સાહિત્ય અને ચિંતન/ભક્તિમાર્ગ

વિકિસ્રોતમાંથી
← હિંદુ ધર્મ સાહિત્ય અને ચિંતન
ભક્તિમાર્ગ
રમણલાલ દેસાઈ
ઇસ્લામ →




ભક્તિમાર્ગ

માનવજીવનમાં ભક્તિ અને ભક્તિગીતોએ ભારે અસર ઉપજાવી છે, હિન્દમાં તો એ અસર ખાસ દેખાઈ આવે છે. મોહન–જો–ડેરોની લિપિ ઉકેલે ત્યારે તેના સાહિત્યની ખબર પડે, છતાં ત્યાંથી મળી આવેલા અવશેષો ભક્તનાં ચિહ્‌નો તે બતાવે છે. વેદકાળથી શરૂ કરી હિંદના છેલ્લામાં છેલ્લા કવિ સુધી એ ભકિતગીતોનો પ્રવાહ સતત વહેતો જ રહ્યો છે, એ આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ.

ભક્તિ એ એક આધારભૂત શર્ત માગે છે: અદૃષ્ટ પ્રત્યે પૂજ્યભાવે અને શ્રદ્ધા. કેટલાક વૈજ્ઞાનિકો અને બુદ્ધિવાદીઓ અદૃષ્ટમાં ન માને. તેમને માટે ભક્તિમાર્ગ નિષ્ફળ લાગે ખરો; છતાં મોટા ભાગના વૈજ્ઞાનિકો આસ્તિક હોય છે. અને જન્મ, જીવન તથા મૃત્યુ, બુદ્ધિપ્રેરિત નહિ તો પણ, કોઈ બુદ્ધિરહિત અદૃષ્ટ તો માનવીની આસપાસ સતત વીંટળાયેલું તત્ત્વ છે જ – માનીએ કે ન માનીએ તો પણ.

પૂજ્ય ભાવ અને શ્રદ્ધાનું મધ્યબિંદુ બનેલું અદૃષ્ટ એટલે ઈશ્વર એમ કહીએ તો ચાલે. સર્વ ધર્મ ઈશ્વરને તો માને છે, પછી ભલે જૈન ધર્મની માફક ઈશ્વરના જગતકર્તૃત્ત્વ વિષે કોઈ ધર્મપ્રણાલિકામાં શ્રદ્ધા ન પણ હોય. મોટે ભાગે ઈશ્વરની માન્યતા ઈશ્વરમાં સર્વ શક્તિમાનપણું કલ્પે છે અને ઈશ્વરનાં અનેક સ્વરૂપની ભાવના ઉપજાવે છે. પથ્થર, વૃક્ષ, જાનવર, કુદરતનાં વિવિધ સ્વરૂપ, કોઈ વિશિષ્ટતા ધરાવતો માનવી–એમાંથી આગળ વધી કોઈ મહારાજા, કોઈ મહાન પિતા-patriarch, કોઈ મહાન માતા, સ્વર્ગારૂઢ દેવ અગર સર્વવ્યાપક અરૂપ શક્તિ સુધી ઈશ્વર સંબંધી માનવભાવના પહોંચી ગઈ છે.

આ ઈશ્વર પ્રત્યેની ઊર્મિમય અભિમુખતાને આપણે ભક્તિ કહી શકીએ. પ્રત્યેક ધર્મમાં ઈશ્વરની અભિમુખતા સાધવાના ત્રણ માર્ગ હોય (૧) કર્મ (૨) ઉપાસના-ભક્તિ (૩) જ્ઞાન. એ ત્રણનો સમન્વય સાધવાનો પણ સુંદર પ્રયત્ન ધર્મમાં થયે જાય છે, અને એકાદ માર્ગ સમતુલા ખોઈ બેસી વિચિત્રતા પ્રકટ કરે ત્યારે એ સમતુલા સાચવવા બીજા માર્ગો ઉપર ધર્મપ્રચારકો ભાર મૂક્યે જાય છે. કર્મમાં માત્ર જડતા આવે અગર આચાર ઉપચારનો ખટાટોપ વધી જાય, અથવા જ્ઞાન નિષ્ક્રયતા અગર શઠતામાં ઉતરી જાય ત્યારે ભક્તિ એક સુંદર ઝોલો લઈને પ્રજાજીવનની ઊર્મિઓ વિશુદ્ધ કરી ધર્મને સંજીવની આપે છે. ભક્તિ પણ અંધ વેવલાશમાં ઉતરી પડે ત્યારે જ્ઞાન અગર કર્મ આગળ આવી સમતુલા સાચવી રહે છે. હિંદના ધાર્મિક ઈતિહાસમાં તો આમ બનતું જ આવ્યું છે.

વેદકાળથી આર્યોએ કર્મ, ઉપાસના અને જ્ઞાનને સ્પષ્ટ રીતે સ્વીકાર્યા છે. યજ્ઞ–યાગાદિકમાં કર્મ, આવાહનોમાં ભક્તિ–ઉપાસના અને ધ્યાનચિંતનમાં જ્ઞાન આર્યધર્મ સ્કૂટ કર્યાં છે, અને તેમનાં ઘટતાં વધતાં મોજાં ધર્મ ઇતિહાસમાં માપી શકાય છે.

વેદકાળની ઉપાસના મૂર્તિપૂજાને માન્ય કરતી હતી કે કેમ, એ પ્રશ્નનું નિરાકરણ વિદ્વાનો કરી શક્યા નથી. વેદકાલીન અવશેષો એવા મળ્યા નથી કે જે ઉપરથી મૂર્તિપૂજાનું અસ્તિત્વ આપણને સ્પષ્ટ થાય. વેદકાળથી પણ પહેલી ગણાતી મોહન–જો–ડેરોની–સિંધુતટ સંસ્કૃતિમાં દેવ–દેવીની મૂર્તિઓ અને શિવલિંગ સરખી આકૃતિઓ મળી આવી છે. પરંતુ તેમની કશી સ્પષ્ટતા થઈ નથી. એ ચર્ચા વિદ્વાનો માટે રહેવા દઈ આપણે એટલું જ સ્વીકારીએ કે ઉપાસના–ભક્તિભાવ કોઈપણ ઈષ્ટને ઊર્મિ દ્વારા વળગવા જરૂર મથે છે, અને વળગવા માટે મૂર્તિ એક સબળ સાધન બની રહે છે. શાસ્ત્રીય રીતે બુદ્ધિને આધારે મૂર્તિપૂજા સાબિત થઈ શકે કે કેમ અને મૂર્તિ પૂજા ઈષ્ટ છે કે અનિષ્ટ એ ચર્ચાને આપણે બાજુએ મૂકીએ. એટલું તો ખરું જ કે પ્રતીકોના શોખીન માનવીને મૂર્તિ ઈશ્વરત્વના પ્રતીક તરીકે ઘણી ફાવી જાય છે. છબીઓ અને બાવલાંની ઘેલછા કાઢતો સુધરેલો વર્તમાન માનવી મૂર્તિ પૂજાનો ભાગ્યે સાચો વિરોધી બની શકે. જાતેજ મૂર્તિરૂ૫ માનવી પ્રભુને પણ મૂર્તિમાં ઉતારવા મથે એમાં આશ્ચર્ય નથી.

આજ બૌદ્ધ, જૈન, અને ખ્રિસ્તી ધર્મનું પૂજન સ્વીકાર્યું છે અને મૂર્તિવિરોધી ઈસ્લામ કે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી માર્ગે આછા પાતળા સંકેતો જરૂર સ્વીકાર્યા છે. સર્વ ધર્મમાં આવા પૂજ્ય સ્મરણસંકેતો છે, જે તીર્થ તરીકે ધર્મિષ્ઠોનાં દર્શનસ્થાન બની રહે છે. આમ મૂર્તિ એ ઈશ્વર કે ઈષ્ટ વ્યક્તિઓનાં સ્મરણસાધન ઉપજાવવાનો એક માનવપ્રયત્ન છે, એમ માનીએ તો મૂર્તિ પૂજાનો વિરોધ ઘટી જાય.

મૂર્તિપૂજા સાથે અગર મૂર્તિપૂજા વગર ઈષ્ટને, અદૃષ્ટને ઊર્મિ દ્વારા, લાગણી દ્વારા, હૃદયના ભાવ દ્વારા સ્પર્શવાનો પ્રયત્ન એને ભક્તિ કહીએ તો ચાલી શકે. એ ભાવ બુદ્ધિને કદાચ ન ખપે, છતાં એ ભાવમાં સાચા અને ઊંચા ઊર્મિ પ્રવાહો છે, એમાં જરાય શક નહિ. આંખ વગર કૃષ્ણદર્શન કરી શકતો સૂરદાસ અગર પાપ નિવારણ માટે ફટકા ખાતી ખ્રિસ્તી સાધી જૂઠાં ન જ હોઈ શકે. આપણને ભલે ન સમજ પડે; છતાં ઊર્મિમયતામાં તે સાચું જીવન જ જીવે છે.

ભક્તિ–ઉપાસના–ઈશ્વરને સ્પર્શવા માટેની તમન્ના નવધા ભક્તિને નામે સુપ્રસિદ્ધ છે. એ વ્યાપક નવધા ભક્તિ–ઈશ્વરને સ્પર્શવાના માગ તરીકે ઓળખાઈ છે નીચેને નામે:–

(૧) શ્રવણ (૨) કીર્તન (૩) સ્મરણ (૪) પગસેવા (૫) અર્ચન (૬) વંદન (૭) દાસ્યભાવ (૮) સખ્યભાવ (૯) આત્મનિવેદન.

श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् |
अर्चनं वंदनं दास्यं सरव्यमात्मनिवेदनम् ।।

કેટલાક વિચારકો દશમી પ્રેમલક્ષણા ભક્તિને પણ ગણાવે છે. આત્મનિવેદનના વિશિષ્ટ સ્વરૂપ તરીકે કદાચ પ્રેમલક્ષણા ભક્તિ ગણી શકાય, જો કે પ્રેમલક્ષણા ભક્તિની તીવ્રતા એક મહાપ્રેમી સ્ત્રીના પોતાના પ્રિયતમ પ્રત્યેના મહાતલસાટરૂપે વ્યક્ત થાય છે.

સાહિત્યનો આત્મા ઊર્મિ: ઊર્મિ ઉપર ભાર મૂક્યા સિવાય સાહિત્ય રચાતું નથી; અને ભક્તિ પણ ઊર્મિ ઉપર મુખ્ય આધાર રાખતી હોવાથી સાહિત્ય અને ભક્તિને બહુ સુભગ સંબંધ આપણે ત્યાં સંધાયેલો છે. હિંદુસ્તાનની વિવિધ ભાષાઓનાં સાહિત્ય જોઈશું તો આપણને સ્પષ્ટ જણાઈ આવશે કે ઓગણીસમી સદીના મધ્યભાગ સુધી ઘણા પ્રાંતોનું સાહિત્ય ભક્તિના જ મધ્યબિંદુ આસપાસ રચાયેલું છે. ત્યારપછીનું પણ સાહિત્ય ભક્તિને ભૂલ્યું નથી એ નોંધવા સરખી બીના છે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કારવાળા કવિઓ પણ ભક્તિનો સારો આશ્રય લઈ ચૂક્યા છે એમ કહેવામાં માનવહૃદયની ઊર્મિને આપણે મહત્ત્વ આપીએ છીએ.

આમ તો આપણે જોયું તેમ ભક્તિમાર્ગ વેદકાળ સુધી પહોંચે છે, પરંતુ વર્તમાન જીવનને સ્પર્શી રહેલો ભક્તિમાર્ગ મુસ્લિમોના આગમન સાથે શરુ થાય છે એ ઈતિહાસ બહુ સૂચક છે. મહમદ ગઝનીના હુમલાઓ ઉત્તરમાં શરૂ થયા અને દક્ષિણમાં ભક્તિમાર્ગના પ્રથમ ઐતિહાસિક આચાર્ય રામાનુજ લક્ષ્મીનારાયણની ભક્તિ સાથે બહાર પડ્યા. ત્યાર પછી તો દ્વૈત કે અદ્વેતને વિસ્તારનારા મધ્વ, નિંબાર્ક, ગૌરાંગ અને વલ્લભ સરખા આચાર્યોની પરંપરા સહજાનંદ સુધીના ભક્તિમાર્ગને જ પોષી રહી છે. રામાનંદને આચાર્ય માનવા કે નહિ એ પ્રશ્નને બાજુએ મુકતાં તેમણે વિસ્તારેલી રામભક્તિમાંથી કબીર, રહીમ, રોહીદાસ, તુલસીદાસ અને નાનક જેવા ભક્તો કે ધર્મપ્રચારકો ઉત્પન થયા એ ભૂલવા સરખું નથી.

પરદેશથી આવતી પ્રજાને પોતામાં સમાવી લેતો આર્ય ધર્મ પ્રચંડ બળવાળા ઈસ્લામને પોતાનામાં સમાવી શક્યો નહિ. ઈસ્લામ જગતવિજયના ઝનૂનથી અરબસ્તાન બહાર નીકળ્યો, અને જો કે એ જગતધર્મ થઈ શક્યો નથી, છતાં તેના પ્રવાહના ઘર્ષણમાં જબરદસ્ત પ્રાબલ્ય હતું એની ના પાડી શકાય એમ નથી. પશ્ચિમ એશિયામાં ઇસ્લામે પોતાના પૂરમાં અનેક નાના મોટા ધર્મપ્રવાહોને આવરી લીધા અને ઇતિહાસનું વાચન તો એમ કહે છે કે એના વેગમાં ઈસ્લામ કદાચ માનવીના બધા ધર્મોને ગળી ગયો પણ હોત; પરંતુ ઇસ્લામથીએ પ્રાચીન ધર્મોએ અંતે ઇસ્લામ ધર્મ સામે પોતાનું વિશિષ્ટ સ્વરૂપ જાળવી રાખ્યું. યહૂદી, ખ્રિસ્તી, હિંદુ, આર્ય અને બૌદ્ધ ધર્મોમાં ઈસ્લામે ગાબડાં ઘણાં પાડ્યાં, પરંતુ ઇસ્લામ એ પ્રાચીન ધર્મોને નાબુદ ન કરી શક્યો. વર્તમાન ભક્તિમાર્ગ પણ આર્ય ધર્મે પોતાની સંસ્કૃતિમાંથી ઉપજાવેલો ઈસ્લામ સામેનો એક સફળ મોરચો કહી શકાય.

આમ મુસ્લિમોના હિંદપ્રવેશ સમયથી જ ભક્તિમાર્ગે આ સંસ્કૃતિની સાચવણી હાથમાં લીધેલી છે. એણે આર્યત્વને તો ઉજળું બનાવ્યું છે. સાથે સાથે તેણે ઈસ્લામને પણ હળવો, ઉદાર અને ઝનૂનરહિત બનાવવામાં બહુ ભવ્ય ભાગ ભજવ્યો છે. આખું મધ્યકાલીન સાહિત્ય ભક્તિસાહિત્ય છે એમ કહીએ તા ચાલી શકે.

એ ભક્તિમાર્ગે મહાન ભક્તો અને મહાન સાહિત્યકારો આપણને આપ્યા છે. પરપ્રાન્તીય સૂરદાસ અને અષ્ટસખા, તુલસીદાસ, કબીર, _માલ, રહીમ, રસખાન, તુકારામ, નામદેવ અને ગૌરાંગ જેવા મહાન સાહિત્યાચાર્યોને બાજુએ મૂકીએ તો પણ એ જ ભક્તિમાર્ગે ગુજરાતનું નવીન સાહિત્ય સજર્યું અને નરસિંહ, મીરાં, ભાલણ, અખો, પ્રેમાનંદ, ભાજો, ધીરો, રત્નો, નરભેરામ, દયારામ, દેવાનંદ, પ્રીતમ, ઋષિરાજ અને છોટમ સરખા અનેક સાહિત્યકારોને ઉપજાવી ગુજરાતની સાંસ્કારિક વિશિષ્ટતા સાચવી રાખી છે.

ઉપરાંત એ જ ભક્તિમાર્ગે—કપો કે ભક્તિભાવે—નર્મદ—દલપત પાસે તો ભક્તિગીતો લખાવ્યાં જ છે. એથી આગળ આવતાં ભોળાનાથ સારાભાઇ, નરસિંહરાવ દિવેટીઆ અને છેક આપણી જ નજીક આવી ગયેલા નાનાલાલ અને લલિત પાસે પણ સુંદર ભક્તિગીતો લખાવ્યાં છે. હજી આપણા છેલ્લામાં છેલ્લા કવિઓ પણ સરસ ભક્તિગીતો લખી રહ્યા છે.

આવી વ્યાપક સાહિત્ય અસર ઉપજવતો, ગૃહ તેમજ સમાજ જીવનને ઉજાળતો, ભક્તિમાર્ગ આજ પણ એકતારામાં, કીરતાલમાં, મંજીરામાં, ઝાંઝમાં અને ઢોલમાં સજીવન રહેલો ચારે પાસ આપણે જોઇ શકીશું.