સાહિત્ય અને ચિંતન/અહિંસા: સંસ્કૃતિમાં તેનું સ્થાન

વિકિસ્રોતમાંથી
← ઇસ્લામ સાહિત્ય અને ચિંતન
અહિંસા: સંસ્કૃતિમાં તેનું સ્થાન
રમણલાલ દેસાઈ
શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા →



અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન

જીવનનાં ત્રણે મર્મ સ્થાનોએ હિંસા સ્પર્શ કરી રહી છે. હજી માનવજીવન એ સ્પર્શથી પૂર્ણ રીતે મુક્ત થયું નથી. પરંતુ એટલું તે ખરું કે જયાં હિંસા પોતાના જબરદસ્ત પંજામાં માનવજીવનને જકડી રહી હતી, ત્યાં હાલ તેની પકડ ધણી ઢીલી થઈ ગઈ છે, અને તેમાંથી મનુષ્ય ધારે તે ક્ષણે છૂટો થઈ શકે એમ છે. હિંસા એ મોટે ભાગે હવે આવશ્યકતા મટી ટેવ અગર શોખના મૃદુ રૂપમાં આજ આપણી સમક્ષ ઊભેલી દેખાય છે. આવશ્યકતામાંથી ટેવ, અને ટેવમાંથી શેાખ, એ ક્રમે ક્રમે પાતળાં પડતાં તેનાં સ્વરૂપેા તેના છેવટના વિલયની આગાહી આપે છે.

હિંંસા સ્પર્શી રહી છે એવાં માનવજાતનાં ત્રણ મર્મ સ્થાનો તે કયાં ? – પોષણ, રક્ષણ અને ઉત્પત્તિ. પ્રગતિનાં બાહ્ય સ્વરૂપોની અતિશય ખીલવણીમાં આ ત્રણ મહાતત્વો વિસરાઈ જવાનો સંભવ છે, પરંતુ તેથી તેમનું મહત્ત્વ જરા પણ ધટતું નથી. સર્વ સંસ્કાર અને સર્વ સુધારાના પાયારૂપે આપણે તેમને સ્વીકાર્યા સિવાય ચાલે એમ નથી, અને જીવનમાં વાણા તાણા તરીકે આ તત્વો એવાં વણાઈ ગયેલાં હેાય છે, કે તેમનું મૂળ સ્વરૂપ આપણે વિસારે નાખીએ છીએ.

વળી એ ત્રણે તત્ત્વો પરસ્પરનાં સહાયક બની એકબીજાને એવો આશ્રય આપે છે કે પરિણામે પોષણ એ રક્ષણ બને છે અને રક્ષણ એ ઉત્પત્તિ બની જાય છે. મનુષ્યજીવનની ભાવનાઓ અને શાસન તંત્રોનાં પૃથક્કરણ કરવા બેસીએ તેા આપણે છેવટે પેાષણ, રક્ષણ અને ઉત્પત્તિનાં તત્ત્વો આગળ આવીને અટકીએ છીએ. પશુસૃષ્ટિ અને માનવજાતનું અહીં સામ્ય છે. પરન્તુ એ તત્ત્વોનો ઉપયાગ કરી આગળ વધવાની શક્તિમાં મનુષ્યની કાંઇક એવી વિશિષ્ટતા રહેલી છે, કે તે તેને બીજા પ્રાણીઓથી નિરાળા પાડી દે છે.

પેાષણ, રક્ષણ અને ઉત્પત્તિ એ ત્રણે પરસ્પરથી છૂટાં ન પડી શકે એવાં જીવનનાં આવશ્યક તત્ત્વોને હિંસાથી ક્રમશઃ દૂર કરવામાં મનુષ્ય કેવી રીતે સફળ થયો અને એ સફળતાના પ્રમાણમાં તે અન્ય પશુઓથી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી ઉન્નતિના ઉચ્ચ શિખર ઉપર આજે કેવી રીતે સ્થાપિત થયો, એનો વિયાર કરવો જરૂરનો છે. અન્ય પ્રાણીઓ જ્યારે Perpetuation of species જાતીય આવૃત્તિની ભૂમિકાથી આગળ વધતાં નથી, ત્યારે મનુષ્ય તે ભૂમિકા પ્રાપ્ત કરી એથી આગળ વધી પ્રગતિનો માર્ગ ઝાલ્યો છે. પશુઓની માફક જાતીય સંરક્ષણને માટે આવૃત્તિના માર્ગ વટાવતાં માનવજાત વિવિધ ભૂમિકાઓમાંથી પસાર થઈ છે, અને વિવિધ ભૂમિકાઓએ પહોંચતાં હિંસાનું મહત્ત્વ કેવી રીતે ઘટતું ગયું, તે સમજવા માટે પોષણ, રક્ષણ અને ઉત્પત્તિને છૂટાં પાડવાથી તેમના અને હિંસાના સંબધ વિચારવો સહેલ થઈ પડશે.

પ્રથમ આપણે પોષણ અને હિંસાના સબંધનો વિચાર કરીએ.

મનુષ્યજાતનો મોટો ભાગ હજી માંસાહારી છે, એ ભૂલવાનું નથી. પેાષણના તત્ત્વમાં માંસાહાર એ અલબત હિંસાનો પ્રકાર છે. પરાપૂર્વથી હિંસા દ્વારા પોષણ મેળવવાની આપણી ટેવ હજી ગઈ નથી. પરંતુ મનુષ્યજીવનના પ્રભાતકાળે માંસ સિવાય બીજો આહાર જેને જડી શકતો ન હતો, તે મનુષ્ય આજે માંસ વિના બીજી અનેક વસ્તુ ઓમાંથી પોષણ મેળવી શકે છે.

પ્રાથમિક કાળમાં રક્ષણનું કામ એટલું મુશ્કેલ હતુ કે મનુષ્ય જે મળે તેનું ભક્ષણ કરી લેતેા. તેને ખોરાક વિષે સારાસાર વિચાર કરવાની કુરસદ મળતી નહિ. અન્ય પશુ–પ્રાણીઓ સાથે લડતાં વઢતાં જેને તે મારતો તે જ તેનો ખોરાક બની જતું. પોતાનું સંરક્ષણ થયાના ઉત્સાહમાં તે મરનાર જાનવરને કાચું ખાઈ જતો, અને અખંડ પરિશ્રમ ભરેલી જિંદગી ગાળતાં આવાં પ્રાણીઓને હજમ પણ કરી શકતો.

જીવનની આવી અવ્યવસ્થિત રચનામાં પણ હિંસા ઉપર એક અંકુશ રાખેલો હતો. સ્વજાતિનાં બીજાં મનુષ્યોને મારી ખાઈ જવાનાં દષ્ટાંતો હજી ઓસ્ટ્રેલિયાની ભયંકર ઝાડીઓમાં અગર મધ્ય આફ્રિકાનાં અભેદ્ય જંગલેામાં વસતી રાક્ષસી માનવજાતિમાંથી કદાચ મળી આવે; છતાં ખાસ ખોરાકને માટે મનુષ્ય ભાગ્યે બીજા મનુષ્યની હિંસામાં પ્રવૃત્ત થાય છે. સ્વજાતિ સંરક્ષણના એક અદ્ભુત નિયમ સમગ્ર જીવંત સૃષ્ટિમાં પ્રવર્તે છે. આથી સિહ અને વરૂ જેવી લેાહીતરસી જાતો ટોળાબંધ રહી શકે છે. અલબત્ત, સિંહ સિંહને અને વરૂ વરૂને મારતાં નહિં હોય એમ નથી. પરન્તુ ભક્ષ્ય માટેની હિંંસક વૃત્તિઓમાંથી કુદરત સ્વજાતિને અવશ્ય મુક્ત રાખે છે. મનુષ્ય બીજા મનુષ્યને મારતો હશે તો તે તેનું ભક્ષણ કરવા માટે નહિ. પોષણને અંગે હિંસા ઉપર આ પ્રથમ અંકુશ. આ કુદરતી અહિંસાના બળથી મનુષ્ય ટોળાબંધ રહી શકયો.

ખોરાક માટે જાનવરોના ઉપયોગ કરતાં મનુષ્યને એક બીજી મહત્ત્વની વાત જડી છે. જાનવરનું માંસ જ નહિ, પરંતુ તેનું દૂધ પણ પોષણમાં ઉપયાગી ફાળો આપી શકે છે. જ્યાં સુધી આમ દૂધ આપવાની જાનવરની શક્તિ કાયમ રહી હોય, ત્યાં સુધી પેાષણઅર્થે તેને જીવતું રાખવામાં મનુષ્યનો સ્વાર્થ રહેલો છે. જંગલી વનચરની સ્થિતિમાં જે સત્ય તેને જડયું નહેાતું. તે સત્ય પ્રાપ્ત થતાં તેણે જાનવર પાળવા માંડયાં. અને આમ મનુષ્યજાત Pastoral-Stage ગોપજીવનની ભૂમિકાએ આવી પહેાંચી. ગોપજીવનના પ્રભાવે સંસ્કૃતિમાં મનુષ્ય ધણો આગળ વધ્યો. મિલકતના સંરક્ષણ માટે પ્રયત્નો શરૂ થયા. ટોળાની વ્યવસ્થામાંથી કુટુંબ અને રાજ્ય શાસનની ભાવના ઉદ્ભવી. ધાસચારાનાં મેદાનોની શોધમાં વ્યવસ્થિત રીતે મુસાફરીઓ કરવાની પ્રથા નીકળી અને માનવજાત પોતાનો ઈતિહાસ ઘડવા માટે લાયક થઈ. માનવજાતના ખરો ઈતિહાસ ગોપભૂમિકામાંથી શરૂ થયો.

મનુષ્ય ઉપર સ્વજાતિની હિંસા માટે કુદરતે જ પ્રથમ અંકુશ મૂક્યો હતા; પશુઓની હિંસા ઉપર ખીજો અંકુશ મુકાતાં તે ગોપ સંસ્કૃતિ પામી શક્યો. પશુઓનો નાશ કરવા કરતાં તેને સ્વાર્થ માટે જીવતું રાખવામાં લાભ માનતાં મનુષ્ય જીવન કેટલું ઉન્નત થયું તે આપણે જોઈ શકીએ છીએ. એ ગોપ જીવનના સુંદર સંસ્કારોની અસર હજી આપણે સાચવી રાખી છે; આપણી રમતોમાં, આપણા રિવાજોમાં, આપણી કવિતાઓમાં ગોપજીવનના ભણકારા હજી વાગી રહ્યા છે. વાંસના ટુકડામાંથી મધુર નાદ ઉપજાવી મેાહ પમાડતા ગો।પેશ્વર કૃષ્ણનું બાલજીવન પ્રત્યેક હિંદુને વંદનીય છે.

હિંસાનો આ પ્રમાણે કેટલોક અંશ બાજુએ મૂકી ગોપજીવનની ભૂમિકાને પ્રાપ્ત થયેલો મનુષ્ય અહિંંસાનો બીજો વિજયધ્વજ છે.

સંસ્કૃતિને માર્ગે ચડેલો મનુષ્ય સદા ઉન્નત થતો ચાલ્યેા આવે છે. ગોપજીવનમાંથી આગળ વધતાં, કુદરતનાં તત્ત્વોનો ઉપયોગ વિચારતાં તેને સ્પષ્ટ જણાયું કે જે ભૂમિ પશુએ માટે આહાર ઉત્પન્ન કરે છે, તે ભૂમિ મનુષ્ય માગશે તો તેને આહાર આપવાની ના પાડશે નહિં. ભૂમિની ફળદ્રુપતા તેના ધ્યાનમાં આવી અને ધીમે ધીમે તેને સ્પષ્ટ સમજાયું કે ભૂમિ માત્ર અનિયમિત જંગલેા માટે સર્જાયેલી નથી. તે તો પોતાની પોષક શકિતઓ માનવજાતને ચરણે ધરવા એક માતાના વાત્સલ્યથી તૈયાર થઈ બેઠેલી છે. મનુષ્યે પ્રયત્ન આદર્યો, અને અતિ ઉન્નત કૃષિજીવન પ્રાપ્ત કર્યું.

કૃષિજીવનની ભૂમિકામાં એટલું સ્પષ્ટ સાબિત થયું છે કે પોષણ અર્થે હિંંસા કરવી એ નિરર્થક છે. આવડત અને મહેનતના પ્રમાણમાં મનુષ્ય માત્રનો ખોરાક પૂરો પાડવા જમીન બંધાયેલી છે. માટી અને રેતી પાસે માગતાં મનમાન્યુ પામનાર મનુષ્યે એટલુ સિદ્ધ કરી આપેલું છે કે જાનવરો સિવાય અન્ય ખોરાકનાં અગણિત સાધનો તેની મૂઠીમાં સમાયલાં છે અને એ સાધનો એટલા પૂરતા જથ્થામાં અને એટલાં પૂરતાં પાષક તત્ત્વોવાળાં છે કે તેને પશુ-પક્ષીઓમાં જીવ ધાલવાની બિલકુલ જરૂર રહી નથી. કૃષિજીવને ખોરાક માટે મનુષ્યજાતને અત્યંત સુલભ અહિંસાના માર્ગમાં મૂકી છે અને પોષણના મર્મસ્થાન માટે હિંસાને તદન અનવશ્યક બનાવી દીધી છે.

ખેતી માટે કેટલાક પ્રદેશો નિરુપયોગી છે; પશુઓનો ખેારાક માટે ઉપયેાગ નહિ થાય તો તેમની વસ્તી વધી જઈ મનુષ્યને રહેવા માટે સ્થાન નહિ મળે; વનસ્પતિમાં પણ જીવન છે: આવા આવા કેટલાક પ્રશ્નો અહિંસાની સામે રજૂ કરવામાં આવે છે. કૃષિજીવન વિકસિત કરી વર્તમાન ઔદ્યોગિક જીવનની શરૂઆત કરતી માનવજાત આ પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકે એમ છે.

ખેતી માટે નિરુપયોગી ગણાતી પથરીલી, રેતાળ કે બરફવાળી જમીન ઉપર નિવાસ કરનાર મનુષ્યો માટે કૃષિજીવન શક્ય નથી, અને માંસાહાર તેમને જરૂરનો છે એમ કહેતાં પહેલાં જગતમાં ઉત્પન્ન થતું અનાજનું પ્રમાણ, મનુષ્યને જિંદગી ટકાવી રાખવા માટે જરૂરનું પોષણપ્રમાણ, અને અનાજ લઈ જવા લાવવાની ચાલુ જમાનાની સગવડો એ સર્વનો વિચાર અવશ્ય થવો જોઈએ. મનુષ્યને જીવન ટકાવી રાખવા માટે જરૂરના ખોરાકનું પ્રમાણ એટલુ મર્યાદિત છે કે જગતમાં ઉત્પન્ન થતા અનાજનો વિશાળ જથ્થો તેને પૂરતો થઈ પડે એમ છે. અને જ્યાં પ્રત્યક્ષ ખેતી થઈ શકે એમ નથી એવું માનવામાં આવે છે ત્યાં અન્ય સ્થાનેાએ પાકતુ અનાજ લઈ જવા માટે હાલ એટલાં સાધનો ઉપલબ્ધ છે કે તેમનો યથા ઉપયોગ કરવામાં આવે તો જગતના કોઈપણ ભાગને દુકાળ લાગવાનું પ્રયેાજન નથી. અનાજ એક હાથે (corner) કરી જગતને ભૂખે મારવાના પ્રયત્નમાં ધનાઢ્ય થતા જબરદસ્ત વેપારીઓની લોભવૃત્તિને દાબમાં રાખવા હાલની સરકારો પ્રયત્નશીલ થાય, તે હિંસાની તરફેણમાં રજૂ કરવામાં આવતી આ દલીલ ઊભી રહેવા પામે એમ નથી. વળી જમીન આપે એટલું આપણે લઈ શકીએ છીએ? ભૂમિના વાત્સલ્યની મર્યાદા શું આપણે જોઈ છે ? વિજ્ઞાનવિદો ના પાડે છે. આપણે કલ્પી ન શકીએ એટલો ખારાક આપવા જમીન તૈયાર છે. માત્ર આપણને તે લેતાં હજી પૂરેપૂરુ આવડયું નથી.

જાનવરોનો ભક્ષ કરવામાં નહિ આવે તો તે વધી જશે, એ ડરથી માંસાહાર ચાલુ રાખવાનું જરા પણ કારણ નથી. ખોરાક અર્થે જ કેટલાં પ્રાણીઓ ઉછેરવામાં આવે છે ? ખરું જોતાં જાનવરોની સંખ્યા વધી જાય એવી જગતની સ્થિતિ મનુષ્યે રહેવા દીધી નથી, અને મનુષ્યને હરકત ન કરે એટલું પેાતાનું સંખ્યા પ્રમાણુ સાચવી રાખવા જાનવરો ખાસ કાળજી રાખે છે એ નિ:સંશય વાત છે.

કૃષિજીવન એ અહિંસાનો ત્રીજો અને પોષણના અંગનો આખરનો વિજયધ્વજ છે. સંસ્કૃતિ જેમ જેમ પેાતાની ભૂમિકા બદલતી જાય છે, તેમ તેમ હિંસા કરવાનાં કારણો ઓછાં થતાં જાય છે. જંગલી અવસ્થામાં મનુષ્ય ઉપર સ્વજાતીય અહિંસાનો અંકુશ હતો; માણસનો ખારાક માણસ ન હતો. આથી આગળ વધી ગોપભૂમિકામાં પ્રવેશ કરતાં જાનવરોની કેટલીક જાતો ખોરાકના સ્વરૂપમાંથી મુકત થઈ અને છેવટે આ અહિંસાએ ધીમે ધીમે મનુષ્યજાતને ફૂષિજીવનનાં દ્વાર ખોલી બતાવી આપ્યું, કે ખોરાક માટે કતલખાનાંની હવે બિલકુલ જરૂર રહી નથી.

મનુષ્યજાતના પોષણ માટે કૃષિજીવનમાં આટલી બધી શકયતાઓ હોવા છતાં જગત હજી માંસાહારી મટ્ંયુ નથી એ વાત અત્રે ભૂલવી ન જોઈએ. હિંદુસ્તાનના થોડા ભાગ સિવાય આખી દુનિયામાં હજી માંસાહાર પ્રચલિત છે. પરંતુ આપણે એ પરિણામ આગળ આવી ઊભા છીએ કે જ્યારે માંસાહાર એ જગતનો એક જ અને મુખ્ય આહાર મટી ગયો છે. વનસ્પતિ આહારે તેનું મુખ્ય સ્થાન નષ્ટ કર્યું છે એટલું જ નહિ, પરંતુ આહાર તરીકે સ્વીકાર પામવા માટે માંસને વનસ્પતિની સંપૂર્ણ સહાય લેવી પડે છે; વનસ્પતિ–આહારના સ્વરૂપમાં સંતાવું પડે છે. વનસ્પતિ અને તેજાનાની મદદ વગર માંસથી કોઈની થાળીમાં આવી શકાતું નથી, અને માત્ર ટેવ કે શોખ તરીકે તે અસ્તિત્વ ભાગવે છે. અહિંસાનો આ વિજય નાનો સૂનો નથી.

વનસ્પતિમાં જીવ અને લાગણી હોવા બદલની જગદીશ બોઝની સંભાવના અહિંસાના સિદ્ધાંતને નિર્બળ કરે છે, એમ માનવાનું કારણ નથી. જીવતાં પ્રાણીઓનાં જન્મ, ઉછેર અને મરણની ક્રિયા કરતાં વનસ્પતિનાં જન્મ, મરણ અને ઉછેર-ક્રિયા જુદી રીતે થાય છે; છતાં બોઝની સંભાવના સિદ્ધ થઈ વનસ્પતિમાં પણ જીવંત પ્રાણીઓ સરખી લાગણી હોવાની માન્યતા દઢ થશે, તેા સંસ્કૃતિમાં આગળ વધવા ઇચ્છતા જનસમાજે પોતાના પોષણ માટે અલબત્ત બીજ અહિંસાના માર્ગ ખોળવા જ પડશે. એમાં અહિંસાએ ગભરાવાની જરૂર નથી. આ માર્ગમાં આજ પણ પ્રયોગો નહિ થતા હેાય એમ માનવાનું કારણ નથી. એક એવી મહાદલીલ કરવામાં આવે છે કે માંસાહાર વગર માનવી અશક્ત અને ભીરુ બની જાય એમ છે. અને માંસાહાર અને અહિંસા વચ્ચેનો વિરોધ દેખીતો જ છે. પોષણનાં તત્ત્વો માંસમાં વધારે છે કે વનસ્પતિમાં એ વિષે નિષ્ણાતોમાં મતભેદ છે. વનસ્પતિ વગર માંસ એકલુ. ભાગ્યે જ આહાર તરીકે કામ આવી શકે છે એ જગતભરના પાકશાસ્ત્રનો પુરાવેા તો આપણી પાસે છે જ. ઉપરાંત માંસાહાર વગર અશક્તિ અને ભીરુપણું વધી ગયાના પુરાવા તો મળે એમ છે જ નહિ. હિંદુસ્તાનના ગણ્યાં-ગાંઠયા વર્ગો સિવાય માંસાહાર હિંદમાં તો નિષિદ્ધ ગણ્યાં નથી. રજપૂતો માંસાહારી હતા છતાં મુસ્લિમેાથી હારી ગયા. માંસાહારી મુસ્લિમ શહેનશાહતને હચમચાવી નાખી બ્રાહ્મણ પેશ્વાઓ એ બ્રાહ્મણ પેશ્વાઓ તો માંસાહરી નહિ જ હોય. છતાં તેમણે હિંદનાં ભારેમાં ભારે યુદ્ધ ખેલ્યાં. મુસ્લિમ અને મરાઠા બંને માંસાહારી પ્રજા પાસેથી અંગ્રેજોએ હિંદનુ, રાજય ખૂંચવી લીધું; એટલું જ નહિ, પશ્ચિમની માંસાહારી ડચ,પોર્ટુગીઝ અને ફ્રેન્ચ પ્રજાને હરાવી અંગ્રેજોએ હિંદમાં સ્થાન મેળવ્યું. વિમળશાહ, સજજન, વસ્તુપાળ, તેજપાળ, હેમુ, સમરાશાહ, જાવડશા, ને ઘેલાશા સમા જૈન મંત્રીઓ કે લીલા અને અમરસિંહ સમા નાગર મંત્રીઓએ માંસાહારી દુશ્મનો સામે ખેલેલાં વિજયી યુદ્ધોથી ઇતિહાસ સુપરચિત છે. ઇ. સ. ૧૮૫૭ના બળવા પ્રસંગે અંગ્રેજોને ભારે થઈ પડેલા નાના સાહેબ, તાત્યા ટોપે અને લક્ષ્મીબાઈ, એ ત્રણે બ્રાહ્મણો હતાં. અને બ્રાહ્મણ તરીકે માંસાહાર નહીં જ કરતા હોય એમ આપણે માની લઈશું. માંસાહારી પ્રજાઓના ઇતિહાસ કાંઈ સતત જવલંત કારકિર્દીના દ્યોતક નથી જ. માંસાહારી ચીનાઓને જાપાનીઓ પૂરતી રાડ પડાવે છે. એ જ પ્રમાણે ફ્રાન્સ જેવી પ્રજાને જર્મનીએ ઉથલાવી પાડી એમાં વધારે ઓછા માંસાહારનું કારણુ કોઈએ હજુ આપ્યું નથી. માંસાહાર અને વનસ્પતિના આહાર એ બે વચ્ચે એવી કદી શાસ્ત્રીય તુલના કરવામાં આવી નથી, કે જેથી એક ઉપર બીજો આહાર સરસાઈ ભોગવવા પાત્ર બની જાય. વ્યક્તિગત કે પ્રજાકીય ઇતિહાસમાં ખોરાકના તત્ત્વ ઉપર ભાર મૂકી કોઇએ એવી શોધ કરી નથી કે માંસાહારી પ્રજા એ આહારને જ કારણે વધારે શૂર કે સાહસિક બની હોય માંસાહારની પાછળ રહેલી ભાવનામાં માંસાહાર માનવીને જોરદાર, મૃત્યુને ન ગણકારે એવો અને ભયરહિત બનાવી દે છે એમ પણ કેટલાકની માન્યતા છે. ખોરાકમાં આવતાં પશુપક્ષીને મારવામાં કશી બહાદુરી વિકાસ પામતી હોય એમ લાગતું નથી. સરળતાથી પકડાતાં બંધાતાં પશુ પક્ષીઓને કાપવામાં, પક્ષીઓનાં ઇંડાં ફોડવામાં, બતક મરઘી ચૂંથવામાં કે ઘેટાં બકરાં કે મરેલાં માછલાં ખાવામાં સાહસ કે શૌર્યના પાઠ ખાસ આવડી જતા હોય એમ માનવું એ એ વધારે પડતું લાગે છે. વળી એ જાનવર મારવાનું વીર કાર્ય - માંસાહારીઓ કરતા નથી. ખાટકીઓ,કસાઈઓ તથા બબરચીઓ ધંધા તરીકે બહાદુરીના તલપૂર પણ ભાન વગર, એ કાર્ય કરે છે. અને કદાચ બહાદુરી હોય તો પણ તે મારનારમાં હેાય, માત્ર જમનારમાં એ બહાદુરી ન જ આવે. મારે કોઈ અને બહાદુરી બીજામાં આવે એમ બન્યું કદી જાણ્યું નથી.

માંસાહારમાં જ એવા ગુણ છે કે તેથી માણુસ આપોઆપ બહાદુર બની જાય એમ પણ કાઈની ભ્રમણા હાય છે. ખોરાકના વિવિધ ગુણ હોય છે એમાં શક નહીં. પરંતુ મૃત્યુ પ્રહાર ખમતા પશુના દેહમાં લાગતો ઝટકો તેના આખા દેહમાં ભયનું એક વિષ ફેલાવે છે એમ કહેતા વિરૂદ્ધ પક્ષની વાત પૂરવાર ન થઈ હેાય તો પણ ઉગ્ર અને તામસ માનસ વિકસાવતો માંસાહાર પોતાના કયા ગુણથી શૌય વધારે છે એ પણ સમજમાં આવતું નથી. ઉગ્રતા અને તામસ સ્વભાવ એ બહાદુરીના વિરેાધી અંશો છે. રોગીષ્ટ દેહ, બળિયેલ સ્વભાવ, અને ઈર્ષાભરી વૃત્તિમાંથી એ ઉગ્રતા અને તામસ મન વિકસી રહે છે. જગતને માનવતા તરફ વાળવું હોય તેા એવા માનસને ફેરવી વધારે ઉદાર, કુમળું, સંસ્કારભર્યું અને શાંત બનાવવું પડશે. માંસાહાર તામસ વિકસાવતો હોય તો તેને છોડવો જ જોઈએ. એ આહારમાં કશી જ બહાદુરી નથી, એ તો આપણે સહેજ વિચાર કરતાં સમજી શકીએ એમ છે.

બર્નાર્ડ શે। જેવા બહાદુર સાંસ્કૃતિક બળવાખોર બીજો જડવો મુશ્કેલ છે. એ વનસ્પતિઆહારી હતો. હિટલર કે મુસેાલિનીની યુદ્ધશક્તિ વિષે ભાગ્યે જ બે મત હેાય. એ માંસાહાર કરતા જ નહીં. આખી બ્રિટિશ સલ્તનતની સામે એકલે હાથે ઝૂઝવાની સતત તૈયારી બતાવી રહેલા ગાંધીજીનું શૌર્ય કોઈ પણ મહારથીને શરમાવે એવું છે. એ ગાંધીજી માંસાહારી નથી, એ તે આખું જગત જાણે છે. આમ એટલું તો જોઈ શકાય કે માંસાહાર બહાદુરી માટે આવશ્યક છે એ કથનને ઈતિહાસ, શાસ્ત્ર અને નિત્ય વ્યવહારને જરાય ટેકો નથી.

આમ ખોરાક માટે હિંસાની જરૂર નથી એ એક વાત, અને હિંસામય ખોરાક વગર શૌર્ય ધટતું ચાલે એ માન્યતા ભ્રમણા જ માત્ર છે એ બીજી વાત. પોષણની બાબતમાં હિંસા હવે અનાવશ્યક બની ગઈ છે. આપણી જૂની જંગલી અજ્ઞાન અવસ્થાની ટેવનો એ એ માત્ર એક ભણકારો છે.

પોષણના ક્રમમાં અહિંસાનું કયું સ્થાન છે, તે આપણે જોયું. પ્રગતિનો ઈતિહાસ સ્પષ્ટ સૂચવે છે કે જેમ સંસ્કૃતિમાં આપણે આગળ વધીએ છીએ તેમ હિંસાની જરૂરિયાત ઓછી થતી જાય છે. અત્યારે ખોરાક ઓછો છે એમ નથી. પણ ખોરાક સર્વને મળતો નથી એ બૂમ છે. હિંસાનો માર્ગ તો આપણે વટાવી બાજુ ઉપર મૂક્યો છે.

વસ્તુઓની કિંમત અન્ય વસ્તુઓથી અંકાતી Batter System) જ્યારથી બંધ પડી, અને ચલણી નાણું (Legal Tender) એ જ્યારથી વ્યવહાર અને વ્યાપારના મધ્યબિંદુ તરીકે મનાયું. ત્યારથી ભંડોળવાદ (Capitalism) શરૂ થઈ ચૂક્યો. વર્તમાન જગત કૃષિ ભૂમિકામાંથી ઔદ્યોગિક ભૂમિકા (Industrialism ) ઉપર આવતાં આ ભંડેાળવાદે ક્રૂર સ્વરૂપ ધારણ કર્યુંં. ખોરાક માટે નહિ પરંતુ ખોરાકનાં સાધનો મેળવવા માટે આજ આપણે પ્રયત્નશીલ થવું પડે છે. ખેારાક પૂરતો છે. કામની વહેચણીને અંગે તેને ઉત્પન્ન કરનાર ઉત્પન્ન કર્યે જ જાય છે પરંતુ તે સર્વને મળતો નથી. ગરીબો અંગમહેનતથી ખોરાક ઉત્પન્ન કરે છે, પરંતુ તે ખોરાક તેમને માટે પણ રહી શકતો નથી. ધનવાન વેપારીઓનું ધન એ ખોરાકને લોહચુંબકની માફક આકર્ષી લે છે. ગરીબો ભૂખે મરે છે, અને ધનવાનો વગર જરૂરનો વ્યય કરે છે. પોષણ માટેના આપણા પ્રયત્નોએ આ સદીમાં જુદુ સ્વરૂપ લીધું છે. ખોરાક માટે હવે હિંસાની જરૂર રહી નથી. આપણા ઝઘડા હવે ખોરાકની વહેંચણી વધારે ન્યાયસર થાય એ માટે ચાલે છે. આ પ્રશ્ન હિંસાથી નિરાળો છે.

( ૨ )

પોષણના મહત્ કાર્યમાં અહિંસાનું કયું સ્થાન છે તે આપણે જોયું. હવે રક્ષણની દૃષ્ટિથી આપણે અહિંંસાના ક્રમને નિહાળીએ.

રક્ષણમાં પણ પોષણના સરખો જ ક્રમશઃ હિંસાનો ત્યાગ અને અહિંસાની ઉત્તરોત્તર વધતી જતી સ્થાપના નજરે પડે; છે; એટલું જ નહિ. વિકાસક્રમની જાણે એક ચોખ્ખી શરત, ચોખ્ખો ચીલો અહિંસામાં દેખાઈ આવે છે. માનવજાત જેમ આગળ વધે તેમ હિંસાને છોડે. શાસનતંત્રો અને રાજસત્તાના ઊંડા ઇતિહાસમાં ન ઊતરતાં આપણે એટલું જ સ્વીકારીને ચાલીશું કે વ્યક્તિ અને સમાજની રક્ષણભાવનામાંથી વિવિધ શાસનતંત્રો ઉદ્ભવે છે; માનવીએ સામાજિક જીવન ગાળવું હોય તો નિયમબદ્ધતા સ્વીકારવી જ પડે; શાસન પધ્ધતિ સ્વીકારવી જ પડે; અને નિયમનો ભંગ કરનારને નિયમમાં લાવવો જ પડે; આ ત્રણ તત્ત્વો ઉપર સમાજ અને રાજશાસનની રચના થાય છે-પછી એ રાજશાસનનું સ્વરૂપ ગમે પ્રકારનું હોય. માનવીનું રક્ષણ આ શાસનદ્વારા થાય છે, એવી ભાવના શાસનને બોધે છે અને જીવંત રાખે છે. જે શાસનમાં રક્ષણ વિભાગ પ્રત્યે શ્રદ્ધા ઘટે તે શાસન બદલ્યે જ છૂટકો. શાસનક્રમના વિકાસને આપણે ઉપરછલ્લી દૃષ્ટિથી નિહાળીશું તો તત્કાળ આપણને દેખાશે કે એ વિકાસ હિંસાન ક્રમશ: વજન ઉપર જ આધાર રાખી રહ્યો છે;

શાસ્ત્રીય વિકાસક્રમની એક એવી કલ્પના છે કે મનુષ્ય પ્રથમ એકલો ભટકતો. એકલો ભટકતો પુરુષ અને એકલી ભટકતી સ્ત્રી—બંનેને કુદરતે ભેગા કર્યાં અને કૌટુમ્બિક જીવનની શરૂઆત થઈ, એકાકી જીવનમાંથી કૌટુબિંક જીવનમાં પ્રવેશ પામતા બરોબર માનવીએ પાતાની હિંંસક વૃત્તિ મર્યાદિત કરી, કુટુંબ પૂરતા નિયમો તેણે સ્વીકાર્યા અને તે પ્રમાણમાં માનવી સંસ્કાર પામ્યો. પોતાના રક્ષણ માટે, પોતાના લાભ માટે અને પોતાના સ્વાર્થ માટે હિંસા કરવી જ પડે એ ખ્યાલ તેણે કુટુંબના સ્વીકાર સાથે જ દૂર કર્યો; સ્વરક્ષણ જેટલું જ કુટુંબ રક્ષણ મહત્ત્વનું બની ગયું. પોતાની સ્ત્રી માટે, પોતાનાં બાળક માટે માનવીએ બહુ ઝીણી અને કુમળી લાગણી અનુભવવા માંડી, અને એ લાગણીઓને પ્રભાવે સ્વરક્ષણ સિવાય બીજું કાંઈ ન સમજતો માનવી પત્નીના રક્ષણની, બાળકના રક્ષણની, કુટુંબના રક્ષણની જવાબદારી સ્વખુશીથી ઉઠાવતો થયો. તેનું સ્વત્વ વિસ્તાર પામ્યું અને પોતાના અંગથી–પોતાની જાતથી આગળ વધી આખા કુટુંબ ઉપર છવાયું. હિંસાને કુટુંબમાંથી દેશવટો મળ્યો. રસવૃત્તિ, પ્રેમશૌર્ય અને વાત્સલ્ય અમૂલ્યની લાગણીઓ આપણને આ કુટુંબ ભૂમિકામાંથી પ્રાપ્ત થઈ, હિંસાને માનવીએ પ્રાથમિક જીવનમાં મર્યાદિત કરી એટલે એને કુટુંબ મળ્યું, કુટુંબે વિકસાવેલી લાગણીઓ માનવસંસ્કૃતિનું મોટામાં મોટું ધન છે. આજ કુટુંબને ન ઇચ્છતી—કુટુંબમાં ફેરફાર સૂચવતી વૃત્તિઓ પણ એ કુટુંબ દીધાં ધનને ખોવા માટે જરાય તૈયાર નથી. રસવૃત્તિ, પ્રેમશૌર્ય, Chavalry અને વાત્સલ્ય જીવંત રહેવાં જ જોઈએ. આ વિકાસક્રમ બતાવી આપે છે કે એકલ જીવનમાં સ્વીકારાતી હિંસામાંથી કૌટુંબિક જીવનની મર્યાદામાં જતાં હિંસાની પણ ઘણી મોટી રૂકાવટ થઈ ચૂકી છે.

એ હિંસા ચાલુ રહી હોત, પુરુષ અને સ્ત્રી એક બીજાને દુશ્મન લેખતાં હોત, પરસ્પર હિંસાને પાત્ર ગણતાં હોત અને બાલકોને તેમણે ભાવિ શત્રુ માન્યાં હોત–બાળકોનો સંભવ આવી દુશ્મનભાવનામાં પણ સ્વીકારીએ તો–આજ જનસમાજનું અસ્તિત્વ જ હોત કે કેમ એ શંકાનો વિષય છે.

આ ચીલો આગળ વધતો જાય છે, એટલું જ નહિ, એ વધારે સ્પષ્ટ અને વધારે વિસ્તૃત બનતો જાય છે, કુટુંબના સ્વીકારમાંજ આખા ગોત્રનો સ્વીકાર બીજરૂપે રહેલો છે જ. કુટુંબમાંથી ગોત્રની ભાવના વિકાસ પામી સ્પષ્ટ બને એ અરસામાં હિંસાનું બીજું વર્જન માનવજાતે સાધવું જ પડે. એ કેમ બને તે આપણે જોઈ લઈએ.

[3]

કૌટુંબિક ભાવનાથી આગળ પગલું ભરતાં આપણે ગોત્ર ભાવના ઉપર આવીએ છીએ, ગોત્રનો અર્થ કૌટુબિંક ભાવનાનો વિસ્તાર એટલું જ કહીએ તો ચાલી શકે. ધીમે ધીમે ગોત્રમાં પિતા માતાનાં આખાં કુળ અને તેમની શાખાઓનો સમાવેશ થઈ જાય છે. માનવજાતની સંસ્થાઓનો અભ્યાસ કરતાં આપણે ચોખ્ખો ક્રમ જોઈએ છીએ કે, જેમ જેમ ગોત્રની સ્પષ્ટતા થતી જાય તેમ તેમ હિંસાની સીમા પણ મર્યાદિત થતી જાય, જેમ કુટુંબીને હણાય નહિ તેમ સગોત્રીની હિંંસા પણુ ગુન્હો ગણાવા લાગ્યો. જેમ કુટુંબનો વડીલ કુટુંબ ઉપર નિયંત્રણ રાખતો, તેમ અનેક કુટુંબોના બનેલા એક કુટુંબ સરખા ગોત્રનો વડીલ સગોત્રીઓ ઉપર નિયંત્રણ રાખતો બની ગયો. મર્યાદિત કુટુંબની ભાવનામાં માનવી, સ્ત્રી, પતિ અને બાળક સિવાય સર્વની હિંસા કરવા માટે સ્વતંત્ર હતો. ગોત્રનો વિકાસ થતાં એ સ્વતંત્રતા મર્યાદિત થઈ; પોતાના બાળકના બાળક, તેનાં બાળક, ભાઈનાં કુટુંબ અને તેમના વિસ્તાર વગેરે એક જ વંશની જુદી જુદી શાખાઓ અહિંસાના વર્તુળમાં આવી. કૌટુંબિક લાગણીઓ આમ વિસ્તૃત બનીને આખા ગોત્ર ઉપર પથરાઇ ગઈ અને કુટુંબ–મર્યાદિત અહિંસા ગોત્ર સરખી મોટી મર્યાદા ઉપર ફેલાઈ ગઈ.

અહિંસાના અપવાદ કુટુંબમાં કે ગોત્રમાં નથી કે ન હત્તા એમ વિધાન કરવાની જરૂર નથી. મહત્વનો પ્રશ્ન એ છે કે હિંસાના પ્રસંગો કુટુંબ અને ગોત્ર માટે માત્ર અપવાદ જ નહિ પરંતુ ગુન્હા તરીકે ગણાવા લાગ્યા. હિંસાની પાત્રતા આમ ગોત્રની બહાર જોઈને બેઠી અને સ્વરક્ષણ અર્થે સામાજિક અને રાજકીય વિકાસ સાધતી માનવજાતે અહિંસાનો ગોળ વધારી કુટુંબ, ગોત્ર અને રાષ્ટ્રને તેમાં સમાવી લીધાં. મિલકતની વ્હેંચણી તથા વ્યવસ્થા, પરસ્પર વર્તનના નિયમો ઘડવા લાગ્યા, અંગત તથા સામાજિક જવાબદારીની ભાવનાજાગૃત થઈ અને એ નિયમો તથા ભાવનાના ભંગનો પ્રસંગ વ્યક્તિગત નહિ, પરંતુ સામાજિક પ્રસંગ બની ગયો. માનવી જાતે પોતાનો જ ન્યાયાધીશ બનતો અટકી ગયો. પોતાનો હિંસા અધિકાર તેણે છોડી દીધો. આમ સમાજનો વિકાસ અહિંસાને જ વધારતો જાય છે.

હિંસા ગોત્ર બહાર તો ચાલી ગઈ. ગોત્રમાં સમાતી વ્યક્તિઓએ પોતાને માટે અહિંસા સ્વીકારી લીધી. પરંતુ એક ગોત્ર અને બીજા ગોત્ર વચ્ચેના સ્વાર્થઘર્ષણ પ્રસંગે હિંસા જ પ્રથમ દર્શનીય ઈલાજ તરીકે આગળ થાય છે. જમીન માટે, મિલકત માટે, એક ગોત્ર બીજા ગોત્રની સામે હિંસાનો ઉપયાગ માન્ય રાખે છે. અને અંતેવિવિધ ગોત્રો પરસ્પર લડી, ઝઘડી થાકે છે; લડતાં ટોળામાંથી મિત્ર ટોળાં બનાવે છે, અને યુદ્ધની નિરર્થકતા કે લાભની અલ્પતા સમજતાં એક નિશ્ચિત ભૂમિકા ઉપર આવે છે, જ્યાં તેમને સમજાય છે કે ગોત્ર કે ગોત્રના સ્વાર્થ માટે હિંસા કામની નથી, જરૂરની પણ નથી. આ સત્ય તેમને ધીમે ધીમે સમજાય અંતે મૈત્રી–સંબંધ વધે તેમ જુદાં જુદાં જૂથ એકબીજાની સાથે ભળી જાય છે, અને વિવિધ ગોત્રો ભેગાં થતાં આપણે માનવ–વિકાસની clan અગર tripe જાતિ વિશિષ્ટતાની ભૂમિકાએ પહોંચીએ છીએ. જાતોનું બંધારણ ઘડાતાં અંહિસાનું વર્તુળ નાનકડા ગોત્રોથી આગળ વધે છે, અને ગોત્ર સમૂહના પરિણામ સરખી આખીયે જાતને તે પોતાની મર્યાદામાં સમાવી દે છે. આમ જે અહિંસા કુટુંબમાં મર્યાદિત હતી, જે અહિંસા વિસ્તૃત બની ગોત્રમાં મર્યાદિત થતી હતી, તે હવે આખી જાતને પોતાને આશ્રયે લઈ લે છે. જાતમાં ભાવનાનો પ્રથમ નિયમ જ એ રચાય છે કે સ્વજાતિની હિંસા દુષિત છે એટલું જ નહિ તે ગુન્હો પણ છે. સમગ્ર જાતિનું રક્ષણ એ સર્વની ફરજ ખરી અને તેને માટે અન્ય દુશ્મન જાત સામે સમગ્ર આક્રમણ કરી શકાય. પરંતુ જાતની અંદર કોઈને પણ હણવો એ અક્ષમ્ય અપરાધ તરીકે લેખાય છે. એમાં તો હિંસા વપરાય જ નહીં.

આમ એકલવાયો મનુષ્ય સ્વરક્ષણ અર્થે કુટુંબ રચે છે, એકલવાયું કુટુંબ સ્વરક્ષણ અર્થે ગોત્ર રચે છે, અને એકલપણામાં નિર્બળતા અનુભવતાં ગોત્ર હિંસા છોડી અન્ય ગોત્રોમાં ભળી જઇ એક આખી જાત ઊભી કરે છે, કૌટુંબિક અહિંસા આમ ફેલાતી આખી જાત ઉપર વિસ્તાર પામી. રક્ષણની વ્યાપક ભાવના હિંસા માગે છે કે અહિંંસા એ આટલા માનવ વિકાસ ઉપરથી પણ સહજ સમજાઈ જાય છે; એકલો માનવી પોતાનું રક્ષણ કરી શકે એના કરતાં તે કુટુંબ-વ્યવસ્થિત બને તો વધારે સારી રીતે પોતાનું રક્ષણ કરી શકે છે; પોતાનું જ માત્ર નહિ પરંતુ કુટુંબી ગણાતી સર્વ વ્યક્તિઓનું એક કુટુંબ એકલું રહી પોતાનું રક્ષણ કરી શકે તેના કરતા તે ગોત્રમાં ગોઠવાઈ જઈને પોતાનું વ્યક્તિગત તેમજ અન્ય કુટુંબીઓનું વધારે સારું રક્ષણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે; એક ગોત્ર બીજા ગોત્રની સાથે હિંસા દ્વારા જેટલું રક્ષણ મેળવી શકે તેના કરતાં અહિંંસાનો સ્વીકાર કરી ગોત્રોમાંથી જાત ઉપજાવી વધારે રક્ષણુ સાધી શકે છે. સૂક્ષ્મ દૃષ્ટિએ આ આખો ક્રમ એક જ વસ્તુ સૂચવે છે કે માનવી અહિંસાને જેમ જેમ વિસ્તારતો જાય તેમ તેમ તે વધારે સાચું રક્ષણ મેળવતો જાય છે.

આ અહિંંસાનો વિકાસ ક્રમ માનવજાતની સાચી સમૃદ્ધિમાં શો શો વધારો કરે છે તે પણ આપણે સહજ જોઈ લઈએ. કુટુંબ માણસને રસવૃત્તિ, પ્રેમશૌર્ય, અને વાત્સલ્ય આપે છે. ગોત્ર ભાવના પૂજ્ય ભાવ, વ્યવસ્થા, આજ્ઞાધારકપણું અને સંસ્કાર પરંપરા traditon આપે છે. સાથે સાથે કુટુંબે આપેલા ગુણ પોતે કાયમ રાખે છે, તેટલું જ નહિ પરંતુ તેમને વિસ્તૃત કરે છે. ગોત્રમાંથી જાતમાં સંકળાતાં માનવજાત સ્થિરતાને પામે છે; રાજ્ય, કાયદા, શાસનતંત્ર વગેરે મેળવે છે; કલા અને તત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે; અને એક વ્યવસ્થિત મહાન સમૂહ તરીકે રહેણીકરણીની ઉચ્ચતા અને ભાવના જાગૃત કરી રક્ષણ અર્થે માત્ર બળ નહિ પરંતુ સંસ્કાર અને સભ્યતાનો બહુ જ ઉપયેાગ કરવાની પાત્રતા મેળવી લે છે. એ પાત્રતામાંથી જ માનવ પ્રજાએ વિકાસની મહા ફલંગો ભરેલી છે. જો માનવી એકલો હોત, માત્ર કુટુંબી હોત, ફક્ત ગોત્રમાં જ ગોઠવાઈ રહ્યો હોત તો તે આટલી પ્રગતિ સાધી શક્યો ન હોત.

પછી તો જાતમાંથી વિકાસ પામતો માનવી પ્રજાકક્ષાએ આવી પહોંચે છે. કુટુંબ, ગોત્ર એ બંનેમાં જે એક લોહીની માન્યતા હતી તે માન્યતા આખી નાતમાં ફેલાય છે ત્યારે આપણો વિકાસક્રમ આપણને વીરપૂજા, પૂર્વજપૂજા, પ્રકૃતિપૂજા જેવા એકતાનાં તત્ત્વો, ભાષા અને ભૂમિ તેમજ જાતિ–અભિમાન અર્પે છે. અને આખી જાતને એક કુટુંબ તરીકે ગણવાના પાઠ આપણને શીખવે છે. કુદરતનો સંબંધ, જન્મ, મૃત્યુ, પૂર્વજોનાં સંસ્મરણો એ સઘળું એક વ્યાપક તત્ત્વ જ્ઞાનમાં ગાઠવાઈ જાય છે, અને એક જાતધર્મ પાળી પ્રજાનુ વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે. પ્રજાની કક્ષાએ પહેાંચતાં આપણને પ્રાપ્ત થયેલો ધર્મ આપણી જાતને, આપણી ભૂમિને અને આપણા ભ્રાતૃભાવને ખૂબ વિસ્તૃત સ્વરૂપ આપે છે અને વ્યાપક રક્ષણની ભાવના આખી પ્રજા ઉપર ફરી વળે છે.

એક જ જાતિમાં રહેતા પ્રત્યેક મનુષ્યને ભાલા અને તલવારની અણીથી પોતપોતાનો ન્યાય ચૂકવવવાની છૂટ મળી હોત તો સમાજનું બંધારણ રચાયું જ ન હોત. હિંસકવૃત્તિને દાબી પોતાની જાતમાં ગણાતી પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે માનવીએ બંધુ ભાવના વિકસાવી ન હોત તો વિવિધ જાતિઓના સંગઠનમાંથી પ્રજાભાવના ખીલવવી અશક્ય બનત. યુગ યુગથી હિંસાનો નિષ્ફળ અખતરો કરતો મનુષ્ય જાણે–અજાણે અહિંસાની કિંમત સમજતો જ જાય છે, અહિંસામાં પેાતાના સ્વાર્થને ઓળખતો જાય છે. સ્વાર્થ ખાતર પણ હિંસાની વધારે અને વધારે સાંકડી મર્યાદઓ બાંધી અહિંસાને લંબાવવામાં તે પોતાનું રક્ષણ સચોટ રીતે જોઈ શકે છે. હિંસાને અળગી કરતાં તે અનેક માનસિક સમૃદ્ધિઓ પામતો જાય છે.

આમ વ્યક્તિત્વના મધ્યબિંદુથી ધીમે ધીમે ચારે પાસ ફેલાતી અહિંસાએ પ્રથમ, કુટુંબ, પછી ગોત્ર, તેમાંથી જાત અને તેથી આગળ વધતાં પ્રજાના સમૂહોને પોતાની મર્યાદામાં સ્વરક્ષણના સિદ્ધાંત ઉપર જ લાવી મૂક્યાં છે. અહિંસાનાં વિજય સર્વદા શાંત, સૌમ્ય. અને છતાં ભારે અસરકારક હોય છે. હિંસાના વિજયની માફક તેમાં રુધિરની રતાશ નથી, મૃત્યુનો આર્તનાદ નથી અને નશાબાજ જેવો ઉદ્ધત અસ્થાયી આનંદ નથી. ઢોલ વગડાવીને, ઢંઢેરો પીટાવીને, ધજાઓ ફરકાવીને કે જયનાદો બોલાવીને અહિંસા પોતાનો વિજય જાહેર કરતી નથી. પોતાના વિજય ચિન્હ તરીકે આહિંસા વગર બોલ્યે કુટુંબ સરખી સંસ્થા ખીલવે છે, ક્રાઈસ્ટ કે બુદ્ધ સરખા માનવ દેવો આપણી વચમાં ઉપજાવે છે, રામાયણ સરખાં કાવ્ય કોઈની કલ્પનામાં ઉઘાડે છે, વીણા સરખું વાંજિંત્ર જગત આગળ ધરે છે, ગીતા સરખું ગંભીર તત્ત્વજ્ઞાન કોઈની પાસે ગવરાવે છે અગર ઈલોરા કે અજન્તાની વજ્રછાંટમાંથી અદ્ભુત માનવ મૂર્તિઓ કોતરાવી આપે છે. આ બધાં વિજય ચિન્હો ઊભાં કરીને પણ અહિંસા એમ કહેતી નથી કે તેણે આ સઘળું કર્યું.

આનો અર્થ ભાગ્યે જ કોઈ એમ કરે. કે એક જાત બીજી જાત સાથે અને એક પ્રજા બીજી પ્રજા સાથે હિંસા રહિત ભાવ રાખી રહેલી છે. રાજ્યસત્તા, ધર્મસત્તા, વર્ગસત્તા વગેરેને નામે જગતને શરમાવનારા અનેક ખૂનખાર ઝઘડાઓ થયા છે. રાજ્યધર્મ અને પ્રજાને નામે મનુષ્યોએ પોતાના પાશવ સ્વભાવનું ખૂબ પ્રદર્શન કરાવ્યું છે. છતાં એટલું તો ચોક્કસપણે સમજી લઈએ કે રક્ષણ અર્થે માનવીએ અહિંસાનો આશ્રય લઈ કુટુંબ મેળવ્યું, ગોત્ર મેળવ્યું, જાત મેળવી, અને પ્રજા મેળવી. જેમ કુટુંબનો એક માણસ હિંસાદ્રારા પોતાની ઉન્નતિનો અવકાશ જોઈ શકતો નથી, તેમ એક પ્રશ્નમાં ગોઠવાઈ ગયેલો માનવસમૂહ પણ પરસ્પરની હિંસાદ્વારા પોતાની ઉન્નતિની શક્યતામાં માનતો નથી કટુંબી બનવું હોય તો હિંસા છોડ્યે કુટુંબ રક્ષણ મળે. એજ પ્રમાણે સમગ્ર પ્રજાનું રક્ષણ જોઈતું હોય તો, પ્રજાની વ્યક્તિએ વ્યક્તિ પૂરતી હિંસા અવશ્ય વર્જ્ય કરવી જોઈએ. અંદર અંદર હિંસા કરનાર કુટુંબી કે પ્રજાજન કુટુંબ કે પ્રજાનું રક્ષણુ પામતો નથી. તેને પ્રજાનુ રક્ષણ જોઈતું હોય તો એક જ શરત કે તેણે પોતાના પ્રજા સમૂહ પરત્ત્વેની હિંસા વર્જ્ય કરવી.