સ્રોતસ્વિની/દુહિતા

વિકિસ્રોતમાંથી
← સૌરાષ્ટ્રસુંદરી સ્રોતસ્વિની
દુહિતા
દામોદર બોટાદકર
પુત્રીપ્રયાણ →


<poem>

દુહિતા

( શાર્દૂલવિક્રીડિત )

દીઠી દૂરથી એ પ્રિય સ્થલ તણી વિસ્તીર્ણ વૃક્ષાવલિ, ઉડે અંતર આકળું ઉમળકે, ના ધૈર્ય, ધારે ઘડી; વાલે વાહન શીધ્ર તો પણ દીસે ધીમી અતિશે ગતિ, ને વીતે પળ એક તે દિન સમી કષ્ટે કાઢતી હતી.

( દ્રુતવિલંબિત )

ઉતરી યાન થકી ગઈ દોડતી, નવલ કૈંક તરંગથી નાચતી; નયન ના પથને નિરખી શકે, હૃદય કે નવલા રસથી હસે.

સરણિમાં સ્વજનો મળતા હતા, કુશલ પ્રશ્ન કંઈ કરતા હતા; સહજ ઉત્તર સંભ્રમમાં દઈ, ધસતી વેગથી વિઘ્ન વટાવતી.

( અનુષ્ટુપ )

ઊડતી પક્ષિણી જેવી દોડીને દ્વારમાં ગઈ,

જડેલી જીવ સાથે જયાં માતની મઢુલી હતી.
<poem>

( સ્ત્રગ્ધરા ) ઉભી ત્યાં વાટ જોતી પ્રણયસરિત શી માવડી સ્વાન્ત-મીઠી, દોડી, દીઠી ન દીઠી વિકળ સમ જઈ કારમી કંઠે બાઝી, ચાંપી અગે ઉમંગે હૃદય ભરી ભરી પ્રેમ પીયૂષ પીતી, ના છોડી, ને ન છૂટી, જડ સમ ઉરના ઐક્યથી બેય ઉભી.

( મન્દાક્રાન્તા )

મૂગાં બન્ને હૃદય ઠલવ્યાં, અંગ ને સ્વાન્ત ભીંજ્યા, પૃથ્વી ને ગગનતલની શું બની એક ગંગા? ના વાણીનો વિનય કંઈ ને કૈં ન સત્કાર મીઠો, પ્રેમી કેરો પંથ અજબ હા ! સંસૃતિમાં ન દીઠો !

(દ્રુતવિલંબિત )

અકળ સ્નેહ તણી જનની ધુની, અજબ કૈં દુહિતા રસપુત્તલી, ગહન એ ઉરના રસ–ભાવને. જગત ના નિરખી પરખી શકે.

( અનુષ્ટુપ )

ભલે પુત્ર તણી મીઠી લ્હાણ છે મનુજાતને,

પરંતુ લ્હાણ લાખોની દીકરી એક ખાણ છે !
<poem>

પીયૂષ પ્રાણને પાતી, કર્કશત્વ નિવારતી, સ્નેહસ્રોત સદા વ્હેતી દિવ્ય નિર્ઝરી.

( શાર્દૂલવિક્રીડિત )

દીપાવે અતિ દીપ્ત દીધિતિ વડે ભાનુ ભલે વિશ્વને, ગાઢ ધ્વાન્ત નિવારતો, ભભકતા તેજે દિશાએ ભરે; કિંતુ શીતલ ને સુધા વરસતી, આહ્‌લાદ ઉદ્દભાવતી, મીઠી, માનસ ઠારતી અજબ કૈં ચંદા તણી માધુરી.

( સ્રગ્ધરા )

ઘેરા કેકારવથી વિપિન ગજવતો, ક્રીડતો કૈં કલાપી, ને શોભીતી કળાથી હૃદય રીઝવતો ઉચ્ચ આનંદ આપી, કિંતુ મીઠા કુહૂથી વ્યથિત ઉર તણે શોક સંહારનારી, કૂંજતી કોકિલાના રસિક હૃદયની રમ્યતા કૈં અનેરી.

( શાર્દૂલવિક્રીડિત )

ઉડી કોયલ એ ભલે વન ત્યજી દૂરે જવાની હશે, મીઠું કૂજન તોય ત્યાં રહી રહી પ્રેમે ભર્યું પ્રેરશે; ને એ અંતર ઉછળી ઉછળીને સત્સ્નેહ સંભારશે,

ભોળા ભાવભરી, સુધા વરસતી આશીષ કૈં આપશે.
<poem>

( સ્રગ્ધરા )

કોટિ શાખા પ્રસારી રસભર રમતો કૈં રસીલો રસાળ, ને મોંઘી મંજરીની સરસ સુરભિથી વર્ષતો નિત્ય વ્હાલ; કિંતુ હર્ષે હવામાં વ્યજન સમ વડાં પત્ર દોલાવનારી, રંભાથી વાટિકાની સુખકર સુષમા કૈંક જૂદી જણાતી.

( માલિની )

સુખદ સલિલ આપી પ્રાણીના પ્રાણ પોષે, સુભગ સર સમીપે રમ્ય સૃષ્ટિ રચાવે; પણ ખળખળ વ્હેતી, નિર્મળાં નીરવાળી, સરણિ સરિત કેરી ભવ્ય ભાગ્યે ભરેલી.

( અનુષ્ટુપ )

અનેરી એ મનોવૃત્તિ, અનેરો સ્નેહ અંતરે, અનેરી આર્દ્રતા એની, ના અન્યત્ર મળી શકે. નિઃસ્વાર્થ સ્નેહની શાળા, નિઃસ્વાર્થ રનેહશિક્ષિકા, સંયમે સર્વદા પૂરી, સ્વાર્થત્યાગવિચક્ષણા.

પ્રેમમાં સર્વથી પ્હેલી ને છેલ્લી સ્વાર્થમાં સદા, દુહિતા દિવ્ય કો દેવી દેવધર્મધુરંધરા, અન્યમાં એ નથી પ્રીતિ, એ ન દીઠી સહિષ્ણુતા,

રીઝવો ખીજવે તોએ એક ભાવ ઉરે સદા.
<poem>

( સોરઠો )

"દુહિતા ભલી ન એક", સૂત્ર અધમ એ સ્વાર્થનું, શુષ્ક હૃદય નિઃસ્નેહ, ઇચ્છે ક્યાંથી આર્દ્રતા ? રસહીણો સંસાર, રસથી દૂર સદા રમે, અંતરને અધિકાર પુણ્ય પ્રણયને ના ગમે.

( શિખરિણી )

હજારો પુત્રોના સતત સહવાસે હૃદયને, નહિ જે નિઃસ્વાર્થી પ્રણયરસ કે માર્દવ મળે; અનાયાસે આપે રસ વરસતી એક દુહિતા, દયા કેરાં દૈવી ઝરણ પ્રકટાવે જગતમાં.

( મન્દાક્રાન્તા )

ભૂલી જાયે કદી હૃદયથી માત કે તાત એને, ને હૈયાની પ્રણયસરિતા શુષ્કતા કાંઈ સેવે, તોએ દેવી પ્રણય નહિ એ સ્વાન્તને શાંત થાશે, સ્વર્ગંગા એ સકળ સમયે એકધારી વહેશે.

( પૃથ્વી ) વસન્તવનસૌરભે ભ્રમર કૈંક રાચી રહે,

અને વિવિધ પક્ષીઓ ફલરસાદિ સેવી રહે;
<poem>

પરંતુ નવ કૂજને વન વધાવવી વિશ્વમાં, સુકીર્તિ ઝળકાવતી પ્રણયનિર્મળી કોકિલા.

( હરિણી. )

જનક જનની કેરાં કષ્ટો કદી ઉર સાંભળે, વિકટ પથને છેદી ભેદી જળ પળમાં પડે; સુખ-સમયમાં દૂર દૂર રહી ઉર રાચતી, અજબ ઉરની વૃત્તિવાળી સુતા સુરપાવની.

( શાર્દૂલવિક્રીડિત )

કારાગાર તણાં અસહ્ય ઉરથી કયારે ન કષ્ટો ગણ્યાં સેવા શાહજહાનની ઉછળતા સ્નેહે કરી સર્વદા; સ્વીકાર્યું વિષપાન, મુક્ત કરવા મેવાડને યુદ્ધથી, ને ચિંતા નિવારવા જનકની, તે દુર્લ્લભા દીકરી !

(દ્રુતવિલંબિત )

પડળ સ્વાર્થ તણું દૃગથી ખસે, મલિનતા મનની મનુજો ત્યજે; હૃદય નિર્મળ તે પ્રણયે ભર્યું , જગત જોઈ શકે દુહિતા તણું.