સ્રોતસ્વિની/દીપાત્યય

વિકિસ્રોતમાંથી
← એક સ્મૃતિ સ્રોતસ્વિની
દીપાત્યય
દામોદર બોટાદકર
વિપત્ →


<poem>

દીપાત્યય

( વસન્તતિલકા – અનુષ્ટુપ્ )

ગાઢાન્ધકાર ગૃહ માંહિ હતો છવાયો, ને શૂન્યકાર ઉર માંહિ હતો ભરાયો, દૃષ્ટિ જરા પણ જઈ શકતી ન દૂરે, આશા કશી પ્રકટતી ન હતી લગારે.

દૈવના યોગથી ન્હાનો દીવડો એક ઉદ્ભવ્યો, સ્નેહના પોષણે સ્હેજે વાધતો ક્રમથી ગયો.

ચંદા તણા રસભર્યા મૃદુ હાસ્ય જેવો, ને ઉગતા રવિ તણા કર શો રૂપાળો, ન્હાના પ્રસારી કર વ્હાલ વધારતો એ, ને ડેલતો, દશ દિશા અજવાળતો એ.

અધિકાર ગયો ઉડી, દૃષ્ટિસાફલ્ય હા ! થયું, શૂન્લવદ્ ગેહમાં ભાસે એથી સર્વ નવું નવું.

નાસી ગઈ હૃદયની સઘળી નિરાશા, ને ઉદ્ભવી નવનવીન અનેક આશા; એ યોગથી સકળ વસ્તુ સુરમ્ય લાગે,

ને પ્રેમને પ્રબળ પૂર્ણ પ્રવાહ ચાલે.
<poem>

સ્નેહની દૃષ્ટિએ જોતી શર્વરી દોડતી જતી, સુભાગી કૈંક સ્વપ્નોના આસ્વાદો આપતી જતી.

ખીલી રહ્યું પળ પળે વપુ તેજ દેતું, ને વાધતું નસ નસે બળ નવ્ય લેતું? દૈવી પ્રભા વદનમાં વિલસે વધારે, સ્હેજે તમિસ્ત્રચયને નિરખી નસાડે.

ન કશે કલ્પનામાંએ અન્ધકાર હવે રહ્યો, ૨સીલો દીપ જ્યાં રાજે તેજના પુંજથી ભર્યો.

મારા સમગ્ર જગને રવિ એ રૂપાળો, ને રાત્રિનો ૨મણુ એ ઉડુરાજ સાચો; પીયૂષ એ, નયન એ, ઉર એજ મારૂં, એ પ્રેમ, એ સકળ જીવન મૂળ મીઠું.

હેાંશીલો કો સમે આવી વાયુ લાડ લડાવતો, સ્પર્શીને કોમળા અંગે નવ્ય ભાવે નચાવતો.

લીલા અનેકવિધ એ અવલોકવાથી, આનંદની લ્હરિઓ ઉર ના સમાતી; ને એ અનેક સુખના પરિણામ જેવી, નિદ્રા નવી નયનમાં સહસા ભરાતી.

પરંતુ કાળની દૃષ્ટિ ઈર્ષ્યાગ્નિથી ભરી હતી,

રંકના રત્નને દેખી એ નહિ રાચતી હતી.
<poem>

ધીમે ધીમે પવનના પલટ્યા વિચારો, જૂદું સ્વરૂપ કંઈ એ ધરતો જણાતો; વાત્સલ્યભાવ ઉર માંહિ રહ્યો ન એને, ભેળું અરે ! હૃદય, આ નવ કાંઈ જાણે.

પ્રહારો આકરા એના, હા ! ક્રમે વધતા જતા, બિચારૂં કોમળું હૈયું સહી કેમ શકે જરા !

આઘાત એ શિશુકથી ન સહી શકાય, કંપે અને કળકળે, મનમાં મુંઝાય; ઉડી જવા ઉછળતું ઉર સ્તબ્ધ થાતું, ને વાયુનું બળ અરે ! વધતું જણાતું.

અંધારૂં ઉડતું આવે, ડોકિયાં કરતું ફરે, કાળના ક્રૂર હૈયા શું કૈંક ચેષ્ટા કર્યાં કરે.

"હાં ! હાં ! વિરામ પળ પામ સમીર, વ્હાલા! "આ શા કરે પ્રણય વીસરી દુષ્ટ ચાળા ! "ઉગ્ર સ્વરૂપ તુજ એ નિરખી શકે ના, "આઘાત એ હૃદય સ્વલ્પ સહી શકે ના."

પરંતુ અંતરે એને ઉતરે નહિ અર્થના, અશાંત ચિત્તમાં આજે ઊદ્ભવે કયાં થકી દયા !

વસ્ત્રાંચલે અનિલને ઘડી રોકી રાખું,

ને હસ્તનો ઘડીક દુર્ગ ૨ચી બતાવું;
<poem>

તોએ ન કંપ ઉરનો કંઈ શાંત થાય, ને શ્વાન્ત તે સદનમાં અતિશે ભરાય.

અહેા ! સ્તબ્ધ થયો વાયુ, દીપ એ ડેલતો રહ્યો, કાળવક્ત્ર થયું કાળું, બાળ એથી બચી ગયો.

ચિંતા ત્યજી દુદય હૃષ્ટ થયું ધડીમાં, નાચી રહ્યું નવલ સ્વપ્ન-પરંપરામાં; ત્યાં તો અચિંત્ય ફરી એ યમદૂત આવ્યો, કંપી ઉઠ્યો અહહ! બીકથી બાળ ન્હાનો.

આઘાત એક ઓચિંતો ! એક ફુત્કાર કારમો ! અરેરે ! દીપ ડોલીને શાંત શૂન્ય બની ગયો !

ગાઢાન્ધકાર ગૃહ માંહિ ફરી છવાયો, ને શૂન્યકાર ઉર માંહિ ફરી ભરાયો; દૃષ્ટિ જરા જઈ શકી ફરીથી ન દૂરે, આશા કશી હૃદયમાં ન રહી લગારે