સાહિત્ય અને ચિંતન/સાહિત્યનો માર્ગ
← સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ | સાહિત્ય અને ચિંતન સાહિત્યનો માર્ગ રમણલાલ દેસાઈ |
નવલકથા → |
તમને સાહિત્ય ગમે છે ?
કદાચ આપ સામો પ્રશ્ન કરશો કે સાહિત્ય શું એ સમજ્યા વગર ઉત્તર કેમ અપાય ?
અને અમને સાહિત્ય સમજવાની કુરસદ કયાં છે? એવો બીજો પણ પ્રશ્ન કદાચ આપ પૂછશો.
જેને ફુરસદ ન જ હોય એને સાહિત્ય સમજાવવાનો આગ્રહ ન જ થઈ શકે. એને એટલું જ કહેવાનું કે, ફુરસદ હોય કે ન હોય : પ્રત્યેક માનવીના જીવનમાં પ્રવેશ કરવાની, પ્રત્યેક માનવીના જીવનને ઘડવાની સાહિત્યને વિશાળ ફુરસદ યુગયુગથી મળી છે. સાહિત્ય સમજાય કે ન સમજાય તોય સાહિત્ય માનવીની આસપાસ હવા જેવું વ્યાપક બની રહે છે.
સહુએ હાલરડાં તો સાંભળ્યાં જ હશે. હાલરડાં વગર ઉછરેલું કોઈપણ બાલક કલ્પી શકાય એમ નથી. એ હાલરડાંમાં ઘણું સાહિત્ય સમાયેલું છે. શ્રી. મેઘાણીએ રચેલું શિવાજીનું હાલરડું તમે જરૂર સાંભળજો.એમાં–અરે ગમે તે હાલરડામાં તમને સાહિત્ય મળી આવશે.
વડોદરા રાજ્યના હવે વિલીન થયેલા વિસ્તારમાં તો લગભગ ગામેગામ શાળાઓ છે. પ્રાથમિક કેળવણી ફરજિયાત છે. આપણે સહુએ તે મેળવી છે. આપણી વાચનમાળાઓમાં પાઠ અને કવિતા બન્ને આપેલાં હોય છે. એમાં પણ સાહિત્ય મળી રહે એમ છે.
એથી આગળ જઈએ તો આપણા ભણતરમાં સાહિત્ય વિસ્તરેલું પડ્યું જ હોય છે.
પરંતુ ભણતર બહાર પણ સાહિત્યનો વ્યાપકપડઘો આપણે સાંભળ્યા જ કરીએ છીએ. તમે ભાવિક હો તો મંદિરમાં કે શેરીમાં કથા સાંભળો છે. ભાગવતની કથા હોય કે મહાભારતની, શાસ્ત્રી કહેતા હોય કે ગાગર ભટ્ટ: તમે જાણો છો કે એ બન્ને કથા ગ્રંથો અદ્ભુત સાહિત્યગ્રંથો છે?
કોઈ ગઢવી કે ચારણને મુખે ઉચ્ચારાતા દુહા, સોરઠા અને છપ્પા, સવૈયા પણ તમે જરૂર સાંભળ્યા હશે. મેરૂભા કે દુલા કાગ જલસાઓમાં આકર્ષક દુહાઓ આપણને વર્ષોથી સંભળાવી રહ્યા હતા. એ બીજું કાંઈ નથી, એ સાહિત્ય છે.
અને વાર્તા ? વાર્તા સાંભળી ન હોય એવો કોઈ માનવી પૃથ્વી ઉપર ખોળ્યો જડે એમ નથી. વાર્તા તમે પણ સાંભળી હશે અને કહી પણ હશે. આપણી દાદીમાએ વાર્તા કહી આપણને એકચિત્ત કરી દેતી હતી એ સહુનો અનુભવ છે. આપણા ગુજરાતમાં તો એક એવી કોમ જ છે કે જેની વાર્તાશૈલી આપણને કલાકોના કલાક સુધી તલ્લીન બનાવે. એ કોમ તે આપણા ચારણો અને બ્રહ્મભટ્ટો–આપણા પેઢીધર સાહિત્યકાર.
હવે છાપકામ વધી ગયું છે એટલે વાર્તાઓ સાંભળવા ઉપરાંત વાંચવાની પણ આપણને સગવડ મળી ગઈ છે. નવરાશમાં આપણે ફાવે તે સ્થળે–રેલગાડીમાં કે ઘેર–વાર્તાની ચોપડી વાંચી આપણો વખત ઠીકઠીક ગાળી શકીએ છીએ.
આ વાર્તા શું એ જાણો છો? એ પણ સાહિત્ય. એ વાર્તામાં પછી પરી આવે કે જીન; રાજકુમાર આવે કે રાજકુમારી; સૈનિક આવે કે સાધુ; યુદ્ધ આવે કે ત૫; આંસુ આવે કે હાસ્ય, મિલન આવે કે વિયોગ : એ સઘળું સાહિત્ય કહેવાય.
જરા થોભો. એક અંગત પ્રશ્ન પૂછું? તમે પરણ્યા છો ? પ્રભુ તમને સુખી રાખે ! તમે નથી પરણ્યા? એ શુભ પ્રસંગ હવે જલદી આવશે. અકળાવાની જરૂર નથી. પરંતુ તમે કાઈના લગ્નમાં હાજરી ન આપી હોય એમ હું માનતા નથી. અને તમારા કે અન્યના લગ્નમંડપમાં હાજરી આપો એટલે લગ્નનાં મંગલ ગીતનો ટહુકો તમારે કર્ણે ન પડયો એમ બનેજ નહિ. તેમે ખાતરી રાખજો એ લગનગીતોમાં સાહિત્યનો સંભાર ભર્યો હોય છે.
અને ભજનની ધૂનમાં તમે કદી ડોલી રહ્યા છો ? પ્રભુની કૃપાયાચના, પ્રભુનાં સ્મરણ, પ્રભુની મહત્તા કે એકતાનાં ગીત ઢોલક, મંજીરા કે એકતારા સાથે ગવાતાં હોય, એ ભજનના ભાવ સાથે તમે એકરૂપ બની ગયા હો ત્યારે ભજન પણ એક ભવ્ય સાહિત્ય બની ગયું હોય છે એ જાણો છો? હું જોઈ શકું છું કે સાહિત્ય સમજવાની આજના ધમાલ ભર્યા જીવનમાં તમને ફુરસાદ ન હોય અને વૃત્તિ પણ ન હોય. હશે, પણ તમે નાટક કે સિનેમા કદી જોયાં જ નથી એમ કહો એતો કેમ મનાય ? ગાંધીજીએ પણ છેલ્લે છેલ્લે સિનેમાનાં કેટલાંક દશ્યો જોઈ લીધાં હતાં એમ યાદ આવે છે. એ નાટક કે ચલચિત્રોના કેટલાય પ્રસંગો તમને હસાવે છે, રડાવે છે, ભયભીત કરે છે, શૃંગાર અભિમુખ કરે છે, આશ્ચર્ય ઉપજાવે છે, જોમ અર્પે છે, ગુસ્સે કરે છે, કંટાળો ઉપજાવે છે. તમે જાણો છો આવા આવા ભાવ ઉપજાવતા પ્રસંગો, ગીતો અને સંવાદ સાહિત્યને જ સર્જે છે ? આંખમાં આંસુ લાવતાં કરુણ મૃત્યુ ગીતો કે પ્રસંગો પણ સાહિત્ય બની રહે છે એમ આપ જાણશો એટલે આપને સાનંદાશ્ચર્ય સમજાશે કે હાલરડાથી માંડી મૃત્યુનાં શોકગીત– મરસિયા સુધી–એટલે બાળજન્મથી માંડી જીવન અંત સુધી સાહિત્યનું વાતાવરણ વ્યાપી રહેલું છે. સાહિત્યને આપણે સમજીએ કે ન સમજીએ, સાહિત્ય સમજવાની આપણે ફુરસદ લઈએ કે ન લઈએ: સાહિત્ય પોતે જ ડગલે અને પગલે સામે આવી આપણું શ્વાસ સરખું જીવંત તત્વ બની આપણને વીંટળાઈ વળે છે. સાહિત્ય આપણું જાણીતું સંસ્કાર સંચલન છે. એ નિત્યવ્યાપક બળ છે. એ આપણા જીવનને ઘડે છે, એથી દૂર નાસવાની જરૂર નથી. એથી મુંઝાવાની જરૂર નથી. એને તિરસ્કારવાની જરૂર નથી. હાલરડાં, વાર્તા, નાટક, ભજન, પ્રેમગીત, વીર કથા, દેવકથા એ બધાં સાહિત્યનાં સ્વરૂપ છે. સાહિત્યને સાદામાં સાદી રીતે ઓળખવું હોય તો આપણે એટલું જ જાણી લઈએ કે એક સારો આપણને ગમતો પ્રસંગ, એક સારો આપણને ગમે એવો વિચાર કે એક સારી-આપણને ગમે એવી ઊર્મિ સારા શબ્દોનો આકાર લે એટલે સાહિત્ય સર્જાય.
આમ સાહિત્ય એટલે પ્રથમતઃ સારો શબ્દ કે શબ્દસમૂહ-શબ્દગુચ્છ. સાહિત્ય એટલે સારા શબ્દમાં અવતાર પામતી સારી કલ્પના, સારી ઉર્મિ કે સારી પ્રસંગપરંપરા.
આમ હવે સાહિત્ય અઘરું તો નહિ જ લાગે, ખરું ?
સારા શબ્દમાં પ્રસંગોને, ઊર્મિને, વિચારને, કલ્પનાને ઉતારવાની. જેનામાં શક્તિ હોય એ સાહિત્યકાર. એ આપણા સરખો જ માનવી છે એનામાં આપણા સરખા જ ગુણ હોય છે અને દોષ હોય છે. સામાન્ય માનવીને લાગણીઓ થાય છે એ જ લાગણીઓ એને પણ થાય છે. સામાન્ય માનવી બોલે છે એજ ભાષા સાહિત્યલંકાર પણ બોલે છે.એટલે સાહિત્યકારની આસપાસ આપણે વાણીની ચાંપલાશ, ન સમજાય એવા વિચારો અને કલ્પનાનું ધુમ્મસ, લાકડી મારીને સમજાવવી પડે એવી કષ્ટપ્રદ ઊર્મિ જોવા પ્રેરાઈએ તો તે બરાબર નથી. આપણી સામાન્ય વાણી અને સાહિત્યકારની વાણીમાં માત્ર એટલો જ ફેર કે સાહિત્યકાર અભ્યાસથી કે પ્રેરણાથી એવી વાણી વાપરે છે કે જેમાં બળ હોય, તેજ હેાય, નવી નવી કલ્પનાઓ ઉધાડે એવી વિશાળતા હોય, અને પુષ્પ જેવી સુકુમારતા હોય. સામાન્ય વાણી બોલાઈને ભૂલી જવાય છે. સાહિત્યકારની વાણી સંગ્રહી રખાય છે. આપણું હૃદયમાં ભક્તિભાવ ઉભરાય ત્યારે આપણે કહીએ :
‘હે પ્રભુ, તું વ્યાપક છે, તારી લીલા અપાર છે, તારી કળા કળાતી નથી.’ જ્યારે નરસિંહ મહેતા સરખા સાહિત્યકારની વાણી છંદમાં ઊતરી આજ પાંચસો વર્ષથી સંભારી સાચવી રાખવા જેવી શબ્દાવલિ ઉચ્ચારે છે કે:
અખિલ બ્રહ્માન્ડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનન્ત ભાસે.
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્દરૂપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
આમ સાહિત્ય સહુને સમજાય એવી છતાં આપણું સામાન્ય શબ્દો કરતાં વધારે સારી શબ્દરચના ઊભી કરે છે, આપણે ઊડી શકીએ એટલે ઊંચે ઊડવા દઈ પછી આપણો હાથ ઝાલી કોઈ નવી કલ્પનાસૃષ્ટિ આપણને બતાવે છે, આપણુ લાગણીઓને હેાય એના કરતાં વધારે તીવ્ર અને વિશુદ્ધ કરે છે અને આમ આપણી માણસાઈને વધારે ઓપ આપી આપણને વધારે સારા માનવી બનાવવાનું સાધન રચી આપે છે.
પ્રજાએ અનેક પ્રકારનાં ધન ઓળખ્યાં છે. અર્થ ઉપર–ધન ઉપર આબાદી રચી શકાય એમ અર્થશાસ્ત્ર કહે છે. હજી માનવી – કે પ્રજા આબાદીને, ધનને, મિલકતને માલિકીના સંચામાંથી છોડાવી શકી નથી. એટલે સહુ કાઈ પોતપોતાની મિલકત સાચવવા અને વધારવાની જંજાળમાં પડી કલેશ અને ધર્ષણ ઊભાં કરે છે. મિલકત ઉપર માલિકી રહેશે ત્યાં સુધી આ ઘર્ષણ ચાલ્યા કરવાનાં છે. પરંતુ સાહિત્ય તો સહુની મઝિયારી મિલકત બની રહે છે એમાં કોઈનો ભાગ-લાગ નથી. વાપર્યે વધે જ જાય એવી એ આબાદી છે, સાહિત્ય એટલે સંસ્કારધન. એ ધન લગભગ ચિરંજીવી છે. માનવીની માણસાઈ એનું પોષણ પામી જીવી રહે છે માટે જ સ્થૂલ ધન કરતાં સંસ્કારધન વધારે ચડિયાતું. પાંચસો વર્ષ ઉપર કયા ધનિકનો ધન ભંડાર મોટામાં મોટો હતો એની આપણને ખબર નથી, એની આપણને જરૂર પણ નથી. પરંતુ આપણે એ તો નોંધી રાખ્યું છે કે ચારસો પાંચસો વર્ષ ઉપર નરસિંહ અને મીરાં જેવી બે સાહિત્યવ્યક્તિઓ ગુજરાતમાં એવું સંસ્કારધન વેર્યે જતી કે જે આજ પણ આપણને વાપરવા મળે છે.
સાહિત્ય તમને ગમ્યું હોય તો, હવે આવો ! આપણે સાહિત્યનો માર્ગ શોધીએ.
તમને પેલું ગીત તો યાદ હશે જ :
‘હરિનો મારગ છે શૂરાનો,
નહિ કાયરનું કામ જોને.
સાહિત્યનો માર્ગ બતાવતાં હરિનો માર્ગ કેમ સાંભરી આવ્યો ? તમને ધાર્મિક બનવાનો બોધ કરવાનો છું એમ રખે માનતા. એ માર્ગ વિકટ છે.
પરંતુ સાહિત્યનો માર્ગ પણ જાણે વિકટ હોય એવી ઘણાની માન્યતા છે. સાહિત્ય એટલે મહાભારે શબ્દોને સમૂહ, ન સમજાય એવા અર્થવાળી વાણી, કે મહામહેનતે પકડાય એવી કલ્પના. એવોભ્રમ સામાન્ય જનતામાં પેસી ગયો છે.
અને સાહિત્યકારો એટલે જાણે વિદ્વત્તાના ભારથી દબાઈ ગયેલા, આપણને ન સમજાય એવું ડહાપણ ઉચ્ચારનારા, ચિંતનમાં ઊંચી ચડી ગયેલી ભમરોવાળા, સહુનું નમન માગતા મહાપુરુષો અને મહાપંડિતો હોય એવો કાંઈક ભાસ થાય છે, નહિ?
અથવા ઊડતા અવ્યવસ્થિત વાળવાળા, ઠેકાણું વગરનાં કપડાં પહેરતા, રૂપાળા, પરંતુ વ્યસની અને શિથિલ નીતિવાળા અનિયમિત પ્રેમ પાછળ દોડતા ચક્રમ, બેદરકાર, મોજીલાવંઠેલ અને વિલાસી પુરુષોનો ખ્યાલ આવે છે. ખરું ?
આમાંનાં થોડાં અગર વધારે લક્ષણો કદાચ સાહિત્યકારમાં હોય પણ ખરાં, પરંતુ એ લક્ષણો એ સાહિત્ય કે સાહિત્યકારનું આવશ્યક તત્ત્વ છે એમ રખે માનતા ! સાહિત્યકાર ન હોય એવા કંઈક ભારેખમ માનવીઓને આપણે જોયા છે. સાહિત્યકાર ન હોય એવા કૈંક મોજી લહેરી માનવોને તમે ઓળખો છો. સાહિત્યને અને અતિ ડાહ્યાપણાને, સાહિત્યને અને અતિ મોજીલાપણાને આવશ્યક સંબંધ નથી જ. સાહિત્ય કે સાહિત્યકાર માટે ઊભા થયેલા આ ભ્રમ દૂર કરવા જ જોઈએ. સાહિત્ય એ માનવીનું માનવ જાતનું બળ છે, અને સાહિત્યકાર પણ મારા-તમારા જેવો જ માનવી છે. સાહિત્યકારને અસ્પૃશ્ય ગણી તેનાથી દૂર ન નાસશો. સાહિત્યકારની એક કલ્પિત મૂતિ બનાવી તેને દેવ–મંદિરમાં પધરાવી દૂરથી એને નમન પણ ન કરશો. સાહિત્યકાર આપણાથી જુદો નથી. હું અને તમે પણ સાહિત્યકારની બહુ જ નજીક હોઈ શકીએ,
કારણ ?
બાળપણથી સાહિત્ય માનવજાતને ઘડે છે, મને અને તમને બાળપણનું કશું ભાન ન રહે એ સાચું, પરંતુ આપણને સુવાડતાં હીંચોળતાં આપણી માતા કે મોટી બહેન હાલરડાં ગાતી એટલો ખ્યાલ તો આપણે સ્મૃતિમાં સંધરી રાખ્યો છે :
હાલ વ્હાલા ને હલકી,
આંગણે વાવોને રે ગલકી
એ હલકી અને ગલકીના સહેલા પ્રાસ વાળી કવિતા આપણો પહેલો –બાલ્યાવસ્થાનો–સાહિત્યપ્રવેશ. અને આવાં હાલરડાં અને બાલગીતોનો પરિચય આપણને નાનપણથી થાય છે. નહિ ? બાલપણનાં ઘણાંય ગીત તમને યાદ હશે. આજની માતાઓને હાલરડાં આવડે છે કે નહિ તેની મને ખબર નથી, પરંતુ માતા અને બાળક વચ્ચેનો સંબંધ હાલરડાં અગર બાલગીતમાં સ્ફુટ ન થાય તો માનવી માનવી મટી જાય એવો મને ભય લાગે છે.
પછી આપણે નિશાળે જઈએ છીએ. નિશાળમાં પણ સાહિત્યનો આપણે સ્પર્શ કરીએ છીએ.
ઊડું જગે ઊડું વને
રીઝું હું રીઝવું તને
જેવી કવિતાથી શરૂ કરી આપણે
ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પ્હાડ સરખો
જેવાં કાવ્ય વાચનમાળામાં વાંચીએ છીએ, મોઢે કરીએ છીએ, અને મોજ આવે તો એકલા ગાઈએ પણ છીએ. આપણો રાગ સારો હોય તો બીજાઓ પણ આપણને આ કવિતાઓ ગવરાવે.
વાચનમાળામાંથી આપણે નર્મદ, દલપત, દયારામ, પ્રેમાનન્દ કે શામળ જેવા કવિઓનાં જીવનચરિત્રો પણ જાણતા થઈએ છીએ અને તેમની થોડી સાહિત્યપ્રસાદી પણ ચાખીએ છીએ.
અને જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તેમ તેમ આપણે સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપનો પરિચય મેળવતાં જઈએ છીએ. જીવનની જુદી જુદી પરિસ્થિતિ પણ આપણને સાહિત્યનાં અનેકવિધ દર્શન કરાવે છે.
ગામડામાં આપણે રહેતા હોઈએ તો મહાભારત, રામાયણ કે ભાગવતની કથા સાંભળવાના આપણને પ્રસંગે મળે. શહેરમાં રહેતા હોઈએ તો જન્માષ્ટમી કે રામનવમી દિવસે કૃષ્ણજ્યંતી કે રામજયંતીની સભાઓ આપણને એ જ મહાભારત–રામાયણનો પરિચય જુદે સ્વરૂપે કરાવે. અને આપણી સંસ્કૃતિને-આપણા જીવનને ઘડનાર આપણા મહાપુરુષોનો જીવન–પરિચય આપણી કલ્પનાને ઉત્તેજિત કરે, આપણા હૃદયમાં ઉત્સાહ પ્રેરે, આપણા જીવનમાં જોમ લાવે અને તેમને પગલે ચાલવાની પ્રેરણા આપી એક ડગલું આગળ ભરાવે. આ એક રીતે જોઈએ તે પણ આપણો સાહિત્ય-માર્ગ. વળી આપણે કોલેજમાં જઈએ કે ન જઈએ તો પણ આપણી વય તો ખીલે જ છે. વય ખીલવાની સાથે આપણને જગત ઉપર અવનવા રમણીય રંગ પથરાતા લાગે છે. જગત ભલે એનું એ જ હોય, પરંતુ એક પાસ આપણું યૌવન સાહસની, શૌર્યની, પરાક્રમની મહેચ્છાઓ આપણામાં ઊભી કરે છે અને એ મહેચ્છાઓ સફળ થાય કે ન થાય છતાં આપણી પાસે જીવન નિભાવવાની, ચલાવવાની, જીવનને ઊંચે લઈ જવાની છે એ કરતાં વધારે સારા સંયેગો ઊભા કરવાની પ્રવૃત્તિઓ તો જરૂર કરાવે છે. એમાં સફળતા મળે, નિષ્ફળતા મળે, અગર બન્નેના મિશ્રણ જેવી સ્થિતિ પણ રચાય. આ યુગનું આપણું માનસ–ઘડતર આપણને બહાદુર બનાવે એટલે આપણે નર્મદની સાથે ગાઈ પણ ઊઠીએ કે
સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે
દેશભક્તિની ભાવનામાં આપણે ઉચ્ચારીએ કેઃ
જય જય ગરવી ગુજરાત.
અને આમ વીરરસના સાહિત્યનો ધીમે ધીમે પરિચય કરી લઈએ છીએ. આપ સહુ યાદ કરી જુઓ કે આપને આવાં કેટકેટલાં ગીતે આવડે છે ? -
આ યુગમાં જેમ તમે વીરરસ અનુભવો છો તેમ તમે એક એવા પ્રકારનો ભાવ અનુભવે છે ને જે ભાવમાંથી તમારું અને સહુનું ભાવિ જીવન ધડાય છે, એ ભાવનું નામ પ્રેમ. એ શબ્દનો ઉચ્ચાર કરતાં જરા શિષ્ટતાસંકોચ અનુભવે છે. વિવેક એ શબ્દને ઓછામાં ઓછો વાપરવા પ્રયત્ન કરે છે અને મર્યાદા જાણે પ્રેમ જેવી વસ્તુ, વિકાર કે ભાવ છે જ નહિ એમ માનવા–મનાવવા મથન કરે છે. અને છતાં માનવજાત–સ્ત્રી અને પુરુષ પ્રેમ અનુભવે છે અને એ પ્રેમમાંથી આખા જીવનની–સંસારની ઘટમાળ ઊભી કરે છે.
એ ભાવની પ્રબળતામાં સહુને ગરબા ગમે છે, નાટક-સિનેમા જોવા ગમે છે નૃત્ય-સંગીત જોનું સાંભળવું ગમે છે, વાર્તાઓ વાંચવી ગમે છે અને પ્રેમકવિતા–છૂપી કે જાહેર રીતે-વાંચવાની આપણને ટેવ પડે છે.
આ ભાવથી ભય પામવાની જરૂર નથી. પ્રેમ જો માનવીને નિર્બળ, નિર્માલ્ય, કાયર, જુઠો અને લુચ્ચો બનાવે તો જરૂર જાણવું કે પ્રેમમાં કાંઈ ખામી કે ઝેર રહેલું છે. પરંતુ તેમ ન હોય તો તમે ભલે ગરબા જુઓ અને વાંચો, નાટક જુઓ અને તેનાં ગીત મોઢે કરો, અગર 'કલાપી' કે 'નાનાલાલ' ને વાંચી, 'સરસ્વતીચંદ્ર' કે 'ગુજરાતનો નાથ' નિહાળી તમારા પ્રેમને વિશુદ્ધ આકાર આપો. હું ના કહીશ તો પણ તમે આ બધું કરવાના જ. તે સમયે તમે એટલું યાદ કરજો કે તમારા આ ભાવને સાહિત્યનો ખૂબ સાથ છે.
શૃંગારરસનું નામ તો તમે સાંભળ્યું હશે, નહિ? એનાથી જરા બીવાનું પણ તમને કહેવામાં–સૂચવવામાં આવ્યું હશે. શૃંગારરસ કવિતામાં, વાર્તામાં નાટકમાં જ્યારે તમે નિહાળો ત્યારે જાણજો કે એ તમારા જીવનના આધારરૂપ પ્રેમની વાણીપ્રતિમા–કલ્પનાપ્રતિમા છે. તમારા મનોભાવ તમે એ વાણીમાં વાંચો ત્યારે સાહિત્ય સર્જાય છે. અને તમને પૂછવાની જરૂર છે કે તમે કયાં કયાં પ્રેમગીતો વાંચ્યાં? કઈ કઈ નવલકથાઓ વાંચી ? કયાં કયાં નાટક-નૃત્ય નિહાળ્યાં ? સાહિત્યથી ભડકશો નહિ એ બીજું કશું જ કરતું નથી. તમે જે ભાવ, ઊર્મિ, લાગણી, વિચાર કે આવેગ અનુભવો છો એનું એ માત્ર પ્રતિબિંબ પાડે છે. કહો, તમે અને સાહિત્ય એકબીજાથી બહુ દૂર છો ? સાહિત્યનો માર્ગ અને તમારો માર્ગ શું આ સ્થળે એક છે એમ તમને નથી લાગતું ?
અને સાહિત્યકાર પણ કાંઈ તમારાથી અળગું વ્યક્તિત્વ ધરાવતો માનવી નથી, જેનાથી તમારે આધા ખસવું પડે. તમે જે અનુભવો છે તે સાહિત્યકારવાણીમાં ઉતારે છે. એ વાણી છંદ કે લયમાં ઊતરે, પાત્રોના ઘડતરમાં ઊભી થાય અને તમને ગમે એવા કાંઈકાંઈ આકાર તે ધારણ કરે. અને કાવ્ય કહો, નિબંધ કહો, નાટક કહો, નવલકથા કહો, નવલિકા કહો ! એ બધાં અભ્યાસીઓએ, પંડિતોએ ઉપજાવેલાં વર્ગીકરણો છે. આપણે સામાન્ય બુદ્ધિના માનવીઓ એને સાહિત્ય તરીકે ઓળખીએ તે બસ છે. અને એ તમારા જ મનોભાવને આકાર આપવા મથતા કારીગર સાહિત્યકારને તમે તમારાથી જુદો માની ન્યાત બહાર ન મૂકો. સાહિત્યકાર તમારી જ મૂર્ત્તિ છે એ ભૂલશો નહિ. હા, તમે કદી પ્રેમ કર્યો ન હોય, કદી પ્રેમ કરવાના ન હો, માનવ જાતમાંથી પ્રેમ દૂર કરવાની તમે ભીષ્મપ્રતિજ્ઞા લીધી હોય નો જુદી વાત છે. એવે સમયે સાહિત્યકારને–તે પણ પ્રેમ–સાહિત્ય લખનારને ભલે તમે ધકકો મારી દૂર કરો
એ સાહિત્યકારને દૂર કર્યાથી પણ સાહિત્ય તમને-માનવીને–છોડવાનું નથી. ધનિકોને કદાચ પ્રેમ વગર ચાલે ! પરંતુ સાહિત્ય તો ધનને અને ધનિકોને પણ છોડતું નથી. ધનવાનોને એ કહે છે:
નિર્જળ ગામ નવાણ ગળાવો,
નવા કૂવા નદી તીર તળાવો,
શેાધી જૂનાં ફરી સદ્ય સુધારો
એ ધનના ધણી ધર્મ તમારો.
ઉપરાંત ધનની અસ્થિરતા, ચલપણા ઉપર તો સાહિત્યના સાટે પ્રાચીન કાળથી ફરી વળ્યું છે. મીરાંબાઈ ધનિકને સાચું ધન બતાવે છે :
અમો અબળાંને મોટી મીરાંત બાઈ!
શામળે ઘરેણું મારે સાચું રે.
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિને મ્હારે હૈયે રે.
ચીન્માળા ચતુર્ભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે.
ધનવાન ન હોય તેને માટે આ પણ આ સાહિત્ય આશ્વાસનરૂપ તો બને છે. હું અને તમે ધનવાન નથી જ. હું પૂછું છું અને સાહિત્ય પણ પૂછે છે : ધન વગર આપણને જીવન અકારું થઈ પડયું છે? ભલે હા કહો. હું આગળ પૂછું: ધન વગર ચાલશે; પ્રેમ વગર ચાલશે? ધન અને પ્રેમ વચ્ચે પસંદગી કરવાની હોય તો તમે શું કરશો? તમે ધન વગર ચલાવશો; પ્રેમ વગર નહિ જ ચાલી શકે; પછી ભલે તમે ભવિષ્યમાં પસ્તાઓ !
જીવનમાં સુખ-દુઃખ, શોક-હર્ષ, હાસ્ય–અશ્રુની ઊર્મિઓ ઊછળ્યા જ કરે છે. સાહિત્ય એ સઘળું ઝીલી લે છે અને વિશુદ્ધ બનાવી સમાજને પાછું સોંપે છે. દુઃખમાં સાહિત્યકાર નરસિંહ મહેતો આવી આપણા કાનમાં કહી જાય છે: સુખ-દુ ખ મનમાં ન આણીએ,
ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં કોઈનાં નવ ટળે.
અને આપણને અશ્રુભીના નિહાળતાં કલાપીનું ગુંજન ગુંજી ઊઠે છે કેઃ
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની
ફેડ–કે ફાઉડ કહે છે તેમ, કદાચ પ્રેમને જાતીય આકર્ષણનો ઝોક આપણા આખા જીવનને ઘડતો હોય કે ભાંગતો હોય. પરંતુ આખી માનવપ્રવૃત્તિની કુંચી એમાં જ રહી છે, એ સિવાય બીજા કશામાં જ નહિ, એવું કથન સ્વીકાર માટે હજી વધારે પુરાવા લાગે છે. એ સિવાયના કૈંક સુંદર ભાવ અપણા જીવનને ઘડી રહ્યા છે. રાખડી બાંધતી બહેન, નિસ્વાર્થ મિત્ર, બદલો ન માગતું વાત્સલ્ય એ સર્વ આપણા માનવજીવનની મોંઘી સમૃદ્ધિઓ. એ બધાય ભાવને જીવતા રાખતા સાહિત્યથી માનવજાત-હું અને તમે—કેટલે દૂર ભાગીશુ ?
કદાચ કોઈ એમ કહે કે તત્વજ્ઞાન સાહિત્યને ધક્કો મારે ! તપશ્ચર્યા સાહિત્ય સામે જુએ પણ નહિ . ઈતિહાસને સાહિત્યને અડે પણ નહિ ! |
મારી સલાહ છે કે આપ એ સાચું ન માનશો. સાહિત્ય વગર તત્ત્વજ્ઞાનને, તપશ્ચર્યાને કે ઇતિહાસને પણ ચાલ્યું નથી.
ગીતા તો તત્ત્વજ્ઞાની જરૂર વાંચે. ઉપનિષદ્ પણ તત્ત્વજ્ઞાની જરૂર જુએ. આટલી નાનકડી વાતચીતમાં હું તમને કેમ બતાવી શકું કે ઉપનિષદ અને તેના દેહનરૂપ ગીતામાં કહિતા-સાહિત્ય તો ભર્યું ભર્યું છે ! વિરાટ દર્શન ની ભવ્ય કલ્પના બાજુએ મૂકીએ. વિભૂતિયોગ તો વાંચ્યા છે ને ? પ્રભુના પ્રત્યેક વિભૂતિમાં સમાયેલા સ્વરૂપના વર્ણનને કવિતા નહિ કહીએ તે બીજે કયાં કવિતા જડશે?
વળી
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જુજવે રૂપે અનંત ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
ઇતિહાસવેત્તાઓ જ આપણને કહી રહ્યા છે કે સાહિત્ય વગર ઈતિહાસ શોધ્યો જડત નહિ. પ્રાચીન ઈતિહાસ એટલે જ પ્રાચીન સાહિત્ય. વળી ગીબન, મેકોલે એને ફાઉડના ઈતિહાસની ભાષા સાહિત્યભાષા કહેવાય છે. એ જાણો છો ?
અને માત્ર રાજાઓનાં જન્મમરણની સાલ,તેમનાં યુદ્ધો, તેમના વિજયપરાજ્ય એ હવે ઈતિહાસને આવરી લેતાં અટકી ગયાં છે. હવે તો પ્રજાની પ્રવૃત્તિઓ, મનેભાવ, પ્રજાકીય ઉલ્કાપાતો અને સંચલનો એ જ ઈતિહાસ મનાય છે. સાહિત્યમાં જૂના ઇતિહાસ ઊભા કરવાના જ માત્ર હેય છે એમ નહિ, પરંતુ નવા ઇતિહાસ રચવાની પણ તાકાત છે એ કોઈ ન ભૂલે. ફ્રેન્ચ રેલ્યુશન, રશિયન ક્રાન્તિ અને હિન્દના અહિંસક વિપ્લવમાં સાહિત્યનું સર્જન છે, ઘડતર છે એ કેમ ભુલાય?
આપણે સાહિત્યની બહુ લાંબી વાત કરી. હું સાહિત્યકાર નથી એટલે સાહિત્યના માર્ગ દર્શાવતાં સાહિત્યની આખા જીવન ઉપર કરી વળતી અસર વિષે હું વાત કરી ગયો, આટલું કહ્યા પછી મને સાહિત્યનો માર્ગ તમને બતાવી શકાય એવો જડે છે. સાહિત્યનો માર્ગ કયો?
બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી–જન્મથી મૃત્યુ સુધીના સર્વ પ્રસંગથી ભરેલા જીવનને પોતાના આકારમાં ઉતારતો સાહિત્યનો માર્ગ તો આપણી સામે જ પડયો છે. કેટલો સ્પષ્ટ એ માર્ગ દેખાય છે! આપણે માનવીઓ જે માર્ગે જઈએ છીએ એ જ માર્ગે સાહિત્ય પણ આવે છે ! એમાં પણ આપણાં જન્મ, આપણા આર્દશો, આપણી આશાઓ આપણાં કાર્યો, આપણી ખામીઓ આપણે નિહાળીએ છીએ.
આયનામાં હું અને તમે આપણાં–પોતપોતાનાં મુખ જોઈએ છીએ, નહિ? ઉમ્મર સહજ વધતી હોય તો સંકોચ સાથે અને નહિ તો પ્રફુલ્લતાથી આપણે આપણાં દર્પણ સામે ઊભા રહીએ છીએ એ વાત છુપાવવામાં કશો અર્થ નથી. મુખડા કયા દેખો દર્પનમેં
એમ કબીર ભલે ગાય. આપણે તો દર્પણ મુખ જેવાના જ. પ્રતિબિંબ બતાવવું એ આયનાનો ધર્મ.
તમને નથી લાગતું કે સાહિત્ય પણ આપણા જીવનનું પ્રતિબિંબ છે? જે માર્ગ માનવજાતનો તે જ માર્ગ સાહિત્યનો. હવે આપણે કહી શકીએ કે સાહિત્ય એ માનવીની વાણીપ્રવૃત્તિ, માનવીમાં જોર હોય તો જોરદાર વાણી ઉચ્ચારાય; માનવી રોતલ હોય તો વાણીમાં રુદન આવે.
અને વાણી દ્વારા માનવ-સૃષ્ટિનું જે પ્રતિબિંબ રચાય છે એ સાહિત્ય એનો માર્ગ સરળ છે. જેવું જીવન તેવું સાહિત્ય.
માટે જ મારી વિનંતી કે સાહિત્ય અથવા સાહિત્યકારથી દૂર ભાગવા મથશો નહિ એ તમે જ છો-એ તમારાં જીવતાં પ્રતિબિંબ છે. તમને, તમારા ભાવને અને ઊર્મિઓને સાહિત્ય આકાર આપે છે. તમારી છબી પાડી લેતું વાતાવરણ તમારી આજુબાજુ એ રચે છે. તમે એનાથી દૂર નાસી શકશો જ નહિ. તમે અને સાહિત્યકાર-પ્રજાજીવન અને સાહિત્ય એ એક જ છે. તમારા માર્ગ એ જ સાહિત્યનો માર્ગ. તમે માર્ગ ચૂકશો તો સાહિત્ય પણ માર્ગ ચૂકશે. તમને હસતાં ન આવડે, તમને રોતાં ન આવડે, તમને પ્રેમ કરતાં ન આવડે તો સાહિત્યને પણ તે કયાંથી આવડે ? જે માર્ગે માનવીનું પ્રયાણ એ માર્ગે સાહિત્યનું પ્રયાણ.
અહીં મને શરૂઆતનું ગીત યાદ આવે છે: “હરિનો મારગ છે શૂરાનો એ સાચું; પરંતુ આખી માનવ–પ્રવૃત્તિ એ શું હરિનો મારગ નથી? હરિનો મારગ એટલે પળે પળે ઉચ્ચ બનતા જવું, વિશુદ્ધ બનતા જવું, વ્યાપક પ્રેમમાં લીન થતા જવું અને સર્વ પ્રત્યે સમાનતા–એકતા અનુભવી હરિનો ઉદ્દેશ સિદ્ધ કરવો.
જો આ સત્ય હોય તો મારે કહેવું જોઈએ કે સાહિત્યને મારગ પણ શૂરાને મારગ છે.
સાહિત્ય પ્રતિબિંબ ખરું; પરંતુ માત્ર પ્રતિબિંબ નહિ. સૂર્યકિરણનું પ્રતિબિંબ પણ વસ્તુને બાળે છે અને ઉષ્મા આપે છે એ તો જાણો છો ને ? એવી જ રીતે સાહિત્ય એ પ્રેરક બળ પણ ખરું. આપણી જનતાના જીવનનો સાચો પડઘો પાડવા માટે, એ પડઘા દ્વારા વિશાળ જનતાને પ્રેરણા આપવા માટે યોજાતી સાહિત્યવાણી સાચા માર્ગે જાય છે અને ત્યારે જ કહેવાય કે જ્યારે સાહિત્ય માનવીનો માર્ગ પણ ચોખ્ખો કરી આપે. સામાન્ય સાહિત્ય પ્રતિબિંબ બનીને આનંદ આપે, માર્ગદર્શક બળ બનીને એ આપણા ધ્યેય તરફ ઘસડી જાય ત્યારે એ અમર સાહિત્ય બની શકે.
આપ સહુ સાહિત્યને-સાહિત્યકારોને સમભાવથી પોતાના માની લો તેથી સાહિત્યમાં અમર સર્જન પણ થશે. ! સમત્વસૂચક જીવન–સાચું જીવન આપણું હોય તો સાહિત્ય પણ સાચી જ અને અમરકૃતિ આપશે જ આપણા માનવીના અને સાહિત્યના માર્ગ એક જ છે. સાહિત્યએ માનવીનો સાચો સંસ્કારમાર્ગ.