લખાણ પર જાઓ

સરસ્વતીચંદ્ર ભાગ ૨/પ્રાતઃકાળની તૈયારિયો

વિકિસ્રોતમાંથી
← કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી સરસ્વતીચંદ્ર ભાગ ૨
પ્રાતઃકાળની તૈયારિયો
ગોવર્ધનરામ ત્રિપાઠી
બ્હારવટિયાઓનો ભેટો →


પ્રકરણ ૯.
પ્રાત:કાળની તૈયારિયો.


સુવર્ણપુરી અને મનોહરપુરી વચ્ચેનો રસ્તો સુભદ્રા ઉપર પુલઉપર થઇને જતો હતો; એ પુલ પાકા પથ્થરનો બાંધેલો હતો અને એની નીચે કરેલી કમાન તળે થઇને નદી ઘુઘવાટ કરતી ચાલી જતી હતી. સમુદ્ર પાસે હોવાથી ચૈત્રમાસ છતાં પણ પાણી માથોડું માથોડું ર્‌હેતું, અને પુલ આગળ તો ઉંડાણા હતું. ઉંડાણમાં ધસી પડતું અને કમાનમાં અટકી જેરથી માર્ગ કરતું પાણી કમાનથી બહાર નીકળતાં બે પાસની ભેખડોને કાપતું તે એવી રીતે કે અજાણ્યું માણસ ત્યાં ઉભું રહે તો ભેખડ ભાગે ને માણસ નદીમાં પડી જાય. અહીં ગળ નદીમાં તાણ એટલું હતું કે મ્હોટા મ્હોટા તારાએ તરવાની છાતી ચલાવતા ન હતા.

આજની મધ્યરાત્રિ પછી આ જગાએ અંધકારમાં છાનીમાની ધામધુમ થવા માંડી. બરાબર બારેક વાગે શંકરમહારાજ હાથમાં જાડી ડાંગ લેઇ આ રસ્તેથી સુવર્ણપુરની વાટે દોડ્યો, અને ધોરી રસ્તાથી આડું ગાઉ ઉપર સુવર્ણપુરના તાબાનું ગામડું હતું ત્યાં ફલંગો મારતો ગયો. જંગલનાં ક્રૂર પ્રાણિયોની તેમ સુરસંગની બ્હીક રાખવાનું છોડી દઇ આ શૂર બ્રાહ્મણ નકાળજો થઇ ગયો હતો, અને બીજાં વાઘવરુમાંનું એ પણ એક પ્રાણી હોય તેમ જતો આવતો. એને ગયે બે ત્રણ કલાક ભાગ્યે થયા હશે એટલામાં તો માં મનહરપુરીથી નીકળેલી જથાવાળી ઘેોડેસ્વારોની તુકડી બેધડક સરિયામ રસ્તે થઇને આવી, પુલ છોડતા પ્હેલાં તરત એ તુકડીના બે ભાગ પડ્યા, એક ભાગને લઇ વૃદ્ધ માનચતુર અને અબ્દુલ્લો આગળ ધસતા ચાલ્યા, બીજો ભાગ લેઇ ફતેહસંગ પુલ નીચે રસ્તાની એક પાસ રહ્યો, તેમાંથી બે ચાર જણાઓ ઘોડા ઉપરથી ઉતરી મ્હોટાં તાપણાં સળગાવવા લાગ્યા, અને ચારે બાજુએ નજર નાંખતું સાવધાન રહી સઉ મંડળ શૂરી વાતોમાં રાત્રિ ગાળવા લાગ્યું. એ પછી પા કલાક થયો નહી હોય એટલામાં તે ત્રિભેટાના વડથી આણીપાસ બબે ગાઉ સુધી હેરાફેરા કરતાં મનહરપુરીનાં માણસોની બુમો સંભળાવા લાગી: “ખમા મહારાજા મણિરાજને !”, “ન્હાસો ! -ન્હાસો ! મણિરાજના શત્રુઓ જ્યાં હોય ત્યાંથી ન્હાસો !”. જયારે પુલની દક્ષિણે તાપણીઓના ઉંચા ભડકાઓ ચોપાસ અને આકાશમાં વિકરાળ સિંદૂર જેવી જ્વાળાઓ ફેલાવતા હતા, ધુમાડાના ગોટેગોટ તારામંડળને રાહુપેઠે છાઇ દેતા હતા, અને તાપ ભડુક ભડુક કરતો ગાજતો હતો, ત્યારે ઉત્તર પાસે મણિરાજના વિજયધ્વનિ આવી રીતે ગાજી ર્‌હેવા લાગ્યા. માનવી તો અહીં આવે ત્યારે આવે પણ જંગલમાં આજના આ અપૂર્વ ઠાઠથી સિંહ વાઘ જેવાં પ્રાણિયો તો અત્યારથી જ દિવસ ઉગ્યો હોય તેમ શાંત થઇ જવા લાગ્યાં, અને આશ્ચર્યથી શું થાય છે તે જોવામાં ચિત્ત પરોવવા લાગ્યાં – જંગલનાં પ્રાણિયો ઉપર તો મણિરાજની આણ વર્તાઇ ચુકી ! પુલ આગળ થતા ભડકાનાં પ્રતિબિમ્બ અને આસપાસ પડતા મણિરાજના નામના વિજયધ્વનિના પ્રતિધ્વનિ એ ઉભય સુભદ્રાના વ્હેતા પાણીમાં ઉછળતાં ઉછળતાં દૂર જતાં હતાં, અને રત્નગરીના પ્રધાનની પુત્રીના માર્ગમાંથી સર્વ અમંગળ હાંકી ક્‌હાડવા વીરધ્વજ ફરકાવતાં હતાં. આણીપાસ સુરસિંહનાં માણસો રાવણામાંથી વેરાઇ પોતાના સરદારે બતાવ્યા પ્રમાણે વ્હેંચાઈ ગયાં હતાં અને દરેક તુકડી પોતાના નાયક સાથે આસપાસનાં જંગલમાં વેરાયલાં ગામડાંમાં પાંચેક કલાકની અસ્વસ્થ નિદ્રા ભોગવવા વેરાઇ ગઇ હતી. કોઇક ગામડાં ઉજડ હતાં અને ઉજડ થઇ ગયેલી વસ્તીનાં બાકી રહેલાં ગોઝારાં ઘર શીવાય તેમાં કંઇ ન હતું કોઇક ગામડાંમાં જુજ વસ્તી હતી તે સુરસિંહનાં માણસો, પડ્યાં ર્‌હેવા આવે તેને ના ક્‌હેવા છાતી ચલાવે એટલા ચોકીદારો ત્યાં ન હતા. આવી જગાઓમાં ભોંય ઉપર અથવા ઘાસ ઉપર અથવા હોડવાની ચાદર ઉપર જેને જેમ ફાવ્યું તેમ પથારી કરી, હાથ ઉપર અથવા પથરા ઉપર અથવા માથે બાંધવાનાં ફાળિયાં ઉપર અથવા ઢાલ ઉપર ઉશીકાં કરી, તરવારો કેડે રાખી, કામઠાં અને ભાલેડાં ઉપર હાથ રાખી, બરછીએ અને ડાંગ ઉપર પગ નાંખી, અધ ઉધતાં અને અર્ધા જાગતાં પ્રતાપસિંહ, વાઘજી, ભીમજી અને ચંદનદાસનાં માણસો જુદે જુદે ઠેકાણે સુઇ ગયાં. તેમાંનાં થોડાંક ન્હાની ન્હાની તાપણીઓ સળગાવી, આસપાસ ભરાઇ, ચારે પાસ નજર ફેરવતા, ચોકી કરતા બેઠા, ચલમે છુંકવા લાગ્યા, વચ્ચે વચ્ચે ઝીણી ઝીણી વાતે કરી નિદ્રાને દૂર ક્‌હાડી મુકવા લાગ્યા, અને જેમ જેમ રાત ચાલતી ગઇ તેમ તેમ ઉંચે તારાઓ ભણી નજર કરી સઉને ઉઠાડવાને અને ચાલવાને બાકી રહેલો વખત માપવા લાગ્યા.

ઉભય પક્ષનાં માણસોએ રાત્રિ અધીરાઇ અને આતુરતાના ઉજાગરામાં ગાળી. સુરસંગ અને તેનાં માણસોને કાંઇક નિશ્ચિંતતાનું કારણ એટલું હતું કે પોતાની છાની વાતની કોઇને પણ ખબર પડી હશે એવી તેમને કલ્પના સરખી પણ ન હતી. તેઓએ સઉ જાતની તૈયારી રાખી હતી, પણ આટલે સુધી તેમનાં મન તયાર ન હતાં. વિઘાચતુરની રાજનીતિનું એક ધોરણ એ હતું કે સઉ વાત એને પોતાને કાને આવે એટલું જ નહી પણ જેને જે કામ સોંપ્યું હોય તે માણસ તે કામ બાબત ચારેપાસથી ખબર રાખે. દેશી રાજ્યમાં ઘણું ખરું એમ બને છે કે હાથ નીચેનાં માણસો વિશ્વાસયોગ્ય હોતાં નથી ને તેમના ઉપર વિશ્વાસ રાખવામાં આવતો પણ નથી. આનું પરિણામ એવું થાય છે કે માણસોને કામ સોંપ્યા વિના તો ચાલતું નથી, છતાં અવિશ્વાસને લીધે કામ કરવાની સ્વતંત્રતા આ માણસોને આપવામાં આવતી નથી. આમ પરતંત્ર થયેલાં માણસ કામ સાધવાની વૃત્તિ રાખવા કરતાં ઉપરીને ખુશ રાખી પોતાને માથે જોખમ ન આવે એવા માર્ગ લેવા તત્પર હોય છે, આ સઉ માણસનું કામ એક ઉપરી રાજા અથવા પ્રધાન કરી શકતા નથી, અને કામ બગડે છે. આવી રીતે કામ બગડે તેનો દોષ કોઇ નિર્જીવને માથે પડે છે. ઇંગ્રેજી રાજ્ય જેવા અતિ વિસ્તારી રાજ્યમાં સઉ માણસો ઉપર દેખરેખ રાખવી અશક્ય છે અને તેથી માણસોની સ્વતંત્રતા તેમ જોખમ ઓછાં કરી નાંખી “કાયદા”ને માથે કે રાજ્યધોરણને માથે દોષ નંખાય તેનો ઉપાય નથી. પણ ન્હાનાં સરખાં દેશી રાજ્યમાં તો નોકરના ઉપર પુરી જવાબદારી રાખવી, તે જવાબદારી જેટલી પુરી સ્વતંત્રતા આપવી, અને કામ સરે એટલી દેખરેખ રાખવી, એ સર્વ બની શકે એવી વાત છે, અને એ વાત બની શકે તો ઇંગ્રેજી રાજ્ય કરતાં ઉત્તમ રાજ્ય થાય એવો વિદ્યાચતુરનો સિદ્ધાંત હતો. કેટલાક મૂર્ખ રાજાઓ નોકરો ઉપર અતિ વિશ્વાસ રાખે છે તેના કરતાં અર્ધદગ્ધ રાજાઓ અવિશ્વાસ રાખે છે તે અતિભુંડૂ છે એમ વિદ્યાચતુર માનતો હતો, એટલું જ નહી પણ એ ધોરણ રાજાઓને તેમ તેમના પ્રધાનોને પણ લાગુ છે એવું માની તે પ્રમાણે વર્તતો. જુવાન મણિરાજને પ્રફુલ્લ વદનથી હમેશ એમ જ ક્‌હેતો કે “ યશસ્વી મહારાજ ! આપણે એવા શું હઇયે કે વિશ્વસનીય માણસો શોધતાં આપણને ન આવડે ? જે માણસ વિશ્વાસ રાખવા યોગ્ય નથી તે આપની સેવાને યોગ્ય નથી. જો આપના સેવક વિશ્વાસ પાત્ર હોય તો તે આપની સેવા કરવા જેટલી સ્વતંત્રતાને પણ પાત્ર છે. આપણે કામની સાથે કામ છે, કામ કરનાર આપની ઈચ્છા પ્રમાણે જ ઉઠે બેસે ને કામ કરે એવો કંઇ અભિપ્રાય ન હોવા જોઈએ. આપને કિયા માર્ગ અનિષ્ટ છે તે દરેક સેવકે જાણવું જોઈએ; તે અનિષ્ટ માર્ગથી દૂર રહી ઇષ્ટ કામ ગમે તે દ્વારે સાધે એટલી સ્વતંત્રતા અને પ્રવીણતાવાળાં માણસ રાખવાં એ આપનું અને આપના પેટમાં મ્હારું કામ છે. વિશ્વાસ વગરના અને અસ્વતંત્ર સેવકો ઉલ્લાસ વગર કામ કરે છે, ઉલ્લાસ વગર કોઇ સાધના થતી નથી, અને વેઠિયાવાડ થાય છે. માણસને સ્વતંત્રતા મળ્યાથી તેમાં ઉલ્લાસ આવે છે, ઉલ્લાસથી કામ કરવાના માર્ગ શોધવામાં તેની બુદ્ધિ ખીલે છે, અને બુદ્ધિશાળી સેવકો એટલું તો સરત રાખી શકશે કે આટલી વાત ઉપરીને અનિષ્ટ છે. સાધારણ માણસે વ્યાપારમાં રત્ન વગેરે જડ પદાર્થોની પરીક્ષા કરે છે, રાજાઓનું કામ પુરુષરત્નની પરીક્ષા કરવી એ છે, જડ રત્ન રાજાઓના કંઠમાં અને મુકુટમાં ભૂષણરૂપ થાય છે. મહામૂલ્યવાન્ પુરુષરત્ન રાજાઓનાં રાજ્યનાં ભૂષણ છે એટલું જ નહી પણ એ રત્નોના પ્રકાશથી જ રાજ્યનું દારિદ્રય ફીટે છે અને રાજ્યનું અંધેર - અંધારું નાશ પામે છે. મહારાજ ! એ રત્નો વગર રાજ્ય નથી એ વાત ખરી છે તેમ એ રત્નોના શોધનાર, પરીક્ષક, ગ્રાહક, અને ઉત્તેજક તે તો ડાહ્યા અને બુદ્ધિશાળી રાજાઓ જ છે.” મણિરાજના રાજદર્પનો તિરસ્કાર ન થાય તેમ આ સર્વ બોધક વિચાર તેનાં ઉત્સાહી મનમાં ભરી, તે વિચારનો આચાર ચતુર વિદ્યાચતુર કરી દેખાડતો હતો. જેમ ખુણેખોચલે પડેલી સંતાયલી લોહની કણિકાઓને લોહચુંબક શોધી ક્‌હાડે તેમ વિદ્યાચતુર પુરુષરત્નને ખોળી ખોળી શોધી ક્‌હાડતો, પુરુષપરીક્ષા સૂક્ષ્મતાથી કરતો, ગુણ પ્રમાણે પરીક્ષિત જનને પ્રતિષ્ઠા આપતો – કામ આપતો – વિશ્વાસ બતાવતો – સ્વતંત્રતા આપતો – કામ લેતો – અને તેથી જ આનંદ લેતો અને આપતો. દરેક માણસને એમ અભિમાન ર્‌હેતું કે આ રાજ્યનો સ્તંભ તે હું છું અને તે છતાં ઉપરી પાસે મન નિરભિમાન ર્‌હેતું. ઉપરીઓ હાથ નીચેનાં માણસ પાસેથી, અને હાથ નીચેનાં માણસો ઉપરી પાસેથી, કામ શીખતાં અને કામ લેતાં. સદ્‍ગુણી અને શુદ્ધ રાજ્યનીતિના સામાન્ય નિયમ પરસ્પર વાતચીતથી અને પરસ્પર દૃષ્ટાંતથી સઉ ગ્રહી લેતાં. સેનાધિપતિના ધ્વજ ઉપરથી – શબ્દ ઉપરથી – દૃષ્ટિપાતથી આખી સેના એક કાર્યે સાથે લાગી સરખાં પગલાં ભરવા માંડે તેમ વિદ્યાચતુરના રાજ્યતંત્રમાં થતું. એ રાજ્યતંત્ર જાતે જ એક જાતની શાળા થઇ પડી હતી. કુમુદસુંદરીના રક્ષણને અર્થે થયેલી યોજના આ જ શાળાનું પરિણામ હતું. ફતેહસિંહ, અબ્દલ્લો, અને હરભમ ચારે જણ રાજ્યના ન્હાના પણ કસાયેલા અધિકારિયો હતા અને એમના ઘણાક ગુણ રત્નનગરીના ઘણા ખરા અધિકારિયોમાં હતા એમ કહિયે તો અતિશયોક્તિ ન થાય. એમની નીમણુક વિઘાચતુરે જાતે કરી ન હતી, પણ વિદ્યાચતુરના જ ધોરણને અનુસરી ફોજદારી ખાતાના મુખ્ય અધિકારીએ કરી હતી. તેમને શું કામ કરવું તે ક્‌હેવામાં આવતું હતું, કિયે માર્ગે જવું તે બતાવવામાં આવતું હતું, અને તે માર્ગે કેમ જવું તે એમની બુદ્ધિ ઉપર વિશ્વાસથી રાખવામાં આવતું હતું; પણ એ વિશ્વાસ કેવી રીતે જળવાય છે તે જાગૃત ઉપરીઓ જાગૃત દૃષ્ટિથી તપાસતા. આવી રીતે સત્તાના સૂત્રના તાંતણા સર્વ સેવકોના હાથમાં વણાવા અપાતા ચારચક્ષુ રાજાનું ચારકર્મ આ સેવકોએ એવી રીતે કર્યું કે પ્રધાનપુત્રીના રક્ષણનો માર્ગ વેળાસર લેવાયો. વૃદ્ધ માનચતુરે તેમને યોગ્ય માર્ગ બતાવ્યો. ત્રણ સત્તાના સીમાડાઓ વચ્ચે એવો પ્રતાપ જગાડવો કે શસ્ત્ર વાપર્યા વિના શત્રુ ડરી જાય અને પારકી સત્તા નીચેના પ્રદેશમાં શસ્ત્ર વાપરી પરરાજ્યમાં ન્યાયાધીશો પાસે આરોપી ન થવું પડે, શત્રુ જાણે કે માર્યા જઇશું અને આપણે જાણવું કે તેમને મારવા ન પડે અને ધારેલું કામ પાર ઉતરે; આ અને એવાં બીજાં પ્રયોજનોવાળો માર્ગ માનચતુરે બતાવ્યો તેની સાથે જ સાંભળનારા સમજી ગયા અને ત્વરાથી તે માર્ગે પ્રવર્ત્યા. વધારે સૂચનાની કેાઇને અગત્ય ન પડી. કળવાળા વાજાને એક ઠેકાણેથી જગાડે એટલે સર્વ ભુંગળીઓમાંથી રાગ નીકળવા માંડે તેમ માનચતુરની આજ્ઞાઓ ઝીલાઇ.

અબદુલ્લા, મુખી, અને ફતેહસિંગ સર્વને પોતપોતાની શક્તિ બતાવવાનો ઉમંગ હતો, પણ ઉમંગનો પ્રસંગ તેમના હાથમાં ન હતો. પણ હરભમને તે એ પ્રસંગ જાતેજ શોધવાનો હતો.

જયારે રાત્રિના પ્હેલા પ્રહરમાં બ્હારવટિયાઓ વડનીચે મળ્યા હતા ત્યારે તેમની સર્વ વાત હરભમેજ વડની ડાળેામાં રહી જાણી લીધી હતી. મનહરપુરીમાંથી નીકળી સુરસંગની પુઠ લેવાનું કામ તેને માથે આવ્યું અને તે કામમાં પણ સુરસંગનો પત્તો મેળવવાનું તેને માથે આવ્યું. શૂરકાર્યમાં ચારકર્મ ભેળવવાનું નાનું સરખું પણ દુસ્તર કામ કરવામાં હરભમને કાંઇક ખાસ આનંદ મળતો અને એ આનંદથી એની બુદ્ધિ ખીલતી. જ્યારે માનચતુર અને બીજી સર્વ તુકડીઓ સુવર્ણપુરને માર્ગે વળી ત્યારે હરભમ પોતાનાં વીણી ક્‌હાડેલાં માણસો લેઇ બીજે જ માર્ગે નીકળ્યો. પૂર્વ દિશાના આંબાના વનમાં ઇંગ્રેજી હદનાં ઘણાંક ખેડાં ગામડાંમાં એણે પોતાની બુદ્ધિને મોકલી. કેટલાંક મુખ્ય ગામડાંમાં જાતે ફરી વળ્યો; કેટલાંક ગામડાંને પાદર રહી માણસો દ્વારા સમાચાર પ્રસાર્યા; કેટલાંક આઘેનાં ગામડાંમાં રાત્રિને વખત જતો આવતો કોઇ ચોર અથવા વિરલો મુસાફર મળી આવ્યો તો તેની સાથે પણ વાત કરવી ચુક્યો નહી. કોઇ ઠેકાણે સમાચાર મુક્યા, કોઇ ઠેકાણે મેળવ્યા, અને કોઇ ઠેકાણે મોકલ્યા. જ્યાં મિત્રો હતા ત્યાં ત્રણે વાનાં કર્યા; જયાં અજાણ્યાં માણસો હતાં ત્યાંથી માત્ર સમાચાર મેળવ્યા; જ્યાં સુરસંગનાં માણસ હતાં ત્યાંથી સમાચાર મેળવવા પ્રયત્ન કર્યો એટલુંજ નહીં પણ સુરસંગને પ્હોંચાડવા ખરાખોટા સમાચારના ગોળા ફેંકયા. સર્વ ગામોમાં બેધડક સમાચાર ફેલાવ્યા કે સુરસંગની વાત રત્નનગરી અને સુવર્ણપુર સુધી પ્હોચી ગઈ છે અને પ્રાત:કાળમાં બ્હારવટિયાઓ કંઇ પણ શિક્ષાપાત્ર અપરાધ કરવો આરંભે એટલી જ વાટ જોવી એવો હુકમ લઇ, તે વાટ જોતાં અપરાધિયો જાળમાં ફસે એટલે તેમને પકડવાને જોઇએ એટલું લશ્કર બે સંસ્થાનો તેમ ઇંગ્રેજી રાજ્યમાંથી આવેલું પ્રાતઃકાળે માલમ પડશે. સુરસંગનો પત્તો લાગવો આ અંધકારમાં જંગલમાં થોડા વખતમાં કઠણ હતો પણ હરભમે આ આટલું કામ કર્યું તેથી સુરસંગને કાને જવા પામ્યું, તેની અને તેના માણસોની હીમ્મત રાત્રિથી નરમ પડી, અને ગામે ગામના મુખિયા અને રખેવાળો પ્રાત:કાળની વાટ જોતા પોતપોતાની હદમાં સાવધાન થઇ ગયા.

ભયંકર પ્રાણીઓવાળા આ જંગલમાં અંધકારને સમયે ફરવાની છાતી ચલવે, ઉતાવળા થયા વિના સાવધાનપણે અગમચેતી વાપરે, ચતુરાઇનું શેતરંજ રમતા પાછી પ્હાની ક્‌હાડે નહી – એવા વિદ્યાચતુરના અનુકારક સેવકોમાંનો આ એક હરભમ, આખી રાત આથડી, સુભદ્રા ઉપર એક એવે સ્થાને રહ્યો કે જ્યાંથી પોતાનાં અને સામાનાં સર્વ પાસનાં માણસોના સમાચાર મળે અને તેમાંથી જેમાં ભળી જવું હોય તેમાં ભળી જવાય. એણે એવી કલ્પના કરી કે સુરસિંહને કોઇ એવે ઠેકાણે ર્‌હેવું પડશે કે ત્યાંથી પ્રતાપ, વાઘજી અને ભીમજી સર્વની દોરિયો હાથમાં ર્‌હે. આવું ઠેકાણું સુરસિંહ ક્યાં શોધી ક્‌હાડશે તેનું અનુમાન કરી, સુરસિંહ પોતાને ઠેકાણેથી છાનોમાનો નીકળી ન જાય પણ તેની પુઠ લેવાય એટલું એની પાસે ર્‌હેવાય એવો જોગ રાખી, એક ન્હાના સરખા ખંડેરમાં હરભમ રાત્રિના છેક ચાર વાગતાં જાગતો વીસામો લેવા પામ્યો. અંધકારમાં કાકડા સળગાવી એ અને એના સાથિયો ઘોડાઓનો થાક ઉતારવા ઉતર્યા, તેમને તાજા કરવા તેમની નોકરી કરવા મંડ્યા અને તોબરા ચ્હડાવી દીધા, અને પોતે તાજા થવા બીડિયો ફુંકવા લાગ્યા અને ધીમી ધીમી વાતો કરવા લાગ્યા. હરભમ પોતે ઘોડાને થાબડતો વાતો કરતો ખંડેરના દરવાજા આગળ બ્હાર આંખ અને કાન રાખતો એક પથરા ઉપર બેઠો. જેમ પ્રાતઃકાળની એ સઉ વાટ જોતા હતા તેવીજ રીતે એમને મળવાને આતુર દેખાતો પ્રાત:કાળ, પૂર્વ દિશાના આકાશમાં અંધકારે ભીડેલાં કમાડ પોતાના સતેજ હાથથી બ્હાર ઉભો ઉભો ઉઘાડવાનું કરતો હતો, અને તે હાથના નખ એ કમાડો વચ્ચેની તડમાં કંઇક ચળકતા હતા.