સાહિત્ય અને ચિંતન/વલ્લભ સંપ્રદાયની અસર : સાહિત્ય અને જીવન ઉપર

વિકિસ્રોતમાંથી
← શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા સાહિત્ય અને ચિંતન
વલ્લભ સંપ્રદાયની અસર : સાહિત્ય અને જીવન ઉપર
રમણલાલ દેસાઈ
શિક્ષકોનું માંગલ્ય →




વલ્લભ સંપ્રદાયની અસર—
સાહિત્ય અને જીવન ઉપર.
 



૧. વલ્લભાચાર્યનો જન્મ ઈ. સ. ૧૪૭૯ માં. બાવન વર્ષનું તેમનું આયુષ્ય. ઈ. સ. ૧૫૩૧ માં અવસાન. પંદરમી સદીનો અંત ભાગ અને સોળમી સદીના પ્રથમ ભાગમાં તેમની કારકિર્દી.
૨. ભક્તિમાંની વ્યાપકતા ૧૧ મી સદીથી એટલે રામાનુજાચાર્યથી શરૂ થઈ, એમ ઐતિહાસિક દષ્ટિએ કહી શકીએ. જો કે એ માર્ગ ધણો પ્રાચીન છે અને એના તંતુ વેદકાલ સુધી પહોંચે છે. હિન્દુ ધર્મને લોકપ્રિય, લોક્ભાગ્ય બનાવવામાં ભક્તિમાર્ગનો મહત્વનો ભાગ છે. આક્રમણકારી ઈસ્લામ સામે હિન્દુ ધર્મની ઊર્મિ ઢાલ તરીકે ભક્તિમાર્ગને મૂકી શકાય. ભક્તિમાર્ગે હિન્દુ-મુસ્લિમ સમન્વયમાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. રામાનુજ, નિમ્બાર્ક, મઘ્વ, રામાનંદ, ચૈતન્ય, કબીર જેવા આયાર્યોમાં વલ્લભાચાર્યનું સ્થાન છે. ચૈતન્ય અને વલ્લભ લગભગ સમકાલીન, બંને સંપ્રદાયમાં રાધાકૃષ્ણની ભક્તિ ઉપર ભાર મુકાયો છે.
૩. ભક્તિસંપ્રદાયને – ખાસ કરીને કૃષ્ણભક્તિને – ભાગવતના દશમ અને એકાદશ સ્કંધમાંથી ખૂબ પ્રેરણા મળી. કદાચ વલ્લભાચાર્યે પોતાનો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પ્રચલિત રાધાકૃષ્ણના માન્ય થઈ ચૂકેલા ભક્તિમાર્ગ સાથે સકલિત કરી લીધો હોય અને તેમ કરી પેાતાના શુદ્ધાદ્વૈતવાદને તેમણે પુષ્ટિ આપી હોય.

૪. ગુજરાતના આદ્યકવિ ગણાતા નરસિંહ મહેતાનો જન્મ ૧૪૭૦ એટલે લગભગ વલ્લભાચાર્ય કરતાં નવ વર્ષ પહેલો મુકાય છે. ચૈતન્યનો જન્મ ઇ. સ. ૧૪૮૬ એટલે વલ્લભાચાર્ય પછી સાત વર્ષે આવે. એટલે ગુજરાતી સાહિત્યની શરૂઆત કરનાર નરસિંહ મહેતા ઉપર વલ્લભાચાર્યની અસર હેાવા કરતાં ભાગવત અને પ્રચલિત રાધાકૃષ્ણ ભક્તિની અસર વધારે હાય એમ કહી એમ કહી શકાય; જો કે એ ત્રણે ભક્તિમાર્ગના આચાર્યો અને ભક્તો લગભગ સમકાલીન હતા, સમપ્રવાહને ઝીલી રહ્યા હતા અને અરસપરસ આડકતરી અસર થઈ હોય એ સંભવિત છે. વલ્લભાચાર્ય કરતાં પણ તેમના પુત્ર વિઠ્ઠલનાથની અસર પુષ્ટિમાર્ગ ઉપર વધારે વેગવાન બની હેાય એમ લાગે છે. પ્રચલિત ભક્તિમાર્ગને આમ સિદ્ધાંત અને પંથની મહત્તા મળતાં તે વ્યાપક બન્યો, અસરકારક બન્યો અને લોકજીવનના હૃદયપટ ઉપર ચિરંજીવ કોતરાઈ રહ્યો એમાં જરાય શક નથી. કૃષ્ણ-ભક્તિને આમ સાહિત્યમાં લાવવાનું મોટા ભાગનું માન હિંદી અને ગુજરાતી ભાષામાં વલ્લભ સંપ્રદાયને મળે છે.

૫ ભક્તિમાર્ગ એટલે ઊર્મિ પ્રધાન માર્ગ. સાહિત્ય પણ મોટે ભાગે ઉર્મિ ઉપર રચાય છે. અને કાવ્ય સાહિત્ય તો ખાસ કરીને. એટલે કૃષ્ણભક્તિ, કૃષ્ણચરિત્ર, અને કૃષ્ણકથાના આઠ પ્રસંગો પણ સાહિત્યમાં પ્રવેશ પામ્યા. એમાંનો મેાટો ભાગ વલ્લભ સંપ્રદાયની અસર નીચે ખીલ્યો કહી એમ શકાય.
૬ વલ્લભ સંપ્રદાય એ સામુદાયિક ઉત્સવ અને મૂર્તિ પૂજા ઉપર ખૂબ ભાર મૂકતો સંપ્રદાય હોવાથી તે જનપ્રિય અને તેથી સાહિત્યપ્રિય પણ થઈ પડયો. કૃષ્ણરાધા, કૃષ્ણગોપી, બાલકૃષ્ણ અને યશેાદા એ શૃંગાર અને વાત્સલ્યનાં પ્રતીક બની ગયાં અને એ પ્રતીકદ્વારા કવિઓની રસિકતાએ પોતાના ભાવદર્શનનો બહુ જ મોકળો માર્ગ મેળવ્યો. રત્નો, રાજે, પ્રેમાનંદ અને દયારામ જેવા લલિત અને મહાનકવિઓ મોટે અંશે વલ્લભ સંપ્રદાયનાં ફળ કહી શકાય; દયારામ તો ખાસ કરીને. જો કે દયારામ પુષ્ટિમાર્ગીય ધર્મગુરુ પ્રત્યે ઠીક ઠીક કડક રહેતા છતાં.
૭ ગરબીઓ-ખાસ કરીને નવરાત્રિમાં ગવાતી ગરબીઓ, તિથિ, માસ અને ઋતુનાં કાવ્યો, શૃંગારભરપૂર દાણીલીલા અને પાટની રમતો દર્શાવતાં પદ, ભક્તિની તીવ્રતા અને વિરહ તથા પશ્ચાત્તાપની સાચી લાગણી દર્શાવતાં કાવ્યોનો સમૂહુ એ પણ આ સંપ્રદાયની જ અસર ગણી શકાય.
૮ વલ્લભી સંપ્રદાયે સંગીત ઉપર ખૂબ ભાર મુકયો છે. એ સંગીત શાસ્ત્રીય અને અમિશ્રિત ધ્રુપદશૈલીનું છે. ગુજરાતી જુના સાહિત્યમાં સાચું સગીત છે, સારી રાગદ્વારી છે એ સત્ય ભુલાઈ જાય છે. પરંતુ આખ્યાન, પદ અને ગરબીઓમાં રાગ સચવાઈ રહેલા છે એ સત્ય ભૂલવા જેવું નથી. સાચા સંગીતનો પરિચય ગુજરાતને આમ વલ્લભી સંપ્રદાય દ્વારા થયો છે-લગભગ આજ સુધી એ પરિચય રહ્યો છે, એમ કહીએ તો ચાલે. આપણી દેશીઓમાં રાગ ભણકાર બરાબર સંભળાય છે–જો કે ગાનારા કીર્તનકારો હવે લુપ્તપ્રાય બની ગયા છે.
૯ મધ્યકાલમાં કૃષ્ણભક્તિ લગભગ ઘેરઘેર પહેાંચી ગઈ હતી. રાધાકૃષ્ણનાં મંદિરો ગામેગામ અને શેરીએ શેરીએ સ્થપાયાં હતાં. ઉત્સવો,શણગાર, ફૂલ હિડોળા વગેરે કલાત્મક રચનાઓ લોકગમ્ય બની હતી.છપ્પન ભોગે આપણા પાકશાસ્ત્રને પણ સારો વેગ આપ્યો એમ કહેવામાં વૈષ્ણવ ધર્મની નિંદા કરતાં તેની અસરનું જ આપણે બયાન કરીએ છીએ. ચિત્રમાં પણ રાધાકૃષ્ણ કે કૃષ્ણગોપીનાં દધિમંથન, વસ્ત્રહરણ, રાસ વગેરે સ્થાન પામ્યાં અને સઘળું દયારામ સુધીના સાહિત્યમાં ઊતરી આવ્યું. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાંથી કૃષ્ણ અને તેનાં આનુષંગિક પાત્રો ઉઠાવી લઈએ તો ભાગ્યે જ સાહિત્ય કહેવા જેવી વસ્તુ રહે. અલબત્ત, અખો, શામળ,ધીરો અને ભોજો એ કવિઓ વલ્લભ સંપ્રદાયની અસરથી ઓછે વતે અંશે મુક્ત છે, એટલું ધ્યાનમાં રાખવું જોઈએ. અખાને તો વલ્લભી સંપ્રદાયનો અંશતઃ વિરોધી પણ કહી શકાય, જો કે શામળ છેક વલ્લભ સંપ્રક્રાયની અસરથી મુક્ત છે એમ કહી શકાય નહિ. પ્રાચીન કાવ્યમાળા, કાવ્ય દોહન અને એવા જ જુના કાવ્યોના સંગ્રહેા વલ્લભ સંપ્રદાયની અસરના સાચા પુરાવા છે.