સ્રોતસ્વિની/રાત્રિકૌતુક

વિકિસ્રોતમાંથી
← એક વાદળીને સ્રોતસ્વિની
રાત્રિકૌતુક
દામોદર બોટાદકર
ધરિત્રી →


<poem>

રાત્રિકૌતુક

( દ્રુતવિલંબિત )

વિહરણશ્રમ, સર્વ નિવારવા, જ્વલિત અંતરતાપ બુઝાવવા; સુખદ શાંતિસુધા-રસ સિંચવા પ્રતિ નસે નસ વિક્રમ પૂરવા.

થઈ કૃતાર્થ, મહા યશ મેળવી, અનવલંબન પંથ પૂરો કરી; શ્રમિત સૂર્ય ભલે સુખ સેવવા, નિવસતો જઈ અસ્ત સમુદ્રમાં.

સબળ એકલ વીર વહી જતાં, બહુ કુતૂહલ વ્યોમ વિષે થતાં; સહન સર્વ કરી ધૃતિ ધારશું, વિરહ વલ્લભનો ઉર વેઠશું.

ગગન વિશ્વ અનાથ થયાં ગણી, રસભર્યો સહસા રજનીપતિ; ધરી પરિવૃઢવેષ વિરાજતો,

લલિત હાસ્ય થકી લલચાવતો.
<poem>

પ્રતિનિધિ પણ ભાસ્કરનો ભલે, તમ યથાબલ એ હરવા મથે; તરવરે નભમાં કંઇ તારલા, ભયવિહીન નિરંકુશ નાચતા.

અબુધ અર્ભકની પણ એ ક્રિયા, સહન અંતરથી કરશું સદા; અહીં તહીં ઉડતા બહુ આગિયા. સમય પામી ભલે ક્ષણ ખેલતા.

પણ ધરોધર દેહ દઝાડતા, તિમિરને હણવા ઉર ઇચ્છતા; મુખથી કેવળ કાજળ ઓકતા, સદન શ્યામ કરી સુખ પામતા.

અમિત દીપક આ પ્રકટી પડયા, સહન થાય ન એ ઉરથી અહા ! સ્વબલ અંતરથી સમજ્યા વિના, સમરમાં ધસવા કટિ બાંધતા !

તિમિરબાળક પાછળ કૈં પડ્યાં; પળપળે પરિહાસ કરી રહ્યાં, નિરખી લજ્જિત અંતરથી થતા,

પ્રકટતા વદને વધુ રક્તતા;
<poem>

સહજ સ્પર્શ સમીર તણો થતાં, ધૃતિ ત્યજી ભયવિહ્વલ ધ્રૂજતા; અશન કેવળ સ્નેહ તણું કરી, મલિન જીવન માત્ર રહ્યા ધરી.

કંઈક સુંદરીએા તણી સોડ્યના- શરણથી ઘડી બે ઘડી જીવતા; પ્રણય-જીવન દીન પતંગને, છળથી છેતરી પાડી પ્રસંગને.

અહહ ! આપી અચાનક અંધતા, ઉર-હુતાશનમાં હસી હોમતા ! શરણ પિંજરનું કંઈ સેવતા, પણ રહે નહિ કાયર કંપતા !

પ્રબળ ભાસ્કર ક્યાં પ્રતિભાભર્યો? અધમનિર્બળ દીપક ક્યાં અહો ! ગતિ અવર્ણ્ય વિલક્ષણ કાળની, કળી શકે મતિ ના મનુજાતની !