સવિતા-સુંદરી/સંદેહ

વિકિસ્રોતમાંથી
← પ્રતિજ્ઞા સવિતા-સુંદરી
સંદેહ
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
શયન મંદિરમાં →


પ્રકરણ ૧૧ મું.
સંદેહ.
[૧]नजातु विप्रिय भर्तु:स्त्रिया कार्यं कथञ्चन.॥

સ્ત્રીજનનું ચરિત્ર ને પુરૂષનું ભાગ્યોદય સાક્ષાત્ બ્રહ્મા પણ જાણતા નથી. નસીબ ફરે છે તેને કશી વાર લાગતી નથી. હજારો પ્રયત્ન કરો, પણ ભાગ્યદેવતાની કૃપા વગર સર્વે અવરથા છે.

સવીતાશંકરની બેહેન ને બનેવી જેમતેમ કરતાં કાળ ગુજારે છે, મંદિરાનંદની આંખ ગઇ છે. આથી મધુરિમાનો ધર્મ છે કે હવે તેણે પોતાના પતિની સેવા શુદ્ધ મનથી કરવી જોઇયે. અને તેને જરા પણ દુભણ લાગે તેમ કરવું નહીં જેઈયે. પણ કમનસીબને યોગે આટલા દિવસ પછી તેઓના મનમાં વિષાદ ઉત્પન્ન થવા લાગ્યા. જે વિવાદ વિષાદ ઉત્પન્ન થયો તે એક દાસીને લીધે હતો. તે દાસી બાલ્યાવસ્થાથીજ મંદિરાનંદના ઘરમાં રેહેતી હતી. વડોદરે આવતી વેળાએ


  1. *સ્ત્રી સ્વામિનું બુરૂ ન કરવું જોઈએ.
મંદિરાનંદ તેને સાથે તેડી લાવ્યા હતા. તે દાસી

ગૃહધંધાનું સર્વ કાર્ય મનમાન્યું કરતી હતી; પણ જ્યારે મદિરાનંદનાં નેત્ર ગયાં ત્યારે એક નોકરની જરૂર પડી. ડાક્તરના દવાખાનામાં જવાની વારંવાર જરૂર પડતી હતી, ને મંદિરાનંદના નેત્ર નહીં હોવાથી તે કામ કોણ કરે ? દાસી રાજમાર્ગોથી અણજાણ હતી; તેમ રોજ ગાડીમાં બેસીને જવું પાલવે તેમ પણ નહોતું. આથી એક નોકર રાખવો પડ્યો; પણ દાસીને તો ચાકર જોડે રોજરોજ એવી તે લડાલડી થતી હતી કે દાસી ઘણા વરશની જુની હતી તો પણ મધુરિમાએ તેને રજા આપી. દાસીએ રડતાં રડતાં મંદિરાનંદ પાસે જઈને પોતાની નિર્દોષતા જણાવી ને ઘણું ઘણું બોલી, પરંતુ જ્યારે મંદિરાનંદ પણ તેને હવે રાખવાને સમ્મત થયા નહીં, ત્યારે તે આ પ્રમાણે બોલીને ચાલતી થઈ, “આટલા દિવસ હું હતી ત્યારે તો કોઇ વાત નવી જુની થઈ નહીં, પણ હવે તે મનમાન્યો નવો નોકર ભળ્યો, તો પછી મારૂં શું કામ છે ? હોયજતો ! આજ પુરૂષના રૂડાવાના ! પણ હું જો આપ પેરે આંધળી હોત તો મારા રેહેવાથી કશી અડચણ પડનારી નહોતી.” મંદિરાનંદે દાસીની વાત સાંભળી કહ્યું, “જા, જા, થોડું બક!” એમ કહી તેને કાઢી મુકી. થોડીવાર પછી મંદિરાનંદનો ક્રોધ શાંત થયો, ત્યારે તે વિચાર કરવા લાગ્યો કે, “આજે આટલા દિવસ પછી દાસી આમ કેમ બોલી, કે હું જો આંધળી હોત તો મને રેહેવાને કશી અડચણ પડત નહીં ? એનો અર્થ શું ? શી ભયાનક વાત એ બોલી ગઇ ! હાય ! મેં એની આ વિશેષ વાત નહીં સાંભળી, અને એમને એમ કેમ કાઢી મૂકી એ ઠીક થયું નહીં.”

મંદિરાનંદના મનમાં સંદેહે ઘર કીધું. સંદેહ એકવાર ઉપસ્થિત થયો તો તે દિનપ્રતિદિન વૃદ્ધિ પામે છે. તુચ્છ વાત, જેમાં પહેલે તે લક્ષ પણ દેતા નહોતા તેમાં હવે તેણે લક્ષ દેવા માંડ્યું, દરેક વાતમાં શંકા આવવા લાગી. નોકર પાસથી પાણી માંગે ને જરા વાર લાગે તો મંદિરાનંદના મનમાં તુરત સંદેહ ઉપજતો હતો. આ રીતે કેટલાક દિવસ વિતિ ગયા. તથાપિ મંદિરાનદ કોઈને મોઢે સ્પષ્ટ વાત બેાલી શકતા નહોતા. પણ મધુરિમા ને નોકર વચે વાતચિત થતી, પ્રતિપદ ધ્વની મનોયોગથી સાંભળતા ને તેનોજ તર્કવિતર્ક કર્યા કરતા હતા. કદિમદિ મંદિરાનંદના મનમાં આવતું હતું કે, “એ સર્વ મિથ્યા વાત છે; ને દાસીએ ક્રોધિત થઈને આ ગપાષ્ટકીગોળો ગબડાવ્યો છે; વળી સંદેહમાં પડતા કે કોણ જાણે, ખરૂં પણ કેમ ન હોય ? સ્ત્રીચરિત્ર કોણ જાણે છે?” આ રીતે મંદિરાનંદનું મન ચકડોળે ચઢ્યું હતું.

એક દિવસે એવું બન્યું કે કોઇએ બહારનો દરવાજો ઠોક્યો. ચાકર તો પેહેલાથીજ બજારમાં ગયો હતો, એટલે મધુરિમાએ ઉઠીને બારણાં ઉઘાડ્યાં. કોઈ તરૂણ પુરૂષે ઘરમાં પ્રવેશ કીધો ને મધુરિમા સામું જોઈને હસ્યો. મધુરિમા પણ તેને જોઈને હસી. પછી બારણાની બાજુએ મધુરિમાને બોલાવીને ખુલ્લા શબ્દથી તે કંઇ બોલ્યો. પછી મધુરિમાએ ધિમાસથી દરવાજો બંધ કર્યો ને પછી ધીમે ધીમે બંને ઘરમાં ગયાં. મધુરિમા સ્વાભાવિક રીતે પગ ધીમે ધીમે ઉઠાવતી હતી, ને તે તરૂણ પણ ધીમે ધીમે જતો હતેા. બંનો પાછલા ઓરડામાં ગયાં, એટલામાં મંદિરાનંદે મધુરિમાને બુમ મારીને પુછ્યું કે, “બારણાપર કોણ છે? ” મધુરિમાએ મ્લાન મોઢે કહ્યું, “કોઇ નથી.” મંદિરાનંદે કહ્યું, “ત્યારે તું સી-ઈ-સી-ઈ કરીને કોની સાથે વાત કરતી હતી ? ” મધુરિમાએ કહ્યું, “ કોઈ સાથે નહીં.” મંદિરાનંદે દિર્ધનિશ્વાસ મુકીને મૌન્ય ધર્યું. પછી મધુરિમા મંદિરાનદ તરફ જરાક જોઈ, જરાક હસી ને ત્યાંથી તુરત ચાલી ગઈ.

રે મધુરિમા, તારા પતિને છેતરવો, તેને ગુપ્તવાતથી અણવાકફ રાખવો એ શું તારા જેવી સન્નારીને યોગ્ય છે ? જે સ્વામિને તું દેવતા તુલ્ય ગણે છે, તો તેના અંધ થવાથી આજે તું તેને સહજ વાતમાં છેતરે છે, એ તારા સ્ત્રી ધર્મમાં ખાંપણ આવે છે. ધૃતરાષ્ટ અંધ હતો, તો પણ પતિને પ્રસન્ન ચિતનો રાખવા માટે ગાંધારી સદા આંખે પાટો બાંધીને રહેતી હતી, તે કેમ તેમ ન કીધું ? સ્ત્રી તે સ્ત્રીજ–પુરૂષ ભૂલ કરે છે તો સ્ત્રી કેમ નહીં કરે ?

મધુરિમા પૂર્ણ ખુલાસો કર્યા વગર સ્વામિની પાસેથી ચાલી ગઈ; અને જે તરૂણ આવ્યો હતો તે પણ તેની પાછળ પાછળ ગયો. બંને બીજા ઓરડામાં ગયાં, તે વખતે તે જુવાનના જોડાનો શબ્દ થયો. તે જોડાનો શબ્દ મંદિરાનંદના કર્ણમાં આવ્યો. મદિરાનંદનો સંદેહ દ્રઢ થયો ને તેને માન્યું કે કોઈ પુરૂષ સાથે તે ગુપ્ત વાતચિત કરે છે. તેથી પુનઃ પુછ્યું, “મધુરિમા, એ કોનો શબ્દ આવે છે?” મધુરિમા વળી જૂઠું બોલી, “શબ્દ શો ?” પુન: મંદિરાનંદ ચૂપ થઇ ગયા. મધુરિમા તે તરૂણ પુરૂષ પાસે ગઇ, ને ધીમે ધીમે વાતચિત કરવા લાગી. મંદિરાનંદના મનમાં એવો ખ્યાલ આવ્યો કે ચાકર પેહેલા બાહર ગયો ને પછી છુપી રીતે પાછો આવ્યો છે, ને હવે તે છાનોમાનો ચાલી જઇને પાછો ખુલ્લી રીતે ઘરમાં આવશે. સુજ્ઞ સ્ત્રીઓનો નિત્ય ધર્મ છે કે સ્વામિ સાથે નિષ્કપટભાવથી વર્તવું જોઈયે, ને પોતાનો સંસાર તેજસ્વી કરવા માટે નિરંતર સત્યજ ભાષણ કરવું જોઈયે વખતોવખત એમ બને છે કે કંઈ વાત સ્વામિને નથી કહેવાતી, પણ તે યોગ્ય તો નહીંજ.

મધુરિમા સાધવી સન્નારી હતી; પણ તે જરાક વિચારમાં પાછળ હતી, ને તેથીજ તેના સ્વામીના ઊદ્વેગનું અલ્પકાળ તે કારણ થઇ પડી.

તે થોડીકવાર બીજા ઓરડામાં રહી ને જે પુરૂષ ઘરમાં આવ્યેા હતો તેની સાથે વાતચિત કરી. જ્યારે તે તરૂણ પુરૂષ જવા લાગ્યો ત્યારે તે બોલી, “ભાઇ, જેમ તું આવ્યો છે તેમજ જા, નહીં તો જણાઈ આવશે.” આમ કહીને બહારના બારણા આગળ જઈ તે તરૂણને વિદાય કીધો, પરંતુ બારણું બંધ કરતાં પાછો ચુંઉઉ ચુંઉઉ શબ્દ થયો, એટલે મંદિરાનંદે પુછ્યું, “રે કોણ છે ?” ત્યારે મધુરિમાએ કહ્યું, “ચાકર આવ્યો છે કે નહીં તે જોવાને મેં બારણું ઉઘાડ્યું છે ?” આમ બોલતાં બોલતાં તેણે બારણાં બંધ કીધાં, ને તેટલામાં તુરતજ પાછું બારણું ઠોકાયું, એટલે મધુરિમાએ જઈને ઉધાડ્યું, ને ચાકર સાથે વાતચિત કરતી કરતી તે ઘરમાં આવી. આથી મંદિરાનંદના મનમાં સ્પષ્ટ મનાયું કે “ હવે તે પ્રકટ રીતે આવ્યો ! હાય! "