સ્રોતસ્વિની/ધેનુ

વિકિસ્રોતમાંથી
← કસ્તૂરી મૃગને સ્રોતસ્વિની
ધેનુ
દામોદર બોટાદકર
સુદામા →


<poem>

ધેનુ

(મન્દાક્રાન્તા )

વૃત્તિ ચોટે નહિ વિપિનમાં વત્સ કેરા વિયોગે. લીલા દુર્વાંકુર પણ નહિ રમ્ય લાગે લગારે; મીઠું મોંઘું ગિરિઝરણનું ન રૂચે શીત વારિ, શાંતિ દેતી સધન વડની છાયા લાગે ન સારી.

ઉંચી દૃષ્ટિ કરી ગગનને સૂર્યને જોઈ રે'તી, સંધ્યા કેરૂં મુખ નિરખવા પશ્ચિમે દૃષ્ટિ દેતી; ક્યારે જોતી સજલ નયને ગ્રામ કેરી દિશામાં, ને નિ:શ્વાસે હૃદય ભરતી દીન જેવી દશામાં.

દૂરેથી કો, અવર ચરતા વત્સની શબ્દ આવે, વ્યાપારો સૌ ત્યજી ઉલટથી કારમી કાન માંડે; ને રોમાંચે, ઉર-ઉમળકે, ભવ્ય વાત્સલ્યભાવે, હુંકારન્તી પ્રતિવચન કૈં આ૫તી સાદ પાડે.

સંધ્યાકાળે સ્વર વિલસતો ગોપની વાંસળીનો, ને પક્ષીનો કલવર ઉઠે સાન્ધ્ય સંગીત ગાતો; ત્યાં તો હર્ષે ધણ સકળનો નિત્યનો સંગ છોડી,

આશાવેશે નિજ ઘર ભણી બ્હાવરી જાય દોડી. <poem>

માર્ગે મીઠાં ફળથી લચતી વેલીએા કૈં વધાવે, આકર્ષન્તાં નવલ ઘવલાં ધાન્યનાં ક્ષેત્ર આવે; . કિંતુ ઉંચું હૃદય પ્રણયી વત્સ પાસે વસ્યું છે, રોકી રાખે કયમ જગતની લાલચો લેશ એને?

આવી ઉભી ત્વરિત ગતિથી-વ્હાલથી વત્સ પાસે, મીઠી દૃષ્ટિ ભરી નિરખતી, ચાટતી ચુમતી એ; હૈયા પાસે ઘડીક ગ્રહીને દીન વકત્રે દબાવે, ન આંસુના શુચિ સલિલથી સ્નાન સ્હેજે કરાવે.

ત્યાં તો લૂટી અહહ ! સહસા સર્વ સ્વાતંત્ર્ય લેતી, આવી ભૂંડી કુલિશ સરખી શૃંખલા કંઠ બાઝી; તોએ દૃષ્ટિ શિશુક ભણીથી ના વળે લેશ પાછી, બ્હીતી, ઢીલી, વિકળ સરખી એક એનેજ જોતી.

ને છૂટેલો નૃતિ વિરચતો ધાવતો વત્સ વેગે, મારે ગોથાં, પણ ન ચળતી, સ્તબ્ધ ઉભી ઉમંગે; સ્નેહે ભીનું હૃદય ઠલવ્યું દુગ્ધનું દાન દેતું, રે! છોડાવ્યો પણ ગૃહિણીએ, કષ્ટ ! હા કષ્ટ કેવું !

લૂંટી લીધું પય પલકમાં વત્સ માટે વહેતું માતર્ધેનો ! તુજ નિકટ હા ! એ અમે પૂર્ણ પીધું ! તોએ બીજે દિવસ ફરીને ધાવતો વત્સ દેખી,

ભૂલી વૃત્તિ અમ–હૃદયની એ ક્રમે દુગ્ધ દેતી ! <poem>

સ્નેહે સિંચ્યું અમળ ઉર હા ! ભેદને કાં ન ભૂલે ! ને વાત્સલ્યે વિવશ બનતાં ટેક ના કેમ તૂટે ? મીઠું, મીઠું ! જરૂર જગમાં માતનું સ્વાન્ત મીઠું ! સૃષ્ટિમાં કે સુર-સદનમાં એ સમું કૈં ન દીઠું.

ભૂલાવે કે હૃદય-તલનું ગાઢ દેહાભિમાન તે એ દૈવી પરમપદ શો ભવ્ય વાત્સલ્યભાવઃ વંચી એને અમ ઉદર જો પૂરીએ પૂર્ણતાથી, તે સર્વાંશે અમર-રસ એ પોષશે પિંડ કયાંથી ?