હાલરડાં/કાનાની પછેડી

વિકિસ્રોતમાંથી
← કાનકુંવરની ઝૂલડી હાલરડાં
કાનાની પછેડી
ઝવેરચંદ મેઘાણી
ખોળે ખેલાવવાનાં જોડકણાં →


કાનાની પછેડી

નવાનગરમાં નવલી વાત, કાન ઘડાવે નવસર હાર;
હાર ઘડાવતાં લાગી વાર, કાન પછેડી રહી કમાડ !

આવી લુવારણ દીવડો લઈ, વળતાં પછેડી લેતી ગઈ.

તેડાવો લુવારણ ચલવો જાણ,
તે કેમ લૂંટ્યાં ગોકળ ગામ !

નથી લૂંટ્યાં અમે ગોકળ ગામ,
નથી દુવ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુડો કેસી રાત !
ધોળી પછેડી ઢૂંઢણ ભાત, કાળો કાનુડો આઠમ રાત;

ઓશીકે મેલીને કાન પાંગતે જુએ,
પછેડી સંભારી કાન ધ્રુશકે રુવે! - નવાનગરમાં૦

આવી સુતારણ બાજોઠ લઈ, વળતાં પછેડી લેતી ગઈ;
તેડાવો સુતારણ ચલાવો જાણ,
તેં કેમ લૂંટ્યાં ગોકળ ગામ !
નથી લૂંટ્યાં અમે ગોકળ ગામ,
નથી દુવ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુડો કેસી રાત !
પીળી પછેડી પોપટ ભાત, કાળો કાનુડો આઠમ રાત;
ઓશીકે મેલીને કાન પાંગત જુએ.
પછેડી સંભારી કાન ધ્રુશકે રૂવે ! – નવાનગરમાં૦

આવી કુંભારણ માટલાં લઈ, વળતાં પછેડી લેતી ગઈ;
બોલાવો કુંભારણ ચલાવો જાણ,
તેં કેમ લૂંટ્યાં ગોકળ ગામ !
નથી લૂંટ્યાં અમે ગોકળ ગામ,
નથી દુવ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુડો કેસી રાત !
રાતી પછેડી રીંગણ ભાત, કાળો કાનુડો આઠમ રાત;
ઓશીકે મેલીને કાન પાંગતે જુએ
પછેડી સંભારીને કાન ધ્રુશકે રુવે! – નવાનગરમાં૦