સ્રોતસ્વિની/અવસાન

વિકિસ્રોતમાંથી
← વિપત્ સ્રોતસ્વિની
અવસાન
દામોદર બોટાદકર
એક નાવિકને →


<poem>

અવસાન

( શિખરિણી )

અધૂરી અાશાઓ હૃદય મહિં રાખી હૃદયની, અહો ! સૂતો આજે કરી અહીં પથારી મરણની; વહે ધીમી નાડી, શિથિલતર અંગો થઈ ગયાં, હવે લેવા શ્વાસો પરિમિત મદર્થે રહી ગયા.

ગઇ અાંખો ઉંડી, પ્રથમ સમ દૃષ્ટિ નવ પડે, ક્રમેથી કર્ણાદિ અબળ અતિશે ઇંદ્રિય બને; ઘડી ઉંડો ઉંડો ઉતરી પડું પાતાલ-તલમાં, ઘડી વાયુવેગે વિવશ વિચરૂં વ્યોમ–પથમાં.

ઘડી હાહાકારે બધિર શ્રવણે આ બની જતા, ધડી મંજુ ગાને હૃદય અનુવર્તે રસિકતા; ઘડી સ્વર્ગસ્થોનો સહચર બનીને વિચરતો, ધડી જીર્ણારણ્યે, ભયંકર નિદ્રાઘે ભટકતો.

સમીપે શું થાયે ? ખબર નહિ તેની ધડી પડે, વિલાપો વ્હાલાંના સકરૂણ ઘડીમાં મન દહે, ઘડી કાન્તાસંગે કદલીવનમાં કેલિ કરતો

રીસાતી રામાને પ્રણય-પટુતાથી રીઝવતો. <poem>

ઘડી અંકે રાખી સુતવદન હોંશે નિરખતો, શુણી કાલાં ઘેલાં મૃદુ વચન હૈયે હરખતો; થતી હૃત્સૃષ્ટિમાં બહુ વિધ ક્રિયાને અનુભવું, ન જાણે જેનારાં, પરવશ નહિ હું કહી શકું.

રૂએ માતા પેલી, જનક–મન છાનું અહીં રુએ, નિરાશે, નિઃશ્વાસે, વ્યથિત બની મારૂં મુખ જુએ; અરે ! એની આશા સહજ સહુ લાગી સળગવા, વિચારો ધારેલા ઉર ઉછળી આવે ખસી જવા.

ભિષણ ધ્યાનાભાસે ધમની અવલોકે કર ધરી, ઘડી અાશાવેશી, ઘડી ઉર નિરાશા ઉલટતી; અરે ! શાને ઘેલા વિફળ વિષયે યત્ન કરતે ? ઉકાળા આ કાળા દઈ વિવિધ કાં દેહ ભરતો ?

ચડ્યું સ્કંધે ચાહી નહિ મરણ પાછું હઠી જશે, ઉપાયો સૌ તારા વન-રૂદન જેવા થઇ જશે. દશા આ સર્વેની જરૂર બનવાની જગતમાં, હું આજે તું કાલે નહિ ધરવી શંકા નિધનમાં.

ઉદાસી મિત્રો ને પરિચિત જનો સૌ કળકળે, પૂછે વારે વારે, અભિલષિત ના ઉત્તર મળે; રહી શાંતિ વ્યાપી પિતૃવિપિન જેવી સદનમાં,

શુણી શું મૃત્યુનો પદરવ સહુ મૌન ધરતાં ? <poem>

અરે ! આ એકાંતે રડતી મમ ભોળી પ્રિયતમા, મૂકે છે નિ:શ્વાસો પ્રલયસમયસ્પર્શન સમા; ઘડી પાસે આવી મુજ વિલોકી નવ શકે. અધીરાં આંસુને વિપળ પણ રેાકી નવ શકે.

દશા એના દુ:ખી હૃદય તણી કેવી થતી હશે ? નિરાધારા દારા વિપદનિલથી વેપતી હશે ! સુભાગી શુંગારો ઘડી પછી શું એના ઉતરશે ? અરે ! શું મૃદ્ધંગી પ્રિયવિરહ વૈધવ્ય ભજશે ?

દયા લાવી એની નિકટ જન કોઈ નથી જતું, મુંઝાણી જાણી ના પતિવચનથી શાત કરતું; પડે જેને માથે સહન જગમાં તે જન કરે, સહુ દુઃખે ડૂબ્યાં, ક્યમ ઇતરનું સંકટ હરે ?

રૂદંતી રામાની સમીપ શિશુ પેલાં ટળવળે, મુખે વીલે રોતાં, જનની મુખ જોતા પળપળે; "અહો ! માતા ! શાને રૂદન કરતી દીન વદને ? "પિતા કાં ઉઠે ના ? નિકટ નવલે કેમ અમને ?"

"બિચારાં ઓ ! મારાં શિશુ સતત ભાગી સુખતણાં ! "શિરે છાયાં અભ્રો નિરખી ન શકો સંકટ તણાં; "રડે શાને બાપુ ! તમ જનક આરોગ્ય લઈને,

"પથારીથી કાલે જરૂર ઉઠશે સ્વસ્થ થઈને. <poem>

"હસી બેાલી હેતે તમ હૃદયને હૃષ્ટ કરશે, "રમાહીને રંગે, સતત લઈ સંગે વિચરશે;" દિલાસા દેતી ને હૃદય સરસા ચાંપતી અરે ! પરંતુ પ્રાણેશે હૃદય કંઈ વિશ્વાસ ન ધરે.

પિતાને સૌ પૂછે, કંઈક જન પૂછે જનનીને, પરંતુ આને કયાં પૂછવું મમ આરોગ્ય જઈને ? ભુંડા ભાવી તર્કો હૃદય પટ ચીરે અયુતધા, મને વ્હાલાં કેરાં અહિતશતશંકાકુલ સદા.

ઘડી એક સ્થાને ઠરી નવ શકે ધીરજ ધરી, વિપજ્જાલે પેસી હરિણી સમ કંપે હર ધડી; સુરોને સંભારી વિહિતવિનયા પ્રાર્થન કરે, પતિને મૃત્યુના કર થકી મૂકાવા કરગરે.

ઘડીમાં શાંતિથી શ્રવણ દઈ સાશંક શુણતી, સગાંના સંવાદે ભયચકિત ભીરૂ ભડકતી; અરેરે ! સંસારે જરૂર સુખ શોધ્યું નવ જડે, વડા વિઘુત્પાતે કદલી ઢળીને કાં નવ પડે ?

ખરે ! પામી મૂર્ચ્છા, નહિ જઈ ઉઠાડે નિકટ કો, ધડી જાતાં ઉઠી, અહહ ! દુઃખકારી સમય શો ! સગું તેનું સાચું નહિ જગતમાં કો પણ રહ્યું,

પતિ પ્હેલાં હા ! શું સકળ સુખ દૂરે વહી ગયું ! <poem>

અરે ! શાને શાણી ! મમ હૃદયરાણી ! ટળવળે ? સલુણી છોડી દે રૂદન, નહિ તેથી કંઈ વળે, વિપત્તિ પ્રાણીને સહન કરવાની શિર સદા, સુખો દુઃખો સર્વે મનુજ-ગણ માટે નહિ મૃષા.

સ્થિતિ જોને ! કેવી બહુવિધ બને એક દિનની ? ઋતુના ભેદેથી ષડવિધ નથી શું વરસની ! અને તેવી રીતે સમય વધતાં આ શરીરની, દશાભેદે એવી સ્થિતિ થતી સદા સંસૃતિ તણી.

શિરે સૌને શાણી ! મરણ રજની ને દિન વસે, સુએ, બેસે સર્વે પણ વિપળ ત્યાંથી નવ ખશે; જવું વ્હેલું મોડું ત્યજી જગત, પ્રાણી સકળને, રડ્યાથી, કુટ્યાથી, વિધિનિયમ મિથ્યા નહિ બને.

સગાં ને સંબંધી પવનવશ સૌ અભ્ર સરખાં, થઈ ભેગાં છૂટે વિવિધ ભવનોમાં વિહરતાં; ગયા જોને ! કોટિ મનુજ, ત્યજીને સર્વ મમતા, જવું તેવી રીતે, શરીરધરને શી અમરતા ?

વિપત્તિ જે વ્હાલી ! શરણગતની સત્વર હરે, ત્યજાવે સૌ ચિંતા, પ્રણયરસથી માનસ ભરે; પ્રભુની પ્રાપ્તિને પુનિત પથ ઉદ્ઘાટિત કરે,

અરે ! એ મૃત્યુનું શરણ ભયકારી ક્યમ ઠરે ? <poem>

વિયેગાવસ્થાને અમુક દિન તું સહ્ય ગણજે ! નિરાંતે દેહાંતે મુજ હૃદયને આવી મળજે ! અદેહીની સૃષ્ટિ, સતત સુખવૃષ્ટિ થકી ભરી, યથાકાળે કાન્તે ! અભય બનવું ત્યાં પદ ધરી.

નહિ જ્યાં સંસારી સહજ પણ દુઃખો રહી શકે, નહિ જેની કીર્ત્તિ સુરગુરૂ સમાએ કહી શકે; સુરોની સંગાથે રસભરિત જ્યાં અંતર રમે, પ્રિયે ! એ સૃષ્ટિમાં ગમન મનને કેમ ન ગમે ?

જવા દે ઉત્સાહે વિતથ જગમાંથી મન ત્યજી, પરાનંદે પ્રીતિ પ્રકટ થતી ના રોક્ય રમણી ! રૂએ છે આ બાળો, દઈ દિલ દિલાસો નિકટ લે ! નબાપાંનાં દુઃખો મન નયનને પ્લાવિત કરે.

ઘડીમાં તેઓનું જનક-સુખ બ્હોળું બળી જશે, શિરશ્વત્રાભાવે ભવવિપિન માંહે ભટકશે; નહિ એ શું મારાં ? વળી નહિ હું એનો પણ રહ્યો? ખરે ! એ સંસારી સુખ-સમય પૂરો થઈ ગયો.

હવે તે શાંતિથી, વિમળ મનથી પ્રાપ્ત મરવું, હવે શાને માટે જડ જગતમાં ધ્યાન ધરવું ? હવે શાને માટે મરણ–પળથી લેશ ડરવું ?

હવે શાને માટે પરમપદવૈમુખ્ય વરવું ? <poem>

સુખી રે'જો, સર્વે, ગત મનુજને વીસરી જજો, જગદ્ધયાપારોમાં ફરી વિવશ, સંક્રાન્ત બનજો; રહે ના કૈં ભીતિ તન–મન થકી તેમ કરજો, દશા આ પર્યન્તે સહન કરવા તત્પર થાજો !