લખાણ પર જાઓ


સૌરાષ્ટ્રની રસધાર ૨/કરપડાની શૌર્યકથાઓ/'સમે માથે સુદામડા'

વિકિસ્રોતમાંથી
← ૧૩. મોત સાથે પ્રીતડી સૌરાષ્ટ્રની રસધાર ૨
૧૪. કરપડાની શૌર્યકથાઓ : 'સમે માથે સુદામડા'
ઝવેરચંદ મેઘાણી
ફકીરો કરપડો : ફકીરો કરપડો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૧૪ કરપડાની શૌર્યકથાઓ

૧. 'સમે માથે સુદામડા ?'

પહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ,

પિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ.

જુવાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો મામૈયો ખાચર, પાંચાળના ડુંગરમાં રમી રમી રાતેાચોળ બનેલે કાઠી જુવાન એ રાતે કોઈ સુગંધી કેવડા સમો ફરે છે, એને રોમેરેામથી પહાડની જુવાની મહેકે છે, અને હજી પરણીને તાજી ચાલી આવતી કાઠિયાણી પિયુ ભેળી હિંગળોકિયે ઢોલિયે બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દીસે છે.

વાતો કરતાં કરતાં ઓચિંતાની કાઠિયાણી ઓઝપાઈ ગઈ. એનું મોં કાળું પડી ગયું. મામૈયા ખાચરે પૂછયું : “શું છે, કેમ ચકળવકળ જુએ છે ?”

“ કાઠી ! મને આ ઓરડામાં કોઈક ત્રીજા જણનો ઓછાયો પડ્યો લાગ્યો. ”

“લે ગાંડી થા મા, ગાંડી ! કોક સાંભળશે તો તને બીકણ કહેશે. આંહી કોની મગદૂર છે કે પગ દઈ શકે ? ડેલીએ મારો સાવજ લાખો કરપડો ચોકી દઈ રહ્યો છે.”

કાઠિયાણી નવી પરણીને ચાલી આવતી હતી. બહાદુરની દીકરી હતી. બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિની સેાડમાં સૂઈ ગઈ, પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી ઓરડાની દીવાલો ઉપર ફરતી રહી. એારડો જાણે હસતો હતો. અસલમાં કાઠીએાના ઓરડાની અંદર એક પછીતની પડખોપડખ બીજી પછીત ચણાતી. વચ્ચે રહેલા પોલાણને પછીતિયું કહેવાતું. મોયલી પછીતમાં નાનું એક બારણું રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલા માટે આખી પછીતે ચાકળા, ચંદરવા, તોરણ અને વાસણની રૂપાળી માંડ માંડી દેતા. કાઠિયાણીને જેવું ઘર શણગારતા આવડ્યું છે એવું બીજું કોણે શણગારી જાણ્યું છે? એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના હાથમાંથી કેવા કેવા રંગ નીતરે છે ! એના ઓળીપામાં જે સુંવાળપ ઝળકી ઊઠે છે તે એની હથેળીએાની હશે કે એના હૈયાની ? ચાકળા-ચંદરવાનું ઓઢણું એાઢીને જાણે ચારે ભીંતો હસતી લાગે છે, પણ એ ભીંતોના અંતરમાં શું છે ? કાળું ઘોર પછીતિયું !

જોઈ-જોઈને થાકેલી એની આંખો મળી ગઈ. મામૈયો ખાચર તો ક્યારનોય ઘોરતો હતો. બેલડી ભરનીંદરમાં પડી એ વખતે એ હસી રહેલા ઓરડાના ચંદરવા ખસેડીને પછીતિયામાંથી ત્રણ જણ નીકળ્યા. ઊંઘતા મામૈયાનું ગળું વાઢીને ચૂપચાપ નીકળી ગયા. થોડી વારે ભીનું ભીનું લાગતાં કાઠિયાણી જાગી ગઈ. કારમો બનાવ દેખીને એણે ચીસ પાડી.

સુદામડા ગામની આખી વસ્તી નીંભણી નદીને કાંઠે દરબાર મામૈયા ખાચરને દેન દેવા ભેગી થઈ અને પછી ચર્ચા ચાલી. સુદામડાના ઘાટીદાર લાખા કરપડાએ વસ્તીને હાકલી: “દરબારનો મારનાર બીજો કોઈ જ નથી, એનો સગો ભાઈ શાપરવાળો લાખો ખાચર જ છે. લાખાને ગરાસને લોભ લાગ્યો છે; ભાઈને મારીમારીને એને ભોં ભેળી કરવી છે; ને આજ એ આંહી કબજો લેવા આવશે.”

વસ્તી ચૂપ રહી. માંહોમાંહે સહુ ગુપપુસ કરવા માંડયા : “ભાઈએ ભાઈઓ વાઢે એમાં આપણે શું ? કયે સવાદે આપણે માથાં કપાવીએ ?”

ડાહ્યો કાઠી લાખો કરપડો બેલ્યો : “ભાઈઓ, આવો, આપણે ઠરાવ કરીએ કે આજથી સુદામડાને ધણી કેાઈ એક જણ નહિ; એક ગરાસ ખાય અને બીજા સહુ એની મજૂરી કરે એમ નહિ; આજથી 'સમે માથે સુદામડા ? : એટલે જેને ઘેર જે જે કંઈ ગરાસ-ચાસ હોય તે આજથી એની અઘાટ માલિકીનો : સુદામડાની વસ્તી જ સુદામડાનો રાજા. ખબરદાર ! આપો લાખો ખાચર આવે કે માટો ચક્રવર્તી આવે, આપણે એકએક સમશેર લઈને સુદામડાનો બચાવ કરવાના છે. છે કબૂલ ?'

વસ્તી એ કબૂલ કર્યું : તે દિવસથી – સંવત ૧૦૦૬ની આસપાસથી –'સમે માથે સુદામડા' બન્યું. સહુને પોતપોતાની જમીનના અઘાટ હક મળી ગયા... *[] સહુને 'મારું સુદામડા', 'મારું સુદામડા' થઈ પડયું. પોતાપણાને કોંટો ફૂટયો.

“ધિરજાંગ ! ધિરજાંગ ! ધિરજાંગ !” કાનના પડદા તોડી નાખે તેવા ઘોર નાદ કરતોબૂંગિયો ઢોલ બજવા લાગ્યો, અને સુદામડામાં રાજગઢના કોઠામાં ચારણની વાર્તા થંભી ગઈ. જુવાન કાઠીડાઓનો ડાયરો ગુલતાન કરવા બેઠો હતો તેના હોશકોશ ઊડી ગયા.

માણસોએ દોડતા આવીને કહ્યું : “પીંઢારાનું પાળ આવ્યું. આથમણો ઝાંપો ઘેરી લીધો.”

જુવાનો સામસામા જોવા લાગ્યાઃ ગામમાં કોઈ મોટેરો હાજર ન હોતો. લાખો કરપડો તમામ મોટેરાઓને પાળમાં


લઈને નળકાંઠા તરફ ગયો છે. સોળ-સોળ અને અઢાર-

અઢાર વરસના ઊગતા જુવાને દિડ્મૂઢ બનીને બેઠા રહ્યા. હાય હાય. કાળઝાળ પીંઢારાઓનું કટક આવ્યું. કાચા મૂળાની જેમ સહુને કરડી ખાશે !

કોથાની પછવાડેની બારીએથી એક ધીરો અવાજ આવ્યો : "જેઠસૂર ! ભોજ ! નીકળી જાવ ! ઝટ નીકળી જાવ !”

બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી. નીચે બે ઘેાડાં સાબદાં કરીને એક આધેડ આદમી ઉભેલ છે. ઈશારો કરે છે : “બેય જણા ઝટ ઊતરી જાવ; ચડીને ભાગવા માંડો.”

બે જુવાનો જીવને વહાલો કરીને કોઠેથી ઠેકવાની તૈયારી કરે છે, ત્યાં તો જેણે વાર્તા માંડી હતી તે ચારણે બેયની વચ્ચેથી બારીની બહાર ડોકું કાઢ્યું : “કેાણ, માણસૂર ખવડ? આપો માણસૂર ખવડ ઊઠીને – કરપડાએાને ભાણેજ ઊઠીને – અટાણે ગામના જુવાનેાને ભગાડે છે ? અરે ! પેટના દીકરા ભેાજને તો ઠીક, પણ સુદામડાના શિરોમણિ લાખા કરપડાના દીકરા જેઠસૂરનેય ભગાડે છે ? હાય રે હાય, આપા માણસૂર ખવડ ! કાઠીએાનું આથમી ગયું કે ?”

“લે બસ કર, કાળમુખા !” એમ બોલીને એ ઘોડાવાળો માણસુર ખવડ જુવાનોને લલચાવવા માંડયો : “ બેટા ભેાજ ! ભાણેજ જેઠસૂર ! જીવતા હશું તો સાતવાર સુદામડું ઘેર કરશું. ભીંત હેઠ ભીંસાઈ નથી મરવું ભાગો, ઝટ ભાગો !”

માણસુર ખવડના દીકરો ભેાજ તે ખાબકી પડ્યો. ઘોડીએ ચડી ગયો, પણ જેઠસૂર ચારણની સામે જોઈ રહ્યો. ચારણે કહ્યું : “બાપ ઘેરે નથી ને તું સુદામડું છોડીશ ? અને 'સમે માથે સુદામડું' શું ભૂલી ગયો ? આજ લગી ગરાસ ખાવો ગળ્યો લાગ્યો, ને રક્ષા કરવા ટાણે તું તારા મામા માણસૂરની ઘોડીએ ચઢી જીવ બચાવીશ, જેઠસૂર !”

સૂદલગઢ સૂનો કરે, (જો) જેઠો ભાગ્યો જાય,
(તો) એભલ ચાંપો અાજ, લાજે લાખણશિયાઉત !

હે લાખા કરપડાના દીકરા જેઠા, જે સુદામડું મૂકીને તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાસી જા, તે કાઠી કોમના વીર ચાંપરાજ વાળા અને એભલ વાળા * []ના નામને કલંક ચડે.

ચારણની અાંખો લાલચટક બની ગઈ. કોઠો હલમલી ઊઠ્યો. દેવીપુત્રનું મુખ દીપી રહ્યું, એ દેખીને જેઠસૂરે કહ્યું : “મામા, બસ, થઈ રહ્યું. હવે મારે પગે તેની બેડી પડી ગઈ. તમને જીવ વહાલો છે, તો ભેાજાને લઈને ભાગવા માંડો.”

માણસૂર ખવડ ચારણને ગાળો દઈને ભોજાની સાથે ભાગી નીકળ્યો. ચારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને બિરદાવવા લાગ્યો. એનાં ગીતો-છંદોએ ગામ આખાને પાનો ચડાવ્યો. પણ તોય હજુ જેઠસૂર કોઠેથી નીચે ઊતરતો નથી.

સેજકપુરના ભાગદાર વોળદાન ખવડે વાડીએ કોસ હાંકતાં હાંકતાં સુદામડાને તરઘાયો ઢોલ સાંભળ્યો; બળદની રાશ હેઠી મૂકીને પરબારી એણે ઢાલ તલવાર ઉપાડી કોઠાની બારીએ સાદ કર્યો : “જેઠા, સેાનબાઈ માતાની કૂખની કીર્તિ કરતાંય આજ જીવતર વહાલું થઈ પડયું કે? આમ તો જો, આ તલવાર લઈને કોણ નીકળ્યું છે ?”

જ્યાં જેઠસૂર નીચે બજારમાં નજર કરે ત્યાં તો એની માતા સોનબાઈ! જગદમ્બા ઉઘાડે માથે ખડગ લઈ ને બજારમાં આવી ઊભી છે.

“માડી ! એ માડી ! મોડો મોડો તોય આવું છું હો !” એવી હાક દેતો જેઠસૂર ઊતર્યો. બીજા પંદર-વીસ કાઠીઓ


  1. આજ સુધી પણ એમ જ છે. વસ્તીના અઘાટ હકને પાછો ઝૂંટવી લેવા સારુ સુદામડાના દરબારો પણ ઘણી ઘણી વાર અદાલતોમાં લડ્યા છે, પણ વસ્તીના હકકો કાયમ રહ્યા છે.
  2. * આ બે પુરુષોની કથાઓ માટે જુઓ 'રસધાર' (ભાગ ૧)ની વાર્તાઓ 'વાળાની હરણપૂજા' અને 'ચાંપરાજ વાળો.'
ઊતર્યા. મોખરે ચાલી ભવાની કાઠિયાણી મા આઈ સોનબાઈ.

મધચોકમાં મુકાબલો થયો. એક બાજુ પંદર-વીસ કાઠી ને બીજી બાજુ બસો પીંઢારા. પણ એક બાજુ વીર જનેતા હતી ને બીજે પક્ષે પાપ હતું. પીંઢારાના સાઠ માણસો કાઠીના ઝાટકા ખાઈને પડયા. ઠેઠ આથમણે ઝાંપે પીંઢારાને તગડી ગયા. પણ ત્યાં તો જેઠસૂર અને વોળદાન, બેય જણા ઘામાં વેતરાઈ ગયા. જાણે મોતને પડકારો કર્યો હોય કે 'જરાક ઊભું રહે, ઝાંપે વળોટવા દે !” એવી રીતે એ બેય જણા પાળને ઝાંપા બહાર કાઢયા પછી જ પડ્યા.

પીંઢારા ચાલ્યા ગયા; ગામ લૂંટાયું નહિ, પણ સોનબાઈની કાયા ઉપર પાંચ ઘા પડી ચૂકયા હતા. જેઠો અને વોળદાન આઘે પડ્યા પડ્યા ડંકતા હતા, તે બેયનાં માથાં પોતાના ઢીંચણ ઉપર રાખીને એક છાપરીની નીચે માતાજી પવન નાખવા માડયાં.

રાત હતી. શત્રુઓ ક્યાં સંતાઈ રહ્યા છે તેની કેાઈને જાણ નહોતી. એાળામાં બે જુવાનોનાં માથાં ટેકવીને આઈ સમાધિમાં બેઠાં હતાં. એમાં ઓચિંતાના એ ઝૂંપડીને ચોયદિશ આગના ભડકા વીંટળાઈ વળ્યા. કાંટાના ગળિયા ખડકીને આગ ચેતાવનાર પીંઢારા હતા.

પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈ એ દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યા હતા. ત્રણે જીવતા જીવ સુદામડાને પાદર 'સમે માથે સુદામડા'ને ખાતર સળગી ભડથું થઈ ગયા.

એ ત્રણેની ખાંભીઓ આજે આથમણે ઝાંપે ઊભેલી છે.