લખાણ પર જાઓ

સ્રોતસ્વિની/પુત્રીપ્રયાણ

વિકિસ્રોતમાંથી
← દુહિતા સ્રોતસ્વિની
પુત્રીપ્રયાણ
દામોદર બોટાદકર
પિયર →


<poem>

પુત્રીપ્રયાણ

( શિખરિણી )

શિશુક્રીડા કેરૂં પ્રિય સકળ સાહિત્ય વીસરી, વયસ્યાનું સંગે સતત વસતું મંડળ ત્યજી; થયેલાં પોતાનાં જન હૃદયભીનાં પરહરી પ્રસૂને પ્રીતિનાં ઝરણ ઝરતે અંક વરજી.

ગઈ અંતે ઉડી કઠિનતર યત્ને ઉર કરી, મીઠાબોલી મારા વિજન વનની કોયલ ગઈ ! સુભાગી શંપા શી હૃદય ઝબકાવી નહી ગઈ, ભરેલું હા ! ભાગ્યે તિમિરપડ પાછું દઈ ગઈ.

"પિતાજી ! જાઉં છું, પ્રતિદિન તમે પત્ર લખજો, "અને મારી ચિંતા, નહિ હૃદયમાં લેશ ધરજો." અહા ! છેલ્લા શબ્દો પ્રણયરસ વ્હેતા કહી ગઈ ! હણાતા હૈયાને દૃઢતર દિલાસો દઈ ગઈ.

વસેલું વાણીમાં અજબ કંઈ આશ્વાસન હતું, હતું ઉડું ઉડું પણ, હૃદય પ્રચ્છન્ન રડતું. મને જોતી દૃષ્ટિ સતત જલથી પ્લાવિત હતી,

અને કાયાવેલી પળ વિપળ હા ! કંપિત હતી. <poem>

અરે ! એ મેં જોયું, પણ નહિ કશું એ કરી શક્યો, શુણ્યા મીઠા શબ્દો, પ્રતિવચન ના કૈં દઈ શકયો, નહિં સંબંધીને તુજ હિત કશું સૂચવી શકયો, દબાયેલો દુઃખે, નહિ હૃદય મૂકી રડી શક્યો !

હશે આશા તારા ઉર મહિં કશા ઉત્તર તણી, પરંતુ મારી તે અતિ વિષમ ભુંડી સ્થિતિ હતી; પ્રસંગો આવાની બહુ દિન ઉપેક્ષા કરી હતી, પિતાની હૈયાની સ્થિતિ અહહ ! આજે અનુભવી!

હવે કયાં એ મીઠા વિમળ ઉરનું દર્શન કરૂં ! હવે કયાં એ કાલા શ્રવણપુટ માંહે સ્વર ભરૂં ? હવે કયારે આવી લલિત ઉર એ લાડ કરશે ? અને સૂનું કયારે સદન રસગાને ગજવશે ?

નવેલી સૃષ્ટિને નિરખી નહિ કયારે નયનથી, ભણી ના ભૂગોળે, નહિ શ્રવણથી સાંભળી હતી; સ્થિતિ એની કયારે નહિ શિશુ–ઉરે ઉતરી હતી, ગઈ ત્યાં ઓચિંતી મુજ વચનને મસ્તક ધરી !

અજાણી સૃષ્ટિમાં નિયમવશ નિત્યે નિવસવું, અજાણ્યા માર્ગોમાં ગૃહવધૂ બનીને વિચરવું; અજાણ્યા સંબંધો સકળ સહુ અંશે સમજવા,

અજાણ્યા લોકોનાં હૃદય પટુતાથી રીઝવવાં. <poem>

સ્વભાવે સેવેલું ઉર-વહન યત્ને બદલવું, નવા ધર્મો માટે સહજ વીસરી શૈશવ જવું; નહિ જાણેલું તે હૃદય થકી સાધી શકીશ શું ? વસેલું સ્વાતંત્ર્ય ઉર-હરિણ બાંધી શકીશું શું ?

થયું સૂનું મારૂં હૃદય, હસતી એ છવિ વિના, લૂંટાયેલો પેલો તુજ જનનીની શી કહું દશા ? બિચારાં આ બાળો પરવશ સમાં કેવળ રડે, ઠગારી સૃષ્ટિના કટુ નિયમ જાણી નવ શકે.

સુધાથી સિંચેલી અમ ગગનચંદા વડી ગઈ, હસાવીને થોડા દિન, રૂદન અંતે દઈ ગઈ; અતિથિની પેઠે મિત સમય સંગે રહી ગઈ, વિધિની દીધેલી, વિધિવશ અરેરે ! થઈ ગઈ !

હતું જાવું થોડા દિવસ વસવની ગૃહ વિષે, તથાપિ ના કીધું ઉરથી કંઈ અતિથ્ય કરીએ; લડાવ્યા પુત્રોને, સતત શણગાર્યા શઠપણે, અને કીધી તારા ઉર તણી ઉપેક્ષા પળ પળે.

અરે ! રાખી એાછી, પણ ન ઉર તે ઓછપ ગણી, અમારા ભેદોને હર ઘડી હસીને ગળી જતી; અનેરી ઈચ્છાએ દિનનિશ દબાવી દિલ તણી,

હસીને, ખેલીને અમ હૃદય આનંદ ભરતી. <poem>

ખરે ! જન્મી ત્યાંથી સહન કરવાનું સમજતી, અમારા આઘાતો સહન કરવા તત્પર હતી; અને ત્યાંએ તારે સહન કરવું અંતર થકી, અમેાને પર્યન્તે 'સહન કરવું' શીખવી ગઈ.