હાલરડાં/કાનકુંવરની ઝૂલડી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભોળી જમના હાલરડાં
કાનકુંવરની ઝૂલડી
ઝવેરચંદ મેઘાણી
કાનાની પછેડી →


કાનકુવરની ઝૂલડી

[કૃષ્ણજીની આંગડી ખોવાઈ. ત્યાં તો માતા જશોદાજી આકળા-બેબાકળા થઈ ગયાં. એના મનમાં તો એમ કે મારા દીકરા વગર બીજા કોઈને એ વસ્ત્ર ઓપે જ નહિ! મનમાં થયું કે પેલો ટીખળી નારદજી જ મારા બેટાની ઝૂલડી ચોરાવી ગયો હશે ! એને બોલાવી, આકરા સમ ખવરાવી, એનું સાચ નક્કી કરવા હું ધગધગતો ગોળો ઉપડાવીશ !]

ધન્ય ગોકુળિયું ધન્ય વનરાવન ધન્ય ગોકળની નારી !
માતા જશોદા ધોવા ગ્યાં'તાં ઝૂલડી વિસારી
કોઈને જડી હોય તો દેજો મારા કાનકુંવરની ઝૂલડી !

સાવ સોનાની ઝૂલડી મંહી રૂપાના છે ધાગા,
અવર લોકને અરઘે નહિ મારા કાનકુંવરના વાઘા.– કોઈને૦

શેરીએ શેરીએ સાદ પડાવું, ઘર ઘર હીંડું જોતી,
ઝૂલડીને છેડે મારાં અમૃત સાચાં મોતી. – કોઈને૦

ધમણ ધમાવું ગોળા તપાવું નારદને તેડાવું,
ઝૂલડીને કારણે એને તાતા સમ ખવરાવું. – કોઈને૦