લખાણ પર જાઓ

સાહિત્ય અને ચિંતન/ઇસ્લામ

વિકિસ્રોતમાંથી
← ભક્તિમાર્ગ સાહિત્ય અને ચિંતન
ઇસ્લામ
રમણલાલ દેસાઈ
અહિંસા: સંસ્કૃતિમાં તેનું સ્થાન →




ઇસ્લામ

બીનઈસ્લામ દૃષ્ટિએ

ઇસ્લામ એક મહાન ધર્મ છે, એની કોઈથી ના પાડી શકાય એમ નથી. ઇતિહાસનું એક પ્રકરણ તો એમ ચોખ્ખું કહે છે કે ઈસ્લામ આઠમી નવમી દસમી સદીમાં આખા યુરોપનો પ્રજા–ધર્મ બનતો સહજમાં રહી ગયો. હજી પણ યુરોપના કેટલાય સરહદ વિભાગોમાં ઈસ્લામની અસર જીવંત છે. એશિયા અને આફ્રિકાના વિશાળ પ્રદેશોમાં સ્વીકાર પામી યુરોપ ઉપર પોતાની છાપ મૂકી જનાર ધર્મને મહાન ન કહીએ તો કોને મહાન કહીએ?

માત્ર તલવારના બળથી એ ધર્મ સ્થપાયો અને ફેલાયો એવો એક ભ્રમ પણ પ્રવર્તે છે. હજી માનવજાતે તલવાર છોડી નથી. એટલે ઘણી વાર એ એમ માનવા લલચાય છે કે તલવારથી માનવીને અનેક સિદ્ધિઓ મળી રહે છે. હિંદુ, મુસલમાન, બૌદ્ધ, ખ્રિસ્તી એ સહુએ તલવાર વાપરી છે અને તલવારે કદાચ તાત્કાલિક વિજયની ઇન્દ્રજાળ રચી એમ લાગે ખરું. પ્રજાસ્વાતંત્ર્ય અને પ્રશાસનની સુફિયાણી વાતો કરી જાપાનને માત્ર બે જ અન્યાસ્ત્રથી મહાત કરી મોટાઈ માનતા અમેરિકાના એટમ બોમ્બ એ તલવારનું જ અતિમ સ્વરૂપ જ. તલવાર ખેલનારનો તલવારથી જ વિનાશ સર્જાયેલો છે. એ બાઈબલનું કથન ખ્રિસ્તીઓને લાગુ પડે જ છે. કોઈ પણ ધર્મે તલવારને અંતિમ વિજયદાયિની માની જ નથી; ઈસ્લામે પણ નહિ. 'ઈસ્લામ' શબ્દમાં જ તલવારનો અભાવ છે.

'ઈસ્લ' નો શબ્દાર્થ જ શાન્તિ !

'ઈસ્લામ' નો શબ્દાર્થ જ સૂચવે છે કે, ઈશ્વર આજ્ઞા સમક્ષ– ઈશ્વરેચ્છા પાસે ગરદન ઝુકાવવી !

શાન્તિ અને ઈશ્વરઆજ્ઞાનું પાલન જે ધર્મમાં આદેશરૂપ હોય, જે ધર્મનું નામ પણ એ આદેશ ઉપર રચાયેલું હોય એ ધર્મ માત્ર તલવારધારીઓનો ધર્મ છે, માત્ર આક્રમણ પ્રેરક ધર્મ છે, એમ માનવામાં ભૂલ થાય છે.

માનવજાત સમજી લે કે તલવારે કદી અંતિમવિજય આપ્યો નથી.

સહુ ધર્મીઓ સમજી લે કે ધર્મ વિસ્તાર તલવારથી કદી થયો જ નથી.

મહમદ ગઝની કે મહમદ ધોરીની સવારીઓ કરતાં ઈસ્લામના ઓલિયા અને સંતોના ઉપદેશ ઈસ્લામના પ્રચારમાં વધારે મહત્ત્વના કારણરૂપ છે, એ આપણે સમાજના અભ્યાસ ઉપરથી જોઈ શકીશું. અલાઉદ્દીન કે બાબરના રાજકીય વિજયો કરતાં શેખ સાદી અને હાફેઝના સાહિત્યે ઈસ્લામને વધારે દઢ કર્યો છે. સંત, સાધુઓ, ફિલસૂફો, સાહિત્યકારો અને ફકીરો જેટલો ધર્મપ્રચાર કરી શક્યા છે એટલો પ્રચાર શહેનશાહ, શાહી લશ્કરો કે શાહી વહીવટ કરી શક્યા નથી. તલવાર ભય પમાડે; સ્થાયી અસર કરી શકે નહીં. રાજવહીવટ અમુક પ્રકારનું બળ સંગઠ્ઠિત કરી અમુક ધર્મને પુષ્ટ કરે એ ખરું પરતુ હજી સુધી કોઈ રાજવહીવટ અમુક એક ધર્મને જ સ્વીકારી ધર્મને મજબૂત કરી શક્યો નથી. ઈસ્લામી બાદશાહને સહાય આપનાર અનેક હિન્દુઓ હતા. હિન્દુ રાજાઓની સહાયે અનેક ઈસ્લામીઓ હતા. અંગત કે વહીવટી વફાદારીને અંગે હિન્દુઓ અને ઈસ્લામીઓ સ્વધર્મીઓ સામે પણ ઝુઝયા છે. એટલે રાજ્યકર્તા હિંદુ ધર્મ પાળતો હોય કે ઈસ્લામ. ધર્મ, એની અસર માત્ર તત્કાલીન જ હોઈ શકે. સારી અને સ્થાયી અસર તે હૃદયપલટાથી જ થાય. હૃદયપલટા વગર હિન્દમાં તેમજ બીજે ઈસ્લામનો આ વિસ્તૃત અને કાયમી સ્વીકાર અશકય છે અને હૃદયપલટો કરવાની સાચી તાકાત તો સંત, સાધુ, ઓલિયા, ફકીર કે સાહિત્યકારમાં જ હોઈ શકે. ઈસ્લામમાં અપવાદ ન હોય. ઈસ્લામમાં ઘણાએ પરમ શાન્તિ નિહાળી છે. ઈસ્લામ ઝનૂનપ્રેરક છે. જડ અણસમજવાળા માનસને એ આકર્ષે છે, ઈસ્લામીઓને એ અસહિષ્ણુ બનાવે છે. એવી પણ એક માન્યતા બીનઈસ્લામીઓમાં છૂપી કે જાહેર રીતે પ્રવર્તે છે, ઈસ્લામીઓના સ્વભાવની ઉગ્રતા અને તીખાશ લોકવાતોમાં અને કહેવતમાં પણ ઉતરી ચૂકી છે. એનાં કારણોમાં ઊતરવાની જરૂર નથી. પરંતુ હઝરત મહમદ પયગમ્બર સાહેબનું જીવન એ ઈસ્લામનું આચારકેન્દ્ર હોય તો એ જીવનમાં ઝનૂન નહીં, પરંતુ દયા અને શાન્તિ, જડતા અને અણસમજ નહિ પરન્તુ ઝીણામાં ઝીણી બાબતની કાળજી, સૂક્ષ્મતા ભર્યો વિવેક અને સામાની મુશ્કેલી સમજવાની પૂરી તૈયારી. અને અસહિષ્ણુતા નહીં પરંતુ ખ્રિસ્તી તથા યહૂદીઓ પ્રત્યેની ભવ્ય ઉદારતા અને વિરોધીઓ પ્રત્યેની ક્ષમા જ નજરે પડે છે.

ઈસ્લામનો સાંસ્કૃતિક ઈતિહાસ પણ માનવતાભર્યો, રસમય અને બુદ્ધિપ્રેરક છે. યુરોપના જડ ખ્રિસ્તીઓ ગ્રીસની સંસ્કૃતિ ભૂલ્યા હતા. ગ્રીક ફિલસૂફીને સાચવી રાખનાર અને વર્તમાન યુરોપની બુધિજન્ય પ્રવૃત્તિને વેગ આપનાર ઈસ્લામ સિવાય બીજુ કોઈ ન હતું !

આજની વૈજ્ઞાનિક પ્રગતિ પ્રત્યે સહુ કોઈ આશ્ચર્યની નજરે નિહાળે એ સ્વાભાવિક છે. વિજ્ઞાનને અત્યંત ઉપયોગી નીવડેલું બીજગણિત-અક્ષર ગણિત આજ ઝીણામાં ઝીણા અણુને અને વિરાટમાં વિરાટ બ્રહ્માન્ડને ઓળખવામાં સહાયભૂત બને છે. પશ્ચિમના વિજ્ઞાનને બીજગણિતની ભેટ આપનાર બીજું કોઈ નહિ; પણ ઈસ્લામ ! ઈસ્લામની ધર્મભાષા અરબીની પૂર્ણ છાપસહ એ બીજગણિત સારાયે યુરોપની ભાષામાં એલજીબ્રાને નામે સ્વીકાર પામી ચૂકયું છે.

અરબી તુર્કી, મીસરી સાહિત્ય કેવું છે તેનું પ્રત્યક્ષ જ્ઞાન આપણને ન હોય એ સંભવિત છે. પરંતુ ઈરાનની ફારસી ભાષાને તો હિન્દને બહુ જ પરિચય છે. એ ફારસી ભાષામાં, ફારસી કહાણીઓમાં, ફારસી કાવ્યરચનામાં પ્રગટ થયેલું ઈસ્લામનું સ્વરૂપ બહુ જ કલાપૂર્ણ, અત્યંત નાજુક ભાવથી સમૃદ્ધ શબ્દ – અર્થના અલંકારથી ભરપૂર અને ઊંડામાં ઊંડી માનવ લાગણીઓથી જણ જણી રહેલું છે. ઉર્દુ એ ફારસીનું હિંદી સ્વરૂપ છે.

ઈસ્લામનું આધ્યાત્મ – આત્મશાસ્ત્ર તે સૂફીવાદ હિન્દુઓના વેદાન્તનું જ એક સ્વરૂપ, 'અહં બ્રહ્માસ્મિ' એટલે જ 'અનલહક' !

આમ ગ્રીક ફિલસૂફીને પોતાની બનાવનાર, બીજગણિત યુરોપને બક્ષીસ આપનાર, ફારસીમાં એક જગતમાન્ય સાહિત્ય ઉપજાવનાર અને અધ્યાત્મમાં સૂફીવાદ સ્વરૂપે ચિંતનની ઊંચામાં ઊંચી કક્ષાએ પહોંચનાર ઈસ્લામને જડ, ઝનૂની, બુદ્ધિરહિત, અસહિષ્ણુ ધર્મ કહી શકાય ખરો ? ઈતિહાસ એવા આરેાપની પુષ્ટીમાં કશી સાબિતી આપતો નથી. ઈસ્લામ જડહેાક, ઝનૂની હેાત, ધર્માંન્ધ હોત તો આટઆટલી પ્રજાનો એ સ્વીકાર પામી શકયો ન જ હોત. માનવીના હૈયમાં આસ્થા ઉપજાવે, શ્રદ્ધા પેદા કરે, ઉચ્ચ આચારવિચાર પ્રેરે એ તરફ જ માનવી આકર્ષાય. ઈસ્લામના અજબ આકર્ષણમાં જ એની ઉચ્ચતા રહેલી છે. અને ઈસ્લામીઓ પણ બીનઈસ્લામીઓ સરખા માણસ તો છે જ ને ? માણસનાં વિશાળ જૂથને આદર્શ આપી શકે એ ધર્મસરણી અન્ય ધર્મીઓથી તુચ્છકારી શકાય તો નહિ જ. ઈસ્લામ અને ઈસ્લામીઓ બીનઈરલામીઓના પણ માનને પાત્ર હાઈ શકે.

ઈસ્લામ તો વળી યહૂદી અને ખ્રિસ્તી ધર્મ કથાઓને માન્ય રાખીને આગળ ચાલે છે. જગતની ઉત્પત્તિ, શયતાન અને ફિરસ્તાની ભાવના, સ્વર્ગ – નરકની કલ્પના અને માનવીના અંતિમ ભાવિ – કયામતનાં ખ્યાલ ત્રણે ધર્મોમાં સરખાં છે.

એબ્રાહામ - ઈબ્રાહિમ, મેાઝીઝ - મુસા, ઈસુ - ઈસા એ ઈસ્લામના પણ પયગમ્બર છે.

એ સિવાયના ધર્મોમાં અને પ્રજાઓમાં પયગંબરો પ્રભુએ મેાકલ્યા છે. એમ પણ ઈસ્લામ માને છે. કુરાનના એ કથન અનુસાર અન્ય પ્રજાના મહાત્માઓ ઈસ્લામને માન્ય છે.

ઈસ્લામ આ ઢબે તૈા અન્ય ધર્મોનો કટ્ટી વિરાધી હોય એમ દેખાતું નથી. આચારવિચાર અને સીમા એવી કડક અને અભેદ્ય નથી જ કે જેમાં સંસ્કૃતિનો પ્રવેશ થવા જ પામે નહીં

તેમ ન હોત તો ઈસ્લામ Progressive પ્રગતિશીલ બની શક્યો ન હોત.

ઈસ્લામ શું પ્રગતિશીલ છે ?

ઘણા બીનઈસ્લામીઓ ચકિત બની કદાચ એ પ્રશ્ન પૂછે. સામે બીજો પ્રશ્ન આવીને ઉભા રહે છે.

શું કોઈ પણ ધર્મ – હિન્દુ, બૌદ્ધ, ઈસ્લામ, ખ્રિસ્તી કે યહૂદી પ્રગતિશીલ છે ખરો ?

હરકોઈ ધર્મ પ્રગતિશીલ બની શકે કે કેમ ? બની શકે તો કેટલે અંશે ? એ અંશ પૂરો થયા પછી ધર્મ માનવજાતની પ્રગતિ રોધતો એક પાપપર્વત બની જાય છે કે નહિ ? આવા આવા પ્રશ્નોની પરંપરા સર્વ ધર્મની સીમા આજ ટૂંકી પડતાં ઊભી થઈ છે. એ પ્રશ્નો ઉકેલવા પડશે અને ધર્મને પ્રગતિરોધક જ્યાં દેખાશે, ત્યાં માનવીની કુદરતી માનવતા તે ધર્મને તોડશે કે તેનું રૂપાંતર કરશે એ બહુ જ સાચી વાત છે. પરન્તુ એ ચર્ચા અત્રે જરૂરની નથી. અત્રે તો આપણે ઈસ્લામની પ્રગતિશીલતાનો પ્રશ્ન વિચારીએ છીએ.

જો ખ્રિસ્તી ધર્મ પ્રગતિશીલ હોય તો ઈસ્લામ શા માટે પ્રગતિશીલ ન હોય ?

જો હિન્દુ ધર્મ પ્રગતિશીલ હોય તો ઈસ્લામીઓ ઈસ્લામને શા માટે પ્રગતિશીલ ન ગણાય ?

ઈસ્લામમાં એવું શું છે અને શું નથી કે જે ઈસ્લામને પ્રગતિશીલ બનાવતાં રોકે ? ઈસ્લામ પણ માનવીએ જ સ્વીકારેલો એક ધર્મ છે !

કયો ધર્મ મોટો અને કયો ધર્મ ખોટો એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે, વાહિયાત છે. હાલના સર્વ જીવંત ધર્મોએ માનવજાતને સંસ્કારી બનાવવામાં, માનવજાતને ઉચ્ચત્તર જીવન ગાળવામાં સહાય આપી જ છે. આજનો મહાન પ્રશ્ન ધર્મઝગડો નહીં, પણ ધર્મસમન્વય છે.

છતાં ઈસ્લામની પ્રગતિશીલતા સમજવા માટે એક પ્રશ્ન વિચારી લઈએ.

વ્યાજને ઈસ્લામ સિવાય બીજા કોઈ ધર્મે હરામ ગણ્યું છે ખરું ?

નફાખોરીનાં મૂળ ઉખાડી નાખનારી, વ્યાજને નિષિદ્ધ ગણુનારી માન્યતા સમાજવાદ–સામ્યવાદનો આછો પડઘો શું નથી પાડતી ? ઇસ્લામની એ ભવ્ય પ્રગતિશીલતા. અર્થશાસ્ત્રીએ ભલે એ ન માને !

મદિરાપાનનો જેવો જબરદસ્ત વિરોધ ઈસ્લામે કર્યો છે એવો બીજા કોઇ ધર્મે કર્યાં છે ખરો?

દારુએ માનવ જાતનું ભક્ષણ કરતો વિકરાળ વ્યાધિ વર્ત સ્કૃતિના મૂળમાં વિષ રેડ્યે જ જાય છે. ઈસ્લામે તેરસો વર્ષ થી દારૂની મહાબદીને પરખી છે, વગેાવી છે, રોકી છે. જેટલી સ્પષ્ટતાથી, જેટલા બળથી, જેટલા આગ્રહથી ઇસ્લામે દારૂ નિષેધ કર્યા છે એવો વિરોધ બીજા કોઇપણુ ધર્મે કર્યો નથી એમ બીનઇસ્લામીએએ પણ સ્વીકારવું જ પડે.

અને કુટુંબની મિલક્તમાં વિધવાને, દીકરીને ભાગ આપી ઈસ્લામે સ્રીજાતની તરફ જે રહમ બતાવી છે તેવી રહમ બતાવવા હજી દુનિયાની સંસ્કૃતિ ડગ ભરવાની શરુઆત કરે છે.

ધર્મ એ ટૂંકી પ્રાન્તીયતા, ટૂંકી રાષ્ટ્રીયતા, સાંકડી પ્રજા ભાવનાને વિશાળતા અર્પી સમગ્ર માનવીને એક બનાવવાનેા મહાઆધ્યાત્મિક પ્રયોગ છે. હિન્દુ ધર્મમાં કાળો મદ્રાસી પણ ખરો અને ગોરો કાશ્મીરી પણ ખરો. બૌદ્ધ ધર્મમાં બર્મા પણ ખરો, ચીનો પણ ખરો, અને એના દુશ્મન બનેલો જપાની પણ ખરો. ખ્રિસ્તી ધર્મમાં અમેરિકાનો કરોડપતિ કાર્નેગી પણ ખરો અને હબસી દેશના ખ્રિસ્તી રાજા ઇમેન્યુઅલને છત્રી ઓઢાડતો તેનો ખાસદાર પણ ખરો. ઇસ્લામમાં ગુજરાતી બોલતેા મેમણ કે ખોજો પણ ખરેા અને એની ભાષા સમજી ન શકનાર તુર્ક મીસરી પણ ખરો.

પ્રત્યેક ધર્મે માનવજાતને ધટિત આચારવિચાર અને સંસ્કાર આપવા પ્રયત્ન કર્યો છે; પ્રત્યેક ધર્મે જન્મ અને મરણ જેવા મહાપ્રસંગેાની સમસ્યા ઉકેલવા મથન કર્યુ છે; પ્રત્યેક ધર્મે કુદરત અને એ કુદતને પ્રેરનાર મહાસત્તાને ઓળખવા-ઓળખાવવા મન, બુદ્ધિ, કલ્પના અને અનુભવને સુગમ પડે એવી ઢબે આંગળી ચીધી છે.

એ પણ સાચું કે સમગ્ર માનવજાતે ધર્મ તરીકે એક મહાધર્મનો અંગીકાર હજી કર્યો નથી. જ્યાં જ્યાં અંગીકાર કર્યો છે ત્યાં ત્યાં સ્થાનિક રંગો પણ ભેળવ્યા છે અને તે એવી ઢબે કે એક સ્થળનો એ જ ધર્મ બીજા સ્થળના એ જ ધર્મને ઓળખી શકે નહિં? હબસી ખ્રિસ્તીઓ બાઇબલના કેવા વિચિત્ર અર્થ કરે છે એની અનેક મશ્કરીઓ પ્રચલિત છે; અને હિન્દમાં આવીને ખ્રિસ્તી ધર્મે પણ ખ્રિસ્તી બ્રાહ્મણુ-અબ્રાહ્મણ સર્જ્યાં છે! એક જ ધર્મની મેળ ન મળે એવી વિવિધતા જોતાં એમ તો જરૂર લાગે કે કોઈ પણ ધર્મ હજી જગતવ્યાપી બન્યો નથી. જગદ્ગુરુની ઉપાધિ લગાડનાર ગુરુઓના ધર્મ જગતે સર્વાંગે અને સર્વાંશે સ્વીકાર્યાં નથી. ઐતિહાસિક દૃષ્ટિએ છેલ્લામાં છેલ્લો માનવજાતને મળેલો ધર્મ તે ઈસ્લામ. દોઢ હજાર વર્ષોંના ગાળામાં તે બહુ ફેલાયો. પરંતુ સમગ્ર માનવજાતને તે આવરી શક્યો નથી.

ખ્રિસ્તી ધર્મ હજી પણ એની પ્રજાઓના ઝગમગાટ ઉપર પોતાની શ્રેષ્ઠતાનો દાવો કરી રહ્યો છે. એ પણ સર્વસ્વીકૃત ધર્મ નથી જ.

હિંદુ ધર્મે તેા અટક આગળ અટકી જઈ હિંદના કિનારાને જ પોતાની સીમા બનાવી દીધી છે. એને જગત—વિજયના લેાભ દેખાતો નથી.

બૌદ્ધ ધર્મ પણ પૂર્વ એશિયા પરતી પોતાની મર્યાદા બાંધી લીધી છે.

નવું માનસ ધર્મ-સર્વ ધર્મ-પ્રત્યે શંકાશીલ પણ બનતુ જાય છે, એ શંકાશીલ માનસ પૂછે છે :

કયામત સાચું કે સ્વર્ગ ?

એટલેથી એ માનસ અટકતું નથી. એ આગળ વધીને વળી પૂછે છેઃ

કયામત અને સ્વર્ગ એ બને સાયાં ન હેાય તો ? આપણાથી એ પ્રશ્નને અટકાવી શકાશે નહિ. સ્વર્ગ અને કયામત બન્નેને વિચારવાં પડશે અને એમાંનુ કોઈ પણ પ્રત્યક્ષ પૂરવાર થાય એમ નથી એવું કબૂલ કરવુ પડશે.

સાથે સાથે આપણને ધર્મ વહાલો હોય તો એ બન્નેનો સમન્વય કરી નવજીવનની મૃત્યુ પછીની ગતિ સમજવાના પ્રયત્ન તરીકે સ્વર્ગ અને કયામતને એક બનાવવાં જ પડશે.

માનવજાત હવે ધર્મઝગડો નહિં પણ ધર્મસમન્વય માગે છે; ધર્મશ્રેષ્ઠતા નહિ પણ ધર્મસામ્યતા માગે છે; ધર્મવિરોધ નહિ પણ ધર્મઐકય માગે છે. કોઈ પણ એકલ ધર્મમાનવજાત સમગ્રને આવરી લેતો નથી. એકલ ધર્મ જગતને સાંકડો પડે છે અને પ્રત્યેક ધર્મમાં એટલી ઉદારતા તો છે જ કે અન્ય ધર્મોની સાથે એકતા સાધી શકે–ધર્મીઓમાં એ ઉદારતા ભલે ન હોય!

અને ઈસ્લામની ઉદારતા પણ જાણીતી છે. હિંદનો જ દાખલો જોઈએ. આખો ભક્તિમાર્ગ ઈસ્લામની રાજકીય શ્રેષ્ઠતાના યુગમાં જ ખીલ્યો છે. રામાનુજ, ચૈતન્ય અને વલ્લભાચાર્ય જેવા આચાર્યો પણ હિન્દના ઈસ્લામ યુગનાં જ ફળ છે! એ ઈસ્લામને ઝનૂની, અનુદાર અને ધર્માંધ કહેતાં એ આખો ઇતિહાસ આપણને રોકે છે!

ઇસ્લામનો પ્રચાર હિન્દુઓને ભયભીત બનાવે છે, નહિં? ભયની જરૂર નથી. હવે ધર્મપલટો નહિ પણ ધર્મસમજનો યુગ આવી રહ્યો છે.

સાચામાં સાચો પ્રચાર એ પ્રચારકનું જીવન. પયગમ્બર સાહેબનું જીવન એ સાચામાં સાચો ઈસ્લામી આચાર. આજ કરોડોની સંખ્યા ઇસ્લામ સ્વીકારી રહી છે એનું રહસ્ય એ જીવનમાં રહેલું છે.

ઇસ્લામના અનુયાયીઓ એ મહાન પયગમ્બરના જીવનનું દૃશ્ય આંખો સામે રાખી જીવન જીવશે તો ઇસ્લામની વ્યાપકતા સર્વત્ર વિસ્તરીને રહેશે.