સાહિત્ય અને ચિંતન/શિક્ષકોનું માંગલ્ય

વિકિસ્રોતમાંથી
← વલ્લભ સંપ્રદાયની અસર : સાહિત્ય અને જીવન ઉપર સાહિત્ય અને ચિંતન
શિક્ષકોનું માંગલ્ય
રમણલાલ દેસાઈ
વાતચીતની કલા →




શિક્ષકોનું માંગલ્ય

મુંબઈ ઇલાકાના પ્રાથમિક શિક્ષક સંઘના છઠ્ઠા અધિવેશનનું મંગધ પ્રવચન કરતાં મને આનંદ થાય છે. મંગલ પ્રવચનમાં સહુનું માંગલ્ય જ ઇચ્છવાનું હોય. આખી માનવજાત અત્યારે વિવિધ વર્તુલોમાં ઘૂમરીઓ ખાઇ રહી છે. માનસિક સંતાપોની પરાકાષ્ઠા અનુભવી રહી છે, અને સુખસાધનો વધ્યાં છે એમ કહેવા છતાં શરીરને ઘસી નાખતાં અનેકાનેક ઘર્ષણોમાંથી તે પસાર થઈ રહી છે. પ્રાંતિક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને અખિલ ભૂમંડલમાં વ્યાપી રહેલી અશાંતિ કાંઇક નવીન શાંતિરચના તરફ આખી માનવજાતને અને આપણા દેશને ખેંચી રહી છે, એવી શ્રદ્ધાની આછી લકીર અનુભવતાં હું સહુનું માંગલ્ય, સહુનું કલ્યાણ, સહુનું સુખ અને સહુની શાંતિ ઇચ્છુ છું, અને એ ઈચ્છા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હું વ્યક્ત કરૂં છું.

મોટે ભાગે મુલકી વહીવટ સાથે મારો આખો સેવાકાળ વ્યતીત થયો છે, છતાં શિક્ષણસંસ્થાઓનો પરિચય હું મેળવતો રહ્યો છું. શિક્ષકોની સાથે મેં મૈત્રી બાંધી છે. અને તેમાંય ખાસ કરી પ્રાથમિક શિક્ષણ આપતા શિક્ષકો સાથે હું બહુ નિકટના સંબંધમાં આવ્યો છું. મને માત્ર વડોદરા રાજ્યનો જ પરિચય છે, છતાં મને મળેલો અનુભવ સર્વનો અનુભવ હશે જ કે પ્રાથમિક કેળવણી આપતો શિક્ષક એક બહુ માનવંત, સંસ્કારપ્રેરક વર્ગ છે. આખી ગુજરાતી પ્રાચીન કાવ્યમાલાની ટીકા અને વિદ્વત્તાભરી પ્રસ્તાવનાઓ લખનાર છોટાલાલ નરભેરામ ભટ્ટ, કાવ્ય અને સંશોધનમાં રત રહેલા શ્રી. જગજીવનદાસ દયાળજી મોદી, ગ્રંથ–પ્રકાશનમાં ભાત પાડનાર શ્રી. જીવણલાલ અમરશી મહેતા, વર્તમાન કાવ્યસાહિત્યમાં અનોખ઼ું સ્થાન મેળવનાર બોટાદકર, કવિ બનતાં અટકી ગએલા દેવચંદ રામજી, તેમ જ માન્ય કવિ બની ચૂકેલા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ સરખાં માનવંત નામ મને પ્રાથમિક શિક્ષકોનાં યાદ આવે છે, જેમને અત્યંત નવા યુગે પણ સલામ ભરવી પડશે અને આવા સંસ્કારકેન્દ્રો સરખા અનેક પ્રાથમિક શિક્ષણ આપતા શિક્ષકો ગામડે ગામડે અને શહેરમાં વેરાયલા હશે, જેમની અસર બ્યુગલ, શંખનાદ કે તાળીઓના ગડગડાટ વગર જ અત્યંત સૌમ્ય ઢબે, છતાં અત્યંત સફળતાપૂર્વક ગુજરાતને, મુંબઈ ઇલાકાને ઘડી રહી હોવી જોઈએ

પ્રાથમિક શિક્ષણની કેળવણીના શિક્ષકોની અસર જરાય પણ અવગણી શકાય એમ નથી.

ચારે પાસ યુનિવર્સિટીઓનાં ખોખાં ઊભાં થઈ જાય છે, અને હિંદને ન શોભે એવા ભારે પગારદાર પ્રોફેસરો અને વહીવટી અમલદારોની યોજનાઓની ખેંચાખેંચી અને સરસ્વતીને ન શોભે એવાં ખટપટવર્તુલો ચક્રાવા લીધે જાય છે. માધ્યમિક શિક્ષણ માટે પશુ યોજનાઓ, કમિટીઓ, કમિશનો, બોર્ડ અને શિક્ષણના પ્રકારની ચૂંથાચૂંથ થઈ રહી છે. કેળવણી સમગ્ર આવશ્યક છે, પવિત્ર છે, માણુસની માણસાઈને ઓપ આપે છે. ઉચ્ચ કેળવણી અને માધ્યમિક કેળવણી, ધંધાદારી શિક્ષણ કે વિજ્ઞાનશિક્ષણ જરૂરી છે, આવકારદાયક છે, ઉપયોગી છે. સાથે સાથે ઉચ્ચ કેળવણીની અતિ પ્રતિષ્ઠા કરતી વખતે રખે ભૂલીએ કે પ્રાથમિક કેળવણી ઉચ્ચ કેળવણીનો પાયો હોવાથી ઉચ્ચ કેળવણી કરતાં પણ વધારે ધ્યાન આપવા યોગ્ય છે; માધ્યમિક કેળવણી જરૂરી છે એ વાત બહુ સાચી. પણ સાથે સાથે ક્ષણભર પણ આપણે ન ભૂલીએ કે માધ્યમિક અને ઉચ્ચ અને કેળવણીની મજબૂતી તો પ્રાથમિક કેળવણી ઉપર જ રહેવાની છે. પાયો ડગમગતો હશે તો તે આખી મ્હેલાત ડગમગતી જ રહેવાની છે; કદાચ ડગમગતા પાયા ઉપર મ્હેલાત રચી શકાશે જ નહિ. મને ડર છે કે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજકર્તાઓનું, નેતાઓનું અને કેળવણીકારોનું જેટલું ધ્યાન ખેંચે છે તેના સોમા અંશનું ધ્યાન પ્રાથમિક કેળવણી ખેંચતી હોય તેમ લાગતું નથી. શિક્ષણ તરફ દુર્લક્ષ કરવું, પ્રાથમિક શિક્ષકો તરફ ઘૃણા સેવવી એના સરખું રાષ્ટ્રીય પાપ એકે નથી. પ્રાથમિક કેળવણીની સાચી કદર થશે, પ્રાથમિક કેળવણીની સાચી કિંમત અંકાશે ત્યારે જ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના કંઈક કોયડાઓ આપોઆપ ઊકલી જશે, અને આપણુા આખા રાજકીય કે સામાજિક જીવનને કલંકિત કરી રહેલી અનેક સમસ્યાઓનો આપોઆપ નિવેડો આવી જશે.

પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રત્યે સમાજની કેવી ઘૃણાભરેલી દૃષ્ટિ છે તેનો મને જાત–અનુભવ છે. રાષ્ટ્રના બાલનાગરિકોનું ભાવિ જેમના હાથમાં સોંપીએ છીએ એ શિક્ષકોનો પગાર પટાવાળા કરતાં પણ ઓછો હોય; આજની દ્રવ્યલક્ષી જનતા શિક્ષકની કિંમત એના શિક્ષણથી નહિ પણ એના પગારથી જ આંકે અને પગાર તો પટાવાળા કે પાણી ભરનારની જ કક્ષાએ આવતો હોય, એટલે ફોજદાર, મામલતદાર કે શાળાધિકારીના રસોઈયા તરીકે શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવે એમાં આશ્ચર્ય શું?

ગામના સત્તાધારી પટેલ, તલાટી કે જમાદાર આગળ પ્રાથમિક શિક્ષકે નીચી કક્ષાએ બેસવાનું. બાળકોની શિસ્ત ઉપર રહેલી તેમની આછી પાતળી સત્તા પણ હવે ઝૂંટવી લેવાય છે. શિક્ષકના આત્મગૌરવનું આછું પણ રક્ષણ થાય એવી એની પાસે સત્તા નથી.

ઉપરીઓની ધમકી તો સતત ચાલુ જ હોય. ગામના નેતાઓ આવી પાછા તેમની ખબર લઈ નાખે. શિષ્યોની પરીક્ષા તો બાર મહિને લેવાય, પરંતુ શિક્ષકની પરીક્ષા તો જે આવે તે લે; પછી તે કેળવણી ખાતાનો અમલદાર હોય કે મુલકી ખાતાનો અમલદાર હોય. શિક્ષકો વહેલા આવ્યા કે મોડા આવ્યા, શિક્ષકા ટટ્ટાર બેઠા કે મેજ ઉપર હાથ ટેકવીને બેઠા, શિક્ષકો નકશાનો ઉપયોગ પૂરો કરે છે કે કેમ, કાળા પાટિયાને ધોળું બનાવી શકે છે કે નહિ, તેમણે પોતાની પાઠનોંધ કે પ્રયોગનોંધ રાખી છે કે કેમ વગેરે વગેરે અનેક ગૂંચવણભરેલા એવા એવા પ્રશ્નો દ્વારા શિક્ષકની પરીક્ષા લેવામાં આવે છે કે જેવી પરીક્ષા કોલેજના પ્રોફેસરની લેવામાં આવે તો તે જરૂર નાપાસ થાય. બહુ નવાઈ જેવું લાગશે છતાં એ સત્ય છે કે પ્રાથમિક કેળવણીના શિક્ષકોને શિક્ષણની લાયકાત આપવા માટે બબ્બે વર્ષ અને ત્રણ ત્રણ વર્ષના વિશિષ્ટ અભ્યાસો કરાવવામાં આવે છે, જ્યારે ઉચ્ચ કેળવણીની વિદ્યાપીઠોમાં શિક્ષણ આપનાર પ્રોફેસર સીધો જ યુનિવર્સિટીની પરીક્ષા આપી શિક્ષકને સ્થાને બિરાજી જાય છે. પ્રોફેસરોની નિયમિતતા, તેમની શિક્ષણશક્તિ, તેમનાં ચારિત્ર્ય અને તેમના સંસ્કાર સંબધી વાત જેટલી ઓછી કરીએ એટલું વધારે સારું વધારેમાં વધારે પગાર લઈ ઓછામાં આછું કામ આપતા અને ઓછામાં ઓછી પરિણામ – જવાબદારી માથે લેતો કોઈપણ વર્ગ હોય તો તે કોલેજનો પ્રોફેસર વર્ગ છે; એ મેં આજ નહિં પણ ઘણીયે વાર કહ્યું છે. અને પ્રોફેસર તથા પ્રાથમિક શિક્ષણના પગારની સરખામણી કોઈએ કરી છે ખરી.

દુનિયાના પ્રગતિશીલ દેશોની માફક હિંદુસ્તાનને પણ એક આર્થિક રોગ લાગુ પડ્યો છે; જીવન-ધોરણ ઉચ્ચ કરો અને એને માટે તમારાથી માગી શકાય એટલા વધારે તમારા કામનો બદલો માગો ! સેવાભાવના વડે મેળવેલા સ્વરાજ્યમાં આ મંત્રના જાપ ચાલ્યા જ કરે છે. ભારતની સામાન્યતા અને ભારતનાં ઉચ્ચ શિખરો વચ્ચે કેટલો આર્થિક ભેદ રહેલો છે એનો ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને લાખો અને કરોડો મેળવવાનો હક્ક હોય જ. વિલાયત કે અમેરિકા જઈ કહેવાતી ઉચ્ચ કેવળણી લઈ આવનાર હિંદવાસીનું જીવન-ધોરણ ઉચ્ચ હોવાથી અને એની અલભ્ય ડિગ્રીનો લાભ આપણા ગરીબ દેશવાસીને આપવાનો હોવાથી એને તો ભરપટ્ટે પગાર આપવો જ જોઈએ. યાંત્રિક અને તાંત્રિક શિક્ષણ વગર દેશનું દારિદ્રય ફીટવાનું નહિ; એટલે એનું શિક્ષણ પામેલા સહુ કોઈ વધારે મુસાહીરો માગે જ. અમલદારો વગર એકે વહીવટ–ચક્ર ચાલે જ નહિ એટલે એમને સંતુષ્ટ રાખવા જ જોઈએ. ન્યાયધીશો, ન્યાયને તોળનાર–ન્યાય અધિષ્ઠાતાઓને તો એટલો પગાર આપવો જોઈએ કે જે તેમને પ્રલોભનોથી પર રાખે ! પ્રલોભનથી પર રાખે એટલું વેતન માગનાર, આપનાર અને તેની તરફેણ કરનારને એક જ સત્ય સંભળાવવાની મને ઈચ્છા થાય છે: ન્યાયાધીશોને અપાતો પગાર કોઈ પણ ગુન્હેગારને આપવામાં આવશે તે દિવસે એ માનવી જરૂર ગુન્હેગાર મટી જશે

માગે ઓટલા ભારે પગારે આપવા છતાં દુનિયાનું કે ભારતનું કેટલું દળદર ફીટ્યું એની તપાસ–કરવા પહેલા વર્ગમાં અને વિમાનોમાં ફરતા મહાબુદ્ધિશાળીઓ. જે પેાતાની બુદ્ધિને સોનાચાંદીને માપે જ તોળતા હોય છે તેમનાં કમિશનો નીમવાની જરૂર નથી. જગતની સામાન્યતાને પૂછો કે મહા આર્થિક લાભ પામતી બુદ્ધિએ સામાન્ય જીવનને કેટલું ઊંચે ચઢાવ્યું ! જવાબ આપણી નજર સામે છે.

આમ દેશની સામાન્યતાને શોભે એવી સેવા કરવા કોઈ તૈયાર નથી. ગાંધીદીધા સ્વરાજ્યમાં સહુ બુદ્ધિ, શક્તિ અને કામનો બદલો માગે છે. અને તે બદલો દેશનાં અર્થ ફેફસાંને બોજે એમ છે કે નહિ તેનો વિચાર કરવાની એ માગનારાઓને ગરજ પણ નથી. માગનાર અને મેળવનાર સહુને બે હજાર ત્રણ હજાર, ચાર હજાર અને પાંચ હજારનો માસિક દરમાયો પણ સેવાનો જ પ્રકાર લાગે છે. ભલે !

પરંતુ એ ખેંચાખેંચીમાં પ્રાથમિક કેળવણી અને એ કેળવણી આપનાર શિક્ષકને રખે કોઈ વિસરી જાય. ન્યાયાધીશને પોતાની કિંમત મેળવવી છે, અમલદારને પોતાની કિંમત મેળવવી છે, ડૉક્ટર અને ટેકનીશિયન પોતાને સોનેરૂપે તોળવા માગે છે. અરે! સ્વરાજ્યની લડતમાં અપાયેલા સાચા ખોટા ભોગની કિંમત પણ માગવામાં આવે છે અને આપવામાં પણ આવે છે. એ દુનિયામાં પ્રાથમિક શિક્ષણ આપતા શિક્ષકોને પણ પોતાનું જીવનધોરણ ઉચ્ચ કરવાની આકાંક્ષા રહે એમાં નવાઈ કેમ પામવી જોઈએ એ હું સમજી શકતો નથી. જીવનધોરણના ઉચ્ચીકરણમાં બે ટંકનો પૈાષ્ટિક ખારાક, ચોખ્ખાં કપડાં, એક નાનકડું ઘર, બાળકોની કેળવણી માટેની આર્થિક સગવડ અને આર્થિક ચિંતામુકત વાર્ધક્ય એટલું આવતું હોય તો પ્રાથમિક નિયમન કરનાર સત્તા કે સંસ્થાએ જોવું જોઈએ કે પ્રાથમિક શિક્ષકોને આટલી પણ આર્થિક સગવડ મળે છે કે કેમ ? પ્રાથમિક કેળવણી આપનાર શિક્ષકને બેસવા માટે કાર જોઈતી નથી, એનાં સંતાનોને વિલાયત-અમેરિકા મોકલી તેમની મોટાઈનો વીમો ઉતરાવવો નથી. પહેલા વર્ગમાં કે વિમાનમાં તેને મુસાફરી કરવી નથી, મહાબળેશ્વર, મસૂરી કે ઊટી-સીમાલાની હવા ખાવી નથી, બાગબગીચાવાળા બંગલામાં રહેવું નથી, રેડિયો – સિનેમાનો આનંદ મેળવવો નથી, માંદગી વખતે નર્સિંગ હોમમાં રહેવું નથી. એને એ બધાનું મન નહિ થતું હોય એમ કહેવું એ આજની દુનિયાને ન એળખવા સરખું છે. છતાં એ પોતાનું મન મારી શકે છે. પરંતુ એને માત્ર ચરિતાર્થ ચલાવવા જેટલું પણ મળવું જોઈએ કે નહિ એ પ્રશ્ન પ્રાથમિક કેળવણીના હિતેચ્છુઓએ વિચારવા સરખો છે.

પ્રાથમિક શિક્ષકને પટાવાળાના પગાર આપીશું તો એની કેળવણી પણ પટાવાળાઓને જ ઉપજાવશે. એની પ્રતિષ્ઠા રસોઈયાની આંકીશુ તો આપણાં બાળકો પણ રેઢિયાળ રસોઈયા જ બની રહેશે. શિક્ષકની જરૂરિયાત – અત્યંત પ્રાથમિક જરૂરિયાત – પોષાય એટલી આર્થિક સગવડ આપીશું તો આપણાં બાળકો સંતાષી નાગરિક બનશે. શિક્ષકની પ્રતિષ્ઠા સાચવીશું તો આપણાં બાળકો જાતની અને દેશની પ્રતિષ્ઠા સાચવે એવાં સ્વમાની દેશસેવક બની રહેશે. શિક્ષકને ગુરુસ્થાને સ્થાપીશું તો આપણાં બાળકો જગત—ગુરુત્વ પ્રાપ્ત કરશે. ‘જેવો પ્રાથમિક શિક્ષક તેવી જ ભાવિ પ્રજા’ એ સત્ય જેટલું વહેલું સમજાયું એમ વધારે સારું. આજના કલંકિત કાળાં બજાર, આજના દંભ અને ઘમંડ, સેવાને ઓથે આજ ગોઠવાતી સ્વાર્થ બાજી અને ગાંધીજીના નામને ભ્રષ્ટ કરતો સત્તાશોખ ભાવિ ઈતિહાસને પાને ફરી ન લખાય એમ કરવું હોય પ્રાથમિક શિક્ષકની જરૂરત પહેલી સાચવો, એને સાયા ગુરુસ્થાને બેસાડો અને એની પ્રતિષ્ઠાને આખા સમાજને પ્રતિષ્ઠા તરીકે સ્વીકારો. નવી પ્રજા આપણા કરતાં વધારે સારી સર્જાય એમ આપણે સૌ કોઈ ઈચ્છીએ. પણ એ ત્યારે જ બનશે કે જ્યારે આપણે શિક્ષકને ધક્કા ખાવા સર્જાયેલું પ્રાણી નહિ, પરંતુ નમન યોગ્ય ગુરુ ગણીશું ત્યારે.

સમાજ વ્યવસ્થામાં આછી પાતળી આર્થિક ઊંચાઈ કે નીચાઈ ચલાવી લેવા જેટલી માનવજાત ઉદાર છે, પરંતુ જે વ્યવસ્થા એક માનવીને મહેલ બંધાવી આપે અને બીજાને ઝૂંપડી પણ ન બાંધવા દે એ વ્યવસ્થા અવ્યવસ્થા છે. ભયંકર આર્થિક અણઆવડત છે, અસંતોષના જ્વાળામુખીને જીવંત રાખતી જામગ્રી છે. ઊંચા ગર્વિષ્ટ અર્થમિનારાઓએ કાં તો ઝૂંપડીની સપાટીએ આવવું પડશે અગર ઝૂંપડીઓને એક બે માળ આપી ઊંચી લેવી પડશે. નહિ તો ઝૂંપડીમાં લાગેલો અગ્નિ મિનારાઓને પણ ભસ્મ કરી નાખશે. આજની દુનિયાનો મહારોગ આર્થિક અસમાનતાને નામે આપણે ઓળખી શકીએ. પ્રાથમિક શિક્ષકોને પોતાના અર્થથી સંતોષ સેવવાનો પોતાના કાર્યને સેવાભાવ તરીકે ગણવાનો, ગરીબીમાં રહેલી મહત્તાનો બોધ કરતી વખતે આપણે વિચારવું જોઈએ કે શિક્ષકો કરતાં બીજા સામાજિક ઘટકો એ બોધની વધારે પાત્રતા ધરાવે છે.

શિક્ષક સિવાયની દુનિયાને શિક્ષકની તરફેણમાં આટલું સંભળાવતી વખતે હું શિક્ષકોને પણ કેટલીક વાત સંભળાવી લઉં.

બાળક અને કિશોર અવસ્થા એ આખા યૌવનનો અને વાર્ધક્યનો પાયો છે. એ અવસ્થાને ઘડતી કેળવણી આપવાનું કાર્ય બીજા કોઈપણ રચનાત્મક કાર્ય જેટલું મહત્ત્વનું છે. બાલમાનસ ઘડવું એ અત્યંત ગંભીર, નાજુક, જીવનપર્યંત અને તેથી યે આગળ સુધીની અસરો ઉપજાવનારું, અત્યંત કૌશલ્ય માગતું કાર્ય છે. શિક્ષકો એની ગંભીરતા, એની પવિત્રતા અને એનાં જોખમ સમજી વિચારીને એ ધંધામાં પ્રવેશ કરે! બીજા કોઈપણ કાર્યમાં હળવા હૃદયનો પ્રવેશ ચાલી શકે; પ્રાથમિક શિક્ષણમાં હળવી પ્રવૃત્તિ રાખે જરા ય ચાલે એમ નથી. રાષ્ટ્રઘડતરનું આદ્ય રચનાત્મક કાર્ય તે બાલ કેળવણી – પ્રાથમિક કેળવણી. રાષ્ટ્રઘડતરનું એક પરમ મહત્ત્વનું તત્વ પ્રાથમિક શિક્ષકોને સોપાયું છે એ વાત તે કદી ન ભૂલે.

ઈસવીસનની સાતમી આઠમી સદી સુધી પરદેશી મુસાફરીએ ભારતવાસીઓને પ્રમાણપત્રો આપ્યાં છે કે ભારતની પ્રજા એટલે સત્યવાદી પ્રજા, આતિથ્ય સત્કાર પ્રવીણ પ્રજા, ધર્મનિષ્ઠ પ્રજા, જેમાં ચોરી, લૂંટ અને જૂઠ બિલકુલ નહીં. આજ પરદેશીઓ આપણને જૂઠા કહે તો આપણો પુણ્યપ્રકોપ સળગી ઊઠે એ સ્વાભાવિક છે. પરંતુ મને ભય છે કે બાર સદી પહેલાં પરદેશીઓએ આપણને આપેલાં પ્રમાણપત્ર આપણે ભાગ્યે જ આપણને પોતાને આપી શકીશું. ચોરી, લૂંટ અને જૂઠનાં પૂર મારી, તમારી અને સહુની આસપાસ ઊભરાતાં રહે છે. બારમી સદીનાં આપણાં પાપ આપણા બે ત્રણ વર્ષ ના સ્વરાજ્યમાં એકદમ ફૂટી નીકળ્યાં છે અને જે લક્ષણોએ આપણને સદીઓજૂની ગુલામગીરી બક્ષી એ જ લક્ષણોના પૂર્ણ સ્વાંગ આપણે સજી રહ્યા છીએ. આપણને અડકેલી કાળાશ આપણે દૂર કરીશું કે કેમ એ પ્રશ્નને બાજુએ મૂકી આપણે એટલા જાગ્રત રહીશું કે જેથી આપણાં બાળકો, આપણી ઉછરતી પ્રજા, આપણા ભાવિ નાગરિકો વિધવિધ પ્રકારની કલામય ચોરી, લૂંટ, અને જૂઠમાંથી ઊગરી જાય. આ મહાકાર્ય માતાપિતા ન કરે તોય પ્રાથમિક શિક્ષકોએ કરવાનું છે. પ્રાથમિક શિક્ષકો પોતાની લડત અને આર્થિક ઉન્નતિની ચર્ચાઓમાં આ મહત્ત્વની વાત ન ભૂલે.

ચર્ચાઓ અને લડતનો પ્રશ્ન આવે છે ત્યારે મારું એક સ્પષ્ટ મંતવ્ય આપ સર્વ ગુરુજનો સમક્ષ રજૂ કરવું જોઈએ. હું મુક્ત ચર્ચાનો હિમાયતી છું. વાણીસ્વાતંત્ર્ય મારું, તમારું–સહુનુ હોવું જ જોઈએ એવી મારી દૃઢ માન્યતા છે. સિદ્ધાંતને માટે લડત પણ લડી લેવી જોઈએ, એમાં જરાય શક નથી. ચર્ચાઓ ઉગ્ર પણ હોઈ શકે અને લડત સામા પક્ષને–જો સામો પક્ષ હોય તો–મૂંઝવનારી પણ હોઈ શકે. પરંતુ સતત શસ્ત્રયુદ્ધે ચઢવાની તૈયારીમાં પડેલી દુનિયાએ હવે એટલી તો અક્કલ વાપરી સમજવું જોઈએ કે વીસમીસદીનું એકે એક હિંસક યુદ્ધ નિષ્ફળ નીવડ્યું છે. એક પણુ યુદ્ધે સામાન્ય જનતાની પરિસ્થિતિ સુધારી નથી, એક પણ યુદ્ઘથી એકે પ્રશ્નનો સાચો નિકાલ આવ્યો હોય એમ સાબિત થઈ શકતું નથી. યુદ્ધ ત્યારે જ થાય. જ્યારે માણસજાતે માણસાઈનું, અક્કલનું અને આવડતનું દેવાળું કાઢ્યું હોય.

આંતરરાષ્ટ્રીય લડતો માટેનું આ સત્ય આપણા પોતાના જ રાષ્ટ્રમાંના સર્વાપરી સત્ય તરીકે લેખાવું જોઈએ. માનવજાતના ઈતિ- હાસમાં પહેલું જ પરમ સત્ય ભારતે સાબિત કરી બતાવ્યું છે કે અહિંસક લડત સ્વરાજ્ય અપાવી શકી છે. એ અહિંસક લડતનાં સાધનો કયાં એ ગાંધીજીએ પોતાના શબ્દથી, વર્તનથી, જીવનથી, અને મૃત્યુથી સ્પષ્ટ કરી આપણી પાસે મૂકી દીધાં છે. પ્રાથમિક શિક્ષક સંઘે ચર્ચાઓ પણ કરવી પડશે, વિનંતીઓ અને માગણીઓ પણ કરવી પડશે, કદાચ લડત પણ કરવાના પ્રસંગો તેને આવે એ સંભવિત છે. તેવે પ્રત્યેક પ્રસંગે શિક્ષકો ત્રણ સત્ય કદી ન ભૂલે:

(૧) શિક્ષકોનો સંઘ અહિંસક રીતે પ્રાપ્ત થયેલા સ્વરાજ્યનું એક પરમ મહત્ત્વનું તત્ત્વ છે – એની મહતા ભલે બીજા ઘટકોને ન લાગે. એ સ્વરાજ્ય જેટલું પ્રધાનોનું છે એટલું જ આપણું—શિક્ષકોનુ છે. એને આપણું મટાડી શકાય જ નહિ.
(૨) ચર્ચા, માગણી કે લડતના પ્રસંગો શિક્ષકો તો ભાગ્યે જ ઊભા કરે; છતાં તેવા પ્રસંગો આવતાં એક સિદ્ધાન્તને તો તેઓ જરૂર વળગી જ રહે કે માણસની લડત, માનવતાની લડત, માનવતાના ગુરુઓની લડત શુદ્ધ અહિંસક જ હોય. ગાળ, વ્યક્તિગત આક્ષેપ, ભાંગફોડ, વિનાશ કે સંહારને ચર્ચા માગણી કે લડતમાં સ્થાન જ ન હોઈ શકે. માનવ લડત અહિંસક જ હોય.
(૩) લડતમાં પણ શિક્ષકો પોતાનું ગુરુસ્થાન, ફરજનું મેદાન, ધર્મ મોરચો કદી ન છોડે. પ્રાથમિક શિક્ષકનું સ્થાન શાળા ! એની ફરજ રમતમેદાનમાં ! એના સાથી શિષ્યો ! એમનો મોરચો કેળવણીના રક્ષણ માટે. અજ્ઞાન અને નિરક્ષરતાના નિવારણ અર્થે રચાયેલો. જે ક્ષણે એ પોતાનું સ્થાન છોડે, મેદાન મૂકે, મોરચે પીઠ બતાવે ત્યારે જાણવુ કે શિક્ષક શિક્ષક મટી ગયો છે.

મંગલ પ્રવચનમાં હું એક મહામાંગલ્ય શિક્ષકોના વાતાવરણમાં જોઈ રહ્યો છું. ચારે પાસ નિરાશા છવાઈ રહી છે તેમાં શિક્ષકો વગર કોણ પ્રકાશ આપશે? અને શિક્ષકોમાં પણ પાયાની કેળવણીમાં જાત હોમનાર પ્રાથમિક શિક્ષક જ વધારે શ્રેષ્ઠ. ભાવિ ઈતિહાસમાં—નહિ, આજના ચાલુ ઇતિહાસમાં એવું લખવાની તક શિક્ષકો ન આપે કે જ્યારે નવા સ્વરાજ્યમાં વ્યાપારી અને ઉદ્યોગપતિ નફા ઉપર આંખ માંડી કાળાં બજાર કરતો હતો, નેતા-ગાદીખુરશી ખોળતો હતો, અમલદાર પગાર વધારવાની તરકીબો શોધતો હતો, નિષ્ણાત સોનેરૂપે પોતાને તોળવાની માગણી ખુલ્લે ખુલ્લી કરતો હતો ત્યારે એક નિર્માલ્ય મનાયલો પ્રાથમિક શિક્ષકોનો વર્ગ કોઈ ન ગણકારે છતાં કોઈ ન બિરદાવે છતાં, કટિબદ્ધ બની એવી કેળવણી ભાવિ પ્રજાને આપતો હતો કે જેના શિક્ષણને પ્રભાવે કાળાં બજાર બંધ પડી ગયાં, સત્તાલોભ ઘટી સાચો સેવાલાભ જાગ્રત થયો, ધન ધનિકની નાગચૂડમાંથી પ્રજાકીય પરબ બની ગયું, અને ભારતનો નાગરિક બારસો વર્ષ પહેલાંની સત્ય માટેની પ્રતિષ્ઠા પાછી પ્રાપ્ત કરી શક્યા !

માનવી બનવા માટે સહુથી પ્રથમ ઘરમાંથી અને શાળામાંથી હિંંસા દૂર થવી જોઈએ.

એ મંગલકાર્ય–પ્રજાઘડતરનું સાચું કાર્ય પ્રાથમિક શિક્ષકો દ્વારા થાઓ અને એનાં પરિણામ આપણે સહુ નીરખવા ભાગ્યશાળી બનીએ. એટલુ જ મંગલ પ્રવચન હોય.