સ્રોતસ્વિની/સુદામા

વિકિસ્રોતમાંથી
← ધેનુ સ્રોતસ્વિની
સુદામા
દામોદર બોટાદકર
સુરદાસ →


<poem>

સુદામા

( શાર્દૂલવિક્રીડિત )

ના કારીગર કોઈએ કર અડ્યો, ના યત્ન એકે થયો, ના સાહિત્ય, ન શોધવું કંઈ પડયું, ના કાળ કાંઈ ગયો; તોએ ક્યાં થકી રમ્ય હર્મ્ય તુજને સ્હેજે સુદામા ! મળ્યું ? ને એ વૈભવ ઇંદ્રનો તુજ ગૃહે રે ! કોણ આપી ગયું ?

કોટિ વર્ષ થકી, અસંખ્ય ધનથી કે ઉગ્ર અભ્યાસથી, જે પામી ન શકાય તે પળ વિષે પામી શક્યો તું અહીં; કયાંથી આ તુજ અર્ભકો સુરસુખે રાચી ઘડીમાં રહ્યા ? એ દારિદ્રય, વિલાપ એ સદનથી સંતાઈ છેટે ગયાં.

માગ્યું તે નવ કાંઈ માધવ કને, એણે ન આપ્યું કંઈ, મુષ્ટિ ધાન્ય ગુમાવીને પુર તણે પંથે પડ્યો તું ફરી; તોએ અંતરની અનેક દિનની હા ! પૂર્ણ ઈચ્છા થઈ, ને તારા પરિવારને સુખ તણી ના ન્યૂનતા કૈં રહી.

હા, સન્મિત્રમિલાપથી, પ્રણયના નિઃસીમ વિસ્તારથી, સંતોષામૃતપાનથી, અવનવા આનંદના ઓઘથી; તારૂં માનસ માનવી ભૂમિ ત્યજી સ્વર્લોકમાં સંચર્યું,

લાવી વૈભવ ત્યાંથી વાસવ તણે સંતુષ્ટ શેાભી રહ્યું.
<poem>

સ્નેહાલાપ વિષે સમગ્ર જગનાં સંકષ્ટ સ્હેજે શમ્યાં, ભૂલી ભાન શરીરનું ઉભય એ આનંદરાસે રમ્યાં;' એ આનંદપળો તણો ઉમળકો જે ચિત્ત ચોંટી રહ્યો, તે એના સુખની શચીપતિ સમા ના કેમ ઈચ્છા કરે !

ફાટેલાં અતિ જીર્ણ વસ્ત્ર પર ના જ્યાં લેશ દૃષ્ટિ પડે, જ્યાં ભીતિપ્રદ હાડપિંજર તણી પદ્મા પ્રતિષ્ઠા કરે; ભલે ભિક્ષુક ભિક્ષુકત્વ ઉરથી ને ભૂપ ભૂપત્વને સૂકા તાંદુલમાં સુધા શત થકી જ્યાં સ્વાદ ઉંચો વસે.

જ્યાં આતિથ્ય તણુ સમગ્ર નિયમો હીનત્વ પામી હઠે, ને બન્ને ઉઘડી ઉરે પ્રણયથી પ્રેરાઈ ભેટી પડે; ને સાયુજ્યસરે નિમગ્ન વીસરે દેહાનુસન્ધાનને, ત્યાં દુઃખો જગનાં જરાય હૃદયે શું સ્થાન પામી શકે!

એ પ્રેમી-ઉરના બધા વિભવની કાં હોય ના એકતા ! ને એના ગૃહના જડ્યા કનકથી કાં ના બને કાંગરા ! એની ઉચ્ચ અટાલિકા ગગનને ના કેમ ચૂમી રહે ! ને એનાં ગૃહકાર્ય વંદ્ય વિબુધો કાં આવીને ના કરે ?

જે કારીગર ભિન્ન ભિન્ન ઉરને એકત્વ આપી શકે, જેની સંધિ સહસ્ત્ર વજ્રબળથી ના દૂર કયારે બને; તે એવાં મણિમંદિરો નિમિષમાં ના કેમ નિર્મી શકે ?

ને વૈચિત્ર્ય વિધાતૃવિશ્વક્રમથી શું ના બતાવી શકે !
<poem>

વ્હાલા ! એ સુરધામ, એ વિભવને તું સર્વદા સેવજે, ને આદર્શ બની અવશ્ય અમને એ પંથમાં પ્રેરજે; એથી કો દિન ધન્ય એ સમયને એ દૃષ્ટિએ દેખશું, મોંઘા કાંચનરંગથી શ્રમ વિના બ્રહ્માંડને રંગશું.