કલાપીનો કેકારવ/કુસુમ માટે પ્રાર્થના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્મૃતિ કલાપીનો કેકારવ
કુસુમ માટે પ્રાર્થના
કલાપી
એક ચિન્તા →


કુસુમ માટે પ્રાર્થના


કળી ક્‌હો કે કાંઈ, હૃદયરસ ક્‌હો કે સુખ કહો,
બગીચે આ મ્હારે ફુલ બસ રહ્યું એક જ હવે;
અરે ! વાયુ ભૂંડા ! અડીશ નહિ મ્હારા કુસુમને,
તને શું છે ? ભાઈ ! મુજ જિગર છો ત્યાં વિરમતું.

અદેખો તું શાને ? મુજ હૃદય ના ના બહુ સુખી,
અરે ! લીધાં મ્હારાં કુસુમ સઘળાં તેં જ ઝડપી;
રહ્યું છે આ છેલ્લું ! તુજ શરણ છે ! મ્હેર કરવી !
નથી દાવો કાંઈ ! પણ અરજ આ ઉર ધરવી !

પ્રભુનો તું છે તો પ્રભુવત દયાળુ કંઈ થજે,
ઉન્હા શ્વાસો ત્હારા મુજ કુસુમથી દૂર કરજે;
મ્હને આ ઝાળૉમાં શરણ નહિ, ટેકો નહિ કશો,
ઠરે આંખો કાંઈ બસ નિરખતાં આ કુસુમડું.

કરી લે ચાહે તે મુજ સહુ જ ખોળે તુજ પડ્યું,
ન સત્તા મ્હારી કૈં, બહુ બહુ કરૂં તો રડી રહું;
અરે ! રોનારાને રુદન હજુ દેઈ કરીશ શું ?
જવા દેને, બાપુ ! જખમી ઉરને દે જખમ શું ?

હશે કાંટા પુષ્પે - પણ મધુર એ કંટક મને,
અરે ! કાંટા માટે કદિ પણ હવે હું ન વિલપું;
નહીં ખેરૂં કાંટા, નહિ જ કદિ ઇચ્છા પણ ધરૂં,
હજો કાંટા સાથે કુસુમ કુમળું એ મુજ સદા.

મ્હને એ કાંટાથી બહુ સમયથી મ્હોબત થઈ,
મ્હને એ કાંટાથી રુદન કરતાં લઝ્ઝત મળી;
અરે ! ચોડ્યા હૈયે, જિગર ચીરતાં એ નવ ડર્યો,
હવે તો કાંટાથી મુજ હૃદયનું બન્ધન ઠર્યું.

ઉગારી લે તેને, મુજ જિગરને દે ઉગરવા,
નથી મીઠું ત્હોયે જીવિત વધુ ખારૂં કરીશ ના;
અરે ! નક્કી આવ્યો મુજ કુસુમને શું લઈ જવા ?
અરે ! મ્હારાં નેત્રે રુધિર ખરડી અન્ધ કરવા ?

ન તેની તૈયારી તુજ સહ હજુ કૂચ કરવા,
ઉખેડી તે દેવા મુજ ઉર ન તૈયાર અથવા;
જરા તો ઠેરી જા ! અમુક સમયે છે તુજ સહુ,
અમારાં હૈયામાં અરર ! હજુ કાંઈ રહી ગયું.

અમે શીખી લેશું પ્રણય કરવાની નવીનતા,
પછી તો આનન્દે ઉખડી ઉખડીને તુજ થશું;
પડું છું હું આડે, મુજ ઉપર જ્વાલા તુજ પડો,
ફુલો ચૂંટી લેવાં ! અરર ! તુજને એ નવ ઘટે.

પ્રભુ ! ત્હારૂં સર્વે, મુજ નહિ કશું આ જગતમાં,
મને મ્હારે કિન્તુ કુસુમ મધુરૂં આ મુજ ગણ્યું;

દયાળુ તું તો છે પણ ન નિરખું હું તુજ દયા,
અરે ! તેથી યાચું મૃદુ કુસુમડા ઉપર કૃપા.

૧૬-૧-૯૭