કલાપીનો કેકારવ/રસેચ્છા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← કમલિની કલાપીનો કેકારવ
રસેચ્છા
કલાપી
તુષાર →
વસંતતિલકા


રસેચ્છા* [૧]

પૃથ્વી! સમુદ્ર! પવન! પ્રિય ભ્રાતૃભાવ!
જો હોય લેશ હૃદયે મુજ ધર્મ, ને જો -

સન્ધ્યા પ્રભાત રવિનાં કિરણો રૂડાંથી -
રંગેલ લાલ પડદા નભના સુનેરી,

પુષ્પો પરે ટપકતાં સુતુષારબિન્દુ,
ને સ્નિગ્ધ પાંખ ફુલની મકરન્દભીની,
અન્ધાર ઘોર વિધુહીન નિશાની શાન્તિ,
વા શ્વેત દૂધ સમ રેલ રૂડા શશીની.

ઘેલાં વસન્તથી બનેલ મહાન વૃક્ષો,
વર્ષા કરે હરિત નાજુક જે સુગુલ્મો,
ને બર્ફના ઢગ ભરેલ તુષારકાલ-
આ સૌ મને દિલ સમાં પ્રિય હોય, ને જો-

કોઈ પશુ ગરીબડું જીવજન્તુ કોઈ,
વા પક્ષી કો ચસકતું કદિ ન્હોય દુભ્યું,
હોઉં રહ્યો સ્વજન સૌ ગણી સાથ હું જો,
બન્ધુ! તમે હૃદય આ રસથી ભરો તો!
૧૭-૧૨-૧૮૯૩

  1. '*ઈંગ્રેજ કવિ શેલિના એક કવ્યના ન્હાના કકડા પરથી