અકબર/બાબરનું કુટુંબ અને તેનું નાનપણ.

વિકિસ્રોતમાંથી
← દિગ્‌દર્શન. અકબર
બાબરનું કુટુંબ અને તેનું નાનપણ.
ઉત્તમલાલ ત્રિવેદી
બાબરે કાબુલ મેળવ્યું. →


પ્રકરણ ૨ જું.

બાબરનું કુટુંબ અને તેનું નાનપણ.

સને ૧૩૩૬ ના એપ્રિલ માસની નવમી તારીખે મરકંદની ઉત્તરે ત્રીસ માઈલ ઉપર આવેલા શહરસેબ્ઝમાં શુદ્ધ મુઘલ સત્ત્વના બીરબાઝ નામના લોકોના સરદારને ત્યાં એક પાટવી કુંવર જન્મ્યો હતો. આ શાહજાદાનું નામ તૈમુર હતું અને તેના માતુલવંશમાં જંઘીસખાન તેનો એક પૂર્વજ હતો. પોતાના જાતભાઈઓ ઉપર અમલ ચલાવે એવા ઉત્તમ ગુણોની તેને ઈશ્વરી બક્ષીસ હતી. આ ગુણોનો શ્રેષ્ઠ લાભ મળી શકે એવો ઉપયોગ કરવાને સારા નશીબે તેને પ્રસંગ આપ્યો. જંઘીસખાનના પુરુષ વંશજો ધીમે ધીમે નિર્બલતા અને પ્રમાદમાં બુડી ગયા હતા; અને સને ૧૩૭૦ માં તો બધા મરી પરવાર્યા હતા. આ વખતે તૈમુર ચોત્રીસ વરસનો હતો; તેણે ખાલી પડેલી ગાદી ઝડપી; અને નશીબના કેટલાક સારા નરસા રંગો વીત્યા પછી તે પૂરો પ્રબળ થયો, અને ક્સસ અને જેગ્ઝાટીંગ વચ્ચેના તમામ મુલકનો એકાતપત્ર રાજા થઇ મરકંદમાં પોતાનું સ્થાપન કર્યું. પછી તેણે વિજયાસક્તિની જીંદગીમાં પ્રવેશ કર્યો અને તેની વિજયાસક્તિનો અંત તેની જીંદગી સાથેજ આવ્યો. તેણે ટીબેટ પર્વતો–દક્ષિણમાં સિંધુ અને મકરાન અને ઉત્તરમાં સાઈબીરીયાની વચમાં આવેલા મુગલીસ્તાન ઉપર–તથા જેગ્ઝાટીંઝના નીચાણના પ્રવાહની ઉત્તરનો મુલક–આરલ સમુદ્ર, ડોન અને વોલ્ગા નદીના ઉમદા પ્રદેશ સહિત કાસ્પીયન સમુદ્ર અને યુગ્ઝાઈનના પ્રદેશના કેટલાક ભાગો–ઉપર–એટલે કીપચક ઉપર પોતાની સત્તા સ્થાપી. તેણે હિંદુસ્તાન જીત્યું અને ડાર્ડનલ્સ અને દિષ્ટી વચ્ચેના મુલકના તમામ લોકોમાં પોતાના બળે આણ વર્તાવી. સને ૧૪૦૫ ની અઢારમી ફેબ્રુઆરીને દિવસે જ્યારે તે મરી ગયો ત્યારે દુનીઆમાં કોઈ દિવસ પણ નહિ થવા પામેલું એવું એક મોટામાં મોટું રાજ્ય તે મૂકી ગયો.

તેના મરણ પછી તેનું રાજ્ય જલદીથી છિન્નભિન્ન થઈ ગયું. અને તેના પ્રપ્રૌત્ર બુસૈદે તેમાંના કેટલાક ભાગનું ફરીથી બંધારણ કર્યું તોપણ અર્દિબીલ અગાડીના પર્વતોના સાંકડા રસ્તાઓમાં ઓચિંતો સપડાયાથી નિપજેલા આ બાદશાહના મરણથી અને તેના લશ્કરના પરાભવથી તેટલા રાજ્યના પણ તેના કુંવરો વચ્ચે પાછા તરતજ વિભાગ પડ્યા. આમાંના ઉમર શેખ મીરઝા નામના ત્રીજા કુંવરના ભાગમાં ફરઘાનાનો મુલક આવ્યો. જેનું બીજું નામ–રાજધાનીના શહેર ઉપરથી ખોકંદ પણ હતું.

આ ઉમરશૈખ તે બાબરનો પિતા થાય. તે રાજ્યલોભવાળો અને મુલક વધારવાના નિશ્ચયવાળો હતો. પણ તેના કુટુંબના બીજા શાહજાદાઓને પણ તેવોજ લોભ હતો અને જ્યારે એક અકસ્માતના પરિણામે સને ૧૪૯૪ માં એ મરણ પામ્યો ત્યારે પોતે જેમાં રાજધાની કરી હતી તે અબસી નામના કીલ્લાને ઘેરો ઘાલેલો હોવાથી તે પણ કેદજ હતો.

આ વખતે તરતજ બાર વર્ષની વયે પહોંચેલા તેના પાટવી કુંવર બાબર અબસીથી છત્રીસ માઈલ દૂર અંદીજાન અગાડી પડેલો હતો. શત્રુઓ તે શહેર ઉપર વધ્યા આવતા હતા. બાબરે તેનો બાપ મરી ગયો તેને વળતે દિવસે (જુનની ૯ મી તારીખે ) કીલ્લાનો કબજો કર્યો અને ચઢી આવનાર સાથે ભાંજગડ કરાવવી શરૂ કરી. શત્રુઓના સૈન્યમાં અદેખાઈ અને કુસંપ નહત તે આ શ્રમથી તેને કાંઈ પણ ફળ થાત નહિ. પણ આ અદેખાઈ અને કુસંપે ફરઘાનાનો જેટલો મુલક અવશેષ રહ્યો હતો તેટલો બધોએ તેને નિર્ભયતાથી અપાવ્યો. પણ ખોજંદ મરઘીનન અને ઉરાત્યુપ એ ત્રણ મોટાં મથક એણે ખોયાં.

શત્રુઓ પાછા ફર્યાને બે વર્ષ થયાં ત્યાં સુધી તો આ કુમાર પોતાની સંપત્તિ દૃઢ કરતો અને લાગ તકાસતો શાન્તિથી બેસી રહ્યો. પછી સમરકંદમાં તોફાન જાગ્યાથી તે વખતના મધ્યમ એશિયાના એ મુખ્ય મથક ઉપર ધસારો કર્યો. સને ૧૪૯૭ ના નવેમ્બરમાં તેણે તે શહેરને વશ થવાની જરૂર પાડી. પણ પોતાના લશ્કરને આડે હાથે લુંટ ચલાવવાની તે રજા ન આપે તેથી તેના હજારો માણસ તેને છોડીને ચાલી નીકળ્યાં તોપણ તે ટકી રહ્યો. અને ફરઘાનાના મુલક ઉપર શત્રુઓ ચડ્યા છે એવા સમાચારે તેને કબજો છોડાવવાની જરૂર પાડી. તે ઉપડવાની તૈયારીમાં હતો ત્યારે સખત મંદવાડે તેને પથારીવશ કર્યો. અને આખરે જ્યારે ફરઘાના પહોંચ્યો ત્યારે તેણે સાંભળ્યું કે તેનું રાજનગર શત્રુને વશ થયું છે. ખરૂં જોતાં આ વખતે તે રાજ્ય વિનાનો રાજા થઈ રહ્યો. તેણે લખ્યું છે કે અંદીજાન બચાવવાને મેં સમરકંદ ખોયું અને હવે મને માલમ પડ્યું કે એકને સાચવી રાખ્યા વિના બીજું ખોયું.

તોપણ તેણે ખંતથી ઉદ્યમ જારી રાખ્યો, કાંઈક ઓછા થએલા મુલકવાળું પણ ફરઘાના પરગણું પાછું મેળવ્યું અને સમરકંદ ઉપર વળી બીજી વાર ધસારો કર્યો. પણ ઉઝબેક લોકોએ તેને ઘેરો ઉઠાવવાની ફરજ પાડી અને તે દરમિયાન શત્રુઓએ તેનો પોતાનો મુલક ચઢાઈઓ કરી જીતી લીધેલો હોવાથી બાબર પોતાની જન્મભૂમિ તરફ પાછો ફર્યો. ઘણાં સાહસો અનુભવીને અને નશીબ સાથે તરફડીયા માર્યા પછી પાસે રહેલા ઘણા થોડા સૈનિકોની મદદથી પાછા ફરી સમરકંદ ઉપર છાપો મારવાનો યત્ન કરવાનો તેણે ઠરાવ કર્યો. આ સાહસ ઘણુંજ જોખમ ભરેલું હતું–કેમકે તેના તમામ સૈન્યની સંખ્યા માત્ર બસેંને ચાળીસ હતી. તેણે ધારેલો યત્ન કર્યો અને સખ્ત હાર ખાધી. ફરીથી તેજ યત્ન નવેસરથી કર્યો અને તેમાં તેને ફતેહ મળી. તે ખરે વખતે પહોંચ્યો. દૂર્ગરક્ષક સૈન્યમાંના છેલ્લા યોદ્ધાએ નમતી આપી કે તરતજ ઉઝબેક લોકોનો સરદાર પોતાના લશ્કરના મોખરાના યોદ્ધાઓ સાથે તે જગા ઉપર દડમજલ સવારીએ આવતો જણાયો.

તેને સખત હાર ખાઈ પાછા ફરવું પડ્યું. પણ બાબર પોતાની જીત સાચવી શક્યો નહિ. વળતાં વસંતઋતુમાં ઉઝબેક લોકો જોરબંધ પાછા આવ્યા. તેમને નિષ્ફળ કરવાને શહેરની બહાર બોખારાના રસ્તા ઉપર બાબરે એક સંગીન સ્થળ ઉપર પડાવ નાંખ્યો હતો. તેની જમણી તરફ રહેલા સૈન્યને કોહીક નદીનું રક્ષણ હતું. જો આ સ્થળ ઉપર શત્રુની રાહ જોઈને તે બેસી રહ્યો હોત તો તો ઘણું કરીને તેણે શત્રુઓને પાછા હઠવાની જરૂર પાડી હોત. કારણ કે આ જગ્યા બળને ગાંઠે એવી નહતી. પણ જોશી લોકોએ લોભાવ્યાથી તે પોતાની મરજી વિરૂદ્ધ આ નદીના સામા કીનારા સુધી ઉઝબેક લોકો ઉપર હલ્લો કરવા સારૂ આગળ વધ્યો. ત્યાર પછી જે લડાઈ થઈ તેમાં પ્રથમ તેની લગભગ જીત થઈ પણ આખરે તેણે સખત માર ખાધો અને શહેરના કીલ્લાની અંદર ભરાઈ રહ્યો. અહિંયાં પાંચ મહીના સુધી તેણે ટકાવ કર્યો પણ પછી દુકાળને લીધે દબાઈ જવું પડ્યું. પોતાના અનુયાયીઓની સાથે તેને શહેર છોડવા દેવામાં આવ્યું. તેણે ઉરાત્યુપનો રસ્તો લીધો અને છેવટે ઉરાત્યુપના રાજ્ય કર્તા ખાને તેને આપેલા દેહકાત નામના ગામડા તરફ રવાના થયો. આ પછીનાં ત્રણ વરસ સુધી તો તેણે સાહસિક નરનીજ જીંદગી ભોગવી. તે હમેશાં આનંદી રહેતો અને અંતે જય મળશે એવી આશાથી ઉત્તેજિત થઈ ઉત્સાહ અને દૃઢતાથી કામ કરતો. આજે દેશનિકાલ થઈ વેરાનમાં રહે તો કાલે કાંઈ સવારી કરી કોઈ ગાદી મેળવે. ફરઘાનાનો મુલક પાછો મેળવવાને તેણે ફરીથી પ્રયાસ કર્યો પણ તેને પાછા હઠવાની જરૂર પડી. પછી બસેં ત્રણસેં પંચરાઉ માણસોના ટોળા સાથે ખોરાસાન ઉપર સવારી લઈ જવાનો ઠરાવ કર્યો. દેખીતી તો આ ગાંડાઈ હતી, પણ એ ગાંડાઈ એ રીતિસર હતી. તેણે કેવી રીતે સવારી કરી અને તેનું શું પરિણામ આવ્યું તે આવતા પ્રકરણમાં કહીશું.