લખાણ પર જાઓ

સાહિત્ય અને ચિંતન/સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ

વિકિસ્રોતમાંથી
સાહિત્ય અને ચિંતન
સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ
રમણલાલ દેસાઈ
સાહિત્યનો માર્ગ →




સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ
[ ૧ ]


સાહિત્યને વિવિધ દૃષ્ટિએ નિહાળવામાં આવે છે. એ સર્વ પ્રકારની દૃષ્ટિ પાછળ કોઈ ને કોઈ વિશિષ્ટ માન્યતા રહી હોય છે, જે દૃષ્ટિભેદનું મૂળ કારણ છે.

કોઈ માન્યતા એવી જ હોય છે કે સાહિત્યકાર જન્મસિદ્ધ જ હોય : સાહિત્યકાર એ ઘડ્યો ઘડાતો નથી: Poets are born, not made. એ અંગ્રેજી કથનના પડઘારૂપ એ માન્યતા. આ માન્યતા જો સોએ સો ટકા સાચી હોત તો કુદરત જરૂર સાહિત્યકારોને જન્મથી જ કોઈ વિશિષ્ટ ચિહ્ન આપત. પરંતુ આપણે જાણીએ છીએ કે સાહિત્યકારોના જન્મ સમયે દેવનાં દુંદુભિ વાગતાં નથી, ગાંધર્વ કિન્નરો ગાતા નથી અને અપ્સરાઓ પુષ્પવૃષ્ટિ કરવા આકાશમાં ઊડી આવતી નથી. સામાન્ય બાળકોની માફક સાહિત્યકાર પણ રોતો રોતો અવતરે છે ! સાચી વસ્તુ એટલી જ કે જીવનનાં અનેક વલણોમાંથી સાહિત્યકાર સંયોગવશાત્‌ સાહિત્ય તરફ વળે છે. સાહિત્ય પણ એક માનવસંસ્કાર વલણ છે.

વળી એવી પણ એક માન્યતા છે કે સાહિત્ય અતિ વિદ્વત્તા માગે છે, કુશાગ્ર બુદ્ધિ માગે છે, ઊર્મિ અને શુદ્ધિની અજબ ઝમક માગે છે. આપણાં બેત્રણ મહાકવિઓ સંબંધી પ્રચલિત દંતકથાઓ વિચારીશું તો આપણને દેખાઈ આવશે કે આ માન્યતા પૂરેપૂરી સાચી નથી. મહાકવિ કાલિદાસનું બાળપણ અને કૌમાર મૂર્ખાઈનો નમૂનો હતું, એમ એક માન્યતા છે. આપણો ગુર્જર મહાકવિ પ્રેમાનંદ બાલ્યાવસ્થામાં મૂઢપણાનો પરચો આપતો હતો. લાલિત્યઅવતાર સરખો દયારામ વર્ષો સુધી રખડેલ રહ્યો અને એ રખડપાટમાંથી બનારસના વિશ્વનાથનું દર્શન એને કવિતા સ્ફુરાવી શક્યું. નરસિંહ મહેતા જીવ્યા ત્યાં સુધી મહાબુદ્ધિશાળી નાગરી ન્યાતને એની બુદ્ધિ માટે માન હોય એમ દેખાયું નથી. અમુક પ્રકારની વિદ્વતા કે બહુશ્રુતપણું સાહિત્યને ઉપયોગી થઈ પડે છે એ ખરું; કુશાગ્ર બુદ્ધિ સાહિત્યને અને સાહિત્ય કરતાં સાહિત્યના વિવેચનને સ્પષ્ટતા આપે એ પણ સાચું. ઊર્મિની ઝમક સાહિત્યને સાચા રણકારવાળું બનાવે એ આપણે સ્વીકારીએ. પરંતુ વિદ્વત્તા, બુદ્ધિ કે ઊર્મિનું ઊંચામાં ઊંચી કક્ષાએ મિશ્રણ થયા વગર સાહિત્ય જન્મે પણ નહિ એમ માનવામાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસની વિદ્વત્તા આજે પણ પ્રશંસા પામે એમ છે. પરંતુ તેથી જ એમને કવિ–સાહિત્યકાર કહી શકાય નહિ. પરંતુ એમનાથી કદાચ ઓછા વિદ્વાન એમના ભાઈ છોટમ ‘કવિ’ હતા; વ્રજલાલ કવિ નહિ. અમદાવાદના અનેક શેઠિયાઓ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે, પરંતુ તેઓ સાહિત્યકાર થવાને બદલે સાહિત્યકારોને વેચાતા રાખી શકે એવી ધન–ઉપાર્જનની જાદુઈ કલામાં પ્રવીણ બનેલા હોય છે. સર ચિનુભાઈ કે અંબાલાલ સારાભાઈનાં પુસ્તકાલયો કોઈપણ સાહિત્યકારનાં પુસ્તકાલયો કરતાં વધારે સમૃદ્ધ હશે જ. પરંતુ એમના નામ ‘ગ્રંથ અને ગ્રંથકાર’ માં હજી આવ્યાં હોય એમ દેખાતું નથી; અને સાહિત્યકારમાં તેમની ગણના ન થવાથી તેમને દુઃખ થયું હોય એમ પણ જાણવામાં નથી ! વળી ઊર્મિનું છલાછલપણું એ જ જો સહિત્યનું એક લક્ષણ હોય તો પ્રત્યેક રડકણી છોકરીને આપણે કલાપીની હારમાં બેસાડી દેવી પડે; કૉલેજમાં ભણતા પ્રત્યેક યુવકને ‘દિલદારનાં દર્શન વિના બીજુ મને ગમતું નથી’ એમ ગાતા મસ્ત કવિ બાલની સાથે મૂકવો પડે; અને પ્રત્યેક વઢકણા પુરુષને બળવંતરાય કે નાનાલાલનું આસન આપી દેવું પડે. સાહિત્ય માટે વિદ્વત્તા, અતિ તીવ્ર બુદ્ધિ કે ક્ષણેક્ષણે હાલી ઊઠતી ઊર્મિ ચોવીસે કલાક માટે આવશ્યક હોય એમ માનવાની જરૂર નથી. સાહિત્ય પ્રભુ દીધી પ્રસાદી છે કે કુદરત દીધી કરામત છે એમ કહેતી વખતે સાહિત્ય એ માનવહૃદયની એક સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને સાહિત્યકાર એક Normal – સમધારણ માનસવાળો માનવી છે એ ભૂલવાની જરૂર નથી. જન્મથી જ સાહિત્યકાર હોવાનો દાવો સાહિત્યકારોને નિરર્થક ચડાવી મૂકે છે અને ફાંટાબાજ બનવા પ્રેરે છે. Superiority Complex – મોટાઈભર્યું માનસ એ સાહિત્યકારને દૂષિત કરે છે અને સાહિત્યથી સચ્ચાઈના રણકારનો લોપ કરી દે છે. કોઈ કવિતા કે કશી નવલકથા લખી એથી સાહિત્યકારને મિલઓનસ એસોસિયેશન, નેશનલ કોંગ્રેસ કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પ્રમુખ સ્થાન આપવું જ જોઈએ એમ સાહિત્યકારે માની લેવાની જરૂર નથી. કવિતા લખી પોતાની બહુ મોટાઈ માનનાર એક કારકુને કવિતા ન લખનાર ઉપરી સાથે પોતાની મોટાઈ આગળ કરી ઝઘડો કરી નોકરી ખોયાનું મેં જોયેલું દૃષ્ટાંત સાહિત્યકારને માટે શોભાસ્પદ ન જ કહેવાય.

સાહિત્ય કે સાહિત્યકારને ઉતારી પાડવા જેવાં આ કથન પાછળ એક બે ઉદ્દેશ રહેલા છે : સાહિત્ય એ માનવ સંસ્કારનું મહાસંચલન: પરંતુ એ એકલું જ મહા સંચલન નથી એમ સાહિત્યે સમજવું જોઈએ; અને સાહિત્યકાર એક વિશિષ્ટતાભરી વ્યક્તિ હોવી છતાં ઐતિહાસિક માનવ બળો જ એને ઘડે છે એમ સમજી એણે જનતા પ્રત્યે ઘમંડને બદલે સમાનતાતી ભાવના જ કેળવવી જોઈએ. સાહિત્યકારની વિશિષ્ટતા સામાન્યતાનો અર્ક છે એમ ઓળખવાથી સાહિત્યકાર વધારે સાચો, વધારે વ્યાપક અને વધારે ચિરંજીવી સંસ્કાર પ્રતિનિધિ બની જાય છે. સામાન્યતા અને સાહિત્ય વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે.

સાહિત્યને, સાહિત્યકારને જનતા ભલે માન આપે. એ માન એવા પ્રકારનું હોવું ન જ જોઈએ કે જે સાહિત્યકારને જનતાથી અતિ ઊંચો દેવ બનાવી મૂકે. સાહિત્યકાર સામાન્યતા પ્રત્યે જ્યારે તુચ્છતા અનભવે ત્યારે એ જનતાનો પ્રતિનિધિ બનતો અટકી જાય છે. ધનવાન, વિદ્વાન, સત્તાવાન, ગુણવાન, કે રૂપવાન માનવી જ્યારેજ્યારે પોતાની સંપ્રાપ્તિનું અભિમાન સેવી અને આક્રમક વિકાસ કરે છે ત્યારેત્યારે તે માનવી મટી રાક્ષસ બની જાય છે. સાક્ષર પણ એક માનવ તો છે જ. એની સાક્ષરતાનું અહં બીજાઓને ભોંકાય એવું આરાવાળું, ધારવાળું બની જાય ત્યારે સાક્ષર પણ એક રાક્ષસ બની જાય છે. અહંકાર એટલે જ અહંનું આક્રમણ. એ વ્યક્તિમાં હોય કે પ્રજામાં હોય; એ કલાકારમાં હોય કે સાધુમાં હાય; આક્રમણ સર્વથા વિકાસવિરોધી બળ બની જાય છે. સાહિત્યથી, સાહિત્યકારથી વિકાસવિરોધી ન બનાય. એટલે સાહિત્યકારની મોટાઈ આક્રમક્ર હોવી ન જોઈએ; એના અહંમાંથી ઊપજેલી ન હોવી જાઈએ.

[૨]

સાથેસાથે સાહિત્ય કે સાહિત્યકારે બીજાઓને પડછે ખાસ શરમાવાની પણ જરૂર નથી. નવલિકા લખનાર કશું પાપ કરતો નથી, કવિતા રચનાર કઈ કલંકને નોતરતો નથી. સાહિત્ય પ્રત્યે–એટલે સાહિત્યકાર પ્રત્યે ઘણીવાર જનતાનો કેટલાક ભાગ મહેરબાનીની નજરે નિહાળે છે:–

‘લેખક છો ? એમ કે ? વાહ ! બહુ સારું !’

એમ કહી લેખકની જરાય કિંમત મનમાં ન હોવા છતાં મહેરબાનીભર્યો વિવેક દર્શાવવાની શિષ્ટતા સમાજમાં જાણીતી છે. સાહિત્યકારે કોઈની મહેરબાની માગતા ફરવાની જરૂર નથી. મહેરબાની માગનારા ભિક્ષુકનું માનસ ખીલવે છે.

પરંતુ આટલી ચે શિષ્ટતા ન રાખનારો એક વર્ગ સાહિત્ય પ્રત્યે મહેરબાનીને બદલે તુચ્છપણું પણ સેવતો હોય છે.

‘પુસ્તકો લખ્યાં છે? પણ આપણે સાહિત્યમાં કાંઈ ન જાણીએ. એ સાહિત્યફાહિત્યમાં આપણને બહુ સમજ ન પડે !’

સાહિત્યથી દૂર રહેવામાં માન સમજતા વર્ગનું આ કથન નમ્રતાસૂચક હોતું નથી. સાહિત્ય જેવી તુચ્છ, નિરુપયોગી વસ્તુનો સ્પર્શ કરવાની પણ જરૂર નથી, એમ ઘમંડસૂચક માનસ–Superiority complex માંથી આ શબ્દ ઉપજી આવે છે.

કેટલાંક વર્ષો પર એક સદ્‌ગત સારા સાહિત્યકાર જે ધર્મગુરુ પણ હતા તેમના મંદિરનું ઉદ્‌ઘાટન કરવાને પ્રસંગે તેમના સાહિત્યની ઉચ્ચ કક્ષા ઉપર ભાર મુકાયો. પ્રમુખસ્થાને બિરાજેલા એક ન્યાયમૂર્તિને લાગ્યું કે સાહિત્યકારે તો કૈંક થયા અને થશે; પરંતુ ધર્મગુરુ થવા મુશ્કેલ છે. તેમને લાગ્યું એ પ્રમાણે તેમને કહ્યું પણ ખરું. હિંદમાં સાહિત્યકારો અને ધર્મગુરુઓના વર્ગ પાડી વસતિગણતરી કરવામાં આવે તો સાહિત્યકારોની સંખ્યા વધે કે ધર્મગુરુઓની, એ પ્રશ્ન આપણે બાજુએ મૂકીએ. પરંતુ સાહિત્યના પક્ષપાતી એક શ્રોતાએ મને તો આ સાંભળીને કહ્યું જ કે :

'સાહિત્યકારો કૈંક થઈ ગયા એ સાચું પણ મુંબઈ હાઈકોર્ટમાં થઈ ગયેલા જડૂજો કરતાં સાહિત્યકારોની સંખ્યા હજી વધી નથી.'

સાહિત્યકારોએ સાહિત્યસર્જનમાં Inferiority complex લઘુવૃત્તિ સેવવાની પણ જરૂર નથી. સાહિત્યમાં સમજ પડતી નથી એમ અભિમાનપૂર્વક કહેનારે જાણવું જોઈએ કે ઈંડિયા કંપનીના વ્યાપારી ચાલકોમાંના ઘણું સારું લખી શકતા અને એ જ કંપનીના યોદ્ધાઓ અને મુત્સદ્દીઓ સારા સાહિત્યની બહુ પાસે આવે એવું લખીને હિંદમાં સામ્રાજય સ્થાપી શકયા હતા. કેઈ વ્યાપારી કે મુત્સદ્દી સાહિત્યને હસતા પહેલાં ઇસ્ટઈડિયા કંપનીનાં દફતર-Records ને ન ભૂલે.

[૩]

સાહિત્યને અને વાણીને દેહ-આત્મા સરખો સંબંધ હોવાથી સાહિત્યકારોમાં એક પ્રકારનો એક પ્રચારઆવેગ કે ધૂન ઉત્પન્ન થાય છે કે જે સાહિત્યકારને એક ઉપદ્રવના સ્વરૂપમાં ફેરવી નાખે છે. બહુ બોલકણા માણસને અમુક કલાક સુધી જ આપણે સહન કરી શકીએ. ધૂની માણસની એકની એક વાત સાંભળવામાં વચ્ચે વચ્ચે આરામની સારા પ્રમાણમાં જરૂર રહે. જ્યારે અને ત્યારે વ્યાસપીઠ ઉપર ચઢી આવી દરેક વિષય ઉપર કાંઈ અને કાંઈ પ્રવચન કરવા પ્રેરાતા વ્યાખ્યાતા માટે શ્રોતાઓને એમ ઘણી વાર લાગે છે કે તેઓ પોતાની પ્રેરણાને પ્રવાહ અટકાવતાં શીખે તો વાણીનો વધારે સદુપયોગ થાય. વાણીનું બ્રહ્મચર્ય વાણીને વધારે સામર્થ્યવાન અને તેજસ્વી બનાવે છે, એ સત્ય આવી વખતે પ્રત્યક્ષ થાય છે. સાહિત્યકાર અને તે પણ આશાભર્યા નીવડતા સાહિત્યકારને પોતાની દાઈ કવિતા કે નવલિકા વંચાય અને વખણાય એવી ઈચ્છા રહે એ બહુ જ સ્વાભાવિક છે; સમજી શકાય—અને સહાનુભૂતિપૂર્વક સમજી શકાય એવી એ વૃત્તિ છે. એ વૃત્તિને પૂરતું ઉત્તેજન આપવાની પણ જરૂર છે. પોતાના બે-ત્રણ ઈષ્ટ મિત્રો કે મુરબ્બીઓની પોતાના સાહિત્ય માટેની છાપ કે દોરવણી તે મેળવે એમાં સાહિત્યકાર કશું ખોટું કરે છે એમ પણ કહેવાય નહિ. પરંતુ પોતાની કૃતિનાં વખાણ એથી પણ વધારે વિસ્તૃત બને, પોતે ઉત્પન્ન કરેલો ચમત્કાર વિશાળ જનતામાં સ્વીકાર પામે અને ટોપીમાંથી સસલું કાઢનાર જાદુગરની માફક સહુ કોઈ તેના તરફ વિસ્મય અને વખાણની ભાવનાસહ રહે જોઈ રહે એવી ગુપ્ત અર્ધગુપ્ત ઇચ્છા સાહિત્યકારને એક મહાઉપદ્ર-pest બનાવી મૂકે છે. કોલેજમાં પ્રોફેસરો નિદ્રાપ્રેરક ભાષણો કરતા હોય તે વખતે કેટલાક સંયમીઓ જાગ્રત રહેવા કવિતા લખતા હોય ત્યાં સુધી તેમની સાહિત્ય પ્રવૃત્તિને આપણે માફી આપી શકીએ. પરંતુ સાહિત્યનાં ધગધગતાં સ્ફુરણો એ સાહિત્યકારને ક્રિકેટના મેદાન ઉપર મિત્રોન કાન પાસે કવિતા લવતો કરી મૂકે ત્યારે આપણને જરૂર લાગે કે સાહિત્યને પણ સ્થળ અને કાળની મર્યાદા હોવી જોઈએ. સાહિત્ય એ આપણું સંસ્કારની છબી છે. પરંતુ મોટર-બસની મુસાફરીમાં ચઢ-ઉતરની ચિંતામાં પડેલા મુસાફરને કોઈ ઓળખીતો સાહિત્યકાર કવિતા વંચાવી સંસ્કારની છબી દેખાડે ત્યારે એ છબી વિકૃત બની જાય છે. વહાલી ની છે વહાલાં સંતાનોને પણ દૂર કરી નદીકિનારે કે બગીચામાં એકાંત શાધી બેસનાર જંજાળી પુરુષની આગળ સાહિત્યના પાનાં ખિસ્સામાંથી કાઢી, શૃંગાર, વીર કે હાસ્યરસની કૃતિ સમજાવવા મંથન કરનાર સાહિત્યકાર, એ ત્રણે રસને મહાકરુણમાં ફેરવી નાખે છે. બીભત્સ બાજુએ રાખીએ તો યે સાહિત્યકાર પોતાની સાહિત્યકૃતિ બતાવવા. વંચાવવા, સંભળાવવા કે કે સમજાવવા ગમે ત્યારે, ગમે તેને, ગમે તે સ્થળે તૈયાર–અતિ તૈયાર હોય છે, અને તેને લીધે સાહિત્યને અણગમતું બનાવી મૂકે છે. રસ્તે જતાં કોઈ વ્યકિતને ઉતાવળે જતી કે દોડતી હું જોઉં છું ત્યારે મને પ્રથમ ભય એ જ લાગે છે કે એ વ્યક્તિની પાછળ કોઈ સાહિત્યકાર નવી લખેલી કવિતા કે વાર્તા વંચાવવા પડયો છે શું? સંસારને સુખમય બનાવવા ઈચ્છતા સર્વ સંસારવિધાયકોને મારી એક બે વિનંતી છે –સાહિત્યકાર થવા ઇચ્છનાર સહુએ કપા કરી પોતાનાં સગા સંબંધીઓ, મિત્રો, ઓળખીતાઓ અને શુભેચ્છકોને પોતાના સાહિત્યથી જેમ બને તેમ દૂર રાખવાં; અને ખાસ કરીને પતિ સાહિત્યકાર હોય તે પત્ની અને પત્ની સાહિત્યકાર હોય તો પતિને જાણવા પણ ન દેવું કે તે સાહિત્ય કહેવાય એનું કશું લખે પણ છે! નહિ તો સાહિત્યમાં મૂકી ન શકાય એવું ઘણું ઘણું ઉપસાહિત્ય સાંભળવાનું જોખમ તેમણે વહોરી લેવું પડશે. આમ સાહિત્ય પ્રત્યે સામાન્ય દૃષ્ટિ કરતાં પ્રથમ તો લાગે છે કેઃ

(૧) સાહિત્ય એ ઈશ્વરી પ્રેરણા કે કુદરતદીધી કરામત છે, એમ ભલે વિવેચકો કહે. સાહિત્યકારોએ તે માનવાની જરૂર નથી.

(૨) સાહિત્યમાં ઊંડી વિદ્વત્તા, કુશાગ્રબુદ્ધિ કે ગગનચુંબી ઊર્મિના ઝોલા ભલે આવતા હોય; સાહિત્ય સિવાય બીજા કશા સંચલનમાં એ ન જ આવે એમ માનવું એ સાહિત્યની મર્યાદાઓ ન ઓળખવા જેવું થશે.

(૩) સાહિત્યનું અહં સાહિત્યકારને અહંકારી બનાવે ત્યારે એ સાહિત્ય અને સાહિત્યકાર આક્રમણકારી પ્રગતિરોધક બળ બની જાય છે

(૪) સાહિત્ય ગાંભીર્યરહિત વાતોડાપણાથી–વેવલાશથી કોઈ પણ કારણે સોંઘું અને હાસ્યજનક બનવું ન જોઈએ. વળગાડ કે ઉપદ્રવ બની બેસનાર સાહિત્યકારો આપણા ધારવા કરતાં ઓછા તો નહિ જ હોય

(૫) સાથે સાથે સાહિત્યે શરમાવાની જરૂર નથી, સંકોચાવાની જરૂર નથી, હીનતાસૂચક લધુમાનસગ્રંથેિ ઉપજાવવાની પણ જરૂર નથી. કારણ? સાહિત્ય એક વ્યાપક પ્રજાકીય અને પ્રજાપ્રિય સંચલન જે| પ્રવૃત્તિ છે.

[૪]

સાહિત્યના સાર્વજનિક સ્વરૂપ ઉપર ભાર મૂકવામાં એક બે કારણો છે. એક કારણ તો એ કે સાહિત્ય અને જનતાને કશો સીધો સબંધ ન હોય એવી એક મોટાઈ સાહિત્યને અંગે પ્રવેશ પામી ગઈ હતી અગર પામી ગઈ છે. દલપત અને નર્મદ સુધી સાહિત્યનું સાર્વજનિકપણું અમુક અંશે સચવાયું. પણ પછી તો સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી ભાષાના યુનિવર્સિટીના અભ્યાસે જે સાહિત્યકાલ ઉતાર્યો એની નૂતનતા અને એનાં વૈવિધ્ય સ્વીકારવા છતાં એમાં એક સ્પષ્ટ એ ખીલતું ગયું કે સાહિત્યે અંધોળ ધારણ કરી સામાન્ય જનતાના વલણ સ્પર્શથી વેગળા રહેવા માંડયું. નવલરામે આપણી કવિતાશૈલીના બે પ્રકાર પાડયાઃ એક સભારંજની અને બીજી મસ્ત પછી તો કવિતા અને સાહિત્ય એ બન્નેએ સભારંજની શૈલીને એક અછૂત સરખી ગણી બાજુએ નાખી દીધી, અને સાહિત્યકારોનો દષ્ટિકોણ એટલો બધો બદલાઈ ગયો કે શિષ્ટતાની છાપવાળી એક ઊંચી ન્યાત જ સાહિત્યમાં ઉદ્દભવી.

હિંદમાં આવીને ઇસ્લામી અને ખ્રિસ્તી ધર્મ પણ જાત જાતના વાડા બાંધતા થઈ જાય છે. નવી ઢબે સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્ય અભ્યાસીઓ આગળ રજૂ થયું એટલે પ્રજાએ સ્વીકારેલો પ્રાચીન ઢબનો સાહિત્યઉચ્ચાર અને સાહિત્યકાર બહુ જૂનવાણું લાગવા માંડયા. એનું એક પરિણામ એ આવ્યું કે સાહિત્ય સાર્વજનિક બનતું અટકી ગયું અને સાહિત્યનો ઉદ્દેશ રંજન કરવાનો પણ છે, એ તત્વને સમૂહ ઈન્કાર કરવામાં આવ્યો. કવિ, નવલકાર, નિબંધ લેખક: એ સર્વ જાણે એક બ્રાહ્મણની-અને તેમાંય નાગર કે શ્રીમાળીની સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણત્વના ઘમંડવાણી કેમ બની ગયા અને સામાન્યતાનો જાણે સાહિત્યમાં પ્રવેશ હાઈ જ શકે નહિ એવી ઢબે સાહિત્યને ન જોઈતું રક્ષણ આપવા લાગ્યા. ઓગણીસમી સદીનાં લગલગ પાછલાં ત્રીસ ચાળીસ વર્ષો અને વીસમી સદીના ગાંધીયુગ સુધી સાહિત્યકારોન બ્રાહ્મણત્વ શ્રેષ્ઠત્વ–ચાલુ રહ્યું. અને હજી પણ તે ચાલુ રહ્યું છે એમાં જરાય શક નથી. સાહિત્યની સમજ માટે પાત્રતા જોઈએ એવો અતિઆગ્રહ ઉત્પન્ન થયો, અને અમુક ઢબનું જ ભણતર ભણેલા, અમુક પ્રકારનો સંસ્કાર મેળવી ચૂકેલા, અમુક વર્ગમાં જ નિવાસ કરનારાઓ માટે સાહિત્ય લખવાનું હોય એવો એક ભ્રમ ઉત્પન્ન થયો.

કુસુમમાળા, સ્નેહામુદ્રા કે હૃદયવીણા કરતાં સુદામા ચરિત્ર, મામેરું કે પંચદંડ કાવ્યશક્તિમાં ચઢે કે ઊતરે? એની ચર્ચા સર રમણ ભાઈએ કરી છે અને એ ચર્ચાઓના અભ્યાસ પણ કોલેજોમાં થતા હશે. સાહિત્યવિવેચકોએ કદી ભૂલવું ન જોઈએ કે વિવેચનમાં પણ વિકાસને સ્થાન છે, મતાંતર એમાં શક્ય છે એટલું જ નહિ પણ સ્થાપેલા–સિદ્ધ મનાઈ ચૂકેલા–સિદ્ધાંતોના અર્થમાં–અર્થને ઘટાવવામાં–પણ મતભેદ રહ્યા જ કરે છે. અને જુદી જુદી અર્થ ઘટનાઓ તેમાંથી ઊભી થવી સંભવિત છે. એ સત્યનું ચલિતપણું કદી વિસરવું જોઈએ નહિ. સમગ્ર જનતાને અને સાહિત્યને ગાઢ સંબંધ છે એવો સિદ્ધાંત અંશત: પણ આપણે માન્ય કરીએ તે ક્ષણે આપણે સ્વીકારવું જ પડશે કે એ દષ્ટિએ સ્નેહમુદ્રા કરતાં સુદામા ચરિત્ર જરૂર ચડિયાતું છે. અને સરસ્વતીચંદ્ર કરતાં સદેવંત–સાવળીંગાની વાર્તા વધારે આકર્ષક છે. કુસુમમાળાનાં કાવ્ય જનતાની વાણીએ ચડયાં છે. એના કરતાં દયારામની ગરબીઓ વધારે પ્રમાણમાં ચઢી છે. જે હૃદય જીતે એ જ વાણીમાં ઊતરે. હૃદય જીતવાની શક્તિ નરસિંહરાવ કરતાં દયારામમાં જરૂર વધારે છે એમ આ દષ્ટિએ આપણે કહેવું જ પડશે. સાહિત્યતાને અને સામાન્યતાને, ઉર્મિમય ઉચ્ચારને અને જનતાને, ગગનચુંબી ભાવનાને અને પગે ચાલતી સાર્વજનિક વસ્તીને કાંઈ પણ સંબંધ છે કે નહિ, એ મહત્તવને પ્રશ્ન જ બાજુ ઉપર રહી ગયો, અને અંગ્રેજી ભણેલા, અંગ્રેજી પહેરવેશ પહેરનારા, અગર કહો કે જૂની ઢબે સોળું પહેરી અબોટિયાંની મર્યાદામાં રહેનારા જેમ સામાન્યતા પ્રત્યે એક પ્રકારનો તુચ્છકાર અનુભવે છે તેવો તુચ્છકાર સાહિત્ય સામાન્યતા પ્રત્યે અનુભવ્યો. સાહિત્ય સામાન્ય હોય જ નહિ, એવી ભાવના સાહિત્યકારોમાં જ નહિ પરંતુ સામાન્ય જનતામાં પણ ઉદ્ભવી અને બન્ને વર્ગો સમાંતર લીટીએ આગળ વધતા ચાલ્યા. આજ સુધી એ ભેદ આપણા સાહિત્યમાં ચાલુ છે. નવીનતાના પ્રલોભનમાં જૂનવાણીને તોડવાના આવેશમાં, ઉર્મિલતાને બદલે પૌરુષભર્યા ચિંતનની લાલસામાં જે અડવા clumsy, અસ્પષ્ટ, જીવનમાં જરાય બંધબેસતા ન આવે એવા, અર્થધન બનાવવાના મોહમાં અર્થહીન બનતા અનેક કાવ્યપ્રયોગો આજ પણ આપણું સારા સારા સાહિત્યકારોને હાથે થયે જાય છે. એમાં સામાન્યતાના તિરસ્કારની છૂપીછૂપી હૃદયમાં સંતાયેલી પેઢી જાત ભાવના જ કારણરૂપ છે. એવું એક અત્યંત ધન બનતું દષ્ટાંત તે આપણાં પૃથ્વીછંદી કાવ્યો છે, એમ હું કહું તે વખતે આપણા માન્ય સાહિત્યકારો અને કવિઓની માફી પણ સાથે સાથે માગી લઉં છું. એ પ્રયોગશીલ કવિઓની શક્તિ માટે મને જરૂર માન છે; પરંતુ સામાન્યતાથી અળગા રહેવાની હદયમાં વસી રહેલી ગુપ્ત ભાવના સાચી કવિતાને પણ કયાં ઘસડી જાય છે એ કહેવાની જરૂર હવે ઊભી થઈ છે. પૃથ્વી છંદ અને તેમાંએ સેનેટ ઉતારવાની ઘેલછા પાછળ અસામાન્યતા–વિશિષ્ટતાએ ઊભા કરેલા ભ્રમને જરા સમજી લઈએ,

એક ભ્રમ એવો છે કે જાણે પૃથ્વી છંદ એ કવિતાને કોઈ નવોજ છંદ મળી ગયો છે ! લગભગ કાવતરું કહી શકીએ એવી ઢબે આ ભ્રમને ઉત્તેજન અપાય છે. પરંતુ સાચી વાત તે એ છે કે પૃથ્વી છંદ સંસ્કૃત ભાષામાં બહુ સારા પ્રમાણમાં વપરાઈ ચૂકેલો છંદ છે, અને આપણા પિંગળે એનાં હાડ-પાંસળાં ગણ–વીણીને આપણા હાથમાં આપેલાં છે. શાર્દુલ, શિખરિણ, વસંતતિલકા અને મન્દાક્રાન્તા જો નવીન છંદ હોય તે પૃથ્વી છંદ નવીન છે. વળી એનો એટલો વપરાશ વધી ગયો છે કે એની નવીનતા ધસાઈ ગઈ છે અને રૂઢિની યાંત્રિક સામાન્યતા એને વળગવા લાગી છે. કવિ કોણ ? પૃથ્વી છંદમાં થોડી ઘણી પણ કવિતાઓ લખે તે આવી રૂઢ થતી જતી માન્યતા ભાટચારણેના એક સમર્થ પણ બહુ વપરાશમાં અણગમતા થઈ પડેલા સોરઠાછપ્પાની હારમાં પૃથ્વી છંદની નવીનતાને બેસાડી દેશે એવો ભય ઉત્પન્ન થયો છે.

કાવ્ય એ કાંઈ ગાવા માટેની, રાગડા તાણવા માટેની કૃતિ નથી, એવી ગઈ સદીથી આજસુધી પોષાતી આવેલી માન્યતાને પૃથ્વી છંદમાં એવો ટેકો મળી ગયો છે કે જાણે એ છંદ ગાવા માટે નહિ પરંતુ ન ગવાતાં ન ગાવાં જોઈએ એવા–સાચાં કાવ્યો માટે મળી આવેલું ઈશ્વરદત્ત કે બ. ક. ઠા. દત્ત વાહન છે એમ લગભગ મનાવા લાગ્યું છે. આ પણ ભ્રમ જ છે ઈશ્વરે કે બ. ક. ઠા. એ નહિ પરંતુ આપણી સંસ્કારમાતા સંસ્કૃત ભાષાએ એ છંદ આપણને આપ્યો છે. અલબત્ત બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાના એના સ્વીકારમાં અને પ્રચારમાં બહુ મહત્વઓ ઐતિહાસિક ભાગ ભજવ્યો છે, એમાં ના કહેવાય એમ નથી.

પૃથ્વી છંદ જેને ન ગાવો હોય તે ભલે ન ગાય; અને મોટા ભાગના આપણા માન્ય કવિઓ આમે ન ગાય એ જાહેર સુલેહશાન્તિ માટે બહુ ઈચ્છવા યોગ્ય પણ છે. પરંતુ પૃથ્વી છંદ અને છંદોની માફક ગાઈ શકાય એવો છંદ છે, અને એની ગીતલઢણ બીજા છંદ કરતાં પણ વધારે સુમધુર છે, એમ કોઈ પણ કાવ્યશાસ્ત્રી, આજ પુરવાર કરી આપે એમ છે.

[૫]

વળી સંગીત કે અને ગીતને અને કાવ્યને જાણે બાપમાર્યાનું વેર હાય એવી માન્યતાને પોષ્યા કરવા પાછળ હવે તો પશ્ચિમની કવિતાના અભ્યાસનું આંધળું અનુસરણ કારણરૂપ છે એમ માનવાનું મન રહ્યા કરે છે. કાવ્ય અને સંગીત એ બને ભિન્ન કલાઓ છે એ આપણે કબૂલ કરીએ. પરંતુ એ બન્ને કળા પરસ્પર મળી જ શકે નહિ, ભળી જ શકે નહિ, એ માન્યતા સંગીત સિવાય કાવ્ય રચી જ શકાય નહિ એવી સામી બાજુની માન્યતા સરખી જ દુરાગ્રહી છે. અંતે તો કાવ્ય એ એક વિશિષ્ટ રીતિ છે, જેમાં વાણી દ્વારા ઉર્મિને અવતાર આપવામાં આવે છે. સંગીત, નૃત્ય, ચિત્ર અને સ્થાપત્ય એ સર્વ કલાઓ જુદા જુદા વિષયો દ્વારા ઊર્મિને અવતાર આપે છે. લય, પ્રમાણ અને પાશ્વભૂમિ ( Back ground ) એ સર્વ કલાઓને ઉપજાવનારાં, તો એકબીજાનું દ્યોતન કરે છે એમાં કયું કલાપાપ થઈ જાય છે એ સમજી શકાતું નથી. ભજવાતું નાટક એ સર્વ કલાઓનો ગુચ્છ બની શકે છે સર્વાનુભવરસિક સત્વ છે. પશ્ચિમમાં આખાં નાટકો અને નાટકો સંગીતમાં રચી ભજવી બતાવાય છે એ જાણ્યા છતાં શો કે ઇબ્સેન વાંચવાના ઘમંડ નાટય સંગીત પ્રત્યે અભાવ અનુભવવાનું વલણ પણ આ જ કક્ષામાં આવી જાય છે. વેલ્સના નાટકમાં સંગીત નથી, માટે હું વેલ્સનો સુઘડ અભ્યાસી ગુજરાતી નાટકોમાં પણ સંગીત કેમ કરીને સહન કરી શકું? મારી પ્રગતિશીલતા નાટકમાં સંગીત સ્વીકારથી ઘટી જાય ! આવી મોટાઈ મને ઘણી રૂઢિઓ સ્વીકારવા યોગ્ય હોવા છતાં સ્વીકારવા દેતી નથી અને પ્રયોગશીલતા ઘટાડી મારી પ્રગતિની ધગશને પ્રગતિવિરોધી બનાવી મૂકે છે.

વળી કલાઓમાં અનુકરણનો અંશ તો રહેલો છે જ. કુદરતનું વર્ણન એ એક પ્રકારનું કુદરતનું અનુકરણ–પુનઃકથન છે, સૂર્યોદય કે ચંદ્રોદયનું ચિત્ર અગર વીરરસ કે કરુણ દશ્યની કવિતા એ પણ અનુકરણ હોવાથી જે તે પ્રસંગ કરતાં નાનાં અને સાંકડાં હોય છે એમ કલા ઉપર આરોપ આવે તો તેનું સર્વાંશે નિવારણ થઈ શકે એમ તો નથી જ. અકુદરતી અનુકરણ અંગે સંગીતની કલાને તો વધારેમાં વધારે દૂષિત ગણવી હોય તો ગણી શકાય એમ છે. અને તેમાંથી આપણે એમ પણ કહી શકીએ કે સંગીતને કલા પણ શા માટે કહેવી ? જીવનમાં ગાવાની જરૂર શી છે? ગીત જેવું અસ્વાભાવિક સૂરસર્જન બીજું કયું હશે? અંગ્રેજી કે ગુજરાતી રાગડો તાણવો એને એ રાગડાને પાછો શાસ્ત્રીય બનાવવા મથવું, એના જેવું સ્વભાવવિરોધી બીજું કાર્ય દેખાતું જ નથી. તો પછી જીવનમાં ગીતસંગીતને બંધ જ કેમ ન કરી દેવાં ? આ વિચારસરણી કવિતામાં કે નાટકમાં સંગીત હોવું જ ન જોઈએ એ સિદ્ધાંતના વિસ્તાર તરીકે મૂકી શકાય. પણ આપણે હજી તેમ કર્યું નથી. ઔરંગઝેબના સુપ્રસિદ્ધ દ્રષ્ટાંત સિવાય સંગીતની બિનજરૂરતની નેંધ થઈ નથી.

સંગીત પણ ઘણે અંશે માત્ર સૂરાવટ ઉપરાંત શબ્દાવલિ પણ છે. આપણા સંગીતની સુંદરમાં સુંદર ચીજો જોઈશું તો તેમાં ભવ્ય કવિતા પણ સમાયેલી આપણે નિહાળી શકીશું. કોઈ સંગીતાચાર્યએ હજી કોઈ કવિને એમ કહ્યું જાણ્યું નથી કે, તમે તમારી કવિતાની લપ શા માટે અમાદી સુરસુંદરીને વળગાડો છો ? એ કવિતાનું ભૂત તમારા કોઈ શીશામાં પાછું ઉતારી લો !” સંગીતમાંથી કવિતાને દૂર કરવાની ફરમાશ જેવી બેહુદી ફરમાશ એ છે કે “કવિતામાંથી સંગીતને સર્વથા દૂર કરો !'

ટીકાની દૃષ્ટિ રાખતાં કવિતા એક વાણીની અસામાન્ય અકુદરતી લાગતી રચના છે. ગુજરાતી કે સંસ્કૃત, અંગ્રેજી કે લેટીન, સંગીત સાથે સાંકળેલી કે સંગીતવિરહિણી સર્વ પ્રકારની કવિતા-ડોલન અને પૃથ્વીના પ્રલાપનસહ-એક એવી ઢબનું ઉચ્ચારણ માગે છે કે જેને સ્વાભાવિક વાણી કહી શકાય જ નહિ. એ ઉચ્ચારણ બહુ ઝડપથી અને સંગીત કે રાગડાની પાસે લાવી મૂકે છે, અને તે સંગીતરહિત વાક્યાવલિમાં શા માટે ન જ આવી શકે એ સમજી શકાતું નથી.

સંગીતનો સંબંધ ગુમાવતી આપણું વર્તમાન ગુર્જર કવિતાએ ઘણું ઘણું ગુમાવ્યું છે, તેમાં મુખ્યત્વે કરી પ્રજાના હૃદયને સ્પર્શ કરવાની તાકાત અને શબ્દોમાં રહેલી શક્તિનો સારો પરિચય એ બન્ને ગુમાવી આપણી કવિતા મોટાઈ અને શિષ્ટતાનો બુરખો ઓઢી બેસી ગઈ છે, એમાં તેણે પ્રજાકીય સંચલન તરીકેનું બળ ખોઈ નાખી પોતાની જ કિંમત ધટાડી દીધી. “વિશ્વશાન્તિ” એ આજનું ભવ્ય કાવ્ય પરંતુ “ગુજરાત મોરી મોરી રે’ એ ગુજરાતને કંઠે ચઢેલું કાવ્ય છે. કયું વધારે વ્યાપક? બેમાંથી કયું કાવ્ય વધારે જીવશે?

કાવ્યોમાંથી ગેયત્વનોબહિષ્કાર કરવાની ઓગણીસમી સદીથી આપણને લાગેલી ઘેલછા પૃથ્વી છંદના સોનેટમાં પરિણામ પામી છે. પૃથ્વી છંદમાં ગેયત્વ નથી એવો ભ્રમ સાથે ઉત્પન્ન થયો, પોષાયો એને કાવ્યમાં ગેયત્વ ન હોવું જોઈએ એ ભ્રમ સાથે અનુકૂળતા મળતાં ભેગો થઈ ગયો. હવે તો પૃથ્વી છંદમાં ન લખે એ કવિ જ નહિ ભ્રામક માન્યતાએ આપણે પહોંચી ગયા છીએ.

વધારામાં આપણી એક એવી પણ માન્યતા બંધાઈ છે કે બહુ ઉર્મિલતામાંથી સારી કવિતા ઉત્પન્ન થતી નથી, અને જે ઉત્પન્ન થાય છે તે કવિતા નામને લાયક થતી નથી. સાચી કવિતા તો ચિંતનમાંથી જ ઉત્પન્ન થાય. અને એનું સચ્ચાઈભરેલું ઘડતર પણ ચિંતનમાંથી જ ધડાય ! જાણે ઊર્મિ અને ચિંતન એ બન્ને સામસામે મોરચે ઉભેલાં માનવ વલણ ન હોય ! કવિતાને નવો નિશાળિયો પણ એટલું તો સમજી જ શકે કે ઊર્મિ એટલે ઘેલછા ભર્યા માનસિક આંદોલનો જ માત્ર નહિ. ઊર્મિમય વાણીમાં શબ્દાર્થ, વાચ્યાર્થ અને વ્યંર્ગાથ એ ત્રણ અર્થ આવવા જ જોઈએ, જે સિવાય કવિતાનો “ક” પણ રચાય નહિ. એનો અર્થ એટલો જ કે ચિંતન વગરની, અર્થ વગરની ઊર્મિ કવિતા નહિ પરંતુ પ્રલાપ બની રહે છે. ચિંતન પણ ઊર્મિ પ્રેરક ન બને, ઊર્મિમાં ન ઉતરે, ઊર્મિએ આપેલી વાણીમાં આકાર ન લે ત્યાં સુધી ચિંતન પણ કાવ્ય બની શકે નહિ, એ ચિંતનમતવાદીઓએ જાણવું જરૂરી છે. વળી ઉર્મિ અને ચિંતન એ બને માનસિક વલણ સર્વદા પરસ્પર વિરોધી હોતાં નથી, પરંતુ ભેગાં થઈને બન્ને ઉત્તમોત્તમ કવિતાઓ રચી શકે છે. ઉર્મિ અને ચિંતનની કવિતાપ્રેરક શક્તિ સંબંધી વધારે ઊંડી ચર્ચામાં અત્યારે ન ઉતરતાં આપણે એ પરિસ્થિતિ સ્વીકારી લઈને ચાલીએ કે ઊર્મિની આતિશયતા પોકળ પ્રલાપમાં ઉતરી પડે અને કાવ્યધડતર યંત્ર સરખી રૂઢિ બની જાય ત્યારે ચિંતન તરફ કવિતા ભાર મૂકવા પ્રયત્ન કરે છે. અને ચિંતનની કઠોરતા Deccan Trap-સહ્યાદ્રિઃ પાષાણ સરખી પથરિયા, અપ્રવાહી વિચારધનતામાં કે વિચારજડતામાં ઉતરી પડે ત્યારે ચિંતન ઊર્મિની કુમળાશને વળગવા માગે છે. ઉર્મિ પોકળ પ્રલાપ બને અને ચિંતન વિચારજાડય બને ત્યારે બંને વલણે ફેરફાર જરૂર માગે. અને કવિતાનો ઝોક એકથી બીજી પાસ વળવા મથે એ સાહજિક છે. પરંતુ આજની ચાલુ માન્યતા તો જાણે કાવ્યમાં ઉર્મિને સ્થાન જ ન હોય એવી સરણી ઉપર આવતી જતી દેખાય છે. ઉર્મિરહિત ચિંતન કાવ્યનું પ્રેરણાઝરણુ નથી. ચોખ્ખું નિર્ભેળ ચિંતન જ જોઈતું હોય તો સીધાં સુત્રો રચવામાં શી હરકત છે?

ચિંતન જોઇતું હોય તો એને કવિતાની શી જરૂર છે ? કવિતા વગર ચિંતન સિદ્ધ ન જ થાય એમ હોય તે પણ પૃથ્વી છંદની એવી ત કઈ વિશિષ્ટતા છે કે જે એ સિવાયના બીજા કેઈ છંદમાં ન જ આવી શકે? જે વિશિષ્ટતા પૃથ્વી છંદને આરોપવામાં આવે છે તે જ વિશિષ્ટતા એ જ ઢબે બીજા કોઈપણ પ્રલંબ છંદને આરોપવામાં આવે તો એમાં ભાગ્યે જ કશું ખોટું કહેવાય. મંદાક્રાન્તા, સ્ત્રગ્ધરા અને શાર્દૂલ સરખા પ્રલંબ છંદોએ ઓપેલું ચિંતન પૃથ્વી છંદના ચિંતન કરતાં ભાગ્યે જ ઉતરતું હોય ! સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં આનું અનવેષણ કરવામાં આવે તો આ વાત સ્પષ્ટ થાય એમ છે. પૃથ્વી છંદના અત્યારે થતા રૂઢિબદ્ધ, યંત્રબદ્ધ અતિ ઉપયોગથી એનામાં જે કાંઈ ઓછી વધુ ચિંતન ધારણ કરવાની શકિત હશે તે પણ ખરબચડી અને દુર્બોધ બનવાના ક્રમમાં પડી છે એ રખે કોઈ ભૂલે.

ચિંતન અને છંદનો સહજ વિચાર કરતાં આપણને સ્પષ્ટ થાય છે કે ગુજરાતી ભાષાનું એક શ્રેષ્ઠ ચિંતન કાવ્ય ઝુલણા સરખા સરળ અને ગેય છંદમાં નરસિંહ મહેતાએ જેવું ઉતાર્યું છે તેવું ભાગ્યે જ બીજા કોઈ છંદમાં ઉતરી શકયું હશે. આપણે એ દષ્ટાંત જોઈએ:

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જૂજવે રૂપે અનંત ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

અખાએ ચેાપાઈ કે છપ્પામાં જે ચીમટાભરતું ચિંતન આપ્યું છે: તે હજી બીજે મળી શકયું નથી:

અખા એ અંધારો કૂવો
ઝઘડો ભાંગી કાઇ ના મૂઓ.

ગેય પદમાં દયારામે જે ચિંતન આપ્યું છે તે ખરેખર બેનમૂન છે.

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે,
દોરી સર્વની એના હાથમાં
ભરાવ્યું ડગલુ ભરે,
જેવો જંત્ર વગાડે જંત્રી
સ્વર તેવો નીસરે.

ભેાળાનાથની પ્રાર્થનામાળા પૃથ્વી સિવાયના કૈંક છંદોમાં સુંદર ચિંતન વિકસાવી શકે છેઃ

તારા અપાર મહિમા નહી કોઈ પામે,
વાણી સહિત મનવેદ સહુ વિરામે.
તારા અભેદ્યં પટમાં નહી કલ્પનાઓ,
હેવિશ્વનાથ, પ્રભુ ! નિત્ય પ્રસન્ન થાઓ.

ચિંતનના સાગર સરખી ગીતાનો મોટો ભાગ સાદા અનુષ્ટુપમાં ઊતરી શકયો છે. એટલે ચિંતનભાર વગર કવિતા હોઇ જ શકે નહિ અને ચિંતન પૃથ્વી છંદ વગર કાવ્યમાં લાવી શકાય જ નહિ એવી ઘેરી બનાતી જતી માન્યતા સહેજ ચિંતનમય પરીક્ષા માગે છે. આપણાં કંઇક ભજનો પૃથ્વી છંદ કરતાં વધારે ચમકતુ ચિંતન આપે છે. વળી પૃથ્વી છંદનું માહાત્મ્ય વધારવા તેના ઉપર સોનેટનું એક પીંછું ચડાવવામાં આવ્યું છે. સોનેટ એક વિશિષ્ટ નામ પામેલો અંગ્રેજી ભાષાનો કવિતાટુકડો છે, જેમાં પ્રાસનું અમુક આવર્તન થાય છે, ચૌદ લીટીમાં તેની કાયા ધડાઈ જાય છે, અમુક ચરણના અંતમાં નહિ પણ વચમાં યતિ–વિસામો ખાવાનું સ્થાન મળી જાય છે.વળી વિચારના આરોહ -અવરોહને તેમાં અવકાશ મળે છે એમ કહેવાય છે, અને આયંમ્બિક પેન્ટામીટરની ગણ કે આઘાત રચના તેમાં હોય છે. નવા છંદપ્રયોગ કરવાની આપણી સાહિત્યપ્રવૃત્તિ ખૂબ આવકાર પાત્ર છે; એવા પ્રયોગો ઠીક પ્રમાણમાં આપણા સાહિત્યે કર્યા પણ છે; કાવ્યરચનાને નવા જુના કે મિશ્ર આકાર ઠીકઠીક આપવામાં આવ્યા છે. પરંતુ સોનેટ રચના એક સામાન્ય પ્રયોગ કરતાં વધારે શું સાધી શકી છે એ મારી સમજમાં હજી ઊતરી શક્યું નથી. આયંબિક પેન્ટામીટર જેવી accent–આધાત ઉપર આધાર રાખનારી અન્ય ભાષાની તદબીર તો ગુજરાતીમાં ઉતરી શકે એમ નથી. રહ્યાં માત્ર ચૌદ ચરણ. સોળ ચરણને બદલે ચૌદ ચરણ કરવામાં કશી ખાસ ખૂબી હોય તો તે મને હજી સમજાઇ નથી. માત્ર સોનેટની ચૌદ લીટીને લીધે ચૌદ લીટીમાં લખાયેલા ગમે તે છંદને સોનેટ કહેવાનો મોહ હોય તે જુદી વાત !

નવમી લીટીએ પહેલાં જ accent-આધાત આગળ પૂર્ણવિરામ કે અર્ધવિરામ લાવવાની લઢણ એ બીજુ સોનેટનું લક્ષણ આપણાં સોનેટોમાં લાવવામાં આવે છે. ઉચ્ચાર અને વિચાર વિશ્રામને માટે આપણામાં કાવ્યચરણના છેડા બહુ પ્રયોગોને અંતે પિંગળમાં સ્થિર કરવામાં આવ્યા છે અને તે પણ એવા જડ નથી કે જેમાં કશો હેરફેર થઈ જ ન શકે કાવ્ય-વિચાર ચરણને છેડે પૂરો ન થતો હોય તો તેને આગળ લંબાવવામાં ખાસ પ્રતિબંધ આપણી પીંગળ રચનામાં દેખાતો નથી. એ સંજોગોમાં નવમી લીટીના પહેલા જ શબ્દ આગળ યતિ લાવવામાં ખાસ મહત્ત્વ સેનેટમાં પણ શું છે સમજવું મુશ્કેલ છે. ઠરેલા યતિને બદલે નવો યતિ ઠરાવ્યો એટલી જ નવીનતા; અને તે પણ ચરણની વચમાં જ, વિચારની પૂર્ણતા ચરણને છેડે આવવાને બદલે ચરણ પૂરું થયા પછી એક શબ્દ આવે ત્યારે જ આવી શકે એવું વિચારનિયંત્રણ સંયમી માનસને જ મળે ! એક ઠરેલી અટકને બદલે એક શબ્દ આગળ ખસેડેલી અટક એ બહુ મોટી સિદ્ધિ હોય એમ કાંઈ દેખાતું નથી. એક બીબાને બદલે જરા બદલીને બીજું બીબું ઊભું કર્યું એ સિવાય બીજું કશું વધારે મહત્ત્વ સોનેટમાં દેખાતું નથી.

અને વિચારનો આરોહ-અવરોહ ! સોનેટ નામ ન પાડયું હોય તો આરોહ અવરોહ વિચારમાં પ્રવેશી જ ન શકે એટલો બધો જુલ્મી પ્રયોગ એ સોનેટ હોય તો એનાથી જેટલા વહેલા છૂટીએ એટલું વધારે સારું !

પૃથ્વી છંદનો હું દુશ્મન નથી. સોનેટ સાથે મને વેર નથી. કવિતા અનેકવિધ પ્રયોગો માગે છે એ સ્વીકારવા હું તૈયાર છું. ઊર્મિની ઘેલછા કે ઊર્મિનો અર્થહીન ઉભરો બહુ વધી પડે ત્યારે કવિતાના સ્વરૂપમાં– બંધારણમાં–બાહ્ય અને આંતરરચનામાં સખત રેખાઓ ઉપજી આવે એ પ્રત્યે મને સહાનુભૂતિ છે. “ રે” અને “લોલ”માં જ લહેકાયા કરતી કવિતા વધારે મર્દાનગીભર્યું ઉચ્ચારણ મેળવે એ હું જરૂર ઈચ્છું છું. પરંતુ પૃથ્વીપૂજા અન સોનેટસ્તુતિ ધર્માન્ધતા બની જાય એ તે ખરેખર ઈચ્છનીય ન જ કહેવાય. પૃથ્વી છંદમાં ન લખે એ એ કવિ જ નહિ અને સેનેટની ચૌદ લીટીઓ ન સમજાય એવી બોબડી થડકાતી વાણીમાં ઊતરે નહિ ત્યાં સુધી ચિંતનનો આત્મા કવિતા-આકાર ધારણ કરી શકે જ નહિ એવી માન્યતા પાછળ આપણે સહુએ કરેલી છેલ્લી સદીથી ચાલી આવતી સાહિત્યભૂલો અને સાહિત્યભ્રમણાનો લાંબો ઈતિહાસ રહેલો છે એ સ્પષ્ટ કરવા ખાતર જ સોનેટ અને પૃથ્વી છંદ એ તાત્ત્વિક રીતે કશી જ નવીનતા કે ચમત્કાર બની શક્યાં નથી એ ચર્ચા લંબાણથી અહીં કરી છે.

[૬]

આમ સોનેટ અને પૃથ્વીછંદ એ તાત્ત્વિક રીતે કશી જ નવી વસ્તુ નથી. સામાન્ય દૃષ્ટિએ જ આપણે સાહિત્યને જોવાનું છે. છતાં અસામાન્ય શાસ્ત્રીય સ્વરૂપ જેવી લાગતી પૃથ્વીછંદ-સોનેટની ચર્ચામાંથી આપણે સામાન્ય તારવણી નીચે પ્રમાણે કાઢી શકીએ એમ છીએ :-

પૃથ્વી છંદ એ આપણી નૂતન ગુજરાતી શક્તિએ રચેલો છંદ છે જ નહિ. એની ઉત્પત્તિ સંસ્કૃતમાં છે. એ નવીન શોધ નથી જ. નવીન શોધને નામે કીર્તિ મેળવતી જુનવાણીને સત્ય ખાતર– અભ્યાસ ખાતર આપણે ઓળખવી જોઈએ જ.
સોળને બદલે ચૌદ લીટીઓમાં કાવ્ય પતાવવાથી, ચરણને છેડે વિશ્રામ લેવાને બદલે એક ડગલું વધારે કુદી વિશ્રામસ્થાન નિયત કરવાથી, અને સ્પષ્ટ, પ્રવાહી અર્થ અને શબ્દરચનાને બદલે દંડબેઠક કાઢી તાકાત મેળવી કાવ્ય સમજવાની જરૂર ઊભી કરી ચિંતનના આરોહ-અવરોહની ભ્રમણા ઊભી કરવાથી નવીન સિદ્ધિ મળતી નથી. પ્રયોગ ઈષ્ટ છે; પ્રાગપૂજા એ માત્ર મૂર્તિપૂજા છે.
સંગીત અને સાહિત્યને–કાવ્યને તાત્વિક સંબંધ ભલે ન હોય.બે વચ્ચે વિરોધ જ હોવો જોઈએ, અને ન હોય તે તે ઉભો કરવો જોઈએ, એવી ઝાંખી પણ તીવ્ર બનતી જતી ભ્રામક માન્યતાએ અનેક સ્વરૂપો ધારણ કરી અને પૃથ્વી છંદી સોનેટનું સ્વરૂપ લીધું છે એ રખે આપણે ભૂલીએ.
સંગીતનો સંબંધ અળગો કરતાં સાહિત્યે–ખાસ કરીને કવિતાએ પોતાનું સાર્વજનિક સ્વરૂપ ગુમાવ્યું છે. એથી જનતાને અસર કરવાની શક્તિ ઠીક પ્રમાણમાં સાહિત્યે ખોઈ દીધી છે. કવિતા જો શબ્દશક્તિ અને તાલ-લય ઉપર અંશત: પણ આધાર રાખતી હોય તો સ્વાભાવિક રીતે જ તે ડોલન અને સંગીત પાસે આવીને ઊભી રહે છે. સંગીતનો લંબાયેલો હાથ તરછોડવાની જરૂર કોઇ પણ ભાષામાં–કોઈ પણ સાહિત્યમાં ઊભી થઈ નથી. સંગીતથી કવિતાને દૂર કરવામાં ભારે વિદ્વદ્મર્દાનગી રહી હોય એવો ગર્વ હવે ઓછો થાય તે વધારે સારું.
છતાં ગુર્જર કવિતાએ ગઈ સદીથી આજ સુધી આવી ભ્રમણામાં પડી સાહિત્યને–ખાસ કરીને કાવ્યને એવું સ્વરૂપ આપી દીધું કે જેથી સાહિત્ય અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર વધતું જ ચાલ્યું. પ્રાચીન શિષ્ટ ગણાતા સાહિત્યે જેટલે અંશે સામાન્ય જનતાના હૃદય ઉપર સ્વામીત્વ મેળવ્યું છે તેટલે અંશે આપણ નવા શિષ્ટ સાહિત્યે મેળવ્યું નથી, એમ આપણે કબૂલી લેવું જોઈએ. કોશિયાઓ પણ સમજે અને મુખપાઠ કરી લે એવી કવિતા રચવાની ગાંધીજીની સૂચના આપણા સાહિત્યની આ ખામી ઉપર સહુનું લક્ષ ખેંચે છે.
Poets are born, not made; “ જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ” જેવા સિદ્ધાંતો; वाक्यं रसात्मकं काव्यम् જેવાં સંસ્કૃત કાવ્ય-આધારો, કાવ્ય અને કાન્તાની સરખામણી જેવાં કાવ્યસાહિત્ય અને કવિમાનસની વિશિષ્ટતા ઉપર ભાર મૂકતાં વાક્યોને આધારે સાહિત્ય પ્રજાકીય અને પ્રજાપ્રિય બનતું અટકી ગયું અને સામાન્યતા જેની સામે પણ ન જુએ એવું મિથ્યાભિમાની શિષ્ટ કહેવાતું સાહિત્ય આપણે સહુ ઉપજાવી બેઠા. એટલું જ નહિ વિદ્વાનોની વિચિત્રતાઓ, સાહિત્યકારોના ફાંટા અને કવિઓના ઘમંડને આપણે પોષતા ચાલ્યા. અમુક જાતની ઘેલછા વગર પ્રતિભા જન્મે જ નહિ એવો સ્વીકાર કરી લઈ આપણે જનતા અને સાહિત્યકારે વચ્ચે પડેલું અંતર વધવા જ દીધું.
સાહિત્ય એ વ્યકિતવિશેષ દ્વારા પ્રગટ થતા કલાપ્રકાર ભલે હેય: પરંતુ એની સાચી ઉત્પત્તિ પ્રજાને ઘડતાં બળોમાંથી જ થાય છે, એ વાત વીસરાતી ચાલી; અને સાહિત્યના સાર્વજનિક પ્રકારો પણ લુપ્ત થવાનો ભય ઊભો થયો. છાપકામને લીધે વળી સાહિત્યનું અતડાપણું વધી ગયું. સાહિત્ય એ એકાંતમાં કોઈ દેખે નહિ એવી રીતે, આપણે એકલા જ વાંચનાર એનો રસ લઈ એ એવી સ્વાર્થી વૃત્તિને પોષનારું આનંદતત્ત્વ બની ગયું.
'કવિતા કહીએ કલ્પના જનમન રંજન જાણ’ એ દલપતરામની વ્યાખ્યા પૂરેપૂરી સાચી ભલે ન હોય, પરંતુ સાહિત્યમાં રંજનતત્વ જાણે હોવું જ ન જોઈએ એવી પ્રગટ કે અપ્રગટ માન્યતા સ્થિર થતી ચાલી. સાહિત્યકારોની અંગત ઉર્મિઓ, અંગત રોદણાં, અંગત વિચિત્રતાઓ સાહિત્યમાં ઊતરી આવ્યાં અને જનસમાજનાં માનસ સાથેનો મેળ corelation એમાંથી લુપ્ત થતાં ચાલ્યો. એ રંજનતત્વ પ્રત્યેના તિરસ્કારમાં આપણું નવી કવિતા કેટકેટલા દસકા સુધી હસીહસાવી પણ શકી નથી. જાણે હાસ્ય એ રસ જ ન હોય, અને રસ હોય તો પણ તે કવિતા જેવા શિષ્ટ આકારમાં ઊતરવાને અધિકારી પણ ન હોય ! વીસમી અને ઓગણીસમી સદીમાં આપણી કવિતાનો સરસ વિકાસ થયો છે. એની ના નહીં. પરંતુ જ્યાં

જ્યાં પાછાં પગલાં મૂકાયાં હોય ત્યાં ત્યાં આપણે નજર તો જરૂર નાખવી જોઈએ. સાહિત્ય પણ સત્યનું જ એક પાસુ છે.

[૭]

આપણી એક એવી પણ માન્યતા છે કે બહુ ઉર્મિલતામાંથી સારી કવિતા ઉત્પન્ન થતી નથી, પરંતુ ચિંતનમાંથી તે વધારે સચ્ચાઈભરેલી ઢબે ઘડાય છે—જાણે ઊર્મિ અને ચિંતન એ બન્ને સામસામે મોરચે ઊભેલાં માનવ વલણ ન હોય ? ઊર્મિ અને ચિંતનની કવિતાપ્રેરક શક્તિ સંબંધી ચર્ચામાં અત્યારે ન ઊતરતાં આપણે એટલું સ્વીકારી લઈએ કે ઊર્મિની અતિશયતા પોકળ પ્રલાપમાં ઊતરી પડે અને ચિંતનની કઠોરતા પથ્થરિયા – અપ્રવાહી વિચારધનતામાં કે વિચારજડતામાં ઊતરી પડે ત્યારે બન્ને વલણો ફેરફાર માગે અને કવિતાનો મોહ એકથી બીજી પાસ વળવા મથે એ સાહજિક છે. પરંતુ ચોખ્ખું ચિંતન જ જોઈતું હોય તો સીધાં સૂત્રો રચવામાં શી હરકત છે? ચિંતન જ જોઈતું હોય તો, અને કવિતા વગર તે સિદ્ધ ન જ થાય એમ હોય તો પૃથ્વી છંદની એવી કઈ વિશેષતા છે કે જેને લીધે એ સિવાયના બીજા કોઈ છંદમાં ચિંતન આવી જ ન શકે એવી ભ્રમણા ઊભી કરવી પડે ? પૃથ્વી છંદના અતિ ઉપયોગથી એનામાં જે કાંઈ ઓછી વધુ ચિંતન ધારણ કરવાની શક્તિ હશે તે પણ ખરબચડી બની ગઈ છે. ગુજરાતી ભાષાનું એક શ્રેષ્ઠ ચિંતનકાવ્ય ઝુલણા સરખા સરળ અને ગેય છંદમાં નરસિંહ મહેતાએ જેવું ઉતાર્યું છે તેવું બીજા કોઈ પણ છંદમાં હજી ઉતરી શક્યું નથી

સાહિત્યની સામાન્યતા–સામાન્ય જીવનને સ્પર્શવાની શકિત અંગે ભાવનગરની સાહિત્ય પરિષદનો પ્રસંગ અત્રે નોંધવો જરૂરી છે. પરિષદના મુખ્ય કાર્ય કરતાં તેના ઉપકાર્ય તરીકે ગણાયેલાં મેઘાણી અને રાયચુરાનાં લોકગીત રજૂ કરતા પ્રસંગમાં જનતાને–શિષ્ટ જનતાને સુદ્ધાં વધારે રસ એ પરિષદમાં પડયો હતો. આનો અર્થ ભાગ્યે જ કોઈ એમ કરે કે હવે પછી કટાક્ષકાવ્યો કે લોકગીત સિવાય કશું જ લખવું નહિ એ આગ્રહ અહીં રાખવામાં આવે છે. સાહિત્ય સામાન્યતા સાથેનો સંપર્ક ગુમાવી બેસે તો સાહિત્ય કેવું એકલવાયું, અટૂલું, અગર સ્વાર્થી અને ઘમંડી બની જાય છે તે તરફ ધ્યાન દોરવાનોજ અહીં આશય છે. સાહિત્યની સાહિત્યકારોની એક નવી જાત ઉત્પનન થાય એના કરતાં સાહિત્યકારો વિદ્વતાને સામાન્યતામાં પુષ્પની માફક વેરતા ફિરસ્તાઓ બને એ જ ઈચ્છવા યોગ્ય છે. અને ફિરસ્તાઓને ઘમંડ તો હોય જ નહિ. પ્રભુનો પયગામ લાવનાર પયગંબરને આપણે ભલે પૂજીએ. પરંતુ પયગામ લાવનાર કદી કહે જ નહિ કે “મારી પૂજા કરો ! ” પ્રજા હૃદયમાં વસી રહે એ સાચો પયગંબર. પ્રજાજીવનને સ્પર્શ કરવાની શકિત એ સાહિત્યની સાચી કસોટી. સ્પર્શનું બળ અને સ્પર્શની અવધ જેમ વધારે તેમ સાહિત્યની સચ્ચાઈ વધારે.