ઉભો રહ્યો અને ઉંડા વિચારમાં વિચારશુન્ય જેવો લીન થઇ ગયો.

પરંતુ આ અવસ્થા ઘણીવાર ટકી નહી. થોડીક વારમાં શરીરયંત્રની કમાને, બળ કરી, એકાંત મને વૃત્તિને, નદીની રેલીનો પ્રવાહ કીનારાની ભેખડને તોડે તેમ, તોડી પાડી અને પોતાના પ્રવાહમાં લીન કરી.

"શરીરયંત્રને પ્રકોપકાળે શિથિલ યોગની માયા !”

આખા દિવસની ક્ષુધા વિચારમાત્રનું ભક્ષણ કરવા લાગી અને મસ્તિક ખાલી પડ્યું; તૃષા કંઠને રોકી બેઠી અને સરસ્વતીનો પ્રવાહ નીકળવા પામે તે પ્હેલાં તેનું આચમન કરવા લાગી; અંધકારે નકામી કરેલી અાંખોને શરીરની અશક્તિએ કરી મીંચાવી અને સરસ્વતીચંદ્ર મૂર્છા ખાઇ ફરી પૃથ્વી પર ઢળી પડ્યો. પશ્ચાત્તાપ કરાવનાર બુદ્ધિ અધિષ્ઠાન વિનાની થઇ પડી; ભય અને શોક કરાવનાર ભાન ઉડી ગયું.. ઘણાક ઉદ્ધત પુરુષો મ્હોટી મ્હોટી વાતો કરી વાતપ્રમાણે કામ કરવાનો પ્રસંગ આવ્યે ડરી જઇ કંપારી ખાય છે, સરસ્વતીચંદ્રે તે કંપારી ખાધી ન્હોતી. તામસને વશ થયેલા ઘણાક મૂર્ખો વિચારશુન્ય કામ કરી બેસી પશ્ચિમ બુદ્ધિના કાંટા વાગતાં કર્યું ન કર્યું કરવા મથે છે, એક કુમુદસુંદરીની વાતમાં તેમ કરવા ઇચ્છા હોય તો તે પુરી પાડવી અશક્ય હતી અને બીજી કંઇ પણ વાતમાં તેમ કરવા સરસ્વતીચંદ્રને ઇચ્છા સરખી થઇ હતી નહી અને તે જ કારણથી ચંદ્રકાંતથી નાસતો ભાગતો આ જંગલના દુ:ખમાં મંગળ ગણવા લાગ્યો હતો. એ સર્વ વિચિત્ર નાટકનું વિચિત્ર અવસાન આવ્યું હોય અને પડદો પડ્યો હોય તેમ અત્યારે થયું પોતે મૂર્ખતા કરી છે કે ઉચ્ચાભિલાષ સિદ્ધ કર્યો છે તે વિચારનાર પણ કોઇ રહ્યું નહી અને સ્થળસમયની અવસ્થા પણ સરસ્વતીચંદ્રને જગાડે એવી ન હતી.

અંધકારની સેના ચારે પાસ ઘણા જોરથી ધસારે કરતી હતી અને દશે દિશા છાઇ લીધી હતી. ઘોડેસ્વારો વેગથી સ્વારી કરતા હોય અને ઘોડાની ખરીઓના ડાબલાના ડાબકા જમીન પર દેવાતા હોય તેમ કાળરાત્રિ ગાજતી હતી. અનેક તરવારો અથડાતી હોય તેમ પવનને બળે અનેક ઝાડનાં પાંદડાં તથા ડાળો અથડાઇ અવાજ કરતાં હતાં. મ્હોટાં બાણાવળી ઉગ્રબળથી બાણ ફેંકતા હોય અને તેના સુસવાટ ચારે પાસ મચી રહ્યા હોય તેમ પવન સુસવાટા નાંખી રહ્યો હતો અને વૃક્ષો વચ્ચેના, પાંદડાં વચ્ચેના, આંતરાવચ્ચે થઇને ધસી આવતાં, ચીસો નાંખતો હતો. ચારે પાસ યુદ્ધનાં ભયંકર વાજાં વાગી રહ્યાં હોય અને યુદ્ધની બુમમાં બરાબર ન સંભળાતાં સ્થળે સ્થળે તેનો નાદ સ્ફુરતો હોય તેમ સર્વ પાસ તમરાં નિરંતર બોલતાં હતાં. ધવાઇ ઘવાઇ, કોઇ હાથ ખોઇ, કોઇ પગ ખોઇ, પડેલા જોદ્ધાઓ દોડતા લ્હડતા જેદ્ધાઓના પગ તળે કચરાતાં છુંદાતાં દુ:ખથી અશરણ બની હૃદયવેધક ચીસ પાડી ઉઠતા હોય તેમ હરણ, સસલાં, અને અનેક ગરીબ પશુઓ, બોડમાં ઉંઘતાં પ્રાણીઓ શોધી ખાનાર વરુ જેવાં ક્રૂર ચોર પશુઓનાં પંઝામાં પોતાને અથવા નરને કે માદાને કે બચ્ચાંને ફસાયલાં દેખી, ઉંડાણમાંથી કારમી ચીસો નાંખતાં હતાં. આખા જંગલમાં શીકારી અને શીકારની દોડાદોડ મચી રહી હતી અને સિંહ- વાઘના પંઝા અને નખ ધબ લઇને પડતા હતા અને ગરીબ પ્રાણીઓના કોમળ માંસમાં ખુંપી જતા હતા. શીયાળનાં ટોળાં ચારેપાસથી કાયર જોદ્ધાઓ નાસતાં નાસતાં ચીસો પાડે તેમ રોતાં હતાં: શૂરા સ્વારો પેઠે વાઘ, ન્હાનાં ઝાડ અને ઘાસ ઉપર ફાળ ભરતા, વેગથી ચાલ્યા જતા હતા અને ચોમાસાના પૂરપેઠે ઠેકાણે ઠેકાણે ધુધવાટ કરતા હતા. સેનાના નાયક જેવા મૃગપતિ સિંહ અંધરાત્રે રસ્તા વચ્ચે બેઠે બેઠે – મ્હોટું વાદળું ગાજતું હોય – તોપ ધડુકતી હોય – તેમ મહાગર્જના કરી રહ્યો હતો. એ ગર્જના સાંભળતાં વાઘસરખાં પ્રાણી ચુપ થઇ લપાઇ જતાં હતાં, હાથીઓ અને પાડાઓ બરાડા પાડતા પાડતા નાસાનાસ કરી મુકતા હતા, ઝાડ ઉપર સુતેલાં પક્ષિયો જાગી ઉઠતાં હતાં અને કંપતાં કંપતાં કાન માંડતાં હતાં, આખા જંગલમાં અને આઘેના સુંદરગિરિનાં કોતરોમાં વિકરાળ પડઘા ઉઠી રહ્યા હતા, અને ધોરી માર્ગપર એક ઠેકાણે એકલો બેઠો બેઠો આવી મહાગર્જના કરતા મદોન્મત્ત સિંહ પશુમાત્રમાં પોતાની આણ વર્તાવતો હતો અને આખા જંગલમાં ખુણેથી ખુણે સર્વત્ર તેની હાક વાગી રહી હતી. અગ્નિના અંગારા પેઠે તેની આંખો રાતા તેજથી ચળકતી હતી અને આઘે સુધી તીવ્ર ભયંકર કટાક્ષ નાંખતી હતી. ક્રૂર પશુઓનો આ મહારાજ ઘડી ઘડી યાળ ફેંકારતો હતો અને તે વીંઝાતી તેના સ્વરથી ચમકતાં તમરાં પણ ચુપ થઇ જતાં હતાં. જે રસ્તાને એક છેડે આ વનરાજ આવી રીતે બીરાજતો હતો તે જ રસ્તાને બીજે છેડે તે જ સમયે, કાળજું કહ્યું ન કરે એવે સ્થળે ને સમયે મનસ્વી મન-રાજ સરસ્વતીચંદ્ર ત્રિભેટા આગળ વચ્ચોવચ એકલો પડ્યો પડ્યો નિર્ભય અને નિઃશંક મૂર્છાસમાધિ સાધતો હતો.

આ પ્રસંગે આખા જંગલમાં પેસવા કોઇ માનવીની છાતી ચાલે એમ ન હતું અને ખરા શુરવીરો પણ રાત્રિ સમયે આ ભયંકર જનાવરોને છંછેડવા હીંમત ધરતા ન્હોતા. આખા જંગલમાં માત્ર જનાવરોની કારમી ચીસો સંભળાયાં કરતી અને બ્હારવટિયાઓ રાવણું કરતા તે પણ મનહરપુરીની બાજુના વડમાં ભરાતા. સરસ્વતીચંદ્ર પડ્યો હતો તે જગા વડથી થોડે છેટે હતી અને વડ નીચે ઉઠતે શોરબકોર પણ અંધારામાં કાન ઉપર અફળાતો ત્યારે ઓછો ભયંકર ન્હોતો લાગતો. આકાશમાં તારાનાં ઝુંડ ઝબુકતાં હતાં તે પણ ભયંકર પ્રાણીઓની અાંખો જેવાં વિકરાળ પ્રકાશવાળાં લાગતા હતાં અને જંગલનો આ ઠાઠ જોઇ નબળો પોચો માણસ તે ભયથી ગાંડો જ થઇ જાય. સરસ્વતીચંદ્રની મૂર્છા વળી, તો પણ ઉઠવાની કે બોલવાની તેનામાં શક્તિ રહી ન હતી. રસ્તાની ધુળમાં ચતોપાટ પડેલો હતો તેને કાંઇક શુદ્ધિ આવતાં, પ્રથમ કાન સચેત થવા પામતાં, સિંહની ત્રાડતી ગર્જના અને તેની સાથે જ બીજાં પ્રાણીઓની ચીસો એકદમ એ કાનમાં દોડી આવવા લાગી, અને અાંખો ઉઘડતાં એ ગર્જનાઓથી ગાજતો વીંઝાતો ત્રાસ વર્ષાવતો અંધકાર અને અંધકારસાગરને પેલે કીનારે ચાંચિયાઓની તરવારોની અણિયોપેઠે ચળકતા ચમકતા તારાઓ દૃષ્ટિમાં ઉપરા ઉપરી, ઉભરાવા લાગ્યા. સરસ્વતીચંદ્રના પંડિત વિચાર નાસી ગયા; કવિતા તો પાસે આવી જ નહી; જ્ઞાનમાર્ગ તો સુઝ્યો જ નહી, માબાપ, કુમુદસુંદરી, અને ચંદ્રકાંત પણ એના મનની દષ્ટિમર્યાદામાંથી ખસી ગયાં; મરણકાળે સઉને મુકી એકલાં જવાનું તેવી જ રીતે આ મહાભયપ્રસંગે પણ સરસ્વતીચંદ્ર એકલો અનાથ ભાંય નાંખેલા જેવો કાળરાત્રિના ઘોર ભયભૈરવનું ઉગ્ર સ્વપ્ન જોવા લાગ્યો. ઉઠવાની શક્તિ નહી તો નાસવાની ક્યાંથી હોય ? નાસીને પણ આ અજાણ્યા જંગલમાં અંધકારે કેઇ દિશાએ જવું? ગમે તો ભુખ અને અશક્તિથી અથવા ગમે તે કોઇ ભયંકર પ્રાણીના મુખમાં આહુતિ પેઠે પડી, સંસારને છેલા નમસ્કાર કરવાનો પ્રસંગ પ્રત્યક્ષ લાગ્યો. તેની સાથે ભૂતકાળ દૃષ્ટિ આગળ ખડો થયે. પિતા, કુમુદસુંદરી, અને પ્રિય ચંદ્રકાંતનાં દીન મુખ નેત્ર આગળ આવી ઉભાં, અને તે સર્વનાં નેત્રમાં આંસુની અખંડિત ધાર વ્હેતી દેખાઇ. બોલવાની શક્તિવગર, બોલ્યાવગર, સરસ્વતીચંદ્રનો આત્મા જ આ જોઇ રોવા લાગ્યો; સઉની ક્ષમા માગવા લાગ્યો, કરગરવા લાગ્યો, બ્રહ્મહત્યા જેવી સ્નેહહત્યા ફરી ફરી સાંભરી આવી તેના આખા શરીરને કંપાવવા લાગી; એની આંખોમાંથી આંસુ જાતે નીકળવા લાગ્યાં અને બેપાસ આંખના ખુણામાંથી લમણા ઉપર થઈ કાન આગળ થઇ પૃથ્વીપર પડવા લાગ્યાં; તેને શીત આવ્યા જેવું થયું; રોવાની શક્તિ હત તો પોકે પોક મુકી રોવાઇ જાત, પણ રોવા જેટલી શરીરમાં શક્તિ સરખી ન હતી તેથી શરીર અને મુખ રાંક થઇ ગયાં; લક્ષ્મીનંદન, કુમુદસુંદરી, અને ચંદ્રકાંત એ શબ્દથી ભરેલા નિ:શ્વાસ અને પ્રાણ છાતીમાં ધડકવા લાગ્યા; એ નિઃશ્વાસ અને પ્રાણ હવે તો જાય તો સારું એવું ઇચ્છી તેનો માર્ગ મોકળો કરવા ગરીબડું મુખ પહોળું થઇ ગયું; પગ ચુસાવા લાગ્યા પણ હલાવવાની શક્તિ ન હતી; પેટમાં દાહ ઉઠવા લાગ્યો અને યમરાજના દૂતનાં પગલાંના જેવા ધબકારા સંભળાયા. અત્યારે એને કોઇ અગ્નિદાહ કરવા ન્હોતું; એનાં શબ પાસે મરણપોક મુકનાર પણ ન હતું. માત્ર અંધકાર ભરેલું જંગલ ભયાનક અને ગંભીર દેખાવ ધારણ કરી ચારે પાસેથી ત્રાડો નાંખતું, મારેલા શીકારપાસે ગાજતો વાઘ બેઠો હોય તેમ, બેઠું હતું અને ખાવા ધાતું હતું.

એવામાં રસ્તાની એક બાજુ પરની ઝાડીમાં કાંઇક ખખડાટ થયો, અને થોડી વારમાં એક મહાન અજગર – કાળો નાગ – ફુંફવાડા મારતો ઝાડીમાંથી રસ્તાઉપર દાખલ થયો, અને ફુવારાના પાણીપેઠે ઉછળતો ઉછળતો સરસ્વતીચંદ્ર પડ્યો હતો એણી પાસે સમુદ્રના - અટકે નહી એવા – મોજાપેઠે આવ્યો. સરસ્વતીચંદ્રના અશક્ત શરીરમાં એના ધસારાએ અને ફુફવાડાએ અચિંતી લેશ શક્તિ આણી અને ઉઠાયું તો નહી પણ નાગ આવતો હતો તે ભણી દૃષ્ટિ ફેરવી અને યમદૂત જેવા નાગને એણે દીઠો અને તેની સાથે આંખો આકાશ ભણી હતી તેવી કરી દીધી. સગાંસ્નેહીના વિચાર, પશ્ચાત્તાપ, દીનતા, શોક, અને આંસુ એ સર્વ સંસારના પદાર્થોનો વીજળીની ત્વરાથી ત્યાગ કરી દીધો, અને મહામંગળસમય જેવા મરણકાળને વાસ્તે સરસ્વતીચંદ્ર આંખના પલકારા જેટલી વારમાં સજજ અને સાવધાન થઇ ગયો. આ સર્પ પોતાને ક્યારે ડસે છે તેની વાટ ધડકતા હૃદયથી જોવા લાગ્યો. સર્વ સંસારનું હવે અવસાન આવે છે સમજી, ક્ષોભ તજી, તે શાંત થઇ ગયો. વિચારનો અવકાશ મળ્યે, ઉપજેલું મરણ-ભય, અવકાશ જતો રહ્યો તેની સાથે, જતું રહ્યું. માત્ર આત્મરક્ષણની સાહજિક વૃત્તિ[૧] સૂર્ય ગયા પછી પણ સૂર્યનાં કિરણ રસળે તેમ હજી રહી હતી અને એ વૃત્તિએ પણ એવું જ શીખવ્યું કે નાગની પાસે સચેતન દેખાવા કરતાં જડ દેખાઇ, જાય તે રસ્તે તેને જવા દેવો એ જ સારું છે. મહાસર્પ દોડતો દોડતો આવ્યો તે ક્ષણે સરસ્વતીચંદ્ર આવાં કારણથી હાલતો ચાલતો બંધ થઈ સ્તબ્ધ બની શ્વાસ રુંધી પડી રહ્યો. સર્પ આડો અવળો વાંકો થતો એની પાસે આવ્યો, પોતાના માર્ગને અવરોધ કરતો એને દેખી એની ચારે પાસ પ્રદક્ષિણા કરવા લાગ્યો, અને અંતે પ્રથમ હતો તે પાસે આવી એની છાતીપર ચ્હડી ગયો. સાપ પાંચ છ હાથ લાંબો, ચાર પાંચ આંગળ જાડો, અને વિકરાળ હતો. તારાના તેજમાં એની તીવ્ર આંખો, ધોળી મુછો, અને કાંચળીમાંનો પટ આભાસ ધરવા લાગ્યા. પોતાની પ્હોળી મ્હોટા પાંદડા જેવી અગ્રફણા ઉંચી કરી કંપાવવા માંડી સરસ્વતીચંદ્રની છાતીપર નાગરાજ ડોલવા અને ભયાનક ડાકલી વગાડવા લાગ્યો. સરસ્વતીચંદ્રના ધૈર્યની સીમા આવી ગઇ અને સાપ કરડ્યો હોય એવી જ વૃત્તિ આ દેખાવ જોઇ એને થઇ ગઇ. તેના ઓઠ, નખ, અને દાંત કાળા પડ્યા હશે તે તે અંધારામાં શું જણાય પણ તે સર્વમાં શીત વ્યાપી ગયું, કાન બ્હેરા થઇ ગયા, શરીરમાંથી લોહી ફટકી ગયું, અને આત્મા શબ જેવા શરીરમાં માત્ર સાક્ષીરૂપે રહ્યા. પાંચ સાત મીનીટ સુધી વિષમય પ્રાણી આ શરીર ઉપર આમ તેમ ફર્યો અને એના ભાર નીચે ચગદાતા ગયા તેમ તેમ શરીરના અવયવ એક પછી એક મરી ગયા જેવા થયા. અંતે એકદમ પુંછડુ જોરથી સરસ્વતીચંદ્રના મોંપર ઝાપટી, શરીર ઉપરથી ઉતરી, સાપ સામે રસ્તે ચાલ્યો ગયો. તે પળે “ઓ કરડ્યો !” એવી વેદના


  1. ૧. Instinct of self-preservation.
સરસ્વતીચંદ્રના રહેલા ભાનના અંગારામાં [૧]વિષપેઠે વ્યાપી ગઇ અને તેની

સાથે એ અંગારો હોલાઇ ગયો. જંગલ પાછું હતું તેવું થઇ ગયું; સરસ્વતીચંદ્રના હૃદયના ધબકારા પણ બંધ થઇ ગયા; એને ધારણ કરનારી રાત્રિચિતામાં અંધકાર ભડભડ લાગવા માંડ્યો, અને જંગલ-સ્મશાનમાં પ્રાણી બંધુઓની પોકેપોક ચારે પાસ ગાજી રહી અને આકાશને ભેદવા લાગી. કઠણમાં કઠણ કાળજાં ચીરી નાંખે એવી મરણપોક જેવી સિંહગર્જના બીજા સર્વ નાદને ડુબાવી દેઇ એકલી સંભળાવા લાગી; અને દશે દિશાઓ ઘોર શૂન્ય અંધકારમાં યમને ખેાળે પડેલા સરસ્વતીચંદ્રની પ્રાણયાત્રાના અવસાનના સાક્ષીભૂત થવા,એ સુતો હતો ત્યાંથી ફરતા બે ત્રણ ગાઉ સુધીમાં, કોઇ માનવી આ ભયંકર પ્રહરે હશે એવી કલ્પના પણ થવાનું કારણ ન હતું. ચારે પાસનું જંગલ, પૃથ્વી, આકાશ, અને સર્વ દિશાઓ એકદમ આ પુરુષના પ્રાણને વાસ્તે પોકારતી હતી અને એ પોકાર અંધકારમાં પડઘા પામી ગાજી ઉઠતો હતો. “ઓ સરસ્વતીચંદ્ર !” – “સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ઓ ! ઓ !”...... એવી લંબાતી કારમી ચીસ આખા અરણ્યમાંથી ઉંચા તાડોનાં વચાળાંમાં થઇને નીકળતી લાગતી હતી, અને ઠેઠ મનહરપુરીમાં પ્હોચી ચંદ્રકાંતના હૃદયને ચીરતી હતી, અને સુવર્ણપુર સુધી પ્હોચી ગરીબ કુમુદસુંદરીની આંખોમાંથી ઉંઘને હાંકી ક્‌હાડી આંસુનો સાગર ઉભરાવતી હતી અને અમાત્યનો મ્હેલ અને પ્રમાદધનનું રંગભવન તેને મન સ્મશાન જેવું કરી દેતી હતી.

માનવીનો પગસંચાર આ અરણ્યમાં થવો અસંભવિત હતો તેવે આ પ્રહરે જે રસ્તે સરસ્વતીચંદ્ર શબવત પડ્યો હતો તે રસ્તાપર કેટલેક છેટે પૂર્વદિશામાં ભૂતાવળ જેવું એક ટોળું આવતું હતું એ ટોળું બ્હારવટિયાઓનું ન હતું, કારણ એ લોક તો ક્યારના વડ આગળથી વેરાઇ ગયા હતા. અત્યારે રાત્રિના અગિયાર વાગ્યા હતા, અને રાત્રિ વધી તેમ તેમ ભયંકર થતી ગઇ, ભયંકર પશુઓની ચીસો વધતી ગઇ, અને ધુવડ ઠેકાણે ઠેકાણે નીકળી પડી ઘુઘવવા લાગ્યાં. જંગલમાં પડતી ચીસોનો પ્રત્યુત્તર મનહરપુરીની શેરીઓના કુતરા મ્હોટે સાદે કરવા લાગ્યા અને તેમનું ભસવું અને રોવું આ રસ્તા સુધી સંભળાવા લાગ્યું. આકાશમાં તારાઓના પોપડે પોપડા બંધાયા અને તેમનું તેજ એકાંત ભયસૂચક લાગવા માંડયું. ક્વચિત એકાદ રડીખડી કાળાશ મારતી ન્હાની વાદળી શીવાય જ્યાં જુવો ત્યાં તારા - જ તારા અને વચ્ચે -


  1. ૧. વિષ-ઝેર, પાણી.
ભયંકર કાળું આકાશ. ઝાકળ પણ પડવા માંડતું હતું અને ભયભીત

જગતને શરીરે પરસેવાપેઠે એકઠું થઈ સર્વને ઠંડોગાર કરી નાંખી કંપાવતું હતું. ત્રિભેટાની પૂર્વ ભણીથી આ ઘડિયે ભયંકર ભૂતાવળી જેવું ટોળું આવતું હતું અને રાત્રિની ભયંકરતાને વધારતું હતું.

આ ટોળાની આસપાસ કેટલાક જણ વાંસના ભારા બાંધી તેને મસાલે પઠે સળગાવી ચાલતા હતા. એ ઉંચા વાંસની મસાલો વગરતેલે બળતી હતી અને તેના શિખરો ઉપર બળતા રાતા-પીળા ભડકા ઘણેક છેટે સુધી પ્રકાશ નાંખતા હતા, અને ઝાડો અને તાઓની વચ્ચે અંધકારના ઉંચા શિખર-કળસ જેવા લાગતા હતા. કોઇ કોઇ વખત તે વાંસની ગાંઠો બળતાં ફુટતી અને ચારે પાસ તેના તનખા કડાકા કરતા ઉડતા હતા. આ ટોળામાં સર્વેયે માથે શિવના ગણની પેઠે મ્હોટી જટાઓ ઉંચી બાંધી લીધી હતી અને કાળા વાળની ઉભી ગડો અજવાળામાં મ્હોટા સાપની પેઠે ચળકતી હતી અને જટાઓ ઉભા રાફડાઓ જેવી લાગતી હતી, આ ટોળું બાવાઓનું હતું અને તેમના પગનો ઘસારો ઘણે છેટેથી સાંભળીને સાપ સરસ્વતીચંદ્રના શરીરપર પળવાર સ્તબ્ધ ઉભો રહ્યો હતો અને તે ઘસારો તથા પ્રકાશ દૂરથી પાસે આવતો સમજી એકદમ ન્હાસી ગયો હતો.

નાગ ગયો અને થોડીક વાર થઇ હશે એટલામાં તો બાવાઓ સરસ્વતીચંદ્રનું શરીર પડ્યું હતું તે જગા આગળથી દૃષ્ટિગોચર થયું, આશરે ત્રીશ ચાળીશેક બાવાઓનું ઝુંડ હતું અને સઉની વચ્ચે એક રથ હતો તેને બળદ ન જોડતાં બાવાએ જ ખેંચતા હતા. બાકીના બાવાઓમાંથી કેટલાક, હાથમાં કરતાળ, ડફ, કાંશીઓ, વગેરે લેઇ, વગાડતા હતા. કેટલાક પાસે માત્ર મસાલો જ હતી. કેટલાકની પાસે લાંબી ઉધાડી તરવારો હતી અને તરવારવાળાઓ રથની આશપાશ અને ટોળાની આશપાશ ચોગમ આંખો ફેરવતા ફરતા હતા. એક જણની પાસે ભગવા રંગનો ઉંચે ઝુંડો હતો તે રાત્રે પણ ઉન્હાળાના પવનના સપાટાથી ફરફરતો હતો અને મસાલોના વીંઝાતા ભડકાઓની ભભક સામે વીંઝાતો હતો અને લાલ ભગવો રંગ ભડકાઓના રંગથી રંગાઇ ચારપાસના અંધકારમાં સઉથી ઉંચે જાતે એક ભડકો જ હોય તેમ ભભક મારતો હતો, રાખથી ભરેલી જટાઓ, ભરમથી ભરેલાં માળાઓના ભારથી લચી પડતાં અર્ધાં ઉઘાડાં અને અર્ધા ભગવે લુગડે ઢંકાયલાં કાળાં પ્રૌઢ બળવાન શરીર, આકાશ સુધી ગાજી નીકળતી સિંહવાઘને પણ ડરાવતી આખા વનમાં પડધા ભરતી જાડી ફાટી ભજનની નિર્ભય બુમો, અને એકાંત ભયંકર જંગલમાં ભજનની લ્હેમાં ઉન્મત્ત પડતા પગના ધબકારા : આ સર્વથી આ અલ્મસ્ત જોગિઓનું ટોળું આખા જંગલને, ચ્હડાઇ કરી, સર કરતું લાગતું હતું અને સિંહવાઘનાથી ત્રાસ થાય તેના કરતાં આ સ્થળે આ સમયે તેમની આ દશાનું દર્શન માણસની છાતીને ઓછી કંપાવે તેવું ન હતું. ફાળેા ભરતા ભરતા, ત્રાડો નાંખતા નાંખતા, મસાલોની ઉંચી ઝાળેની ગુફાઓમાંથી ઉછાળા મારતા હોય તેમ, ધસતા ધપતા સર્વ બીહામણા બાવાઓ સરસ્વતીચંદ્રના શરીર પાસે. આવી પહોંચ્યા. તેમના શરીરપર જુદે જુદે ઠેકાણે કરેલાં ગોપીચંદન, કંકુ, અને સિંદૂરનાં છાપાં તિલકને લીધે મ્હોટા વાઘના ટોળાના જેવા તે લાગતા હતા. તેમના ખખડતા લાંબા કાળા ચીપીઆ મ્હોટા નાગની પેઠે તેમની કેડેથી, ખભાથી, અથવા હાથથી લટકતા હતા. સઉના ખભા પાછળ હોડકાના આકારનાં જાડાં લાંબાં લાકડાનાં ભિક્ષાપાત્ર નાંખી દીધાં હતાં અને ભરેલી ભગવી ઝોળિયો સઉની બગલો નીચે ઝોળા ખાતી હતી. મહારુદ્રની આસપાસ વીંટાઇ વળી આવતા ભયંકર ગણોના ટોળા પેઠે એ ટોળું ફાળે ભરતું સરસ્વતીચંદ્રના શરીર પાસે આવી પહોચ્યું, અને એ શરીર ચગદાઈ જાય તે પ્હેલાં મસાલોનું અજવાળું એના પર પડવાથી સઉની આગળ ચાલતો બાવો ચમક્યો, ખચક્યો, એ શરીર પર દૃષ્ટિ નાંખી ઉભો રહ્યો, અને તેની સાથે જ સર્વ ટોળું ઉભુ રહ્યું, નિશ્ચેષ્ટ થયું, એકદમ બોલતું બંધ થઇ ગયું, અને ગાડીમાંથી જોગીશ્વરે બુમ પાડીઃ “મોહનપુરી, શું છે ?” આગળ ચાલતા બાવા મોહનપુરીની આશપાસ તરવારબંધ કેટલાક બાવા ભરાઈ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને નીચે વળી મસાલવડે ન્યાળતો . પ્રચંડ બાવો મોહનપુરી બોલ્યો : “ગુરુજી, માણસનું શરીર શબવત પડેલું છે.” વધારે ન્યાળી બેલ્યો: “આજ્ઞા હોય તો સ્પર્શ કરીને જોઉં કે જીવે છે કે શબ છે.” પરીક્ષા કરી સર્વેયે ઠરાવ કર્યો કે જનાવરે એને માર્યો નથી અને એ મરી ગયો નથી. ગુરુજીએ ધ્યાન ધરી આજ્ઞા કરી: “બચ્ચા, એ પુરુષને ઉચકી લે, શ્રી જગદીશની ઇચ્છા છે કે સુંદરગિરિના મઠનો આ પુરુષ ઉત્કર્ષ કરશે અને ત્યાંના સાધુ ગોસાંઇઓ જતે દિવસે એના આશ્રિત થઈ ર્‌હેશે, બચ્ચા, એને જીવની પેઠે જાળવજે! એ મહાપુરુષ થશે અને સાધુસંત એના ચરણારવિંદની સેવા કરશે !”

ત્રિકાળજ્ઞાની ગણાતા જોગીશ્વરનું આ અણધાર્યું વચન સાંભળી સર્વ સ્તબ્ધ થઇ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને બળવાન મોહનપુરીએ બાળકના શરીરની પેઠે પોતાને ખભે નાંખ્યું. આવ્યા હતા તેવા જ સર્વ કીર્તન કરતા ચાલ્યા. આગળ જતાં આખું જંગલ બળતું હતું અને ગાઉના ગાઉ સુધી ભયંકર દવ પ્રકટી રહ્યો હતો. ઠેકાણે ઠેકાણે બળતા વાંસની ગાંઠો છુટતી હતી અને તનખા ઉડતા હતા. ન્હાનાં મ્હોટાં પશુઓ પરસ્પર-વિરોધ ભુલી જીવ સાચવવાની સર્વસામાન્ય ઇચ્છાને વશ થઇ દોડધામ કરી રહ્યાં હતાં. ઉંઘેલાં પક્ષિયો માળાની સાથે બળી જતાં કારમી મરણચીસો નાંખી શાંત ભસ્મ બની જતાં હતાં, દવના પ્રકાશથી અને ધુમાડાથી ઉભરાતા આકાશમાં પણ આગ લાગેલી જણાતી હતી. આ ભયંકર દવથી બળતા જંગલ વચ્ચે માર્ગ શોધી ક્‌હાડી આગમાં પ્રવેશ કરતું હોય, દવ વચ્ચે ચાલતું હોય, અગ્નિલોકમાં જ જીવતું હોય તેમ જોગિયોનું ટોળું પ્રકાશમાં, તાપમાં, ભડકામાં લીન થઇ ગયું, અદ્રશ્ય થઇ ગયું. મોહનપુરીના ખભાઉપર પડેલા સરસ્વતીચંદ્રના ઉત્તમાંગમાં લટકતાં લોચનકમળ, તાપને બળે ઉઘડ્યાં હોય તેમ પળવાર ઉઘડી, આ ચિત્રસ્વપ્નને જોઇ, કંઇ પુછયા વિના, બોલ્યાવિના, વિચાર્યા વિના, પાછાં મીંચાઇ ગયાં, અને એ પણ આરે અદૃશ્ય થઈ ગયાં.