લખાણ પર જાઓ

સ્રોતસ્વિની/સૌરાષ્ટ્ર

વિકિસ્રોતમાંથી
← માતૃભૂમિ સ્રોતસ્વિની
સૌરાષ્ટ્ર
દામોદર બોટાદકર
ગૃહ →


<poem>
( ૫ )

સૌરાષ્ટ્ર

( વસંતતિલકા )

નિવૃત્તિમાં સમય સંતત ગાળવાને, ને શત્રુઓથી યદુવંશ બચાવવાને: સ્થાપી સ્વરાજ્ય, વ્રજમંડલ વિસ્મરીને. જ્યાં સ્વાન્તની કરી ચિરસ્થિતિ વાસુદેવે.

વીંટી રહ્યા જલધિ દુર્જય દુર્ગ જેવો, ગંભીર ગર્જન વડે ધૃતિશૌર્ય દેતો; રીઝાવતો ઉર તરંગ–પરંપરાથી; મુકતા પ્રવાલ ઉપહાર અનેક આપી.

જ્યોતિઃસ્વરૂપ સુરસેવિત સોમનાથે. કીધો નિવાસ રૂચિરત્વ નિહાળી નિત્યે; સંતુષ્ટ સત્યપ્રણયભાજન જયાં સુદામા. પામ્યે સુરેંદ્ર-સુખ માધવ-મિત્રતામાં.

સંરક્ષતું રહી સુદર્શન સજ્જ જેને, જ્યાં હેષતા હય પૃથાસુતના સુપંથે; જ્યાં સ્નેહલગ્ન થકી અર્જુન ને સુભદ્રા,

પામ્યાં અભેદ કંઈ પુણ્ય પ્રસંગ લેતાં.
<poem>

આકાશછત્ર ધરતા દૃઢ દંડ જેવો, જીમૃતને ગમનમાર્ગ વિરામ દેતો; સ્વર્ગીય ગાન શુણવા ધરી કાન ઉભો, ત્યાં રમ્ય રૈવત ગિરિ રસથી ભરેલે.

વજ્રિ તણા રણ વિષે રિપુને વિદારી, સંત્રાસ સદ્ય સુરસુંદરીનો શમાવી; જેની ગુહા સમરનો શ્રમ ટાળવાને, સેવી સુશાંત દિન કે મુચુકુન્દ ભૂપે.

ઉચ્ચાશયો સુગતના ભવિકે ભરેલા, કર્તવ્યનાં કવન દિવ્ય રસે રસેલાં; કારૂણ્યસૂત્ર શુચિ જ્યાં સહજ સ્વભાવે, અદ્યાપિ લેખ મગધેશ્વરનો બતાવે.

સ્વચ્છંદ જયાં વન વિષે વનરાજ ખેલે, યોગીશ્વરો સુદૃઢ શુદ્ધ સમાધિ સેવે; દિવ્યૌષધિ રસભરી દિનરાત ડોલે, સ્વચ્છાંબુપૂર્ણ ગિરિનિર્ઝર્ર ભૂમિ રેલે.

જ્યાં વ્યાધ્રને મદભરી મહિષી હઠાવે, તેજી તુરંગમ ગૃહાંગણને દીપાવે; જ્યાં વલ્લભીપુર સમાં નગરો અનેરાં,

લોભાવતાં જગતને વિભવે વધેલાં.
<poem>

જ્યાં દિવ્ય કૈંક જીનમંદિર પૃષ્ઠ ધારી, સિદ્ધાદ્રિ દિગ્ગજ સમો વિલસે છટાથી; ન્હાના અનેક અચલો પ્રહરી સરીખા, ઉભા દીસે અહીં તહીં જનમાર્ગ જોતા.

જ્યાં આદિ કાવ્યરસપોષક ગુર્જરીનો, ને પ્રેમભક્તિરસપૂરિત સ્નેહભીનો; નાચ્યો નૃસિંહ નિજ વિગ્રહભાન ભૂલી, રેડી ગયો હૃદય સંસૃતિબન્ધ તોડી.

સ્નેહે ભર્યાં સુમનસૌરભ શોધનારી, ને દિવ્ય ગાન સુરગુંફિત ગુંજનારી; પામી સ્થિરત્વ પ્રણયામૃતપાનથી જ્યાં, મેવાડની મધુકરી ભવમુક્ત મીરાં.

સ્વાધ્યાયમાં અભિરૂચિ જનની જગાડી, ઘેરી સુષુપ્તિ કંઈ માનસની મટાડી; આપ્યું અપૂર્વ નવ ચેતન આર્ય ચિત્તે, જેના દયાસુખસરસ્વતી દિવ્ય પુત્રે.

જ્યાં જન્મ ધારણ કરી દલપતરામે, આપ્યો અમૂલ્ય ઉપદેશ સુકાવ્ય વાટે; ધીરૂં સમુદ્ધરણ સંસૃતિનું બતાવ્યું,

ને સભ્ય, શાંત, સમયેાચિત ગાન ગાયું.
<poem>

મર્મવ્યથા હૃદયરેાદનથી બતાવી, ઉંડાં અનેક પડ અંતરનાં ઉખેડી, સત્સ્નેહસૂત્ર સહજે જગને જણાવી, સંક્રીડતો પ્રણયવિગ્રહ જ્યાં કલાપી.

સત્યાગ્રહી, અચલ, ઉજ્જવલ ને યશસ્વી, સત્કર્મવીર, સુરતેજભર્યો, તપસ્વી; ધૂમી રહ્યો કમર વિશ્વહિતાર્થ બાંધી, જેનો સુપુત્ર જનતાર્પિતદેહ ગાંધી.

જ્યાં વિશ્વના છલભર્યા પથથી વિખૂટાં, ઝેરી પ્રપંચ-પવમાન-પ્રસંગહીણાં; નિર્દોષ કૈં કૃષિકદંપતી ભેદ ભૂલી, મૂંગે મુખે મથી રહ્યાં કૃષિકર્મસેવી.

અજ્ઞાત જ્યાં અતિથિ પૂજન પૂર્ણ પામે, સર્વ સ્થળે નિજ નિવાસ શી શાંતિ સેવે. જ્યાં પ્રાણીમાત્ર ભયથી રહી મુક્ત રાચે, જયાં પૂર્ણ વિગ્રહવતી કરૂણા વિરાજે.

લજ્જાભર્યા અજબ કૈં અવગુંઠનેથી, સૌશીલ્યથી, વિનયથી, નત મસ્તકેથી; નિષ્કામ સ્નેહરસથી, દ્રવતી દયાથી,

શોભાવતી સદન જયાં શૂચિ સદ્મલક્ષ્મી
<poem>

એ સ્વર્ગકુંજ સરખી અમ માતૃભૂમિ, વાત્સલ્યથી, પ્રણયથી, રસથી ભરેલી; શ્રોણિ પરે સતત ભારત માત જેને, ઉભી ગ્રહી વિમલ વારિધિને કિનારે.

એ લાડિલી લલિત લક્ષણથી લસંતી, આશાભર્યા ઉર થકી હળવે હસંતી; એનું સદા સ્મરણ અંતરથી કરીશું, ને ઉત્તમાંગ જનની-ચરણે ધરીશું.