લખાણ પર જાઓ

અખેગીતા/કડવું ૪ થું - અજ્ઞાની જીવની દુઃખ દશા

વિકિસ્રોતમાંથી
←  કડવું ૩ જું - વેદાંતના પ્રાચીન શ્રોતાવક્તાનાં નામ અખેગીતા
કડવું ૪ થું - અજ્ઞાની જીવની દુઃખ દશા
અખો
કડવું ૫ મું - જીવ ઉપર માયાનો દગો →


કડવું ૪ થું - અજ્ઞાની જીવની દુઃખ દશા

રાગ ધન્યાશ્રી

જે જેંતે જ જાણ્યો જે નિજઆતમાજી,
તે ભટક્યો ભર્મ્યો માયાના સાથમાંજી;
રયણીનો[] ભૂલ્યો ઘર પાસે પ્રાતમાંજી[]
પણ દિવસે દિશમોડયો[] ઘણું ભમે રાતમાંજી. ૧

પૂર્વછાયા

રાત્યમાંહે રડવડે, અજ્ઞાને આવર્યો હતો;
તે નિજ આત્માથી ઓતળી[], વિચરતો માયાવતો[]. ૧

જેમ સુતો નર નિદ્રાવિષે, માયા[] બહુ બીજી રચે;
માયાવરણ[] પોતે થઇ ને, નિદ્રાવશમાંહે[] પચે[]. ૨

આપથી[૧૦] ઓતળેથકે[૧૧], અસંભાવના[૧૨] ઉપજે;
પછે તે વિપરીતભાવના[૧૩] આચરે, ને દુઃખ પામે થોડે ગજે[૧૪]. ૩

પંચ પર્વા[૧૫] માયા-અવિદ્યા, હૂં મારૂં આદે સહી;
તે ફરે ફેરા ભવવિષે, જ્યમ મણિ નિગમે[૧૬] આંધળો અહિ[૧૭]. ૪

તે ભોગ દેખી ભૂર[૧૮] થાયે, લડાવા ઇંદ્રિ-વિષે[૧૯];
સંસારનાં સુખ સત્ય જાણી, કર્મ-મોદક[૨૦] નિત્ય ભખે. ૫

કર્મજડને કર્મ વહાલાં, મર્મ ન સમજે બ્રહ્મનો;
પૂરી પૂરી તે આચરે, પણ ટળે નહીં દેહ ચર્મનો[૨૧]. ૬

પરમાત્માને પુંઠ દઇ, આત્મા ઇંદ્રિ જુવે;
ઇંદ્રિની દ્રષ્ટિ વિષે સાહામી, એમ આપોપું[૨૨] નર ખુવે. ૭

વિષય વરક્ત[૨૩] કરે હરિથી, નીચપણું દે જીવને;
અજ્ઞાને અવળો ફરે, તે સંમુખ ના હોય શિવને. ૮

સંસારનાં સુખ અધિક દેખી, કૃપા માને ઇશ્વરી;
અંતરમાંહેનું જ્યાંન[૨૪] ન જાણે, જે પ્રાણપતિ ગયો વીસરી. ૯

કહે અખો સહુકો સુણો, જો આણો જીવના[૨૫] અંતને;
હીંદો પરમપદને પામવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. રાતનો
  2. સવારમાં
  3. જેને દિશાની ભ્રાંતિ થઇ છે એવો.
  4. વિમુખ થઇને
  5. માયાભણી
  6. સ્વપ્નના પદાર્થો
  7. સ્વપ્નના પદાર્થોને કલ્પનાર.
  8. નિદ્રાને વશ થઇને.
  9. સુખદુઃખનો અનુભવ કરે છે
  10. સ્વરૂપથી
  11. વિમુખ થવાથી
  12. સંશય
  13. વિપમર્ય-મિથ્યા જ્ઞાન.
  14. સામર્થ્યે
  15. વિભાગવાળી
  16. ખોવાઇ જવાથી
  17. સર્પ જેમ પોતાનો મણિ ખોવાઇ જવાથી આંધળો થઇ જાય છે તેમ અવિદ્યાને હું તથા મારૂં એવડે જીવ પોતાના સ્વરૂપને ભૂલી સંસારમાં ભ્રમણ કરે છે.
  18. કામનાવાળો
  19. ઈંદ્રિયોને વિષયમાં
  20. કર્મરૂપી ભાડું
  21. ચામડાનો
  22. સ્વરસ્વરૂપને
  23. અળગો
  24. હાનિ
  25. જીવભાવના