સ્નેહસૃષ્ટિ/રોમાંચની લાલસા

વિકિસ્રોતમાંથી
← ચિત્રપટ સ્નેહસૃષ્ટિ
રોમાંચની લાલસા
રમણલાલ દેસાઈ
રૂપ અને હૃદય →



૧૯
 
રોમાંચની લાલસા
 

પ્રજાના પોશાક, પ્રજાની રીતભાત અને પ્રજાની નીતિ ચિત્રપટ દ્વારા હવે નવેસર સર્જાતી જાય છે. પ્રજાનો પ્રેમ પણ ચિત્રપટ ઘડે છે એ પ્રેમીઓ તો ભૂલી ન જ શકે… અને હવે કોઈ પણ વ્યક્તિ ન ભૂલી શકે. ‘ચિત્રપટ જોવા અમે નથી જતા.’ એવો નીતિ-ઘમંડ સેવનાર ભલે એમ માને કે તેઓ ચિત્ર ન જોઈને નીતિનું મહારક્ષણ કરે છે ! ચિત્ર જોનાર ચિત્રપટમાંથી એટલાં બધાં પ્રેમચિત્રો લાવી જીવનમાં ગોઠવી દે છે કે ચિત્ર ન જોનાર એ ન જુએ તેથી નવીન પ્રેમને જરાય હરકત આવતી નથી.

ચિત્રમાં એક સ્થાને પ્રેમી યુગલનું દીર્ઘ ચુંબન દૃશ્યમાન થયું. છેલ્લાં વર્ગના અસંસ્કારી પ્રેક્ષકોમાંથી બુચકારા થતા સંભળાયા ! એથી વધારે ઊંચા વર્ગમાં ‘આહા !’ જેવા ઉદ્‌ગારો સંભળાયા ! સર્વોચ્ચ વર્ગમાં પુરુષોએ અનિમેષ દૃષ્ટિએ ચુંબન ઉપર ત્રાટક કર્યું; અને અંધારું વ્યાપક હોવાથી સ્ત્રીઓએ પણ મુખ સહજ નીચું નમાવી આંખની કીકી ઊંચકી એ દૃશ્ય જોઈ લીધું ખરું ! નામાંકિત નટ અને નામાંકિત નટીએ પ્રેમનું બહુ જ પ્રત્યક્ષ શિક્ષણ પ્રેક્ષકોને આપ્યું ! કામશાસ્ત્ર શીખવા હવે વાત્સ્યાયન સૂત્રો વાંચવાની જરૂર નથી; ચલચિત્રો - અને તે પૂર્વનાં અને પશ્ચિમનાં ચલચિત્રો - એ શિક્ષણ પ્રત્યક્ષ આપી શકે એમ છે !

મધુકરનો હથ જ્યોત્સ્નાના હાથને શોધી રહ્યા હોય એવો જ્યોત્સ્નાને ભાસ થયો. એટલામાં જ આખા નાટ્યગૃહ ઉપર અજવાળું છવાયું. અંધારામાં થતાં આચરણોથી જુદાં આચરણો પ્રકાશ માગે છે એ સ્પષ્ટ થયું. છતાં સહુના મુખ ઉપર પ્રસન્નતા વ્યાપક હતી. દીર્ઘ ચુંબનક્રિયા ઉપર પડતો પડદો પ્રસન્નતા વેર્યા વગર ન જ રહે. મધુકર સામે વળી રૂમાલો ઊડવા લાગ્યા. જ્યોત્સ્નાએ તેમાંથી કેટલાંક યુગલોનાં ઓળખાણ પૂછ્યાં.

‘મધુકર ! પેલા હસતું મુખ રાખી બેઠેલા વૃદ્ધ કોણ છે ?’

‘વૃદ્ધ ? એ તો મોટા ધનાઢ્ય પુરુષ છે… નાટક-સિનેમાના શોખીન !’ મધુકરે કહ્યું. ધનાઢ્યો કદી વૃદ્ધ થતા જ નથી.

‘અને પેલા છટાથી બેઠા છે એ કોણ ?… વય છુપાવવા મથતા એ પ્રૌઢ પુરુષ ?’

‘એ તો “દંભી સમાજ”ના તંત્રી… કાતિલ લેખિનીવાળા.’

‘પરંતુ એ બંને પત્નીઓને લઈ આવાં ચિત્રો કેમ જુએ છે ?’

‘એ એમની પત્નીઓ નહિ… મિત્રો છે… સ્ત્રીમિત્રો… જોજે કંઈ ભૂલ કરતી.’

‘જેમ હું અને તું મિત્ર છીએ તેમ… નહિ ?’ જ્યોત્સ્નાએ સહજ પૂછ્યું.

‘લગભગ એમ જ.’

‘પરંતુ આજની મૈત્રીમાં ભૂલ પણ ઘણી પડી જાય. સ્ત્રીઓ પુરુષોની સાથે ફરતી થાય એટલે સમજ ન પડે કે કોણ મિત્ર અને કોણ પતિપત્ની.’

‘એમાં શું ? એ ઉકેલ તો તરત થઈ જાય… પૂછપરછ કરતાં…’

‘તેં પછી નોંધ કરી રાખી છે ને ?’

‘શાની ?’

‘કયા કયા દૃશ્યો આપણી નાટ્યરચનામાં ઉપયોગી થાય તેની.’

‘છેલ્લું દૃશ્ય તો ન જ નોંધું ને ?’ સહજ હસીને મધુકરે પૂછ્યું.

‘એ કયું દૃશ્ય ?’

‘કેમ… જેના ઉપર પછી અજવાળું પડ્યું તે…’

‘અં હં… એ ન નોંધીશ… હજી આપણે ત્યાં વાર છે… પરંતુ આ બધાં તારાં પરિચિત હોય તેમને કહી દેજે કે આપણે એક સરસ નાટક ભજવવું છે.’

‘વારુ… હું કહી આવું.’ એટલું બોલી મધુકર બેચાર સ્ત્રીમિત્રોને મળી આવ્યો. આવતાં આવતાં ચિત્રપટનો બીજો આરામ પૂરો થયો. એકાએક અંધકાર ફ્લાઈ ગયો. જ્યોત્સ્નાના હાથને અટકી સ્પર્શને ઇશારે મધુકર પાછો પોતાના સ્થાને આવી બેસી ગયો. અને છેલ્લો દૃશ્યવિભાગ શરૂ થયો. ચિત્ર ઘણું વખણાયેલું હતું - ન વખણાયેલું ચિત્ર જ ક્યું છે ? નટ-નટી દેવ-દેવી કરતાં પણ વધારે પૂજનીય બન્યાં હતાં - જોકે હમણાં જ એ નટ તથા નટીએ પોતાનાં પત્ની ને પતિને છૂટાછેડા આપ્યાના રસભર્યા સમાચાર વિશ્વભરના તેમના ભક્તોએ વાંચ્યા હતા ! આ યુગ નટ-નટીનો ચલનયુગ છે. ચિત્રપટ ઉપર તેઓ ભવ્ય ઊર્મિ-અભિનય કરી શકે છે - જેના અનેક ચોટદાર પ્રસંગોમાં નટીના અંગેઅંગનું સૌંદર્ય પ્રકટ થાય એવી ઢબની પ્રેમયાતના, વિલાપ, ચુંબન અને વસ્ત્રોથી ન ઢંકાતા યૌવનને દૃશ્યમાન કરતાં પ્રસાધન સ્નાનાદિ કાર્યપ્રસંગો વધારેમાં વધારે ચોટદાર બની રહે છે.

ચિત્ર પૂરું પણ થયું. મધુકરે આપેલા સહાયભૂત હાથનો ટેકો ન લેતાં જ્યોત્સ્નાએ બહાર નીકળતાં પૂછ્યું :

‘મધુકર ! તને આ ચિત્ર ગમ્યું ?’

‘સરસ ! ઉચ્ચવર્ગીય ચિત્ર છે… આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આ ચિત્રને ત્રીજું ઇનામ મળ્યું હતું.’ મધુકરે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું. ઘણાં ચિત્રોને આવાં એક અગર બીજાં ઇનામો મળેલાં હોય જ ! અને ન મળ્યાં હોય તોય કોણ એની તપાસ કરવાની તસ્દી લઈ ઈનામની હકીકત ખોટી છે એમ ઠરાવી શકે ?

‘પેલી ગામડાની યુવતીને પેલો શહેરી ધનિક કારમાં ઉપાડી લઈ ગયો એ તો ઠીક; નાટક ત્યાં અટક્યું… પરંતુ એ પછીના જીવનને ચર્ચનારું ચિત્ર ન નીકળી શકે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘પછી તો Romance હૃદયકંપ ક્યાં રહે ? એ તો સામાન્ય રોજિંદું લગ્નજીવન બની જાય.’

‘એટલે લગ્નજીવન સામાન્ય હોય ખરું ? રોજિંદા જીવનમાં સાચી મોજ ન આવે… એમ ને ? રોમાન્સ - કંપ - ની મર્યાદા લગ્ન આગળ અટકી જાય, નહિ ?’

‘હું અને તું એનો અનુભવ લઈએ તો સાચી વાત સમજાય.’ જરા ઝીણી આંખ કરી મધુકરે પૂછ્યું.

‘શાનો અનુભવ ? કંપનો ? કે લગ્નનો ?’ જ્યોત્સ્નાએ ધીમે રહીને પૂછ્યું.

‘બંનેનો… મને લાગે છે કે તારી સાથેના લગ્નમાં પણ કંપ - Romance ઘણાં વર્ષો લગી ચાલે !’ મધુકરે જ્યોત્સ્નાની વિશિષ્ટતા જ્યોત્સ્નાને જ સમજાવી.

‘પરંતુ એ કંપ પુરુષને રહે કે સ્ત્રીને ?’

‘બંનેને ! કલાપી યાદ કર : સરખાં બને બંને જરા !’ ધીમેથી હસતે હસતે મધુકરે કહ્યું, અને જ્યોત્સ્નાના હાથમાં પોતાનો હાથ મેળવવા યત્ન કર્યો.

‘તને લાગે છે કે સુરેન્દ્ર આ ચિત્ર જોવામાં હોય ખરો ?’ એકાએક વાત બદલી નાખી જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘તારી આ સુરેન્દ્રભ્રમણા ઓછી થાય તો વધારે સારું નહિ ? આવ્યો હોત તો આપણી સાથે જ હોત ને ?’ મધુકરે કહ્યું.

‘મને એમ લાગ્યું કે મેં એને કાંઈક જોયો… ભ્રમણા પણ હોય.’

‘જ્યોત્સ્ના ! એ ભ્રમણા તું છોડી દે એમાં કોઈને લાભ નથી. ન એને કે ન તને.’

‘છોડેલી જ છે ને ? સુરેન્દ્રને ક્યાં તારી કે મારી પરવા છે ?’

‘તું માને છે એટલો સુરેન્દ્ર બેપરવા નથી. હોં…’

‘એમ ? શા ઉપરથી તું કહે છે ?’

‘એના તરફ જે સૂચનાઓ ફેંકાય છે, એ જોતાં એણે ક્યારનું ખસી જવું જોઈતું હતું… તારા ઘરમાંથી.’

‘આ આપણું નાટ્ય થઈ જાય પછી એને છૂટો કરીએ… એ પણ ઘણું કહે છે છૂટા થવા માટે.’

‘નાટકમાં એની શી જરૂર છે ? એ તો અતિચોખલિયો…’ વાત કરતાં… ધીમે ધીમે ચારે બાજુનાં ઘોંઘાટમાં સમાઈ જતી વાતચીત કરતાં બંને જણ બહાર આવી રહ્યાં અને સિનેમાગૃહની આગળ કાંઈ ધાંધલ ઊભું થયું. લોકો ભેગા થઈ ગયા, બૂમાબૂમ થઈ રહી અને નિષ્ક્રિય ટોળાં જામી ગયાં.

‘જો પેલો સુરેન્દ્ર ! બાજુ ઉપર રહ્યો છે તે !’ જ્યોત્સ્નાએ આંગળી વડે બતાવ્યો.

‘એનું જ કાંઈ તોફાન હશે.’ મધુકરે કહ્યું.

‘શા ઉપરથી ?’

‘તેમ ન હોય તો એ અહીં શાનો હોય ?… અને એ સુરેન્દ્ર જ છે ખરેખર !’

સુરેન્દ્ર ખરેખર ટોળા વચ્ચે એક બાજુ ઉપર સ્વસ્થતાથી ઊભો હતો, અને મધુકરની એક પરિચિત યુવતીમિત્ર મીનાક્ષી તેની પાસે થરથરતી ઊભી હતી. સખીઓનાં ટોળામાં મસ્ત હાસ્યથી આગળ તરી આવતી મીનાક્ષીને બહાર નીકળતા બરોબર એકાએક માણસોએ ઊંચકી એક કારમાં બેસાડી દીધી, અને ઘણી હોહા થવા છતાં કોઈએ તેને છોડાવવાની હિંમત ન કરતાં કારના એન્જિને પોતાનું કાર્ય શરૂ કર્યું. પરંતુ એન્જિન ચાલવા છતાં કાર આગળ ચાલી નહિ, એટલે કારની આસપાસ લોકો વીંટાઈ વળ્યા. ડ્રાઈવરે બળ કર્યું. પરંતુ ગાડી ચાલી જ નહિ, એટલે એણે ઊતરી ગાડીનાં પૈડાં તપાસ્યાં અને પૈડાંમાંની હવા નીકળી ગઈ હોવાથી બેઠેલાં પૈડાં જોઈ ડ્રાઇવર કાંઈ ઇશારત કરી ટોળામાં અદૃશ્ય થઈ ગયો. મીનાક્ષીને પકડી કારમાં બેઠેલા ત્રણે જણ આ જોઈ એકાએક ઊતરી ટોળામાં જ અદૃશ્ય થઈ ગયા અને બીકથી ધ્રૂજી ઊઠેલી મીનાક્ષી પાસે જ ઊભેલા સુરેન્દ્રે તેને કહ્યું :

‘મીનાક્ષી ! બહાર ચાલી આવી; કશી હરકત નથી.’

મીનાક્ષી બહાર ચાલી આવી, પરંતુ હજી તેને ભય ઘટ્યો ન હતો. શું ? કેમ થયું ? શા માટે થયું ? એનો ખ્યાલ મીનાક્ષીને પણ આવ્યો ન હતો તેમ ટોળાને પણ આવ્યો ન હતો. માત્ર મીનાક્ષીને બધા વચ્ચેથી ઊંચકી તેને કારમાં ઘસડી બળપૂર્વક બેસાડી દીધી હતી, અને કાર ન ચાલવાથી તેને બેસાડનાર આ ટોળામાંથી ભાગી ગયા હતા. એટલું જ સહુ કોઈ સમજી શક્યા.

મીનાક્ષી વધારે ભયની આગાહીથી હજી થરથર કંપતી હતી. ગુનેગારો ભાગી ગયા પછી મહાબહાદુર બનતા ટોળાએ હવે શૌર્ય દાખવવા માંડ્યું : ‘પકડો બદમાશોને !’

‘ક્યાં ભાગી ગયા હરામખોરો ?’

‘બોલાવો પોલીસને !’

‘આમ દુનિયા કેમ ચાલશે ?’

‘સરકાર શું કરે છે ?’

‘બધાય અમલદારો મફતના પગાર ખાય છે !’ આવા આવા ઉદ્‌ગારો દ્વારા વીરત્વ પ્રદર્શન કરી રહેલા ટોળામાં બેત્રણ પોલીસના માણસો પણ આવી ચૂક્યા અને ચારેપાસ વિજયી મુખમુદ્રા કરી સહુને વેરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સહેજ સહેજ ધાંધળ, ધોલઝાપટ કે ઝપાઝપીથી કાંઈ ભારે ગુનો બનતો નથી; અને ફરિયાદી તેમ જ આરોપી બંનેને એકએક બબ્બે તમાચા મારી અનેક ફરિયાદોનો નિવેડો કરનાર અનુભવી પોલીસના માણસોએ લોકોને વેરી નાખવા માંડ્યા. એકબે કાયદાબાજ ટોળાબંધુઓએ જરા પોલીસની પણ ખબર લેવા માંડી.

‘અરે શું જમાદાર !… આટલી વસ્તી વચ્ચેથી છોકરીઓને ગુંડાઓ ઉપાડી જાય એ કેવું ?’

‘એ છોકરી પણ સંતલસમાં નહિ હોય એમ શા ઉપરથી ?’ પોલીસે કહ્યું. પોલીસની દુનિયામાં ગુના રહિત પ્રાણી કોઈ જ નથી… અને એ વાત છેક ખોટી પણ ન કહેવાય !

‘અરે, પણ પૂછો તો ખરા ?’ બીજા કાયદાબાજે આજ્ઞા આપી.

‘કેમ બાઈ ! શું થયું ? શાનું બધું ધાંધળ કરો છો ?’ પોલીસે મીનાક્ષી તરફ વળી પૂછ્યું. જેને લઈને ધાંધળ થયું હોય એ પણ ધાંધળ કરનાર તરીકે જ સાહજિક રીતે ગણાય. મીનાક્ષીને પોલીસે પૂછેલો પ્રશ્ન મિથ્યા ન હતો.

‘કાંઈ નહિ, જમાદાર ! બધાંને ખસેડો એટલે બસ. બીજું કાંઈ ધાંધળ થયું નથી.’ સુરેન્દ્રે કહ્યું. પોલીસ અને કાયદાની ચુંગાલ ચોરાશી લાખ યોનીની ભવાટવીનું ભ્રમણ બની રહે છે એમ જાણતા સુરેન્દ્રે પોલીસને જવાબ આપ્યો. મીનાક્ષી હજી જવાબ આપવા જેવી સ્વસ્થતા પ્રાપ્ત કરી શકી ન હતી.

‘તે… તમે મિસ્ટર ! આ છોકરીને ભગાડી જતા હતા શું ?’ પોલીસે સભ્ય પ્રશ્ન પૂછ્યો.

સુરેન્દ્રના મુખ ઉપર સહેજ હાસ્ય ફરક્યું. મીનાક્ષીથી રહેવાયું નહિ. એણે જ પોલીસને જવાબ આપ્યો :

‘એ ન હોત તો હું બચત જ નહિ. શાના એને ધમકાવો છો ?’

‘અરે બહેન ! એવા બચાવનારા કૈંક આવે છે ! જોજો… એના ફંદામાં પાછાં ફસાઓ નહિ… ભાગો બધા અહીંથી. તમાશો છે કે શું ?… હટો… હટાઓ…’ કહી ભેગા થયેલા લોકોને પોલીસે વેરી નાખવા માંડ્યા. વધારે કુતૂહલ ન સંતોષાય એવું લાગવાથી લોકો પણ ખસતા થઈ ગયા.

‘શું થયું આ બધું, મધુકર ?’ જ્યોત્સ્નાએ ટોળામાંથી ખસ્યા વગર પૂછ્યું.

‘સુરેન્દ્ર જ્યાં હોય ત્યાં કાંઈનું કાંઈ તોફાન હોય જ… અને પેલી મીનાક્ષી… એવી ચિબાવલી અને ચોટડું છે કે… એનો ફજેતો કાંઈ અને કાંઈ હોવાનો જ… જવા દે બધાને… ચાલ હવે મોડું થશે…’ મધુકરે વ્યવહારુ સલાહ આપી.

‘નહિ નહિ એમ કેમ ભાગી જવાય ? સુરેન્દ્ર અને મીનાક્ષી બન્ને મારાં અને તારાં પરિચિત છે. પૂછીએ તો ખરાં… કાંઈ મદદ કરવા જેવું હોય તો !’ કહી જ્યોત્સ્નાએ મધુકરને અનિચ્છાએ આગળ ઘસડ્યો. એટલામાં મીનાક્ષીની ભાગી ગયેલી રૂપાળી બહેનપણીઓ તેની પાસે આવી પહોંચી અને મીનાક્ષીને આશ્વાસન આપવા લાગી :

‘બહુ સારું થયું, બહેન ! કારનાં પૈડાં ચાલ્યાં નહિ તે ! કોણ જાણે શુંનું શું થઈ જાત નહિ તો !’ એક બહેનપણીએ કહ્યું.

‘હવે બાપ ! આમ એકલા કદી ન આવવું ! એકાદ છોકરો તો સાથમાં રાખવો જ.’ બીજી બહેનપણીએ પુરુષાર્થી ભવિષ્ય ભાખ્યું.

‘એમ ગભરાશો તો… સ્ત્રીસ્વાતંત્ર્યની તો રોજ વાતો કરો છો !’ નાનામાં નાની બહેનપણીએ જરા જુસ્સો જાળવી રાખ્યો - જોકે મીનાક્ષીને ઉપાડી જતી જોતાં તેણે જ પહેલી ભયબૂમ પાડી હતી.

‘હવે મીનાક્ષી ! ઘેર ચાલવું છે ને ? કહે તો પોલીસની મદદ લેઈએ.’ ચોથી બહેનપણીએ ઘેર જવાની ઉતાવળ કરી. પાંચછ બહેનપણીઓ આજનું સરસ ગણાતું ચિત્ર જોવા ખાસ ભેગી થઈને આવી હતી. એ બધી ભણેલી લલનાઓ સ્ત્રીસ્વાતંત્ર્યના વિચારો અને આચારોમાં ખાસ આગળ પડતી ગણાતી હતી. સુરેન્દ્ર, મધુકર, જ્યોત્સ્ના એ સર્વનો તેમને પરિચય હતો. મીનાક્ષીએ કહ્યું :

‘હું તો સુરેન્દ્રની સાથે જઈશ.’

‘બધાં જ ચાલો ને, સાથે જ ? મધુકર ! ત્રણેક ટૅક્સીઓ લાવે ને.’ જ્યોત્સ્નાએ વચમાં આવી કહ્યું. એ પૈસાદાર છોકરીને પૈસાનો કાંઈ હિસાબ ન હતો.

ટોળું વીખરાઈ ગયું હતું. કાર એમ ને એમ ખસ્યા વગર પડી રહી હતી. પોલીસે લાંબી પંચાયત કરી નહિ.

‘આપણે ચાલતાં ચાલતાં લેઈ લેઈએ.’ મધુકરને જ્યોત્સ્નાની આજ્ઞા બહુ ગમી નહિ એટલે એણે રસ્તો કાઢ્યો.

‘સુરેન્દ્ર ! તું મારી સાથે જ ચાલ.’ મીનાક્ષીએ કહ્યું અને સહુએ ચાલવા માંડ્યું.

ટૅક્સી ઝડપથી મળી નહિ. સુરેન્દ્ર પણ ધીમે ધીમે યુવતીટોળાની પાછળ ચાલવા લાગ્યો. મધુકરે તેનો સાથ કર્યો અને જરા રહી કહ્યું :

‘જોયું, સુરેન્દ્ર ?’

‘શું ?’

‘સ્ત્રી એટલે… એટલે… રમવાનું રમકડું…’

‘તારે મન એમ હશે.’

‘તો તું શું ધારે છે ?’

‘હું કાંઈ જ ધારી શકતો નથી. આખો સ્ત્રી પ્રદેશ મને અગમ્ય છે… મારી માતાથી શરૂ કરી મીનાક્ષી સુધીનો.’ સુરેન્દ્રે જવાબ આપ્યો.

‘પણ આ બધું બન્યું શું ?’ આગળ ટોળામાંથી એક યુવતીએ પૂછ્યું.

‘સુરેન્દ્ર ! જરા આગળ તો આવ ? આ બધાં પૂછે છે કે શું બન્યું ?’ મીનાક્ષીએ સુરેન્દ્રને આગળ બોલાવી લીધો. મીનાક્ષીનો ગભરાટ ઘટી ગયો હતો. હવે તેની જૂની લઢણ તેણે પાછી મેળવી લીધી હતી. મીનાક્ષી બહુ લાડીને બોલતી હસતી પણ ઝટપટ; અને તેની વાતચીતનો લહેકો પણ આકર્ષક હતો.

સુરેન્દ્ર આગળ આવ્યો ખરો, પરંતુ વાત ઉપાડવાની કે વધારવાની તેની ઈચ્છા ન હોય એમ તે બોલ્યા વગર જ ચાલતો હતો !

‘કેમ કાંઈ બોલ્યો નહિ. સુરેન્દ્ર ?’ લળીને ડોકું ઢાળી મીનાક્ષીએ પૂછ્યું.

‘તું જ કહે ને ?’

‘ના ભાઈ !… મારું તો કાળજું હાલી જાય છે, એ વાત સંભારતાં… હું કાંઈ ન કરું…’ મીનાક્ષીએ વધારે પડતો સ્ત્રીભાવ દર્શાવ્યો. અને કોઈ રોમાંચક કથાની નાયિકા પોતે હોય એમ પોતાની કથા સાંભળવા તેણે આતુર મન કર્યું.