સ્રોતસ્વિની/માતૃભૂમિ

વિકિસ્રોતમાંથી
← સ્વાગત સ્રોતસ્વિની
માતૃભૂમિ
દામોદર બોટાદકર
સૌરાષ્ટ્ર →


<poem>

માતૃભૂમિ

(કવ્વાલી.)

અમે એ હિંદ માતાના ઉમંગી અભંકો સાચા, અમરને અંતરે જેના વિમળ ઉત્સંગની ઈચ્છા.

હજારે પુણ્ય તીર્થોની, કરોડો કર્મવીરોની; યશસ્વી યેાગીએા કરી પ્રસૂ એ પાવની પૂરી.

નિવારે પાપ પ્રાણીનાં ભૂમિનું તીર્થ કો ન્હાનું, હજારે તીર્થની માતા કરે કલ્યાણ તો કેવું ?

અમારો દેહ એ માટે, અમારા પ્રાણ એ માટે, અમારૂ વિત્ત એ માટે, અમારૂં જ્ઞાન એ માટે.

અમારૂં સ્વર્ગ એ સાચું, અમારી મુક્તિ એ મોંધી, અમારાં પૂર્વ પુણ્યોનું મહા ફળ માત એ મીઠી.

ભલે જાતે અમે જૂદા, ભલે ધર્મે રહ્યા જૂદા, પરંતુ માતને માટે અનેરા ઐક્યથી ઉભા.

સુભાગી એક ઉત્સંગે વસીને એક પય પીયું,

મધુરી એક માતાએ વપુ વાત્સલ્યથી પોષ્યું.
<poem>

અને એ એક શોણિતનાં વહે છે નાડીમાં બિંદુ, હજારો હિંચતી શાખા તણું ના મૂળ કૈં જૂદું.

કલહમાં કૈંક દિન કાઢ્યા વિપક્ષો વૈરથી માની, ઠગાયા ભેદને ભાળી, અજાણે યાદવી કીધી.

હવે સમજ્યા, હવે જાગ્યા, અમારી ભૂલ તો ભાગી, ગયું અજ્ઞાન અંધારૂં, ગઈ એ શર્વરી વીતી.

ગ્રહીને હસ્ત હસ્તેથી, હૃદય સાથે હૃદય જોડી, અત્રે એ ઉન્નતિ કેરે સરલ પન્થે જશું દોહી.