લખાણ પર જાઓ

સવિતા-સુંદરી/શયન મંદિરમાં

વિકિસ્રોતમાંથી
← સંદેહ સવિતા-સુંદરી
શયન મંદિરમાં
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
લગ્ન →


પ્રકરણ ૧ર મુ.
શયન મંદિરમાં.

[]॥ तदलं त्यज्यतामेष निश्चयं पाप निश्चयं ॥

સૂર્ય અસ્ત પામ્યો. જગત્ ગાઢતિમીરાવૃત થઈ ગયું છે – ચોમેર અંધકાર વ્યાપી રહ્યો છે. પણ તેનાથી વિશેષ અંધકાર મંદિરાનંદના હૃદયમાં છવાઈ રહ્યો છે. જગતના અંધકાર સાથે તે પોતાના હૃદયના અંધકારને જાણે એકત્ર કરતા હોય તેમ જણાય છે. અરૂણોદય તે માત્ર હવે


ઢાંચો:Reflsit

તેના મનમાં તો હાંસીજ છે. રાત પડતા, સર્વે જગત્ જાણે રડે છે, ને સૂર્ય ઉગતા હસે છે. એમજ જગલીલા થાય છે. સમસ્ત જગત સૂર્યના પ્રકાશથી પ્રફુલ્લીત થાય છે. કરોડ ચિંતા હો, પણ રાત પડી કે તે સર્વે નિરૂદ્વેગતાને પામે છે. જામિની પોતે તો મલિન છે, ને તેથી તે સર્વને મલિન (શાંત) કરીને પોતે પ્રફુલ્લ રહે છે, પણ અંતે તે કાળી છે !

રાત પડી એટલે તો મદિરાનંદના હૃદયમાં અપાર સંતાપ થઇ આવ્યો. રાત્રિની શ્યામતાએ હૃદયમાં તેના પૂર્ણ પ્રેમથી જાણે નિવાસ કીધો હોય તેમ તેનું મન અંધકારમય થઈ ગયું ! સંદેહ ! શંકા !! વેહમ ! મનુષ્યને, ગમે તેવો તે પ્રફુલ્લિત હૃદય ! હોય છે તો પણ ઉદાસ બનાવી દેછે. આનંદીના આનંદનો લોપ થાય છે, મૌજી મૌજ ભૂલી જાય છે. વિલાસી સૂમ બને છે. રે સંદેહ ! ઘણો નઠારો છે. સર્વ સુખનો તે નાશ કરતા છે. તેમાં દંપતિ પ્રેમમાં સંદેહ આવ્યો, થઇ ચુક્યું ! સર્વ સુખનો ક્ષણમાત્રમાં નાશ થઈ ગયો.

મધુરિમાએ રસોઇ કરીને મંદિરાનંદને ભોજન માટે બોલાવ્યા, પણ મને ભુખ નથી,” એમ કહીને મંદિરાનંદે વાળું નહીં કીધું. સૌએ વાળું કીધું, સૌ જન પોતપોતાના સયનસ્થાનમાં ગયા, પણ મધુરિમા સ્વામીની સૈયા પાસે બેસીને તેને પવન નાંખવા લાગી. મંદિરાનંદના મનમાં એવોજ વહેમ આવ્યો કે મધુરિમા તેને ઉંઘાડી દેવાને આ પ્રમાણે પવન નાંખે છે; તેથી તે બોલ્યો, “આજે મને કંઈ પવનની જરૂર નથી, મને તાવ આવ્યો છે, ને તાઢ વાય છે. તું હવે સુઇ જા.”

મધુરિમાએ સ્વામિના મસ્તકપર હાથ ફેરવ્યો, તો તાવ ધગધગી રહ્યો હતો. થોડીવારમાં મંદિરાનંદ પણ સુઈ ગયા, પણ તેને નિંદ્રા નહીં આવી, તેથી પલંગમાં ઉઠીને બેઠા થયા, ને વિચારવા લાગ્યા કે, 'આવી સ્ત્રી સાથે હવે કેમ રહેવાશે ?'તે મધુરિમાને વિષધર સર્પણી જેવી જોવા લાગ્યો. થોડીવાર સુધી તે નાના પ્રકારના વિચાર કરીને પછી પ્રકાશપણે બેાલ્યો;

“મધુરિમા, તારા જેવી ગુણવાન સ્ત્રીને આવું કર્મ ઉચિત નથી. તું આવી નિષ્ઠુર થશે એવો મને સ્વપ્નમાં પણ વિચાર નહોતો. હું આંધળેા થયો, સુરદાસ થયો, તેથી મને તો આશા હતી કે તું મારી સારી રીતે સેવા કરશે, પણ તે તો રહ્યું, ઉલટું તેં મારો ત્યાગ કીધો, છેહ દીધો !" આટલું બોલતાં તો મદિરાનંદના નેત્રમાંથી આસું પડવા લાગ્યાં, ને તેના દિર્ધનિશ્વાસથી મધુરિમા જાગી ઉઠી; પણ તે પોતે જાગી છે તે સ્વામિને જણાવ્યું નહીં. તે મુંગી રહીને મંદિરાનંદની વાત સાંભળવા લાગી, તે કંઇ કપટભાવથી સાંભળતી નહોતી, તેના મનમાં કપટ નહોતું, પણ સ્વામિને શી પીડા થાય છે તે જાણવામાં આવે તેટલા માટે તે અબોલ પડી રહી.

વળી મંદિરાનંદ બોલ્યા, “મધુરિમા, ક્ષમા કર, હું તને વૃથા દોષ દઉં છું. એ દોષ તારો નથી, પણ મારા અદૃષ્ટનો જ છે. તેં તો મને તેજ દિવસે વાંચતા અટકાવ્યો હતો, પણ મેં તારૂં કહ્યું માન્યુ નહીં, ને તેથી આંખ ગઇ. મારૂં ભાગ્ય જો સારૂં હોત તો તે દિવસે હું તારી વાત કેમ નહીં માનતે ? મારૂં ભાગ્ય રૂડું હોત તો તું મને શું કામ ત્યાગ કરતે ?પણ મધુરિમા, કદી તારી આંખ ગઈ હોત તો શું હું તારો અનાદર કરતે? શું તારો ત્યાગ કરતે ? કે બીજે સ્થળે લગ્ન કરતે ? મધુરિમા, તને નેત્ર છે ખરાં, પણ મારૂં હૃદય તું જોઇ શકતી નથી કે હું તને કેટલો ચાહું છું. તારા વિના હું જીવી શકું તેમ નથી એ તું જાણતી નથી. તું કહેશે કે, “અંધાને ચાહવાની શી આવશ્યકતા છે ?” એ વાત સત્ય છે. પણ મધુરિમા, તારૂં અંતર તો મૃણાળથી પણ કોમળ છે તે કઠોર-કર્કશ-કઠીણ થશે? તું મને ચાહે છે તેથી નહીં; પણ તારી રીતભાતથી, તારા જ્ઞાનથી હું જાણું છું કે તું કોમળ છે. પણ જો તુ મારૂં અંતરકષ્ટ એકવાર જોય તો તારી ખાત્રી થાય કે હું ત્યાગવા યોગ્ય નથી. તારૂં હૃદયનરમ છે, તેથી કોઇ પરાયો મનુષ્ય હોય તો તેનું કષ્ટ પણ તું સહન કરી શકે નહીં, તો મારૂં કષ્ટ તું જોયા કરે એ માનવા જોગ નથી. મધુરિમા, તારા અધિપતિ તરફ જો, તેનો પ્રેમ જો, તેની દયા કર, પછી સન્નારીના વૃતને લાંછન લગાડ. તેં જે કંઈ કીધું તે માટે હું જરાપણ ક્રોધ કરતો નથી, પણ મારો ત્યાગ નહીં કર. તારા લક્ષાવધિ કોટ્યાવધિ દોષ હોય તો પણ તું મારી છે, મારી અંતરની દાઝ જાણનારી છે. મારી ભાર્યા છે, હું તારો ભર્તા છું,અને તું એમ કહે કે હું તમારીજ છું તો બસ, મારે આત્મા કૃત્યકૃત્ય થયો હું ગણીશ.”

મંદિરાનંદનું આવું કઠોર બોલવું સાંભળી, મધુરિમા સડકજ બની ગઇ. તે કંઇ સમજી નહીં કે એ શું બોલે છે. તેની આંખમાંથી પુષ્કળ પાણી વહ્યા, પણ તે કંઇ બોલી શકી નહીં. બોલવાને તેની હિંમત ચાલી નહીં. જો મધુરિમા બોલી હોત તો તેના સ્વામિના અંતરનો સંતાપ તરત મટત. તેને બોલવા ચાહ્યું, પણ તે મુંગીજ થઇ ગઇ. કહે કે એકવારના સ્વાલ્પઅપરાધથી પ્રભુએ તેની જીભ શિવી લીધી.



  1. * તે બસ છે, આ તજ, નિશ્ચે એ પાપજ છે પાપ