લખાણ પર જાઓ

સ્રોતસ્વિની/પિયર

વિકિસ્રોતમાંથી
← પુત્રીપ્રયાણ સ્રોતસ્વિની
પિયર
દામોદર બોટાદકર
સ્થિત્યંતર →


<poem>

પિયર

( સ્ત્રગ્ધરા )

સાચા વાતાયનેથી પ્રિય પિયર તણો પ્રેમથી પંથ જોતી, તે એ વ્હાલી દિશાનાં તરુ, ગિરિ, નગરો અંતરે નોંધી લેતી; ઉડીને આવતાં કે ગગન ચિતરતાં પક્ષીઓને નિહાળી, ઉંચી, નીચી, અધીરી પણ વિપળ થતી બ્હાવરી ભાવભેળી.

વર્ષાની વાદળીને નિરખી નભ વિષે આવતી આશઘેલી, વ્હાલાંની કૈંક વાતો હૃદય ભરી ભરી પૂછવા ચિત્ત ચ્હાતી; ને ક્યારે કાંઈ દૂરે ક્ષિતિજઉર પરે ઉડતી ધૂળ દેખી, સેવી સંકલ્પ મીઠા, પુલકિત બનતી, ના શરીરે સમાતી.

એ પંથે આવનારા પ્રતિ પથિક વિષે તાત ને ભ્રાત કેરી, શંકા સ્હેજે થતી ને વહી જતી પળમાં, આવતી તોય પાછી; ક્યારે ઉડી ઉમંગે, અવશ ઉર થકી પ્રેમની દિવ્ય પાંખે, વ્હાલાનાં વૃન્દ વચ્ચે ક્ષણભર વિરમી આવતી શોકસંગે.

સોને રૂપે રસેલા, જટિત મણિ થકી શોભતા પિંજરામાં, આસ્વાદો કૈં અનેરા, વિવિધ રસ ઉરે સેવતી સારિકા આ; સંભારી શોક પામે સધન વિપિનને, વૃક્ષને, વેલિએાને,

પુષ્પોને, પક્ષીઓને, અમલ ઉર તણી મિષ્ટ કૈં કેલિઓને; <poem>

આશાને અંક બેસી, નવ કુતૂહલથી દેખવા નવ્ય સૃષ્ટિ, કે ભાવોથી ભરેલી, દયિતકર વિષે અર્પતી હસ્ત આવી; મોંઘા મ્હેમાન જેવી, નવલ જગ તણાં પામતી માન મીઠી, સ્વર્ગ ગાના સુભાગી સલિલશીકરથી નિત્ય ન્હાતી નવોઢા;

તોએ જીવે જડેલું મહિયર મધુરૂં પ્રેમના ધામ જેવું, વીસાર્યું વીસરે ના, અગણિત બળથી ચિત્તને ખેંચનારૂં, પ્રીતિનાં પૂર વ્હેતી, સકલ રસભરી માતની સોડ્ય મીઠી, મીઠી સાહેલીઓ એ, હૃદય વિલસતી કેમ થાયે અદીઠી!

અાંબાની ઉંચી ડાળે મળી સહિયરમાં બાંધી હિંદોલ હિચ્યાં, ને ક્રીડાથી નદીનાં હસી હસી હરખે નિર્મળાં નીર ઝીલ્યાં; ચંદાની ચંદ્રિકામાં રસભર રમતાં રાસની લ્હાણ લીધી, ને જ્યાં નાના વ્રતોથી, અજબ ઉછળતા ભાવથી ગોર્ય પૂજી.

બાલુડા બાન્ધવો એ પરવશ સરખા સર્વદા સંગ રે'તા, 'બ્હેની, બ્હેની ' કહીને સરણિ સકળમાં જે કરાલંબ લેતા; નાચી, કૂદી, રમીને વિમલ રસભર્યું જે સ્થળે સ્વાન્ત રાચ્યું, જ્યાં માયાથી નિરાળું, અવિકૃત ઉરનું, મીઠડું બાલ્ય મૂક્યું.

મૂકયું જ્યાં નામ ન્હાનું, પુનિત પદ થકી પૂર્ણ પુત્રીત્વ મૂક્યું, ને વાત્સલ્યે ભરેલું જનક-હૃદયનું સ્વર્ગ શું છત્ર છોડ્યું; મીઠા 'તું ' કાર કેરા મૃદુલ કુસુમથી વિશ્વ લેતું વધાવી,

ક્યારે મોટી શિલાએ બહુવચન તણી જ્યાં ન દેતી દબાવી. <poem>

એ સંસારાબ્ધિ કેરા અકળ ઉર પરે દીપતા દ્વીપ જેવું, ભૂલાયે ના ભવાંતે પિઅર, પિયર હા ! પુણ્યવંતુ પનોતું એ સંભારી સ્નેહભીનું હ્રદય ધબકતું, નિત્ય નિઃશબ્દ રોતું, અંતે ગંભીર ભાવે નવ સમુદયમાં શીઘ્ર સંક્રાન્ત થાતું.

ઉભેલી અાંગણામાં વિકળ હૃદયથી વાયસોને વધાવે, ચંદાને રંચ રોકી, પ્રણય પિગળતું સ્વાન્ત સંગે પઠાવે; ક્યારે એકાંત સેવી, જનની-વિરહનાં ગુંજતી ગીત ગાતી, ને એ રે'તું અધૂરૂં રૂદિત હૃદયમાં, નેત્રથી નીક વ્હેતી.

આવેલો જાણી ક્યારે જનકગૃહ તણો પાન્થ કે સન્નિવેશી, દોડી દોડી અધીરી સ્વજનકુશલ કે પૂછવા વ્યગ્ર થાતી, વાણી સંગે અધીરૂં હૃદય ઉછળતું, પ્રશ્નનનું પૂર વ્હેતું, ને શાંતિ શેધતા એ શ્રમિત પથિકને મુંઝવી દુઃખ દેતું.

તેઓ નિશ્ચિંત રે'વા જનની જનકને શાંત સંદેશ દેતી, ને વ્હાલાં ભાંડુઓને હૃદય-કુસુમ શી કૈંક આશીષ કે'તી, સંતાપોને શમાવી વદતી હસી હસી, રોકતી અશ્રુધારા, મોંઘા સ્વર્ગદ્વયે એ સતત વિલસતી ઉજ્જવળી આર્યબાળા