સાર-શાકુંતલ/અંક છઠ્ઠો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અંક પાંચમો સાર-શાકુંતલ
અંક છઠ્ઠો
નર્મદ
૧૮૮૦
અંક સાતમો →


[ ૪૫ ]

અંક છઠ્ઠો.
(બે ચેટી વાડીમાં કુલ ચુંટે છે.)

પરભૃતિકા— (આંબાના મોર ભણી જોઈ)

દીઠો દીઠો રે આંબે મોર, મોર સ્તવું તૂને–ટેક.
કાંઈક રાતો લીલો ધોળો ઋતુમંગળદરશનરે;
જીવ સરવસ છે વસંતકેરો, થાજે તું પરસંન.-ધન સ્તવું૦ દી૦ ૪

મધુકરિકા— અલી ! એકલી એકલી શું બબડેછે ?

પર૦— આંબાની મંજરી જોઈને પરભૃતિકા (કોએલ) ઉન્મત્ત થાયછેજ.

મધુ૦— (હરખે) શું વસંતમાસ બેઠો કે ?

પર૦— મધુકરિકા ! તારો પણ એ સમય છે મદે વિભ્રમ થઈ ગાવાનો (ભ્રમરીનો.) [ ૪૬ ] મધુ૦— મને ધરી રાખ કે ઊંચે પગે ઉભી રહી મોર તોડી લેઉં કામદેવને પૂજવાને.

પર૦— પૂજાનું અરધું ફળ મને મળે તો.

મધુ૦— કહ્યું ન હોત તો પણ મળવાનું જ હતું.

પર૦— આપણ બેઉનો જીવ એકજ છે, માત્ર શરીર જૂદાં છે (મોર તોડેછે) આ મંજરી બરાબર ભરાઈ નથી તો પણ ડીટાં માંથી છૂટી પડવે સુગંધી અાપે છે (અંજલીપુટ કરી.)

મનેાહર મોર તું અરપ્યો, છે મેંતો અાજે,—
રતિપતિને કહું લીધ ધનુષ કર, સાંતરો જેહ વિરાજે;
કંથ પ્રવાસીની જુવતીને લક્ષ્યે, પાંચમાં અધિક તું થાજે.–મનો ૧૦પ

કંચુકી— (ઝટ પડદો ખસેડી ક્રોધમાં) મા કર એમ. ઓ અજાણ ! દેવે વસંતનો એ ઓચ્છવ બંધ રખાવ્યો છતે તું મોર કેમ તોડે છે ?

બેઉ— અાર્ય ! ખમા કરો, ખમા કરો.

કંચુકી— નથી સાંભળ્યું તમે ? વસંતના વૃક્ષોએ તથા એને આશ્રયે રહેનારાં એ દેવની આજ્ઞા પાળી છે તે.

અાંબે મંજરિ નીકળે બહુ થયૂં તોએ ન બાઝે રજ,
ફુલો સદ્ય થશે દિસે કુરૂબકે રેહે કળી તેમજ;
કોકીલો શિશિરે ગયે ગદગદ કંઠેથિ કાઢે સ્વર,
ખેંચી સંવરતો શકે સ્મર વળી ભાથેથિ આર્ધો શર. ૧૦૬

બેઉ— નથી સંદેહ રાજર્ષિનો મોટો મહિમા છે.

કંચુકી— થયું તે થયું, ફરીથી તેમ ન કરશો.

બેઉ— શાં નિમિત્તે ભર્તાએ વસંતનો ઓચ્છવ બંધ રખાવ્યો છે તે અમને કહેવું અાર્ય !

કંચુકી— શું અહીં તમારે કાને નથી આવ્યો શકુંતલાને કાડી મુકવાનો લોકાપવાદ ?

બેઉ— અંગુઠી જડી એટલું જાણિયે છિયે.

કંચુકી— અંગુઠી દેખતાંજ સાંભરી આવ્યું દેવને કે તે પૂર્વે મારીસાથે છાની પરણીછે ને મેં વિસ્મૃતિયે તેનો ત્યાગ કીધો; તેવારથી [ ૪૭ ] પશ્ચાત્તાપ કરે છે દેવ.*[૧]

બેઉ— ઠીક.(જાય છે)

(પડદામાં) પધારવું પોતે.

( રાજા વિદુષક અાવે છે.)

કંચુકી— આણીગમ આવે છે દેવ.અહીંથી જાઊં, પણ અાહા કેવો દીસે છે તે !

અલંકારવિધિવિશેષ છાંડી કડૂં એકલું રાખે
વામભુજે કંચનનું શ્વાસે ઓઠ રક્તહીણ દાખે;
અાંખ રાતિ ચિંતાજાગ્રણથી પણ નિજ તેજે સોએ,
ક્ષીણ છતે જ્યમ મહામણી તે સરાણઘસિયા હોએ ૧૦૮

(જાય છે.)

રાજા— (અહીં તહીં ફરી-સ્વગત.)

હીણું હૃદય રહ્યું ઉંઘતું જગાડતિ જવ પ્રિયા મૃગાક્ષી તે;
પરતાવો ભોગવવા, જાગતું અમણાં થયૂંછ બહુ રીતે. ૧૦૯

વિદૂ૦— (સ્વગત) એને શકુંતલાનો વ્યાધિ લાગ્યો છે. (પ્રગટ ) લતા મંડપમાં બેસવું વયસ્યે.

રાજા— સખા ! સગળું હવે સાંભરેછે શકુંતલાનું પૂર્વ વૃત્તાંત. મેં તેને છાંડી ત્યારે તું મારી પાસે નહોતો; વળી આગળ પણ તે કદી તેનું સ્મરણ કીધું નહિ, મારી પેઠે તું પણ તેને વિસરી ગયોતો કે શું?

વિદૂ૦— હું કેમ વિસરૂં ? છેલ્લું તેં કહેલું કે મેં હાસ્ય કીધું ને મેં માટીના ઢેફાં જેવી મારી બુદ્ધિયે સાચું માન્યું. હોશે, હોનાર તેજ બળવાન્ છે.

રાજા— વયસ્ય ! ત્યાગથી વ્યાકુળ થયેલી પ્રિયાની મારા જેવી અવસ્થા બળાત્કારે સાંભરી આવે છે ને હું અશરણ છું.–

તે આ બાળેછેજ જેવું બાણ, વિખનું ભરેલું –ટેક
અહીંથી છાંડી કે જવા માંડ્યું સ્વજનની વાંસે વિલપતી અને
બીતી દુરબળ દેહ રે, તે આ૦


  1. *દ્વેષિ રમ્યનો અમાત્ય સેવા પૂર્વે ત્યમ નિત ના લે,
    શય્યા ઉપર આળેટે બહુ નિદ્રાવણ નિશા ગાળે;
    સ્ત્રિયોસું બોલે વિવેકથી પણ નામ પ્રિયાનું વદાએ,
    પછી રહે ગળગળ્યો નમ્ર તેં ઘણો કાળ લજજાએ. ૧૦૭

[ ૪૮ ]

તોએ ત્યાં તો ગુરૂ જેવાં માન યોગ્ય ગુરુશિષ્યે વારે વારે
ઊંચે શબ્દે કહ્યું ઊભી રેહરે; તે આ૦
ત્યારે ફરી વળી તેણે કઠિણ નિર્દય હુંને આકળી અરપી
દૃષ્ટિ અાંસુ ભરી જેહરે; તે આ૦
સખા !
આ સ્વપ્ન કે માયા કહું શું વળી ભ્રાંતિરે–
કે ફળ તેટલું જ દેનારું હતું પુણ્ય તે, પામવું વહેલુંજ શાંતિરે. –અા૦
સુખ તે ગયું તે ગયું નાવે ફરીથી ખરે, આશા છેક પડી ભાંગિરે. –આ૦

વિદૂ૦— તું નિરાશ ન થા. વીટી જડી છે માટે શકુંતલાનો પણ સમાગમ થશે.

રાજા—(અંગુઠીને નીહાળી) અરે તું પણ અસુલભ સ્થાનેથી ભ્રષ્ટ થઈ એ શોક કરવા જેવું છે.

સુચરિત અંગુઠી સ્વલ્પજ તારૂં,
ફળથી તે જાણીએ જેમકે મારૂં.
નહિ તો અરુણનખસુંદર તેની,
અાંગળીએથી પડીજાએ શેની ? ૧૧૨

વળી,

શોભિતી અાંગળી કોમળ રૂડી.
એવો તજી કર તું પાણીમાં બૂડી.
લેખે અચેતન તો ગુણને ન કાંઈ,
એ કેમ મુજથી પણ પ્રિયા છંડાઈ! ૧૧૩

(એટલામાં ચેટી આવે છે ચિત્ર પાટી લેઈને)

ચેટી— અા ચિત્રેલી રાણી (દેખાડે છે)

રાજા–(નઈ) હજી કાંઈક ભાસ આવ્યો છે.

જે જે સારૂં ન ચિત્રમાં, તે તે ખોટૂં તાંહિ,
પણ તેનૂં લાવણ્ય તો, આવ્યું રેખામાંહિ. ૧૧૪

( ચેટીને ) જા ને લેખણી લેઈ ખાવ.

ચેટી— (વિદુષકને) આ લે હું આવું ત્યાં લગી.

(જાય છે.)

રાજા— હું જ લેઉં.

સાક્ષાત્ પ્રિયા તજિ કને ઉભિ આવિ પેલે,
ચિત્રેલિ આ બહુજ માનું હું માનમેળે.
મૂકી નદી જળભરી દિઠિ માર્ગમાં ને
ઈચ્છૂં સખા લળિલળિ મૃગતૃષ્ણિકાને. ૧૧૫

[ ૪૯ ]

વિદૂ— (સ્વગત) લેખણી મંગાવી છે તે હવે હું ધારૂં છું કે લાંબી દાઢીવાળા તાપસોનાં ઝુંડ ચિતરી કાઢી પાટી પૂરી ભરી નાખશે. (ચિત્રને જોઈ) હાથની અાંગળીએ મોડું ઢાંકી અત્યંત બીતી હોય તેવી કેમ ઊભી છે વારૂ ? (નિહાળીને) હા સમજ્યા, આ પેલો દુષ્ટ ભ્રમર પુષ્પપરસને લોભે તેનાં વદન કમળને વિટલાયાં કરે છે.

રાજા— ત્યારે એ લુચ્ચાને વારની.

વિદૂ— રાજા દુષ્ટને દંડ કરનારો તું છે તે તુંજ તેને વાર.

રાજા— યોગ્ય છે રે ફુલવેલી પ્રિયાના અતિથિ ! તું અહીં તહીં ઉડવાનો શ્રમ કેમ કરે છે ?

એ જુવે વાટડી, રાગી તારી ભ્રમરી –ટેક.
ફૂલની ઉપર બેઠી છતી તરસી પણ,
નથી રે વિના તૂં પીતી મધુ ખરી. એ૦ ૧૧૬

તું મારી અાજ્ઞા નથી માનતો ? સાંભળ–

અણચુંથાયેલૂં નાનું ઝાડ તેનું
કુંપળ તે સમૂં ચારૂ સોતું એવું
રતિતણે વળી ઓચ્છવે ચુમેલું
હળવું પ્યારિનૂં હે અલી ખરે તું
અધરબિંબ જે તેહને અડીશ,
કમળગર્ભમાં બંધ હૂં કરીશ. ૧૧૭

વિદૂર— (સ્વગત-હસીને) એને તો ગાંડું લાગ્યું છે (પ્રગટ) ઓ ! ખરે ચિત્ર છે આ તો.

રાજા— શું એ ચિત્ર છે? વયસ્ય ! સાક્ષાત્ છે એમ જાણી તલ્લીન થઈ, દર્શનનો લાવો લેતો હતો પણ તેં સ્મૃતિ કરાવી તેથી મારી પ્રિયા પાછી ચિત્રમાં આવી રહી.

ચેટી— (આવીને) રાણી રસ્તામાં મળ્યાં તેણે કહ્યું કે ચિતરવાનું સાહિત્ય હુંજ લેઈ આવું છું.

રાજા— વયસ્ય ! દેવી આવે છે, ચિત્રને બીજે ઠેકાણે મૂક.

વિદૂ૦— તું પોતાનેજ મૂકની.

(ચિત્ર લેઈ આઘો થાય છે ને પછી બીજી ચેટી આવેછે. )

ચેટી બીજી— જય જય દેવ !

રાજા— તેં માર્ગમાં દેવીને દીઠી કે ?

ચેટી— મળ્યાં હતાં પણ મારા હાથમાં પત્ર જેઈ પાછાં વળ્યાં. [ ૫૦ ]

રાજા— કાર્યને જાણનારી છે દેવી, અવરોધ કરવા આવતી નથી.

ચેટી— (પત્ર આપે છે.)

રાજા— (વાંચી રહી) ધનમિત્ર સાહુકાર મરી ગયો ને તેનું દ્રવ્ય મને આવનાર છે. એને બહુ ધનથી બહુ સ્ત્રિયો હશે. (નિસાસો મૂકે છે) એમજ હો, સંતતિ ન હોવાથી નિરાધાર કુટુંબોની સંપત્તિ મૂળપુરુષને મરણે બીજાને હાથ જાય છે – મારી પણ પૂરુવંશની સંપત્તિ અકાળે વાવેલાં બીજની ભૂમિ પ્રમાણે નિષ્ફળ થશે, ધિક્ મને કે પાસે આવેલી લક્ષ્મીને મેં અવમાની.

જેને વિષે નિજતણી કરિ મેં પ્રતિષ્ઠા
તે ધર્મપત્નિ તજિ રે કુળની પ્રતિષ્ઠા;
વાવેલ બીજ સમયે ઘટતે સુપૃથ્વી
દેનાર સિદ્ધ થઈને ફળ મોટું તેવી. ૧૧૮

ચેટી પહેલી— (બીજીને) આ વૃત્તાંતથી રાજાને દુ:ખ થયું તો વિદૂષકને લાવી લાવ.

(બીજી ચેટી જપ છે.)

રાજા— દુષ્યંતના પૂર્વજ સંશયમાં પડ્યા છે.

“એની પછીથી કરશે કુણ કૂળ માંહી,
વેદોક્ત રીતિ ધરિ તર્પણ” એ વિચારી;
મારા અરે પિતર તે દિધું મેં અપુત્રે,
અાંસૂ ધુએથિ ઉગર્‌યુ જળ ઓછું પીશે. ૧૧૯

(એમ મૂરછિત થાય છે.)

ચેટી— સાવધ થાઓ, સાવધ થાઓ, ભર્તા !

(પડદામાં) અબ્રહ્મણ્યં, અબ્રહ્મણ્યં.

ચેટી બીજી— (આવીને) ભર્તા ! માધવ્યનું રક્ષણ કરો.

રાજા— મારા મિત્રને કોણ મારે છે ?

ચિટી પહેલી— (બીજીને) કોઈ અદૃશ્ય પુરૂષ હશે.

(પડદામાં) હે વયસ્ય ! રક્ષણ કર, રક્ષણ કર.

રાજા— સખા ! ન બીહ, ન બીહ.

(પડદામાં) કેમ ન બીહું, આ કોઈ મારી ડોકી મરડીને મારા ત્રણ કડકા કરેછે !

રાજા— ધનુષ્ય ! ધનુષ્ય !

ચેટી બીછ— આ બાણસહિત ધનુષ્ય ને પંજો.

રાજા— (હાથમાં લેછે) [ ૫૧ ]

( પડદામાં ) તુજ કંઠતણું નવું તેહ, લોહિતરસ્યો હું તુને,
તરફડતો કરી હણીશ, વાઘ જેવા પશુને;
જો કે અારતભય મોટ, ટાળવે સદ્ય ખરે,
થઈ ધનુષસજ્જ દુષ્યંત, તાહરી વહાર કરે. ૧૨૦

રાજા— (ક્રોધ) શું મને ઉદ્દેશી બોલે છે ? ઉભો રહે ઉભો રહે રાક્ષસ ! તું અમણાં નહિ તેવો થઈશ. અરે અહીં તો કોઈ નથી.

( પડદામાં ) રક્ષ ! રક્ષ ! હું તને જોઉ છું, તું મને નથી જોઈ શકતો; બલાડાએ પકડેલા ઉંદર જેવો હું મારા પ્રાણને માટે નિરાશ છું.

રાજા— ગુપ્ત વિદ્યાનો તને ગર્વ છે, પણ મારૂં અસ્ત્ર તુને જોય છે. સ્થિર થા, તારા ઉપર શરસંધાન કરે છે તે તે છે કે

જે હણશે વધ્ય તૂને ને રક્ષશે દ્વિજ રક્ષ્યને,
હંસ તો દૂધ લેશે ને એભળ્યું પાણિ વર્જશે. ૧૨૧

(અસ્ત્ર સંધાન કરે છે એટલે વિદૂષકને છોડી દઈ માતલી આવી સામે ઉભો રહે છે.)

માતલી

કીધાછ ઈંદ્રે તુજ લક્ષ્ય માટે
દૈત્યો તું લે આ ધનુ તેહ સામે;
સ્નેહી પ્રતી સજ્જનનાં કૃપાળ;
ચક્ષુ પડેછે શર દારુણાં ન. ૧૨૨

રાજા— (અસ્ત્ર સંવરી) દેવરાજ સારથીને સ્વાગત !

વિદૂ૦— (બહાર આવી) જેણે મને યજ્ઞના પશુ જેવો માર માર્‌યો તેને આ રાજા સ્વાગતે રિઝવે છે ?

માતલી— (હસીને) આયુષ્યમાન્ ! ઇંદ્રે મને પોતાની પાસે મોકલ્યો છે તે દુર્જય નામના દાનવની સામાં યુદ્ધ કરવાને શસ્ત્ર લેઈ અા મોકલેલા રથમાં બેસી વિજયને અર્થે પ્રસ્થાન કરવું.

રાજા— અનુગ્રહ થયો મારો, ઈંદ્રે મને આટલી મોટાઈ આપી; પણ કહે માધવ્યને આમ કેમ કીધું ?

માતલી— (હસીને) મનના સંતાપવાળા દીઠા ત્યારે પછી કંઈ પણ નિમિત્તે ક્રોધ આણી આયુષ્યમન્‌ને સતેજ કરવા માટે મેં તેમ કીધું.

રાજા— (હળવે) માધવ્ય ! ઇંદ્રની આજ્ઞા ઉલ્લંધન કરાય તેવી નથી, તો જા ને સઘળું વર્ત્તમાન પ્રધાનને કહેજે.

વિદુ૦— આજ્ઞા ( જાયછે )

માતલી— આયુષમન્ ! રથે ચઢો.

( રાજા તેમ કરે છે. )