સાહિત્ય અને ચિંતન/વાઘેર

વિકિસ્રોતમાંથી
← વાઘેર સાહિત્ય અને ચિંતન
રાજકીય પ્રતિનિધાન
રમણલાલ દેસાઈ
મિંયાણા →




માટીનાં માનવી : વાઘેર

ગુન્હેગારની વાત કરતાં આપણે રખે ભૂલીએ કે ગુન્હેગાર પણ સામજિક પેદાશ છે, જેવી બીજી સામાજિક પેદાશ સાધુ સંતની છે. સમાજરૂપી માળામાં સાધુ પણ એક મણકા અને ચોર લૂંટારા પણ એક મણકો, આજનું સમાજશાસ્ત્ર તો મોટે ભાગે માને છે કે ગુન્હેમાર ઉપજાવવાની જવાબદારી આપણી સૌની–એટલે આખા સમાજની છે.

ગુન્હો કરતાં કરતાં માનવી એ ગુન્હામાં માન સમજતો થઈ જાય છે; એટલું જ નહિ પણ પોતાના ગુન્હાઇત કૃત્યને એક કલા તરીકે ખીલવે છે અને પોતાનાં સગાંવહાલાંમાં તેનો ફેલાવો કરી અંતે એ બધાં મળી એક ગુન્હાઇત કોમ તરીકે સ્થાપિત થાય છે. આમ ગુન્હાઈત તરીકે સ્થાપિત થયેલી કોમ વંશપરંપરામાં કેટલાક ગુન્હા અને કેટલોક ગુન્હાઈત સ્વભાવ આપતી જાય છે, એટલે વંશવિસ્તાર વધતાં ગુન્હાઈત વૃત્તિ પણ વધતી જાય છે.

એક બાજુ એવી કોમને ગુન્હા કરતી અટકાવવી અને શાંત, વ્યવસ્થિત સમાજને રંજાડતી બંધ કરવી એ પોલિસનો, કાયદાનો અને કેદખાનાનો એક મોટો વહીવટી પ્રશ્ન બની જાય છે; બીજી બાજુ એ કોમને સામાજિક દૃષ્ટિએ, ન્યાયની દૃષ્ટિએ, આપણે બધાય માટીના માનવીઓ છીએ, અને ગુન્હેગાર ઉપજાવવામાં જવાબદાર છીએ એ, દૃષ્ટિએ તેમને સમાજના ઉપયોગી અંગ તરીકે અપનાવી લેવાનો પ્રશ્ન, રાજવહીવટનો એક મહાન પ્રશ્ન બની જાય છે.

હિંદ જેવા વિશાળ દેશમાં આવી કેટલીયે ગુન્હાઇત કોમો છે, જે ખિસ્સા કાતરવાથી માંડી ઠગાઈ, લૂંટ અને ચાંચીંઆપણા સુધી, અરે ફાંસીખોરપણા સુધી પહોંચી ગયેલી હોય છે. ઝેર આપવામાં પણ કુશળતા ધરાવતી ટોળીઓ હોય છે. ગુન્હો કરવા તરફ તેમનું વલણ હોવા છતાં તેમનામાં કેટલાક એવાં સુંદર, માણસાઈ ભરેલાં લક્ષણો હોય છે કે જે આવી કોમોને આકર્ષક પણ બનાવે છે, અને તેમનામાં રહેલા કેટલાક સદ્‌ગુણો પ્રત્યે આપણું લક્ષ્ય દોરી આપણને કાવ્ય પ્રેરણા પણ આપે છે.

આવી એક વખત ગુન્હો કરવા ટેવાયેલી ગણાતી કોમ તે વાઘેર કોમ. આજ તો વાઘેર કોમ શાંત, ખેતીપ્રિય, મજુરીપ્રિય. આછું-પાતળું ભણતી, લગભગ ઉપદ્રવહીન કોમ બની રહી છે. પરંતુ થોડાંજ વર્ષો પહેલા એ કોમનો રંજાડ ભયપ્રેરક હતો, એ કોમનું વીરત્વ કહાણીઓ અને કાવ્યપ્રેરક હતું અને તેમની પ્રવૃત્તિઓ યુદ્ધ અને કાંતિપ્રેરક હતી, જે પ્રવૃત્તિઓએ ઈતિહાસનાં પણ કેટકેટલો પાનાં ચમકાવ્યાં છે. વાઘેરોના એ ઇતિહાસની ચમક પાંચ હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા શ્રીકૃષ્ણના સમયથી તે કંપની, બ્રિટિશ અને ગાયકવાડ સરકારના સમય સુધી ઝળકતી રહી છે. સૌ કોઈને પેલો દુહો તો યાદ હશે :

“સમય સદા બલવાન હય, નહિ પુરુષ બલવાન;
કાબે અર્જુન લૂંટીયો, યહી ધનુષ :યહી બાણ.

કૃષ્ણના માનવદેહનું અવસાન કાબાના તીરથી થયું હતું, અને કૃષ્ણ જતા સામર્થ્ય ખોઈ બેઠેલા અર્જુનને લૂંટનાર પણ કાબાઓ હતા. ઈતિહાસ–વેત્તાઓ કહે છે, કે આ કાબાનો જ વંશ તે આજના વાઘેરો. વાઘેરોની જન્મભૂમિ ઓખા–દ્વારકાનો પ્રદેશ; જો કે પાસેના પ્રદેશમાં તેઓ આછા વેરાયલા છે. એમની વસ્તી તો ઘણી થોડી છે; ભાગ્યે દોઢ–બે હજાર હશે, પરંતુ એમનાં પરાક્રમો અને વીરત્વભર્યા કાર્યો ઠીક ઠીક વિસ્તૃત છે. નૃવંશવિદ્યાની દૃષ્ટિએ ઘણી જૂની પ્રાચીનતાને સ્પર્શતી આવતી વાઘેર કોમની દંતકથાઓમાં સીરિયાનો પણ સંબધ આવી જાય છે. સીરિયાના કોઇ સક્કર બહેલીમે અને મેમ ધડૂકા નામના સરદારોની ઓખામાં સત્તા સ્થપાયાની દંતકથા છે. પ્રાચીન સીરિયામાં સક્કર બહેલીમ કે મેમ ધડૂકા જેવાં નામો હોય તે બહુ સંભવિંત લાગતું નથી. સક્કર બહેલીમે ગજના શહેર પણ વસાવ્યું એવી એક વાત ચાલે છે. એમાંથી તથ્ય એટલું જ નીકળે વાઘેરોનો સંસર્ગ અને વાઘેરોની અવરજવર ઠેઠ સીરિયા સુધી તો જરૂર હતી. મેાહન–જો–ડેરો અને હરાપ્પાના અવશેષો હિંદની સંસ્કૃતિને સીરિયા સાથે સાંકળે છે. વાઘેરોના સરખી દંતકથાએ એ સાંકળને મજબૂત બનાવે ખરી.

અરબસ્તાનમાં આવેલો મુસ્લિમ ધર્મીઓનો પવિત્ર પાષાણ કાબા પણ આ વાઘેર–કાબાએાના અરબસ્તાન સાથેના સંસર્ગનો સૂચક હોઈ શકે. વાઘેરો ધર્મે હિંદુ છે, દ્વારકાધીશના તે ભક્ત છે, તેમનાં નામ પણ હિંદુ–ક્ષત્રિયોને મળતાં આવે છે, છતાં વાઘેરોમાં એક વર્ગ એવો પણ છે જે આછપાતળો મુસ્લિમ ધર્મ પાળે છે, અને વાઘેરોમાં અને મુસ્લિમોમાં કન્યાવ્યવહારની છૂટ પણ છે.

આમ વાઘેર જેવી પ્રાચીન કોમે ગ્રીસ, સીરિયા, અને અરબસ્તાનના કિનારાઓ જોયા હોય અને તેમની સંસ્કૃતિની આછીપાતળી છાપ તેમણે મેળવી હોય એ સંભવિત છે. મુસ્લિમ ધર્મીઓને કન્યા આપી શકાય અને છતાં હિંદુ રહી શકાય એ સામાજિક સગવડ ઇતિહાસનો એક પડઘો છે.

બાંટવાના એક મુસ્લિમ દરબારના જનાનખાનામાં એક વાઘેર સ્ત્રી હતી. એ વાઘેર રાણીનો દેહ બહુ પ્રચંડ અને તેનું મુખ બહુ તેજસ્વી હતું. મોજશોખ ભોગવી નિર્બળ બની નાજુકીને શોધતા ખોળતા દરબારે કોઈના દેખતાં વાઘેર રાણીની પ્રચંડ દેહકળાની મશ્કરી કરી. વાઘેર રાણીએ પતિદેવને એવી મશ્કરી ન કરવા વિનંતિ કરી, પરંતુ મજબૂત સ્ત્રીના નિર્બળ પતિ અંતે તેના પતિ તો ખરા જ ને ! તેમણે વિનંતિને હસી કાઢી, અને મશ્કરી કરવી ચાલુ રાખી. ભીંતે લટકાવેલી તલવાર વાઘેર રાણીએ ઉપાડી અને મ્યાનમાંથી બહાર ખેંચી ! નાજુક પતિદેવ મશ્કરી બાજુ ઉપર મૂકી જીવ લઈ બહાર ભાગ્યા, અને એ વાઘેર રાણીને પછીથી મનાવવા માટે તેમણે બહુ પ્રયત્નો કર્યા, છતાં જીવનભર એ વાઘેર નારીએ પતિનું મુખ ન જોયું. સ્ત્રીઓને મજબૂત બનવાનો બોધ આપનાર પુરુષોએ આ વાઘેર કથા વિચારવા સરખી છે. સ્ત્રીઓને મજબૂત બનાવવા માગતા પુરુષોએ પણ મજબૂત બનવું પડશે !

શ્રી. રાયચુરા વાઘેર શબ્દની વ્યુત્પત્તિ માટે એક કલ્પના કરે છે : કાઠિયાવાડમાં ઉચ્ચ પ્રદેશની વચમાં આવેલા ખાડાવાળા ભાગને– ખીણને ઘેર નામ આપે છે. ઊંચાણથી ઘેરાયેલો પ્રદેશ તે ઘેર. શ્રી. રાયચુરાએ પોતે જ પ્રસિદ્ધમાં આણેલો બીજો પ્રદેશ તે નાઘેર–એટલે જે પ્રદેશ જાતે જ ઊંચો હોય અને એની આસપાસ એથી વધારે ઊંચાણ ન હોય એ નાઘેર. એવી જ રીતે ઊંચી જમીનના ઘેરા વગરના પ્રદેશને વાઘેર કહેતા હોય અને પ્રદેશના નામ ઉપરથી તેમાં વસતી પ્રજાનું નામ પડ્યું હોય એ બહુ સંભવિત છે, જો કે હજી એ માત્ર કલ્પના જ કહેવાય.

ઓખામંડળમાં મધ્યયુગના રજપૂતોની પણ અવરજવર જાણીતી છે. ચાવડા રજપૂત કનકસેને વસાવેલી નગરીનાં ખંડેરો આજના વસાઈ ગામની આસપાસ જોવા મળે છે. કનકસેનના એક ભાઈ અનંત દેવે દ્વારકામાં ગાદી સ્થાપી, જેને પરમારવંશી હેરોલ રજપૂતોએ પદભ્રષ્ટ કર્યો. મારવાડથી રાઠોડો પણ તેરમા શતકમાં ત્યાં આવ્યા અને તેમણે હેરોલ સરદારનું ખૂન કરાવ્યું. ત્યારથી એ રાઠોડો વાઢેરને નામે એળખાય છે. વાઢી નાખનાર તે વાઢેર. એક હેરોલ રજપૂતની કન્યા આ ખૂનમાંથી બચી ગઈ, તેણે માલાણી વાઘેરને ઘેર આશ્રય લીધો; અને તે વાઘેરની પુત્રી તરીકે ઓળખાઈ. એક ચંદ્રવંશી હમીર આ વાઘેર કન્યા સાથે પ્રેમમાં પડ્યો, અને બન્નેનાં લગ્ન પણ થઈ ગયાં. ઘણા રજપૂતોને આ સંબંધ પસંદ ન પડ્યો. વાઘેર કોમની બહાદુરીના ઘણા પ્રસંગા ખરા; છતાં તેમની ચાંચીયાગીરી અને મચ્છીમારનો ધંધો તેમને સામાજિક કક્ષામાં નીચા જ ઉતારે. વાઘેર પુત્રીના પ્રેમી હમીરે પોતાની જાડેજા અટક તિરસ્કારમાં છોડી દીધી અને પોતાની નવી અટક માણેક રાખી. વાઘેરોમાં આમ એ રજપૂત સંપૂર્ણ ભળી ગયો; ત્યારથી વાઘેરોનો રાજવંશ માણેકને નામે એળખાય છે.

આ વાઘેરોનું, ચાંચિયાપણું પણ અરબી સમુદ્રનું એક ભયંકર ભયસ્થાન હતું. વાઘેરો સરસ વહાણવટી. દ્વારકા અને ઓખામાં ખુલ્લો અને રક્ષાયલો દરિયો પણ ખરો. હિંદની પશ્ચિમ બાજુએ સૌથી આગળ વધેલા દરિયાઈ ભાગ તરીકે આપણે ઓખા મંડળને ઓળખી શકીએ. પરદેશ ઉપર ઓખા મંડળની નજર પહેલી જ પડે. એ ઓખામંડળના વાઘેરો વહાણો લઈ વહાણવટી બની દેશ–પરદેશ ફરતા અને વખત આવ્યે દરિયાઈ લૂંટ–ચાંચિયાપણું પણ કરતા. આખી વાઘેર કોમનો દેખાવ બહુ જ રૂઆબદાર, હષ્ટપુષ્ટ અને ભવ્ય. દોડવામાં એની બરોબરી ભાગ્યે જ કોઈ કરી શકે. સુપ્રસિદ્ધ મૂળુ માણેક, દેવા માણેક અને જોધા માણેકનો ઝવેર સીદીને નામે ઓળખાતો સાથીદાર ભલભલી ઘોડીઓને પણ બાજુએ મૂકે એવી ઝડપી અને લાંબી દોડ ધરાવતો હતો. વાઘેરોની ચાંચિયાગીરીના ઐતિહાસિક પ્રસંગો પણ ઘણા છે,

મહંમદ બેગડાના સમયમાં સમરકંદના એક ધર્મગુરુ મક્કાની યાત્રાએ જતા હતા. તેમને વાઘેરના એક સરદારે લૂંટી લીધા. તે વખતે સાંગણનો પુત્ર ભીમજી વાઘેરોનો સરદાર હતો. મહુંમદ બેગડાએ વાઘેરો ઉપર ચઢાઈ કરી. ગમે તેટલી બહાદુર જાત; પણ અંગત શુરાતન સિવાય બીજું કાંઈ પણ સાધન તેમની પાસે નહિ, એટલે દ્વારકા, બેટ તથા બીજા ટાપુઓમાં આશ્રય લેતો ભીમજી મુસ્લિમોને હાથે પકડાઈ આમદાવાદ ગયો. બેગડાની દંતકથા પ્રમાણે એનો દુશ્મન બે જ રીતે છૂટકારો મેળવે: કાંતો મુસ્લિમ બનીને: કાં તો મૃત્યુને ભેટીને. ભીમજીએ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો નહિ, એટલે મુસ્લીમ ધર્મગુરુના લૂંટલા વહાણ બદલ તેનો વધ કરવામાં આવ્યો અને તેના શરીરના ટુકડા અમદાવાદને દરવાજે લટકાવવામાં આવ્યા. ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહને અકબરે હરાવ્યો ત્યારે એ કમનસીબ સુલતાને ગુજરાત-કાઠિયાવાડ–કચ્છમાં જુદે જુદે સ્થળે આશ્રય લીધો. તેમાંનું એક આશ્રયસ્થળ તે વાઘેરેાનો આરંભડા બેટ. મોગલોનું સૈન્ય અસંખ્ય અને વાઘેરો મુઠ્ઠીભર; છતાં જ્યારે આરંભડાને મોગલ લશ્કરે ઘેરો ઘાલ્યો ત્યારે વાઘેર સવાજીએ મોગલોને નમતું ન આપ્યું, મુઝફ્ફરશાહને કચ્છ બાજુ ભાગી જવાની સગવડ કરી આપી અને તે મોગલો સાથેની લડાઈમાં ખપી ગયો. એવી વાઘેરની ટેક કંઈક ઈતિહાસનાં પાનાં અજવાળી ગઈ છે. સવાજીના દીકરા સાંગણજીને સિંધમાંથી પાછો બોલાવી માણેક સામળાએ ગાદીએ બેસાડી મોગલોના થાણાને ઓખામાંડળમાંથી હાકી કાઢ્યાં, જામનગરમાંથી જામ રાયસિંહના પુત્રોને વસાઈના માણેક વાઘેરે આશ્રય આપ્યો હતો. વાઢેર અને વાઘેર આમ તા જુદા ગણાય; છતાં અરસપરસ એક બીજાને સારી મદદ કરી ઓખાના વીરત્વને ઝળકાવ્યે રાખતા હતા.

આ બધી પ્રાચીન વાતો થઈ. આપણે ઓગણીસમી સદીમાં આવીએ. ઓગણીસમી સદીની શરૂઆત એટલે અંગ્રેજોની ચઢતી અને હિંદી રાજસત્તાની પડતી. એ વારાફેરામાં અંધાધુધી ચારે બાજુએ ખરી. ઠગ પિંંઢારાનો એ યુગ. કાઠી અને જત ધાડાંનો એ યુગ. બહારવટીઆઓ અને ડાકુઓનો એ યુગ. એ યુગમાં વાઘેરોની ચાંચીયાગીરી પણ ખૂબ ખીલી નીકળી હતી. દ્વારકા પાસે પસાર થતું અંગ્રેજ બહાદુરોનુ એક વહાણ વાઘેરોએ જોયું, તેને ભરદરિયે ઘેર્યું અને લૂંટ્યું. ઉતારૂઓને હેરાન કર્યાં એમ પણ નોંધ થઈ છે, વિજયનાં બારણાં ખખડાવતી અંગ્રેજ પ્રજાને લૂંટાવામાં હેરાનગતિ તો જરૂર લાગે ! ઊતારૂઓમાં એક બાનુ પણ હતાં. લૂંટની ખબર પડતાં મુંબઈથી એક લશ્કરી વહાણ વાઘેરોને ઠેકાણે લાવવા મોકલવામાં આવ્યું; પરંતુ વાઘેરેાના કરતાં યે વધારે તોફાની ઓખાનો દરિયો નિવડ્યો, એટલે લશ્કરી વહાણે ડૂબવા કરતાં મુંબઈ પાછા જવું વધારે પસંદ કર્યું.

૧૮૫૭નો બળવો પૂરો થયો અને તેના સમાચાર દ્વારકા વાઘેરોને મળે એ સ્વાભાવિક હતું. અંગ્રેજ અને ગાયકવાડ સરકારના અમલદારોએ તોફાની વાઘેરો ઉપર દંડ નાખ્યા હતા. એની વસુલાત પદ્ધતિથી વાઘેરો ઘણા કંટાળતા. અંતે વાઘેર સરદારોએ ભેગા થઈ બંડ ઊઠાવ્યું અને ઓખામંડળના અમલદારને છુપા વેશે ભાગી જવું પડ્યુ. બંડ ઊઠે એટલે સાર્વભૌમ સત્તા સાંખી ન રહે. રાજકોટ, વડોદરા અને મુંબઈથી દરિઆઈ તેમજ જમીન ઉપરનાં લશ્કરો વાઘેરો ઉપર ચઢી આપ્યાં. કર્નલડૉનોવૉન અને કર્નલ લસ્કોબી જેવા યોદ્ધાઓએ નિષ્ણાત લશ્કરો સાથે તોપને મારો ઓખા ઉપર ચલાવ્યો. સ્થમ ઘેરો બેટને ઘાલ્યો. વાઘેરોએ પણ જબરજસ્ત સામનો કર્યો, અને કૈંક નામીયા અંગ્રેજ લડવૈયાઓ બેટની ભૂમિ ઉપર મરણને શરણ થયા. બહારના સૈન્ય સામે લાંબો વખત ટકી શકાય એમ ન હોવાથી વાઘેરો બેટમાંથી ભાગી સામે કિનારે પહોંચ્યા. અંગ્રેજોએ બેટ ઉપર તોપમારો ચલાવ્યો અને ત્યાંનાં મંદિરોને ઘણું નુકસાન પહોંચાડ્યું. વાઘેરો દ્વારકામાં ભરાયા, એટલે અંગ્રેજ સૈન્યે દ્વારકાને ઘેરો ઘાલ્યો, અને તેમણે દ્વારકા જીતી લીધું. દ્વારકાધીશના મંદિરને પણ અંગ્રેજોની તોપથી ઈજા પહોંચી. એ ઘેરામાંથી ભાગી ગયેલા વાઘેરવીર જોધા માણેક, મૂળુ માણેક અને દેવા માણેક લોકકલ્પન્નામાં નવલકથાનાં પાત્ર બની ચૂક્યા છે. દ્વારકાથી ભાગી તેઓ બરડાના ડુંગરમાં ભરાયા અને તે ડુંગરમાંથી વખતોવખત નીકળી આવી આઠેક વર્ષ સુધી આખા કાઠિયાવાડને તેમણે ત્રાહી પોકરાવી. એમના નામની હાક વાગતી. રોતાં બાળકો તેના નામે છાનાં રહી જતાં અને તેમનું નામ સાંભળતાં ભલભલા શૂરવીરોના રાજા ગગડી જતા. જામનગર, જૂનાગઢ, અમરેલી, કેાડીનાર એ સર્વ સ્થળો જોધા અને મૂળુના ભયથી થરથર કાંપતાં રહેતાં હતાં. બાહેાશ અંગ્રેજ અને દેશી સરદારોએ આ બન્ને માણેકને પકડવા બહુ બહુ યાજનાઓ ઘડી, અને જંગલો તથા પર્વતો ખૂંદ્યા; પણ એ ભાઈઓ હાથ ન લાગ્યા. જોધો માણેક ગિરનારમાં મૃત્યુ પામ્યો અને મૂળુ માણેક હાલારમાં મૃત્યુ પામ્યો. મૂળુ અને દેવાની મરણકથા કાવ્યપ્રેરક છે.

અંતે આઠ વર્ષે એક સ્થળે દેશીસીબંદી લઈ ફરતા અંગ્રેજો અને મૂળુ માણેક તથા દેવા માણેકનો સામનો થયો. એક બાજુ અંગ્રેજ સેનાપતિઓના હાથ નીચેની ટુકડી અને સામી બાજુ આ બે વાઘેરો. સામસમા ગોળીબાર લાંબો વખત ચાલ્યા. બન્ને વાઘેરોના શરીર ગોળીઓથી વીંધાઈ ચાળણી બની ગયાં. બન્નેનાં આંતરડા પેટની બહાર આવ્યાં, છતાં એ આંતરડાંને પેટમાં પાછાં નાખી, વડની વડવાઈઓ પેઠે બાંધી. પડખામાં હથિયાર રાખી બન્ને વાઘેરવીરો મરવા માટે સૂતા. વાઘેરની ગોળી આવતી બંધ થઈ એટલે ધીમે ધીમે ઝાડ ઉપર ચડી નજર કરતાં અંગ્રેજ સાહેબોએ જોયું કે મૂળુ અને દેવાનાં શબ એક વડ નીચે પડ્યાં છે. પરંતુ શબ પાસે ઝડપથી જવાની કોઈની હિંમત યાલી નહી. ધીમે... બહુ ધીમે ઘોડા ઉપરથી ચોગરદમ ફરી, ડગલું ડગલું આગળ વધી શબથી પણ ડરતા બે નિષ્ણાત સાહેબો, હેબટ અને લાટુસ, વાઘેરોના શબ પાસે આવવાની હિંમત વધારતા ચાલ્યા, શબથી ૧૦ ફીટ દૂર આવ્યા, ૮ ફીટ દૂર આવ્યા પ ફીટ દૂર આવ્યા અને અંતે છેક પાસે આવી લાગ્યા. મૃત વાઘેરોના શબમાં આછો પણ જીવ રહ્યો છે કે નહિ તેની ખાત્રી કરવા બન્ને સાહેબોએ એ વાઘેરોના દેહમાં ભાલા ખોસ્યા, છતાં એકે શરીરનું રૂવાડું સરખું હાલ્યુ નહિ. બન્ને ગોરાઓને હવે ભય ન રહ્યો. બન્ને શબની પાસે બન્ને ગોરાએ આવી લાગ્યા, અને ચમત્કાર થયો ! બન્ને વાઘેર વીરોનાં ભાલાવાળાં મુર્દા બેઠાં થઈ ગયાં ! મૂળુ માણેકે પાસે રાખેલી તલવાર ખેંચી, આખા જીવનનું જોર લાવી એવા પ્રબળ ઘા હેબર્ટ ઉપર કર્યા કે એ ગોરા દેહના બે ટુકડા થઈ ગયા. એ જ ક્ષણે દેવા માણેક પાસે પડેલી બંદુકનો ઘેાડો દખાયો, સણસણતી ગોળી લાટુસના દેહમાં પેસી ગઈ અને આમ એ બન્ને અંગ્રેજોને મારી મુળુ અને દેવામાણેકે છેલ્લો શ્વાસ લીધો. આ વાઘેર વીરો મરતાં એક દૂહો કાંઠિયાવાડમાં પ્રચલિત થયો:

નારી નત રંડાય, નરને રંડાપો હોય નહિ;
પણ ઓખો રંડાણો આજ, મરતાં માણેક મૂળવો.

હવેતો વાઘેરો ભણે છે, ગણે છે, મજૂરી કરે છે, ધંધો કરે છે અને શાંતિપ્રિય સમાજઘટક તરીકે સામાન્યતામાં આવી ગયા છે. પરંતુ આ માટીના રહેલાં અથાગ સાહસ, અપૂર્વ શૌર્ય, અસીમ ઉદારતા, આદર્શ માટે જાન આપવાની તૈયારી અને મોતને પણ ઠોકર મારતી નિર્ભયતા આપણને ચક્તિ કરે છે. સમાજમાં આવા ગુણો જરૂર ખીલવા જોઈએ. અને તેમાંયે આઝાદ હિંંદમાં તો વાઘેરના સદ્‌ગુણોને જરૂર આમંત્રણ મળતાં જોઈએ. એ વગર હિંદની આઝાદી ફિક્કી બની જશે. અસીમ સાહસમાંથી જન્મતી ચાંચિયાગીરી કે લૂટફાટની વૃત્તિ સમાજમાં ન જોઈએ; સમાજના કોઈ ઘટકમાં ન જોઈએ, છતાં વાઘેરોનો વિચાર આવે છે ત્યારે પૂછવાનું જરૂર મન થાય છે કે ઓગણીસમી સદીના વાઘેરો સારા કે વીસમીસદીના કાળા બજારીઓ સારા ? વાઘેરોની લૂંટફાટને નીતિની કોઈક પણ મર્યાદા હતી. કાળાં બજારમાં કઈ નીતિમર્યાદા છે એ હજી શોધનો વિષય છે. માટીના માનવીમાં માણેક ઉપજાવવાની શક્તિ છે, એમ વાઘેરોના જોધા માણેક, દેવા માણેકના જીવન ઉપરથી આપણે જોઈ શકીશું.