સરસ્વતીચંદ્ર ભાગ ૨/કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી
← જંગલ, અંધારી રાત, અને સરસ્વતીચંદ્ર | સરસ્વતીચંદ્ર ભાગ ૨ કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી ગોવર્ધનરામ ત્રિપાઠી |
પ્રાતઃકાળની તૈયારિયો → |
નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર જ છે, ચંદ્રકાંત હવે તેને મુંબઇ લેઇ જશે, તે પાછો મુંબાઇનગરીમાં યશસ્વીપણે વર્તશે ઇત્યાદિ વિચારથી આનંદમાં આવેલી કુમુદસુંદરી પ્રાત:કાળે એ સર્વ આશાનું ઉચ્છેદન કરવા સુવર્ણપુરમાંથી પણ જતો ર્હેતો એને જુવે અને પોતાને તે મુગે મ્હોડે જોઈ ર્હેવું પડે એના જેવી વેદના બીજી કેઇ ? બુદ્ધિધનના ઘરમાં અત્યંત ઉત્સવને ક્ષણેજ તેને આ ગુપ્ત ઘા પડ્યો અને સર્વના દેખતાં મૂર્છા ખાઇ તે ઢળી પડી હતી તે આપણે જાણિયે છિયે. પિયર જઇને આ વાત માતાપિતાને જણવું અને સરસ્વતીચંદ્રની શોધ ક્હાડાવું એવો તેણે નિશ્ચય કર્યો અને એ નિશ્ચય નિષ્ફળ થતો અટકાવવાને જ હરભમ વગેરે સ્વારોને એણે મનોહરપુરી મોકલ્યા હતા, કારણ પોતાને તે દિવસ મુકી બીજે દિવસે નીકળવાનું હતું.
એ જવાની તે વાતથી કૃષ્ણકલિકા અને પ્રમાદધન પણ આનંદમાં આવ્યાં હતાં. પણ બુદ્ધિધને તેમની વાત જાણી, એવું જાણવાથી તેમના આ રંગમાં ભંગ પડ્યો, એટલું જ નહી, પણ બુદ્ધિધને પોતાને કાંઇક શિક્ષા કરવા ધારી છે તે જાણી ગભરાટ વછુટ્યો. નવીનચંદ્ર મદદ કરવાની ના કહીને ચાલ્યો ગયો જાણી, ગભરાટ વધ્યો, અને સલાહ લેવાનું કોઇ ન મળતાં કૃષ્ણકલિકાને શોધી ક્હાડી તેની જ સલાહ લેવા ધાર્યું. કૃષ્ણકલિકાને સંદેશો મોકલી રાજેશ્વરમાં બોલાવી; એણે અક્કલ આપી કે કુમુદસુંદરી અને નવીનચંદ્રને આડો સંબંધ છે તે વાત મ્હેં તમને કહી અને તે જાણવાથી કુમુદસુંદરીએ આ આરોપ ઉભો કર્યો છે એવું તમારે ક્હેવું, પ્રમાદધન ઘેર ગયો અને વિચાર સુઝયો કે આ વાત કહીશું તે કોઇ માનશે નહી. એ વાતને ટેકો આપવા શું કરવું તેનો વિચાર કરતાં કરતાં મેડીમાં ફર્યા કર્યું અને ફરતાં ફરતાં “મર્મદારક ભસ્મ ” બની ગયેલા કાગળોમાંનો એક કાગળ કુમુદસુન્દરીએ ફાડી નાંખેલો પણ તેના ઝીણા કડકા થયેલા તેમાં ચારપાંચ કડકા બાળી નાંખવા રહી ગયેલા તે પોતાના ટેબલ નીચે પડેલા હાથ આવ્યા, તેને સાંધી વાંચી જોયા, નવીનચંદ્રના અક્ષર ઓળખ્યા, વાંચવા માંડ્યાં, અને તે વાંચતાં એવું લખેલું નીકળ્યું કે
- “ હતી લક્ષ્મી ! હતા તાત ! હતી વ્હાલી ! હતો ભ્રાત !”
આટલું બેસતામાં પ્રમાદધન આનંદમાં આવી ગયો; - વ્હાલી એવું “નવીનચંદ્રે લખ્યું ! આથી શો બીજો પુરાવો ?” વળી ક્રોધ ચ્હડયો: “વાહ વાહ ભણેલી ! મને ખબર નહી કે નવીનચંદ્રની વ્હાલી તું હઇશ !” આ વિચાર કરે છે એટલામાં કુમુદસુંદરી આવી પ્રમાદધનની મુખમુદ્રા ઉપર કંઇક નવો જ ફેર પડેલો તે ચતુરા ચેતી ગઇ. એ કંઇ પુછે એટલામાં તે પ્રમાદધન જ ધડુકી ઉઠયો : “કેમ, મ્હારાં ડાહ્યાં ને શાણાં ભણેલાં ! તમે આવાં ઉઠ્યાં કે ?”
કુમુદસુંદરી અત્યાર સુધીના દુ:ખમાં જડ બની ગઇ હતી, બેભાન જેવી થઇ ગઇ હતી, તે આ અપૂર્વ પુષ્પાંજળિના વર્ષાદથી ચમકી જાગી ઉઠી, જોઇ રહી, ધીરજ પકડી, અત્યંત નરમાશથી ધીરે પણ સ્થિર સ્વરે બે અક્ષર બોલી : “શું છે?”
અધીરાની ધીરજ રહી નહી, અને વધારે ખીજાઇને બોલ્યો : “શું છે - શું છે -શું ? આ પેલા નવીનચંદ્રની વ્હાલી થનારી તે તું ! નહી કે ? વાંચ આ અને ફોડ આંખો !” કાગળના કડકા ધ્રુજતી કુમુદ ઉપર ફેંક્યા. ગરીબ બીચારી કુમુદસુંદરી ! એને બળતામાં ઘી હોમાયું, પડ્યા ઉપર પાટું થયું. એના મ્હોં ઉપરનું તેજ ઉતરી ગયું, એના પગ ધ્રુજવા લાગ્યા, પરસેવાના ઝાબેઝોબ વળી ગયા, નીચું જોઇ રહી, અને આંખમાંથી ખરખર આંસુની ધારા ચાલવા લાગી, પળવારમાં પાંચસો વિચાર એના કુમળા દુ:ખી મગજમાં તરવરી રહ્યા અને એના અંત:કરણને વલોવવા લાગ્યા. “અરે ! હું સાચી વાત કોને કહું અને કોણ માનશે ? મ્હારે કપાળે આ કાળી ટીલી આવવી તે પણ બાકી રહી ! જુઠું કેમ બોલું ? આમને કેમ છેતરું ? દમયન્તીનો હાર ચોરાયો હતો તેના જેવી આ મ્હારી દશા થઇ ! એથી પણ ભુંડું થયું એ સાચી વાત જાણનાર પરમેશ્વર ! હું સર્વ વાત તને સોપું છું. ત્હારે જે કરવું હોય તે કર – જે રસ્તે ગોળો ફેંકવા ધાર્યો હોય ત્યાં પ્હોંચાડ. હું તો અપરાધી પણ નથી અને નિરપરાધી પણ નથી ! શું બોલું ? ” કંઈ પણ ઉત્તર દીધા વિના કાગળના કડકા પ્રમાદધનના હાથમાં પાછા મુક્યા.
પ્રમાદધન વધારે ચ્હીડાયો : “કેમ ! ખરી વાત માનવી છે કે નહી ? બોલ !” કુમુદસુંદરીને એક લપડાક ચ્હડાવી દીધી. એના ઉત્તરમાં – ઉત્તર દેતા પ્હેલાં – કુમુદસુંદરીનાં આંસુ જતાં રહ્યાં, પરસેવો બંધ થયો, ધ્રુજતી રહી ગઇ, અને ગાલ પંપાળવો સરખો મુકી દઇ, બેધડક આંખે પતિના સામું જોઇ એ બોલી: “શાવાસ્તે આટલો આચકો ખાવ છો ? ધોલ મારીને કેમ અટકો છો ? ઓ મ્હારા સરદાર ! આ પેલા ખુણામાં તરવાર પડી છે તે મ્હારે ગળે મુકો, તમારી મ્હારી વચ્ચે વ્યર્થ બોલાબોલી થાય તે શું કરવા જોઇએ ? તમારે હાથે હું મરીશ તો મ્હારો મોક્ષ થશે. તમારે હાથે મરવાનું ક્યાંથી ?” જાતે જ તરવાર આણી પ્રમાદધનની પાસે મુકી અને તેના આગળ ગળું નીચું કરી ઉભી – “રખે અટકતા ! મુકો આ ગળા ઉપર તરવાર ! મ્હારે ધન્ય ઘડી ને ધન્ય દ્હાડો કે આ વખત આવ્યો !”
ઉશકેરાયલો પતિ પોતાને મારી નાંખશે એવો નિશ્ચય કરી, અને હું આ દુ:ખના ભરેલા ભવસાગરમાંથી છુટીશ એવું જાણી, પ્રતિપળે તરવારના ઘાની વાટ જોતી કુમુદ ગળું નીચું કરી રહી, અને થાકી ઉચું જુવેછે તો પ્રમાદધન મળે નહી. કુમુદસુંદરીની આવી ભયંકર સુચનાથી આભો બની જઇ, સજડ થઇ જઇ, શું કરવું તે ન સુઝતાં, કાગળના કડકા ખીસામાં નાંખી એ ચાલ્યો ગયો, વધારે બોલવા કે કરવાની તેની શક્તિ ન રહી. ગુંચવારામાં પડેલી, દુ:ખમાં પડેલી, કુમુદ ખુરસીપર માથું ઉંધું નાંખી રોતી રોતી બેઠી.
પ્રમાદધને કૃષ્ણકલિકાને શોધી ક્હાડી, હકીકત કહી, અને શીખામણ મળી કે “હવે કુમુદસુંદરી સાથે લાંબું કરવામાં માલ નથી, એને કહો કે ત્હારી પરીક્ષા કરવા આટલું કર્યું હતું, તું બગડેલી નથી એવી મ્હારી ખાતરી થઇ એવું ક્હો એને વ્હાલ દેખાડો અને છેતરી પિયર મોકલી દ્યો, એ જાય એટલે આપણે બેનો કાંટો જશે, તમારા મનમાં મેલ રહ્યો એને લાગશે તો જવાનું બંધ રાખશે અને આપણે સાલ ર્હેશે, એ જાય તો પછી તમારા પિતા આગળ મ્હારી બાબત ફરિયાદી આવે તો આ કાગળના કડકા બતાવજો અને ક્હેજો કે તમને કુમુદની નઠારી ચાલની ખબર પડી એટલે એણે આ તમારા સામી વાત ચલાવી. પણ એ બધું એના ગયા પછી કરજો.”
પ્રમાદધનને આ યુક્તિ ગમી, તેણે તે સાંગોપાંગ પાર ઉતારી, કુમુદસુંદરી છેતરાઇ, અને પિયરના અને સાસરાના સ્વારોની વચ્ચે ગાડી રાખી, તેમના રક્ષણમાં રહી, સરસ્વતીચંદ્ર નીકળ્યો હતો તે દિવસ વીતતાં અડધી રાત્રિ ગયા પછી છેક પાછલી રાત્રે નીકળી. સાસુ અને નણંદ તે પ્રસંગે વહુને ભેટ્યાં અને સર્વે પુષ્કળ રોયાં, બુદ્ધિધન ગળગળો થઇ ગયો, અને પ્રમાદધન વગર બાકી ઘરનાં સર્વ માણસ ઉદાસ જેવાં થઇ ગયાં. બુદ્ધિધનના ઘર આગળથી ગાડી ચાલી. “ કુમુદસુંદરી; વ્હેલાં આવજો,” “ભાભી, જો જો, પંદર દિવસથી વધારે એક દિવસ પણ ર્હેશો નહી, હોં !” “બેટા, પિયરમાં તો સઉને આનંદ થશે પણ મારું તો ઘર તમે આવશો ત્યાં સુધી સુનું, હોં – બેટા, જરુર વ્હેલાં આવજો - સાસુની દયા જાણજો,” “ભાભીસાહેબ, સંભાળ રાખજો ને વ્હેલાં આવજો.” આવા અને એ જાતના બીજા શોકમય શબ્દોથી, બુદ્ધિધનના નિ:શ્વાસથી, સૌભાગ્યદેવીનાં ડુસકાંથી, અને અલકકિશોરીના મ્હોટે સાદે રોવાથી, વીંધાયલા અંધકારને પાછળ મુકી સર્વના શોકને સમાસ આપતી રોતી રોતી બેઠેલી કુમુદસુંદરીના રથનાં ચક્રનો સ્વર અને સ્વારોના ઘોડાઓના પગના ડાબકા અંધકારમાં સંભળાતા બંધ થઇ ગયા, તેની સાથની મશાલોનો પ્રકાશ અદૃશ્ય થયો, અને બાકી રહેલી રાત્રે ઉંઘવાનું મુકી દઇ સુવર્ણપુરના નવા કારભારીના ઘરમાં, સર્વ મંડળ ચતુર અને સુશીલ વહુના ગુણની વાતોનાં કીર્તન કથા કરવા મંડી ગયું, અને માત્ર પ્રમાદધન નીરાંત વાળી, ઉલ્લાસ પામી, ઘસઘસાટ ઉંધી ગયો અને કૃષ્ણકલિકાનાં સ્વપ્નમાં પડ્યો.
કુમુદસુંદરીએ ગામ છોડ્યું ત્યાર પ્હેલાં તેના રથને રોકનાર માત્ર વનલીલા મળી. કૃષ્ણકલિકાને પ્રમાદધન મળ્યો હતો અને તેમની બેની વચ્ચે વાત થઈ હતી તે સર્વ એણે અકસ્માત્ સંતાઇ રહી છાનીમાની સાંભળી હતી અને કુમુદસુંદરીને કહું તે એને નકામું દુ:ખ થશે એમ જાણી તથા પ્રસંગ ન મળવાથી એણે એ વાત એને કહી ન હતી, પરંતુ આખરે એ વાત પેટમાં રાખી શકી નહી અને છેક મોડી રાત્રે વિચાર થયો કે હું જ્યારે કુમુદસુંદરીને નહી કહું ત્યારે કોણ ક્હેશે ? આથી એણે બધી વાત કાગળ પર ચીતરી ક્હાડી અને પાછલી રાત્રે પોતાના ઘરની બારીએ જાગતી ઉભી રહી તે જ્યારે રથ અને સ્વાર આવતા દીઠા એટલે નીચે ઉતરી રથ ઉભો રખાવી માંહ્ય ચ્હડી, કુમુદસુંદરીના હાથમાં કાગળ આપી અજવાળું થાય ત્યારે વાંચવા કહ્યું, અને બોલી કે “કુમુદબ્હેન, આ કાગળમાં સ્હેજ હકીકત લખી છે તેથી રજ ગભરાશો નહી – ટપાલમાં કાગળ લખાય નહી અને આ ગાડીમાં વાત થાય નહી માટે આ કાગળ લખી આપ્યો છે તે નીરાંતે વાંચજો. તમારા પ્રતાપથી સઉ વાનાં સારાં થશે.” વળી જતી જતી બોલી “ કુમુદબ્હેન, માયા રાખજો ” “તમારો સ્નેહ ભુલાવાનો નથી,” “મારે તમારા વિના વાત કરવાનું ઠેકાણું નથી,” “કાગળ હું લખીશ – તમે લખજો,” “વ્હેલાં આવજો, ” “ધીરજ રાખજો,” “તમારાં ગુણિયલને બોલાવજો.” “અરેરે, માયા જ ખોટી – પાછી જવાનું કરું છું પણ જવાતું નથી,” “તમારા ગુણોવડે અમે સઉ કાચે તાંતણે બંધાયલાં છિયે,” “ હાય, હાય, શું જશો જ !” આ અને એવાં અનેક કરુણ વાકયો બોલતી રોતી વનલીલા કુમુદસુંદરીને ભેટી પડી, બે જણ રોયાં. “એ મ્હારી વનલીલુડી – એક રાત ત્હારી સાથે વાત કરવાની મળી હત તો વરાળ ક્હાડત ! – પણ હવે તો જે થયું તે ખરું ” – “માયા રાખજે, ” “ રત્નનગરી અવાય તો આવજે ” વગેરે બોલતી કુમુદ ફરી ફરી ભેટી અને રોઇ, અને આખરે બે જુદાં પડ્યાં, વનલીલા રોતી રોતી ઘરમાં પેઠી; અને એણે આપેલા કાગળમાં લખેલા ભયંકર સમાચાર ન જાણી, એમાં કાંઇ ગામગપાટા હશે એમ કલ્પતી કુમુદસુંદરીએ એ કાગળ નિશ્ચિંત ચિત્તથી કમખામાં મુકયો. રથ ચાલ્યો. પિયરના, સરસ્વતીચંદ્રના, પ્રમાદધનના, સાસુસસરાના અને નણંદના, અનેક અનેક વિચારો કરતી બાળા હાલતા ખડખડતા રથમાં શરીર અને મન થાકી જતાં ઉંધી ગઇ, ઉંઘમાં ને ઉંઘમાં થોડી થોડી વારે જરી જરી રોવા લાગી. એનું નિર્દોષ અને દુઃખી ચિત્ત આ અનેક ખટપટથી ભરેલા દુષ્ટ સંસારમાંથી પળવાર વિરામ પામ્યું ન પામ્યું થયું. સ્વપ્નસંસારે પણ એની નિદ્રાને શાંત થવા દીધી નહીં. છતાં સ્ત્રીજાતનો, પક્ષ ખેંચી નિદ્રામાતાએ સર્વ ક્રૂર સ્વપ્નોને કુમળા મગજમાંથી હાંકી ક્હાડ્યાં, અને પવિત્ર દીકરીની ધડકતી છાતી ઉપર અદૃશય આશ્વાસક હાથ ફેરવવા લાગી.
અંધારી પાછલી રાત્રે તારાઓના પ્રકાશથી અને મસાલોના અજવાળાથી થતા પ્રકાશ વચ્ચોવચ, મધુરી મધુરી ત્હાડ વાતી હતી તેનું સુખ અનુભવતું અને કુમુદસુંદરી જાગે નહી માટે ધીમી ધીમી વાતો કરતું સ્વારોનું મંડળ રથની ચારે પાસે ચાલવા લાગ્યું. ગામનો દરવાજો છોડ્યો અને સઉ જંગલમાં માર્ગ ઉપર ચાલ્યાં. ક્રુર માનવીઓથી થાકેલી બાળકીની દયા જાણતાં હોય તેમ ક્રૂર પશુઓ રાત પુરી થવા આવતાં શાંત થઇ સંતાઇ જતાં હતાં, તેમના સ્વર બંધ પડ્યા હતા, અને કુમુદસુંદરીને માટે આખું જંગલ નિર્ભય થઇ જતું દેખાયું. ઝાડોનાં પાંદડાંમાં, ફુલોના સુગંધમાં, સુકાતા ખખડતા ઘાસમાં, તળાવોમાં, નદિયોમાં, અને વિશાળ આકાશમાં થઇ આવતો શાંત ધીરો ઠંડો વાયુ રથના પડદાઓમાં પેસી, સ્વપ્નમાત્રને હાંકી ક્હાડી, ગરીબ કુમુદના નિદ્રાવશ હૃદયની શાંતિ વધારવા અને અબળાની આશિષ લેવા લાગ્યો.