સ્રોતસ્વિની/એક વાદળીને

વિકિસ્રોતમાંથી
← શરચ્ચંદ્ર સ્રોતસ્વિની
એક વાદળીને
દામોદર બોટાદકર
રાત્રિકૌતુક →


<poem>

એક વાદળીને

(શિખરિણી.)

ઘણાં અભ્રો ઘાટાં ગગન પર આવી વહી ગયાં, ઘણાંએ ગાજીને જગ ખળભળાવી વહી ગયાં; અનેરી આશાઓ હ્રદય પ્રકટાવી વહી ગયાં, હજારો હૈયાને ચપળ ચમકાવી વહી ગયાં,

પરંતુ ના એકે જલકણ દયાથી દઈ ગયાં તપેલી સૃષ્ટિને લવ પણ ન શાંતિ દઈ ગયાં; સુભાગ્યે સંચેલું સલિલધન સંગે લઈ ગયાં, હતાં તોએ અંતે નભ મહિં નહોતાં થઈ ગયાં,

અને આશા ઉંચી જગ-હૃદયની નિષ્ફલ થઈ, અભાગી અાંખે એ રડતી મુખ જોતી રહી ગઈ; હસાવી, લોભાવી ગ્રહી અનિલ એને લઈ ગયો, અમારી વૃત્તિને દૃઢતર નિરાશા દઈ ગયો.

મયૂરોનું મીડું સફળ કંઈ સંગીત ન થયું, ન રીઝયું બિંદુથી હૃદય જરીએ ચાતક તણું, વૃથા ઉષ્મા વેડી જગત અકળાયું દિન કંઈ,

સ્થિતિ તો પર્યંન્તે હૃદય તપવાની રહી ગઈ.
<poem>

હવે તે તું વ્હાલી ! અમ ઉર વિષે વાદળી વસી, દીસે રિક્તાકાશે ભ્રમણ કરતી એકજ રહી; હણાયેલે હૈયે મધુર તુજ મૂર્તિ રમી રહી, અને ભીની દૃષ્ટિ તુજ મુખ–સમીક્ષા કરી રહી.

હવે તે હેતેથી હૃદયરસ વ્હાલી ! વરસજે, અમારા સંતાપો બહુ દિવસ કેરા બુઝવજે; ભલે ધીમે ધીમે તુજ જીવનનું દાન કરજે, અને આ પ્રાણોમાં વિવિધ રસ રેડી મળી જજે.

અરે ! જો, આ સામે અનિલ તુજને પાય પડતો, અધીરે આકર્ષી હરણ કરવા ઉદ્યત થતો; રખે એની સંગે હૃદય રખડાવી વહી જતી ! રખે દેતાં દેતાં જીવન, કર તાળી દઈ જતી !

ભલે તું નિર્ઘોષે નહિ મનુજનાં માનસ હરે, ભલે ના દીપ્તિથી ભભક ભરતી આકુલ કરે; પરંતુ કૈં જૂદું તુજ હૃદયમાં વ્હાલ વિલસે, અને એથી આશા ધરી અધિક આ અંતર હસે.

તને જીતી લેવા અમ નિકટ શક્તિ કંઇ નથી, તને આકર્ષંતી અમળ અનુરક્તિ કંઈ નથી; પરંતુ પ્રેમીનાં ઉર કંઈ અપેક્ષા નવ ધરે,

નિસર્ગેથી નિત્યે સકળ જનનાં સંકટ હરે.
<poem>

તને એ સન્માર્ગે પ્રિય અધિક વ્હાલી ! વિચરવું, યશઃકાયે જીવી, જગ-નજરથી માત્ર મરવું; અને એવી રીતે અવનીતલ આવી ઉતરજે, કૃપાથી કલ્યાણી ! પ્રતિ ભવન પીયૂષ ભરજે.