સરસ્વતીચંદ્ર ભાગ ૩/મલ્લરાજ અને તેનાં રત્ન.

વિકિસ્રોતમાંથી
← રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો. સરસ્વતીચંદ્ર ભાગ ૩
મલ્લરાજ અને તેનાં રત્ન.
ગોવર્ધનરામ ત્રિપાઠી
મલ્લરાજની ચિન્તાઓ. →


પ્રકરણ ૮.

મલ્લરાજ અને તેનાં રત્ન.

મલ્લરાજની ચીઠ્ઠી બ્રેવ ઉપર ગઈ તે દિવસ એ રજપૂત રાજાએ અનેક વિચારો અને ચિંતાઓમાં ગાળ્યો. પરદેશીઓને ક્‌હાડી એ મલેચ્છોના હાથમાંથી આખો દેશ દેશીઓને હાથે પાછો આવવાનો સમય આવે તેવે કાળે મલેચ્છો સાથે સંબંધ બાંધ્યો પ્રસિદ્ધ થશે તેની સાથે નાતજાતમાં, રજવાડાઓમાં, અને દેશવિદેશમાં અપકીર્તિ થવાની એ નક્કી. ક્ષત્રિય રાજાને એ અપકીર્તિના વિચારથી ત્રાસ પડ્યો પણ કાર્યસિદ્ધિનો વિચાર થતાં, ભવિષ્યનો વિચાર પાછો ઉદય પામતાં, આ ત્રાસ શાંત થયો. આ ત્રાસ અને આ શાંતિ મલ્લરાજને વારાફરતી થકવવા લાગ્યાં.

ચીઠ્ઠી બપોરે મોકલી હશે. છેક સંધ્યાકાળ વીતતાં એનો એક દૂત આવ્યો અને દૂતની સાથે રાજાનો પ્રિય ભાયાત સામંત આવ્યો. આ કાળે રાજા પોતાના વિશાળ ખંડમાં ગાદીતકીયે બેઠો હતો અને એક હુકાની મ્હોટી નળીમાંથી ઘડી ઘડી ધૂમ્રપાન કરતો હતો. એને કપાળે પરસેવો પુષ્કળ વળ્યો હતો તેનું એને ભાન ન હતું. એક


હાથમાં હુકાની નળી તો બીજામાં તરવારની મુઠ, અને એકમાં મુઠ તો બીજામાં નળી, એમ વારંવાર હાથની અદલાબદલી થતી હતી. દૂત અને સામંત સામા આવી બેઠા પણ મલ્લરાજે તેમને દીઠા નહી અથવા દીઠા છતાં તેમના સામું જોયું નહી. થોડીક વાર વાટ જોઈ સામંત બોલી ઉઠ્યો.

“મહારાજ, હવે જે વિચાર કરવો હોય તે કરો. કાનપુર આગળ જંગ મચ્યો છે. ફતેહપુરના જડજ સાહેબ ઉપર ફોજદારી ચલાવી તેના શરીરના કડકે કડકા કરી લોકમાં વેર્યા, કંપની સરકારનું રાજ્ય ગયું !”

મલ્લરાજે ઓઠ પીસ્યાઃ “જડજ એ લોકના બ્રાહ્મણ તેને બાયલાઓએ માર્યા ! – જડજ સાહેબ અમથા પકડાયા કે બે ચારને મારીને?”

“માર્યા વગર કોઈ ઈંગ્રેજ પકડાય છે ?”

“જેના બ્રાહ્મણ એવા છે તેના રજપૂત સાથે લ્હડતાં કેવો વખત આવશે ? વારુ, તેના શરીરના કડકા લોકમાં વેરનાર તે તે રજપુત હતો કે બીજો કોઈ?”

“રજપુત કોઈ દિવસ મડદાં સાથે વેર રાખે છે ?”

મલ્લરાજ જરાક આડો પડ્યો, નળી મ્હોંમાંથી છેટે નાંખી, અને બોલ્યોઃ “હં ! ત્યારે રજપુત થઈને આવાં અધર્મીએાના પાસામાં પેસતાં શરમ નથી આવતી ?”

“મહારાજ, મને ખબર નહી કે તમે એટલામાં ઈંગ્રેજના થઈ ગયા હશો. જે થવું હોય તે થાવ. પણ તાત્યાટોપીનાં માણસો રત્નગરીથી વીશ ગાઉ ઉપર પડ્યાં છે ને તેમનો ઉપરી સંદેશો ક્‌હાવે છે તે આ આપણો દૂત ક્‌હેશે”

દૂત સમાચાર ક્‌હેવા લાગ્યો :

“મહારાજ, રત્નગરીથી વીશ ગાઉને છેટે આજ સાંજે તાત્યાટોપીનાં ત્રણ હજાર માણસનો કાફલો આવી પડ્યો છે. પાછળ બીજાં માણસ આવશે એમ ક્‌હેવાય છે. વસ્તી પાસે માણસોને વાસ્તે અન્ન અને ઘોડાઓને વાસ્તે ચંદી માગે છે, લીધેલા માલના પૈસા આપે છે, ને ક્‌હે છે કે અમે વસ્તીને હેરાન કરવા નથી આવ્યા પણ અમને ખાવાનું પૈસા આપતાં નહી મળે તો જોરથી મફત લેઈશું. સવારના પ્હોરમાં આપણા નગરની હદમાં આવી પડશે એમ લાગે છે.” “બીજું કાંઈ?" મલ્લરાજે ઉતાવળથી પુછયું.

“ના, જી. પણ એ લોકો એટલું ક્‌હેતા સંભળાય છે કે અમે અમારા દેશીરાજાઓની મિત્રતા ચાહીયે છીયે, અને જે દેશીઓ પરદેશીને આશ્રય આપે છે તે રાજય સર કરીએ છીએ.”

“બહુ સારું, તું પાછો જા, અને તેમની હીલચાલ જોતો ર્‌હેજે. મધ્યરાત્રે તેમ પાછલી રાત્રે એમ બે વખત તો તેમના સમાચાર અવશ્ય મળવા જોઈએ.”

“જેવી આજ્ઞા” કહી દુત ગયો. મહારાજ ઉભો થયો અને સામંતને કહ્યું. “સામંત, અત્યારે ને અત્યારે આ નગરીમાં હોય એટલા સર્વ ભાયાતને અને સેનાધ્યક્ષને એક ઘડીમાં બોલાવી લાવ.”

સામંત વિચારમાં પડ્યો. મહારાજ અધીરો થઈ બોલ્યોઃ “કેમ વિચારમાં પડ્યો ? આ કાળ વિચારનો નથી. બને તેટલી ત્વરાથી નિર્ણય કરવો જરુરનો છે.”

“મહારાજ તાત્યાનો સરદાર આપણી સાથે લ્હડવા નથી આવ્યો, આશ્રય માગવા આવ્યો છે.”

“ને આશ્રય ન મળે તો લ્હડવા આવ્યો છે."

“પણ આશ્રય આપવામાં કાંઈ વાંધો છે ?”

“તે વિચાર પછી થશે. સઉનો અભિપ્રાય લઈશું. હાલ તો લ્હડવાને સજજ થવામાં આળસ કરવાનું નથી. તરત ! જા !”

સામંતે મલ્લરાજના મુખ સામું જોયું, જોઈ રહ્યો, પ્રથમ પગ ઉપાડતાં વાર લગાડી, પછી પાછો ફરી ત્વરાથી બહાર નીકળી ચાલ્યો, મલ્લરાજે એકદમ જરાશંકરને તેડવા માણસ મોકલ્યું – માણસને આજ્ઞા થતાં પ્હેલાં જરાશેકરે બારણેથી અંદર આવવા આજ્ઞા મંગાવી. મલ્લરાજ આજ્ઞા આપતાં આપતાં પ્રસન્ન થયો અને બોલ્યોઃ “શકુન તો સારા થાય છે, વાહ, જરાશંકર વાહ ! શી ચિંતા કરનારો પ્રધાન ! તું નક્કી આટલા વાસ્તે જ આવે છે! – પણ મ્હારા ઘરમાં ફાટ પડવાની બ્હીક છે. મ્હેં કંપની સરકારનો સાથ ઈષ્ટ ગણ્યો છે - સામંત અને એવા બીજાઓને ઉલટી વાત ઈષ્ટ છે. યુદ્ધ કરવાને પ્રસંગે પાસવાનો વિરોધી થાય તે ખોટું. તેનો ઉપાય કરવો પડશે. રજપુતના મુખમાંથી શબ્દ નીકળ્યો તે નીકળ્યો. કંપની વાસ્તે લ્હડવું ને કંપનીને વાસ્તે મરવું – કરેલો ઠરાવ ને બોલેલું વચન યોગ્ય હો કે અયોગ્ય હો - એ “વિચાર હવે કરવાનો નથી - મલ્લરાજના મુખમાંથી વચન નીકળી ચુક્યું – મેરુ ચળે ને સમુદ્ર માઝા મુકે પણ મલ્લરાજનું વચન ન ફરે. યુદ્ધ થવાનું નક્કી !” યુદ્ધનો વિચાર ચમકતાં મલ્લરાજને ક્ષાત્ર ઉત્સાહ ચ્હડયો. એના પગ ફાળ મારવા તત્પર થઈ રહ્યા, ઓઠ ઉત્સાહથી સ્ફુરવા લાગ્યા, અને જમણો હાથ તરવાર અને તેની મુઠ ઉપર નૃત્ય કરી રહ્યો.

જરાશંકર અંદર આવ્યો. તેની સલામ થતાં પ્હેલાં મલ્લરાજે તેને ખભે હાથ મુક્યો.

“કેમ જરાશંકર, યુદ્ધનો પ્રસંગ આવ્યો ?”

“મહારાજ, તે તો આપના હાથની વાત છે.”

“પણ આપણે વિચાર કરી નિર્ણય કરી ચુક્યા છીયે.”

“હાજી, પણ આપણા ભાયાતોનો વિચાર જુદો છે.”

“તેમને કોણે વિચાર કરાવ્યો ?”

“જેનો સ્વાર્થ હોય તેણે. આપની અને સામંતની વચ્ચેની કથા પ્રસિદ્ધ થઈ ચુકી છે. યુદ્ધ કરવું એ તો નક્કી છે. આપનો વિચાર દેશીઓ સાથે યુદ્ધ કરવાનો છે, ભાયાતો ધારે છે કે પરદેશીયો સાથે કરવું. ભાયાતોના આશ્રય વિના સેના ક્યાં છે?”

મલ્લરાજ કેડ પર બે હાથ દઈ ખડખડ હસી પડ્યો. “ત્હેં મ્હારા ભાયાતોને હજી ઓળખ્યા નથી. પણ મલ્લરાજે કરેલો વિચાર અને બોલેલો બોલ પાછો ફરે એમ નથી – તે વીશે કાંઈ વિચારવાનું જ નથી – હવે શું કરવું તે બોલ.”

“મહારાજ, સામંતને આજ્ઞા કરી છે તે સઉને બોલાવી લાવે તે સઉ આવે એટલે ભેગા મેળવી અભિપ્રાય પુછશો તો એક જ અભિપ્રાય આવશે અને તે આપને ભારે પડશે. માટે સઉને જુદા જુદા એકાંતમાં બોલાવી જેનો અભિપ્રાય જુદો પડે તેને – ”

“નજરકેદ રાખી અથવા મહેલમાં કેદ રાખી, બીજાઓને સાથે લેઈ બંડખોરો ઉપર ચ્હડી જવું ?”

“ક્ષમા ! મહારાજ ! એ મારો મન્ત્ર – રાજા અને પ્રધાન સ્વામી અને સેવક – નું હૃદય કેવું એક છે ?”

મલ્લરાજ ફરી હસ્યો.

“મહારાજ, આ પ્રસંગ સૂક્ષ્મ છે – હાસ્યનો નથી.” “નથી તો કરી દેઈશું. જરાશંકર, સર્વ વિચારને પ્રસંગે ત્હારું કામ; કાર્યભારના વિચાર[૧], તેમ આચારને[૨] પ્રસંગે ત્હારું કામ; આજ આપણે કરેલા વિચાર૧. આચાર૨. યુદ્ધપ્રસંગે કરવો પડે ત્યાં ત્હારું નહી પણ ક્ષત્રિયનું કામ. હવે જે ચતુરંગ[૩] રમવાનો છે તે બાજી આગળથી તું ખસી જા, મને રમવા દે, અને તું માત્ર જોયાં કર. મ્હારા ભાયાતો આવે પ્રસંગે મ્હારી મુછના “બાલ”[૪] છે તેમને હું આમળો કેમ દેઉછું અને વળ કેમ ચ્હડાવું છું તે જોયાં કર. મલ્લરાજ પોતાના ભાયાતોને દગો નહીં દે – કેદ નહી કરે. એ મ્હારા પાણીદાર તેજવાળા ઘોડા છે – તે મ્હારી સ્વારી કેમ નીભાવે છે – તે જોવાનું જોજે.”

થોડી વારમાં એક પછી એક ભાયાતો અને રજપુતો આવી ગયા અને મલ્લરાજની ગાદીની આસપાસ આખા ખંડમાં વીરાસનવાળી સર્વ શૂરાઓ બેસી ગયા. મલ્લરાજની ગાદી ઉંચી હતી. તેના તકીયા પાછળ જરાશંકર બેઠો હતો. તેની પાછળ મ્હોટી મસાલો લઈ બે હજામો ઉભા હતા: તે મસાલો આગળ ખંડમાંના બે ચાર દીવા ઝાંખા થઈ ગયા. મસાલોનો પ્રકાશ મલ્લરાજના સામે બેઠેલા સર્વે મંડળનાં ઉશ્કેરાયલાં અને આતુર મુખો ઉપર પડી તે મુખવાળા રજપુતોના અંતર્વિકારનું મલ્લરાજના હૃદયમાં ભાન કરાવતો હતો. થોડીવારમાં સર્વ મંડળ સ્તબ્ધ થઈ ગયું. રાત્રિના શૂન્ય [૫]મૌનમાં સર્વ વીરોનું સગર્ભ મૌન ભળ્યું. મલ્લરાજે તે મૌન તોડ્યું.

ભાઈઓ:-" રાજાને મુખે માત્ર યુદ્ધપ્રસંગે જ “ભાઈ” સંબોધન નીકળતું અને તે ભાયાતો આગળ જ ઉચ્ચારાતું. આ સંબોધનના સર્વ સંસ્કારો, તેમના હૃદયમાં જાગી, મલ્લરાજ ઉપર શૂરોની પ્રીતિ, આતુરતા, અને યુદ્ધસમયની રાજભક્તિની ધારાઓને, તેમનાં ક્ષાત્ર લોચનોમાંથી, છોડવા લાગ્યા. હૃદયમાં ક્ષાત્ર વિકારોનું બીજ રોપાતાં મસ્તિકમાં ઘેરથી ભરી રાખેલો વિચારસંગ્રહ ભુલાઈ જવા લાગ્યો. મલ્લરાજે વાગ્ધારા ચલાવી.

“ભાઈઓ, યુદ્ધનો પ્રસંગ આવ્યો છે. સામંત સમાચાર લાવ્યો છે કે તાત્યાટોપીનાં માણસ, રત્નનગરી પાસે આવી પડ્યાં છે - મલ્લરાજ તેમનાથી ડરી જઈ તેમની સાથે મળી જવા માગતો નથી. એ આજકાલના લુટારાઓ સાથે સૂર્યવંશનું તેજ ભળવાનું નથી. ભાઈઓ,


  1. ૧. Design.
  2. ૨. Execution.
  3. ૩. શેતરંજ.
  4. ૪. વાળ.
  5. ૫. Silence. ચુપકી.
રત્નનગરીના સૂર્યવંશી નાગરાજે સૂર્યવંશી શ્રીરામજીના સુગ્રીવજી

સાથે કળજુગમાં સંધિ કરેલો છે, અને રત્નનગરીમાં બાપનો બોલ દીકરો તોડતો નથી અને રાજાનો બોલ ભાયાત તોડતા નથી. નાગરાજનો દીકરો મલ્લરાજ ને મલ્લરાજના ભાયાત તમે. આમાં તમારે મને પુછવાનું નથી ને મ્હારે તમને પુછવાનું નથી. નાગરાજનો બોલ હું પાળીશ ને મ્હારો બોલ તમે મ્હારા ભાઈઓ પાળશો એમાં વિચારવાનું શું ને પુછવાનું શું ? માટે ઉઠો, ને બાઇડીયો જેવાંનાં ટાયલાં ને વાણીયા જેવાના વિચાર સાંભળવા પડતા મુકી પોતપોતાના રસાલા લઈ બે ઘડીમાં પાછા આવો, અને ધન્ય દ્‍હાડો ધન્ય ઘડી કે યુદ્ધ પાસે આવે છે ત્યાં ઘોડાઓને મારી મુકીયે અને તરવારો અને બંધુકોને શત્રુનાં શરીર ઉપર રમાડીયે. ઉઠો, મલ્લરાજની મુછના વાળ ! ઘણે વર્ષે આ યુદ્ધનો વારો આવે છે; ને રજપૂતની લક્ષ્મી, તમને શત્રુના લોહીનો ચાંલો કરવા એ લોહીમાં બોળેલા હાથ ઉભા રાખી, ઉભી રહી છે ! ”

બીજાને ઉશ્કેરવા બોલતો બોલતો મલ્લરાજ જ પોતાના બોલથી ઉશ્કેરાઈ ગયો, અને ઉભો થયો ! મ્યાનમાંથી તરવાર ક્‌હાડી કોઈને મારવા જતો હોય તેમ ઉંચી કરી, બોલ્યો: “ચલો, ભા, ચલો” –

તે ઉભો થયો તેની સાથે સઉ મંડળ ઉભું થયું અને તેની પેઠે ઉશ્કેરાયું એક જણે બુમ પાડીઃ “ખમા મહારાજ મલ્લરાજને !” સર્વના વિચાર વેરાઈ ગયા અને રાજભક્ત શૂર પુરુષો રાજાના વચનને પાળવા ઉત્સાહથી રાજમંદિરના દ્વારની બ્હાર ચાલવા લાગ્યા.

અંદર માત્ર મલ્લરાજ અને જરાશંકર રહ્યા. દ્વાર સુધી સઉની પાછળ જઈ સામંત પાછો વળ્યો. તેના મુખ ઉપર પરસેવો વળ્યો હતો, તેની આંખો લાલ ચોળ થઈ હતી, અને તેને શૌર્ય ચડ્યું કે ક્રોધ ચ્હડયો હતો તે કળવું કઠણ થઈ પડ્યું. પણ તે મલ્લરાજ પાસે બોલી શક્યો નહી.

મલ્લરાજે પુછયું - “કેમ સામંત, શા વિચારમાં પાછો વળે છે?”

શરીરે કોપ પણ શબ્દમાં નરમ પડી સામંત બોલ્યોઃ “મહારાજ, બહુ વસમું કર્યું. સઉના અભિપ્રાય લેવા તેમને તેડવા મને મોકલ્યો હતો – મ્હેં એમ જાણ્યું ન હતું કે આપ એકદમ આજ્ઞા આપી બેસશો !– મહારાજ ! ઘણું સાહસ થયું.” લોખંડના ભારે પાંચશેરા ફેંકવામાં આવતા હોય તેમ સામંતના શબ્દ અચકાઈ અચકાઈ ધીમે ધીમે પણ અત્યંત ભાર સાથે એક પછી એક નીકળ્યા. મલ્લરાજે તેને શાંત પાડવા માંડ્યોઃ “સામંત, ધીરો પડ. ચાલ, બેસ, અને જરા શ્વાસ ખા.”

સઉ બેઠા, સામંતે ઉત્તર ન દીધો. આડું જોઈ રહ્યો. મલ્લરાજ તેને મનાવવા લાગ્યો.

“સામંત ! મ્હેં બહુ વિચાર કરી કામ કર્યું છે. મારી ખાતરી છે કે મ્હારું કારણ જાણીશ ત્યારે તું મને ખરો કહીશ. પણ ધાર કે આપણો મત જુદા પડ્યા તો તું ત્હારા મત પ્રમાણે વર્તશે કે મ્હારા મત પ્રમાણે ? ક્‌હે, વારુ, ખરો ઉત્તર દે કે ત્હારા ઉપર મ્હારો અધિકાર કેટલો તે જણાય. જો, ત્હારી રાજભક્તિ ઉપર - ત્હારી પ્રીતિ ઉપર – મ્હારો અધિકાર ન હોય તો તો ત્હારા ઉપર આજ્ઞા ન કરતાં મ્હારા મતનું ખરાપણું સમજાવું.”

સામતનું શરીર તેમ મન આ શબ્દોથી કેવળ શિથિલ બની ગયું. મલ્લરાજના મુખ આગળ પળવારમાં તે ગરીબ ગાય જેવો થઈ ગયો અને તેને ખોળે પાઘડી ઉતારી બોલ્યો.

“મહારાજ, ક્ષમા કરો મ્હારો અપરાધ. આપની આજ્ઞા નહીં પાળું તો કોની પાળીશ ? અરેરે, મ્હારો અભિપ્રાય ગમે તે હો પણ આપની આજ્ઞા જણાયા પછી જે હું એ અભિપ્રાયને અનુસરું તો આપની આજ્ઞાભંગ કરનાર આ રાજદ્રોહી શિરનો છેદ થવો જોઈએ.”

વળી હાથ જોડી બોલ્યો: “મહારાજ, હવે તો આજ્ઞા આપો તો સર્વ મંડળ આપની આજ્ઞા પાળવા ગયું છે તેમાં હું પાછળ ન પડું.”

“વાહ, મ્હારા વ્હાલા સામંત, વાહ ! તું મ્હારા રાજ્યનો મહાન્ સ્તંભ છે, મ્હારી સેનાના મુખનો અગ્રણી હાથી છે. હું તને આજ્ઞા આપીશ જ. દશરથનો બોલ રામજીએ પાળ્યો ને રામજીનો બોલ લક્ષ્મણજી ને ભરતજીએ પાળ્યો તેમ નાગરાજનો બોલ હું પાળું ને મ્હારો બોલ તું પાળે એ સુરજકુળનો અસલ મહિમા છે.”

“મહારાજ, આજ્ઞા આપો – શા વાસ્તે મ્હારી ભક્તિ દેખાડવાના સમયમાં વિલંબ કરો છો ? ”

“સામંત, મ્હારા કરતાં તું ચાર વર્ષ મ્હોટો છે. દુર્યોધનને ત્યાં ભીષ્મપિતામહ હતા તેમ મારે ત્યાં તું છે. ત્હારી ભક્તિપર જેવો મ્હારો વિશ્વાસ છે તેવો ત્હારા અભિપ્રાય ઉપર પણ છે.”

સામંત કંપવા લાગ્યો – તેણે પોતાને કાને હાથ મુક્યા – પછી મલ્લરાજને પગે મુક્યા: “ ખમા ! ખમા ! – મહારાજ ક્ષમા કરો ! આપ દુર્યોધનની પેઠે અધર્મની આજ્ઞા આપો એવો લેશમાત્ર પણ મને સંશય હોય તો મને બ્રહ્મહત્યાનું પાપ – આ પ્રધાનજી જેવા શુદ્ધ બ્રાહ્મણના સમક્ષ સોગન ખાઉ છું.”

“જરાશંકર, દુર્યોધનને કર્ણ પ્રધાનતુલ્ય હતો અને મ્હારો તો તું પ્રધાન જ છે; ત્હારા સોગન સામંત ખાય ત્યારે ના કેમ ક્‌હેવાય ?” મલ્લરાજે હસતાં હસતાં હુક્કો પાસે લીધો.

સામંત વધારે ગભરાયો, “હરિ ! હરિ ! મહારાજ મને પ્રત્યક્ષ શિક્ષા કરી હત તો હું પ્રાયશ્ચિત્ત જેવી ગણત, પણ આ બહુ વસમી પડે છે. સત્ય બોલું છું; જરાશંકરે આપને અભિપ્રાય આપ્યો હશે, આપે તે સ્વીકાર્યો હશે, અને મ્હારાથી તે જુદો હશે, તોપણ, હે ગૌબ્રાહ્મણપતિપાળ, એ અભિપ્રાય ધર્મને અનુસરીને જ હશે એવો મને વિશ્વાસ છે – દૃઢ વિશ્વાસ છે, વળી બીજું એ બ્રાહ્મણે મ્હારા શિરચ્છેદનો અભિપ્રાય આપ્યો હોય ને આપે સ્વીકાર્યો હોય તો પણ રાજ્યનો મંત્રી રાજાને માર્ગ બતાવે તેટલા સારુ એ મંત્રીને દૂરથી પણ ભય દર્શાવે તે ગ્રાસીયો રાજાની થાળીમાંથી રાજાના પ્રસાદરૂપ મળેલો ગ્રાસ નથી ખાતો પણ ધુળ ફાકે છે. મહારાજ, મ્હેં જરાશંકરના સોગન કુડકપટથી નથી ખાધા.”

મલ્લરાજ પ્રસન્ન થયો. “સામંત, હું ત્હારા ઉપર પ્રસન્ન છું. પણ મ્હારા વિચારનું કારણ જાણીને જા.”

“મહારાજ ! મ્હારો અભિપ્રાય વિરૂદ્ધ હોવા છતાં, આપની આજ્ઞાનું કારણ રજ પણ ન જાણવા છતાં, મ્હારા રાજા અને તેના મંત્રીના મંત્ર તોડવાની જરી પણ વાસના ન રાખતાં, એ મંત્રના ફળરૂપ આપની આજ્ઞાને અંતઃકરણથી પાળું તો મ્હારી રાજભક્તિ પૂર્ણ ફળવાળી થાય, માટે હવે મને આજ્ઞા જ આપો અને તે દૃઢ શ્રદ્ધાથી પળાયલી જ જુવો. એ મહાકૃપા મ્હારા ઉપર કરો.”

મલ્લરાજ સામંતને ભેટી પડ્યો, “ જા બાપુ, જા. જયાં સુધી ત્હારાં જેવાં રત્ન રત્નનગરીમાં પાકે છે ત્યાં સુધી - તું જે મહાકૃપા મ્હારી પાસે માગે છે તેથી અનેક અધિક – મહાકૃપા મ્હારા પર ઈશ્વર રાખે છે.”

રાજાની બાથમાંથી છુટી સામંત પ્રસન્ન ચિતે રાજમંદિરના દ્વારમાંથી નીકળ્યો.

“જરાશંકર, જોયાં આ મારી રત્નનગરીનાં રત્ન ? મ્હેં તને પ્રધાનપદ આપ્યું છે તે એટલા માટે કે આવાં આવાં મ્હારાં રત્નોની પરીક્ષા તું કરી રાખે અને જે કાળે હું મ્હારા પૂર્વજોના ભેગો શ્મશાનગામી થઈ ગયો હઉં તે કાળે મ્હારા પુત્રને આ પુરુષરત્નોની પરીક્ષા કરતાં તું શીખવે. પરદેશમાં પુરુષરત્નો હોય તે આ નગરીમાં વસાવવાં અને નગરીને અધિક રત્નવાળી કરવી આવશ્યક છે તો પછી આ નગરીમાંનાં રત્નો શોધવાનું ભુલાય તે તો ખમાય જ કેમ ? જે રત્ન ઉપર મેલ હોય તેને શુદ્ધ કરવાં, તેમનું તેજ આગળ આણવું, તેમનું મૂલ્ય વધારવું, એ આ રાજયના રાજાઓની કળા છે તે તું જાતે શીખજે ને મ્હારા વારસને શીખવજે, અને તેને એવો પ્રધાન આપજે કે જે આ કળા જાણે અને શીખે. બીજું, સાંભળ. પ્રાતઃકાળે યુદ્ધ થાય ને આ દેહ રણમાં પડે તો મ્હારા મનના મનોરથ જાણનારા બ્રાહ્મણ આયુષ્યમાન્ હશે તો કોઈ દિવસ રત્નનગરીનો ઉદ્ધાર કરશે. માટે બે બોલ સાંભળી લે. આવે કાળે ક્ષત્રિયો અંતરના મર્મ ઉઘાડે છે કે મનની મનમાં રહી જાય નહી.”

જરાશંકરની આંખમાં આંસુ આવ્યાં. મલ્લરાજે બોલવાં માંડ્યું.

“જો. આ બ્રાહ્મણ-ક્ષત્રિય-વર્ણો પરાપૂર્વથી ચાલે છે તેમાં એક લાભ છે. યુદ્ધનું માહાત્મ્ય ક્ષત્રિયોમાં અને જ્ઞાનનું બ્રાહ્મણોમાં રાખ્યું છે. ક્ષત્રિયોનું કામ મરવાનું ને બ્રાહ્મણોનું જીવવાનું. જેમ કેટલાંક ઝાડને કાપો તેમ વધે છે તેમ ક્ષત્રિયો મરે તેમ તેનાં સંતાન શૂરાં થાય છે – જેમ જયશિખરીની પાછળ વનરાજ થયો, એક શરીરનું બીજ મુક્યું તો ત્યાંથી બીજું શરીર ઉગે છે, પણ જ્ઞાન અને કળાનાં બીજ રોપાતાં નથી. જ્ઞાન અને કળાઓ તો અગ્નિહોત્રના અગ્નિ પેઠે વંશપરંપરા અખંડ જાળવી રાખવાનાં છે. રાજાઓ મરે ત્યારે રાજવિદ્યા અને યુદ્ધવિદ્યા નાશ પામે તો પાછળની પ્રજા શું કરે? અને રાજાઓ ન મરે તો ક્ષત્રિયોને માથે જીવનપ્રિય રાજાઓ ર્‌હે તેને ક્ષત્રિયો માન કેમ આપે ને બાયલા કેમ ન ગણે? રાજાને યુદ્ધમાં યમ સાથે લડતો જોઈ ક્ષત્રિયોની રાજભક્તિ અને શૂરતા, તીક્ષ્ણ થાય છે. માટે રાજાએ યુદ્ધને મંગળરૂપ ગણવું. હવે રાજા મરે તો તેની રાજવિદ્યા અને શસ્ત્રવિદ્યા નાશ ન પામે – નવો રાજા બાળક હોય કે શત્રુ હોય – તેને માટે રાજવિદ્યા અને શસ્ત્રવિદ્યાનો આધાર પણ તેમના બ્રાહ્મણ મંત્રીઓને કરવા. બ્રાહ્મણોનો વધ શાસ્ત્રમાં નિષિદ્ધ ગણ્યો તે આવાં આવાં જ્ઞાનનાં બ્રાહ્મણરૂપ અક્ષયપાત્ર સાચવવાને માટે અને અખિલ લોકના કલ્યાણને માટે, જો દ્રોણાચાર્યની શસ્ત્રવિદ્યા અને ચાણક્યની રાજવિદ્યા. ચાણક્ય હતો તો ચંદ્રગુપ્ત સર્વ વિદ્યા શીખ્યો અને મલેચ્છોને કંપાવી શક્યો. રાજબીજને પણ બ્રાહ્મણ માળી જોઈએ છીએ અને મહાન્ અનુભવવિના વિદ્યા સતેજ થતી નથી. માટે રાજાએ મંત્રીયોને સ્થળે બ્રાહ્મણો રાખવા, તેમને મહાન્ પ્રસંગોના અનુભવી કરવા, અને તેમનું આયુષ્યરત્ન જાળવવું એ રાજાઓનું કામ મ્હારા પુત્રને શીખવજે.”

"બીજું બ્રાહ્મણને ઠેકાણે બ્રાહ્મણ, ક્ષત્રિયને ઠેકાણે ક્ષત્રિય, અને વૈશ્યને ઠેકાણે વૈશ્ય, વગેરે વાતમાં વાંધો ન પડે. વળી જે હવે કાળ બદલાશે અને વર્ણાશ્રમના ધર્મ નાશ પામશે એ પણ નક્કી છે, પણ આનો અર્થ ઉંધો ન સમજીશ. અસલ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણપણું કરતો હતો તે બંધ થશે અને ક્ષત્રિયોના દીકરા ઈંગ્રેજી રાજ્યમાં લ્હડવા નહીં પામે એટલે, આશ્રમ તો નાશ પામ્યા છે જ પણ, વર્ણાચાર પણ નષ્ટ થશે, તે કાળે સમય જોઈ વર્તતાં શીખજે અને શીખવજે. તું ગમે તે કરશે પણ બ્રાહ્મણમાં શુદ્ધ ક્ષત્રિયપણું આવવાનું નથી અને ક્ષત્રીયોમાં શુદ્ધ બ્રહ્મત્વ આવવાનું નથી; વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ થતાં તેનાથી પોતાનો સ્વભાવ તજાયો નહી તેની વાત જો; અને પરશુરામની ભૂમિમાં જન્મેલા બ્રાહ્મણ પેશવાઓ યુદ્ધમાં લ્હડ્યા, પણ એમનો ક્રમ જો – પ્રથમ સ્વામિદ્રોહ, પછી પરસ્પરદ્રોહ, અને છેલો પ્રલયકાળ રાજદ્રોહી રાઘોબાનો પૌત્ર આ નાનાસાહેબ આજ વર્તાવવા ઉભો થયો છે તે ભસ્માસુરની પેઠે પોતાનો હાથ પોતાને માથે ન મુકે તો મને સંભારજે. એ પોતાના લાભ સારુ લ્હડે છે, ક્રૂરપણે વર્તે છે, પણ ક્ષત્રિયોના ઉદાર અને ઉદાત્ત ધર્મ તેને આવડવાના નથી ને તેના વંશમાં કોઈને આવડ્યા નથી. બ્રહ્મરત્નોને ઠેકાણે બ્રહ્મ-અંગારાઓ હાલ દેખાય છે. માટે ત્હારે સર્વ વર્ણોમાં હલકા કાંકરા, કોયલા, અને અંગારા હોય તેને ઉત્તેજન ન આપવું – ત્યાં વર્ણાચાર નાશ પામવા સૃજેલો છે તે અટકાવવા મિથ્યા પ્રયત્ન ન કરવો પણ બુદ્ધિની અને હૃદયની પરીક્ષા કરી બ્રહ્મરત્ન, ક્ષત્રિયરત્ન, અને વૈશ્યરત્નોને ખુણે ખોચલેથી, દેશપરદેશથી, શોધી ક્‌હાડી મ્હારી નગરીમાં યથાશક્તિ ભરજે અને પેલા કાંકરા, કોયલા જેમ દૂર જાય તેમ કરજે. એ રત્નો એકઠાં કરી તેમાં તેમના વર્ણપ્રમાણે વિવેક કરજે. જરાશંકર, રાત થોડી ને વેશ ઘણા છે. મ્હારા વારસને આ શીખવજે.” બારણે એકઠા થતા વીરોના સ્વર સંભળાવા લાગ્યા.

“જરાશંકર, એક વાત ભુલી ગયો છું. તે સાંભળ. ૨ત્નો આ નગરીમાં ભેગા કરવા કહ્યું તેનો અર્થ અવળો કરીશ નહીં. જો, કેટલાંક રત્ન આપણે ઘેર સારાં, ને કેટલાંક આપણે ઘેરથી પરઘેર ગયાં જ શોભે. પુત્રરત્ન ઘેર સારું – તેમ ક્ષત્રિયરત્ન ઘરનું સારૂં; પરદેશીનો વિશ્વાસ નહીં હોં ! કદી આ વાત ચુકીશ નહી. કન્યારત્ન પરઘેર દીપે – તેમ આ રાજયનાં બ્રહ્મરત્નનું તેજ પરરાજ્યમાં તપવા દેવું, ઘેર બેઠે બુદ્ધિ કટાય, અનુભવ ઓછો થાય, આળસ વધે, નિઃસ્પૃહીપણામાં ને નિષ્પક્ષપાતપણામાં ખામી આવે, ઘરકુકડીપણું થાય, પરસ્પરવિગ્રહી સ્વભાવ થાય, આપણા ન્હાના રાજયમાં સારાં રત્નની અછત થઈ જાય, ને પરરાજ્યનાં મ્હોટાં રત્ન આણીયે ત્યારે આપણા દેશી કાંકરાં અદેખાઈ કરે તે સ્હેવી પડે, અથવા તે અદેખાઈનો પ્રસંગ ન આણીયે તો મૂલ્યવાન રત્નોને જે દ્રવ્ય આપી મહાન લાભ મળવાના તેટલું જ દ્રવ્ય ઘરના કાંકરા પાછળ ખરચી લાભને ઠેકાણે અનેકધા હાનિઓ પામવાની થશે. મહાપ્રસંગે બુદ્ધિવાળાં અનુભવી માણસો વગર ચલાવવું પડશે. અને રાજ્યને ધકકાનો અને પ્રજાને જુલમનો વારો આવવાનો – અધિકારીયોને નીમતાં અને ઉત્તેજન આપતાં આ વાત સરત રાખજે. તેઓ નાતે ગમે તે હશે પણ અસલ જે કામ બ્રાહ્મણો કરતા તે કામ તેમને હાલ કરવાનું છે, તે કામ કરવાની તેમની યોગ્યતા વિચારજે અને વધારજે, અને આપણા રાજ્યનાં માણસો નીમી તેમને એકલહત્થા વાણીયા - ઘરમાં સિંહ અને બ્હાર શીયાળ – થવા દેઈશ નહીં. અને એ કામ સારૂં જે રત્ન વસાવે તેમાં સરત રાખજે કે રત્નો તો –

“જ્યું જ્યું પરભૂમ સંચરે, મુલ મોઘેરાં થાય.”

“મ્હારા પ્રધાનોએ આવું હાટ માંડવું અને તેમાં ચતુર વણિગ્યાપારીની કળા વાપરવી.”

બ્હાર વધારે સ્વર થવા લાગ્યા.

“બસ, હવે અવકાશ નથી. પણ આ સઉ મ્હારા વારસને શીખવજે. મને હવે મ્હારા યુદ્ધાનંદમાં પડતાં પ્હેલાં અને યુદ્ધને અર્થે રત્નનગરીનો ત્યાગ કરતાં પહેલાં એ મ્હારી વ્હાલી રત્નનગરીના ઉપર વ્હાલનો છેલો ઉમળકો આણવા દે અને તેને સારૂ રત્નનગરી નામ શાથી પડ્યું તે મંગળ શ્લોક બોલી બતાવ – ઝટ.” જરાશંકર શ્લોક બોલવા લાગ્યો.

“नगस्य कूटेषु च पन्नगानां
'“शिरःसु चारण्यमदद्विपानाम् ।
“कुम्भस्थलीष्वेव च वारनारेः
"पद्यासु चाम्भ:सु च वारिराशेः॥
"“रत्नाकरत्वात्तु पुरातनेभ्यो
“लेभे पुरा रत्नपुरीत्यभिख्याम् ।
"या साऽद्य संपुष्यति कीर्तिमग्रयां
"जगत्सु जाता नररत्नगर्भा॥[૧]

મલ્લરાજે આકાશ ભણી હાથ જોડી ઉદ્‍ગાર કર્યો: “હે માતા રત્નનગરી ! ત્હારાં સુંદરગિરિમાં, ત્હારાં અરણ્યોમાં, ત્હારા મહાસાગરમાં, ત્હારા પેઠે ચાલનારાં અને પગે ચાલનારાં પ્રાણીયોમાં, ત્હારાં રાજ્યની જડચેતન લક્ષ્મીમાં સર્વત્ર તું ૨ત્નની ખાણો ને ખાણો રાખે છે તેની કીર્તિને મલ્લરાજના વંશજો અને તેમના અધિકારીયો અને પ્રજાઓ કદી ઝાંખ લગાડે નહી એવું ત્હારું સદ્‍ભાગ્ય હો અને એ સદ્‍ભાગ્ય સિદ્ધ કરવા આજનાં ત્હારાં નર-૨ત્ન યુદ્ધમાં ચ્હડશે ત્યાં ઈશ્વર સહાય થાવ !”

આ વચન નીકળે છે તેવામાં સામંતને આગળ કરી યુદ્ધસામગ્રી સજી સર્વ ભાયાતો હારબંધ રાજમંદિરમાં આવ્યા, અને સામંત મલ્લરાજના પગ આગળ તરવાર મુકી બોલ્યોઃ “ઈશ્વર સહાય થાઓ ધર્મરાજ મહારાજ મલ્લરાજને ! મહારાજની આજ્ઞા ઉપાડવા સર્વ ભાઈઓ શિર સજજ કરી ઉભા છે અને રંક સામંતને મુખે આજ્ઞા માગે છે.”

મલ્લરાજ આનંદપ્રફુલ્લ થયો અને બોલ્યો; “ધન્ય છે, સામંત,


  1. આ નગરીની હદમાં રત્નની ખાણોને, સુંદરગિરી શિખરેામાં રાખે છે, મણિધરો માથામાં રાખે છે, મધ ધરનાર વનગજો કુમ્ભસ્થલોમાં રાખે છે, હસ્તીયોનો શત્રુ સિંહ પોતાને ચાલવાના – અને કુંભસ્થલને ફાડનાર પંઝા મુકવાના – માર્ગોમાં રાખે છે, અને સમુદ્ર પાણીમાં રાખે છે, પુરાતન લોકે આથી જેવું નામ પ્રથમથી રત્નનગરી પાડ્યું છે તે નગરી નરરત્નોને ગર્ભમાં ધારણ કરી જગતોમાં પેાતાની અગ્ર્ય કીર્તિની આજના કાળમાં વધારે – પુષ્ટિ કરે છે.
“ત્હારી અને સઉ ભાઈઓની પ્રીતિને અને ભક્તિને ! જ્યાંસુધી તમારા

જેવા ભાઈઓ રત્નોપેઠે પ્રકાશશે ત્યાંસુધી રત્નનગરીને કોઈનું ભય નથી. સામંત, આજ મ્હારો સેનાપતિ તું, અને આજના યુદ્ધનો યશ તને આપું છું. તને મ્હારો આશીર્વાદ છે. કાર્તિકસ્વામી ઈન્દ્રની આજ્ઞાથી અસુરો સામે ચ્હડતા તેમ મ્હારી આજ્ઞાથી આપણા ભાઈઓની સેના લઈ તું સત્વર ચ્હડી જા અને શત્રુનો પરાભવ કરી રત્નનગરીના રાજ્યમાં શત્રુ ફરી પગ મુકે નહીં એવું કર. વ્હાલા અને શૂરા ભાઈઓ, પ્રાતઃકાલ પ્હેલાં સર્વ કાર્ય આટોપી આવો અને સામંતને પુરો આશ્રય આપજો. સામંત, મને ઘડીયે ઘડીયે સમાચાર ક્‌હાવજે – આવ, મને ભેટી લેવા દે.”

પોતાને મળેલું માન, પોતાના ઉપર રાજાએ રાખેલો વિશ્વાસ, અને અત્યારે રાજાનું પ્રેમાલિંગન : એ સર્વથી સામંતની આંખોમાં ઉપકાર અને આનંદના આંસુ આવ્યાં. સર્વે ભાઈઓની સાથે રાજાએ હાથ મેળવ્યા, અને એકે એકે સઉ ગયા.

“જરાશંકર ! જોજે, ભાઈઓ, અધિકારિયો, સેના અને આખી પ્રજા તેમના અંતઃકરણનો પ્રેમ અને તેમના આશીર્વાદ – એ શીવાય રત્નનગરીના રાજાઓને અધિક બળ અને અધિક યત્ન કશામાં નથી. એ અમારો પરાપૂર્વનો ઇતિહાસ હતો તે વાત હું આજ દૃષ્ટિયે જોઈ, અને મ્હારે પુત્રપ્રાપ્તિ થાય તો પુત્રને ને મ્હારે પુત્ર ન થાય તો મ્હારા વારસને આજની વાતથી વિદિત કરજે, તેમને મ્હારો આ સંદેશો પ્હોંચાડજે અને મ્હારા તરફથી ક્‌હેજે કે હીંદુસ્થાનનું સામ્રાજય ઇંગ્રેજ કરો કે બીજા કોઈ કરો પણ જ્યાંસુધી મ્હારા આ પરાપૂર્વનો કુળાચાર જાળવવા જેટલી મ્હારા વારસોમાં શક્તિ હશે ત્યાંસુધી તેમનો વાંકો વાળ નહીં થાય અને કાળ બદલાશે પણ તેમનું રાજ્ય નહીં બદલાય !”

ભાયાતો ઉપર અને તેમાં મુખ્ય કરી સામંત ઉપર રાજાએ દર્શાવેલો વિશ્વાસ અને પ્રેમ અને તેના બદલામાં તેમણે અર્પેલી ભક્તિ જોઈ જરાશંકર સ્તબ્ધ થઈ ગયો હતો તે આ વચન સાંભળી ગળગળો થયો, તેના નેત્રમાં પાણી ભરાયું, અને હાથ જોડી ગદ્‍ગદ કંઠે બોલ્યો.

“મહારાજ, હું અપરાધી આપની શિક્ષાને પાત્ર થયો છું. આ ભાયાતોનો નિરોધ કરવા મ્હેં આપને સૂચના કરી હતી તે દુષ્ટ હતી એમ હવે મને લાગે છે, અરેરે ! આ રાજભક્ત પુરૂષોને વાસ્તે જો આપે જ સદ્દભાવ ન બતાવ્યો હત તે મ્હારા વચનથી દુષ્ટ ફળ થાત. મહારાજ, આપના મહાન અંતઃકરણે સામંતને જે શિક્ષા કરી તેનું દૃષ્ટાંત આ શ્રુદ્ર જીવથી ભુલાય એમ નથી. મરાઠાઓને આપ ગર્ભચોર ક્‌હો છો તે તો જગત જાણે છે; પણ આપના જેવા ગર્ભમહારાજનું મહારાજત્વ જોઈ મ્હારું હૃદય દ્રવે છે, આનંદ પામે છે, અને તેમની સેવાના પ્રસંગથી અભિમાન ધારે છે. સૂર્યવંશી મહારાજ, આપના શબ્દેશબ્દ હું આ હૃદયમાં કોતરી રાખીશ અને આપના અનુયાયીને પ્હોંચાડીશ. પણ આપ એ સંદેશો ક્‌હાવવાનો પ્રસંગ અત્યારે શાથી કલ્પો છો ? ”

મલ્લરાજે હાસ્ય કર્યું: “જરાશંકર, રાજા અને પ્રધાન અન્યોન્યના અંકુશ છે. રાજ્યના દેશકાળની એકતા વંશપરંપરા દ્વારા એ ભાવે ર્‌હેનાર રાજા રાખે છે. આ કાર્યમાં પિતા, પુત્ર, પૌત્ર આદિ સર્વ રાજાઓને એક જ પુરૂષ રાજા ગણેલો છે. તે કદી મરતો નથી અને એક યુગના રાજમંત્ર બીજા યુગને પહોંચાડે છે, તે રાજ્ય ઉપર કુટુંબભાવ રાખે છે. પણ રાજા, આસપાસના દેશોમાં ચારે પાસ વધેલાં અનુભવ અને વિદ્યામાં, પ્હોંચી વળતો નથી અને તેથી તેને તે સર્વ વિદ્યાનુભવે પામેલા પ્રધાનો સાથે જોડાવાની જરુર છે - જેમ દીકરો માબાપના સ્વગૃહની કન્યાને અગ્રાહ્ય ગણી પરગૃહની કન્યા સાથે જોડાય તો જ ધર્મ પ્રવર્તે છે. ભાયાતોને દુ:ખ દેવું જેમ અનિષ્ટ છે તેમ તેમને પ્રધાનપદ આપવું પણ રાજ્યને અનિષ્ટ છે. પરગૃહની કન્યા સાથે સ્વગૃહનો પુત્ર જે મંત્ર કરે તે કાંઈ ઓર જ થાય છે અને તે જાણવાનો તેમ તેમાં વચ્ચે પડવાનો અધિકાર માતાપિતાને કે બંધુઓને નથી, તેમ જ રાજા અને પ્રધાન વચ્ચેના મંત્ર પ્રત્યે મ્હારા ભાયાતોના ધર્મ સમજવા. જરાશંકર, જેમ પુત્ર માવડીયો થાય તો તેને કન્યાના ભણીથી અંકુશ વાગવો ધર્મ્ય છે તેમ રાજા અયોગ્યરીતે કુટુંબવત્સલ થાય તો પ્રધાને તેના સામે અંકુશ ધરવો જ જોઈયે. ત્હારી સૂચના કેવળ સધર્મ હતી; માત્ર ફેર એટલો હતો કે મ્હારા ભાઈઓનો સ્વભાવ હું જ જાણતો હતો, અને ત્હારું ઈષ્ટ ફળ મ્હારી વત્સલતાથી જળવાય એમ હતું, તેથી મ્હેં મ્હારો અધિકાર વાપર્યો. ત્હેં જે નિર્ભય રીતે બુદ્ધિ ચલાવી તેમ સર્વદા ચલવવી. આપણે બે પરસ્પરની ભુલો સુધારવા બસ છીયે. તું જો કે આ ભાઈઓ હવે અધિક શૌર્યથી, સંભાળથી, અને ચતુરાઈથી યુદ્ધ કરશે - મ્હારે ઠેકાણે તેમને મોકલ્યા તેથી તેમના મનમાં વધારે કાળજી ર્‌હેશે. સામંતે ભુલ કરી તેનું એ ઈષ્ટ ફળ. મને વિશ્વાસ છે કે પ્રાતઃકાળ પ્હેલાં એ જીતીને પાછા ફરશે, પણ યુદ્ધના પ્રસંગ અનિશ્ચિત છે. મ્હારે પણ જવું પડે તો તને કંઈ ક્‌હેવાનો અવકાશ ન મળે. જુની વાતોમાં એવું આવે છે કે યુદ્ધમાં ચ્હડતાં પ્હેલાં અસલના યોદ્ધાઓ પુત્રહીન ગૃહિણીને ગર્ભાધાન કરાવી ઘોડે ચ્હડતા હતા કે તેમનું મૃત્યુ થાય તો તેમના શૌર્યનું બીજ કાળે ઉગે. જયશિખરીયે સગર્ભા રાણીને વનમાં શત્રુ ન પ્હોંચે ત્યાં મોકલી દીધી હતી. એ જ પ્રનાલિકાયે હું મ્હારો સંદેશારૂપ ગર્ભ – તું મ્હારો બ્રાહ્મણપ્રધાન તેના અંતઃકરણમાં - મુકું છું તે ગર્ભનું પોષણ કરજે. સ્ત્રી–બ્રાહ્મણ વધને પાત્ર નથી અને ક્ષત્રિયોના વધપ્રસંગે અવધ્ય સ્ત્રી–બ્રાહ્મણનાં અંતર્માં સંતાડેલા ગર્ભ જીવી શકે છે, વધી શકે છે, અને કાળે કરીને પ્રકટ થાય છે. જો, કોણ આવે છે?

પોતાનો દૂત આવ્યો અને બોલ્યો.

“મહારાજ, તાત્યાટોપીની સેના પડી છે તેના બે સરદાર મ્હારી સાથે નગરને પાદર આવ્યા છે. આપને મળવા ઈચ્છે છે. આજ્ઞા હોય તો પાદરની ધર્મશાળામાંથી તેડી લાવું – અભયવચન આપી લાવ્યો છું.”

“જાતે કેવા છે તે ?”

“એક મરાઠો છે. ઈંગ્રેજી ભણેલો છું એમ ક્‌હે છે. બીજો વૃદ્ધ દક્ષિણી બ્રાહ્મણ છે ને ક્‌હે છે કે શાસ્ત્રી ભણેલો છું ને ગુજરાતી રજવાડામાં રહેલો છું અને હરદ્વારથી સેતુબંધ રામેશ્વરસુધી ને જગન્નાથપુરીથી દ્વારકાસુધી યાત્રાઓ કરી આવેલો છું.”

“એમની સાથે બીજાં માણસ છે?"

"હા,"

“કેટલાં છે ?”

“બે જ, એક હીંદુસ્થાની સીપાહી છે ને બીજો મુસલમાન છે.”

“તું જા, હું જમી રહીને તેડવા મોકલું એટલે લાવજે.” દૂત ગયો. “ જરાશંકર, સામંતની સેના કુચ કરી જાય તે પછી આ લોકને તેડવા મોકલજે. એમને અભયવચન આપ્યું છે, એમની સેનાને નથી આપ્યું.”

જરાશંકર ઉભો થયો.

“જરાશંકર, કંપની સાથે સંબંધ બાંધવો કે નહીં તેમાં ત્હારી બુદ્ધિ મને કામ લાગી છે. ભાયાતોની વાતમાં મ્હારી બુદ્ધિ ચાલી છે. આ લોક આવે ત્યાર પ્હેલાં તું આવજે – આમાં આપણું બેનું કામ પડશે.” . “જેવી આજ્ઞા.” જરાશંકર ગયો. ભોજનની આજ્ઞા થઈ. રૂપેરી થાળ અને પ્યાલાઓમાં મલ્લરાજનું સાદું પણ સ્વાદિષ્ટ, તાજું અને બલિષ્ટ, ભોજન આવ્યું. તે જમવા બેઠો. માણસો ગયાં, સામી માત્ર રાણી બેઠી, નેત્રને પ્રસન્ન કરે એવાં વસ્ત્રો પહેરી, બલવાન ઉંચા બાંધાની પણ યૌવનમદની ભરેલી, શૃંગારમાં લડાક, સ્ત્રીધર્મમાં કુલીન અને પ્રવીણ, આનંદભરી, ઉચ્ચ રસથી ઉભરાતી ક્ષત્રિયાભિમાનિની મહારાણી મધુર અને કોમળ પણ સ્થિર વચન બોલતી બેઠી.

“ક્‌હો, મ્હારાં મેનારાણી, આજ શી નવાજુની છે ?” અન્ન મુખમાં મુકતાં પ્હેલાં મલ્લરાજે પુછયું.

“મહારાજ પ્રાતઃકાળ પ્હેલાં યુદ્ધે ચ્હડે છે એવી વાત કાને આવી છે તે વાત ખરી હોય તો એકશયનભાગિનીને તે જાણવાનો અધિકાર હશે ખરો ? ”

મલ્લરાજ હસવા લાગ્યો. “કોણ જાણે, હોયે ખરો ને ન યે હોય ! રાજાઓને અનેક રાણીયો, તેમાં રણભૂમિ સઉથી સુહાગણ. તેનું તેડું આવશે ત્યારે બીજી રાણીઓને પડતી મુકવી પડશે. એ રાણી તમને ક્‌હેવા જેટલો અવકાશ આપશે તો કહીશું ને તમારી પાસે આવવા દેશે ત્યારે આવીશું.”

“સત્ય છે, આપ જેવાઓ રણભૂમિ સાથે શૃંગારવાસના ન રાખો ત્યારે બીજું કોણ રાખે ? મહારાજ, એ રાણીને મ્હોલ પધારો ત્યારે તો આપના શસ્ત્રાલંકાર પ્હેરાવવાનો અમને અધિકાર.”

“હા - હવે હું હાર્યો ને તમે તમારો અધિકાર સિદ્ધ કર્યો ખરો, તો લ્યો કહું છું – આપણી સેના લઈ સામંત ચ્હડી ગયો છે ને મ્હારે ચ્હડવા વારો આવશે કે નહી તે નક્કી થશે ત્યારે તમને કહીશ - જવું પડે તો રાત્રિયે ગમે તે કાળે જવું પડે. લ્યો, વધામણીમાં આ "દુધભાતનો સાકરકોળીયો” – રાજાએ રાણીને કોળીયો ભરાવ્યો, રાણીએ લજજાવનત મુખે ભર્યો, કોળીયો ભરાવતાં ભરાવતાં સ્વામીએ અચીંત્યો કપીલદેશે હસ્ત ફેરવ્યો. પતિના દાક્ષિણ્યથી આનંદપ્રકુલ્લ રોમાંચિત રાણીએ સામો કોળીયો ભરાવ્યો. ભોજન કરી શૃંગારવીર રાજાએ રાણીને હાથ ઝાલી અગાશીમાં લીધી. ત્યાં મધ્યાકાશમાં ચંદ્રાર્ધબિમ્બ, રાજાના હસ્તભાગપર અઠીંગાયેલાં ઢંકાયલા વાંકા પડેલા મેનોરાણીના મુખ પેઠે, એકાંતરમ્ય વિહારવડે વિલસતું હતું, રાણીના નેત્રમાંથી જલપ્રવાહ જતો જતો રાજાના હાથપર પડતો ગયો તેમ તેમ રાજા તેને છાતી સરસો ડાબતો ગયો. વધારે વધારે રોતી રોતી રાણી પતિ વિના બીજું કોઈ ન સાંભળે એમ નીચે પ્રમાણે ગાવા લાગી, અને પોતાની ધડકતી છાતી ડાબી રાખવા રાજાના બલવાન ભુજમંડળને ભાનશૂન્ય ખેંચવા લાગી.

“રજપુતાણી જાતની રે ! થારુ[૧] કઠણ કાળજું થાય,
“રણશૂરો થોરો [૨] રણ ચ્હડે ત્યારે આંખડી ભીની ન થાય !
– રજ ૦
“ભેટી લે નાથને બાથમાં, વીરરત્ન ચ્હડે પરદેશ,
“ત્હારે કંઠે છે આજની રાત એ, કાલ રણુભુંયનો ભુંડો વેશ.
– રજ ૦
“ભૂમિ આંસુ પડે આજ, ઘેલડી ! તો તો માનશકુન થઈ જાય,
“કહ્યું ન કરે ભુંડી આખડી, એનાં આંસુ વડે કંથ ન્હાય,
– રજ ૦
“જીતીને આવજો, કંથજી ! વાટ જોતી સમારીશ સેજ,
“પાછે પગલે ન આવશો, નાથજી, કુળદેવીની આશિશ છે જ.
– રજ ૦
“રણે રાતી કરશો, પીયું, આંખડી, ઘેર રાતી આંખે રોશે નાર,
“રણજંગ ભણી જોશે વાટડી, ક્યારે, ખોંખારે ત્હારો તોખાર ?
– રજ ૦
“પળ મળે આજ જે ભેટવા તો તે આવરદાનો સાર;
“રણશુરો થારો[૩] રણ ચ્હડે ત્યારે કેવી તે પડશે સવાર ?
– રજ ૦

  1. ૧. ત્હારું.
  2. ૨. ત્હારો.
  3. ૨. ત્હારો.
“ બ્રાહ્મણી શમતી બ્રહ્મમાં રુવે વૈશ્યાણી-“પિયુ પરદેશ,”
“ રજપુતાણી જાણું ન - કંથ માહ્યરો રોતો કે હસતો વેશ?
–રજ૦

અંતે રાણી મન બળવાન કરી સામી ઉભી રહી અને હાથ જોડી બોલીઃ “મહારાજ, મળ્યાં તે ખરું ને મળીશું તે ખોટું, અવકાશ હોય તો દાસીયોગ્ય કાંઈ આજ્ઞા આપો તેને પુત્ર વિનાની હું પુત્રની પેઠે પાળીશ.”

મલ્લરાજની આંખ આ વચનથી કાંઈક સજળ થઈ રાણીને માથે હાથ મુકી માથું છાતી સરસું ડાબી બોલ્યોઃ “ મ્હારાં ગૃહરત્ન ! ભાવી આગળ કાંઈ ક્‌હેવાનું નથી. આપણ રજપુતો જેવા પડે તેવા દઈએ. હું વિદ્યમાન હઈશ તો તો ત્હારે કંઈ પુછવાનું નથી. હું ન હઉં ને કાંઈ પુછવું હોય અથવા પુછ્યા વિના સાંભળવાનો પ્રસંગ આવે તો બ્રાહ્મણ જરાશંકર અને ક્ષત્રિય સામંત મ્હારાં પરખેલાં અને વિશ્વાસુ છોરાં છે અને એ બે ઉપરાંત ત્રીજું ત્હારૂં શાણપણ છે - રજપુતના ઘરમાં રજપુતાણી ડાહી એ જગજાણીતી વાત છે.”

“મહારાજ ! એ આજ્ઞા હું પુત્ર પેઠે પાળીશઃ ” છુટી પડી મેના રાણી બોલી.

“મને તે વાતનો પૂર્ણ વિશ્વાસ છે. રાણી ! પુત્ર નથી તેનો અસંતોષ ન રાખવો.”

“મહારાજ ! તમારો વારસ જેને ઈશ્વરે ઘડ્યો હશે તે જ થશે. આપ છતાં મ્હેં અધિકાર ઈચ્છ્યો નથી તો આપની પાછળ ઈચ્છું એ અશક્ય છે, ધિક્કાર છે તે ક્ષત્રિયાણીઓને કે જે અધિકારને લોભે અથવા કોઈ પણ કારણથી પોતાના સ્વામીના રાજ્યાસન પર પરાયાં બાલકોને બેસાડે છે ! એ રંડાઓ વ્યભિચારિણી સ્ત્રીયો કરતાં વધારે દુષ્ટ છે. મહારાજ જે સ્ત્રીના માથાનું છત્ર ગયું છે તેને સંસારની વાસના ર્‌હે છે તે તેના સ્વામી સાથના સંસારમાં કાંઈ ન્યૂનતાને લીધે. અને તેથી વિશેષ પોતાના નીચ કુળના સંસ્કારને લીધે. મહારાજ, મ્હારા સંસારમાં આપે ન્યૂનતા રાખી નથી. મ્હારું કુળ પરમ શુદ્ધ અને ઉચ્ચ છે. મહારાજ, માથાનું છત્ર જતાં સંસારમાં શું બાકી ર્‌હે છે ? એવી સ્ત્રીને પુત્રનુંયે પ્રયોજન શું છે અને રાજ્યનુંયે શું છે ? મહારાજ, વધારે બોલવું તે ખુશામત જેવું દેખાય છે ને મ્હારા કુળને છાજતું નથી. હું આપને પગે પડીને આ મ્હારા પતિ કુળ ચંદ્રના સમક્ષ સોગન ખાઈને કહું છું કે આપની સર્વ આજ્ઞાઓ મ્હારા એકના એક પુત્ર પેઠે જાળવીશ – મ્હારું કુળ જાળવીશ – મહારાજ, આપ રણમાં મ્હારી વાતે સ્વસ્થ ર્‌હેજો – ક્ષત્રિયનું રણ તે જ ક્ષત્રિયાણીનું આભરણું.”

રાણી રાજાને પગે પડી, પગ ચુંબ્યા, અને રાજાએ ઉઠાડી ઉઠી.

“પ્રિય રાણી, ત્હારાં વચન પર મને શ્રદ્ધા છે. મને ખબર છે કે સ્ત્રીયો પવિત્ર ર્‌હે છે તે પોતાની ઈચ્છાથી અને પારકા ડબાણથી નહી. રાણી ! ત્હારી પવિત્ર ઈચ્છાઓ, કુલીન સંસ્કાર, અને હૃદયના શબ્દ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. – શુદ્ધ ક્ષત્રિયાણી ! – જો, કોઈ દ્વાર ઠોકે છે."

જરાશંકર આવ્યો. “સામંતની સેના વીદાય થઈ ચુકી. આવેલા મહાપુરુષોમાંથી ગમે તે બે જણે જ આપની પાસે આવવું એમ કહી બોલાવ્યા છે તે સત્વર આવશે.” આ વાક્ય બોલાતું હતું એટલામાં એક પાસ થઈને રાણી ગઈ.

“કેમ બેને જ બોલાવ્યા ?" મલરાજે પુછયું.

“એકાંતમાં એથી વધારે શસ્ત્ર બંધી સંખ્યાનો ખપ નહી, ને કામ કરવાનું તે તો એકથીયે થાય. છતાં વળી બેને આવવા રજા આપી છે.”

દૂત બે જણને લેઈ અંદર આવ્યો. મહારાજ ગાદી ઉપર બેઠો. પાછળ જરાશંકર બેઠો. સામે દૂત અને બે નવા પુરુષો ઉભા.મલ્લરાજે શિર કંપાવી તેમની સલામી ઝીલી અને હાથ લાંબો કરી સામે સ્થાન દેખાડ્યું ત્યાં બેઠા.

એકને માથે મરાઠી પાઘડી અને બીજાને માથે દક્ષિણી બ્રાહ્મણશાઈ પાઘડી હતી. દૂતે ગોષ્ઠી આરંભી.

“મહારાજ, આ સુભાજીરાવ નામના સરદાર છે અને આ કેશવપંત શાસ્ત્રી છે તે આપને પોતાની ઈચ્છા નિવેદિત કરશે. સુભાજીરાવ, આ અમારા મહારાજની પાછળ અમારા પ્રધાનજી

છે – કોઈ પરભાર્યું નથી.”

કેશવ શાસ્ત્રીએ વાત આરંભી.

“મહારાજના સ્વદેશાભિમાનની કીર્તિ અમારા શ્રીમંત સરકાર નાનાસાહેબ પેશવાને કાને આવી છે અને તેથી અત્યંત ઉત્સાહથી આપની પાસે અમને મોકલેલા છે.”

“તમે બે જણ નાનાસાહેબ પાસેથી આવો છો? તમને એકલા નાનાસાહેબે મોકલ્યા છે કે બીજા કોઈનો પણ નિરોપ તમારી પાસે છે ? તમને તેમણે જ મોકલ્યા છે તેનો પુરાવો શો?” મલ્લરાજે પુછયું.

“ધન્ય છે મહારાજની બુદ્ધિને !” કેશવ શાસ્ત્રીએ સુભાજીરાવ ભણી જોઈ કહ્યું: “સુભાજીરાવ, મહારાજની બુદ્ધિની કીર્તિ જેવી સાંભળેલી હતી તેવી જ છે. મહારાજ, આપને ખબર હશે કે આલમગીર બાદશાહના કાળમાં મલેચ્છોનો પરાભવ કરવા શિવાજી મહારાજે રણયજ્ઞ આરંભેલો હતો તેવો જ આજે આરંભાયલો છે.”

“આજે તો મુસલમાનો પણ યજ્ઞમાં અધ્વર્યુ થયા છે ”– જરાશંકર પાછળથી બોલ્યો. શાસ્ત્રી વાંકી દ્રષ્ટિ અને કડવું મ્હોં કરી જરાશંકરને ઉત્તર દેવાને તિરસ્કાર કરતો હોય તેમ કરી બોલ્યો, પણ ઉપમા પડતી મુકી બીજી ઉપમા આપી.

“મહારાજ, સમુદ્રમન્થન જેવા કાર્યમાં આજે દેવો અને દાનવો એકઠા મળી કાર્ય કરે છે.”-

મલ્લરાજે હસીને કહ્યું: “જરાશંકર, આ ઉપમામાં તું દોષ ક્‌હાડે એમ નથી, શાસ્ત્રી મહારાજની બુદ્ધિ આગળ પ્હોંચી વળવાનો ત્હેં વૃથા પ્રયત્ન કર્યો.”

“મહારાજ મુજ જેવા શિષ્યોના પ્રશ્નોથી આવા સમર્થ ગુરૂજનોની બુદ્ધિ સતેજ થઈ જાય છે.” જરાશંકર બોલ્યો.

શાસ્ત્રી પ્રસન્ન થયા.

“મને લાગે છે કે તમારી ઉપમામાં બીજો પણ ગૂઢાર્થ છે તે એ કે સમુદ્રમંથનમાંથી રત્ન નીકળવા લાગ્યાં એટલે દેવોએ દૈત્યોને દૂર કર્યા હતા તેમ હાલ પણ ગરજ સર્વે કરવું.”– મલ્લરાજે પુછયું.

“ધન્ય છે રાજનીતિજ્ઞ મહારાજને ! યુક્તરૂપ જ બોલો છે." શાસ્ત્રીમહારાજ ખીલ્યા. મલ્લરાજે પાછળથી જરાશંકરને ક્‌હાણી મારી કાનમાં કહ્યું. “પેશવાઈને યોગ્ય એ જ કૃતઘ્નતા.” – મ્હોટેથી મલ્લરાજે કહ્યું: “શાસ્ત્રીબાવા, રાજકાર્યમાં એ જ કૃતઘ્નતા છે કે ધડમૂળથી જ આ વિચાર રાખવો.”

સુભાજીરાવ જોઈ રહ્યો. “ભાઉસાહેબ, તેલંગીઓ જ્ઞ ઉચ્ચારે છે અને તમે દ્‌ન ઉચ્ચારો છો ત્યાં અમારા લોક ગ્ન ઉચ્ચારે છે.” જરાશંકર નીચલો ઓઠ કરડી બોલ્યો.

શાસ્ત્રીબાવા ક્‌હે: “ હારે સુભાજીરાવ, હું ગુજરાતનો અનુભવી છું. અહીંયાનું દૈશીક એવું જ છે.”

શાસ્ત્રી આમ બોલ્યા, પણ મરાઠાને આ વાગ્વિનોદ અસ્થાને લાગ્યો અને તેને ખોટું ન લાગે એમ પોતે વાત ઉપાડી લીધી.

“રાજાસાહેબ, અમારું કાંઈ ક્‌હેવાનું છે તેનો શાસ્ત્રાર્થ શાસ્ત્રીબુવા પાસે માગાહુન કરાવીશું, પણ હાલ ક્‌હેવાનું અમારા ટુંકા બોલમાં બોલી દઉં છું - જેવા આપે ટુંકા કહી દીધા તેવા હવે હું કહી દઉ છું ”

મલ્લરાજને કંઈક આ ગમ્યું. “બેલાશક બોલો.”

“જુવો સાહેબ,” સુભાજી બોલ્યો, “આજ સુધી આ દેશમાં જેટલાં પરદેશી રાજ્ય આવ્યાં તેમાં ઈંગ્રેજનું રાજ્ય તેમની ચાતુરતાને લીધે આ દેશને વધારે ભયંકર છે.”

મલ્લરાજના હૃદયમાં ઉંડો વિચાર પેઠો, અને મરાઠી પોતે કરેલા ઘાની સફલતા સમજ્યો ને ખુશ થઈ આગળ વધ્યો. તેણે જાણ્યું કે આ કાંઈ હલકા પોચા મૂર્ખ સાથે પેચ રમવાનું નથી, અને વિચારશિલને ભેદવાને વિચારશાસ્ત્ર ક્‌હાડ્યાં.

“ત્યારે, સાહેબ, આ અવસરે સઉનું ઐક્ય કરવાના કોઈ મહાપુરુષે માર્ગ શોધી ક્‌હાડ્યા છે. આ બંધુકની કારતુસમાં ગાયડુકરની ચરબીની કથા ચલાવી છે તે તો એક ગાંડો ગોળો છે, પણ સામાના લશ્કરમાં આપણા અજ્ઞાન માણસ રહ્યાં તે – ગાંડા ઘેલાં હીંદુ અને મુસલમાનો - બે ગાંડાઓને ગાંડાઘેલા બોલથી આપણા તરફ ખેંચવાનો ગાંડો ગોળો છે ને તે પુષ્કળ ફાવ્યો છે ને અમારા શિવાજી મહારાજના સમયમાં 'ડોંગરાસ લાવલે દેવ' એવો સંકેત હતો તે હાલ આ ગોળો સિદ્ધ કરે છે ને એવા બીજા અનેક ગોળા છે, પણ આપના જેવા ચતુર રાજપુરુષને તો તત્વ ક્‌હેવાનું છે તે જુદું છે."

“સાહેબ, એ તત્વ એવું છે કે ઈંગ્રેજની હવે બુદ્ધિ ફરી છે તે તેમના અસ્તકાળનું ચિન્હ છે – શત્રુનો અસ્તકાળ આવ્યે આપણે નહીં જાગીયે તો બીજો કોઈ જાગશે તે સિદ્ધ. તો આપના જેવા સિંહો કેમ નહી જાગે ? સાહેબ; ઈંગ્રેજેની મતિ દુષ્ટ થઈ છે, વિશ્વાસઘાત કરતાં હવે તેમને ડર નથી; આજ સુધી તેમને પૈસાની ભુખ હતી તે પુરી થતી; પણ હવે તેમને જમીનની ભુખ લાગી છે. સાહેબ, બધી ભુખ લાગે તે આદમી પુરી કરે પણ જમીન અને સ્ત્રી એ બેની ભુખ કોઈને લાગે તે આદમીથી તો પુરી નહી પડે – એ જમીનની ભુખ ઈંગ્રેજ બચ્ચાને હવે લાગી. તે હવે કોઈને દત્તક લેવા દેતો નથી. સાહેબ, પેશવાઈ તો આજ કાલની; પણ હમારા શિવાજી મહારાજના પુત્રના સાતારામાં તેમણે શું કર્યું ? હમને તે કેમ ન લાગે ? આપને કેટલાં દૃષ્ટાંત બોલી દઉં ? જુવો, ઝાંસી, જેતપુર, બઘાટ, ઉદેપુર, બુદાવળ, તાંજોર, કચાર, ઓરીસા, નાગપુર, કર્ણાટક, બીરાર, આઉઢ અને એવાં સાહેબને કેટલાં કેટલાં નામ ગણાવું ? કોઈ ઠેકાણે ક્‌હે છે કે દત્તક નહીં લેવા દઈએ, કોઈક ઠેકાણે ક્‌હે છે કે તમારી પ્રજા ઉપર જુલમ કરો છો – ક્‌હો ભાઈ અમારી પ્રજા ઉપર અમે જુલમ કીધો તો પ્રજા વળગતી આવશે – તેમાં તમારા બાપનો શો અન્યાય કીધો ? પણ આ તો બ્હાનાં છે. ઘેટા ને વરુની વાત – ત્હેં ગાળો દીધી નહી હશે તો ત્હારા બાપે દીધી હશે – પણ મને તો ભુખ લાગી છે – તે આ કારણ કહીને કે તે કારણ કહીને તને તો સ્વાહા કરવાનો ! કરારના કાગળ કાગળમાં રાખી લીધા ! લખ્યું ત્યારે લખ્યું ! હાલ શું ! સાહેબ ! આવી બુદ્ધિ થઈ છે તેની પાસે તો તમારું રાજય પણ કુશળ નહી સમજો, હોં ! તમારે તેના પક્ષમાં જવું હોય તો જાવ ! પણ સરત રાખજો કે આવો લાગ ફરી નહીં આવે ! આજ સાતારાનો વારો તેવો કાલ તમારો ! હવે તો એક સંપ અને એક જંપ ! તે લોકની દેશી પ્રજા સમજી છે, તેમનું દેશી લશ્કર સમજ્યું છે, અને દેશી રાજાઓ સમજ્યા છે! શું સાહેબ, જુવો આપણા લોકનું સદ્‍ભાગ્ય ! આજ હીંદુ અને મુસલમીન ઈંગ્રેજને ક્‌હાડવાને એક થયા. દીલ્હીમાં બાદશાહી જાગી અને મહાદજી સિંધિયાના હાથમાં બાદશાહીની લગામ હતી તેમ આજ પણ આપણા હીંદુઓના હાથમાં છે. ઈંગ્રેજને કહાં કહાંથી ક્‌હાડ્યા? મીરત, સહારણપુર, મુઝાફરનગર, ફરૂજાબાદ, કાનપુર અને બીજા કેટલાં ઠેકાણાનું નામ દેઉં ? બધેથી ક્‌હાડ્યા. સીખ, મરાઠી, બંગાળીઓ, પઠાણો, પુરભૈયા, મુસલમાનો, મોઘલો, સઉ લોક એક થઈ ગયા છે. આ આગ આખા દેશમાં લગાડી છે, જો તમે અમારા સરદારોને મદદ દેશો તો દીલ્હીના બાદશાહની સનદ પામશો ને તમારા રાજ્યને અચલ કરશો – આણીપાસનો મુલખ તમને અપાવીશું. જો મદદ નહીં કરો – તો હાલ તો લ્હડનાર છીયે અને અમે જીત્યા એટલે તમારું સત્યાનાશ સમજજો ! આપણો દેશ, આપણો ધર્મ, આપણા લોક – સઉ એક થશે ને આ મર્કટનાં ન્હાનાં ટોળાંને દરીયાપાર કરીશું. વખત ફરી ફરી નહી આવે.”

“તમે અમારા સરદારોનાં નામ પુછો છો તો સાંભળો. મુસલમાનમાં દીલ્હીના તખ્તનો માલીખ પાદશાહ, અને હીંદુમાં પેશવાઈનો માલીખ શ્રીમંત નાનાસાહેબ. સાહેબ, હું મરાઠો છું પણ દેશ અને ધર્મને કાજે મુસલમીન અને બ્રાહ્મણનો ઝુંડો ઉપાડું છું. તાત્યાટોપીનું નામ સુણી ઈંગ્રેજ બચ્ચા કાંપે છે; અને અનેક તારાઓ આ સૂર્યચંદ્રની આજુ બાજુ એકઠા થયા છે. હું તેમના તરફથી આવું છું તેની ખાતરી જોઈએ? લ્યો આ સેહેનશાહી જાહેરનામું, અને વધારે જોઈએ તો અમારી પાછળ સેના સજજ છે.” જાહેરનામું આપ્યું અને સુભાજીરાવ બંધ પડ્યો.

“મલ્લરાજે શાંત મુખથી પુછયું: “હું ધારું છું કે હવે તમારે માત્ર હા કે નાનો ઉત્તર જોઈએ છીએ.”

“એ જ. હા કે ના ક્‌હો, તે સત્વર ક્‌હો, અને યાદ રાખજો કે હાનું ફળ લક્ષ્મી છે ને નાનું ફળ પ્રાતઃકાળમાં અમારી સેના રત્નનગરીને દ્વારે સમજજો.”

“ઠીક છે – એ અમારે જોવાનું છે. દૂત ! આ બે મહાપુરુષોને જોડેના ખંડમાં અધઘડી બેસાડ અને તું તેમનો સત્કાર કરજે. અમે બે જણ આ વાતનો વિચાર કરી અધઘડીમાં ઉત્તર ક્‌હેવાને તમને પાછા બોલાવશું.”

મલ્લરાજે આમ કહ્યું કે ત્રણ જણ ગયા ને બે જણ રહ્યા. જરાશંકર પાછળ દ્વાર વાસી આવ્યો અને મલ્લરાજની સન્મુખ બેઠો. મલ્લરાજ મુછે તાલ દેવા લાગ્યો.

“કેમ, મહારાજ, શો વિચાર કર્યો ?” જરાશંકરે પુછયું.

મલ્લ૦– “તું શું ધારે છે?”

જરા૦– “આશા અને ત્રાસ, ભય અને પ્રીતિ, આદિ સર્વ સુભાજીરાવે બતાવી દીધાં છે.”

મલ્લ૦–“આ ટોળામાં અંતે પરસ્પર યુદ્ધનાં બીજ દીઠાં?” જરા૦–“તેમના શીવાય સર્વને પ્રત્યક્ષ છે.”

મલ્લ૦–“એમના સંગમાં આપણે દીપીયે ખરા?”

જરા૦–“આપમતલબી કાગડાઓમાં પોપટ દીપે તેટલી વાર.”

મલ્લ૦–“મૂર્ખ પંડિતોએ મરેલા સિંહને સજીવન કર્યાની વાત ત્હેં જ કહી હતી ?”

જરા૦- "હાજી.”

મલ્લ૦–“આમને હા કહીયે તો આપણી પણ બીજી જાતની પંડિતતા ન સમજવી.”

જરા૦–“પણ આ સિંહને સજીવન કરનાર બીજા પંડિતો ઘણા હશે.”

મલ્લરાજ હસી પડ્યો.

“ના. જો. હવે હું એ વાત સમજાવું. આણે મ્હોટાં મ્હોટાં નામ દીધાં તે સાંભળી ભડકીશ નહીં. મ્હેં પાંચ પળમાં વિચાર કરી લીધો છે.”

જરા૦-“ શો?"

મલ્લ૦–“ આ પક્ષ પડ્યા છે તે જો. જે રજવાડા ઈંગ્રેજના પક્ષમાં રહેલા છે તે ગણાવું. કપુરથલા, જીંદ, પતિયાળા, નાભ, આપણા બધાં રાજસ્થાન, પંજાબ અને ટુંકમાં જેટલા જેટલા અસલના વંશના રજવાડા - શુદ્ધ રજપુતો છે તે જો. સઉ ઈંગ્રેજના પક્ષમાં છે. બીજા ધીમે ધીમે હલમલતા હશે તે ઈંગ્રેજનો દિવસ વળશે તેમ પાછા વળશે. હું છેક હિમાચલ સુધીની ખબર રાખું છું.”

જરા૦–“ગાયકવાડ, ગ્વાલિયર, ઈન્દોર, નિઝામ, એ ન ગણાવ્યાં.”

મલ્લ૦–“મ્હેં ન ગણાવ્યાં તો ત્હેં ગણ્યાં. મને જુના ક્ષત્રિય રાજ્ય સાંભરે.”

જરા૦–“પણ ઈંગ્રેજનો દિવસ વળશે ખરો ? આગ બહુ લાગી છે.”

મલ્લ૦–“બ્રાહ્મણ ભાઈને ઝાઝું સાંભરે નહી તો ! મ્હેં કહ્યું જ છે - સ્તો કે ઈંગ્રેજ જીતશે. એ લોકમાં એક કુટેવ છે – પ્રથમ મૂર્ખ થઈ ઉંઘે ને પછી જાગે એટલે જોરાવર."

જરા૦–“ શી રીતે ?”

મલ્લ૦—“આ દત્તકનું વાદળ નકામું ઉરાડ્યું છે. જમીનની ભુખ બધાને હોય તે એમને પણ હોય, પણ મૂર્ખ કેવા કે પ્રથમ દયા આણે, પછી પસ્તાય, પછી ક્રૂર થાય, પછી ખત્તા ખાય અને પછી થોડી ઘણી લાતો ખાઈ સામા થાય, જાગે, જીતે ને ડાહ્યા દયાળુ પછીથી થાય.”

જરા૦—“એ કાંઈ સમજાયું નહી.”

મલ્લ૦–“મ્હેં વિચારી જોયું તો દત્તક ન લેવા દેવાને નામે કે બીજી રીતે જે જે રાજ્યો એ લોક કરાર તોડી સ્વાહા કરી ગયા તે રાજ્યો અસલ ભાઈ સાહેબ ઈંગ્રેજે જ દયાથી કે દાનતથી કે બ્હીકથી પોતે આપેલાં. પછી પસ્તાયા કે, હાય આપ્યાં શું કરવા ? પસ્તાયા એટલે ખાવાને વખતે પડતા મુકેલા ઉચ્છિષ્ટ કોળીયા ફરી સ્વાહા કરવા માંડ્યા ! પણ અસલનાં રાજ્યોમાં એમણે કદી હાથ ઘાલેલો નથી. ફળ જો કે એ અસલનાં રાજ્ય આજ ઈંગ્રેજી પક્ષમાં છે ને એમનાં ફરઝંદદારી રાજ્યને એમણે ખાવાનું કર્યું તે એમનાં સામા ડોળા ક્‌હાડે છે.”

જરા૦–“પોતાનાં છોકરાંને ખાય તે બીજાને કેમ ન ખાય ?”

મલ્લ૦–“ ભુખ લાગ્યે ખાય પણ ખરા. પોતે ઉભાં કરેલાં રાજ્યને પાડતાં કે ખાતાં ક્‌હે છે કે અમે આપ્યું તે જરુર પડ્યે પાછું લઈએ. એ નિમિત્ત જુનાં રાજયવાળાને લાગુ નથી. બાકી નિમિત્ત આપીયે તો મ્હોટાં પ્રાણી ન્હાનાંને ખાય એનાં આ આપણાં અરણ્ય અને સમુદ્રમાંથી દૃષ્ટાંતો રોજ જોયાં કર ને બધાં જુનાં રાજ્યનાં પાનાં ઉથલાવી જો. પણ હજી સુધી ઈંગ્રેજે કોઈ પારકાને વગર નિમિત્તે ખાધું નથી, કારણ એ લોકનું, ઈશ્વરના રાજ્ય પેઠે, નિમિત્તકારણનું રાજ્ય છે. નિમિત્તની વાટ જુવે એટલે એમાં દૈવી અંશ. આપણા રાજ્યમાંથી જ તેમને નિમિત્ત આપીશું ને ત્યારે એમની ભુખ ઉઘડશે તો નિમિત્ત આપનાર આપણે જ મૂર્ખ સમજવા. આપણા રાજ્યશરીરમાં છિદ્ર હશે તો એ મર્કટો એ છિદ્રમાં આંગળીયો ઘાલી ઘાલી પહોળાં કરશે ને અંદરથી જે હાથ આવશે ત્યાં બચકું ભરશે, પણ એ મર્કટ-સ્વભાવ નહીં જગાડીયે ત્યાંસુધી એમના દૈવી અંશ ઉપર વિશ્વાસ રાખજે. નિમિત્ત વગર એ બીજાને નહીં ખાય – કારણ કાંઈક ઈશ્વરથી ડરે છે અને છેક લાંબા પગલાં ભરતાં વિચાર કરે છે. મને ડર નથી પણ જે ડરકણોને ડર લાગ્યો છે તે શું કરે છે તે તું જુવે છે ?”

જરા૦-“ના.”

મલ્લ૦-“આ ઈંગ્રેજ દત્તક કરવા નહી દે અને રાજય ખાઈ જશે એ બ્હાને આપણા રજવાડાઓમાં લુચ્ચા કારભારીયો, રજપુતાણીઓને ડરાવી, કોળી – ઘાંચીના છોકરાઓને ગાદીપર લાવે છે – આ ચાલ આમાંથી આરંભાયો છે; પણ રાંડો વિચારતી નથી કે ધણીના વારસ કોળી ઘાંચી કરતાં વધારે સગા છે, ને એ કોળી ઘાંચી ગાદી પર બેઠા પછી તમારું સગપણ જાણશે એટલે નહીં જાળવે, અથવા નહીં જાણે તો પોતાના કુળ ઉપર જઈ નહીં જાળવે. બાકી રજપુત ગાદી પર બેસશે તે તમારી ગેરઆબરૂ નહીં થવા દે.

જરા૦–“ત્યારે આપણે શું કરવું ? પેલા વાટ જુવે છે.”

મલ્લ૦–“છોને જોતાં. સામંતને એટલો સમય મળશે. બાકી આપણે તો વિચાર કર્યો છે જ. આ કાંઈ ઈંગ્રેજ એકલા નથી અને જે લોકના પક્ષમાં આપણે ભળવું જોઈએ તે પણ ઈંગ્રેજના જ પક્ષમાં છે એટલે આપણે બોલ્યો બોલ પાળવાનો છે.

જરા૦—“ બોલાવું ત્યારે ?”

મલ્લ૦–“ જા, બોલાવ.”

ત્રણ જણને જરાશંકર અંદરથી બોલાવી લાવ્યો. સઉએ ઉભાં ઉભાં વાત કરી. મલ્લરાજ તરવાર જમીનપર મુકી તે પર બે હાથ ટેકવી ઉભો અને બોલ્યો.

“અમે તમારી કહેલી વાતનો વિચાર કર્યો છે. તમારા આવતા પ્હેલાં કંપની સરકારને અમે બંધાઈ ચુક્યા છીયે અને બે-બોલી થવાનો અમારો રીવાજ નથી, છતાં તમારા ક્‌હેવાનો વિચાર કરી જોતાં પણ તમારો બતાવેલો ડર અમારા કાળજામાં અડકતો નથી અને બીજી વાતો તો ધુળ ઉપર લીંપણ જેવી છે. માટે રામ રામ.”

સુભાજીરાવને કપાળે ભ્રુકુટિ ચ્હડી અને શાસ્ત્રી ગભરાયા. બે જણ કંઈક બોલવા જતા હતા એટલામાં મલ્લરાજ બોલ્યો.

“દૂત ! આ લોકોને ત્હેં અભયવચન આપેલું હતું તે અમે કબુલી એમને આવવા દીધા અને આપણા રાજયની બ્હાર જવા ટુંકામાં ટુંકો માર્ગ હોય તે માર્ગે થઈ આ રાજ્ય છોડવા એમને બીજી બે ઘડીની જરૂર છે તેને સાટે તેમને ચાર ઘડીનું અભયવચન આપુ છું એટલા કાળમાં આપણા માણસોને સોંપી એમને આપણા રાજ્યની હદબ્હાર છુટા મુકી આવ. પછી પાછા આવશે તો આ રાજ્ય છે ને રાજ્યનો ન્યાય છે. અને જરાશંકર, એવું જણાય છે કે આપણી રજાવગર, આપણને પુછ્યા ગાછ્યા શીવાય કેવળ આપણને ડરાવવા અને હેરાન કરવાના હેતુથી આ લોકનું લશ્કર આપણી હદમાં આવેલું દેખાય છે. તે સર્વ લશ્કરને આપણી સેના રાજયબ્હાર કરશે જ. તેમાંથી જે પકડાય તેને ઈંગ્રેજને હવાલે કર કે આપણે તેમને ખવરાવવું ન પડે. તેમની મીલકત હાથ લાગે તે જપ્ત કર. રત્નનગરીના રાજ્યમાં હરામખોર લોક આમ આવી શકતા નથી. રત્નગરીનો રાજા જાગતો છે તે હવે જગત ચોખી રીતે જાણશે.” બુમ પાડી: “રજપુતો !”

પાંચ સાત રજપુતો બ્હારથી આ બોલ બોલતામાં આવ્યા અને રાજાની આજ્ઞા સઉએ શિરપર ધારી. રાજાપ્રધાન શીવાય સઉ ગયા.

“જરાશંકર, સાંભળ્યું છે તે થાય તેની સરત રાખજે. જરુર પડે તો જગાડજે. હવે ઘેર જા.”

જરાશંકર ગયો.

શય્યાગૃહમાં જતાં જતાં રાજા મનમાં વિચાર કરવા લાગ્યો.

“ડાહ્યા ડાહ્યા તે વધારે ખરડાય. દત્તકના લત્તકમાં ઈંગ્રેજોને આ સમય આવ્યો. પ્યાદળ મરવા દઈ વજીર લેવો એ ચતુરંગનો દાવ ઈંગ્રેજો જાણે છે છતાં આમાં ભુલ્યા. ગમે એટલું પણ સુગ્રીવજીની સેનાકની ?” રાજા એકલો ખડખડ હસ્યો.

“પણ, ભા, યાદ રાખજે કે સારા થશો તો સારાઓ આશ્રય આપશે. ખોટું કરશો તો ખોટું શીખવશો ને ખત્તા ખાશો ને ખવડાવશો. અમારા શુદ્ધ ક્ષત્રિય રાજાઓ ! અમારા શુદ્ધ રજપુતો ! સઉ ભ્રષ્ટ થશે ત્હોયે આખરે આ નસોમાંનું લોહી ! તે ખુટશે ત્હોયે ખરચાશે – પણ એક સરતે – એ લોહી તમારે સારુ ખરચાય એવો તમે અધિકાર રાખ્યો હશે તો ! ઈંગ્રેજો ! સારા ર્‌હેજો અને સારા રાખજો ! તમારા ગુણ મલ્લરાજ પીછાને છે – તમે દેશી રજવાડાના ગુણ પીછાનજો – તમે અમારું રત્ન છો; અમે તમારું રત્ન છીયે – ક્ષત્રિયરત્નો ઉપર કચરો હોય તે સાફ કરશો તો માંહ્યથી પ્રકાશ નીકળશે. અને એ રત્ન તમને મૂલ્યવાન થઈ પડશે ! દેશી રાજ્યો તમારા હાથમાં - આ સમે થયાં છે તેવાં મૂલ્યવાન રત્નો છે - તેની સાથે તમારી મર્કટવિદ્યા ન વાપરશો.”

“પછી સુગ્રીવજીની જાત ઉપર જઈ રત્નો ઉપરનો કચરો ચાટી જઈ માંહ્યનું રત્ન પગતળે નાંખો તો જાત ઉપર જવાનો તમને અધિકાર છે – જાત ઉપર જશો તો કોણ ના ક્‌હેશે ? તમે મર્કટની જાત ઉપર જશો – અમે માણસની જાત ઉપર જશું.”

મલ્લરાજ ફરી ખડખડ હસી પડ્યો. તે આ પળે શયનગૃહ આગળ આવ્યો હતો. તેમાંથી એનું હાસ્ય સાંભળી હસતી મેનારાણી દ્વાર ઉઘાડી બ્હાર આવી. “ તમારા હાસ્યનું કારણ જાણવાનો અધિકાર પણ અમને ખરો કે નહી ?” એમ કહી રાણીએ એક હાથ રાજાની કેડે વીંટ્યો અને બીજે હાથે એના માથા ઉપરથી મંડીલ ઉતાર્યું.

“ હા, મ્હારા રત્ન !” કરી રાજાએ રાણીને અંદર ખેંચી. તેમની પાછળ દ્વાર બંધ થયાં. અને તેની જોડે આ પ્રકરણ પણ બંધ કરીયે તો મર્યાદા જળવાય.