લખાણ પર જાઓ

સાર-શાકુંતલ/અંક સાતમો

વિકિસ્રોતમાંથી
← અંક છઠ્ઠો સાર-શાકુંતલ
અંક સાતમો
નર્મદ
૧૮૮૦


અંક સાતમો.

(રથારૂઢ રાજા તથા માતલી આકાશમાર્ગે ઉતરી કશ્યપના આશ્રમમાં આવે છે.)

રાજા— માતલી ! ઇંદ્રનું કાર્ય કરી આપ્યું તો પણ તેણે જે મારો સત્કાર કીધો તે જોતાં હું ઉપયોગી પડ્યો નથી એમ પોતાને માનુછું.

માતલી— આયુષ્યમન્ ! ઉભય એમજ માનેછે.

રાજા— એમ મા બોલ, મારૂં વિસર્જન કરતી વેળા તેણે જે સત્કાર કર્‌યો તે મારા મનોરથ પહોંચી ન શકે તેવી ભૂમિનો હતેા. દેવતાની સમક્ષ અર્ધાસને બેસાડી

બેઠો કને અંતરમાં ઈછંત
જયંત તેને નિરખી હસંત
શચીપતીએ હરિચંદનાળી,
મંદારમાળા મુજ કંઠ ઘાલી. ૧૨૩

માતલી— આયુષમન્ ! ઈંદ્રનાં આપેલાં માનને તમે અયોગ્ય નથીજ.

રાજા— વેગે ઉતરિયે છિયે તેથી મનુષ્ય લોકનું દર્શન આહા કેવું અાશ્ચર્યકારક થાય છે !

ઊંચે આવત શૈલના શિખરથી પૃથ્વી નિચે ઊતરે,
વૃક્ષો પત્રથિ લીનતા નિજ તજે સ્કંધો ઉદે પામતે;
થાએ સ્પષ્ટ નદી વધે ઉદક જે પૂર્વ નહિ દીસતૂં.
જો કોઈ લહું ઊંચકી ભુવનને મારી કને આણતૂં ! ૧૨૪

માતલી— કેવી ઉદાર રમણીય પૃથ્વી !

રાજા— આ કીઓ ૫ર્વત ? પૂર્વપશ્ચિમ સમુદ્રનું સ્નાન કરતે, સુવર્ણ રસનો પ્રવાહ ચલાવતા, સંધ્યાના વાદળના પરીઘવાળો ને ઉપલો પ્રદેશ સપાટ દાખવતો.

માતલી— આયુષ્યમન્ ! એ તો હેમકુટ પર્વત જ્યાં કુબેરના ગણ અશ્વમુખ રહે છે; વળી એ તપસ્વીઓનું સિદ્ધિક્ષેત્ર પણ છે. જુઓ-

સ્વયંભૂને મરીચી ને એનો કશ્યપ જે વળી,
સુરાસુર ગુરુ: પોતે પત્ની સાથે તપે અહીં. ૧૨૫ .

રાજા— એ વંદનીય ક્ષેત્રનું અતિક્રમણ ન કરવું; હું પર્વતની પ્રદક્ષિણા કરી ભગવાન કશ્ય૫ના દર્શન કરવાની ઇચ્છા રાખું છું.

માતલી— ઊત્તમ છે.

(રથ નીચે ઉતારતાં હાથ લાંબો કરી દેખાડે છે.)

રાફડે ઢંકાઈ ગઈ મૂરતિ અરધિ ઉર વિટલાયું સાપતણી કાંચળીએ બધું તે;
જીરણ વેલાની સૂંઢ કંઠે પીડે સ્કંધલગી જટાતણા મંડળમાં માળા કીધા

શકુંતે;

ઝાડકેરાં થડ જેવો અચળ મુનિ તો બેઠો સૂર્યબિંબ ભણી મોડું રાખ્યું જુઓ

જગો તે;

રાજા— નમન તુને કષ્ટતપસે !

માતલી— (થોડીકવારે રથને ઉભો રાખી) અાયુષ્યમન્ ! ઊતરવું અહીં (પછી) અા અાસોપાલવના થડ કને બેસવું પોતે, હું ઇંદ્રગુરુને જાણ કરી આવું ત્યાંલગી.

રાજા— ઠીક. (માતલી જાય છે.)

(શકુનસૂચના જેવું દેખાડી.)

નથી મનોરથો આશા, ફરકે બાહૂ કાં વૃથા;
સુખ ઉવેખ્યું પૂર્વે તે ફરીથીએ કરે વ્યથા. ૧૨૭

(પડદામાં) વલવલ કરતો રહે, જાતિ સ્વભાવ પર ગયો શું ?

રાજા— (કાન દઈ) અવિનય કરવો એવી આ ભૂમિ નથી તો કોણ અા પ્રમાણે નિષેધ કરે છે ? (જ્યાંથી શબ્દ આવ્યો તેભણી જઈ વિસ્મયે) રે કોણ છે આ, બાળકનું બળ નહિ તેવો બાળક બે તાપસીઓની સાથે ?

અર્ધોધાવ્યો જનેતાને કેશતાણેલ એહવા
સિંહબાળકને ખેંચે બળત્કારેજ ખેલવા. ૧૨૮

(પછી બે તાપસી સાથે સિંહ જોડે ખેલતો બાળક દેખા દે છે.)

બાળક— ઉધાડ મોડું સીંઘબાળક ! હું તારા દાંત ગણું.

તાપસી ૨— રે ઉછાંછળા ! આપણાં બાળકના જેવા આ બાળક પ્રાણીને કેમ ઉપદ્રવ કરે છે ? તારૂં વધી ગયેલું ધિંગાણું ઓછું કર. ખરેખર ઋષિઓએ સર્વદમન નામ આપ્યું છે તે ખોટું નથી.

રાજા— (સ્વગત) આ બાળક ઉપર પુત્ર જેવું કેમ ચોંટે છે મારું મન ? કે પછી વાંઝિયાપણું મને વહાલ ઉપજાવે છે !

તાપસી ૨— આ સિંહણ તને ફાડી ખાશે જો, એના પુત્રને નહિ છોડે તો.

બાળક— (મકકાતો) લે, હું તો બહુ બીહુ છું જો (નીચલો ઓઠ દેખાડે છે.)

રાજા

બીજ કો તેજમોટાનું એવો બાળક ભાસતો;
ચિંગારીએ રહ્યો અગ્ની જેમ ઇંધન ઇચ્છતો. ૧૨૭

તાપસી ૧— વત્સ ! એ સિંહબાળકને મૂકી દે, હું તને બીજું કંઈ આપું છું રમવાને.

બાળક— ક્યારે ? તે દે (હાથ લાંબા કરે છે)

રાજા— (હાથ જોઈ) શું ચક્રવર્તિનાં લક્ષણ પણ એણે ધર્‌યાં છે ?

તાપસી ૨— (૧ લીને) સુવ્રતે ! એ માત્ર બોલવાથી રમે તેવો નથી; તો મારી ઝુપડીમાં માર્કંડેય ઋષિના પુત્રનો વિચિત્ર રંગેલો મટોડાંનો મોર છે તે એને માટે લેઈ આવ.

તાપસી ૧— ઠીક. (જાય છે)

બાળક— અમણા હું આનીજ સાથે ખેલું છું. (તાપસીની સામું જોઈ હસે છે.)

૨ાજા— (સ્વગત)

કંઈ કંઈ દિસંતી દંતકળિયો વણ નિમિત હસવાં થકી,
ને કાલિ કાલિ બોલિ ના સમજાય તેવી તોતલી;
અંકે ચઢીને બેસવા બહુ તલપતા પુત જે લિયે,
થાએ મલિન વળિ અંગધૂળે ધન્ય તેને લેખિયે. ૧૩૦

તાપસી— એ મને ગણકારતો નથી (મોડું ફેરવી) અાટલામાં કોઈ ઋષિકુમાર છે કે ? (રાજાને જોઈ) ભદ્રમુખ ! અહીં આવ અને અાણે બાળકેસરીને બળે પકડી ધર્‌યો છે તેને છોડાવ.

રાજા— (બલકાનો પાસે જઈ) રે મહર્ષીપુત્ર !

તાપસી— ભદ્રમુખ ! એ ઋષિકુમાર નથી.

રાજા— આકાર પ્રમાણે ચેષ્ટા છે તો તે ઋષિપુત્ર નહિ હોય પણ આ સ્થાન જોઈ અમે એવો તર્ક કીધો. (પાસે જઈ બાળકને ઉંચકી ખોળામાં લેઈ સ્પર્શસુખનો અનુભવ લે છે.)

ગમે તેનો હોય પણ આ છોકરાનો સ્પર્શ મારાં ગાત્રને થતાંજ મને આવું સુખ થાય છે તો જેના થકી એ ઉત્પન્ન થયો છે તે ભાગ્યશાલીના ચિત્તને કેવી ટાડેક હશે ?

તાપસી— (બંનેને નિહાળી) અચરજ, અચરજ !

રાજા— અાર્ય ! કેમ વારૂ ?

તાપસી— આ બાળકની ને તમારી આકૃતિ સરખી છે એ જોઈ હું વિસ્મય પામું છું. તમે એાળખીતા નથી તો પણ તમારીજ ભણી તેની વૃત્તિ છે.

રાજા— (પંપાળી રમાડી) આર્યે ! એ ઋષિકુમાર નથી તો કોણ કુળ છે ? "

તાપસી— પૌરવ. રાજા— (સ્વગત) શું એનું ને મારું એકજ કુળ ? માટેજ મારા સરખી કાંતિ એની તાપસીને લાગે છે. પૌરવોનું છેલ્લું કુળવ્રત એજ છે, રાજ્ય કર્યા પછી અંતે તપશ્વર્યા કરવી. (પ્રગટ) આ પ્રદેશમાં મનુષ્યે પોતાની બુદ્ધિયે તો આવવું કઠિણ છે.

તાપસી— ભદ્ર મુખ કહેછે તેમજ છે. આસરાને સંબંધે આ બાળકની જનની અહીં દેવગુરૂના તપોવનમાં પ્રસુતા થઈ.

રાજા— (સ્વગત) હાસ ! આશા ધરવાનું આ બીજું કારણ (પ્રગટ) એની મા કીઆ રાજર્ષિની પત્ની છે વારૂ ?

તાપસી— ધર્મપત્નીનો ત્યાગ કરનારનું નામ કહેવાને કોણ મન કરશે ?

રાજા— (સ્વગત) ખરે શું મને ઉદ્દેશીને બોલે છે ? અા બાળકની માનું નામ પૂછું ત્યારે, પણ પરસ્ત્રીની પૂછપાછ કરવી એ શિષ્ટની રીતિથી ઉલટું છે.

(માટીનો મોર લેઈ તાપસી આવે છે.)

તાપસી— સર્વદમન ! જો શકુંતલાવણ્ય.

બાળક— ક્યાં મારી જી ?

તાપસી ૧— સરખે નામે વત્સ છેતરાયો.

તાપસી ૨— વાસ ! અા મટોડાંનાં મોરનું સૌંદર્ય જો એમ મેં કહ્યું.

રાજા— (સ્વગત) શું એની માનું નામ શકુંતલા છે ? કે એકના નામ સરખું બીજાનું હોય છે ? માત્ર નામ સાંભળવાથી મૃગજળની પેઠે ખેદ કરવાનું છે.

બાળક— માતા ! એ સુંદર મોર મને ગમે છે. (હાથમાં લે છે)

તાપસી— (ગાભરી) અરે રક્ષાનો દોરો ?

રાજા— સિંહબાળકને મર્દન કરતાં પડી ગયો હશે.(લેવાને જાય છે)

તાપસીઓ— હાં હાં ઉપાડશો મા, ઉપાડશો મા; અરે એણે દોરો ઉપાડ્યો ! ( ચકિત થઈ છાતીપર હાથ મુકી એકકના સામું જોય છે)

રાજા— કેમ મને વારી રાખતાં હતાં ?

તાપસી ૧— સાંભળો, મહારાજ ! એ અપરાજિતા નામની વનસ્પતી છે; દોરો જન્મસંસ્કાર કરતી વેળા ભગવાન કશ્યપે બાંધ્યો હતો. એને ભૂમિયે પડેલો માતા કે પિતા કે પોતે એ વિના બીજું કોઈ ઉપાડે નહિ.

રાજા— ને ઉપાડે તો ? તાપસી— તો સર્પ થઈ તેને ડસે.

રાજા— એવી વિક્રિયા તમને કોદી પ્રત્યક્ષ થયલી છે ?

તાપસીઓ— અનેક વાર.

રાજા— (સ્વગત) મારો મનોરથ પૂર્ણ થયો તો કેમ ન હરખાઉં. (બાળકને છાતી સરસો ચાંપેછે.)

તાપસી— (બીજીને) વ્રતે ! આવ આપણે આ વૃત્તાંત નિયમવ્રતે રહેનારી શકુંતલાને જણાવિયે. (જાય છે)

બાળક— મુક મને, અંબાકને જાઉં.

રાજા— પુત્ર ! મારીજ સાથે આવી તારી માને આનંદ પમાડજે.

બાળક— મારો તાત તો દુષ્યંત, તું નહિ.

રાજા— (મલકાઈ) આ વિવાદજ મારી પ્રતીતિ કરે છે.

(કેશનો જૂડો બાંધેલો એવી શકુંતલા આવે છે.)

શકુંતલા— (વિતર્કે) સર્વદમનની વનસ્પતીને વિકાર થવો જોઈએ તે ન થયો એ સાંભળી મને મારા ભાગ્યની આશા રહી નથી. (અહીં તહી ફરે છે.)

રાજા— (શકુંતલાને જોઈ) તેજ આ શકુંતલા !

વસ્ત્ર ધૂળિયાં પડ્યાં બે ને વેણી એક ધારંતી,
લેવાયૂં મુખ નિયમે રહેતાં શુદ્ધ શિયળ રાખંતી;
અતિ નિર્દય હું તેનું વિરહવ્રત દીર્ધ વળી પાળંતી. ૧૩૧

શકું૦— (૫શ્ચાતાપે રાજાને વિવર્ણ જોઈ) ખરે એ આર્યપુત્ર તો નહિ હોય ? તો કોણ, રક્ષાને અર્થે દોરો બાંધેલા એવા મારા પુત્રને ગાત્ર અરકાડી અપવિત્ર કરે ?

બાળક— (માપાસે જઈ) અંબા ! કોણ એ પુરૂષ ! પૂત કહી સંનેહે ભેટે છે.

રાજા— પ્રિયે ! તારે વિષે મારું જે ક્રૂરપણું તેપણ યુક્ત અનુકૂલ પરિણામને પામ્યું કે આજે તેં ઓળખ્યો એવો હું પોતાને જોઉંછું.

શકું૦— (સ્વગત) હૃદય ! ધીર ધર, ધીર ધર, મત્સર તજેલો એવાં દૈવે મારા ઉપર દયા કીધી, આર્યપુત્ર એજ છે.

રાજા— પ્રિયે ! દેવયોગે,

સ્મૃતિયે જેનો મોહતમ ટળ્યો તેનિ સંમુખે ઉભી સુમુખી !
ગ્રહણ છુટે શશિકેરો યોગકરે રોહિણી વળી ફરિથી. ૧૩૨

શકું૦— જયતુ જયતુ આર્યપુત્ર (એટલું બોલે કંઠ ભરાયે સ્તબ્ધ રહે છે.) રાજા

કેમ રડે તું તો હવે, સુંદરી રે–ટેક.
બાષ્પથી અટક્યો જયશબ્દ બોલી, તોપણ જિત્યૂં મેં પ્રમાણ-કેમ૦
ઓઠપૂટને રંગ ન લાગ્યો મુખ તુજ દિઠું એ સુજાણ–કેમ૦ ૧૩૩

બાળક— અંબા ! કોણ એ ?

શકું૦— વત્સ ! તારાં ભાગ્યને પૂછ.

રાજા— (પગે પડે છે)

સુતનુ તારા હૃદયમાંથી તજ્યાનું માઠું કાઢ,
કિમપિ ત્યારે મંન મારે મોહ હતોજ બળાઢ;
પ્રબળ તમની ઘણુંકરીને એવિ વૃત્તિ શુભ ટાણે,
શિરે નાખી માળ ઝટકે સર્પ અંધજન જાણે. ૧૩૪

શકું— ઉઠો ઉઠો આર્યપુત્ર ! એમ કાં નહિ કે મારાં સારાંને નડે તેવાં પેલા ભવનાં કર્મ તે. તે દિવસોને વિષે પોતાનાં સર્જિત ફળને પામવાનાં હશે, માટેજ દયાવાન છતે આર્યપુત્ર મારે વિષે વિરસ થયા. (રાજા ઉઠેછે) વારૂ કેવી રીતે આર્યપુત્રને હું અભાગણીની સ્મૃતિ થઈ ?

રાજા

અાંખલડી લોવા દે;

સુતનુ સલુણ અાંસુ પાંપણ અડતાં–અાંખ૦

મોહથકી મેં લેખ્યું ન પૂર્વે, અધર પડી ઉનાં બુંદ જે નડતાં–અાંખ૦
પ્યારી હવે તો કહીશ બધૂંએ, હૃદયની શીલાશોક ઊપડતાં–અાંખ૦

શકું— (નામમુદ્રા જોઈ) આર્યપુત્ર ! આજ તે અંગુઠી કે ?

રાજા— એ અંગુઠી મળી આવી કે સ્મૃતિ થઈ આવી,

શકું— ખરે એણે વિષમ કીધું. આર્યપુત્રને પ્રતીતિ થાય તેવી વેળાએ એ દુર્લભ થઈ રહી.

રાજા— તો હવે ઋતુનું ચિન્હ જે પુષ્પ તેને લતા ધારણ કરે.

શકું— હુંતો હવે એનો વિશ્વાસ નહિ કરૂં, આર્યપુત્ર ! તમેજ એને પહેરો.

(એટલે માતલી આપે છે.)

માતલી— ધન્ય ભાગ્ય, ધર્મપત્નીને સમાગમે ને પુત્રમુખદર્શને આયુષ્યમન્ ! પ્રસન્ન વદો છો.

રાજા— મારો મનોરથ સ્વાદિષ્ટ ફળને પામતો હતો માતલી ! આ વૃત્તાંત ઈંદ્રે જાણ્યું હશે કે ? માતલી— ઈશ્વરને પરોક્ષ શું છે ? અાવવું આયુષ્યમન્ !કશ્યપ તમને દર્શન અાપવે કૃપાળ છે.

રા જા— શકુંતલા ! પુત્રને અાંગળિયે વળગાડ, તને આગળ કરી હું ભગવાનનું દર્શન કરવા ઇચ્છુ છું.

શકું૦— આર્યપુત્ર સંગાતે ગુરુકને જતાં લજવાઉછું ખરે.

રાજા— ઉદયકાળે એમજ કરવું જોઈએ, ચાલ અાગળ.

(મુનિ કશ્યપ અદિતિ સહવર્ત્તમાન બેઠા છે.)

કશ્યપ— હે અદિતિ આને જોયો ?

અગ્રે સર્‌યો રણશિરે તુજ પુત્રકેરે,
દુષ્યંત નામ જગ જાણતું ભૂપ તે એ;
જેનાં ધનુષ્યાર્થે મળેલ નિવર્તિ જેને,
તે વજ્ર અાભરણરૂપજ ઇંદ્રને છે. ૧૩૬

અદિતિ— આકૃતિ ઉપરથીજ એનું ઐશ્વર્ય જણાઈ આવે છે.

માતલી— (દુષ્યંતને) પુત્રપ્રીતિને સૂચવતી ચક્ષુએ દેવતાનાં માતાપિતા આયુષમન્ ! તમારી ભણી જુએ છે, ચાલો તેઓ પાસે.

રાજા— હા માતલી ચાલો (પાસે જઈ કશ્યપ અદિતિને) ઇંદ્રનો આજ્ઞાંકિત દુષ્યંત ઉભયને પ્રણામ કરે છે.

કશ્યપ— વત્સ ! ચિરંજીવ ! પૃથ્વીને પાળ.

અદિતિ— અજિત વીર થા.

શકું૦— પુત્ર સહિત હું પાદવંદન કરૂં છું.

કશ્યપ— વત્સે !

ઇંદ્ર સમાન ભર્તા ને જયંત જેહવો સુત,
આશીષ્ બીજી ન તું જોગી, ઈંદ્રાણી સરખી ભવ. ૧૩૭

અદિતિ— બેટા ! ભર્તાની બહુ માનીતી થા ને વત્સ ! દીર્ધાયુ થઈ ઉભયકુળને આનંદ આપ. બેસો.

કશ્યપ

દૈવે શકુંતલા સાધ્વી, આ સદ્બાળ તમે વળી,
શ્રદ્ધા વિત્ત વિધિ: એ તે, ત્રણે સાથે મળ્યાં અહીં. ૧૩૮

રાજા— ભગવન્ ! પ્રથમ ઇચ્છાની સિદ્ધિ ને પછી દર્શન એજ અમારો અપૂર્વ અનુગ્રહ છે.

માતલી— આયુષ્યમન્ ! મહાત્મા એમજ પ્રસાદ આપે છે.

રાજા— ભગવન્ ! આ આજ્ઞા પાળનારી સાથે મેં વિધિયે ગાંધર્વ વિવાહ કીધો ; પછી કેટલેક કાળે એનાં બંધુજનોએ આણી; વિસ્મૃતિયે એનો પરિત્યાગ કીધેથી હું આપના સગોત્ર કણ્વનો અપરાધી થયો; પછી મુદ્રિકાને દર્શને પાછી સ્મૃતિ થઈ ને ઋષિકન્યા તે મારી પત્ની છે એમ મેં જાણ્યું – એ સધળું મને આશ્ચર્ય સરખું લાગે છે.

કશ્યપ— વત્સ ! પોતાના અપરાધની શંકા કરવી બંધ રાખ, તુને તો ગાઢો મોહ થયો હતો, સાંભળ–

રાજા— સાંભળું છું.

કશ્યપ— જ્યારે અપસરાતીર્થથી અતિદુઃખી શકુંતલાને મેનકાએ ઉપાડી લેઈ અદિતિકને આણી મૂકી ત્યારે મેં ધ્યાન ધરી વૃત્તાંત જાણી લીધું. – દુર્વાસાને શાપે તે ધર્મપત્નિનો ત્યાગ કીધો બીજો કોઈ કારણે નહિ ને તે શાપ મુદ્રિકાનું દર્શન થતાં સૂધી હતો.

રાજા— એ વચને હું મુક્ત થયો.

શકું૦— (સ્વગત) દૈવયોગે આર્યપુત્રે મારો નિષ્કારણ ત્યાગ કીધો પણ મને પોતાને શાપ થયલો તો સાંભરતું નથી અથવા કે વિરહે શુન્ય થયલે હૃદયે તે જાણ્યો નહિ માટેજ સખીઓએ મને કહેલું કે રાજાને સ્મરણ ન આવે તો અા અાંગુઠી દેખડાવજે.

કશ્યપ— (શકુંતલા સામું જોઈ) વત્સે ! તારૂં જે ઈષ્ટ તે થયું, સહધર્મચારી પ્રતિ તું કોપ કરીશ નહિ.

નિર્દે થઈ સ્મૃતિરૂંધે પતિયે તું ટાળી,
એનો ટળે તેમ હવે પ્રભુતાજ તારી;
છાયા ન કાંઈ ઉપડે મળથી ભરેલે–
ચોખ્ખેજ દર્પણતળે ખરી સોય સેલે. ૧૩૯

રાજા— ભગવન્ ! મારાં કુળની પ્રતિષ્ઠા તે અા (પુત્રને દેખાડેછે.)

કશ્યપ— આ પુત્ર ચક્રવર્તિ થશે તે તું જોઈશ –

તરી સિંધૂ પેલે અતુટ ગતિ કેથે અસ રથે,
બધી સાતે દ્વીપે પૃથિવિ અતુલો જોધ જિતશે;
અહીં એ પ્રાણીને બળથિ દમવે સવેદમન,
પછી પામે આખ્યા ભરત થઈ લોકોનું ભરણ. ૧૪૦

રાજા— પોતાથી એને સંસ્કાર થયા છે એટલે એ સર્વની એનેવિષે અમે આશા રાખિયે છિયે.

અદિતિ— આ છોકરીનો મનોરથ પૂર્ણ થયો એ કણ્વને જણાવવું, કન્યાની માતા મેનકા અહીંજ છે. શકું૦— (સ્વગત) મારો મનોરથ ભણ્યો ભગવતીએ.

કશ્યપ— તપને પ્રભાવે આ સધળું ત્યાં કણ્વનાં જાણ્યામાં આવ્યું.

રાજા— માટેજ મુનિ મારા પર કોપાયમાન ન થયા.

કશયપ— તો પણ આ પ્રિય વર્તમાન જણાવવું યોગ્ય છે, કોણ છે અહીં હો ?

શિષ્ય— ભગવન આ હું છું.

કશ્યપ— ગાવવ ! તું અમણાજ આકાશમાર્ગે જઈને કણ્વને આ પ્રિય વર્તમાન કહે કે પુત્રવતી શકુંતલા દુર્વાસાના શાપથી મુક્ત થઈ; દુષ્યંતે સ્મૃતિમાં આવી તેનો સ્વીકાર કીધો છે.

શિષ્ય— જેમ ગુરુની આજ્ઞા.(જાય છે)

કશ્યપ— વત્સ તું પણ પુત્રપત્ની સહિત સખા ઇંદ્રને રથે ચઢી પોતાની રાજધાનીએ જઈ રહે.

રાજા— આજ્ઞા પ્રમાણે કરું છું ભગવન્ !

કશ્યપ

તુજ સકળ જનોને ઇંદ્ર દો વૃષ્ટિ ઝાઝી,
તું પણ બહુલ યજ્ઞે સ્વર્ગિને રાખ રાજી;
ક્રમશત યુગ ગાળો એમ અન્યોન્ય કૃત્યે,
સુખિજ થયલ બેઉ લોકકેરી સ્તુતીએ. ૧૪૧

રાજા— ભગવન્ ! યથાશક્તિ, કલ્યાણને વિષે યત્ન કરીશ.

કશ્યપ— વત્સ ! વળી શું બીજું તારૂ પ્રિય કરૂં ?

રાજા— અાથી પણ બીજું કંઈ પ્રિય છે ? જો વળી ભગવાન્ પ્રિય કરવાને ઇચ્છે છે તો મુનિ ભરતના વાક્ય પ્રમાણે થાઓ–

પ્રવર્ત રો નરપતિ લોકને હિતે,
સરસ્વતી શ્રુતિમહતી મહાતણે;
ચિદાત્મભૂઃ શિવ નિજશક્તિવેષ્ટિત,
પુનર્ભવ ક્ષિણ કરિ દે વળી મમ. ૧૪૨

(સૌ જાય છે)





  • રહો રાજાઓ પ્રજાના કલ્યાણમાં– રહો રા૦

મોટાઓના કલ્યાણમાં વેદસરસ્વતી.
સદાશિવ શેષુ શક્તિરહિત તે પુનર્ભય ટાળો -રહો રા૦
બોલે ભરતમુનિ એમ કૃપા થાઓ-રહો રા૦