સાહિત્ય અને ચિંતન/મિંયાણા

વિકિસ્રોતમાંથી
← રાજકીય પ્રતિનિધાન સાહિત્ય અને ચિંતન
મિંયાણા
રમણલાલ દેસાઈ



માટીનાં માનવી: મિયાણા

ગુજરાત અને કાઠિયાવાડ લોકજાતિઓનું એક સરસ સંગ્રહસ્થાન છે, અભ્યાસીએને… … ખાસ કરીને Anthropologists માનવ વંશના અભ્યાસીએને આજના જીવંત લાકોમાંથી અભ્યાસનાં ઘણાં સારાં સાધનો મળી આવશે. એમાં ઊંચામાં ઊંચી સસ્કારી કોમો પણ છે અને ગુન્હા કરતી સ્થિર કે ભટકતી જાતો પણ વસે છે. ગુન્હાની દૃષ્ટિએ ઓળખાતી કોમમાં મિયાણા કોમ બહુ આગળપડતી છે.

દુનિયામાં સારું અને ખોટું એ બે પ્રવાહ ચાલ્યા જ કરે છે. સમાજે જીવનનાં કેટલાંક ધોરણો નક્કી કર્યા છે. જે ધોરણો પાળીને જીવન ગુજારતો હોય તે સારો કહેવાય અને ધોરણ બહાર જઈને જીવન ગુજારતો હોય તે ખોટો, ખરાબ અને ગુન્હેગાર પણ કહેવાય.

આવી એક ગુન્હેગાર ગણાતી કોમ મિયાણીની. આપણે જેને ગુન્હેગાર ગણીએ તે કોમો ખરેખર ગુન્હામાં ટેવાયલી કોમ હોય છે. અને ઘણાં સમાજવિરોધી કાર્યોમાં તે રોકાયલી રહે છે. એ રીતે આવી કોમો સમાજ ઉપર ભારણરૂપ છે અને તેમને માટે ખાસ કાયદાઓ, ખાસ વહીવટી ગેાઠવણો અને વિશેષ પ્રકારના ઉપચારો કરવા પડે છે, જેમાં મોટા ભાગનો બોજો પેાલીસ ખાતાને માથે આવી પડે છે. કબજે રાખવા અને સુધારવા માટેનાં પગલાંનો અભ્યાસ કરવો પડે છે.

એ અભ્યાસમાં એટલું પણ જણાઈ આવ્યું કે આવી કોમો સમાજ વિરાધી કાર્યો કરે છે ખરી. છતાં તેમની બુદ્ધિ, શક્તિ, યુક્તિ અને તેમના કેટલાક સિદ્ધાંતો ઘણી વાર સમાજનું માન મેળવે એવા પ્રકારનાં હોય છે. એટલે ગુન્હાઈત જાત માત્ર તરછોડવા જેવી, તિરસ્કારવા જેવી કે નાબુદ કરવા જેવી નથી. તેમના સારા ગુણો ચાલુ રહે અને તેમની ગુન્હાઈત વૃત્તિ ઘટતી જાય એવી વ્યવસ્થા રાજ્યે અને સમાજે કરવી જોઈએ. માટે આવી કોમોનો અભ્યાસ બહુ ઉપયોગી થઈ પડે છે.

આપણે મિયાણા કોમનો પરિચય કરીએ

કચ્છના અખાત અને કચ્છનું રણ કાઠિયાવાડ ગુજરાતને કચ્છથી અલગ પાડી દે છે. અખાતને લાગીને જ કચ્છનું નાનું રણ આવેલું છે તે રણનો કેટલોક ભાગ કાઠિયાવાડની ઉત્તરસીમાને ઘેરી રહ્યો છે. એ રણની પાસે કાઠિયાવાડ કિનારે માળિયા નામે એક ગામ આવેલું આજ સુધી તો માળિયા એક દરબારી ગામ હતું. મિયાણા તે માળિયા ગામના ખાસ વતની. મુખ્ય વસ્તી માળિયામાં હોવા છતાં સિંધ અને કચ્છમાં તેમની થોડી થોડી વસ્તી છે ખરી. પાલનપુર, અમદાવાદ સુધી વેરાયેલાં બધાં સ્ત્રી પુરુષો મળી દસેક હજાર મિયાણાની વસ્તી ગણાય. ઈતિહાસકારો કહે છે કે મિયાણા અસલ સિંધના વતની, દરિયાકિનારે વસે અને માછીમારનો ધંધો કરે. દરિયા સાથે સંબંધમાં આવનારી ઘણીખરી પ્રજાની માફક મિયાણા બહુજ મજબૂત જાત. પથરાતા પથરાતા તેઓ કચ્છ ભુજમાં આવ્યા, અને દેશ છોડી પરદેશ આવતાં તેમની તોફાની અને ગુન્હાઈત વૃત્તિ વધતી ચાલી. બસો સવા બસો વર્ષ ઉપરાંતની વાત છે, જ્યારે માળિયાના દરબાર અને તેમના વડીલ શાખાના મોરબીના ઠાકોર વચ્ચે ઝઘડો થયો. માળિયા દરબારે મિયાણાની શક્તિ પીછાણી હતી એટલે મોરબી સામે પોતાને મદદરૂપ થઈ પડે તે માટે કચ્છમાંથી મિયાણાઓને બોલાવી માળિયામાં વસાવ્યા, તેમને જમીનો કાઢી આપી, અને પોતાના હક્કનાં ગામો માળિયા દરબારને મળે અને તે મોરબીથી સ્વતંત્ર થાય એવી રીતે મિયાણાઓએ દરબારને મદદ પણ કરી. પરંતુ મિયાણાને બોલાવવાનું દરબારનું પગલું તેમના વંશજોને ભારે થઈ પડ્યું. કાઠિયાવાડની અશાંત અને તોફાની કોમમાં મિયાણાઓને અગ્રસ્થાન મળ્યું અને ચોરી, લૂંટફાટ અને કાયદા વિરોધી કૃત્યો કરવામાં તેમણે ભારે નામના મેળવી. મિયાણાઓને કાયદામાં રાખવા એ કાર્ય એક મોટી સમસ્યા બની ગયું.

મિયાણો એટલે ઊંચો,ભરાવદાર, સ્નાયુબદ્ધ અને ચપળ માનવી. એને ઘોડે બેસતાં પણ સારું આવડે અને તીર અને બંદુક મારતાં પણ સારું આવડે. એની હિંમતનો પાર નહિ, અને ગુન્હાઈત કાર્યમાં તેનું ચાતુર્ય પણ ઘણું ભારે. આ શક્તિઓ સાથે સરસ સૈનિક થવાને બદલે મિયાણાઓએ ચપળ ચોર, ભયંકર ડાકુ અને ક્રૂર લૂંટારા તરીકે નામના મેળવી. મિયાણાઓ એકથી ત્રીસ વિભાગમાં વહેંચાઈ ગએલા છે અને દરેક વિભાગનો એક એક ઉપરી હોય છે.

મોટે ભાગે મિયાણા ખુલ્લામાં રહેતા અને કુટુંબવાર ઝૂંપડાં બાંધી જીવન ગુજારતા. બાજરીના પુળાની તેમની ઝૂંપડીઓ “વાઢ" તરીકે ઓળખાતી. ટોળાબંધ આ વાઢમાં ભેગા થઈ સંતલસ કરી કોઈ આગેવાનની સરદારી નીચે તઓ પોતાની ચોરી લૂંટની પ્રવૃત્તિ કરતા, અને ચોરેલા માલને દાટવા સંતાડવા માટે બહુ બાહોશી બતાવતા. મિયાણાઓની આ લૂંટફાટ અટકાવવા માટે બહુ ભારે પ્રયત્નો કરવા પડ્યા છે, છતાં વિશ્વાસ રાખી શકાય એવો સુધારો તેમનામાં થયો હોય એવું અનુભવીઓને લાગતું નથી.

મિયાણો જાતે ખૂબ દેખાવડો, મિયાણી સ્ત્રી પુરુષો કરતાં પણ વધારે દેખાવડી, મિયાણા સ્ત્રીની નીતિ હળવી ગણાય. બન્નેમાં ચપળતા ઘણી અને થાક તો તે જાણે જ નહિ, મિયાણા પોતાને મુસલમાન કહેવડાવે છે અને પોતાના મૃત માણસને દાટે છે અને પીરની માનતા માને છે. છતાં તેમની રહેણી કરણી અને આદર્શોમાં રજપૂતોને તેઓ ઘણા મળતા આવે છે. રજપૂતોના ગુણ અને અવગુણો સાથે મળતા તેઓ હિંદુ, તેમના પીરની દરગાહ મુલતાનમાં છે. ચોરી અને લૂંટ ફાટ અંગે મિયાણાઓ ઉપર વધારે જાપ્તો રખાય તો તે જાપ્તાને બ્હાને મુલતાન પણ ભાગી જાય છે.

એક સમય તો એવો હતો કે ઝાલાવાડના ખેડૂતોને ખેતી કરવા જવું હોય તો શસ્ત્રસજજ રહેવું પડતું અને કોઈ ઊંચા વૃક્ષ ઉપર ચોકિયાતને બેસાડી તપાસ રાખવી પડતી કે રખેને મિયાણાના ઘોડા તેમને ઘેરી લે, તેમનાં ઢોર અને હળ ઓજારોને ઊંચકી જાય, અને તેમનાં ઘરબાર લૂંટી જાય. જો ઢોર ઢાંક કે મિલક્ત મિયાણાના હાથમાં આવતી તો તેઓ રણ ઓળંગી સિંધ, કચ્છ કે વાગડમાં આ બધો ચોરીનો માલ જોતજોતામાં વેચી આવતા.

ગાયકવાડના સૈન્યનો એક આરબ સિપાઈ સાંજને વખતે ઘૂંટણીયે પડી નમાજ પડતો હતો. એ રસ્તેથી એક મિયાણો જાય. મિયાણાએ સહજ મશ્કરીમાં પૂછ્યું કે આમ ઘૂંટણીએ પડી ઘડી ઘડી નમન કરતા આરબને આવી બધી બીક કોની લાગે છે ? આરબ પણ સૈનિક હતો, મિયાણાને તેણે ઓળખ્યો, અને જવાબ આપ્યો:

“અલ્લા સિવાય… ઈશ્વર સિવાય મને કોઈનો પણ ભય નથી. તારો–મિયાણાનો પણ નહિ.

મિયાણાએ હસીને સામો જવાબ આપ્યો: ‘એમ ? તમે ઈશ્વરથી ડરો છો ? મારી સાથે માળિયા આવો તેા હું તમને બતાવું કે અમે માળિયામાં ઈશ્વરથી પણ ડરતા નથી.”

સપડાઈ જાય ત્યારે ફાવે તેવાં વયનો તેઓ આપે, પરંતુ એકે વચન કે એકે જામીનગીરી મિયાણાઓ પાળશે કે કેમ તે વિષે અમલદારોને સદા શંકા રહેતી. એક બાજુએ તહેવારોમાં તોફાન નહિ કરીએ, સ્ત્રીઓની મશ્કરી કરીશું નહિ, ચોરી લૂંટ કરવી એ ખોટું છે, એવું ખત ઉપર લખી આપે અને બીજી ક્ષણે ધોરી રસ્તા ઉપર લોકોને લૂંટી ગામડાઓ ઉપર છાપા મારે, ઢોર વાળી જાય, ઘરફોડ ચોરી કરે, સ્ત્રીઓને ઊંચકી જાય અગર બળજબરીથી કોઈ શેઠ- શાહુકાર કે વેપારી પાસે પૈસા પડાવે. કેટલાક અભ્યાસીઓનું તો એમ માનવું છે કે લુંટારા તરીકેનું મિયાણાઓનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે! વેર લેવાની પણ તેમની ભારે ખાસિયત જણાય છે, અને વિરોધીઓનાં નાક કાપી જીવનભરની શરમમાં નાખવાની કલા તો મિયાણાઓની જ કહેવાય. કેદખાનાં ભાંગવાં અને પહેરામાંથી નાસી છુટવું એ કલા પણ તેમણે સારી રીતે સાધ્ય કરી છે. હથિયારો અને દારૂગોળો સારા પ્રમાણમાં તેઓ પોતાની પાસે રાખતા અને સારાં હથિયારો મેળવવામાં ચોરી કે લૂંટ કરતાં તેમને જરીકે સંકોચ થતો નથી. સાઠસાઠ અને સો સો માઇલ પોતાના સ્થાનથી દૂર જઈ ચોરી અને લૂંટ મિયાણાઓએ કર્યાનાં જોઈએ એટલાં દૃષ્ટાંતો છે.

ચાલીસેક વર્ષ ઉપરની એક વાત છે, જ્યારે અમદાવાદ, વડોદરા અને ખંભાતમાં રંજાડ કરી રહેલા મિયાણાઓને પેટલાદ કેદમાં પૂર્યા, જે કેદખાનું તોડી આઠ વર્ષ સુધી તેઓ પકડાયા નહિ, લાકોમાં વ્યાપેલો થરકાટ હજી મને પણ યાદ છે. અમદાવાદ જિલ્લામાં મોટા પાયા ઉપર કોળી અને મિયાણાની એક ટાળી ઊંટ પર ચઢી ભારે લૂંટ કરવા લાગી. આ લૂંટફાટમાં જે યુક્તિ, ચાપલ્ય અને નીડરતા તેમણે વાપરી તે જો કોઈ સારા કામમાં તેમણે વાપરી હોત તો એ ટોળીઓ પૂજાત, પરંતુ પૂજાવાને બદલે એ ટોળી બીજી રીતે નામાંકિત તો બની. મહાપ્રયત્ને આ ટોળીના મિયાણા પકડાયા, તેમની ઉપર કામ ચાલ્યું અને તેમને કેદની સજા થઈ.

હવે આ ટોળીએ એકલા અમદાવાદ જિલ્લામાં જ રંજાડ કરેલી નહિં. તેમની રંજાડને સરહદ સીમાડા હોતાજ નથી, એટલે વડોદરા રાજ્યમાં પણ આ ટોળીએ અનેક ગુન્હા કર્યા હતા. વડોદરા રાજ્યના ગુન્હાની તપાસ માટે મિયાણાઓને વડોદરાના અધિકારીને સોંપ્યા અને અદાલતમાં તેમનું કામ ચાલે તે દરમિયાન પેટલાદ ગામના સારા બંદોબસ્તવાળા કેદખાનામાં તેમને રાખવામાં આવ્યા. યુક્તિ-પ્રયુક્તિ તથા બાહોશીપૂર્વક અને ભયંકર સાહસ ખેડી સંતલસ અનુસાર આ મિયાણાઓએ કેદખાનામાં ભયંકર તોફાન મચાવ્યું. પહેરેગીરોને ગભરાવી, દબડાવી તેમનાં હથિયારો ઝૂંટવી લીધાં અને કેદખાનાના બુરજ ઉપર ચઢી લોકોને પણ બંદુકના બારથી ગભરાટમાં નાખી કેદખાનાની દીવાલો કૂદી સઘળા મિયાણાઓ ભાગી ગયા. આખા ગુજરાતમાં આ બનાવે સનસનાટી ઉપજાવી અને જેમ એક પાસ મિયાણાઓએ ભય ઉપજાવ્યો તેમ બીજી પાસ તેમની બહાદુરી અને તેમના સાહસ માટે તેમણે પ્રજાનાં હૃદયમાં કંઈક માનભર્યું સ્થાન લીધું એમ પણ કહી શકાય.

પેટલાદથી ભાગી આ મિયાણા સિંધ, કચ્છ, કાઠિયાવાડ, અને અમદાવાદ જિલ્લાઓની સરહદોમાં રખડતા રંજાડ કરી રહ્યા. આખું વર્ષ વીતી ગયું છતાં આ મિયાણાઓ પકડાયા નહિં, પોલિસને ભારે તૈયારીઓ કરવી પડી, મિયાણાઓનો સતત પાઠલાગ કર્યો ત્યારે અંતે ઘેરાયેલા મિયાણાઓએ બહુ બહાદુરીભર્યો સામનો કર્યો, મોટા ભાગના ગોળીએ વીંધાઈ મરણ પામ્યા અને માત્ર જૂજજાજ ગુનેગારો હાથ લાગ્યા. આ પ્રસંગ ઉપરથી મિયાણાઓની બહાદુરી, ઉપદ્રવની તાકાત, કાવત્રાં અને વ્યૂહરચનાની આવડત અને અસીમ સાહસનો સૌને ખ્યાલ જરૂર આવશે.

મિયાણા મરી જાય પણ ગુન્હો કબૂલ કરે નહિ; માત્ર તેમની ટોળીના આગેવાનો કોઈ કારણસર ગુનાની કબુલાત કરવા પ્રેરાય, તો જ મિયાણો પોતાની ચારી લૂંટ વિષે સાચી વાત કહે.

ચોરીનો માલ સંતાડવામાં પણ મિયાણો બહુ કુશળ હોય છે, એમનો ચોરેલો માલ લઈ તેને ગાળી વેચવાની વ્યવસ્થા કોઇ વાણિયા, બ્રાહ્મણ કે લુવાણો ખસુસ કરનાર કોઈ મળી આવે છે.

આપણે એમના ગુન્હાને ક્ષણભર પણ પસંદ ન કરીએ. પરંતુ ગુન્હાઓની આસપાસ પ્રદર્શિત થતી તેમની કલા, આવડત, બહાદુરી, અને સાહસો તો જરૂર આપણું ધ્યાન અને માન ખેંચે ખરાં. આવી કોમ જેને મરવા મારવાની બીક નહિ એ સમાજનું ઉપયોગી અંગ બની રહે તો તેમનામાંથી દેશનું રક્ષણ કરનારા કેટકેટલા વીર સૈનિકો મિયાણા કોમમાંથી ઉપજી આવે.

માત્ર પોણોસો વર્ષ ઉપરની એક વાત છે. આપણા બાપ કે દાદાના વખતની એ વાત છે, જે વાત કહેનાર અને સાંભળનાર હજી પણ હયાત હોય એ સંભવિત છે. ઈ. સ. ૧૮૮૦–૯૦ નો દસકો હતો ત્યારે કાઠિયાવાડમાં મોવર સંઘવાણીનું નામ નાના મોટા સૌને મુખે રમતું હતું. માળિયા દરબારનો એ જમાદાર કહેવાય; પરંતુ એનું કામ લૂંટફાટનું.

માળિયા અને મોરબી ભાઈ ભાઈનાં રાજ, છતાં લાંબા વખતની અદાવત ચાલ્યા જ કરે. મોરબી દરબારની સોનાની પાટો અને મશરૂના તાકા ઊંટ ઉપર લદાઈ ચાલ્યા આવતા હતા. મોવર અને એના આઠ સાથીઓએ છાપો માર્યો, અને માલ લૂંટી લીધો. આખો કાઠિયાવાડ પ્રદેશ આ લૂંટથી ચમકી ગયો. માળિયા ઠાકોર ઉપર એજન્સીએ ખૂબ દબાણ કર્યુ. એટલે મોવર જમાદારે પોતાનું નામ જાહેર કરવાની હા પાડી અને એજન્સીની ફોજ તેના કુબાને ઘેરી વળી. રોઝડી ઘોડી ઉપર ચઢી મોવર ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો અને આખી ટુકડીને પડકાર કરી વીજળીની ઝડપે ઘેરામાંથી પસાર થઈ ઘેરામાંથી બહાર નીકળી ગયો. અને ત્યાર પછીનાં આઠ વર્ષે મોવર સંધવાણીએ બહારવટિયા તરીકે વિતાવ્યાં, જેમાં એણે લોકોને ધ્રુજાવ્યા પણ ખરા અને સાથે સાથે કેટલીક નેકીભરી નામના પણ મેળવી. ઇંગ્લંડના સુપ્રસિદ્ધ બહારવટિયા રોબીનહુડની માફક મોવર સંધવાણી પ્રજાની કલ્પનાને પ્રિય થઈ પડે એવો બહારવટિયો થઈ ગયો. એના પરાક્રમની અને નેકની અનેક વાતો હજી સુધી પ્રચલિત છે.

કાઠિયાવાડના એક ગામને પાદરે વાવ હતી. ગામમાં વણિક અને ઉજળા લોકોની વધારે વસ્તી હતી. પ્રભાતમાં એ કોમની સ્ત્રીઓ પાણી ભરવા એક પછી એક આવવા લાગી. મોવર સિંધવાણી ત્યાં આવી ચડ્યો. વાવ પાસે એક નાનું સરખું ભોંયરૂ પણ ત્યાં હતુ. સિંધવાણીએ એક એક બધી પનિહારીઓને ભોંયરામાં પૂરી, અને તેમને અર્ધ મશ્કરીમાં કહ્યું :

“બહેનો, તમને હું બહેનો કહીને બોલાવું છું. તમારો વાંકો વાળ નહિ થાય. આબરૂભેર તમને હું પાછાં મોકલીશ. પણ આ તમારા ભાઈ મોવર સંધવાણીને તમારાં ઘરેણાંની જરૂર છે, દેહ ઉપર જે હોય તે ઘરેણાં કાઢી આપો, અને પછી ઘેર જઈને કહો કે નેકીવાલા મેાવરે કોઈ બહેનને છેડી નથી.

મેાવરનું નામ સાંભળતાં ભય ન પામે એવું કાઠિયાવાડમાં કોઈ ન હતું. પનિહારીઓએ ટપોટપ ઘરેણા કાઢ્યાં, બહારવટિયાએ ઘરેણાંનો ઢગલો ભેગો કરી લીધો અને ઘોડી ઉપર બેસી તે રવાના થઈ ગયો. ધનિકો તરફ બહારવટિયાઓની નજર સદા રહે છે.

માળિયાના કારભારી ગિરધરલાલ કામદારે મોવર સિંધવાણીની વીજીબાઈ નામની એક પત્નીની મશ્કરી કરી. માળિયામાં ત્યારે મોવર વિરુદ્ધ ભારે જપ્તો રખાતો. એ જાપ્તાને વટાવી મોવર ઘણું ખરું રાત્રે પોતાના કુટુંબ ભેગો આવી રહેતો. પરંતુ તે છુપાઈને જ. વીજીબાઈને દિવસો રહ્યા. કારભારીએ વીજીબાઈની મશ્કરી કરી પરપુરુષના સંબંધનું સૂચન કર્યું. વીજબાઈએ આ મશ્કરીની વાત મોવરને કરી. માળિયાની નજદીક કારભારી...ગીરધરલાલ એક દિવસ સીગરામમાં આવતા હતા, ત્યાં મોવરે તેમને ઝાલ્યા અને પોતાની પત્નીની કરેલી મશ્કરીનો જવાબ માગ્યો. કારભારી કરગરી પડ્યો અને ૫૦૦૦ રૂપિયા સિંધવાણીને આપવા માંડ્યા. પણ મોવરે હસીને કહ્યું:

“જુઓને કારભારી, જેમ તમે ઠેકડીના શોખીન છો તેમ મારી બીજલ પણ ઠેકડીની શોખીન છે. એને પણ હસવાનું સાધન જોઈએ ને?”

આટલું કહી મોવરે કારભારીનું નાક કાપી લીધું, અને એ ગુનાની ખબર કારભારી આપે એ પહેલાં ગાઉના ગાઉ મિયાણાની ટોળી નીકળી ગઈ.

મોવરને બહાદુરીની પણ ભારે કિંમત હતી. એક વરની જાન જુવાન બ્રાહ્મણ વળાવિયા સાથે ચાલી જતી હતી. મોવરે તેને અટકાવી. બ્રાહ્મણ જુવાન એ બહારવટિયાની ટોળીની સામે થયો. સંધવાણીએ તેને બંદુક બતાવી. પરંતુ એ બ્રાહ્મણ યુવક ખસ્યો નહિ. સંધરાણીએ બ્રાહ્મણની પીઠ થાબડી કહ્યું : “રંગ છે જુવાન, તું સાચો વળાવિયો છે. તારી જાન ન લુંટાય.” કહી તેણે જાનને જતી કરી.

આ મિયાણા બહારવટિયાની આવી તો કંઈક વાતો છે.

અંતે સાલમન નામના એક ગોરા સાહેબે છ માસમાં સંધવાણીને પકડવાનું પણ લીધું. મુદ્દત થવા આવી. છેવટે તેના ભાઈ પેથાએ આવી સંધવાણીના કુટુંબની દુર્દશાનું વર્ણન આપ્યું અને સાહેબને શરણે થવાનું કહ્યું. એ શરણની પાછળ સાહેબનો એક કોલ હતો કે સંધવાણી હાજર થશે તો તેને જરાપણ સજા નહિ થાય. અને થયું પણ તેમ. મોવર હાજર થયો, દસ દિવસ તેના ઉપર મુકદમો ચાલ્યો અને બહારવટિયાની લાલ આંખ નીહાળી રહેલા કોઈપણ સાક્ષીએ એમ ન કહ્યું કે લૂંટ કરનાર આ મોવર જ હતો.

આટઆટલાં બહારવટાં કરનાર મોવર નિર્દોષ છુટ્યો અને જામનગરના જામ વિભાજીએ તેને જમાદારી પણ આપી. આ આખી કથા જસ્ટીસ બીમન અને કિનકેડ જેવા અંગ્રેજોએ નોંધી છે. એમાં મિયાણા કોમનું તાદૃશ્ય પ્રતિબિંબ પડે છે. આજે તો મિયાણા લૂંટારા અદૃશ્ય થયા છે, છતાં પૂછવાનું મન થાય કે મિયાણો બહારવટિયો વધારે સારો કે કાળા બજાર કરી ધનિક બનતો આજનો વેપારી સારો ?