સ્રોતસ્વિની/પ્રયણાસ્ત્ર
← અતૃપ્તિ | સ્રોતસ્વિની પ્રયણાસ્ત્ર દામોદર બોટાદકર |
ગૃહિણી → |
પ્રણયાસ્ત્ર
(તોટક)
હઠ મા ! હઠ મા ! ચળ મા ! પળ મા! ભયથી નિજ અંતરને ભર મા ! સમરાંગણ સંસૃતિનું નિરખી, અયિ ! વીર ! ન જા, જરી દૂર ખસી !
ચપલા સમ આયુધ કૈં ચમકે, શર કૈંક પડી શિરને અડકે; રણવીર તણી બહુ હાક પડે, ઘડીએ ઘડીએ ઘમસાણ વધે.
કંઇનાં શિર સદ્ય હણાઈ પડે. કંઈ કોમળ અંગ કપાઈ પડે; કંઈ ભાન ત્યજી પછડાઈ પડે, શવ કૈંક તણાં રણમાં રખડે.
કંઈના કરમાં કરવાલ વસે, કંઈ ધીર પ્રચંડ ધનુષ્ય ધરે; કંઇ તોમર કે પરશુ ગ્રહતા, કંઈ કેવળ ઢાલ ધરી ફરતા.
અનિવાર્ય ભયંકર યુદ્ધ થતું,
પળની વિરતિ નહિ કો ગ્રહતું; સમરસ્થલની નહિ સીમ દીસે, બળની, દળની ગણના ન બને.
તુજ અંતર એ થકી ત્રસ્ત થતું, નહિ ધીરજ લેશ ધરી શકતું; ભય-કંપિત દીન બની રડતું, ત્યજવા સ્થળ આ તક શોધી રહ્યું !
પણ વીર ! અરે ! ધૃતિને ત્યજ મા ! ઉર કાયરતા ભ્રમથી ભજ મા ! સુભટોત્તમ તું સમરાંગણનો, રણલાયક નાયક શૌર્યભર્યો.
ન પલાયનથી રણ દૂર થશે, નહિ મુક્તિ અનીક વિના મળશે; બલવંત ચમૂપતિ શત્રુ તણા, અહીં આવી અહંત્વ, મમત્વ ઉભા.
નહિ દે તુજને રણથી હઠવા, જન કેાઈ સમર્થ નથી ખસવા; યદિ પ્રાપ્ત થયું ઉરને લડવું, પછી હર્ષથી સન્મુખ કાં ન થવું ?
પ્રતિપક્ષ તણા શૂરથી ડર મા ?
તુજ અસ્ત્ર અલૌકિક વીસર મા ! પ્રણયાસ્ત્ર મળ્યું પ્રભુથી તુજને, જય કારણ છે બસ એકજ એ.
રિપુના શર કોટિ ભલે પડતા, ધરી ઉગ્ર સ્વરૂપ ભલે ધસતા; તુજ એક વિલક્ષણ સાયકથી, સહુ શસ્ત્ર જશે બલહીન બની.
શર ફેંકય, હવે સહુ તર્ક ત્યજી, પરિણામ અનુપમ દેખ્ય પછી; પળમાં જય આવી તને વરશે, રિપુ મ્હાત થઈ ચરણે નમશે.
ત્યજી વૈર વયસ્ય બધા બનશે, ભય અંતરનો અળપાઈ જશે; સ્થળ આ પળમાં પલટાઈ જશે, વન નંદનની સુષમા ધરશે.
સુરમંડળ ધન્ય તને વદશે, શિર ઉપર પુષ્પની વૃષ્ટિ થશે; સુરસુંદરી ગાનથી રીઝવશે, જયમાળ સુકંઠ વિષે ધરશે.