અકબર/બાબરે કાબુલ મેળવ્યું.

વિકિસ્રોતમાંથી
← બાબરનું કુટુંબ અને તેનું નાનપણ. અકબર
બાબરે કાબુલ મેળવ્યું.
ઉત્તમલાલ ત્રિવેદી
બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ. →


પ્રકરણ ૩ જું.

બાબરે કાબુલ મેળવ્યું.

આ વખતે કાબુલના રાજ્યમાં આપણે હાલમાં, પૂર્વ અફઘાનીસ્તાન કહીએ–એટલાજ મુલકનો સમાવેશ હતો; એટલે કાબુલ અને ઘઝની પ્રાંતોજ હતા. હીરાત–મધ્ય એશિયામાં એક મોટામાં મોટા સ્વતંત્ર રાજ્યનું રાજનગર હતું. અને કંદહાર બેજોર સ્વાત અને પેશાવર ઉપર કાબુલ જોડે કંઈ પણ સંબંધ વિનાના સરદારોનો અમલ હતો. સપાટ ભૂમિ ઉપર વસનારી અને સીમાડાની ખીણોમાં રહેતી કોમોજ કાબુલના બાદશાહની આણ માનતી. શબર જાતિ તો થોડી મુદ્દત ઉપરના તેમના વંશજોના જેવીજ સ્વતંત્ર અને સામી થનારી હતી. આ વખતે કાબુલમાં લગભગ અંધરેજ ચાલતું હતું. આ દેશના મર્હૂમ રાજા અબુસૈયદના એક પ્રપ્રૌત્ર અબદુલ રઝાક ઉપર કન્દહારના બાદશાહના એક શાહજાદા મહમદમોકીએ છાપો મારી તેને શહેરમાંથી બહાર કાડી મુક્યો હતો. અને આ નવો રાજા ભવિષ્યનો કાંઈ પણ વિચાર વગર આખી દુનિયાં ઉંઘતી હોય અને પોતાને તો કાંઈ જોખમ છેજ નહિ, એમ સમજીને નિઃશંક રાજ્ય કરતો હતો.

ઉપર કહેવાયું છે કે બાબરે પોતાની ભટકતી જીંદગીથી કંટાળીને ખોરાસાન ઉપર ચઢાઈ કરવાનો ઠરાવ કર્યો. આ હેતુથી એણે ઓક્સસ નદી ઓળંગી અને તે પ્રદેશના રાજા સુલતાન ખુશરૂના શાહજાદા બાકી એની સાથે ભળ્યો એટલે તેણે અજેર ઉપર સવારી કરી અને થોડા દહાડા ત્યાં રહ્યો. પછી ખુશરૂની નોકરીમાં રહેલા મુઘલ લોકોએ ફિતુર કર્યું છે એવા સમાચાર સાંભળ્યાથી તેણે તે સ્થિતિનો લાભ લઈ શકાય માટે લીકાન ઉપર ચઢાઈ કરી. આ બે સ્થળોની વચ્ચમાં ખુશરૂના મુઘલો તેના ભેગા ભળ્યા અને તેને ખબર મળ્યા કે બાકીના લશ્કરની સાથે સુલતાન ખુશરૂ કાબુલ જવા ઉપડ્યો છે. આ બે લશ્કરો રસ્તામાં એવાં લગોલગ આવી ગયાં કે બે સરદારનો ભેટો થયો. પરિણામે ખુશરૂને છેક નમવું પડયું. અને તેનું લશ્કર ટોળાબંધ બાબરના પક્ષમાં આવ્યું. આ પ્રમાણે બળવાન થયેલા બાબરે કાબુલ ઉપર સવારી કરી તે શહેરને ઘેરો ઘાલ્યો અને સને ૧૫૦૪ ના અક્ટોબરમાં તે લીધું. નશીબના આ અણચિંતવ્યા ફેરફારથી પોતાને વારસામાં મળેલા અને પાછળથી ખોયેલા ફરઘાનાના રાજ્યનો જેની આગળ કંઈ હીસાબ નહિ એવા એક મોટા રાજ્યનો–એટલે કાબુલ અને ગઝનીનો હું બાદશાહ થયો એમ તેને ઓચિંતુ માલમ પડ્યું.

આ નવી રાજ્યગાદી ઉપર પોતાની સત્તા કેટલી છે તે તપાસવા માંડ્યાને ઝાઝો વખત ન લાગ્યો ત્યાર પહેલાં તેને જેલમ નદીની દક્ષિણે એટલે હિંદુસ્તાનની હદમાં આવેલા બેહર નામના મુલક ઉપર ચડાઈ લાવવાનું આમંત્રણ મળ્યું. આ આમંત્રણ તેની પોતાની ઈચ્છાને એટલું બધું અનુરૂપ હતું કે ના ન કહી શકતાં તેણે જલાલાબાદનો રસ્તો લીધો. આ વખતે સને ૧૫૦૫ નો જાન્યુઆરી મહિનો ચાલતો હતો. સુલતાન–( અહિંંઆં તે સુલતાન કહેવાતો હતો.) બાબરે પોતાની તવારીખમાં એશિયાખંડના આ ઇશ્વરી બક્ષીસવાળા ભાગને જોઈને પોતાના મનમાં,–તેની પછી આવનારા તમામ વીર પુરુષોને બેશક પડેલી અને જેણે કરીને જોસભેર આગળ વધવાને તેમનો નિશ્ચય થયો કહેવાય, એવી જે છાપ પડી તે લખી મૂકી છે. તે લખે છે કે મેં કદી પણ ગરમ દેશો હજી જોયા નહતા. તેમજ હિંદુસ્તાનનો મુલક પણ જોયો નહતો. ત્યાં પહોંચતાં મે એકદમ નવીન સૃષ્ટિ દેખી. વનસ્પતિ, વેલા, ઝાડ, જંગલી પ્રાણી વિગેરે સહુ તદન જુદુંજ હતું. મને ખરેખર અચંબો થયો. અને અલબત અજાયબી પામવા જેવું હતુંજ. પછીથી તે ખૈબર પાસને રસ્તે થઈને પેશાવર ગયો અને સિંધુ નદીને નહિ ઓળંગતાં કોટાન–બંગશ—બનૂ અને દેશીદમનને રસ્તે થઈને મુલતાન ઉપર સવારી કરી. પછીથી થોડા દિવસ સુધી સિંધુ નદીની તેડે તેડે ચાલ્યો અને પશ્ચિમ તરફ વળીને છોટીઆળી અને ઘઝનીને રસ્તે કાબુલ આવ્યો. આ સવારીને બાબરની હિંદુસ્તાન ઉપરની પહેલી સવારીનું નામ આપવામાં આવ્યું છે. પણ આ સવારીમાં ફક્ત તે સીમાને અડકીનેજ ચાલ્યો ગયેલો હોવાથી તપાસ કરવાને ફરવા નીકળ્યો હોય એવું આનું રૂપ હતું. અને તેમ હતું તોપણ આનાથી વધારે જોવાની આતુર ઈચ્છા તેના મનમાં પ્રબળ થઈ.

પણ હિંદુસ્તાનથી લોભાયેલ, જ્યની ઈચ્છાવાળા સર્વે પુરૂષોની પેઠે કન્દહારના સ્થળમાં પોતાનું નિઃશંક સ્થાપન કરવાની ખરેખરી જરૂર તેને પણ જણાઈ. પોતાના મુલકમાં જાગેલી ખટપટથી બીજી સવારીને જરા વિલંબ થયો. પણ જ્યારે તે ખટપટ શાંત થઈ ત્યારે કેટલીક બહારની બીનાઓ ઉપર લક્ષ આપવાની જરૂર લાગી. એનો જુનો શત્રુ શાઈબાની વળી ફરીથી મરકંદ ઉપર રાજ્ય કરતો હતો અને કેટલીક બીજી નાની જીતો મેળવ્યા પછી લ્ખને ઘેરો ઘાલવા આવ્યો હતો. હેરાતના સુલતાન હુસેન મીરઝાંએ આના પ્રયાણથી ગભરાઈને શત્રુ ઉપર ધસારો લઈ જવામાં મદદ માગવા સારૂ બાબરને દૂત મોકલ્યો. બાબરે તરતજ કહેણ સ્વીકાર્યું અને સને ૧૫૦૬ ના જુન મહિનામાં કાબુલથી નીકળી કશમર્દ જઈ પહોંચ્યો અને ત્યાં સામગ્રી એકઠી કરવા અને તેનો સંગ્રહ કરવા સારૂ થોભ્યો. એ આ કામમાં રોકાતો હયો તેવામાં એને એવો સંદેશ મળ્યો કે સુલતાન હુસેન 'મીરઝાં મરણ પામ્યો છે. એ એકદમ આગળ વચ્ચે અને આઠસેં માઈલ સુધીની એક કુચ પછી મરહુમ સુલતાનના શાહજાદાઓને અને તેમના લશ્કરને મુરઘાબ નદી ઉપર મળ્યો.

સુલતાનના બે શાહજાદાઓ સંયુક્તરાજ્યકર્તાઓ (Joint Rulers) તરીકે ગાદીએ બેઠા હતા. બાબર સમજી ગયો કે તેઓ રૂપાળા, ભણેલાગણેલા, બુદ્ધિશાળી પણ જનાની અને ચેનબાજીમાં પૂર હોઈ કઠણ શાઈબાનીની સામે દૃઢ રહેવાને અશક્ત છે. તેઓ હજી છાવણીમાં ચેનબાજી ઉડાવતા હતા, એટલામાં તો આણે તો બલ્ખ લીધું. કેટલાક વિવાદ પછી બે બાદશાહો એવા ઠરાવ ઉપર આવ્યા કે હાલમાં લશ્કરને વીખેરી નાંખવું અને વસંતમાં પાછા મળવું. શિયાળો બેસતો હતો. પોતાના ઠરાવની વિરૂદ્ધ બાબરને તેના આ બે યજમાનોની મુલાકાત લેવા હીરાત જવું એમ સમજાવવામાં આવ્યું. આ રાજ્યધાનીના વર્ણનમાં બાબરે પોતાના આત્મચરિત્ર–લેખનાં પાનાનાં પાનાં ભર્યાં છે. વીસ દિવસ સુધી તે હમેશાં નવી નવી જગાઓની મુલાકાત લેતો અને છેક ૨૪ મી ડીસેમ્બર સુધી તો ઘર તરફ કુચ કરવાનો ઠરાવ તેનાથી થયો નહિ.

આ તેની કુચ કેવી કસનારી, કેવી મુસ્કીલ અને કેવી અશક્ય હશે તેનો ખ્યાલ આપણા જે સૈનિકોએ સને ૧૮૭૯–૮૧ ની લડાઈમાં અફઘાનીસ્તાનમાં નોકરી કરી હશે તેમને જ પૂર્ણ રીતે આવી શકે. ઉનાળામાં વીસ મજલ જેટલું આ અંતર હતું. પર્વતોને ચીરીને પાડેલો રસ્તા; ઉનાળામાં તો એટલો બધો મુશ્કેલ નહિ પણ શીયાળામાં તો ભલભલાને ધીરજ ન રહે એવો હતો. આજ ઋતુમાં ચારે તરફ વરસતા બરફમાં બાબરે આ મજલ આરંભી. તે પંડેજ આગળ થયો અને ન માની શકાય એવા શ્રમથી પોતાના થાકી ગયેલા અને બેફીકરા સૈન્યને છેક ઝીરીનપાસની તળેટી સુધી દોરી લાવ્યો. અહીંઆં સ્થિતિ નિરાશાજનક હતી. જબ્બર વાવાઝોડું, ઉંડો બરફ અને માર્ગ એક વખત એકજ માણસ નીકળી શકે એટલો સાંકડો, તોપણ બાબર આગળ ધસ્યે ગયો અને રાત પડતાં પડતાં કેટલાંક માણસનો સમાસ થાય એવી એક લાંબી ગુફા આગળ આવી પહોંચ્યો. એના ચારિત્ર્યના સુલક્ષિત અંગરૂપે રહેલી ઉદારતાથી–એણે પોતાનાં માણસોને અંદર દાખલ કર્યા અને હાથમાં એક કુવાડી લઈ તેણે પોતે પોતાની મેળે પોતાને માટે તે ગુફાના મુખ આગળ એક ખાડો ખોદી કહાડ્યો. એટલામાં અંદર પ્રવેશ પામેલાં માણસો જેમ જેમ આગળ જવા લાગ્યાં તેમ તેમ તે ગુફા તેમને મોટી લાગવા માંડી અને આખરે પચાસ સાઠ માણસને આશ્રય આપી શકે એવી મોટી નીકળી. આ જાણી બાબર અંદર ગયો અને પોતાના માણસોની સાથે જે કાંઈ થોડો ઘણો ખોરાક હતો તે વહેંચી ખાધો. બીજે દિવસે સવારમાં બરફ પડતો બંધ થયો. તોફાન જરા શમ્યું અને લશ્કર જોસબંધ આગળ વધવા માંડ્યું. આખરે ફેબ્રુઆરીના અંતમાં તે કાબુલ પહોંચ્યો ત્યારે તેણે સાંભળ્યું કે શહેરમાં બળવો થયો છે અને પહેરેગીર લોક નીમકહલાલ છતાં પણ હાલત ભયભરેલી છે. બાબરે આ પ્રસંગને બરોબર કેળવ્યો. પોતાના ઉપકારો સાથે કહેણ સંદેશા ચલાવી યોગ્ય હથોટીથી છાપો મારી તેણે તે જગ્યા પાછી મેળવી. બળવાખોરો તરફ તેનું વર્તન અત્યંત દયાપૂર્ણ હતું.

તે વર્ષના એટલે સન ૧૫૦૭ ના વસંત માસમાં ઉઝબેકનો સરદાર સાઇબાનીખાન જેણે પ્રથમ બાબરને સમરકંદમાંથી હાંકી કાઢ્યો હતો તેણે

હુમલો કરીને લ્ખ જીત્યું હતું અને પછી ખોરાસાન ઉપર ચડાઈ કરી હીરાત પણ સર કર્યું હતું. ન્દહાર જે કેટલેક અંશે હીરાતના રાજાઓના તાબાનું હતું તે સુલતાન હુસેન મીરઝાંના વખતના ત્યાંના સુબા મીરઝલતન બેગના શાહજાદાઓ બથાવી પડ્યા હતા. અને તેમણે શાઈબાની વિરૂદ્ધ બાબરની મદદ માગી હતી. તેને માન આપી બાબર કંદહાર ઉપર ચડ્યો. ત્યાં જતાં પદભ્રષ્ટ કરેલા સુલતાન હુસેનના વંશના નાસતા અનુચરો તેને મળ્યા. પણ તે કંદહાર પહોંચે ત્યાર પહેલાં તો શાઈબાનીખાંએ ઝુલનુનના છોકરા ઉપર અત્યંત દબાણ કર્યાથી તેમણે તેની સર્વોપરિ સત્તા સ્વીકારી. તેમણે આ વાત બાબરને સ્પષ્ટતાથી સમજફેર ન થાય તેવી રીતે જણાવી અને બાબરે હથીયારના બળથી પોતાની દાદ મેળવવાનો ઠરાવ કર્યો.

એનું સૈન્ય સંખ્યાબંધ નહતું. પણ તેને પોતાના સૈન્યમાં અને પોતામાં ભરૂંસો હતો. કંદહારમાં થયેલા ફેરફારની પ્રથમ સૂચના મળી તે જગાએથી એટલે–કિલાન–ઈ–ધીલઝઈ–થી તરનક નદીના ઉતારની જગ્યા તરફ તે ચાલ્યો. ત્યાં અગાડી પોતાના વિચારોની ખાત્રી થઈ અને લડાઈનાજ ઢંગમાં–નદીને કિનારે કિનારે કન્દહારથી પાંચ છ માઈલ દૂર બાલાવલી સુધી આવીને કાલીશદની ટેકરીમાં પડાવ નાખી રહ્યો. અહીંયાં એણે વિશ્રામ લેવાનું ધાર્યું અને તેના લૂંટારાઓને ખોરાક વગેરે શોધી એકઠો કરવા સારૂ મોકલ્યા. પણ આ લોકોએ છાવણી છોડી કે તરતજ તેણે આશરે પાંચ હજાર માણસોનું શત્રુનું સૈન્ય શહેરમાંથી પોતાના તરફ આવતું દીઠું. તેની પાસે હથીયારબંધ ફક્ત એક હજારજ માણસો હતાં. કારણ કે બીજાં બધાં તો લૂંટમાં રોકાયેલાં હતાં. તે સમજી ગતો કે વખત ફાંફાં મારવાનો નથી. પોતાના માણસોને બચાવ કરવા ઉભાં રહ્યાં હોય તેમ ગોઠવીને તે શત્રુના દળની રાહ જોતો બેઠો. પછી ઝુલનુના શાહજાદાઓએ બડી બહાદુરીથી મોખરે આવીને ધસારો કર્યો તે બાબરે પાછો વાળ્યો એટલું જ નહિ, પણ શત્રુઓને નાસવું પડયું–અને શહેરમાં પહોંચતાં પહેલાં તો તેમને તેણે કાપી નાંખ્યા જેથી–તમામ ખજાના સહિત આખું શહેર એને તાબે થયું. આ શહેરની અંદરથી તેને જે જે મળ્યું તે બહુ અમૂલ્ય હતું પણ કંદહારમાં ન રહેતાં–બાબરે તે શહેરનો બચાવ કરવા પોતાના ભાઈ નાઝીર મીરઝાને મૂક્યો–અને કાબુલ તરફ પાછો ફર્યો. સને ૧૪૦૭ ના જુલાઈ માસની આખરે પુષ્કળ લૂંટ અને કીર્તિની સાથે તે કાબુલ પહોંચ્યો.

ત્યાં પહોંચ્યો કે તરતજ તેને ખબર મળી કે શાબાનીખાંએ કંદહાર ઉપર ચડી જઈ નાઝીર મીરઝાંને ઘેરી લીધો છે. હવે શું કરવું તેમાં એ ગુંચવાયો; કારણ કે રણભૂમિ શાઈબાનીની બરોબરી કરવાની એનામાં તાકાત નહતી. પણ સ્વભાવથી યુક્તિબાજ હોવાથી તે વખત એણે ધાર્યું કે આ વખતજ કંઈક સામાં પગલાં ભરવાં એ સૌથી વધારે અસરકારક થઈ પડશે. પણ સંદેહ ફક્ત એટલોજ રહ્યો કે સમરકંદને ભયમાં નાખી શકાય એવી જગા ઉપર એટલે દક્ષાન ઉપર પગલું ભરવું કે હિંદુસ્તાન ઉપર. છેવટે તેણે હિંદ ઉપર ચડવા ઠરાવ કર્યો. તેનામાં ઠરાવ ઉપર આવવાની શક્તિ પ્રબળ બુદ્ધિ જેવીજ પ્રબળ કામ કરવાની ચંચળતા હતી. કાબુલ નદીના પ્રવાહના અનુસારેજ કુચ કરતો તે સિંધુ નદી ઉપર ચાલ્યો. તોપણ જલાલાબાદમાં થોડા દિવસ રહ્યા પછી તેણે સાંભળ્યું કે કંદહાર શહેર શાઈબાનીને વશ થયું. તેની સવારીનો હેતુ નષ્ટ થયાથી આ સમાચાર સાંભળીને તે કાબુલ ભણી પાછો ફર્યો.

આ પછીનાં સાત વરસ અગત્યના બનાવોથી ભરપૂર હતાં તોપણ તે હું ટુંકામાં પતાવી દઈશ. સને ૧૫૦૭–૧૫૧૪ સુધીમાં ઉત્તર તરફ સવારી કરીને બાબરે ફરઘાના પાછું મેળવ્યું. ઉઝ્‌બેક લોકોને હરાવ્યા, અને બોખારા અને સમરકંદ વશ કર્યાં. પણ ઉઝ્‌બેકોએ પાછા આવીને બાબરને દુળમળીક આગળ હરાવ્યો, અને આ બે શહેરોને છોડી જવાની તેને ફરજ પાડી. આને પાછા મેળવવાનો પ્રયાસ કરતાં તેને ફરીથી ઝદિવન આગળ હાર ખવરાવી અને હીસાર[૧]સુધી પાછો હાંકી કહાડ્યો. ત્યાં અગાડી જ્યારે કંઈ આશા ન લાગી ત્યારે તે સને ૧૫૧૪ ની શરૂઆતમાં કાબુલ પાછો ફર્યો.

વળી પાછો ટુંકામાં પતવવા જેવો આઠ વરસનો એક ગાળો આવ્યો. આ અરસામાં પર્વતમાં રહેનારા અફઘાનોને તેણે હંફાવ્યા. સ્વાત લીધું અને એક તહ્‌નામાની રૂઇએ કંદહાર પાછું મેળવ્યું. (સને ૧૫૨૨.) એ શહેર અને એના તાબાનો તમામ પ્રદેશ તેણે પોતાના રાજ્યમાં ભેળવી દીધો. આની અંદર હેલમંદ નદીની નીચાણની ઘણીખરી જમીનનો સમાવેશ થઈ જતો હતો.

તે દરમિયાન ઝુલનુનનો જ્યેષ્ઠ શાહજાદો શાહબેગ જેણે પ્રથમ કંદહાર ઉપર રાજ્ય કર્યું હતું, તેણે ચઢાઈ કરીને સિંધ જીતી લીધું હતું અને બક્કરને પોતાની રાજ્યગાદી બનાવી હતી. તે સને ૧૫ર૪ માં મરણ પામ્યો. નરસાપુરના સુબા શાહ હાસામ તૈમુરના કુટુંબના એક ભકિતમાન્ સહચારી ઉમરાવે આ ખબર સાંભળ્યા કે તરતજ બાબરને તે દેશના બાદશાહ તરીકે ઉચ્ચાર્યો અને આખા સિંધમાં ખતબા રાજાને માટે નવાઝ બાબરના નામની પઢાવી. અલબત આમાં ઘણો ભાગ સામો થયો. પણ શાહહાસાને આખો પ્રાંત વશ કર્યો અને બાબરને સર્વોપરિ માનીને રાજ્ય ચલાવ્યું. આખરે સને ૧૫ર૫ માં તેને મુલતાન બોલાવ્યો. આ કિલ્લા ઉપર હલ્લો કર્યો અને એક લાંબા ઘેરા પછી તેણે તેને વશ કર્યું. (સપ્ટેમ્બર ૧૫૨૬.)

આ અરસામાં હિંદુસ્તાનમાં મોટા બનાવો બનતા હતા. એજ વર્ષના એપ્રિલની ૨૯ મી તારીખે પાણીપતની લડાઈએ બાબરના હાથમાં હિંદુસ્તાન સોંપ્યું. હવે બાબરની હિંદ ઉપરની ચઢાઈનું વર્ણન કરવા માંડ્યા અગાઉ હિંદુસ્તાનના તે વખતમાં વર્તમાન રાજાઓની સ્થિતિ પણ ટુંકામાં બતાવવાની જરૂર છે.

  1. ૧ પૂર્વ દેશોના ઇતિહાસમાં હીસાર નામનાં બે શહેરો પ્રસિદ્ધ છે, એમાંનું એક દિલ્હીની ઉત્તરે સો માઈલ ઉપર આવેલું હિંદુસ્તાનમાં અને બીજું ઇરાનમાં અઝ્‌ર બીજાન નામના ઇલાકામાં તક્ત ઈ. સુલેમાનથી ૨૦ માઈલ ઉપર આવેલું છે. આ હીસાર તો ઓક્સસ નદીની એક શાખા ઉપર બલ્ખને ઈશાન ખુણે એકસોને ત્રીસ માઈલ ઉપર આવેલું તે છે.